Welcome to Our Community Blog to enjoy old memories including beautiful scenes, some spiritual articles and some highlights of our mother land India.
Live Darshan

PRARTHNA SABHA KUMAR BHAI ASHAR BORIVALI

Ved and Puran in Hindi
Download All Ved and Puran PDF Hindi Free
Download All Ved and Puran in Pdf Format
- Agni Puran (Download)
- Bhagwat Puran (Download)
- Bhavishya Puran (Download)
- Brahma Puran (Download)
- Brahmand Puran (Download Part I) (Download Part II)
- Garuda Puran (Download)
- Kurma Puran (Download)
- Ling Puran (Download)
- Markandya Puran (Download)
- Matsya Puran (Download Part I) (Download Part II)
- Narad Puran (Download)
- Padma Puran (Download)
- Shiv Puran (Download)
- Skand Puran (Download)
- BrahmVaivatra Puran (Download)
- Vaman Puran (Download)
- Varah Puran (Download)
- Vishnu Puran (Download)
Upapuranas
- Narsimha Puran (Download)
Vedas
- AtharvaVed (Download Part I)(Download Part II)
- RigVed (Download)
- SamVed (Download)
- YajurVed (Download)
New Arrivals
- Shrimad Bhagwat Geeta Hindi-Sanskrit (Gorkhpur Press) (Download)
- Shrimad Bhagwat Geeta (Punjabi-Sanskrit Meanings) (Download)
- Shrimad Bhagvad Geeta (English-Exact Translation) (Download)
- Shri Guru Granth Sahib – (Punjabi ) (Download)
- Shri Guru Granth Sahib – (Hindi ) (Download)
- Mahabharat (Hindi) 271mb (Download)
- Ramayan (Hindi-Sanskrit) 182mb (Download)
- Ramayan (Tamil) (Download)
- Ramcharitmanas (English) (Download)
- Devi Bhagwat (Sanskrit Only) (Download)
- Kalki Puran in Hindi and Sanskrit (Download)
- Manusmriti (English) (Download)
- Vimanika Shaster (Hindi-Sanskrit) विमानिका शस्त्र (Download)
- Narayan Kwach नारायण कवच (Hindi-Sanskrit) (Fit to Smartphone Screen Size)(Download)
- Vayu Puran (Download)

''શ્રીમદ ભગવદ્ ગીતા''ની ખાસ ખાસ વિશિષ્ટતાઓ - 3
શ્રીમદ ભગવદગીતા-૬૩-
અધ્યાય-૪-
જ્ઞાન કર્મ સંન્યાસયોગ -૫
અહીં આગળ વાંચતા પહેલાં –એક વસ્તુ ફરી સમજી લેવાથી, આગળ સમજવાનું કદાચ સહેલું પડે.
પરમાત્મા (બ્રહ્મ-પરમ આત્મા) નિરાકાર (આકાર વગરના) છે. જયારે દેવ-દેવીઓ –એ આત્મા –તરીકે –શરીરધારી અવતાર તરીકે પરમાત્મા (બ્રહ્મ) નું સાકાર (આકારવાળું) સ્વરૂપ છે.
કર્મ નાં ફળ ની ઈચ્છા રાખનાર સામાન્ય માનવી, પૃથ્વી પરના દેવો કે દેવીઓ નું જ પૂજન કરી, પોતાની ઈચ્છા મુજબ નાં ફળ મેળવી, ખુશ થાય છે.અને તે દેવ કે દેવીઓ ને જ –પરમાત્મા માનવા માંડે છે-(જો કે એમાં કંઈ ખોટું નથી) પણ .........
સત્ય- પરમાત્મા –બ્રહ્મ નો –તેમના મન માં વિચાર સુદ્ધાં આવતો નથી.
આવા મનુષ્યો –કે –અનેક જુદા જુદા દેવ-દેવીઓ ને જ પરમાત્મા (બ્રહ્મ) માની અને ફળની ઈચ્છા માટે –જ- તે દેવ-દેવી ની ઉપાસના –પૂજા કરે છે,અને જયારે તેમને –તેમની ઈચ્છા મુજબ નું ફળ પ્રાપ્ત થાય છે- ત્યારે તે.....ઈચ્છા મુજબ નું ફળ (દેવ-દેવીની પૂજા કરવાથી કે તેમની માનતા રાખવાથી મળેલું ફળ)ખરી રીતે તો-તેમનાં જ કર્મો નું જ ફળ છે-આમાં આપનાર અને લેનાર- કર્મ- સિવાય બીજું કાંઇ છે જ નહિ.
(મનુષ્યે કર્મ કર્યું-પૂજા કરવાનું –કે માનતા રાખવાનું-અને દેવ-દેવીએ કર્મ કર્યું ફળ આપવાનું)
આ પૃથ્વી-લોક માં માત્ર –કર્મ- વડે જ- ફળ મળે છે.......જેવું કર્મ....... તેવા - ફળ ની પ્રાપ્તિ થાય છે.
ઉદાહરણ થી જોઈએ તો-
--જમીન ની અંદર જે જાત નું બીજ વાવીએ,તેવું જ અનાજ પેદા થાય છે,બીજી જાત નું નહિ.
--દર્પણ ની અંદર જેવી વસ્તુ હોય તેવું જ પ્રતિબિંબ પડે છે.
--ડુંગર ની ખીણ માં આપણા બોલેલા શબ્દો નો જ પ્રતિધ્વનિ સાંભળવા મળે છે.
જુદા જુદા દેવ-દેવી ની ઉપાસના નો આધાર માત્ર પરમાત્મા (બ્રહ્મ) જ હોવાથી,
દરેક મનુષ્ય ને તેની ભાવના (ઈચ્છા) મુજબ કે- તેને તે ઈચ્છા માટે કરેલ કર્મ મુજબ-જ- ફળ મળે છે. (૧૨)
દુનિયાના દરેક મનુષ્યો માં “એક” આત્મ તત્વ હોવાં છતાં, પ્રકૃતિ (માયા) ના ત્રણ જુદા જુદા ગુણો (રાજસિક,તામસિક,સાત્વિક) ના લીધે દરેક ના સ્વ-ભાવ જુદા જુદા દેખાય છે,જેને લીધે -તેમના કર્મો પણ જુદા જુદા દેખાય છે, આ ગુણો અને કર્મો ના હિસાબે –અને જગતના નિયમન માટે – ચાર વર્ણો (બ્રાહ્મણ,વૈશ્ય,ક્ષત્રિય અને શૂદ્ર) ની વ્યવસ્થા થયેલી હશે.
પરમાત્મા એ બનાવેલા આત્માએ (મનુષ્યે) આ વ્યવસ્થા –(તે જમાના ને અનુરૂપ) કરી હશે, એટલે-કે –એક “આત્મા” એ (મનુષ્યે) તે વ્યવસ્થા બનાવી,એટલે પરમાત્મા એ બનાવી એમ કહેવાય –
અને-
એમ –ના-પણ કહેવાય. કારણ કે “પરમાત્મા (બ્રહ્મ)” એ –તે વર્ણ-વ્યવસ્થા .ખુદ પોતે બનાવી નથી.
આ રીતે દરેક મનુષ્ય માં –દરેક આત્મા માં - એક સરખો –પરમાત્મા –આત્મા- રૂપે રહેલો છે,માટે દરેક મનુષ્ય પ્રભુ થી જુદો હોઈ શકે જ નહિ.(૧૩)
ઉદાહરણ થી જોઈએ તો-
જેમ કોઈ સ્કુલ માં બેલ વગાડનાર પટાવાળો,અને તે સ્કુલ નો હેડમાસ્ટર –એ બંને જણા –
તેમની પ્રકૃતિ અને ગુણો ના આધારે જુદા છે. પણ બંને માં એક જ આત્મ તત્વ છે- પટાવાળો હેડ માસ્ટર બની શકતો નથી,કે હેડ માસ્ટર પટાવાળો બની શકતો નથી.
ટૂંક માં કહીએ તો-
વર્ણભેદ(ચાર વર્ણો) –પરમાત્મા ની સત્તાથી થયેલો છે-તેમ છતાં –તેમણે (પરમાત્માએ) કરેલો નથી......... અને આ પરમાત્મા ના કર્મો ને (સૃષ્ટિ ની રચના) ...... સાચી રીતે જે સમજી લઇ અને પ્રકૃતિ-અનુસાર (સ્વ-ભાવ અનુસાર-વર્ણ અનુસાર) પોતાના- કર્તવ્ય-કર્મો –
કર્મ માં આસક્ત થયા વિના (વિવેકથી) કરે છે- તેને કર્મો નું બંધન લાગતું નથી. (૧૪-૧૫)
કર્મ એટલે શું ? અને અકર્મ એટલે શું ?
એના સંબંધે વિચાર કરતાં –મોટા મોટા વિદ્વાનો –જ્ઞાનીઓ ભ્રમ માં પડે છે. પછી અજ્ઞાની ઓ ની તો વાત જ શી ?
જેવી રીતે સો રૂપિયા ની –ખોટી નોટ પણ સાચી છે કે ખોટી તે જાણવામાં હોશિયાર બેન્કર પણ ભ્રમ માં પડે છે.તેવી રીતે આ કર્મ-અકર્મ ની વિચારણા માં જ્ઞાનીઓ ની પણ સુસ્તી ઉડી જાય છે.
શ્રીકૃષ્ણ કહે છે- કે-કર્મ એટલે શું ?તે હું તને જણાવું છું,કે જે -
જાણી ને તું સંસારના દુઃખ માંથી મુક્ત થઈશ. (૧૬)
🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳
🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿
શ્રીમદ ભગવદગીતા-૬૪-
અધ્યાય-૪-
જ્ઞાન કર્મ સંન્યાસયોગ -૬
“આપણે તો ફળ ની આશા રાખ્યા વગર કર્મ કર્યે જવાનું-ફળ આપવું કે ન આપવું તે તેના (ઈશ્વરના) હાથમાં છે” આવી વાત રોજ ને રોજ ઘણાં મનુષ્યો પાસેથી સાંભળવા મળતી હોય છે. પણ આવા લોકો સાચું શું છે ? તે સમજ્યા છે,કે નહિ તેની ખબર પડતી નથી.
કોઈ પણ વ્યક્તિ કર્મ કરે એટલે તેનું ફળ મળવાનું જ છે, ભલે તે સારું હોય કે ખરાબ. પણ જયારે સારું ફળ મળે,ત્યારે મનુષ્ય તે ફળ ને ભોગવવામાં આસક્ત થઇ જાય છે,અને પછી,બધી ગીતા ના-કર્મ ની વાતો ભૂલી જાય છે.તેના મન માં અભિમાન આવી જાય છે-કે –
“મેં કર્મ કર્યું “ અને મને ફળ મળ્યું.
જે ફળ ઈશ્વરે આપ્યું-તે ઈશ્વરને ભૂલી જાય છે, ગીતામાં જે લખ્યું છે-તેનો સાચો અર્થ ભૂલાઈ જાય છે.
મનુષ્ય ને માત્ર- કર્મ કરવાનો જ અધિકાર છે-તેના ફળ ઉપર મનુષ્ય નો અધિકાર નથી. ફળની આશા (ઈચ્છા) વગર કર્મ કરવાનો –જ-અધિકાર છે-તેમ જે સમજે છે-તે સાચું છે- પણ જયારે કર્મ કરે એટલે ફળ તો –આપોઆપ આવવાનું જ છે-અને તે વખતે-
ફળ ઉપર અધિકાર જમાવી બેસવો-અને “મેં કર્મ કર્યું” એમ માનવું તે ખોટું છે.
ધારો કે –કોઈ ગરીબ પણ ભાવમાં તેજસ્વી વિદ્યાર્થી ને કોઈ અ-ભાઈ ભણવામાં મદદ કરે, અને તે વિદ્યાર્થી –આગળ જઈ અત્યંત ધનવાન બને-તો- અ-ભાઈ એ જયારે વિદ્યાર્થી ને મદદ કરી તે વખતે તો-તેમને ફળની કોઈ આશા નહોતી-તે વાત સાચી, પણ જયારે અ-ભાઈ,એમ માનવા માંડે કે મેં મદદ કરી (મેં કર્મ કર્યું) ત્યારે તે વિદ્યાર્થી આટલો ધનવાન બન્યો, તે વાત ખોટી.
અ-ભાઈ પોતે કર્મના કર્તા (કર્મના કરનાર ) છે જ નહિ,પણ ઈશ્વર (આત્મા) કર્મના કર્તા છે, એવું જે માને- તો તે જ વસ્તુ સાચી છે.
સૂર્ય,સવારે ઉગે છે અને સાંજે આથમે છે, એટલે તે આપણને ચાલતો જણાય છે,
આખા જગત પર તે ,તેના તેજ થી તે અડકવાનું કર્મ કરે છે,તેમ છતાં,
તે પોતે કંઈ એમ સમજતો નથી, કે હું કાર્ય કરું છું, (તે પોતે ઇલેક્ટ્રિક નું બિલ મોકલતો નથી,) તે તો માત્ર પરમાર્થ નું કર્મ (બીજાના ભલા નું કામ) કર્યે જાય છે, ને તેમ છતાં – પોતે કર્મ કરતો નથી એમ માને છે. અને માત્ર પોતાનું કર્મ કર્યે જાય છે.
રેલગાડી માં પ્રવાસ કરતા હોઈએ ત્યારે બારી માંથી જોતાં બહારના વૃક્ષો –વગેરે દોડતાં દેખાય છે, પણ સાચી રીતે તો –તે વૃક્ષો દોડતાં નથી,
ઉપરનાં ઉદાહરણ માં બતાવ્યા પ્રમાણે સૂર્યની અને વૃક્ષની અચળતા – જેને સાચી રીતે સમજાય છે,તે, પોતે મન અને ઇન્દ્રિયોથી કર્મ કરતો હોવાં છતાં પોતાને કર્મ નો અકર્તા (હું કર્મ કરતો નથી) તેમ માને છે, અને તેને જ માત્ર કર્માંતીતપણું (કર્મ કરતા હોવાં છતાં –કર્મ થી અલિપ્ત)
સુંદર રીતે (બરોબર) સમજાયેલું છે.તે આત્મ સ્વ-રૂપ માં સ્થિર થાય છે, તેને કર્મો કે ફળ માં આસક્તિ રહેતી નથી.તેને કોઈ જ ઈચ્છા નથી,કે પછી,કોઈ ફળ ની ઈચ્છા નથી, તેને સાચે જ કંઈ કરવાનું રહેતું નથી, પણ લોક દૃષ્ટિ થી તે તેના કર્તવ્ય કર્મો કરતો હોય છે, એટલે તે કર્મો કરતો દેખાય છે,
પણ ઉપર જેમ સૂર્ય નું ઉદાહરણ બતાવ્યું-તેમ- સૂર્ય ની જેમ જ તે પોતાનું કર્તવ્ય કર્મ જ કરતો હોય છે.સૂર્ય જેમ અચળ છે,તેમ તે પણ અચળ છે. દિવસ અને રાત નું જે કર્મ થાય છે-કે દિવસ- રાત નું કર્મ થતું જેમ-સૂર્ય ના ઉગવાથી કે આથમવાથી દેખાય છે, તે સૂર્ય નું કર્મ દેખાય છે, પણ ખરેખર તે સૂર્ય નું નથી.
તે જ રીતે, શરીર,મન અને ઇન્દ્રિયો જે વ્યાપાર કર્મ (કર્તવ્ય કર્મ) કરે છે- એમાં આત્મા નું જે અકર્તાપણું (આત્મા કશું કરતો નથી -તેમ માનવું તે) છે, એવું જે સમજી જાય છે,તે,લૌકિક (સામાજિક) રીતે સર્વ કર્મ કરતો હોવાં છતાં કર્મ કરતો નથી.(કર્મ માં અકર્મ)..(૧૮)
🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳
🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿
શ્રીમદ ભગવદગીતા-૬૫-
અધ્યાય-૪-
જ્ઞાન કર્મ સંન્યાસયોગ -૭
જયારે.... હું એટલે શરીર નહિ પણ હું એટલે એક આત્મા છું..........તે જેને સમજાઈ જાય .....એટલે આત્મા ના આનંદ માં તૃપ્ત થઇ ---પછી તે મહાત્મા –શરીર પ્રત્યે,ઇન્દ્રિયો પ્રત્યે (મુખ-વગેરે), વિષયો પ્રત્યે (સ્વાદ-વગેરે)-ઉદાસીન થઇ જાય છે.
તેના મન અને બુદ્ધિ –પોતાને આધીન-થવાથી-તેનામાં એક મહાનસંતોષ પેદા થયેલો હોય છે.
તેને પછી કોઈ નવું કર્મ કરવાની ઈચ્છા થતી નથી.
પોતાનાં કર્તવ્ય કર્મો તે કરે છે,પણ તે કર્મો ના ફળ ની તેને ઈચ્છા હોતી નથી, ઈચ્છાઓ નો-તે- ત્યાગ (-સંન્યાસ ) કરે છે, એટલે કે-જીવન જરૂરિયાત ના કર્મો અને તે કર્મો ના ફળ બંને પ્રત્યે તેની ઉદાસીનતા હોય છે.
આત્માનંદ ની તૃપ્તિ માં મગ્ન એવો –એ મહાત્મા કોઈ પણ વિષય (સ્વાદ-વગેરે) નો-આશરો લેતો નથી,કે વિષયો (સ્વાદ-વગેરે) ને આધીન થતો નથી,એથી- એવે વખતે તે કોઈ પણ કર્મ કરે તેમ છતાં પણ તે કોઈ જ કર્મ કરતો નથી. એટલે કે તે કર્મ બંધન થી લેપાતો નથી.(કર્મ, અકર્મ થઇ જાય છે) (૧૯-૨૦)
આવા મહાત્મા ઓ અત્યારના જમાના માં મળવા કદાચ મુશ્કેલ છે.
--કે જેમણે કોઈ જ જાતની આશા નથી.
--કે જેમણે પોતાનાં મન અને બુદ્ધિ ને સ્વાધીન રાખ્યા છે.
--કે જેમણે સર્વ સંગ્રહ નો ત્યાગ કર્યો છે,(અપરિગ્રહતા)
--કે જેમને અનાયાસે જ જે મળે તેમાં સંતોષ હોય છે,
--કે જેમના મન માં દ્વંદ (હું અને મારું-તારું,સુખ દુઃખ વગેરે) રહ્યો નથી,કે કોઈ ઈર્ષા નથી,
--કે જેમણે ચાલુ કરેલું કર્મ પુરુ થાય કે તે કર્મ અપૂર્ણ રહે-પણ તેને કોઈ હર્ષ કે ખેદ થતો નથી.
આવા મહાત્મા ઓ શરીર ના નિર્વાહ માટે - કોઈ પણ કર્મ કરે પણ તે- કર્મ નું બંધન કે કર્મ નો કોઈ દોષ તેમને લાગતો નથી. (૨૧-૨૨)
પછી ના શ્લોક -૨૩ થી શ્લોક- ૩૧ -સુધી, બાર પ્રકારના યજ્ઞો કહી સંભળાવ્યા છે. તેનો સાર માત્ર એટલો જ છે કે-આ સર્વ યજ્ઞો કર્મ થી જ ઉત્પન્ન થાય છે, અને આટલું જાણી લીધા પછી કર્મ નું બંધન નડતું નથી. (૩૨)
વેદો માં યજ્ઞો નું બહુ વિસ્તૃત વર્ણન છે, અને વેદો એ આ યજ્ઞો નું મૂળ પણ છે. જેમાં બાહ્ય ક્રિયાઓની (બાહ્ય કર્મો ની) ખટપટ વધારે છે. અને આ કર્મો નું (અપૂર્વ) ફળ –તે -સ્વર્ગ છે. આ બધા યજ્ઞો સાચા છે –તેમાં ના નહિ, પણ .... પણ આ બધા યજ્ઞો-જ્ઞાનયજ્ઞ ની બરાબરી કરી શકતા નથી. જ્ઞાનયજ્ઞ –શ્રેષ્ઠ છે.
જેમ સૂર્ય ની આગળ –તારા ઓનું તેજ ફિક્કું છે.તેમ જ્ઞાનયજ્ઞ આગળ બધા યજ્ઞો ફિક્કા છે.સર્વ કર્મો (યજ્ઞો) છેવટે જ્ઞાન (આત્મજ્ઞાન) માં જઈ મળે છે.(૩૩)
🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿
🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳
શ્રીમદ ભગવદગીતા-૬૬-
અધ્યાય-૪-
જ્ઞાન કર્મ સંન્યાસયોગ -૮
જયારે આ આત્મજ્ઞાન ની પ્રાપ્તિ થાય છે-અંતર માં રહેલા
પરબ્રહ્મ નો (આત્મા નો) સાક્ષાત્કાર થાય છે ત્યારે .....આપોઆપ...
--સર્વ કર્મ ની ઈચ્છા શમી જાય છે.
--સર્વ તર્કો નો લોપ (નાશ) થઇ જાય છે.
--ઇન્દ્રિયો (મુખ-વગેરે) વિષય (સ્વાદ-વગેરે) ને ભૂલી જાય છે.
--મન નું મનપણું બાજુ પર જતું રહે છે.
--શબ્દો ની દોડ અટકી જાય છે-વિચારો ની ઉત્કંઠા પૂરી થાય છે.
અહીં એવું પણ કહી શકાય કે-
જે જે –જુદી જુદી જાતના -કર્મો કરીને જે (આત્મજ્ઞાન) મેળવવાનું છે- તે મળ્યા પછી-તે કર્મો નું કોઈ જ મહત્વ નથી રહેતું નથી. કર્મો નું અસ્તિત્વ રહેતું નથી-કે પછી-તે કર્મો કોઈ બંધન કરી શકતા નથી. આવા આત્મજ્ઞાન ને પામેલા અનુભવી-સંત મહાત્માઓ પાસે જવાથી, અને તેમની સેવા કરવાથી –મન માં રહેલું અભિમાન નષ્ટ પામે છે, અને આ સંત મહાત્માઓ પાસેથી ઈચ્છિત માર્ગદર્શન પણ મળે છે. (૩૪)
અભિમાન નષ્ટ થવાથી અને સંત-મહાત્માઓ ના માર્ગદર્શન થી,
ભેદ નો (મારું-તારું.હું –તું) નાશ થાય છે, આત્મજ્ઞાન ની પ્રાપ્તિ થાય છે,અને દુનિયા ના દરેક પ્રાણી માં (આત્મામાં) –પરમાત્મા નો વાસ છે –તેવી પ્રતીતિ થાય છે.
અને આ અનેક પાપો થી ભરેલા સમુદ્ર ને (સંસારને) આત્મજ્ઞાનની મદદથી અનાયાસે તરી જવાય છે. જેમ સારી રીતે પ્રજ્વલિત થયેલો અગ્નિ ,લાકડા ને બાળી ને ભસ્મ કરી નાખે છે- તેમ આ આત્મજ્ઞાન નો પ્રજ્વલિત થયેલો અગ્નિ (જ્ઞાનાગ્નિ), સર્વ કર્મો ને બાળીને ભસ્મ કરી નાખે છે.
આ જગતમાં –આ-આત્મજ્ઞાન ના સમાન પવિત્ર બીજું કશું નથી. યોગાભ્યાસ થી આગળ વધેલો પુરુષ ,ધીરે ધીરે સમય થતાં, આ આત્મવિષયક જ્ઞાન પોતાની જાતે જ મેળવે છે. (૩૮)
હવેનો આ શ્લોક ઘણો મહત્વનો છે.
પરમ શાંતિ કોને મળે ?
(૧) જે શ્રદ્ધાવાન છે
(૨) જે જ્ઞાનપ્રાપ્તિ માટે તત્પર (ઉત્સુક) થયેલો છે,
(૩) જે જીતેન્દ્રિય છે,
તેવા પુરુષને –આ આત્મવિષયક જ્ઞાન મળે છે, અને આ જ્ઞાન પ્રાપ્ત થયા પછી તરત જ પરમ શાંતિ મળે છે. (૩૯)
પણ જેને સત્ય-પરમાત્મા વિષે અશ્રદ્ધા છે, પરમાત્મા વિષે –આત્મવિષયક જ્ઞાન વિષે, સંશય છે,તે નાશ ને પામે છે, અને આવો સંશયાત્મા (શંકાશીલ પુરુષ) પરમ શાંતિ ને પ્રાપ્ત થતો નથી, પરંતુ યોગ ના દ્વારા જેને સર્વ કર્મો નો સંન્યાસ (ત્યાગ) કરેલો છે,અને
આત્મ-જ્ઞાન દ્વારા જેના સંશયોનો લોપ (નાશ) થઈને આત્મ-સ્વ-રૂપ પ્રાપ્ત થયેલું છે, તેવા જ્ઞાની ને કર્મ નું બંધન પ્રાપ્ત થતું નથી. (૪૦-૪૧)
શ્રીકૃષ્ણ અર્જુન ને કહે છે-કે-
તારા મન ની અંદર જે સંશય થયેલો છે-તે અજ્ઞાન ના લીધે ઉભો થયેલો છે, તેનો જ્ઞાન-રૂપી તલવારથી વધ કરી, તું – કર્મ અને ફળ ઈશ્વર ને અર્પણ કરનારા –આ કર્મયોગનું શરણ (અવલંબન) સ્વીકાર, અને યુદ્ધ કરવા ઉભો થા. (૪૨)
અધ્યાય-૪ –જ્ઞાનકર્મસંન્યાસયોગ –સમાપ્ત.
અનુસંધાન-અધ્યાય-૫-કર્મ સંન્યાસ યોગ.
🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳
🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌳
શ્રીમદ ભગવદગીતા-૬૭-
અધ્યાય-૫-
કર્મ સંન્યાસયોગ -૧
સ્વજનો ના “મોહ” થી “શોક” માં પડેલા અર્જુન ને શ્રીકૃષ્ણે –
(૧) જ્ઞાનયોગ
(૨) કર્મયોગ
(૩) જ્ઞાન-કર્મ સંન્યાસ યોગ ની વાત કહી અને પછી તે મન માં એવું
સમજ્યા-કે- હવે તો અર્જુન ને બધી સમજ પડી જ ગઈ હશે.
એટલે ગયા અધ્યાય માં છેવટે તે અર્જુન ને કહે છે-ચલ, ભાઈ,હવે ઉભો થા અને યુદ્ધ (કર્મ) કર. પણ આ કર્મ ની વાતો સમજવામાં ભલભલા જ્ઞાનીઓ અને મહાત્માઓ જ્યાં ગોથાં ખાતા હોય-તો- પછી બિચારા અર્જુન ની (અને આપણી પણ) તો શું વિસાત (હેસિયત) ? અને એટલે જ હજુએ સંશયોમાંથી બહાર ના નીકળેલો- અર્જુન-શ્રીકૃષ્ણ ને કહે છે-
“હે કૃષ્ણ, આપ આવું દ્વિઅર્થી (જેમાંથી બે જાતના અર્થ નીકળે તેવું) બોલી ને મને વધુ મૂંઝવી રહ્યા છો. મહેરબાની કરીને મને કોઈ એક જ વાત કહો-કે જેના પર અંતઃકરણપૂર્વક કોઈ વિચાર કરી શકાય.
સર્વ કર્મ નો ત્યાગ (સંન્યાસ) કરવો તેવું તમે પહેલાં વારંવાર કહ્યું, અને હવે પાછા કર્મ (યુદ્ધ) કરવાનો આગ્રહ શા માટે કરો છે ?
એક તત્વ નો બોધ આપવાની ઈચ્છા હોય તો –એક જ માર્ગ બતાવો, જુદાજુદા માર્ગ ના બતાવો. મેં અગાઉ પણ આપને વિનંતી કરી હતી,કે-પરમાર્થ નો બોધ બહુ ગૂઢાર્થ (ગૂઢ અર્થ) માં આપશો નહિ. મારા જેવા અજ્ઞાની મનુષ્ય ને સમજાય એવી રીતે કોઈ -એક -વાત ચોક્કસપણે કહો “ (૧)
શ્રીકૃષ્ણ કહે છે-કે-
કર્મસંન્યાસ (ત્યાગ) અને કર્મયોગ બંને મોક્ષદાયક જ છે.(બંધન માંથી મુક્ત કરનાર) જે પ્રમાણે- સ્ત્રી,પુરુષ કે બાળક –ગમે તે હોય, પણ રસ્તામાં આવતાં તળાવો કે નદીઓ ને પાર કરવા – એક નાની નાવડી (સાધન) જ જોઈએ. (દરેક જગ્યાએ-દરેક ને- જુદી જુદી નાવડી ની જરૂર નથી)
તે પ્રમાણે- જ્ઞાની હોય કે અજ્ઞાની હોય-પણ સર્વે ને સંસાર-રૂપી સમુદ્ર ને તરી જવા માટે કર્મયોગ- એ સુલભ સાધન છે.
સંસાર રૂપી સમુદ્ર માં આવ્યા જ છીએ તો –તેને પાર કરવા માટે –દરેકે દરેકને -કંઈક ને કંઈક- કર્મ (કર્મયોગ-સાધન-કર્તવ્યકર્મ) તો કરવું જ પડે છે. (એટલે બધા ને માટે-કર્મયોગ સુલભ સાધન છે)
અને આમ -સારી અને સાચી રીતે વિવેકથી કર્મો (કર્તવ્ય કર્મો) નું આચરણ કરતાં કરતાં- કર્મત્યાગ નું પણ ફળ મળે છે.....(૨)
આજ કારણથી, હું તને કર્મસંન્યાસ (ત્યાગ) કરનાર નાં તને લક્ષણો કહું છું, એટલે તને ખાતરી થશે કે- કર્મયોગ અને કર્મસંન્યાસ યોગ એ બંને એક જ છે.
વસિષ્ઠ,વ્યાસ,પ્રહલાદ,જનક,ભીષ્મ,કબીર,નાનક,તુકારામ-જેવા અનેક વિશુદ્ધ મહાત્માઓ- સંસારમાં રહી,સંસારનું કર્મ (કર્તવ્ય-કર્મ) કરતાં કરતાં (બાહ્ય સંન્યાસ લીધા વગર)- અંતરથી આત્મધ્યાન (પરમાત્મા ધ્યાન) માં મગ્ન રહી, સતત આત્મદૃષ્ટિ રાખી ને મુક્ત થયા હતા. તે જ રીતે –જે મનુષ્ય-
--ગઈ ગુજરી (ભૂતકાળ) નું સ્મરણ કરતો નથી, ને કોઈ –અપ્રાપ્ય વસ્તુ ની- (જે વસ્તુ મળી શકતી નથી તેની) ઈચ્છા કરતો નથી.
--કોઈનો દ્વેષ (ઈર્ષા) કરતો નથી,
--મન માં દ્વંદ (મારું-તારું,સુખ-દુઃખ, વગેરે) રાખતો નથી,
🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳
🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌳
શ્રીમદ ભગવદગીતા-૬૮-
અધ્યાય-૫-
કર્મ સંન્યાસયોગ -૨
સાંખ્યયોગ (જ્ઞાનયોગ) માં -કર્મ નો સવિવેક (વિવેકથી) સંન્યાસ (ત્યાગ) બતાવ્યો છે-અને – કર્મયોગ માં –કર્મ નું વિધિપૂર્વક આચરણ કરી (અનાસક્તિથી)–કર્મ નો સંન્યાસ (ત્યાગ) બતાવ્યો છે. જેમ સૂર્ય પ્રકાશ –ભિન્ન ભિન્ન હોઈ શકતો નથી, તે જ રીતે, જે મનુષ્યે,આત્મ-જ્ઞાન થી –--આત્મ-સ્વ-રૂપ ને જાણ્યું છે. તેને જ સાચી રીતે સમજાય છે-કે- આ બંને યોગ –જ્ઞાનયોગ અને કર્મયોગ-એક જ છે......(૪)
જ્ઞાનયોગ દ્વારા જે વસ્તુ (આત્મ-તત્વ) ની પ્રાપ્તિ થાય છે, તેજ વસ્તુ કર્મયોગ દ્વારા પણ મળે છે. જેમ આકાશ અને પોલાણ માં કોઈ ભેદ નથી-તેવી રીતે આ બંને માં પણ કોઈ ભેદ નથી.આમ- જે -જ્ઞાનયોગ અને કર્મયોગમાં ભેદ (ભિન્નતા) જોતો નથી, તેને જ આત્મ-જ્ઞાન પ્રાપ્તિ થયેલી છે,તેણે જ આત્મ-સ્વરૂપ ને જાણ્યું છે-એમ કહી શકાય (૫)
કર્મયોગ ના માર્ગ ના આચરણ થી-સત્ય (બ્રહ્મ) ની પ્રાપ્તિ થાય છે, અને આનાથી વિરુદ્ધ –કર્મયોગ નો માર્ગ નહિ આચરનાર- સત્ય-પ્રાપ્તિ માટે ફાંફાં જ મારે છે- તેને-સાચો (કર્મ) સંન્યાસ પ્રાપ્ત થતો નથી.....(૬)
જેવી રીતે મીઠું (મીઠા ના ગાંગડા) જ્યાં સુધી સમુદ્રમાં પડ્યા નથી ત્યાં સુધી જોઈ શકાય છે,
પણ જેવા તે સમુદ્ર માં પડ્યા –કે તરત જ તે સમસ્ત સમુદ્ર માં ઓગળી ને પ્રસરી જાય છે,
તે જ પ્રમાણે,જેણે પોતાનું મન ભ્રાંતિ (ભ્રમણા-સંશય)માંથી છોડાવી, આત્મ-સ્વ-રૂપ માં સ્થિર કર્યું છે, તેના મન ના સંકલ્પ-વિકલ્પો દૂર થઇ અને તે બ્રહ્મ-સ્વ-રૂપ માં મળી જાય છે. પછી તેવા મનુષ્ય માં –‘હું કર્તા છું’ ‘આ મારું કર્મ છે’ ‘મારે અમુક કાર્ય કરવાનું છે’આવું કશું જ રહેતું નથી. ત્યાર બાદ તે મનુષ્ય જો સર્વ કર્મો (કર્તવ્ય કર્મો-વગેરે) કરે તો પણ તે –તે કર્મ નો અકર્તા થઇ ને રહે છે (કર્મ કરતો નથી).........(૭)
આવો મનુષ્ય હોય છે –તો-બીજા મનુષ્યો ના જેવો –જ –શરીરધારી મનુષ્ય.તે બધી જાતનો વ્યવહાર કરતો નજરે જોવા મળે છે. આંખથી જુએ છે,કાનથી સાંભળે છે,નાકથી ગંધ લે છે-શ્વાસોશ્વાસ કરે છે, મુખથી ખાય છે-બોલે છે,ચામડીથી સ્પર્શ કરે છે,(જ્ઞાનેન્દ્રિયો ની ક્રિયાઓ કરે છે)-વળી- પગથી ચાલે છે,હાથથી કામ કરે છે,મળમૂત્ર ની ક્રિયાઓ કરે છે,(કર્મેન્દ્રિયો ની ક્રિયાઓ). પણ આ બધી ઇન્દ્રિયોની (જ્ઞાનેન્દ્રિયો-કર્મેન્દ્રિયો) ની ક્રિયાઓ કરતાં કરતાં-પણ તે મનુષ્ય- એમ જ સમજે છે- કે-“આ સર્વ ઇન્દ્રિયો પોતપોતાના વિષયોમાં પ્રવૃત્ત થાય છે-હું કંઈ કરતો નથી” (૮-૯)
સમજવામાં થોડી અઘરી લાગતી આ વાત-સમજવા નો થોડો પ્રયત્ન ઉદાહરણ થી કરીએ-
જયારે સાઈકલ ચલાવતાં શીખીએ છીએ –ત્યારે --બેલેન્સ રાખવામાં-આપણે, આપણી બુદ્ધિને સતત જોડી રાખવી પડે છે. એટલે એમ કહી શકાય કે-
આપણે સતત “બેલેન્સ રાખવાની “ કર્મ-ક્રિયા કરીએ છીએ.
--પણ અમુક સમય પછી જયારે આપણે સાઈકલ ચલાવતા શીખી જઈએ –ત્યારે “બેલેન્સ રાખવાની”
ક્રિયા આપોઆપ થાય છે- અહીં “બેલેન્સ રાખવાની” ક્રિયા-કર્મ –આપણે ઓટોમેટિક કરીએ તો છીએ જ -પણ કરતા નથી.
(કારણ કે-“મન” “બુદ્ધિ” અને “હું” (અહમ)–આ બેલેન્સ રાખવાની ક્રિયામાં જોડાયેલા હોતા નથી)(માત્ર થોડું સમજવા માટે જ આ ઉદાહરણ છે.એને બહુ લંબાવવું નહિ)
🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳
🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳
🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿
🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿
શ્રીમદ ભગવદગીતા-૬૯-
અધ્યાય-૫-
કર્મ સંન્યાસયોગ -૩
આ જગતમાં કર્મ ના ફળ ની ઈચ્છા રાખી ને જ-અને કર્મ ફળ પર પોતાનો અધિકાર છે-એમ માની ને, કર્મ કરનારાઓનો વર્ગ બહુ મોટો છે. આત્મ-જ્ઞાની મનુષ્યો તો બહુ જ ઓછા જોવા મળે છે.આવા આત્મ-જ્ઞાની -યોગીઓ (મહાત્માઓ), શરીર,ઇન્દ્રિયો,મન,બુદ્ધિ અને અહંકાર થી,ફળ પ્રત્યે ની આસક્તિ છોડી, અને માત્ર આત્મ-શુદ્ધિ માટે જ કર્મો કરતાં હોય છે.અને સર્વ કર્મો (ક્રિયાઓ) અને ફળો -બ્રહ્મ ને અર્પણ કરવાની -બુદ્ધિ -રાખે છે.
જેમ કમળપત્ર પાણી માં રહેવા છતાં ભીંજાતું નથી, અથવા તો-જેમ દીવા ના પ્રકાશ થી કરાતાં કાર્યો,દીપક ને બંધન કરતા નથી,તેવી જ રીતે, જે જ્ઞાની મહાત્માઓ, એમ સમજે છે-કે-
“ઇન્દ્રિયો તેમના પોતપોતાના વિષય માં પ્રવૃત્ત થાય છે-પણ હું કશું કરતો નથી ” એવા મહાત્માઓ સર્વ કર્મો કરતા દેખાય છે-પણ કર્મ ના બંધન થી લેપાતા (બંધાતા) નથી ..(૧૦-૧૧)
આત્મ-જ્ઞાન થી પરિપૂર્ણ અને કર્મ ના ફળ પરથી જેની આસક્તિ ઉઠી ગઈ હોય છે- તેવા મહાત્માઓ કર્મ ના ફળ નો ત્યાગ (સંન્યાસ) કરી,પરમ શાંતિ મેળવે છે. જયારે બીજા –ઘણા બધા સંસારીઓ કર્મ ના ફળ પર આશક્ત થઇ જાય છે, અને કર્મ ના ફળ ના ઉપભોગ માં લાગી જાય છે અને બંધન માં પડે છે. (૧૨) આવા આત્મ-જ્ઞાનીએ -માત્ર “ફળની ઈચ્છા નો ત્યાગ” કર્યો, એટલે નવદ્વારવાળા –આ શરીર માં રહેવા છતાં-પણ –ના- રહેવા બરાબર જ છે.અને સર્વ કર્મો કરવા છતાં તે –ના- કરવા સમાન જ છે. અને પરમ શાંતિ-આનંદ માં રહે છે. ..(૧૩)
(૧) કર્મ
(૨) કર્મ નો કરનારને-કર્તા
(૩) કર્મ નું ફળ-
આ ત્રણે જોડે –પરમાત્મા (બ્રહ્મ) ને કોઈ જ લેવા-દેવા નથી.
પરમાત્મા (બ્રહ્મ) ખરી રીતે તો અકર્તા (કર્મો નો નહિ કરનાર ) છે-પણ જયારે તે બ્રહ્મ માં માયા નું આરોપણ થાય છે-ત્યારે તે જગતનો “કર્તા” છે એમ કહેવાય છે. (૧૪)
પરમાત્મા –ઈશ્વર (બ્રહ્મ) એ પોતે-ખુદ અકર્તા છે-અને આ જે સમજે છે તે –જ્ઞાન- છે. આ જ્ઞાન ઉપર જયારે અજ્ઞાન નું આવરણ થઇ જાય છે. ત્યારે જીવો “મોહ” માં ફસાઈ જાય છે.પાપ અને પુણ્ય ના ચક્કર માં પડી જાય છે. પણ એ પરમાત્મા (બ્રહ્મ) કોઈ નું પાપ અને પુણ્ય એના માથે લેતો નથી.(૧૫)
બ્રહ્મ (શુદ્ધ ચૈતન્ય-પરમાત્મા)- અકર્તા છે-અને-તે જ –બ્રહ્મ (પરમાત્મા) શરીરમાં આત્મ-સ્વરૂપે છે, આવું આત્મ-સ્વ-રૂપ નું જે જ્ઞાન છે- તે સૂર્ય સમાન (ઉજ્જવળ) જ્ઞાન-પરમાત્મા (બ્રહ્મ) ને પ્રકાશિત કરે છે. (૧૬)
આત્મ-જ્ઞાન માં જેની “બુદ્ધિ” સ્થિર થઇ છે-તે મુક્ત છે, અને તે પોતાને પણ બ્રહ્મ-સ્વ-રૂપ જ માને છે.અને રાત દિવસ બ્રહ્મ માં પરાયણ થઈને પોતાની બ્રહ્મ-સ્થિતિ ટકાવી રાખે છે. તેમની દ્રષ્ટિ “સમ” થાય છે. અને સર્વ જગ્યાએ,સર્વ પ્રાણી માત્ર માં પણ તેને ભેદ દેખાતો નથી. દરેક જગ્યાએ તે –એક માત્ર –બ્રહ્મ ને જ જુએ છે. બ્રાહ્મણ.ગાય,હાથી,કૂતરાં,ચાંડાલ-વગેરે સર્વ માં તેને એક –બ્રહ્મ (પરમાત્મા) નાં દર્શન થાય છે.(૧૭-૧૮)
🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳
🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳
શ્રીમદ ભગવદગીતા-૭૦-
અધ્યાય-૫-
કર્મ સંન્યાસયોગ -૪
જગત ના સર્વ તત્વમાં,પ્રાણીમાં,મનુષ્યમાં-એક-જ ચૈતન્ય (બ્રહ્મ) રહેલું છે. આ રહસ્ય સમજીને જ્ઞાની મનુષ્ય સર્વ માં સર્વેશ્વર (ઈશ્વર-પરમાત્મા) જુએ છે.ત્યારે તેની દૃષ્ટિ એ સમદૃષ્ટિ (સમાન દૃષ્ટિ) થઇ છે-એમ કહી શકાય. આવો મહાત્મા-એ પોતે જ –બ્રહ્મ (પરમાત્મા) થઇ જાય છે.(શિવોહમ-અદ્વૈત)
એટલે –કે-જેમ બ્રહ્મ માં કોઈ દોષ નથી,તેવી જ રીતે તે કોઈ પણ દોષ વગરનો થઇ જાય છે. તેને જન્મ-મરણ ને જીતી લીધાં છે-તેનાં બધાં બંધનો છૂટી જાય છે -અને-તે મુક્ત રીતે ફરે છે. (૧૯)
આવો મહાત્મા –કે જેની બુદ્ધિ, સ્થિર થયેલી છે-તેને – પ્રિય વસ્તુ ની પ્રાપ્તિ થતાં સુખ કે અપ્રિય ની પ્રાપ્તિ થતાં દુઃખ થતું નથી. એટલે કે- સુખ-દુઃખ માં પણ તેની સમ-દૃષ્ટિ –આપોઆપ થઇ જાય છે. (૨૦)
આવા મહાત્મા નું –મન બાહ્ય વિષયો ના (સ્વાદ-વગેરે) સુખ માં આસક્ત રહેતું નથી, પણ –તેને આત્મા માં રહેલા સુખ ની પ્રાપ્તિ (આત્માનંદ) થયેલી હોવાથી, અનેતે પોતે બ્રહ્મ-સ્વ-રૂપ થયેલો હોવાથી-અક્ષય સુખ (પરમાનંદ) મેળવે છે. (૨૧)
પણ-
જે મનુષ્યો એ -આત્મ-સ્વ-રૂપ નો અનુભવ લીધો નથી,તે મનુષ્યો,ઇન્દ્રિયો (મુખ-વગેરે) અને તેના વિષયો (સ્વાદ-વગેરે) થી મળતાં સુખ માં આસક્ત હોય છે.
આ ઇન્દ્રિયો થી મળતું સુખ તેમને –ખુબ જ આકર્ષક,મોટું અને સારું લાગે છે.
--જો કોઈ ગરીબ માણસ હોય-અને ભૂખ થી વ્યાકુળ થયેલો હોય-તો –તેની પાસે પૈસા ના હોવાથી અનાજ તો ના મળે-
પણ જો અનાજ ના ફોતરાં જમીન પર મળે તો-તે અનાજ ના ફોતરાં -પણ ખાઈ જાય છે.
--તરસ થી વ્યાકુળ હરણ,સાચા પાણી ને ભૂલીને. –ઝાંઝવાના જળ ને જ સાચું પાણી માની ને-
તેના તરફ દોટ મૂકે છે.
તેવી જ રીતે-જેણે આત્મ-સુખ નો અનુભવ લીધો નથી- તેને વિષય-સુખ સારું લાગે છે. પણ આ વિષય સુખ તે ક્ષણિક છે-નાશવંત છે. વીજળી ના ચમકારા જેવું છે. વીજળી ના ચમકારા થી ક્ષણભર પ્રકાશ થાય છે-પણ તેનાથી જગતનો વ્યાપાર ચાલતો નથી. (રાતના અંધારા ને હટાવવા બીજો કોઈ ઉપાય તો કરવો જ પડે છે.) મૃગજળ ને “જળ” કહેવામાં આવે છે-પણ તે વાસ્તવિક રીતે જળ નથી. તેવી જ રીતે વિષયોના ઉપભોગ માં સુખ છે-પણ તેને સુખ કહેવું –કે સમજવું વ્યર્થ છે. જો કોઈ ને ભોજન માં લાડુ પ્રિય હોય, અને તેને લાડુ મળે –અને ખાય -તો તેને સુખ થાય છે. પણ જ્યાં મુખ માંથી લાડુ અંદર (પેટમાં) જતા રહ્યા એટલે સુખ પણ વિદાય થાય છે.
અહીં મુખ એ “ઇન્દ્રિય” છે-તે “ઇન્દ્રિય” નો “વિષય”-તે લાડુ નો સ્વાદ છે-લાડુ મળ્યો (ભોગ)-તો-વિષય-સુખ ની ઉત્પત્તિ થઇ,અને તે પેટમાં ગયો-તે વિષય-સુખ નો નાશ થયો. જ્ઞાની-મહાત્માઓ –બરોબર –આ ચોક્કસ રીતે સમજે છે-કે-ઇન્દ્રિયો (મુખ-વગેરે) અને વિષયો (સ્વાદ-વગેરે) ના સંબંધ થી થનારા ભોગ (સુખ નો અનુભવ)-તે સર્વ ઉત્પત્તિ અને નાશ ને આધીન છે-ક્ષણિક છે-
અને એટલે જ આવા વિષય-સુખો ને “વિષ” ના જેવા ગણી –દુરથી જ તેનો ત્યાગ કરે છે,તેના પ્રત્યે નિસ્પૃહ (અનાસક્ત) બને છે.(૨૨)
આવા જ્ઞાની-મહાત્મા અંતરમાં સદા સુખી છે, આત્મ-સ્વ-રૂપ માં સ્થિર થવાથી, તેમના હૃદય માં બ્રહ્મ નો પ્રકાશ થઇ સર્વ અજ્ઞાન (અંધારા) નો નાશ થાય છે,તેમનાં સર્વ પાપો નષ્ટ થાય છે. તેમનું ચિત્ત સ્વાધીન થયેલું હોવાથી,કામ-ક્રોધ વગેરે નું નામોનિશાન રહેતું નથી. અને જ્યાં સુધી જીવે છે-તે જીવનકાળ દરમિયાન અને જીવન ના અંત (મૃત્યુ) પછી પણ- તે શાંત-બ્રહ્મ-સ્વ-રૂપ જ હોય છે.(મુક્ત) (૨૪-૨૫-૨૬)
🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿
🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳
શ્રીમદ ભગવદગીતા-૭૧-
અધ્યાય-૫-
કર્મ સંન્યાસયોગ -૫
જેમણે પોતાના મન ને વિષયોમાંથી પાછું વળી લઇ અને મન ઉપર વિજય કરીને “બ્રહ્મ” સ્થિતિ (બ્રહ્માકર સ્થિતિ) પ્રાપ્ત કરી છે-તેમને –આવું આત્મ-સ્વ-રૂપ નું ભાન કેવી રીતે અને કયા માર્ગ પર ચાલવાથી થયું હશે ?
જગતના દરેકે દરેક -આપણા જેવા સામાન્ય માનવી-ને આવી બ્રહ્માકાર સ્થિતિ પ્રાપ્ત નથી. કરોડોમાં એક ને આવી સ્થિતિ પ્રાપ્ત થાય છે. એટલે અત્યારે તો –અહીં - હવે પછી ના બે શ્લોક માં આત્મ-સ્વ-રૂપ ને જાણવા માટે –કઈ જાતનો આધ્યત્મિક અભ્યાસ- કે યોગ કરવો જોઈએ ?-તેનું ટૂંક માં વર્ણન છે. (વિગત થી વર્ણન આગળ આવશે)
(૧) વૈરાગ્ય (અનાસક્તિ) ની સહાયથી, વિષયોને (સ્વાદ-શબ્દ-વગેરે) દૂર કરી ને-
(૨) ઇન્દ્રિયો,મન ને બુદ્ધિ ને પોતાને–વશ કરીને-(એકનિષ્ઠ કરીને)-
(૩) ઈચ્છા(કામ),ભય,ક્રોધ નો નાશ કરીને-
(૪) નાસિકા દ્વાર માં ના શ્વાસ-ઉચ્છવાસને –સમ-કરીને (પ્રાણ અને અપાન વાયુ ને સમ કરી ને)
(૫) ભ્રકૃટી (બે ભ્રમર-આઈ લેસ- ની વચ્ચે)-માં દૃષ્ટિ (નજર) સ્થાપન કરી ને (રાખીને)-
જયારે ચિત્ત ની વૃત્તિ ઓ નો નિરોધ થાય છે-ત્યારે-તે ચિત્ત ની એકાગ્રતા-સ્થિરતા- થાય છે . ચિત્ત ની એકાગ્રતા થવાથી,મન ના તરંગો (વિચારો) નો ચિત્ત રૂપી આકાશ માં લય થઇ જાય છે. જેવી રીતે સરોવર નું પાણી સુકાઈ જાય તો પછી તેમાં પ્રતિબિંબ દેખાતું નથી. તેવી રીતે મન-બુદ્ધિ નો જ લોપ (નાશ) થઇ જાય, તો પછી અહંકાર રહેતો જ નથી. અહંકાર (હું-અજ્ઞાન) નો પડદો ફાટી જવાથી- આત્મા-પરમાત્મા ના મિલન નો નો અનુભવ થાય છે (સત્ય જ્ઞાન થાય છે) -અનેઆવો યોગી-મહાત્મા શરીર માં હોવા છતાં “બ્રહ્મ” (પરમાત્મા) બને છે. (૨૭-૨૮)
ઉપર બતાવ્યો તે અષ્ટાંગયોગ (રાજયોગ) નું ટૂંકું સ્વરૂપ છે. આ યોગ થી આત્મા અને પરમાત્મા નું ઐક્ય થાય છે. ઘટાકાશ મહાકાશ માં મળી જાય છે. આત્મા ની ઉપાધિ (ઘડો-માયા) ફૂટી જાય છે,અને શાંતિ અને સુખ ની (પરમાનંદ ની) પ્રાપ્તિ થાય છે. (૨૯)
અધ્યાય-૫-કર્મસંન્યાસ યોગ –સમાપ્ત-
અનુસંધાન-અધ્યાય-૬ –આત્મસંયમ યોગ-
🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿
🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳
શ્રીમદ ભગવદગીતા-૭૨
અધ્યાય-૬-
આત્મસંયમ યોગ-૧
જેવી રીતે
-પાણી ને જુદા જુદા પાત્રો માં ભરવાથી પાણી માં ભેદ (ફરક) થતો નથી,
-કે જુદા જુદા માર્ગોથી એક જ સ્થળે પહોંચાય છે,
તેવી રીતે “બ્રહ્મ દૃષ્ટિ” થી જોતાં-યોગ અને સંન્યાસ માં ભેદ (ફરક) નથી.
(૧) જે મનુષ્ય કર્મો કરી ને તેનાં ફળ ની ઈચ્છા રાખતો નથી, ફળ પર અધિકાર રાખતો નથી-તે યોગી છે.
(૨) જે મનુષ્ય સ્થિતિ-અને પ્રકૃતિ ને અનુરૂપ –જે જે કર્મ કરવાનો પ્રસંગ જે જે કાળે આવે –તે સર્વ-કરવા
છતાં પોતાના માં કર્તાપણા ની (હું કરું છું તેવું) બુદ્ધિ ઉત્પન્ન થવા દેતો નથી-અને પોતાના ચિત્ત ને કદી પણ –ફળ ની આશા તરફ વળવા જ દેતો નથી-તે સન્યાસીછે.
જે સંન્યાસ ના નામે ઓળખાય છે-તે યોગ જ છે.કારણ કે- “સંકલ્પ” નો સંન્યાસ (ત્યાગ) વિના કોઈથી પણ “યોગી” થઇ શકાતું જ નથી........(૧-૨)
માત્ર સમજવા માટે –જ –આ વાત ઉદાહરણ થી સમજીએ.
કોઈ વ્યક્તિ પોતાના ખેતર માં “કેરી ખાવાના અને વધુ કેરીઓ આવે તો વેચી ને તેમાંથી પૈસા કમાવાના “ “સંકલ્પ” થી-આંબા ના ઝાડ વાવે છે. અહીં તે ફળ ની ઈચ્છા થી કર્મ કરે છે-અહીં ફળ નો સંકલ્પ છે-માટે આ કર્મ ને યોગ કહી શકાય નહિ. પણ તે જ આંબા –તે વ્યક્તિ સાર્વજનિક જગ્યા ઉપર ઉગાડે અનેતેનું જતન –કરે-તો તે યોગ છે.
કારણ કે અહીં ફળ આવશે તેના પર તે પોતાનો અધિકાર રાખતો નથી. તેનો ફળ માટે કોઈ સંકલ્પ નથી. હવે જે પૃથ્વી પર આંબા ઉગાડવામાં આવે છે-તે પૃથ્વી-નાના બીજ માંથી મોટું ઝાડ બનાવે છે- પણ તેના માં હું –આ બીજ ને ઝાડ બનાવું છું-તેવો અહંકાર નથી,કે ફળ ની ઈચ્છા પણ નથી- એટલે તે પૃથ્વી ને અહીં સંન્યાસી કહી શકાય !!
અધ્યાત્મમાર્ગ માં (ધ્યાન)-યોગ પ્રાપ્ત કરવાની જેને ઈચ્છા હોય, તેને અમુક કર્મો નું આચરણ –એ – સાધન છે- અને આ કર્મો ને “સાધના” એમ પણ કહી શકાય.(યમ-નિયમ-પ્રાણાયામ-પ્રત્યાહાર વગેરે)
બીજી રીતે કહીએ તો- એમ પણ કહી શકાય કે- “યોગ” ને જો પર્વત ના શિખરની (સાધ્ય-જે પ્રાપ્ત કરવાનું છે-તે) ઉપમા આપીએ તો- આ સાધ્ય સુધી પહોંચવા માટે કોઈ સાધન (કર્મ અથવા સાધના) તો કરવું જ પડે છે. પણ પર્વતના શિખર (ટોચ) સુધી પહોંચી ગયા પછી- એટલે કે સાધન અને સાધ્ય બંને એક થઇ ગયા પછી-સાધન (કર્મ) ની જરૂરિયાત સમાપ્ત થાય છે. કર્મ ની “નિવૃત્તિ” થાય છે. “બ્રહ્મ” સાથે એકતા થવાથી આગળ વધવાની પ્રવૃત્તિ પૂરી થાય છે. “આત્મા” અને “પરમાત્મા”નું ઐક્ય થવાથી “સમાધિ” નો લાભ થાય છે. અને ત્યારે આવો મનુષ્ય એ “યોગારૂઢ” નામથી ઓળખાય છે. (પૂર્ણતા પામે છે-મુક્ત બને છે) આવું જેને “આત્મજ્ઞાન” પ્રાપ્ત થયું હોય તેને કોઈ દ્વંદ (સુખ-દુઃખ-વગેરે) અસર કરી શકતા નથી, ઇન્દ્રિયો (મુખ-વગેરે) કદાચ કર્મ કરવામાં પ્રવૃત્ત થાય તો પણ વિષયો (સ્વાદ-વગેરે) ની અસર તેમના પર થતી નથી. શરીર હાલતું ચાલતું અને ક્રિયાઓ-કર્મો કરતુ હોય (જાગ્રત હોય) –તો પણ- આવો મનુષ્ય –સુતેલાની સ્થિતિ જેવો (સુતેલો હોય તેવો) ઉદાસીન દેખાય છે........(૩-૪)
આત્મા અને પરમાત્માની આવી મિલન ની સ્થિતિ થી અદ્વૈત (એક) સિદ્ધ થાય છે. અને આવી સ્થિતિ “આત્મા” થી જ પ્રાપ્ત થઇ શકે છે. આત્મા વડે જ આત્મા નો ઉદ્ધાર થઇ શકે છે. ભ્રમણાઓ-સંશયો અને અજ્ઞાન થી ભરપૂર સૂતેલો મનુષ્ય-પોતાની નિંદ્રા માં જન્મ-મરણ ના સ્વપ્નાં જોતો હોય છે-પણ જયારે અકસ્માત જાગી જાય છે-ત્યારે તે બધાં સ્વપ્નો તેને ખોટાં લાગે છે,અને
ત્યારે “હું નિત્ય ચેતન છું” એવો નિશ્ચય થાય છે. અને આ નિશ્ચય પણ તેને પોતાની મેળે જ (પોતાના આત્માથી જ) થાય છે.
આમ જીવિત અવસ્થા (સ્વપ્ન પૂરું થાય પછી ની જાગ્રત અવસ્થા) અને મૃત અવસ્થા (સ્વપ્ના માં ની અવસ્થા)- એ બંને નો આધાર –તે મનુષ્ય ના પોતાના પર જ છે. દેહ (શરીર) કે જે સત્ય નથી- તેનો વિશ્વાસ રાખી-માનવ જયારે –શરીરનું અભિમાન રાખે છે (અહમ)-ત્યારે- તે તે પોતાનો જ ઘાત (વધ) કરે છે. પરંતુ-જયારે- અભિમાન (અહમ) જાય છે ત્યારે જ ભાન થાય કે “હું શરીર નહિ પણ હું ચૈતન્ય –આત્મા છું”
મનુષ્યે આ રીતે –પોતાના આત્મા થી જ તે આત્મા નો ઉદ્ધાર કરવો જોઈએ,એણે હલકો પાડવો જોઈએ નહિ, કારણકે આત્મા જ આત્મા નો મિત્ર અને આત્મા જ આત્મા નો શત્રુ છે. ...(૫)
🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿
🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿
શ્રીમદ ભગવદગીતા-૭૩-
અધ્યાય-૬-
આત્મસંયમ યોગ-૨
જયારે કોઈ માનવ એમ માનવા લાગે કે –મારું શરીર સુંદર છે-મારું શરીર બળવાન છે-એટલે પછી- તે શરીર ને શોભાવવામાં લાગી જાય છે, શરીરની જોડે પ્રેમ કરતો થઇ જાય છે.અને ધીરે ધીરે તેનામાં અહમ (અભિમાન) આવવા માંડે છે. અનેઆત્મસ્વરૂપ ને ભૂલી જાય છે.
શરીર ને જ તે આત્મા માનવા માંડે છે, અને આ શરીર કે –જે- ઇન્દ્રિય સમુદાય નું બનેલું છે, તેને –જ આત્મા માની ને સાચા આત્મા (શુદ્ધ ચૈતન્ય) ની ખોજ કરવાની ભૂલી જાય છે. આવો મનુષ્ય કે જેને –આત્મા (શુદ્ધ ચૈતન્ય) દ્વારા –એણે ખોટેખોટા બનાવેલા આત્મા (શરીર ને ઇન્દ્રિયો)ને જીત્યો નથી તે પોતે જ પોતાનો શત્રુ છે.(તેનો આત્મા જ તેનો શત્રુ છે). અને દુઃખી થાય છે.
આવો માણસ –કોઈ થાંભલા ને બાથ ભરીને ઉભેલા માણસ જેવો છે-કે જે બૂમો મારે છે-કે- “થાંભલા એ મને બાથ ભરી લીધી છે-કોઈ મને છોડાવો” પણ અહીં જો “અહમ” ના બે હાથ ખુલ્લા કરી દે તો-દુઃખ છે જ નહિ.
અહમ (શરીર નું અભિમાન) છૂટી જતાં-જ- “હું શુદ્ધ ચૈતન્ય-બ્રહ્મ છું” નું ભાન થાય છે. અને “હું શરીર છું “ તે ભૂલાઈ જાય છે. અને “આત્મા” જીતાઈ જાય છે.આત્મા મિત્ર બની જાય છે...(૬)
સોના ની અંદર રહેલા મેલ ને તાવી ને કાઢી નાખવામાં આવે તો તે જ સોનું ઉત્તમ સોનું બની જાય છે- તેમ મન માં રહેલા સંકલ્પ-વિકલ્પો નો નાશ થતાં, અહમ નો નાશ થતાં,મન ને પ્રસન્નતા પ્રાપ્ત થાય છે, અને જીવ પરમાત્મારૂપ બની જાય છે.(બ્રહ્મત્વ ને પ્રાપ્ત થાય છે)
ઘટાકાશ ના "ઘટ"(માયા) નો નાશ કર્યા પછી-મહાકાશ ને મળવા જવા ફાંફાં મારવાનાં હોતાં નથી. આવો આત્મસાક્ષાત્કાર ના જ્ઞાન (બ્રહ્મજ્ઞાન) થી તૃપ્ત થયેલા ને-સુખ-દુઃખ, ઠંડી-ગરમી,માન-અપમાન. સર્વ દ્વંદો સમાન લાગે છે. અને તે માટી અને સોના ને એકસરખાં (સમાન) સમજે છે.
આવો યોગારૂઢ (યુક્ત) –પુરુષ નું મન નિર્વિકાર અવસ્થામાં સ્થિર થયેલું હોય છે.
સૂર્ય જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં તેને પ્રકાશ દેખાય છે- તેમ-
આવો મનુષ્ય-પોતે બ્રહ્મ-સ્વરૂપ હોવાથી,તેને જે જે વસ્તુ નજરે પડે તે સર્વ બ્રહ્મ-સ્વરૂપ જ ભાસે છે.(૭-૮)
“હું જ જગત સ્વ-રૂપ છું” એવો જેના અંતરમાં બોધ થયો છે-તે યોગી ને પછી- શત્રુ શું?કે મિત્ર શું ? સાધુ શું ? કે પાપી શું ?--આ સર્વે માં તેની સમબુદ્ધિ થયેલી હોય છે. તેના માં –પછી- મોટો અને નાનો- એવો ભેદ તો ક્યાંથી રહી શકે ?
જેમ લોખંડ –પારસમણિ ના સ્પર્શથી –સો ટચ નું સોનું બને છે-પછી તેની કસોટી કરવાની શી જરૂર ? પારસમણી જે સોનું બનાવે તે સર્વોત્તમ જ હોય છે- તે પ્રમાણે-આવા યોગી ની બુદ્ધિ –નિરંતર –સકળ જગત માં એકત્વ ને જ અનુભવે છે. આવું શુદ્ધ અને ખરું તત્વ સમજી ગયેલા ને –જગતની ચિત્ર-વિચિત્ર રચનાઓ ભ્રમ(સંશય) માં પાડતી નથી.
અર્જુન ના વખાણ કરતાં જ્ઞાનેશ્વર કહે છે-કે-
--અર્જુન એ શ્રીકૃષ્ણ માટે એક મિત્ર નું ઘર છે,
--અર્જુન એક શણગારેલો અરીસો છે-કે જેમાં શ્રીકૃષ્ણ પોતાના મન ને જોઈ શકે છે.
--અર્જુન એ એક એવું સરસ ખેતર છે-કે જેમાં શ્રીકૃષ્ણ ભક્તિ ના બીજ વાવી શકે તેમ હોવાથી જ
અર્જુન શ્રીકૃષ્ણ ની કૃપા ને પાત્ર થયો હતો.
--અર્જુન એ જાણે “ભક્તિ” નું એક ઉત્તમ પાત્ર છે-કે જેનામાં નવ પ્રકારની જે ભક્તિ (શ્રવણ થી આત્મનિવેદન) છે-તેમાંની “સખ્ય” (મિત્ર) ભક્તિ ઉત્તમ રીતે રહેલી છે.
--અર્જુન ભગવાન નો એક લાડકો સેવક-મિત્ર છે,જેના પર માત્ર કોઈ અલૌકિક-અત્યંત પ્રેમ ને કારણે જ-નિરાકાર “બ્રહ્મ” ને “સાકાર” બની ને તેની સાથે દોસ્તી (સખ્ય) કરવાની ઉત્કંઠા થઇ છે.
🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿: 🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳
શ્રીમદ ભગવદગીતા-૭૪-
અધ્યાય-૬-
આત્મસંયમ યોગ-૩
જે શ્રીકૃષ્ણ ને દેવકીએ નવ મહિના પોતાના પેટમાં રાખ્યા,યશોદાએ પ્રેમ થી પાલન કર્યું,-તે આખરે તો અર્જુન ને જ ઉપયોગી થઇ પડ્યા હોય-તેવું લાગે છે.
અર્જુન ને નથી કોઈ સેવા કરવી પડી,કે નથી કોઈ વિનંતી કરવી પડી–પણ તે શ્રીકૃષ્ણ નો કૃપા-પાત્ર બન્યો. આવો અર્જુન એ જાણે આપણી જ મનોવ્યથા કૃષ્ણ આગળ રજુ કરે છે-
અર્જુન શ્રીકૃષ્ણ ને કહે છે –કે- “હે કૃષ્ણ,આપે જે આત્મજ્ઞાની –યોગારૂઢ મહાત્મા નું વર્ણન કર્યું, તે મને સમજાતું નથી,
હું તો ખરેખર અયોગ્ય અને અપૂર્ણ છું,
તમારા આ ઉપદેશ થી કદાચ મારામાં યોગ્યતા આવશે કે કેમ?
તે મારાથી કહી શકાતું નથી, પણ જો તમારાં મન માં તમે મને આવો આત્મજ્ઞાની બનાવવા માગતા હશો- તો જ હું પણ આવું આત્મજ્ઞાન પ્રાપ્ત કરી શકીશ અને હું પોતે બ્રહ્મ બની શકીશ. પણ અત્યારે હાલ તો, આપે જે આત્મજ્ઞાની મહાત્માઓ ની વાત જે કહી તે હું સમજી શકતો નથી.
તો પણ આ સાંભળવાથી –આવા આત્મજ્ઞાની ઓ ની સ્તુતિ કરવાનું મન થાય છે-અને ખરેખર,
આવી યોગ્યતા વાળા મહાત્માઓ ના પારાવાર આનંદ નો તો પાર જ નહિ હોય !!!
હે પ્રભુ, મારામાં શું આવી યોગ્યતા (આત્મજ્ઞાની થવાની) આવશે ખરી ?
ત્યારે કૃષ્ણ હસીને બોલ્યા-હા તને હું બ્રહ્મસ્વ-રૂપ જ બનાવી દઈશ,
જ્યાં સુધી સંતોષ ની પ્રાપ્તિ થઇ નથી ત્યાં સુધી ચારે તરફ સુખ ની અધૂરપ (ન્યૂનતા) જ દેખાય છે- પણ જયારે સંતોષ પ્રાપ્ત થાય પછી સુખ ની અધૂરપ (ન્યૂનતા) રહેતી નથી.
શ્રીકૃષ્ણ ને હવે લાગે છે-કે-હવે અર્જુન તૈયાર થયો છે-વિરક્ત થયો છે-એટલે હવે તેને યોગનો અભ્યાસ કેમ કરવો તે શીખવવામાં વાંધો નથી, એટલે હર્ષ સાથે તે કહે છે-કે-
હવે તને જે યોગમાર્ગ હું તને બતાવીશ તે સર્વ માર્ગો નો રાજા છે. જેના આચરણ થી મોક્ષની પ્રાપ્તિ (આત્મજ્ઞાન ની પ્રાપ્તિ) થાય છે, અને તે પ્રવૃત્તિ થી શરૂઆત કરી તે નિવૃત્તિ સ્થાને પુરો થાય છે. આ માર્ગે નિશ્ચળ થઈને ચાલવું જોઈએ. વળી આ માર્ગે ચાલતાં-મનુષ્ય જે જે સ્થળે જાય છે-તે તે સ્થળ તે પોતેજ બની જાય છે. આ વાત-ધીરે ધીરે - તારા અનુભવ માં આપોઆપ જ આવશે.
અર્જુન કહે છે-કે –આપ મને આ યોગશાસ્ત્ર ક્યારે કહેશો ?
કૃષ્ણ કહે છે-કે-હવે હું તને યોગમાર્ગ સ્પષ્ટતાપૂર્વક કહું છું,
કે જેનો અભ્યાસ કરવામાં આવે તો જ તે ઉપયોગી થાય છે. એટલે યોગમાર્ગ નો અભ્યાસ અત્યંત જરૂરી છે. હવે શ્રીકૃષ્ણ યોગવિદ્યા (યોગશાસ્ત્ર) નો ઉપદેશ કરે છે.
યોગીએ યોગ સાધના માટે –
--એકાંત માં નિવાસ કરીને,
--પોતાનું મન અને પોતાનો દેહ પોતાને આધીન રાખી,
--કશા ની યે “આશા” ના રાખતાં કે
--કોઈ પણ જાતનો સંગ્રહ –ના-કરતાં (અપરિગ્રહ-વૃત્તિ)-
સતત આત્મધ્યાન કરવું....(૧૦)
🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿
🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳
શ્રીમદ ભગવદગીતા-૭૫-
અધ્યાય-૬-
આત્મસંયમ યોગ-૪
ગીતામાં શ્રીકૃષ્ણ દશમા શ્લોક થી યોગશાસ્ત્ર (યોગવિદ્યા) કહેવાની ચાલુ કરે છે. અને ગીતાના --૧૧ થી ૧૫ શ્લોક સુધી --આસન થી સમાધિ –સુધી નું વર્ણન છે.
જે ટૂંકમાં –અને-સારરૂપ છે.
યોગી એ પવિત્ર સ્થળ માં પોતાનું આસન રાખવું,
પ્રથમ દર્ભ,તેના પર મૃગચર્મ,તેના પર શુદ્ધ વસ્ત્ર પાથરવું –અને
તે આસન પર સ્થિર થઇ ને બેસવું. આ આસન હદ થી ઊંચું તેમ જ હદ થી નીચું –ના-થાય તેની સંભાળ રાખવી ......(૧૧)
તે આસન પર બેસી,મન ને એકાગ્ર કરી ને, ચિત્ત અને ઇન્દ્રિયો ને જીતીને,પોતાના અંતઃકરણ ની શુદ્ધિ કરવા માટે યોગ નો અભ્યાસ કરવો.........................(૧૨)
સાધકે પોતે સ્થિર થઇ,શરીર,મસ્તક અને ગરદન ને સ્થિર રાખવાં,અને પોતાની નાસિકા ના અગ્ર ભાગ પર
દ્રષ્ટિ રાખીને, આમતેમ (દિશાઓને) ,ના જોતાં યોગાભ્યાસ કરવો.......................(૧૩)
યોગીએ અંતઃકરણ શાંત રાખી,નિર્ભય થઇ, બ્રહ્મચર્યવ્રત આચરવું, અને મન નો સંયમ કરી –માત્ર ઈશ્વરનું
ચિંતન કરી,ઈશ્વર પરાયણ બની ધ્યાનસ્થ રહેવું...............................................(૧૪)
આ પ્રકારે –સર્વકાળે (બધા સમયે)
પોતાનું અંતઃકરણ સમાધિમાં સંલગ્ન (યુક્ત) કરી,
મનોનિગ્રહ કરનાર યોગી ને –
આત્મજ્ઞાન-(મોક્ષ,શાંતિ,આનંદ,પરમાનંદ,આત્મા-પરમાત્મા નું મિલન) પ્રાપ્ત થાય છે..(૧૫)
(અત્યારના જમાના માં યોગ ની એક પદ્ધતિ – જેને-રાજયોગ કે અષ્ટાંગયોગ (પતંજલિ) પણ કહે છે-તે અનુકૂળ આવે તેવો લાગે છે.
આ રાજયોગ નું વર્ણન સ્વામી વિવેકાનંદે તેમના “રાજયોગ” પુસ્તક માં બહુ સરળતાથી કરેલું છે.
તે -યોગ પદ્ધતિ માં -નાથ સંપ્રદાય ની- અને હઠયોગ (હઠયોગપ્રદીપિકા-ગોરક્ષશતક)- ની અસર છે.
સહુ પ્રથમ તે- વજ્રાસન-મૂળબંધ,મુલાધારની મુદ્રા વિષે કહે છે.
અને ત્યાર પછી-જાલંધરબંધ- વોઢીયાણા -ઉડીયાના બંધ વિષે કહે છે.
જેનાથી કુંડલીની નામની શક્તિ જાગ્રત થાય છે.
હઠયોગ ની આ પદ્ધતિ -પુસ્તક વાંચી ને શીખી શકાય તેવી સરળ નથી. કોઈ અનુભવી નું માર્ગદર્શન જરૂરી છે. એટલે તેનું વર્ણન કરવાનું અહીં ટાળ્યું છે.
(વધુમાહિતી માટે-જિજ્ઞાસુ એ -જ્ઞાનેશ્વરી ગીતા, હઠયોગપ્રદીપિકા,ગોરક્ષશતક અથવા હઠયોગ નું-પુસ્તક જોવું)
કુંડલીની અને આ યોગ પદ્ધતિ ની અહીં લાંબી ચર્ચા ન કરતાં –
ગીતા મુજબ- ટૂંકમાં જોઈએ તો-
આત્મજ્ઞાન મેળવવા માટે –કોઈક સાધન તો કરવું જ પડે છે-ક્યાંક શરૂઆત તો કરવી જ પડે છે.
અહીં ગીતાનું યોગશાસ્ત્ર એ –એક સાધન છે.
અને એક વાર કોઈ સાધન ની શરૂઆત કર્યા પછી આગળ નું બધું આપોઆપ સરળ થઇ જાય છે.
🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳
🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳
શ્રીમદ ભગવદગીતા-૭૬-
અધ્યાય-૬-
આત્મસંયમ યોગ-૫
યોગ કોને સાધ્ય નથી ? કોનો યોગ પર અધિકાર નથી? તો -કહે છે-કે- જે અતિશય ખાય છે (આહાર લે છે)–અથવા તો જે બિલકુલ જ ખાતો નથી, જે અતિશય નિંદ્રા ને માણે છે-અથવા તો બિલકુલ નિંદ્રા લેતો નથી (અતિશય ઓછી નિંદ્રા લે છે)-
તે યોગ સાધન કરી શકતો નથી.
સમતા –એ યોગ માં ખુબ જરૂરી છે. શરીર ને ટકાવવા અન્ન તો લેવું જ પડે છે,પણ અકરાંતિયા ની જેમ ખુબ જમવાને બદલે- યુક્તિથી કે પરિમિતતા (પ્રમાણ થી) શરીર ને જરૂર હોય તેટલું જ જમવું જોઈએ.
તે જ પ્રમાણે-જે જે કર્મો કરવાના છે-તે સર્વ કર્મો- યુક્તિ થી –“પ્રમાણ” માં જ કરવાં જોઈએ. ઊંઘવાનું,બોલવાનું, વ્યાયામ વગેરે પણ નિયમિતતાથી પ્રમાણ માં જ કરવાં જોઈએ-કે જેથી- શરીર માં લોહી નું ભ્રમણ, શરીરની સપ્તધાતુઓ અને વાયુ-પિત્ત-કફ ,સમતોલ માં રહે. શરીર તંદુરસ્ત રહે-ત્યારે કે જયારે યુક્તિ થી અને નિયમ થી –ઇન્દ્રિયો ને તૃપ્ત કરવામાં આવે.અને -
જેનાથી મન પણ પોતાની મેળે જ સંતોષ પામે છે. અને દુઃખો નો નાશ થાય છે ....(૧૬-૧૭)
આ પ્રમાણે બાહ્ય-ઇન્દ્રિયો (મુખ-વગેરે) ની સ્થિતિ નિયમિત રાખવામાં આવે (સમતા રાખવામાં આવે)-તો- તેનાથી અંતર માં (અંદર) સુખ ઉત્પન્ન થાય છે, અને સહજતાથી યોગ-પ્રાપ્ત થાય છે. જયારે ચિત્ત ને સહજ સંતોષ થાય છે-ત્યારે તે વાસનાઓ પ્રત્યે નિસ્પૃહ બને છે, અને આવું વાસના વગરનું-ઈચ્છા વગરનું ચિત્ત –અંદર જ (આત્મા સાથે) સ્થિર રહે છે. આવા યોગી ને –યુક્ત- (પરમાત્મા સાથે જોડાયેલો) કહેવા માં આવે છે. જેમ પવન વગરના સ્થળ માં રાખેલ દિવાની જ્યોત હાલતી નથી,તે જ રીતે- આવા સ્થિર થયેલા (તરંગ વગરના થયેલા) યોગી ની સ્થિતિ હોય છે .......(૧૮-૧૯)
વાસ્તવ માં જોવા જતાં-યોગ સાધન જેટલું સહેલું અને સાદું ,બીજું કોઈ સાધન નથી. યોગ સાધન થી જ ઇન્દ્રિયો નો નિગ્રહ (વશ) થવા નો સંભવ છે,અને જયારે ઇન્દ્રિયો નો સંયમ થઇ જાય- ત્યારે ઘડીક આગળ અને ઘડીક પાછળ-દોડતા ચિત્ત ની દોડધામ પૂરી થાય છે, અને તે પોતાની મેળે જ આત્મા ને ભેટવા માટે જાય છે.(આત્મા માં લય થવા –મળી જવા માટે જાય છે) ઘડીક ભર પણ જયારે ચિત્ત પાછું વળીને આત્મા તરફ નજર નાખે –ત્યારે જ તેને “હું જ આત્મતત્વ છું” તેવી તેને પ્રતીતિ થાય છે. અને જેવી આ આત્મ પ્રતીતિ થાય એટલે –તે સુખ ના સિંહાસન પર બેસી જાય છે. અને આત્મા ના આનંદ માં જ મળી જાય છે (લય પામે છે)-અને-
જેને ઇન્દ્રિયો કદી જાણી શકતી નથી કે જેના કરતા અધિક કોઈ વસ્તુ છે જ નહિ-એવું જે – આત્મ સ્વ-રૂપ (બ્રહ્મ સ્વ-રૂપ) તે પોતે જ બની જાય છે.......(૨૦-૨૧)
આવી સ્થિતિ ની પ્રાપ્તિ થાય પછી,મેરુ પર્વત કરતાં યે મોટાં દુઃખો આવી પડે તો પણ ચિત્ત દુઃખી થતું નથી. અથવા તો શરીર છિન્ન- ભિન્ન થઇ જાય,કે શરીર ને અગ્નિ માં નાખવામાં આવે તો પણ- આત્મસુખ માં નિમગ્ન થયેલું ચિત્ત દુઃખ પામતું નથી. અનંત બ્રહ્મ સુખ (આત્મસુખ) ની પ્રાપ્તિ થી દેહ ની સ્મૃતિ (યાદ) રહેતી નથી, એટલે તેને કોઈ પણ જાતનું દુઃખ કે દ્વંદો-અસર કરી શકતા નથી.....(૨૨)
સંસાર માં ફસાયેલું મન જયારે આત્મસુખ (બ્રહ્મ સુખ) નો મધુર સ્વાદ ચાખે છે-ત્યારે-તે – સ્વાદ આગળ સંસાર ના સુખો નો સ્વાદ તુચ્છ –લાગવા માંડે છે.જેના માટે (જે સુખ માટે) સર્વ “જ્ઞાન” ની આવશ્યકતા છે, અને જે સંતોષ નો (સુખ નો) ભંડાર છે, એવું આ બ્રહ્મ-સુખ (આત્મ-સુખ) – જયારે અભ્યાસ ના યોગ થી મૂર્તિમંત (પ્રત્યક્ષ) થાય છે-
ત્યારે –તેમ થતાં જ યોગી તેમાં (સુખ માં) તદ્રુપ થઇ જાય છે (મળી જાય છે) અને તેવે વખતે-
સુખ કે દુઃખ નો સંબંધ તૂટી જાય છે. અને યોગ સાધ્ય થયો એમ કહેવાય છે ......(૨૩)
🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿...
🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿
શ્રીમદ ભગવદગીતા-૭૭-
અધ્યાય-૬-
આત્મસંયમ યોગ-૬
એક રીતે જોવા જતાં આ યોગ સુલભ છે.(માર્ગ-૧) “સંકલ્પ” નું “સંતાન” –(સંકલ્પ=હું આમ કરીશ તો આમ થશે-કે આટલું ફળ મળશે-“મન” સંકલ્પ કરે છે) કે જેને વિષયો(સ્વાદ-વગેરે),કામ-ક્રોધ વગેરે ના નામથી બોલાવી શકાય,તે- “સંતાન” જયારે મરી જાય છે-ત્યારે- “સંકલ્પ” ને પોતાનું આ સંતાન મરી ગયાનું દુઃખ(શોક) થાય છે , અને એમાં પણ જયારે
--આ “સંકલ્પ” જયારે “વિષયો (સ્વાદ-વગેરે) લય પામ્યા છે” એવી વાત સાંભળે-અને
--ઇન્દ્રિયો (મુખ-વગેરે) ને નિયમિત પણે (વૈરાગ્ય થી) વર્તતી જુએ-ત્યારે – તેનું હૃદય ફાટી જાય છે,અને પ્રાણ છોડે છે. (સંકલ્પ ની સમાપ્તિ થાય છે).
બીજી રીતે આ જ વાત કહીએ તો- “બુદ્ધિ” માં થી જયારે “સંકલ્પ” નો નાશ થાય છે, તેની સાથે જ – “સંકલ્પ” થી પેદા થતી (ઉત્પન્ન થતી) “વાસનાઓ” પણ તેની સાથોસાથ નાશ પામે છે, અને ત્યારે “બુદ્ધિ” ને “ધૈર્ય” (ધીરતા) પ્રાપ્ત થાય છે, અને –આ-“બુદ્ધિ” ને જયારે “ધૈર્ય” (ધીરતા) નો આશ્રય મળ્યો-એટલે તે “મન” ને પણ ધીરે ધીરે ખેંચી લાવી અને આ જ માર્ગ પર ચડાવે છે. આ રીતે - “ધૈર્ય બુદ્ધિ” –ધીરે ધીરે આત્મ-સ્વ-રૂપ માં સ્થિર થાય છે. જો આ માર્ગ સાધ્ય થઇ ન શકતો હોય તો તેનાથી પણ એક બીજો સહેલો માર્ગ છે.(માર્ગ-૨)
સાધકે –સહુ પ્રથમ એક નિયમ યાદ રાખવાનો-કે કરેલો નિશ્ચય (બુદ્ધિ થી કરેલો નિશ્ચય) કદી છોડવો નહિ. આવા નિશ્ચય થી જો –ચિત્ત (મન) સ્થિર થાય તો અનાયાસે જ કાર્ય સિદ્ધ થઇ જાય છે. પણ જો એમ પણ ન થઇ શકે તો, તે ચિત્ત (મન) ને ખુશી થી સ્વતંત્ર વર્તન કરવા દેવું,(માર્ગ-૩) આવી રીતે સ્વતંત્ર થયા પછી-તે જયાં જ્યાં જશે ત્યાંથી
“નિશ્ચય”(બુદ્ધિ) તેને પાછું ખેંચી લાવશે. અને એ રીતે- સ્થિરતા નો અભ્યાસ થઇ જશે. (૨૪-૨૫-૨૬)
આ રીતે મન ને જયારે સ્થિરતા નો એક વખત અનુભવ થાય છે-પછી- એ જ પ્રકારે જયારે જયારે ફરીથી મન ને એવી જ સ્થિર દશા પ્રાપ્ત થાય છે-ત્યારે તે સહજતાથી આત્મસ્વ-રૂપ ની નિકટ આવે છે.અને તેમાં તદ્રુપ (મળી) જાય છે.સ્થિરતા થાય છે.
આ સ્થિરતાની સ્થિતિમાં –ઘટાકાશ અને મહાકાશ એક થાય છે,દ્વૈત માં થી અદ્વૈત થાય છે
જીવ આત્મ-સુખ (પરમાત્મ-સુખ )માં ડૂબી જઈ બ્રહ્મ-સ્વરૂપ બની જાય છે...........(૨૭)
મન માં ના સંકલ્પ-વિકલ્પો છોડી ને જે લોકો આ સુલભ –યોગ ની અદભૂત સ્થિરતાની સ્થિતિ નો, પુષ્કળ અનુભવ લઇ અને અનંત સુખી થયા છે, અને આ સુખ ના સતત સંસર્ગ થી- બ્રહ્મ-સ્વરૂપ (આત્મ સ્વ-રૂપ) સુધી પહોંચી ગયા છે-તે-
આત્મા અને પરમાત્મા ના આ મિલન પછી-પરમાત્મા થી છૂટા થઇ શકતા નથી. જેવી રીતે મીઠું પાણી માં ઓગળી જાય પછી તેને પાણી થી છુટું પડી શકાતું નથી તેમ......
નિશ્ચય બુદ્ધિ થી મન ના સંકલ્પ-વિકલ્પો દૂર કરી સ્થિરતા પ્રાપ્ત કરવાનો - આ યોગ - પણ જો કઠિન લાગતો હોય તો શ્રીકૃષ્ણ એક બીજો ઉપાય બતાવે છે..(માર્ગ-૪).........(૨૮)
કે જેમાં પણ-બુદ્ધિ નું પ્રાધાન્ય છે.(મુખ્ય રીતે બુદ્ધિ નો ઉપયોગ છે)
સામાન્ય રીતે-કે (સામાન્ય-બની ગયેલા!!!) જ્ઞાન થી બધા સમજે છે-કે આત્મા-એ-પરમાત્મા છે, એ વિષે કોઈ વાદ નથી-કે જગત અને ઈશ્વર ઓતપ્રોત છે-આ “તત્વ”છે-અને- સાધક ની “બુદ્ધિએ” આ “તત્વ” ગ્રહણ કરવું જોઈએ (બુદ્ધિ એ સ્વીકારવું-સમજવું જોઈએ) જે રીતે પોલાણ નું અસ્તિત્વ –આકાશ ને લીધે –કે-પ્રવાહી નું અસ્તિત્વ પાણી ને લીધે છે-
તે રીતે જ –
જે મનુષ્ય સમજી જાય કે-પરમાત્મા સર્વ વ્યાપક છે-અને-
અનેક વ્યક્તિઓ ના –અનેક્ત્વ –જોવા છતાં – જે મનુષ્ય ના અંતઃકરણ માં (બુદ્ધિ માં) અનેક્ત્વ ઉત્પન્ન થતું નથી- તે-
મનુષ્ય અને ઈશ્વર એક –જ છે.
એટલે કે –ટૂંક માં જેને (જે આત્મા ને) સર્વ જગ્યાએ –સર્વ માં પરમાત્મા દેખાય છે- તે આત્મા –પરમાત્મા જ થઇ ગયો છે-અને “પરમાનંદ” ને પ્રાપ્ત થઇ ગયો છે...........(૨૯-૩૦)
🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿
શ્રીમદ ભગવદગીતા-૭૮-
અધ્યાય-૬-
આત્મસંયમ યોગ-૭
શ્રીકૃષ્ણ કહે છે-કે-
જે યોગી,”એક નિષ્ઠા” થી
જે યોગી,”એક નિષ્ઠા” થી
(૧) સર્વ કાળે,સર્વ પ્રાણીમાત્રમાં રહેલા (આત્માને).
(૨) જગતની સર્વ વસ્તુ ,માં રહેલા “ચૈતન્ય” ને –તે પરમાત્મા થી
અલગ નથી,એમ સમજી –તે સર્વ માં આદર રાખી, તેમને ભજે છે- તે –યોગી-મને
(પરમાત્મા ને) જ ભજે છે. પછી તે ગમે તે પ્રકારે વર્તતો હોય –તો પણ તે મારા
(પરમાત્માના) સ્વ-રૂપ માં જ રહેલો હોય છે.(૩૧)
જે યોગીમાં- પોતાના આત્મા ને તથા જગતના સર્વ આત્મા
ને –પરમાત્મા –માનવાની “સમ-દૃષ્ટિ” પેદા થઇ હોય છે-તે જો પોતાને સુખ-દુઃખ
થાય તો-બીજાને પણ સુખ-દુઃખ થાય એવી સમ-દૃષ્ટિ રાખે છે. વળી પોતાના સુખ-દુઃખ
પ્રત્યે પણ તે સમ-દૃષ્ટિ રાખે છે. આ સમતા કે સમ-દૃષ્ટિ એ પણ એક ઉપાસના
(યોગ) છે અને પરમાત્મા ને તે માન્ય છે..........(૩૨)
શ્રી કૃષ્ણ ના આ લાંબા ઉપદેશ (ભાષણ) કે જે મન ના
નિગ્રહ વિષે હતો-તે સાંભળી ને-હવે- અર્જુન જાણે આપણા મનની અંદર ઉઠતા પ્રશ્ન
ને જ વાચા આપે છે- અર્જુન કહે છે-કે-
હે દેવ, આપે મારા માટે મન માં દયા લાવીને મને સમત્વ નો માર્ગ બતાવ્યો-પરંતુ- મારા મન ના ચંચળ સ્વભાવ આગળ મારું કંઈ ચાલતું નથી.
હે દેવ, આપે મારા માટે મન માં દયા લાવીને મને સમત્વ નો માર્ગ બતાવ્યો-પરંતુ- મારા મન ના ચંચળ સ્વભાવ આગળ મારું કંઈ ચાલતું નથી.
જેવી રીતે-
--માંકડાં (વાંદરાં) ને સમાધિ –લાગે એવી ઘટના અશક્ય છે-કે- પછી-
--પ્રચંડ વાવાઝોડાને –કોઈ –“સ્થિર થા” એવું કહેતાં જ તે વાવાઝોડું સ્થિર થઇ જાય – તેવી ઘટના પણ અશક્ય છે-
તેવી જ રીતે –
ઘડીક અહીં તો ઘડીક તહીં-દોડતા મારા મન ને સ્થિરતા પ્રાપ્ત થવી અસંભવિત (અશક્ય) છે.
મારું મન મારી બુદ્ધિ ને ઠગે છે, નિશ્ચય ને તોડી નાખે છે, ધૈર્ય ને હાથતાળી આપી છટકી જાય છે. વિચારો ને બહેકાવે છે,અને સંતોષ ને ખંડિત કરે છે.
મારું મન મારી બુદ્ધિ ને ઠગે છે, નિશ્ચય ને તોડી નાખે છે, ધૈર્ય ને હાથતાળી આપી છટકી જાય છે. વિચારો ને બહેકાવે છે,અને સંતોષ ને ખંડિત કરે છે.
કોઈ મનુષ્ય નિરાંતે એક જગ્યાએ બેઠો હોય-પણ તેનું મન તેને ચારે દિશામાં દોડાવે છે,
જો તે મન ને ગોંધી રાખે- મન ને નિગ્રહ કરવાનો પ્રયત્ન કરે તો –તે સ્પ્રીંગ ની જેમ ઉછળી ને બહાર આવે છે. મન નો નિગ્રહ કરવા જતાં-ઉલટો નિગ્રહ જ –મન ને સહાય કરે છે. આવું મન તેનો સ્વભાવ શું છોડશે ?
જો તે મન ને ગોંધી રાખે- મન ને નિગ્રહ કરવાનો પ્રયત્ન કરે તો –તે સ્પ્રીંગ ની જેમ ઉછળી ને બહાર આવે છે. મન નો નિગ્રહ કરવા જતાં-ઉલટો નિગ્રહ જ –મન ને સહાય કરે છે. આવું મન તેનો સ્વભાવ શું છોડશે ?
મન ની આવી ચંચળ વૃત્તિ હોવાથી –સમ-દૃષ્ટિ ,પ્રાપ્ત થવી તો બિલકુલ અશક્ય છે.....(૩૩-૩૪)
ત્યારે શ્રીકૃષ્ણ કહે છે-કે-
તેં જે કહ્યું તે સત્ય છે –કે- મન નો સ્વભાવ ચંચળ છે, પરંતુ,
-તેને “વૈરાગ્ય”ના આધારે –“અભ્યાસ” ના માર્ગ પર લાવવામાં આવે તો – તે ધીરે
ધીરે સમય જતાં અવશ્ય સ્થિર થાય છે. (સ્વાધીન થાય છે) કારણકે-આ “મન” એક
ઉત્તમ “સદગુણ” ધરાવે છે-કે-એને જે વસ્તુ નો “ચટકો” લાગે છે-
તેમાં જ તે સદાને માટે-રહેવા માટે આકર્ષાય છે. એટલા માટે –.વિનોદ (ગમ્મત) ખાતર પણ એ મન ને “આત્મ-સુખ” પ્રત્યે વાળવામાં આવે-તો-પછી- જો તે મન ને એ “આત્મ-સુખ” નો ચટકો લાગે તો –તે તે ત્યાં નિરંતર ચોંટી રહે છે......(૩૫)
તેમાં જ તે સદાને માટે-રહેવા માટે આકર્ષાય છે. એટલા માટે –.વિનોદ (ગમ્મત) ખાતર પણ એ મન ને “આત્મ-સુખ” પ્રત્યે વાળવામાં આવે-તો-પછી- જો તે મન ને એ “આત્મ-સુખ” નો ચટકો લાગે તો –તે તે ત્યાં નિરંતર ચોંટી રહે છે......(૩૫)
:
શ્રીમદ ભગવદગીતા-૭૯-
અધ્યાય-૬-
આત્મસંયમ યોગ-૮
આગળ બતાવ્યા પ્રમાણેના યોગ નો (અથવા બીજા કોઈ પણ જાતના યોગ નો)-જે મનુષ્ય અભ્યાસ (યમ,નિયમ,પ્રાણાયામ-વગેરે) કરતો નથી- અને-જેના માંવૈરાગ્ય (અનાશક્તિ) નથી – તેનું મન કદી પણ વશ થઇ શકવાનું નથી. વિષયો (સ્વાદ-વગેરે) માં લંપટ થયેલા ટેઢા -“મન” ને – અભ્યાસ (યોગ) અને વૈરાગ્ય ની ચીમટી ખણીને, તેના કાન મચેડી ને –સીધું કરવાનું છે. શ્રીકૃષ્ણ કહે છે-કે-
મનો નિગ્રહ ના જે સાધનો (યોગ-વગેરે) બતાવ્યા છે-તેનો એક વખત તું આરંભ (શરૂઆત) તો કર-અને પછી જો-કે મન કેમ વશ થતું નથી ?(મન જરૂર વશ થશે). શું આ સર્વ યોગ-સાધનો ખોટાં છે ? પણ તું “યોગ સાધના નો અભ્યાસ જ થતો નથી “ એમ કહી તે સાધન કરવા તૈયાર થતો જ નથી. એક વાર જો –આ યોગ સાધના ચાલુ થઇ તો તેના યોગ-બળ આગળ મન ની કોઈ જ વિસાત નથી. જો -આ યોગ બળ થી તો સર્વ કંઈ સ્વાધીન થાય છે-તો- મન ની તો વળી શું હેસિયત ??!!!
અર્જુન કહે છે-કે-
હે પ્રભુ, હવે મારા મન માં એક બીજો જ સંશય ઉભો થયો છે-જેની નિવૃત્તિ કરવા આપ સિવાય બીજો કોઈ સમર્થ નથી.
જો કોઈ મનુષ્ય મોક્ષ-પ્રાપ્તિ માટે,શ્રદ્ધા પૂર્વક વૈરાગ્ય થી અભ્યાસ કરવા લાગે, અને જો મોક્ષપ્રાપ્તિ પહેલાં જ તે અભ્યાસ ને પડતો મૂકે કે પછી અચાનક મૃત્યુ આવી જાય તો - તેવો મનુષ્ય કેવી ગતિ ને પામે ?
કવખતે આવેલું વાદળું,જેમ ટકતું પણ નથી અને વરસતું પણ નથી, તેમ તેને કોઈ પણ લક્ષ્ય સાધ્ય ના થાય, મોક્ષ તો દૂર રહ્યો,પણ શ્રદ્ધા ના બળે (વૈરાગ્ય થી) છોડેલો સંસાર-વ્યવહાર પણ તે ચુકે-આવા મનુષ્ય ની શી ગતિ થતી હશે ?
શ્રીકૃષ્ણ કહે છે-કે-
જેને મોક્ષ-પ્રાપ્તિ ની ઈચ્છા છે-તેને મોક્ષ સિવાય કોઈ ગતિ છે જ નહિ. માત્ર તેને મધ્યમાં થોડી વિશ્રાંતિ લેવી પડે છે –એ જ –પરંતુ વિશ્રાંતિ માં જે સુખ મળે છે –તે –
દેવો ને પણ દુર્લભ છે.
જે મનુષ્ય એક વાર મોક્ષ માર્ગ પર ચાલવા માંડે પછી, જો આયુષ્ય ના અંત પહેલાં –તે ત્યાં પહોંચી જ જાય છે,પણ જો તેની ગતિ (વેગ-સ્પીડ) ઓછી હોય તો તેને વિસામો લેવો પડે છે,પણ અંતમાં તો- તેની મોક્ષપ્રાપ્તિ નક્કી જ છે. (૪૦)
જો મનુષ્યે એક વાર યોગમાર્ગ પર પગ મુક્યો-અને મોક્ષ મળે તે પહેલાં જ જો તેના આયુષ્ય નો અંત આવી જાય-તો તેવો “યોગભ્રષ્ટ” મનુષ્ય –તેને યોગમાર્ગ પર ચાલવાથી મળેલા પુણ્ય ના આધારે, ઇન્દ્રલોક માં જઈ-ત્યાં રહી –જયારે પુણ્યો નો ક્ષય થાય-એટલે તે ફરી પાછો મૃત્યુલોક (પૃથ્વી) પર કોઈ પવિત્ર તથા શ્રીમંત કુટુંબ માં જન્મ લે છે. (૪૧)
અથવા તો કોઈ બુદ્ધિમાન યોગીના કુળ માં જ –આ યોગભ્રષ્ટ મનુષ્ય નો જન્મ થાય છે.આવા પ્રકારનો જન્મ આ લોક માં અતિ દુર્લભ છે, પૂર્વ-જન્મ ની યોગ-બુદ્ધિનો તેનામાં વિકાસ થાય છે અને યોગ-સિદ્ધિ માટે તે ફરીથી પ્રયત્ન કરે છે.(૪૨-૪૩)
આવા યોગી ની બુદ્ધિ, સામાન્ય મનુષ્ય ને જલ્દી સમજ માં ન આવે તેવા મુદ્દાઓ –સમજી શકે છે,અને નિયમ-પૂર્વક પ્રયત્ન કરીને –સર્વ પાપોમાંથી મુક્ત થઇ ,અનેક જન્મો થી એજ પ્રયત્નો કરતો રહી-છેવટે-પરમ ગતિ ને (મોક્ષને) પ્રાપ્ત થાય છે (૪૪-૪૫)
શ્રીકૃષ્ણ કહે છે-
તપસ્વી,જ્ઞાની તથા કર્મ કરનાર કરતાં પણ યોગી અધિક શ્રેષ્ઠ છે-માટે “હે અર્જુન તું યોગી થા” (૪૬)
સર્વ યોગીઓ માં પણ જે શ્રદ્ધાપૂર્વક –મારામાં (પરમાત્મા માં) લીન થઇ-(આત્મા-પરમાત્મા નું ઐક્ય-મોક્ષ)સર્વદા-સર્વ કાળે મને (પરમાત્માને) ભજે છે-તે સર્વ થી અધિક-યોગ-યુક્ત છે –એવો મારો મત (માનવું) છે.....(૪૭)
અધ્યાય-૬-આત્મસંયમ યોગ –સમાપ્ત
🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳
🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳
શ્રીમદ ભગવદગીતા-૮૦-
અધ્યાય-૭-
જ્ઞાન-વિજ્ઞાન યોગ-૧
શ્રીકૃષ્ણ કહે છે-કે-
--યોગ નો (આગળના અધ્યાય -૬ માં બતાવ્યો તે) અભ્યાસ કરીને-
--અહીં તહીં ભટકતા તારા મન ને –મારામાં (આત્મામાં-પરમાત્મામાં) જ આસક્ત કરીને-અને
--કેવળ મારો (આત્માનો-પરમાત્માનો) આશ્રય ધરીને-(શરણ માં જઈ ને)
તું મારું (આત્માનું-પરમાત્માનું) સ્વરૂપ –કોઈ પણ સંશય વગર –
કેવી રીતે જાણી શકીશ-તેનું “જ્ઞાન” કહું છું...................................................(૧)
જે “જ્ઞાન” ને જાણ્યા પછી આ લોકમાં જાણવા યોગ્ય કશું બાકી રહેતું નથી તે
સંપૂર્ણ જ્ઞાન હું વિજ્ઞાન સહિત કહું છું .........................................................(૨)
જ્ઞાનેશ્વર સત્ય (બ્રહ્મ) જ્ઞાન સિવાયના વિરુદ્ધ સર્વ જ્ઞાનને –વિજ્ઞાન-(વ્યવહારજ્ઞાન-કે-પ્રપંચજ્ઞાન) કહે છે.
---“સત્ય જ્ઞાન” –એ એવું જ્ઞાન છે-કે-તે કદી પણ બદલાતું નથી.-જયારે -
---“વ્યવહારિક જ્ઞાન”(વિજ્ઞાન) નો આધાર “અનુભવ” હોવાથી-.
જેમ જેમ નવા નવા અનુભવ થતા જાય તેમ તેમ તે જ્ઞાન બદલાતું જાય.
---“સત્ય જ્ઞાન” (પરમાત્મા-આત્મા) ના સાક્ષાત્કાર વખતે- બુદ્ધિ,વિચારો અને તર્ક ની સમાપ્તિ થઇ જાય છે.
(બુદ્ધિ-સ્થિર થાય છે-જેમ નાવ નું લંગર નાખ્યું હોય તો તે હાલતી નથી તેમ)
---“યોગ” નું જ્ઞાન –એ-"વિજ્ઞાન" છે- કે જેનાથી “સત્ય જ્ઞાન” ને પામી શકાય છે.
સમજવામાં થોડીક અઘરી લાગતી –આ જ વાત ઉદાહરણ થી સમજવા પ્રયત્ન કરીએ.
વિજ્ઞાન એ પ્રયોગો પર આધારિત છે.અને પ્રયોગો પછી તેનું એક સમીકરણ (તારણ) મુકાય છે.
હવે જો આપણી સમક્ષ ત્રણ વાડકા માં પાણી ભરેલું હોય-તો
આપણે નરી આંખે તેને જોઈ ને કહી શકીએ કે ત્રણ વાડકા માં પાણી છે.(સત્ય જ્ઞાન)પણ હવે જો ડાબા વાડકામાં ખુબ જ ગરમ પાણી અને જમણા વાડકામાં ખુબ જ ઠંડું પાણીઅને વચ્ચે ના વાડકા માં સાદું –વાતાવરણ ના ઉષ્ણતામાન (ટેમ્પરેચર) વાળું પાણી ભરવામાં આવે-તો આપણે પ્રયોગ કરીએ છીએ –એટલે આપણ ને ખબર છે-કે વચ્ચે ના વાડકા માં સાદું પાણી છે.કે જેનું વાતાવરણ ના ઉષ્ણતામાન જેટલું જ ઉષ્ણતામાન છે
હવે કોઈ વ્યક્તિ ને પ્રથમ ડાબા વાડકામાં થોડીવાર હાથ ડૂબાડી રાખી ને –અને પછી તરત તેને –તે હાથવચ્ચે ના વાડકામાં ડૂબાડી રાખી પૂછવામાં આવે તો-તે કહેશે કે-વચ્ચેના વાડકા નું પાણી ગરમ છે-પણ સાચી રીતે આપણે જાણીએ છીએ કે તે વચ્ચે ના વાડકા નું પાણી ગરમ નથી.
હવે બીજી કોઈ વ્યક્તિ ને પ્રથમ જમણા વાડકામાં થોડીવાર હાથ ડૂબાડી રાખી ને –અને પછી તરત તેને –તે હાથ વચ્ચે ના વાડકામાં ડૂબાડી રાખી પૂછવામાં આવે તો-તે કહેશે કે-વચ્ચેના વાડકા નું પાણી ઠંડું છે- પણ સાચી રીતે આપણે જાણીએ છીએ કે તે વચ્ચે ના વાડકા નું પાણી ઠંડું નથી.
વચ્ચે ના વાડકા ના પાણી ના અનુભવ પછી-એક વ્યક્તિ કહે છે-કે પાણી ગરમ છે-અને બીજી વ્યક્તિ કહે છે-કે- પાણી ઠંડું છે. અને આપણે જાણીએ છીએ કે તેમાંનું પાણી એ પાણી જ છે-
આમ જુદા જુદા અનુભવ નું જ્ઞાન એ અનુભવ ઉપર આધારિત હોવાથી –તે બદલાતું કે જુદું જુદું લાગે છે.જેને વ્યવહારિક જ્ઞાન-કે -વિજ્ઞાન-કે-પ્રપંચ જ્ઞાન કહી શકાય.
પણ અહીં શ્રીકૃષ્ણ કહે છે-કે-
હવે હું તને એવું (સત્ય) જ્ઞાન કહું છું-(એવું ગુપ્ત –ગોપનીય “તત્વ” કહું છું)કે જે જાણ્યા પછી –જગતમાં કંઈ પણ જાણવાનું બાકી રહેતું નથી.(જે જ્ઞાન કદી બદલાતું નથી)
🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿
🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳
શ્રીમદ ભગવદગીતા-૮૧-
અધ્યાય-૭-
જ્ઞાન-વિજ્ઞાન યોગ-૨
હજારો મનુષ્યો માંથી કોઈ એકાદ મનુષ્ય ને જ આ “સત્ય જ્ઞાન” ની “ઈચ્છા” થયેલી હોય છે.
આવી “ઈચ્છા થયેલા મનુષ્યો” માંથી પણ કોઈ એકાદ જ આ-“સત્યજ્ઞાન” મેળવવા પ્રયત્ન કરે છે.અને આવા પ્રયત્ન કરનારા માંથી કોઈ એકાદ જ –આ સત્યજ્ઞાન ને –પરમાત્મા નેઓળખી શકે છે.(મેળવી શકે છે).........(૩)
બીજી રીતે કહીએ તો- પરમાત્મા ના સત્ય-જ્ઞાન ને મેળવવા માટે-કેટલાય લોકો આસ્થા ના પૂરમાં ભૂસકા મારે છે-કુદી પડે છે-
પરંતુ સામે કાંઠે તો –કોઈ એકાદ જ માણસ પહોંચી શકે છે.(કોઈ એક ને જ સત્ય ની પ્રાપ્તિ થાય છે)માટે આ સામાન્ય વાત નથી.
એટલે હવે “સત્યજ્ઞાન” ની વાત પહેલાં “વિજ્ઞાન” ના સ્વરૂપને સમજીએ.અને ધીરે ધીરે સત્યજ્ઞાન (પરમાત્મા) ને સમજવા તરફ પ્રયાણ કરીએ.
પંચમહાભૂત (પૃથ્વી,જલ,અગ્નિ,વાયુ,આકાશ) અને મન,બુદ્ધિ,અને અહંકાર-આ આઠ ભેદ વાળી (આઠ ભાગ માં વિભક્ત થયેલી) બ્રહ્મની- પ્રકૃતિ – સ્થૂળ-જડ-અપરા છે..(૪)
જે પ્રમાણે શરીર નો પડછાયો પડે-પણ પડછાયો તે શરીર નથી--તેમ
બ્રહ્મ (પરમાત્મા) એ જગતનું --કારણ - છે. અને તેનો પડછાયો જે- છે –તે-ઉપર બતાવેલી
આઠ ભેદ વળી પ્રકૃતિ----------કાર્ય ---રૂપે --માયા --રૂપે --છે .
આ માયા –કે- જેને પ્રકૃતિ પણ કહે છે-તે-બ્રહ્મ નથી-પણ તે પડછાયા રૂપે છે-જડ-કે-સ્થૂળ- છે- તેને અપરા (ગૌણ-સ્થૂળ) પ્રકૃતિ પણ કહેવામાં આવે છે. બ્રહ્મની (પરમાત્માની) એક બીજી (જુદી) -પ્રકૃતિ- કે જે- ચેતન- છે -જેને –પરા (સૂક્ષ્મ) પ્રકૃતિ- કે-
જીવભુતા પ્રકૃતિ -કહે છે.જેના વડે બ્રહ્મ (પરમાત્મા) આ જગત ધારણ કરે છે....(૫)
અપરા (ગૌણ-સ્થૂળ) પ્રકૃતિ–કે જે –ઉપર બતાવ્યા મુજબ-આઠ ભેદ વાળી છે-તેનું-
એકીકરણ (ઐક્ય) તે પરા (સૂક્ષ્મ) પ્રકૃતિ.આ પરા પ્રકૃતિ-કે-જે- બ્રહ્મ માં (શૂન્ય-અવ્યક્ત-નિરાકાર-નિર્ગુણ-નિર્વિકલ્પ-પરમાત્મામાં)
જીવભાવ ઉત્પન્ન કરે છે.તેથી તેને “જીવભૂતા પ્રકૃતિ” પણ કહે છે.
આ -પરા (સૂક્ષ્મ-જીવભૂતા) પ્રકૃતિ -અચેતન ને ચેતન (જીવન) આપે છે.અને જેના સાનિધ્ય થી બુદ્ધિ માં જ્ઞાન ઉત્પન્ન થાય છે. “હું” (અહમ) નું ભાન ઉત્પન્ન થાય છે.પરા પ્રકૃતિ અહંકાર(વૈકારિક) ના કૌશલ્ય થી જગત ધારણ કરે છે.
સર્વ જીવો- આ બે પ્રકારની (પરા -અપરા) પ્રકૃતિ થી ઉત્પન્ન થયા છે.અને આ બંને પ્રકૃતિ ના “કાર્ય” દ્વારા (મારફત) -જ- સમગ્ર જગતની ઉત્પત્તિ અને સંહાર નું “કારણ” બ્રહ્મ (પરમાત્મા) બને છે...(૬)
જયારે પરા (સૂક્ષ્મ) પ્રકૃતિ સ્વેચ્છાએ અપરા (સ્થૂળ) પ્રકૃતિ જોડે સંયુક્ત થાય છે ---ત્યારે સૃષ્ટિ માં જીવો ની (પ્રાણીઓની) ઉત્પત્તિ થાય છે. અને જીવો નો વિસ્તાર થાય છે.જીવો માં માયા (પ્રકૃતિ) નું અવતરણ થાય છે. આ –જ- માયા પ્રવૃત્તિ (કર્મો) કરાવે છે. કર્મો નો હિસાબ રાખે છે.અને હિસાબ પુરો થતાં (સરભર થતાં) તે-જીવોના (પ્રાણીઓના) સંહાર નું કારણ પણ બને છે.
સહુથી મહત્વની વાત જો સમજી શકાય તો એ છે-કે-આ પ્રકૃતિ (માયા) એ બ્રહ્મ (પરમાત્મા) માં જ લય પામતી હોવાથી-જગતની ઉત્પત્તિ,સ્થિતિ અને વિનાશ નું કારણ એ બ્રહ્મ (પરમાત્મા) જ છે.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
આ જ વસ્તુ-સહેલાઇ થી બુદ્ધિ માં ઉતરે તેવી રીતે અહીં જોઈએ.કે જેને સર્ગ-સિદ્ધાંત પણ કહે છે.
--પુરૂષ અને પ્રકૃતિ બંને એકબીજાથી વિરુદ્ધ ધર્મ ધરાવે છે.પણ -એક જ પુરૂષ -માં સ્થિત છે.
જેને -પરમાત્મા- કહી શકાય
ઉદાહરણ તરીકે (માત્ર સમજવા પૂરતું) જોઈએ-તો-
--પુરૂષ ની અંદર (+) અને (-) બંને છે-- હવે તેને છુટા પાડવા હોય તો - પુરૂષ ને (+) અને પ્રકૃતિ ને (-) આમ કહી શકાય
-- પુરૂષ (+) ને નિમિત્ત -કારણ -રૂપ કહ્યો છે.
-- પ્રકૃતિ (-) જે કાર્ય રૂપ છે-જેને શક્તિ કહી છે અને જે માયા તરીકે વિખ્યાત છે.
---આ પુરૂષ (+) અને પ્રકૃતિ (-) નો કોઈ વાસ્તવિક રીતે સંયોગ થતો નથી.
-- પણ બંને સાથે જ નજદીક -નજદીક રહેવાથી- બિંબ-પ્રતિબિંબ ની ક્રિયા થાય છે
અને જેથી પ્રકૃતિના ગુણો નો ક્ષોભ થાય છે-અને આ પ્રકૃતિ ના ગુણો નો ક્ષોભ થવાથી જગતની ઉત્પત્તિ થાય છે.
🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳
🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳
શ્રીમદ ભગવદગીતા-૮૨-
અધ્યાય-૭-
જ્ઞાન-વિજ્ઞાન યોગ-૩
આ દૃશ્ય જગત (જે આંખ થી દેખાય છે-તે જગત) એ –મૃગજળ જેવું છે.મૃગજળ નું મૂળ જોવા જઈએ તો-તે-માત્ર સૂર્યકિરણ જ નહિ પણ સૂર્ય પોતે જ છે.તેવી જ રીતે –આ દૃશ્ય જગત નું મૂળ જોવા જઈએ તો
તે માત્ર પ્રકૃતિ (માયા) નહિ પણ બ્રહ્મ (પરમાત્મા) પોતે જ છે.
જે પ્રમાણે સોનાના મણકા કરી ને –તેને સોનાના તારમાં જ પરોવ્યા હોય –તે પ્રમાણે- સર્વ જગત(સોનાના મણકા) –એ-બ્રહ્મ (સોનાનો તાર-પરમાત્મા) માં જ –ઓતપ્રોત –ગુંથાયેલું છે....(૭)
પછી ના ૮ થી ૧૧ શ્લોક સુધી –પરમાત્મા માંથી વસ્તુ માત્ર ક્યાં-ક્યાં વિસ્તરી છે-ફેલાયેલી છે-તે વસ્તુઓ નું વર્ણન છે.
સારાંશ –એ છે કે-જગત ની સર્વ વસ્તુમાત્ર –પરમાત્મા માં થી જ વિસ્તરી છે (૮ થી ૧૧)
જે પ્રમાણે –બીજ-રસથી ભરેલું હોય છે-તેને વાવવાથી –તેમાંથી અંકુર ફૂટી-વૃક્ષ બને છે-અને છેવટે વૃક્ષ નું લાકડું બને છે-પણ આ લાકડામાં –બીજ-બીજ તરીકે - રહેતું નથી, તે પ્રમાણે –સત્વ-રજસ અને તમસ –વિકારો- પરમાત્મા (બ્રહ્મ) માંથી ઉત્પન્ન થયેલા છે- તે પરમાત્મા (બ્રહ્મ) માં સમાઈ રહેલા છે-છતાં –પરમાત્મા (બ્રહ્મ) તે વિકારો માં સમાયેલા નથી.....(૧૨)
જેવી રીતે ઘટાટોપ વાદળોથી આકાશ ઢંકાઈ જાય છે,પાણી માં ઉત્પન્ન થયેલી સેવાળ થી પાણી ઢંકાઈ જાય છે, આંખને મોતિયો આવવાથી દૃષ્ટિ ઢંકાઈ જાય છે, તેવી જ રીતે- સત્વ-રજસ અને તમસ –એ ત્રણ ગુણો ની બનેલી માયાથી પરમાત્મા (બ્રહ્મ) ઢંકાઈ જાય છે.
માયા –એ-પડદાની જેમ –પરમાત્મા ની આડે આવે છે-જેથી મનુષ્યો-ઈશ્વરને ઓળખી શકતા નથી.અને જે મનુષ્યો (આત્માઓ) પરમાત્મામાંથી જ ઉત્પન્ન થયા હોવા છતાં પરમાત્મા માં મળી શકતા નથી.
જેમ માટી નો ઘડો કાચો હોય ત્યાં સુધી માટી માં પાછો ભળી શકે છે-પણ તે ઘડાને પકવ્યા પછી –તે (ઘડો) માટી માં પાછો ભળી શકતો નથી, તેમ –સર્વ આત્માઓ –પરમાત્મા ના જ અંશ હોવાં છતાં, માયાના યોગે “જીવ”પણું પામવાથી, “હું” અને “મારું” એવા ભ્રમ (ભ્રાંતિ) માં –વિષયાંધ બની જાય છે. અને પછી તે - પરમાત્મા માં ભળી શકતા નથી-કે- સર્વ ગુણો (સત્વ-રજસ-તમસ) થી પર એવા પરમાત્મા ને ઓળખી પણ શક્તા નથી ......(૧૩)
આ ત્રિગુણાત્મક (ત્રણ ગુણો વાળી- (સત્વ-રજસ-તમસ) માયા રૂપી નદી – એટલી વિશાળ અને ધસમસતા પ્રવાહવાળી છે કે-તેને તરી જવી એ –બહુ જ મુશ્કેલ કામ છે. પણ જેઓ પરમાત્માને (આત્માને) શરણે જાય છે-તેઓ જ આ નદીને વિના અવરોધે તરી જાય છે .(૧૪)
આ માયા થી જીવમાં વિકાર વાસનાઓ (કામ-ક્રોધ-લોભ-વગેરે) નુ આગમન થાય છે, અનેજીવ નુ “જ્ઞાન” (આત્મ-પરમાત્મ જ્ઞાન) નષ્ટ થાય છે, આસુરી પ્રકૃતિ (માયા) નો આશ્રય (આશરો) લેવાથી એ પાપી,નરાધમ,મૂર્ખ જીવ –પરમાત્મા ને શરણે જવાનું ભૂલી જાય છે.(પરમાત્મા ને શરણે જતો નથી).અને જે થોડા જીવો પરમાત્મા ને શરણે જાય છે-તે ચાર પ્રકારના હોય છે.
(૧) આર્ત-જે જીવ દુઃખ ના નિવારણ માટે કરુણાભાવ થી –ઈશ્વરને યાદ કરે તે-જેમકે-ગજરાજ-દ્રૌપદી વગેરે
(૨) જિજ્ઞાસુ-જે જીવ રાત-દિવસ પ્રભુ ને શોધવામાં મચેલા રહે છે તે- જેમકે-ઋષિ,મુનિઓ-પરીક્ષિત વગેરે
(૩) અર્થાર્થી- જે જીવ સર્વ સુખો અને સંસારિક પદાર્થો માટે –ઈશ્વરને ભજે છે તે-જેમ કે ધ્રુવ-વિભીષણ વગેરે
(૪) જ્ઞાની-જે જીવ કોઈ વસ્તુ ની ઈચ્છા વગર-પ્રભુનું ભજન એક ફરજ છે એમ સમજી-રાતદિવસ
પ્રભુ ભજન માં લીન રહે છે તે-જેમ કે સનતકુમાર-નારદ અને અન્ય ભક્તો-
શ્રીકૃષ્ણ કહે છે-કે-
“આ ચાર પ્રકારના લોકો માં જે “જ્ઞાની” નિરંતર મારામાં રત રહી (પરમાત્મા-મય બની), એકનિષ્ઠા થી મારી (પરમાત્માની) ભક્તિ કરે છે-તે શ્રેષ્ઠ છે. આવા જ્ઞાની ને-માત્ર- હું જ અત્યંત પ્રિય છું અને તે જ્ઞાની –ભક્ત મને પણ અત્યંત પ્રિય છે.....(૧૫-૧૬-૧૭)
🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳
🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳
શ્રીમદ ભગવદગીતા-૮૩-
અધ્યાય-૭-
જ્ઞાન-વિજ્ઞાન યોગ-૪
આકાશ માં રહેલો “અહીં તહીં જતો પવન” શાંત થાય –તો તેનું “પવન-પણું” આકાશ થી જુદું લાગતું નથી. એટલે કે –એમ કહી શકાય-કે-“પવન”(વાયુ) -“આકાશ-મય” થઇ જાય છે.
આકાશ પણ દેખી ન શકાય અને વાયુ (શાંત-પવન) પણ દેખી ન શકાય. બીજી રીતે કહીએ તો-જો વાયુ ને હલાવવામાં આવે તો તેને આકાશથી ભિન્ન –પવન-રૂપે અનુભવી શકાય છે.પરંતુ-વસ્તુતઃ-આકાશ અને વાયુ (શાંત-પવન) ભિન્ન (જુદા) નથી.
આ જ રીતે જ્ઞાની ભક્ત –શારીરિક કર્તવ્ય કર્મ કરતો હોય-ભક્તિ-પૂજા-પાઠ-વગેરે કરતો હોય- એટલે તે “પ્રભુ નો ભક્ત છે” (અહીં તહીં જતાં –પવન રૂપે) –એવું બહારથી-દેખાય છે- પણ અંદર થી –તો તે ભક્તે–પોતે સ્વ-નો(આત્મા ને)-અનુભવ કરી લીધો હોય છે.તેથી તે સર્વદા પ્રભુમાં જ
પોતાનું ચિત્ત જોડી રાખે છે.અને સર્વદા પ્રભુનો જ આશ્રય રાખે છે.
એટલે આવા જ્ઞાની ભક્ત (આત્મા) અને પરમાત્મા માં ફરક રહેતો નથી. બંને એક થઇ જાય છે. અને તેનાથી પણ આગળ વધીને - પછી આવા જ્ઞાની ને –દુનિયા ના સર્વ આત્મા માં પરમાત્મા જ દેખાય છે.
“આ દુનિયા માં –સર્વ –વાસુદેવમય –પરમાત્મામય-છે” એવું જેનું જ્ઞાન-પરિપક્વ (પૂર્ણ) થયું છે- તેને જ પરમાત્મા ની પ્રાપ્તિ થઇ છે-એમ કહી શકાય-
અને આવો જ્ઞાની-ભક્ત મહાત્મા જગત માં મળવો અતિદુર્લભ છે....(૧૮-૧૯)
આવા જ્ઞાની ભક્ત સિવાય બીજા અનેક મનુષ્યો પરમાત્મા ને ભજે છે-પણ તેમની ભક્તિ-
કેવળ વિષય-સુખની આશા-માટે જ હોય છે. તેમને કંઈક જોઈએ છે-તેમને કંઈક દુઃખ છે-તે દુઃખ ના નિવારણ માટે –કે-સંસારિક સુખ ની -કોઈક ઈચ્છા માટે પ્રભુ ની ભક્તિ કરે છે. મનુષ્ય ના હૃદયમાં-મનમાં જેવો –“કામ” નો (કામનાઓનો) સંચાર થયો-કે તે કામનાનો ના સંસર્ગ થી- “જ્ઞાન” નો દીવો બુઝાઈ જાય છે. તેની બહાર (આસપાસ) અને અંદર અંધકાર છવાઈ જાય છે.પરમાત્મા (આત્મા) પ્રત્યક્ષ હોવાં છતાં –તેને તે દેખાવાના બંધ થાય છે. અને હવે તેને –જે દેખાય છે-તે તેની કામના ને અનુરૂપ-સાકાર સ્વરૂપ ના જુદા જુદા “દેવો” ..........
ફળ પ્રાપ્તિ ની ઈચ્છા ને લીધે-ગરીબ ગાય બની તે જુદા જુદા દેવો માં જ “જુદો-જુદો ભાવ” રાખે છે. અને આ સર્વ દેવતાઓ માં “એક-બ્રહ્મ” (પરમાત્મા) રહેલા છે-તે નિશ્ચય (ભાવ) ભૂલી જાય છે. જુદા જુદા દેવો ની શ્રદ્ધા થી આરાધના કરી –આવા જીવો પોતાની કામનાઓ પૂર્ણ કરે છે. જો કે આ કામનાઓ અને તેના ફળો –પરમાત્માએ જ નિર્માણ કરેલા છે. અને તેમના વતી થી જ તે પૂર્ણ થાય છે. પણ અલ્પ (મંદ) બુદ્ધિ મનુષ્ય ને તે ખબર પડતી નથી, અને તેમને તે દેવો દ્વારા મળેલું ફળ તે નાશવંત છે –તે પણ તે ભૂલી જાય છે. કામના ઓ ને પૂર્ણ કરનાર “દેવો” માં જ શ્રદ્ધા –રાખવાથી મનુષ્યો ને તે “દેવો” જ પ્રાપ્ત થાય છે. પણ પૂર્ણ “બ્રહ્મ” (પરમાત્મા) તેમને પ્રાપ્ત થતા નથી. (૨૦ થી ૨૩)
હવે નો જે આ શ્લોક છે-તે અતિ મહત્વનો છે-જે સમજવો જરૂરી છે.
શ્રી કૃષ્ણ (પોતે-એક દેવ રૂપે) કહે છે-કે-
“મારો પરમાત્મા (બ્રહ્મ) નો –ઉત્કૃષ્ટ,અતિ ઉત્તમ, અવિનાશી, અને નિરાકાર ભાવને – જે લોકો જાણતા નથી-તે –લોકો- હું (પરમાત્મા) –અવ્યક્ત –હોવાં છતાં મને વ્યક્ત (દેહધારી) માને છે !!!!!!”.....(૨૪)
જે માપી શકાય તેવો નથી-તેને માપવાનો પ્રયત્ન કરવામાં આવે છે. જે પરમાત્મા (બ્રહ્મ) –આત્મા રૂપે સર્વની અંદર બેઠેલો જ છે-છતાં પણ – પરમાત્મા ને પામવા –અનેક લોકો- અનેક સાધનો કરે છે. એક વસ્તુ ને એવી જગ્યાએ ખોળે છે-કે જે વસ્તુ –તે જગ્યાએ નથી, પછી તે વસ્તુ મળે જ કેવી રીતે ????
અહીં શ્રીકૃષ્ણ જે કહે છે-“હું વ્યક્ત (દેહધારી) રૂપે પરમાત્મા નથી.” તેનું વિશ્લેષણ કરવામાં આવે-તો- તે ઘણા લોકો ને અરુચિકર લાગે. (ઘણા લોકો ને ગમે નહિ) પણ સમજનાર –જ્ઞાની- આ વાત ને સાચી રીતે સમજી શકે છે. (અને જો આ સમજાઈ જાય તો પરમાત્મા ની ખોજ નો અંત આવી જાય છે.
પછી માત્ર તેને પ્રાપ્ત કરવાની જ ખટપટ બાકી રહે છે.)
🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿
🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿
શ્રીમદ ભગવદ ગીતા-૮૪-
અધ્યાય-૭-
જ્ઞાન-વિજ્ઞાન યોગ-૫
માયા (પ્રકૃતિ) થી આવૃત્ત થયેલા (ઢંકાયેલા) -પરમાત્મા –માયા ના પડદાને લીધે- સર્વ ને સ્પષ્ટ દેખાતા નથી. અને મૂઢ (મૂર્ખ) લોકો –જન્મ નહિ પામનાર અને અવિનાશી-એવા
પરમાત્મા ને (પરમાત્મ-તત્વને) જાણતા નથી........ (૨૫)
માયા ના પડદાને લીધે જે મનુષ્યો જાણે કે-આંધળા થયેલા છે- અને જેમની બુદ્ધિ “હું એટલે શરીર છું” એટલું જ વિચારી શકે છે- તેને (આત્મા અને) પરમાત્મા –ક્યાંથી દેખાય ??? બાકી જેમાં પરમાત્મા નથી એવી એક પણ વસ્તુ આ જગતમાં નથી !!!!!
શ્રીકૃષ્ણ કહે છે-કે- “ભૂતકાળ,વર્તમાનકાળ અને ભવિષ્યકાળ ના સઘળા પ્રાણીઓ ને (જીવો ને) હું જાણું છું- પણ મને કોઈ જાણતું નથી" -કારણકે-
---“ઈચ્છા અને દ્વેષ” થી ઉત્પન્ન થતા
--- “સુખ અને દુઃખ” ના “મોહ” થી-
સર્વ જીવો પ્રમાદી (ભોગો ભોગવવામાં (મસ્ત) બનીને-
સર્ગ સમય થી (ઉત્પત્તિ સમય થી) જ –જાણે-કોઈ મોટા ગોટાળા માં પડી જાય છે.....(૨૬-૨૭)
અહીં જ્ઞાનેશ્વર એક રસમય ઉદાહરણ આપે છે-(જો કે સમજવામાં થોડું વિચારવું પડે તેવું છે) અભિમાન (અહમ) અને શરીર (દેહ) –
એ બંને ની પ્રિતી થી (બંને વચ્ચે પ્રેમ-મોહ થવાથી) ઈચ્છા નામની પુત્રી પેદા થાય છે.જે (ઈચ્છા રૂપી પુત્રી કામ રૂપી જુવાની માં આવીદ્વેષ જોડે લગ્ન કરે છે. આ કામ અને દ્વેષ ના સંસર્ગ થી (મિલન થી) સુખ-દુઃખ (દ્વંદ-મોહ)નામનો પુત્ર થાય છે. આ પુત્ર –આશા રૂપી દૂધ પીને ઉછરે છે-કે જેને-(જે પુત્ર ને-સુખ-દુઃખ ને) ધીરજ હોતી નથી. અને તેથી ધીરે ધીરે તે- અસંતોષ રૂપી દારુ નુ સેવન કરવા લાગે છે. દારુ (અસંતોષ નો) પીને ઉન્મત થયેલો તે વિષય સેવન થી કંટાળતો નથી.ભક્તિ રૂપી રસ્તા ઉપર વિકલ્પો (વિષય સેવન થી સુખ મળે છે-તેવા)ના કાંટા પાથરી
પછી એવા એવા જ કંઈક- કુમાર્ગો (ખોટા ખોટા માર્ગ) ના આડા આડા માર્ગ કાઢે છે. અને એવા આડા આડા રસ્તા પર (ખોટી ભ્રમણાઓ માં) ચાલીને-સંસારરૂપી જંગલ માં અથડાયા કરે છે. અને દુઃખો ના મોટા સપાટા તે સહન કરે છે. આમ સુખ-દુઃખ –એ માનવી એ પોતે જ બનાવેલી એક આગવી પેદાશ છે. પણ સુખ-દુઃખ ના મોહમાંથી છૂટવાનો દૃઢ નિશ્ચય થાય અને પરમાત્મા ને મળવાના યોગ નુ પુણ્ય કર્મ થાય-
એટલે કે-પરમાત્મા ને ભજે-તો સર્વ પાપો –આપોઆપ બળી જાય છે.પરમાત્માનું શરણું સ્વીકારીને-જે જીવ-મુક્ત થવાનો પ્રયત્ન કરે છે-તે જ પરમાત્માને જાણી શકે છે.(૨૮-૨૯)
શ્રીકૃષ્ણ કહે છે-કે-
જે યોગીઓ (આધ્યાત્મિક જીવો-આત્મા માં રહેલા –આત્મા માં મગ્ન-જીવો)
--અધિભૂત (મહાભૂતોમાં રહેલા),
--અધિદૈવ (દેવો માં રહેલા) અને
--અધિયજ્ઞ (યજ્ઞ માં રહેલા)
સહિત મને (પરમાત્માને) જાણે છે-
તે-મૃત્યુ સમયે પણ સ્થિર મન વાળા થઇ –મારામાં મળી જાય છે.(મને જાણે છે) ......(૩૦)
અધ્યાય-૭-જ્ઞાન-વિજ્ઞાન-યોગ-સમાપ્ત.........
🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿
🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳
શ્રીમદ ભગવદગીતા-૮૫-
અધ્યાય-૮-
અક્ષરબ્રહ્મ યોગ-૧
અર્જુન શ્રીકૃષ્ણ ને પૂછે છે-કે- “બ્રહ્મ” એટલે શું ? “કર્મ” શાનું નામ છે ? “અધ્યાત્મ” શેને કહેવામાં આવે છે ? “અધિભૂત”-“અધિદૈવ”-“અધિયજ્ઞ” એટલે શું ?
તે મને જરા વિગત થી સમજાવો.
જેણે અંતઃકરણ ને –સ્વાધીન-કર્યું છે-તે મરણ વખતે તમને કેવી રીતે ઓળખી શકે છે-તેનું રહસ્ય મને સ્પષ્ટ રીતે સમજાય તેવી રીતે સમજાવો. ....(૧-૨)
શ્રીકૃષ્ણ જવાબ આપતાં કહે છે-કે-
(૧) બ્રહ્મ-અવિનાશી (જેનો નાશ ન થઇ શકે તેવા-અક્ષર) અને શ્રેષ્ઠ છે.
(૨) અધ્યાત્મ- (અધિ-આત્મ) આ બ્રહ્મ નુ શરીર માં આત્મા રૂપે રહેવું-એટલેકે-હોવું-(“સ્વ”-ભાવ) –તે –
(૩) કર્મ-નો એક સીધો- અર્થ- સત્કાર્ય-બલિદાન (દેવો–સૂર્ય-વગેરે- ને આપેલું બલિદાન)બલિદાન-એટલે- કે -
જે દેવતાઓ ને રાંધેલા ચોખા વગેરે બલિદાન અપાય છે-તે-યજ્ઞ નુ કર્મ –યજ્ઞ માં હોમેલું બલિદાન –સૂક્ષ્મરૂપે-સૂર્ય ને પહોંચે છે-સૂર્ય થી વરસાદ અને વરસાદ થી અન્ન –પેદા થાય છે-કે જે અન્ન થી જીવોનું પોષણ થાય છે-એટલે કે યજ્ઞ-કર્મ (સ્વ-ધર્મ રૂપી કર્મ) જીવો નો આધાર છે.અને આ જ વસ્તુનુ બીજી રીતે - વર્ણન કરતાં-જ્ઞાનેશ્વર કહે- છે-કે-
--આ જગતની ઉત્પત્તિ (સર્ગ) શામાંથી અથવા કોનામાંથી થાય છે? –કોણ કરે છે? (જગત નો“કર્તા”-કોણ છે?)-
--અને આ જગતનો નાશ (વિસર્ગ) કોણ કરે છે?(જગત ના નાશ નુ “કારણ” –કોણ છે ?)
તેનું અવલોકન કરવામાં આવે તો-
તેનું મૂળ “અવ્યક્ત” (દેખી ના શકાય તેવું- બ્રહ્મ) જ છે –એમ જણાય છે.સાદી ભાષામાં કહીએ તો-“મૂળ” માં “કર્તા” નું અને “અંત” માં “કારણ” નું- ઠેકાણું જણાતું નથી.(દેખાતું નથી) - તેમ છતાં-વચ્ચે –“કાર્ય” (જગતની વૃદ્ધિ) –આપોઆપ -થાય છે-
(અવ્યક્ત-બ્રહ્મ- “કર્તા” ના સિવાય પણ”આકારો”-“શરીરો” બને છે)
આ –જે –પ્રક્રિયા (કાર્ય ની પ્રક્રિયા) ચાલી રહી છે- ................તેને “કર્મ” કહે છે.
(૪) અધિભૂત-પંચમહાભૂતો માં રહેલો-જે પ્રમાણે આકાશ માં વાદળાં બને છે-ત્યારે તે દેખાય છે-અને જયારે તે વરસી જાય છે ત્યારે પછી દેખાતાં નથી, તે પ્રમાણે પંચમહાભૂતો માંથી શરીર બને છે-તે દેખાય છે-અને મૃત્યુ પછી-તે પંચમહાભૂતો છૂટા પડીજાય છે.અને પોતપોતાના માં મળી જાય છે. પરમાત્મા ની-પ્રકૃતિ- આ ક્રિયા કરે છે-
(૫) અધિદૈવ-દેવો (સૂર્ય-રામ-કૃષ્ણ -વગેરે) માં રહેલો રહેલો-આત્મા –એ પંચ-મહાભૂત માંથી બનેલા શરીર નો દેવતા છે-અને દરેક “દેવ”ના –દેખી શકાય તેવા સ્વરૂપમાં પણ –એ જ ......આત્મા છે.
(૬) અધિયજ્ઞ-યજ્ઞ માં “કર્મ”રૂપે રહેલો-શરીર (દેહ) કે જે કર્મ (કાર્ય) રૂપી યજ્ઞ કરે છે-તે કર્મ પણ પ્રકૃતિ ના આધારે જ થાય છે.પ્રકૃતિ પરમાત્માને આધીન છે-એટલે પરમાત્મા તે યજ્ઞ માં પણ રહેલો છે...................(૩-૪)
યજ્ઞ ની વ્યાખ્યા આપતાં જ્ઞાનેશ્વર કહે છે-કે-
“વૈરાગ્ય” રૂપી લાકડાં માં “ઇન્દ્રિયો ના સંયમ” રૂપી અગ્નિ સળગાવી,
તેમાં “વિષયરૂપી” દ્રવ્ય ની આહુતિ આપવાનું “યજ્ઞ-કર્મ” છે.શરીર મરે છે-પણ આત્મા મરતો નથી આવું “જ્ઞાન” જે જ્ઞાની ને થઇ ગયું છે-તેને ખબર છે-કે-આત્મા એ પરમાત્મા માં જ વિલીન થવાનો છે-(મળી જવાનો છે)-આ સમજ ને લીધે- તેને ભય રહેતો નથી અનેઅંતકાળે –આવો જીવ-જો પરમાત્મા નુ સ્મરણ કરતાં કરતાં જીવ છોડે-તો તે પરમાત્માના સ્વરૂપ માં જ મળી જાય છે-તેમાં કોઈ શંકા નથી.......(૫)
🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿
🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳
- શ્રીમદ ભગવદગીતા-૮૬-
અધ્યાય-૮-
- અક્ષરબ્રહ્મ યોગ-૨
સાધારણ નિયમ એવો છે કે-અંતસમયે (મરણ સમયે)અંતઃકરણ માં જેનું સ્મરણ થાય છે, અથવામન માં વાસનાઓ રહી જાય છે-તો-જ- તેનો બીજો જન્મ થાય છે.એટલે-કે- જે મનુષ્યો-મન માં જે જે ભાવ લાવીને –શરીર ને છોડે છે-(મૃત્યુ પામે છે) –તેતેમના બીજા જન્મ માં -આગળના જન્મ માં મરતી વખતે મન માં જે ભાવ હતા –તેવા ભાવ સાથે જ તે જન્મ લે છે. ...(૬)
માટે જ મન અને બુદ્ધિ ને સર્વદા પરમાત્મા માં અર્પણ કરીને સદૈવ પરમાત્માનું ચિંતનકરવાથી, અંત સમયે પણ પરમાત્મા નુ જ ચિંતન રહે છે-અને જીવ પરમાત્મા માં જ મળી જાય છે ..(૭)
પોતાના મન ને બીજે ક્યાંય જવા ન દેતાં-યોગાભ્યાસ ના સાધનથી, મન ને એકાગ્ર કરી પરમાત્મા માં પરોવવાથી-તે જીવ પ્રકાશાત્મક પરમ પુરુષ (પરમાત્મા) માં જઈ મળે છે ......(૮)
જીવન દરમ્યાન મન ને એકાગ્ર કરવાના કોઈ પણ સાધન કર્યા હોય તો જ અંતકાળે મન નિશ્ચળ રહી શકે છે. અને જે મનુષ્ય અંતકાળે---ભક્તિયુક્ત થઇ અને મન ને નિશ્ચળ રાખી-બે ભ્રમરો ની વચ્ચે (આજ્ઞાચક્રમાં) “પ્રાણ” ને સ્થિર કરી---પરમાત્મા નુ જ ચિંતન કરે છે-તે પરમાત્મા માં જ લીન થાય છે.(મળી જાય છે)....(૯-૧૦)પવન નો જયારે વંટોળિયો બને છે –ત્યારે તેની આગળ વાદળો નભી શકતા નથી, વાદળો નુ કશું જોર ત્યાં ચાલતું નથી,પણ આકાશ –એ એક જ એવું છે-જે તેની સામે અડગ રહી શકે છે. તે જ પ્રમાણે-“જ્ઞાની” -જેને સમજી ચુક્યો છે-(જગત) તે વસ્તુ જ્ઞાન ની “મર્યાદા” માં આવી ગયેલી કહેવાય છે.જ્ઞાનીને ખબર પડી ગઈ છે-કે જગત મિથ્યા છે-તેથી જ તે જગતને ક્ષર (નાશવંત) કહેવામાં આવે છે.અને જે સહજતાથી જાણી શકાતું નથી –અને જે જ્ઞાન ની સીમા બહાર છે-તેને અક્ષર (અવિનાશી) કહે છે.આ અક્ષર (બ્રહ્મ) એ શુદ્ધ અને માયા વગરનું (માયાતીત) હોઈ-“સચ્ચિદાનંદરૂપ” છે.
અને જે- અક્ષર (બ્રહ્મ) ને પામવા-વિરક્ત મનુષ્યો-વિષયો (સ્વાદ-વગેરે) ની ઈચ્છા છોડી અને નિષ્ઠુરતાથી –ઇન્દ્રિયો (મુખ-વગેરે) નુ દમન કરી, બ્રહ્મચર્ય-વગેરે જેવા અનેક વ્રતો પાળી,ઉદાસીન વૃત્તિ ધારણ કરીને બેસે છે-અને અંતે દુર્લભ પદ (અક્ષર-બ્રહ્મ) ને પ્રાપ્ત થાય છે.....(૧૧)
એટલા માટે જ નિર્વિકાર બ્રહ્મ નો વાચક-એકાક્ષર-પ્રણવ- ॐકાર –નો ઉચ્ચાર કરતાં-કરતાં –અને
પરમાત્મા નુ સ્મરણ કરતાં કરતાં-જે દેહ નો ત્યાગ કરે છે-તે નિશ્ચયપૂર્વક પરમાત્મા માં જ સમાઈ જાય છે.(મુક્ત થઇ જાય છે).............(૧૨-૧૩)
(ઉપરના બે શ્લોક માં આધ્યાત્મિક અભ્યાસ (યોગ) કરી -પરમાત્મા નું સ્મરણ કરતાં કરતાં
કેવી રીતે કરી ને "પ્રાણ" ત્યાગ થાય તે બતાવ્યું છે.
જ્ઞાનેશ્વરે અત્યંત રસમય (અને રહસ્યમય) રીતે આનું વર્ણન કર્યું છે-
જે કદાચ થોડા આગળ વધેલા સાધકો ને જ –ખૂબી થી સમજાય કે અનુભવાય - તેવું લાગે છે.
શરૂઆત ના સાધકો ને કદાચ –સમજવામાં અઘરું લાગે???!!!
જયારે ઇન્દ્રિયો (મુખ-વગેરે) ના –દ્વારો- ને- નિગ્રહ-રૂપી તાળાં વડે વસાયેલાં હોય છે-ત્યારે જ –
--સહજતાથી- ચિત્ત (મન-વગેરે) –સ્વાધીન થઇ હૃદયમાં સ્થિર થઇ બેસી જાય છે.
--ચિત્ત ની સ્થિરતા થઇ એટલે પ્રાણાયામ થી ॐકાર નુ ધ્યાન કરવું.અને-
--પ્રાણવાયુ ને ક્રમેક્રમે –બ્રહ્મરંઘ્ર સુધી લાવવો. પછી-
--“અ”કાર,”ઊ”કાર અને “મ”કાર –એ ત્રણે માત્રા ઓ નો –લય-અર્ધમાત્રા- ᴗ માં થાય-ત્યાં સુધી-
ધારણાશક્તિ ના-બળ- થી પ્રાણવાયુ ને-બ્રહ્માકાશ-માં મળવાની તૈયારી માં હોય –તેવી રીતે ધરી રાખવો.
અર્થાંત-ત્યાં સુધી તે પ્રાણવાયુ ને મસ્તક ના આકાશ માં સ્થિર કરવો.-ત્યાર પછી-
-- ॐકાર અને તેનો (મસ્તક-આકાશનો) સંયોગ થતાં –મૂળ-સ્વરૂપ (બ્રહ્મ- (બિંદુ) માં મળી જાય છે.
--આમ થતા ની સાથે-જ- ॐકાર નુ સ્મરણ બંધ પડી જાય છે.
--અને તે જ વખતે "પ્રાણ" નો અંત થાય છે. અને બ્રહ્માનંદ-સ્વ-રૂપ જ બાકી રહે છે.)
🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳
🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿
શ્રીમદ ભગવદગીતા-૮૭-
અધ્યાય-૮-
અક્ષરબ્રહ્મ યોગ-૩
અંત (મરણ) સમયે આવી રીતે ॐકાર નુ સ્મરણ કરવું તે સામાન્ય માનવી માટે સહેલું નથી.
બધા જ લોકો આમ કરી શકે કે કેમ તે સવાલ છે.એટલે અહીં એક સહેલો ઉપાય (માર્ગ) પણ બતાવ્યો છે. (જપયોગ)જીવનભર ઈશ્વરનું સતત સ્મરણ કરવું (નામ-જપ) તે સહુથી સહેલો ઉપાય છે.
જે બીજા કોઈ પણ પદાર્થ નો વિચાર નહિ કરતાં-એક ચિત્ત થી –સ્થિર-થઇ –સતત પરમાત્માનું સ્મરણકરે છે-તેને–અંત સમયે પરમાત્મા નુ જ સ્મરણ રહે છે-અને-પરમાત્માને સહેલાઈ થી પ્રાપ્ત કરી શકાય છે (પામી શકાય છે)....(૧૪)
અને એકવાર જે મહાત્મા એ પરમાત્મા ને પામી લીધા છે-તેમને ફરીથી જન્મ (પુનર્જન્મ) નથી.
જન્મ-કે-જે-અશાશ્વત અને દુઃખ નુ સ્થાન-છે-તેની પીડા માંથી તે મુક્ત થાય છે.......(૧૫)
બ્રહ્મલોક(બ્રહ્મા ના લોક) –સુધી ના બધા લોક-ઉત્પત્તિ અને વિનાશ ને આધીન હોય છે.એટલે-બ્રહ્મ લોક માં આત્મા ની ગતિ થઇ હોય –તો પણ-ફરી થી જન્મ થઇ શકે છે.પુણ્યો ના આધારે સ્વર્ગ-લોક ની પ્રાપ્તિ થાય પણ –સ્વર્ગલોક માં પુણ્યો ભોગવી ને પુણ્ય નોક્ષય થાય –પછી જન્મ લેવો પડે છે.
બ્રહ્મલોક ના બ્રહ્મા –ભલે પોતાના બ્રહ્મત્વ નો ઘમંડ (અભિમાન) રાખે-પણ –તેમને પણ –પુનર્જન્મ ના ફેરામાંથી નિવૃત્તિ નથી.માત્ર જયારે પરમાત્મા (નિર્વિકલ્પ-નિરાકાર બ્રહ્મ) ની પ્રાપ્તિ થાય-પછી પુનર્જન્મ થતો નથી...(૧૬)
હવે પછી ના ૧૭-૧૮-૧૯ શ્લોક માં –બ્રહ્મા (બ્રહ્મદેવ) ના આયુષ્ય ના સમય ની ગણત્રી નુ વર્ણન છે..
કહેવાનો મતલબ એવો છે-કે બ્રહ્મદેવ ની સાથે સાથે ચરાચર (સૃષ્ટિ ) પેદા થાય છે અને-નાશ પણ થાય છે.જે પ્રમાણે દૂધ નુ દહી થયા પછી-દૂધ નુ નામરૂપ નાશ પામે છે-તે પ્રમાણે –
આકાર (જગત) નો નાશ થવા સાથે જગત નુ “જગત-તત્વ” પણ નાશ પામે છે.પરંતુ જેમાંથી એ જગતની ની ઉત્પત્તિ થઇ છે-તે સ્થળ તો તેના મૂળ સ્વરૂપ (નિરાકાર) માં જ હોય છે.આવું જે નિરાકાર (આકાર વગરનું) મૂળ સ્વરૂપ (પરમાત્મા) ને “અવ્યક્ત” કહેવામાં આવે છે. અનેજયારે તે નિરાકાર, સાકાર બને છે,નામ રૂપ ધારણ કરે છે-ત્યારે તેને (જગતને) “વ્યક્ત” કહે છે.
જેવી રીતે “આકાર” ને જોવાથી અને ધીરે ધીરે જાણવાથી –“નિરાકાર” ની પ્રતીતિ થાય છે. નેનિરાકાર ને જાણવાથી આકાર ની પ્રતીતિ થાય છે. તેવી જ રીતે. આ “વ્યકત” અને “અવ્યક્ત” એ એક બીજા ની પ્રતીતિ કરાવનારાં બે “નામો” જ છે.વાસ્તવિક રીતે જોવા જતા, આ બંને માંથી એકે વસ્તુ નથી.જે પ્રમાણે દાગીનાના ભાગી નાખેલ આકાર ને લગડી કહેવામાં આવે છે, પછી ફરીથી તે લગડીમાં થીદાગીના બનાવતાં લગડી નાશ પામે છે. તે જ પ્રમાણે-“વ્યક્ત” અને “અવ્યક્ત” આ બંને વિચારો-“બ્રહ્મ” સંબંધી હોવાં છતાં, તે “બ્રહ્મ” વ્યક્ત કે અવ્યક્ત નથી.તે “બ્રહ્મ” ઉત્પન્ન થતો નથી કે નાશ પામતો નથી.
જેમ પાણી પર તરંગ ઉત્પન્ન થાય ને નાશ પામે -તો પણ પાણી તો કાયમ જ રહે છે....(૨૦)
🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿
🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳
શ્રીમદ ભગવદગીતા-૮૮-
અધ્યાય-૮-
અક્ષરબ્રહ્મ યોગ-૪
પરમાત્મા (બ્રહ્મ) નો જે “અવ્યક્ત” ભાવ છે-(નિરાકાર-નિર્ગુણ) – તેને “અક્ષર” (નાશ ન પામનાર) કહે છે. અને તેને જ “પરમ ગતિ” કહેવામાં આવે છે. પરમાત્મા નું એ પરમધામ છે. કે જ્યાં જ્ઞાનીઓ પહોંચ્યા પછી ફરીથી ત્યાંથી પાછા આવતા નથી.
પરમાત્મા ના આ પરમધામ માં સર્વ જીવો નો સમાવેશ થઇ જાય છે. જેનાથી (જે પરમાત્માથી) આ જગત વ્યાપ્ત છે-તે – “પરમ પુરુષ” અનન્ય ભક્તિ થી જ પ્રાપ્ત થાય છે. (૨૧-૨૨)
આ વાત ઉદાહરણ આપી ને સમજાવે છે-કે –જે પ્રમાણે-
(૧) શેરડી માં થી એક વખત ખાંડ બનાવ્યા પછી તે ખાંડ ને કોઈ પણ ચતુરાઈ થી પાછી શેરડી બનાવી શકાતી નથી.
(૨) પારસમણી ના સ્પર્શ થી એક વખત લોખંડ નું સોનું થઇ જાય પછી તે સોનાને બીજો કોઈ પણ પદાર્થઅડકાડવાથી -તે સોનું પાછું લોખંડ બની શકતું નથી.
(૩) એકવાર ઘી બની જાય પછી તેનું ફરી દૂધ માં રૂપાંતર કરી શકાતું નથી.
તે પ્રમાણે-જેમાં (પરમાત્મામાં-પરમાત્મા ના પરમધામ માં- (અવ્યક્તમાં) મળી જવાથી પુનર્જન્મ નથીમૃત્યુ વખતનો સમય (કાળ) પણ જીવ ની ગતિ (મુક્તિ –કે-પુનર્જન્મ) માટે મહત્વનો હોય છે.
હવે પછી ના શ્લોક-૨૩ થી શ્લોક -૨૫ સુધી કયા કાળ માં કઈ ગતિ મળે છે-તેનું વર્ણન છે.અને શ્લોક -૨૬ માં મૃત્યુ પછી ના બે માર્ગો નું વર્ણન છે.
એક માર્ગે-મોક્ષ છે-જયારે બીજા માર્ગે પુનર્જન્મ છે. આગળ વધેલા સાધક માટે વિચારણીય અને પસંદગી ની આ વાત આપણા જેવા સામાન્ય માનવી ને સમજવી અઘરી છે. કારણકે સામાન્ય માનવી ને તો દેહના અવસાન સમયે (કાળે)- પ્રારબ્ધ અનુસાર-જે પણ માર્ગ પ્રાપ્ત થાય તે જ સાચો છે. માત્ર યોગ માર્ગ માં ખૂબ આગળ વધેલા મહાત્માઓ જ પોતાની પસંદગી મુજબ શરીર ને ત્યાગી શકે છે-
સામાન્ય માનવી ને અકસ્માત કઈ વેળા શું (મોક્ષ કે પુનર્જન્મ) પ્રાપ્ત થશે –એનો કોઈ નિયમ હોતો નથી. એટલે એ વાત રહેવા દઈશું –અને દેહ ના અંત સમયે-“બ્રહ્મ” ની પ્રાપ્તિ (મોક્ષ) કરી લેવા કયો માર્ગ છે? તે સંબંધી જ આપણે વિચાર કરીશું.
જ્ઞાનીઓ તો –એમ જ સમજે છે-કે –આ દેહ રહે કે દેહ નું મૃત્યુ થાય-“અમે તો કેવળ બ્રહ્મ જ છીએ” જે જ્ઞાની દેહ માં રહી, દેહ ની સાથે જ “બ્રહ્મ” બની જાય છે- તેને દેહનું બીજું નામ (ઉપનામ) યાદ જ રહેતું નથી. (આત્મા અને પરમાત્મા એક થઇ જાય એટલે દેહ વિસરાઈ જાય છે) --તો પછી આવા વખતે-કોનો નાશ થાય છે ? --દેશ(સ્થળ),કાળ (સમય) –પણ જયારે તે જ્ઞાની-પોતે જ બની ગયો હોય તો-તેને ત્યાર પછી- બ્રહ્મ-પ્રાપ્તિ ના માર્ગ ની શોધ શા માટે કરવી પડે ?
--જે વખતે ઘડો ફૂટે છે-તે વખતે –તે ઘડા માં રહેલું આકાશ (ઘડાકાશ) –ને કોઈ બરોબર કે સારો રસ્તો ખોળવા જવું પડતું નથી. તે તો તરત જ મહાકાશ માં મળી જ જાય છે. આવા જ્ઞાન ( “હું બ્રહ્મ છું”) થી પરિપૂર્ણ –અનુભવયુક્ત –યોગીને માટે-–કોઈ સારો કે આડો માર્ગ નથી.
માટે જ શ્રીકૃષ્ણ અર્જુન ને કહે છે-કે-હે અર્જુન, તું સદા યોગયુક્ત થા...(૨૭)
વેદો નું અધ્યયન, યજ્ઞ,તપ અને દાન કરવા થી જે પુણ્ય ની પ્રાપ્તિ થાય છે, અને તે પુણ્ય થી જે લોક (સ્વર્ગલોક વગેરે) ની પ્રાપ્તિ થાય છે- તેવા લોકો (સ્વર્ગલોક વગેરે) થી પણ ઉત્તમ લોક માં (પરમાત્મા ના ધામ માં) “યોગી જનો “ જાય છે. બ્રહ્મ, અધ્યાત્મ,કર્મ,અધિભૂત,અધિદૈવ,અધિયજ્ઞ અને મરણ સમયે ભગવદચિંતન – આ સર્વ જેને પૂર્ણતા થી જાણવામાં આવી જાય તે –યોગી-આપોઆપ બ્રહ્મ-સ્વ-રૂપ બને છે. આવો યોગી અક્ષર-બ્રહ્મ (બ્રહ્મ-અવ્યક્ત-નિરાકાર -નિર્ગુણ) ને સાચી રીતે જાણે છે-
અને સર્વ પુણ્ય કર્મ ના ફળો ને –બાજુમાં રાખી ને સીધો જ – આદ્ય-ઉત્કૃષ્ટ-પરમાત્મા ના સ્થાન ને જ જઈ મળે છે.જ્યાંથી પાછા આવવાનું રહેતું નથી ..(૨૮)
અધ્યાય-૮-અક્ષરબ્રહ્મયોગ-સમાપ્ત
🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳
🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳
શ્રીમદ ભગવદગીતા-૮૯-
અધ્યાય-૯-
રાજવિદ્યા-રાજગુહ્ય યોગ-૧
શ્રીકૃષ્ણ અર્જુન ને કહે છે-કે-જે જ્ઞાનને જાણવાથી આ અશુભ સંસારમાં થી મુક્ત થવાય છે-તે અત્યંત ગુહ્ય (ગુપ્ત) જ્ઞાન વિજ્ઞાન સહિત તને (ફરીથી) કહી સંભળાવું છું. (૧)
(સ્વ-ધર્મ નું જ્ઞાન=ગુહ્યજ્ઞાન---આત્મજ્ઞાન=ગુહ્યત્તરજ્ઞાન---પરમાત્મજ્ઞાન=ગુહ્યત્તમ જ્ઞાન)
આ જ્ઞાન સર્વ વિદ્યા નો રાજા (રાજ-વિદ્યા) સર્વ ગુહ્ય માં શ્રેષ્ઠ (રાજ-ગુહ્ય) છે.
-પવિત્ર છે,-ઉત્તમ છે,-પ્રત્યક્ષ અનુભવમાં આવી શકે તેમ છે,-ધર્મ ને અનુસરનારુ છે,
-સહેલાઈ થી પ્રાપ્ત થનારું છે, અને -અવિનાશી (નાશ ન પામે તેવું) છે ..(૨)
જે પ્રમાણે- કોઈ દુર્ભાગી મનુષ્ય ના ઘરમાં પુષ્કળ ધન દટાયેલું પડ્યું હોય,પણ પોતાને તે વાતની ખબર ન હોવાથી, અન્ન ના સાંસા હોય તેવી હાલત માં જીવતો હોય,
તે પ્રમાણે- પ્રાણીમાત્ર ના સુખ અને શાંતિ નું સ્થાન –તે પ્રાણીઓના હૃદય માં (આત્મારૂપે) હોવાં છતાં-તે- અજ્ઞાની જીવો ને વિષયો (સ્વાદ-વગેરે) પર જ માયા લાગેલી હોય છે, અને શાંતિ ને બહાર ખોળે છે.
મન માં અહંતા-મમતા (હું અને મારું) –સંપૂર્ણ પણે અધિકાર લઇ બેસી જાય છે,અને તે જન્મ-મરણ ના બે કાંઠા વચ્ચે ડચકાં ખાતા પડી રહે છે. ...(૩)
જેમ દૂધ માંથી દહી થાય છે,બીજ માંથી વૃક્ષ થાય છે,સોનાની લગડી માંથી અલંકારો થાય છે- તેમ- આ સર્વ જગત એ પરમાત્મા ના નિર્ગુણ સ્વ-રૂપ નો જ વિસ્તાર છે. પરમાત્મા નું આ નિર્ગુણ સ્વરૂપ –જયારે અવ્યક્ત હોય છે-ત્યારે નિરાકાર (આકાર વગરનું) હોય છે.પણ પછી તે માયા ને આધારે સૃષ્ટિ રૂપે વિસ્તાર પામીને આકાર ધારણ કરે છે.
જે પ્રમાણે-પાણી માં પાણી થી જ ફીણ થાય છે- પણ તે ફીણ માં પાણી દેખી શકતું નથી.-તે પ્રમાણે- સર્વ જીવો પરમાત્મા માં દેખાય છે- પણ પરમાત્મા તેમના માં નથી....(૪)
(આ જ વાત અગાઉ અધ્યાય-૭-શ્લોક-૧૨-માં આવી ગયેલી છે-એટલે તેની વધુ ચર્ચા અહીં કરતા નથી)
સાકાર ને નિરાકાર સાથે સંબંધ હોઈ શકે નહિ .એ કેવી રીતે બની શકે ? આ એક ઈશ્વરની અદભૂત ઘટના છે-
પરમાત્મા સર્વ પ્રાણીઓ ને ધારણ કરે છે.(પ્રાણીઓ માં આત્મા રૂપે રહી ને શરીર ધારણ કરે છે,)- પરંતુ- તે અસંગ (અનાશક્ત) હોવાથી, સાચી રીતે (સત્ય માં) તે – પ્રાણીઓ સાથે કોઈ સંબંધ વાળો થઈને રહેતો નથી. આ રહસ્યમય જેવી લાગતી વાત ને સમજવા-સ્વપ્ન નું ઉદાહરણ લઈએ. જેવી રીતે સ્વપ્ન જોનાર ને સ્વપ્ન સાથે સંબંધ નથી. તેમ પરમાત્મા સર્વ પ્રાણીઓ ની ઉત્પત્તિ અને સંરક્ષણ કરનારો હોવાં છતાં –તેમના માં વસતો નથી.....(૫)
આકાશ નો જેટલો વિસ્તાર છે,તેટલાજ પ્રમાણ માં તેમાં વાયુ ભરાઈ ને રહેલો છે, બંને જુદાજુદા જોઈ શકાતા નથી,પણ જો વાયુ ને હલાવવામાં આવે તો તે આકાશ થી જુદો ભાસે છે (પવન તરીકે અનુભવાય છે). આમ જે રીતે દરેક જગ્યાએ અનુભવાતો વાયુ –સદા-આકાશમાં જ હોય છે-તે જ રીતે – સર્વ જીવો પરમાત્મા માં છે.એમ સમજવાનું છે........(૬)
🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳
🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳
શ્રીમદ ભગવદગીતા-૯૦-
અધ્યાય-૯-
રાજવિદ્યા-રાજગુહ્ય યોગ-૨
પ્રાણીમાત્ર ની ઉત્પત્તિ-સ્થિતિ-અને લય –એ ત્રણે અવસ્થા નું કારણ “માયા” છે.
જેને “પ્રકૃતિ” પણ કહેવામાં આવે છે.અને તેના બે મૂળભૂત પ્રકાર છે -પરા-અપરા
(જુઓ-અધ્યાય-૭-૪,૫) કલ્પ ના અંતે સર્વ જીવો પરમાત્માના પ્રકૃતિરૂપ (અવ્યક્ત) સ્વરૂપ માં લય પામે છે. (પ્રલય=લય નો સમય)અને બીજા કલ્પના આરંભ માં ફરીથી જીવો ને ઉત્પન્ન પણ પરમાત્મા –પ્રકૃતિ ના આધારે કરે છે...(૭)
--જેવી રીતે-પૃથ્વીમાંથી ઘાસ ઉગે છે-અને પૃથ્વી માં જ સુકાઈ જાય છે,
--જેવી રીતે પાણી માંથી તરંગ ઉત્પન્ન થાય છે અને પાણી માં જ સમાઈ જાય છે.
--જેવી રીતે સ્વપ્નો,મનમાં થી ઉત્પન્ન થઇ ને-વ્યક્તિ જયારે જાગે-ત્યારે મન માં જ લય પામે છે,તેવી જ રીતે-પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલા જીવો –પ્રલય સમયે,પ્રકૃતિમાં જ લય પામે છે.
જયારે એમ કહેવામાં આવે કે-“ફલાણું શહેર ફલાણા રાજાએ વસાવ્યું” પરંતુ વાસ્તવિક રીતે જોવા જતાં રાજા ના હાથ ને તો કંઇ મહેનત કરવી પડતી નથી, અને રાજાની આજ્ઞામાં રહેલી શહેરની પ્રજા પોતપોતાના સ્વાર્થ માટે પોતપોતાના વ્યવહાર ચલાવ્યે જાય છે, પણ ત્યાં – રાજા ને કોઈ વ્યવહાર કરવા જવું પડતું નથી- તેમ જીવ-સૃષ્ટિ ના નિર્માણ માં કે પાલન માં પરમાત્મા ને કોઈ શ્રમ પડતો નથી.
લોખંડ જડ હોવા છતાં પણ જો લોહચુંબક નજીક હોય તો તે હાલે છે, પણ આ લોખંડ ની નજીક રહેવામાં લોહચુંબક ને કોઈ પરિશ્રમ પડતો નથી.
આ જ પ્રમાણે પરમાત્મા (બ્રહ્મ) જયારે પ્રકૃતિ નો આશ્રય (અંગીકાર) કરે છે,એટલે આપોઆપ જ જીવ-સૃષ્ટિ નો વિસ્તાર થવા માંડે છે. સર્વ જીવ-સૃષ્ટિ પ્રકૃતિ (માયા) ને આધીન છે. આમ આવી જીવ-સૃષ્ટિ ફરી ફરી ઉત્પન્ન અને નાશ થયે જાય છે.......(૮)
જે પ્રમાણે ઘરમાં રાખેલો દીપક (દીવો) –કોઈ ને અમુક કાર્ય કરવાની કે નહિ કરવાની આજ્ઞા ફરમાવતો નથી, વળી-કોણ શું કાર્ય કરે છે-તે પણ જાણતો નથી,તે તો માત્ર સાક્ષીભાવે (નિર્લેપ-ઉદાસીન-ભાવે) ઘરનાં કામ કરવામાં મદદરૂપ થાય છે-
તે પ્રમાણે-પરમાત્મા (બ્રહ્મ) –એ પ્રકૃતિ ના કાર્ય (ઉત્પત્તિ-સ્થિતિ-લય) નું એક કારણ થઇ અને આ કર્મ (કાર્ય) કરે છે,પરંતુ તે આ કર્મો પ્રત્યે ઉદાસીન (નિર્લેપ) છે. “સાક્ષી” ભાવથી આસક્તિ વિનાના આ કર્મો –પરમાત્મા ને બંધન કરતાં નથી.......(૯)
આ રીતે પરમાત્મા (બ્રહ્મ) ની અધ્યક્ષતા થી (આધારથી) માયા (પ્રકૃતિ) આ ચરાચર (જગત) ને ઉત્પન્ન કરે છે,અને જગત માં પરિવર્તન પણ તે માયા ને લીધે જ થાય છે....(૧૦)
આ પરમાત્મા નું મુખ્ય “તત્વ” છે, વેદાંત-સિદ્ધાંત નું “રહસ્ય” છે. (અદ્વૈત) અને આ “રહસ્ય” જ્યાં સુધી બરોબર રીતે હસ્તગત ન થાય ત્યાં સુધી-પરમાત્માનું “તત્વ” સમજાતું નથી. આ વેદાંત-તત્વ (અદ્વૈત) ને જાણ્યા વિના –અનુભવ્યા વિના –પરમાત્મા નું “સત્ય-નિરાકાર” સ્વરૂપ- કોઈના પણ જાણ્યા માં આવી શકતું નથી. બાકી માત્ર “અનુમાન”(કલ્પના) ના જોર પર –જો મનુષ્ય ને ખરું જ્ઞાન પ્રાપ્ત થયું હોય તેવું તેને લાગે-તો તે વ્યર્થ જ છે. જેમ મૃગજળ ની ભીનાશથી પૃથ્વી કદી પણ ભીંજાય નહિ. તેમ “સત્ય” ના અનુભવ સિવાય નું –સર્વ જ્ઞાન- એ માત્ર ભ્રમણા છે.
🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳
🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳
શ્રીમદ ભગવદગીતા-૯૧-
અધ્યાય-૯-
રાજવિદ્યા-રાજગુહ્ય યોગ-૩
શ્રીકૃષ્ણ કહે છે-કે-મેં મનુષ્ય-દેહ ધારણ કરેલો હોવાથી,મૂર્ખ લોકો મારી ઉપેક્ષા (અવજ્ઞા) કરે છે. કારણ કે “હું સર્વ જીવો નો સ્વામી (માલિક) છું, એવું મારું જે ઉત્કૃષ્ટ (નિરાકાર-નિર્ગુણ-સત્ય) સ્વરૂપ છે-
₹ તેનું જ્ઞાન –તે (મૂર્ખ) લોકો ને હોતું નથી.”....(૧૧)
જેને કમળો થયો હોય તેને બધું પીળું જ દેખાય છે-અથવા- જો મનુષ્ય ને તાવ આવ્યો હોય તો તેને દૂધ પણ ઝેર જેવું કડવું લાગે છે, તેમ મૂર્ખ લોકો ને પરમાત્મા ના નિર્મળ સ્વરૂપ માં દોષ જ દેખાય છે. આવા મૂર્ખ લોકો પરમાત્મા (બ્રહ્મ) એ મનુષ્ય ---ના --હોવા છતાં તેમને મનુષ્ય માને છે. જેઓ ભૌતિક આંખો વડે પરમાત્મા ને જોવા ઈચ્છે છે-તે પરમાત્મા (બ્રહ્મ) ને જાણી શકતા નથી.
જો મૃગજળ ને ગંગાજળ સમજી તેની નજીક જવામાં આવે તો કાંઇ પણ પ્રાપ્ત થતું નથી. અજ્ઞાની –મૂર્ખ લોકો માં વિવેક અને સાચી સમજણ હોતી નથી, માયા થી મોહિત થઇ અને ભ્રમણા વાળી મનોવૃત્તિ થી માનવરૂપ માં રહેલા પરમાત્મા (શ્રીકૃષ્ણ-આત્મા) ની ઉપેક્ષા-તિરસ્કાર કરે છે.
અજ્ઞાની મનુષ્ય –“કલ્પનાઓ” કરે છે-અને પરમાત્મા-કે જે-
--કોઈ પણ “નામ” વગરના છે-તેને “નામ” આપે છે,
--કોઈ પણ “ક્રિયા” વગરના છે તેને “ક્રિયા કરતા” માને છે.
--કોઈ પણ “દેહ” વગરના (નિરાકાર) ને “દેહધારી” (આકારવાળા) માને છે.
આવા અજ્ઞાનીઓ-
--જગતને બનાવનાર પરમાત્માની ની -મૂર્તિઓ બનાવે છે.!!!
--અને નિત્ય અને સર્વત્ર એવા પરમાત્મા ની એ મૂર્તિ માં “પ્રાણ-પ્રતિષ્ઠા “ પણ કરે છે!!!
--જગત નું પોષણ કરનાર ને –તે કપડાં પહેરાવે છે-જમાડે છે-આવાહન,વિસર્જન કરે છે !!!
--મૂર્તિ ને “દેવ” માની ને ભજે છે અને મૂર્તિ ભાંગી જતાં તેનો ત્યાગ પણ કરે છે !!!
આવી રીતે એક (અદ્વૈત) પરમાત્માનું –“મનુષ્ય” કે “દેવ” રૂપે “દ્વૈત” (બે) નું જે જ્ઞાન છે તે જ્ઞાન જ “સત્ય” જ્ઞાન (અદ્વૈત) ની આડે આવે છે.
જો કે-
જ્યાં -પરમાત્મા (બ્રહ્મ) –નથી એવું એક પણ સ્થાન જગમાં નથી, તેમ છતાં તે પરમાત્મા (બ્રહ્મ) ને મનુષ્યો જોઈ શકતા નથી, એ એક મોટી કમનસીબી છે.એ દયાજનક સ્થિતિ છે. ખોટેખોટા (વ્યર્થ) જ્ઞાનવાળા, ખોટેખોટા (વ્યર્થ) કર્મ કરનારા અને ખોટેખોટી (વ્યર્થ) આશા રાખનારા, મનુષ્યો ની વિવેક-બુદ્ધિ નો નાશ થયેલો હોય છે, સાચા વિચારોનો તેમના મન માં ઉદ્ભવ થતો હોતો નથી, અને આમ તેઓ “મોહ” પમાડનારી આસુરી કે રાક્ષસી પ્રકૃતિ વાળા કહેવાય છે....(૧૨)
પણ જે મહાત્માઓ સર્વ જગતના ઉત્પત્તિ સ્થાન,આદિ,અવિનાશી –એવા પરમાત્માના સત્ય સ્વ-રૂપ ને જાણે છે,અને માત્ર તે પરમાત્મા ને જ ભજે છે-તે દૈવી પ્રકૃતિવાળા કહેવાય છે. આવા મહાત્માઓ -સર્વદા ભક્તિયુક્ત થઇ અને કિર્તન કરનારા,દૃઢ વ્રતવાળા,પરમાત્માને નમસ્કાર કરનારા અને પરમાત્માની જ ઉપાસના કરનારા હોય છે..........(૧૩-૧૪)
પછી ના શ્લોક ૧૫ થી ૨૧ સુધી માં જુદી જુદી જગ્યાઓ માં ઈશ્વરનાં સ્થાન,યજ્ઞો (કર્મો) અને તેનાથીથતી જુદી જુદી ગતિ-સ્થિતિઓ વિષે વર્ણન છે.
🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿
🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳
🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿
શ્રીમદ ભગવદગીતા--૯૨-
અધ્યાય-૯-
રાજવિદ્યા-રાજગુહ્ય યોગ-૪
શ્રીકૃષ્ણ કહે છે-કે-જે લોકો એકનિષ્ઠ થઈને મારું ચિંતન કરી-મારી ઉપાસના કરે છે-અને પોતાનું મન સંપૂર્ણપણે-પૂર્ણ ભાવથી મારામાં અર્પણ કરી દે છે,-એટલે કે- જે મારી “સંપૂર્ણ શરણાગતિ” સ્વીકારીને પોતાનો સર્વ બોજો (ભાર) મારા પર નાંખી દે છે, તેમના યોગક્ષેમ ને (જીવન નિર્વાહને) હું ચલાવ્યા કરું છું (યોગક્ષેમ વહામ્યહમ)....(૨૨)
“પરમાત્મા સર્વ જગ્યાએ રહેલા છે” એવું જે લોકો જાણતા નથી તેવા લોકો જુદા જુદા સંપ્રદાયો-ધર્મો બનાવી ને જુદા જુદા દેવ-દેવીઓ,પિતૃઓ,ભૂતો માં ભગવાન છે,એમ માની ને તેમને ભજે છે. જો કે-આવું કરી ને પણ તે પરમાત્મા નું જ પૂજન કરે છે-કારણ કે ઈશ્વર સર્વ જગ્યાએ સર્વ માં છે. પરંતુ આવા પ્રકારનું દેવો-દેવીઓ ને ભજવાનું અને તેમનું પૂજન –વિધિપૂર્વક(સમજપૂર્વક) નહિ હોતાં-તે- ભૂલ ભરેલું છે.....(૨૩)
વૃક્ષ ની શાખાઓ,પાંદડાઓ-વગેરે બીજ માંથી જ ઉત્પન્ન થાય છે,પાણી તો મૂળ માં જ સિંચવું પડે છે. તે જ રીતે પરમાત્મા એ મૂળ છે. અને દેવો-દેવીઓ એ શાખા ઓ અને પાંદડાઓ છે. ગમે તે દેવ કે દેવી ની પૂજા કરીએ –પણ તે પૂજા પરમાત્મા (બ્રહ્મ) ની પ્રીતિ અર્થે કરવી જોઈએ. જો -આ જાણ્યા વગર –પરમાત્મા ને જાણ્યા વગર –દેવ-દેવીઓનું ભજન કરવા માં આવે તો - તે ભજન નકામું છે.કારણ કે “જ્ઞાન-દૃષ્ટિ” માત્ર “કર્મ ના આચરણ” માં જ હોય તો- આ જાતનું “જ્ઞાન” દોષ વાળું છે.
આવા લોકો -તેમના કર્મ આચરણ –(એટલે કે –જુદા જુદા યજ્ઞો-કર્મો)-નો ભોક્તા અને સ્વામી –માત્ર –એક-પરમાત્મા જ છે-તેવું “તત્વ” તે ભૂલી જાય છે,
અને માત્ર જે તે યજ્ઞ ના દેવ-દેવી ને જ-ભજવાથી અને પૂજન કરવાથી તેમને –જે તે દેવ-દેવી ની જ પ્રાપ્તિ થાય છે- પણ તેમને પરમાત્મા (બ્રહ્મ-સત્ય) ની પ્રાપ્તિ થતી નથી.
જુદા જુદા યજ્ઞો ના (કર્મો ના) આદિ (શરૂઆત) અને અંત –માત્ર-પરમાત્મા જ છે.પરંતુ દુર્બુદ્ધિ –મૂર્ખ મનુષ્યો-તે –પરમાત્મા (બ્રહ્મ) ને ભૂલીને (ત્યાગી ને) દેવ-દેવી ઓ ને ભજે છે. જેવી રીતે ગંગાનું પાણી દેવ-દેવી-પિતૃઓ ને નામે ગંગામાં જ અર્પણ કરવામાં આવે છે.તેવી રીતે- પરમાત્મા ની જ બનાવેલી બધી વસ્તુ ઓ પરમાત્મા ને જ અર્પણ થાય છે.
પણ અહીં મનુષ્યો ના જુદા જુદા ભાવ ને લીધે-પરમાત્મ-ભાવ ભુલાય છે –અને આવા મનુષ્યો ક્યારેય પરમાત્મા (બ્રહ્મ) ને પામતા નથી. પરંતુ તેઓ પોતાના મન માં જેવી “ઈચ્છા” ધારણ કરે છે-તે જ તે પામે છે......(૨૪)
--દેવ-દેવીઓ ની ઉપાસના કરનારા મનુષ્યો-દેવ-લોક માં જાય છે.
--પિતૃ ના વ્રતો કરનાર –પિતૃઓ ની ઉપાસના કરનાર પિતૃલોક માં જાય છે.
--પિશાચ અને ક્ષુદ્ર દેવો (ભૂત-પિશાચાદિ) ને સાધવા અને જારણમારણ-વગેરે મંત્રો સાધનાર ને મરણ પછી પિશાચયોનિ પ્રાપ્ત થાય છે. આ પ્રકારે તેમના સંકલ્પ પ્રમાણે તેમનાં કર્મો તેમને ફળ આપે છે.-પણ- જે મનુષ્યો સદા-સર્વદા –માત્ર પરમાત્મા (બ્રહ્મ) નું જ ભજન કરે છે- તેમને જ માત્ર પરમાત્મા ની જ પ્રાપ્તિ થાય છે. .....(૨૫)
ટૂંક માં અહીં સહેલાઈથી સમજવા નો પ્રયત્ન કરીએ તો એમ પણ કહી શકાય -કે- દેવ-દેવીઓ –એ એક વિશિષ્ટ શક્તિ (વ્યક્તિત્વ) ધરાવનાર “આત્મા” ઓ છે.(પરમાત્મા –નહિ) દરેક ‘આત્મા” એ “પરમાત્મા” છે –એ નિયમાનુસાર તેમનું પૂજન કરતાં –“જ્ઞાન-દૃષ્ટિ” ને- પરમાત્મા (બ્રહ્મ) તરફ રાખવી જોઈએ.
🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿
🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳
શ્રીમદ ભગવદગીતા-૯૩-
અધ્યાય-૯-
રાજવિદ્યા-રાજગુહ્ય યોગ-૫
પોતાનું (આપણું) “પોતાપણું (હું પણું-અહમ)” પરમાત્મા માં અર્પણ કર્યા સિવાય –પરમાત્મામાં –આપણો ખરો પ્રેમ ઉત્પન્ન થયો છે- એવું કહી શકાય નહિ.
“હું ઈશ્વર નું જ્ઞાન ધરાવું છું” આવું જ્ઞાન ધરાવવાનું અભિમાન જે રાખે છે-તેને ઈશ્વરનું જ્ઞાન નથી.
“હું કૃતાર્થ થયો છું” એમ જે અભિમાન થી કહે તે સાચી રીતે કૃતાર્થ થયો નથી.
“હું મુક્ત થયો છું” એમ જે અહમ થી બોલે- તે મુક્ત થયો નથી.
“મેં યજ્ઞ કર્યા,મેં ધર્માચરણ કર્યા,મેં તપ કર્યા” આવો જેને ઘમંડ છે-તેને ઈશ્વરની પ્રાપ્તિ ની યોગ્યતા નથી.
થોડો વિચાર કરવામાં આવે તો- જો “જ્ઞાન” ની વાત કરવામાં આવે તો –“વેદ” માં જે જ્ઞાન (પરમાત્મ-જ્ઞાન) નું નિરૂપણ કર્યું છેતેનાથી વધુ જ્ઞાન કોઈનું પણ ના હોઈ શકે.!! નવાઈ ની વાત એ છે-કે- વેદો પણ જે પરમાત્મા વિષે-“નેતિ-નેતિ” એટલેકે-“આ વસ્તુ પરમાત્મા નથી” એમ કહી ને અટકી જાય છે-મૌન થઇ જાય છે-તેને –અભિમાની લોકો શી રીતે પ્રાપ્ત કરી શકે ?
સનકાદિ ઋષિઓ જેવા પૂર્ણ બ્રહ્મજ્ઞાનીઓ પણ પરમાત્મસ્વ-રૂપ નો નિર્ધાર કરતાં ભ્રમિત થઇ ગયા છે. મહાદેવ શિવ થી મોટો કોઈ તપસ્વી નથી-પરંતુ તેમણે પણ અભિમાન છોડી-પરમાત્મા નું ચરણોદક- એટલે કે ગંગા ને પોતાના મસ્તક પર ધારણ કરી છે.
લક્ષ્મી એ પણ અભિમાન નો ત્યાગ કરી પુરા મનોભાવ થી સેવા કરી ત્યારે તે પરમાત્મા ના ચરણ ધોવાના અધિકાર ને પ્રાપ્ત કરી શકી છે.
લક્ષ્મીજી નું ઐશ્વર્ય અને મહાદેવ શિવ નું તપ પણ જ્યાં (ઈશ્વર આગળ) કોઈ વિસાત માં નથી-તો અજ્ઞાનીઓ,પાખંડીઓ,અને અભિમાની જીવો –પરમાત્મા ને કેવી રીતે જાણી શકે ? સૂર્ય ના તેજ આગળ જો ચંદ્ર ના પ્રકાશ ની પણ વિસાત ના હોય તો પછી-આગિયાઓ પોતાના તેજ નો
ઘમંડ કેવી રીતે કરી શકે ?
એટલા માટે જ –સર્વ દેહાભિમાન છોડીને –પોતાની સંપત્તિ વગેરે ના અભિમાન ને છોડીને – મનુષ્યે પોતાનું સર્વસ્વ અને છેવટે પોતાનો દેહ પણ પરમાત્મા પર ઓવારી નાખવો જોઈએ. પોતાની મહત્તા ને ત્યજી દઈ-સર્વ શાસ્ત્રીય જ્ઞાન ને ભૂલી જઈ ને પોતાની વિદ્વતા નું અભિમાન મૂકી દઈ- જયારે વિનમ્રતા,ભક્તિ અને વિવેક આવે છે –ત્યારે જ પરમાત્માની પ્રાપ્તિ થાય છે...(૨૫)
અને જો આમ અહમ ને ત્યાગી ને દૃઢ ભક્તિપૂર્વક જો કોઈ મનુષ્ય-પરમાત્મા ને પત્ર,પુષ્પ,ફળ અને પાણી –પણ અર્પણ કરે તો તે –શુદ્ધ ચિત્તવાળા ભક્તે –પ્રેમપૂર્વક આપેલી આવી નાની ચીજો ને પણ ઈશ્વર સગુણ-રૂપ થી પ્રગટ થઇ ને સ્વીકાર કરે છે...(૨૬)
પત્ર,પુષ્પ,ફળો-વગેરે તો ભક્તિ માટે નું નિમિત્ત માત્ર છે,મુખ વસ્તુ છે-અનન્ય,દૃઢ,તીવ્ર-ભક્તિ.
શ્રીકૃષ્ણ કહે છે-કે- હે અર્જુન, તું જે જે વસ્તુ નો ઉપભોગ કરે છે,જે કંઈ યજ્ઞ-કર્મ કરે છે, જે કંઈ દાન આપે છે, જે કંઈ સ્વ-ધર્મ રૂપી તપ-કર્મ કરે છે-તે સર્વ અહંકાર ત્યજી ને નિષ્કામ બુદ્ધિ થી મને અર્પણ કર..(૨૭)
🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿
🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳
શ્રીમદ ભગવદગીતા-૯૪-
અધ્યાય-૯-
રાજવિદ્યા-રાજગુહ્ય યોગ-૬
જે પ્રમાણે અગ્નિ માં શેકેલાં બીજ ને અંકુર ફૂટતાં નથી, તે પ્રમાણે- નિષ્કામ બુદ્ધિ થી પરમાત્મા ને અર્પણ કરેલાં શુભ કે અશુભ કર્મો –ની ફળ-પ્રાપ્તિ થતી નથી. એટલે કે જો કર્મો જ ઈશ્વર ને અર્પણ કરવામાં આવે તો-તે-જ-વખતે જન્મ-મરણ નો ફેરો ટળી જાય છે- કર્મ નું બંધન રહેતું નથી-અને સર્વ દુઃખો ની આપોઆપ નિવૃત્તિ થઇ જાય છે......(૨૮)
પરમાત્મા સર્વ જીવો માં (આત્મા-રૂપે) એકસરખા હોવાથી, તેમના માં મારું અને તારું –એવો ભેદ નથી. ઈશ્વર નો કોઈ શત્રુ નથી-કે-કોઈ મિત્ર નથી. જેઓ તીવ્ર ભક્તિ થી ઈશ્વરને ભજે છે-તેઓ ઈશ્વરમાં છે અને ઈશ્વર તેમના માં છે .જેવી રીતે સૂક્ષ્મ રૂપે અગ્નિ સર્વત્ર વ્યાપ્ત થઇ ને રહેલો હોય છે-તેમ છતાં સાધનો વડે (લાકડું-અગ્નિ) પ્રગટ કરવાથી જ તે અગ્નિ આંખ થી દેખાય છે- તેવી રીતે સર્વત્ર રહેલો પરમેશ્વર ભક્તિ થી ભજન કરનાર ના અંતઃકરણ માં પ્રત્યક્ષ થાય છે...(૨૯)
અત્યંત દુરાચારી મનુષ્ય પણ જો પશ્ચાતાપ કરી અને તે પશ્ચાતાપ પછી લેશમાત્ર પાપાચરણ ના કરે, અને જો એક નિષ્ઠા થી પ્રભુ નું ભજન કરે તો તે સાધુ સમાન થઇ જાય છે. અંતકાળે જેવી મન ની વૃત્તિ હોય છે-તેવી જ ગતિ બીજા જન્મ માં થાય છે,આથી – જેમણે પોતાના આયુષ્ય નો અંત ભક્તિમાર્ગ માં આણ્યો છે,તે ભલે અગાઉ ના સમય માં –એટલે કે – યુવાનવય માં દુરાચારી હોય તો પણ તે સર્વોત્તમ જ છે. એક વાર નિશ્ચય થઇ જાય કે પરમાત્મા ના ભજન સમાન બીજું કંઈ નથી, એટલે તેનો અખંડ પ્રેમ – માત્ર ઈશ્વરમાં જ થાય છે અને તે કર્મો ના સપાટામાંથી પાર ઉતરી જઈ ઈશ્વરરૂપ થઇ જાય છે. (૩૦)
આવો ઈશ્વરમાં મળી ગયેલો અને ઈશ્વર સ્વ-રૂપ થઇ ગયેલો ધર્માત્મા –કદી પણ ના જનારી અને સદા સાથે રહેનારી –શાંતિ ને પ્રાપ્ત થાય છે. અને આવા ભક્ત નો કદી પણ નાશ થતો નથી..(૩૧)
કોઈ પણ જાતિ નો હોય, કે ગમે તેવી અધમ પાપ-યોનિ માં જન્મેલો હોય –પણ જો –તે –પરમાત્મા નો આશ્રય કરે-પરમાત્માની ભક્તિ કરે તો તેને ઉત્તમ ગતિ મળે છે....(૩૨)
તો પછી –અત્યંત કુળવાન,પુણ્યવાન અને સતત ભક્તિ કરનાર –તો પરમાત્મા ને સદા પ્રિય જ હોય – એમાં તો બેમત નથી. માટે જ મનુષ્ય જયારે આ અશાશ્વત (નાશ પામનાર) અને દુઃખદાયક –એવા મૃત્યુલોક માં આવ્યો છે-જન્મ પામેલો છે- તો શાંતિ માટે ઈશ્વર ભજન સિવાય કોઈ ઉપાય નથી (૩૩)
પૃથ્વી ને મૃત્યુલોક કહે છે-જે જન્મે છે-તેનું મરણ નિશ્ચિત છે. દિન- પ્રતિદિન આયુષ્ય વીતતું જાય છે. આ જાણવા છતાં પણ મનુષ્ય –પોતે મરવાનો નથી-એમ સમજી સમય વિતાવ્યે જાય છે.
દેડકાને –સાપ ગળતો હોય છે-તો પણ દેડકાને-પોતાના મરણ ની કલ્પના સુદ્ધાં આવતી નથી અને તે જ વખતે-દેડકો પોતાની જીભ થી આસપાસ ની માખીઓ ગળી જવાનો પ્રયત્ન કરતો હોય છે !!!!આવી જ રીતે કોણ જાણે કયા લાભ માટે-જીવો પોતાની ઈચ્છા વધારે જાય છે.
જેના યોગ થી અવિનાશી પદ પ્રાપ્ત થઇ શકે છે-તેવા ભક્તિ માર્ગ ને ગ્રહણ કર્યા સિવાય –આ મૃત્યુલોક માં બીજો કોઈ ઉપાય નથી.
માટે જ શ્રીકૃષ્ણ કહે છે-કે-
હે અર્જુન, તું તારા મન ને મારામાં સ્થિર કર,મારું ભજન કર,સર્વ જગ્યાએ હું (પરમાત્મા) છું,એમ સમજી ને મને નમસ્કાર કર.મારા માં ચિત્ત ને પરોવી,મારામાં પરાયણ થઈશ એટલે તું મને (ઈશ્વરને) આવી ને જ મળીશ. બીજાઓથી ગુહ્ય (ગુપ્ત) રાખેલી મારા મનની વાત મેં તને કહી દીધી છે. અને આ વાત જો તું બરોબર ગ્રહણ કરીશ તો સુખી થઇ શકીશ-શાંતિ પામી શકીશ.......(૩૪)
સમાપ્ત-
અધ્યાય-૯-રાજવિદ્યા-રાજગુહ્ય યોગ-
🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳
🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳
શ્રીમદ ભગવદગીતા-૯૫-
અધ્યાય-૧૦-
વિભૂતિયોગ-૧
અત્યાર સુધી માં આવી ગયેલા ૧ થી ૮ અધ્યાય ને –પૂર્વ ખંડ- કહે છે. અને હવે પછી આવનારા ૯ થો ૧૮ અધ્યાય ને –ઉત્તરખંડ –કહે છે.
હવે આ પૂર્વખંડ માં આવી ગયેલા ૧ થી ૮ અધ્યાયો નું –થોડું ચિંતન કરી ને પછી આગળ વધીશું.
(૧) પહેલા અધ્યાય માં સગાં-સંબંધી,મિત્ર અને ગુરૂજનો સાથે યુદ્ધ કરવું અયોગ્ય છે –એમ લાગવાથી (મોહ ના લીધે) અર્જુન ને શોક (વિષાદ) થયો.
(૨) બીજા અધ્યાય માં યોગ સ્પષ્ટતા થી કહ્યો છે-પરંતુ તેમાં જ્ઞાનયોગ અને કર્મયોગ એમ બે ભેદ દર્શાવ્યા છે.
(૩) ત્રીજા અધ્યાય માં કેવળ કર્મયોગ નું પ્રતિપાદન કરવામાં આવ્યું છે.
(૪) ચોથા અધ્યાય માં કર્મયોગ નું જ્ઞાનયોગ સહિત પ્રતિપાદન કરવામાં આવ્યું છે.
(૫) પાંચમા અધ્યાય માં યોગ-તત્વ નો પ્રારંભ કરેલો છે.
(૬) છઠ્ઠા અધ્યાય માં યોગ ની આસન વિધિ થી લઇ જીવ ના બ્રહ્મ સાથેના ઐક્ય થવા સુધી ની રીત વિષેકહેવામાં આવ્યું છે.યોગભ્રષ્ટ ની ગતિ વિષેનું પણ વર્ણન છે.
(૭) સાતમા અધ્યાય માં પ્રકૃતિ નો ઉપક્રમ અને ઈશ્વર ને ભજનારા ચાર જુદા જુદા પ્રકારના ભક્તો નું ( (( (આર્ત,જિજ્ઞાસુ,અર્થાર્થી અને જ્ઞાની) વર્ણન કરવામાં આવ્યું.
(૮) આઠમા અધ્યાય માં ૭-પ્રશ્નો નું સ્પષ્ટીકરણ કરી- મરણ સમયે ચિત્તશુદ્ધિ કરવાના નિર્ણય વિષે કહ્યું.
(૯) નવમા અધ્યાય માં ગીતા નું સર્વ જ્ઞાન-અત્યંત ગૂઢ જ્ઞાન –એટલે કે –પરમાત્મા ના અવ્યક્ત
સ્વરૂપ ના જ્ઞાન વિષે વર્ણન કર્યું છે.
જેવી રીતે ગોળ અને સાકર ના ગાંગડા –એક જ શેરડી ના રસમાં થી તૈયાર કરવામાં આવે છે-તેમ છતાં તે બંને ના સ્વાદ માં (મિષ્ટતામાં) થોડો ફરક લાગે છે.તેવી રીતે ગીતા ના સર્વ અધ્યાયો માં “બ્રહ્મ-તત્વ” નું જ નિરૂપણ કરવામાં આવ્યું છે –તો પણ –
--કેટલાક અધ્યાયો –બ્રહ્મ ને પ્રથમ થી જ ઓળખેલ હોય –તે પ્રમાણે “બ્રહ્મ” નું પ્રતિપાદન કરે છે.
--કેટલાક અધ્યાયો-બ્રહ્મ નું સ્થળ દર્શાવે છે. અને-
--કેટલાક અધ્યાયો-બ્રહ્મ ને જાણવા જતાં-જ્ઞાન અને ગુણો સહિત મનુષ્ય પોતે જ “બ્રહ્મ-રૂપ” થાય છે એમ દર્શાવે છે.
હવે ઉત્તરખંડ નો પ્રારંભ થાય છે-અને પ્રારંભ માં- ૧૦ મા અધ્યાય માં – શ્રીકૃષ્ણ –પોતાની મુખ્ય અને ગૌણ –વિભૂતિઓ વિષે વર્ણન કરે છે.
શ્રીકૃષ્ણ કહે છે-હે અર્જુન,તું ફરીથી મારાં પરમ વચન સાંભળ. તું મારા ભાષણ થી સંતુષ્ટ થાય છે, એટલા માટે –તારું હિત થાય એવી ઇચ્છાથી –આ (જ્ઞાન) હું તને (ફરીથી) કહું છું...(૧)
આગળના નવ અધ્યાય ના ભાષણ માં અર્જુન નું ધ્યાન કેવું છે? તે શ્રીકૃષ્ણે જોઈ લીધું. જેવી રીતે-માટલા માં થોડું પાણી રેડી પ્રથમ ખાતરી કરવામાં આવે છે કે-પાણી ગળે છે કે નહિ- પછી જ –તે માટલું પાણી થી પૂરું ભરવામાં આવે છે- તેવી રીતે શ્રીકૃષ્ણે અર્જુન ને થોડું કહી સંભળાવ્યું-અને હવે ખાતરી થતાં –વધુ સંભળાવવા માટે તૈયાર થયા છે. જાણે- એક નાની શી પરીક્ષા માં અર્જુન ઉત્તીર્ણ થયો છે. અને હવે સહુ પ્રથમ- અગાઉના અધ્યાયમાં કહેલો –પોતાનો અભિપ્રાય –
શ્રીકૃષ્ણ ફરીથી અર્જુન ને કહે છે.
જેમ દરેક વર્ષે પાક સારો મળે તો-ફરી ફરી અનાજ વાવવાનો કંટાળો આવતો નથી-કે-
જેમ ઉપરાઉપરી તાપ આપવાથી સોનાનો કસ વધે છે-સોનું વધુ શુદ્ધ થાય છે- તેમ- શ્રીકૃષ્ણ ના આ ભાષણ થી જેમ જેમ અર્જુન નું હિત સધાય –તેમ તેમ –શ્રીકૃષ્ણ અને અર્જુન(અને આપણું પણ) સુખ અનેક ગણું વૃદ્ધિ પામતું જશે.
🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿
🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳
શ્રીમદ ભગવદગીતા-૯૬-
અધ્યાય-૧૦-
વિભૂતિયોગ-૨
શ્રીકૃષ્ણ કહે છે-કે-દેવો અને મહર્ષિઓ ને પણ મારી “ઉત્પત્તિ” વિષે જાણ નથી. સકળ સૃષ્ટિ માં –માત્ર-હું (બ્રહ્મ) જ સર્વ દેવો અને મહર્ષિ ઓ નું આદિ (મૂળ) કારણ છું.....(૨)
પરમાત્મા (બ્રહ્મ) નું સ્વરૂપ જાણવામાં વેદો ની વાણી પણ કુંઠિત થઇ ગઈ છે.જે પ્રમાણે માતાના ઉદરમાં રહેલો ગર્ભ –માતાની ઉંમર જાણવા માટે અસમર્થ છે, તે પ્રમાણે-પરમાત્મા માંથી જ ઉદભવેલા દેવો-પરમાત્મા ને જાણવા સમર્થ નથી.
જે પ્રમાણે સમુદ્ર ના જળચરો (માછલી વગેરે) સમુદ્ર નો અંત (સમુદ્ર કેવડો છે તે) જાણી શકતા નથી,કે મચ્છર પુરા આકાશ ને ઓળંગી શકતું નથી, તે પ્રમાણે મહર્ષિ ઓ નું જ્ઞાન બ્રહ્મને જાણી શકતું નથી.
પરમાત્મા (બ્રહ્મ) કોણ છે ?કેવડા છે ? કોના છે ? શામાંથી ઉત્પન્ન થયા છે? તેનો નિર્ણય કરતાં-મહર્ષિઓ-જ્ઞાનીઓ ને યુગો ના યુગો વીતી ગયા છે.-કારણ કે-
આ સર્વ મહર્ષિઓ, સર્વ દેવો અને સર્વ પ્રાણીઓનું મૂળ (આદિ) પરમાત્મા છે.પરમાણુ માં જો જગત સમાઈ જાય –એવું બનતું જો દેખાય તો જ –જીવ પરમાત્મા ને જાણી શકે.પણ આવું બનતું નરી આંખે-જોઈ શકાતું નથી,એથી પરમાત્મા ને જાણવા કઠિન છે.
તેમ છતાં પણ જો કોઈ વખત સહેજ ભૂલ થી પણ –જો કોઈ જીવ – બાહ્ય પ્રવૃત્તિ નો માર્ગ છોડી –ઇન્દ્રિયો ને વશ કરે તો –અને દેહ (શરીર) નો દેહભાવ-છોડી,મન ને અંદર ની તરફ વાળે-તો-અંદરના નિર્મળ આત્મા ના પ્રકાશ થી જ –અવ્યક્ત પરમાત્મા (આત્મા) ને પોતાની આંખ સમક્ષ જોઈ શકે છે.
પરમાત્મા ના આ અવ્યક્ત,અવિનાશી,અજન્મા,નિરાકાર,અનાદિ –“તત્વ” ને જે જાણી જાય છે-તે-સર્વ પાપો ના બંધન થી મુક્ત થઇ જાય છે......(૩)
જુદી જુદી જાતના નીચે દર્શાવ્યા છે-તે જાતના ભાવ (વિકાર) પણ ઈશ્વર વડે જ ઉત્પન્ન થાય છે.૨૦-પ્રકારના જુદા જુદા ભાવો કહેવાય છે.
--બુદ્ધિ (નિશ્ચય કરવાની શક્તિ)—તત્વજ્ઞાન (અમર્યાદ જ્ઞાન)—નિર્મોહતા (અમૂઢતા)—સહનશીલતા—ક્ષમા—સત્ય—મનોનિગ્રહ (શમ) અને ઈન્દ્રિયનિગ્રહ (દમ)—સુખ-દુઃખ—ઉત્પત્તિ-વિનાશ—ભય-અભય—યશ-અપયશ—અહિંસા—સમતા—સંતોષ—તપ—દાન—
જગતના સર્વ જીવો એકબીજાથી જુદા પડે છે, તેમ તેમના વિકારો (ભાવો) પણ જુદાજુદા છે.આમાં ના કેટલાંક ને પરમાત્મા નું જ્ઞાન થાય છે અને કેટલાંક ને થતું નથી.જેમ પ્રકાશ અને અંધકાર –એક સૂર્ય થી જ પેદા થાય છે-તે જ પ્રમાણે-
ઈશ્વર નું જ્ઞાન થવું કે ના થવું તે તેમના કર્મો નું ફળ છે. અને એટલા માટે જ –તેમના માં –જુદા જુદા વિકારો ના આવિર્ભાવ થાય છે........(૫)
ઉપર દર્શાવ્યા તે ૨૦-જુદી જુદી જાતના વિકારો (ભાવો) થી જગત (સૃષ્ટિ) ભરેલું છે.હવે જેઓ માંથી જગતની વૃદ્ધિ થઇ છે--જેઓ આ પૃથ્વીના પાલક છે-અને –જેમની આજ્ઞા મુજબ જગતના સર્વ લોકો વર્તે છે-તેવી ૧૧-વિભૂતિ ઓ (૧૧-ભાવો) છે. .......(૬)
----૪-બ્રહ્માના (માનસ) પુત્રો-મનુ ઓ-(સ્વાયંભુવ.સ્વરોચિષ,ઉત્તમ અને તામસ)
----૭-મહર્ષિઓ-(ભૃગુ,મરીચિ,પુલસ્ત્ય,પુલહ,ક્રતુ,અત્રિ,વશિષ્ઠ)
સહેલાઈ થી સમજવા-ટૂંકમાં જોઈએ તો-
--પરમાત્મા માંથી સહુ પ્રથમ મન ની ઉત્પત્તિ થઇ- અને
--મન માંથી મનુ ઓ-(ચાર) અને સાત ઋષિઓ ઉત્પન્ન થયા.(અગિયાર ભાવો –વિકારો-વિભૂતિઓ)
--તેમાંથી ઇન્દ્ર વગેરે ૮-લોક્પાલો ઉત્પન્ન થયા-જેમણે અનેક પ્રકારના “લોકો” ઉત્પન્ન કર્યા.
--અને આ લોકો માંથી સર્વ ૨૦-પ્રકારના જુદાજુદા ભાવો-વિકારોવાળા-જીવો ની ઉત્પત્તિ થઇ.
🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳
🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳
શ્રીમદ ભગવદગીતા-૯૭-
અધ્યાય-૧૦-
વિભૂતિયોગ-૩
જે કંઈ દૃશ્ય સંસાર (આંખથી દેખાય છે –તે સંસાર) છે-તે ઈશ્વર ની માયા છે, અને માત્ર ઈશ્વર (બ્રહ્મ) જ પરિપૂર્ણ છે-આ –જાણવું તે “તત્વ” છે.
જે મનુષ્ય ઈશ્વર ની –આ ઐશ્વર્ય-રૂપ-“વિભૂતિ” ને-જાણે છે-(એટલે-કે-ઈશ્વર નો વિસ્તાર –ઈશ્વર ની માયા (યોગ શક્તિ)થી થાય છે-એ તત્વ ને જાણે છે)તે મનુષ્ય-આ નિશ્ચળ યોગ વડે –ઈશ્વરના જ્ઞાન ને જાણેલો છે-અને તે પોતે ઈશ્વરમય જ બને છે..(૭)
બ્રહ્મા (બ્રહ્મદેવ) થી શરૂઆત કરી-નાના માં નાની કીડી સુધી,પરમાત્મા ના “પરમાત્મ-તત્વ” સિવાયબીજું કશું નથી, આ “સત્ય” સ્વરૂપ ને જે જાણે છે-તેને જ “સત્ય”જ્ઞાન ની જાગૃતિ થાય છે.આમ સંપૂર્ણ જગત ની ઉત્પત્તિ નું કારણ ને સર્વ જગતની પ્રવૃત્તિ નું કારણ –માત્ર પરમ-પિતા પરમાત્મા-જ-છે-એમ જાણી ને જ્ઞાની મનુષ્યો તે પરમાત્મા ને જ નિરંતર ભજે છે.....(૮)
ઈશ્વર માટે જ જેમણે પોતાનું જીવન અર્પણ કરી દીધું છે,તેવા ભક્ત જનો -તેમના જેવા જ બીજા ભક્ત જનો ની સાથે એકબીજાને બોધ કરતા,અને સદા ય ઈશ્વરનું કીર્તન કરતા સંતોષમાં અને આનંદ માં રહે છે. (૯)
પરમાત્મા માં તદ્રુપ થયેલા ઓ ની સ્થિતિ માં એકબીજા વચ્ચે આપ-લે-નો વ્યવહાર પણ જ્ઞાન નો જ હોય છે. જે પ્રમાણે પાસ પાસેનાં તળાવો પાણી થી છલકાઈ ગયા પછી,તેમના પાણી એકબીજા સાથે ભળી જાય છે-અને પછી તરંગો ને તરંગો નો જ આશ્રય મળી જાય છે. આવા નિત્ય પરમાત્મા સાથે યુક્ત થયેલા અને પરમાત્મા ને નિરંતર ભજનાર,ને પરમાત્મા બુદ્ધિયોગ
(જ્ઞાનયોગ) આપે છે,કે જેનાથી તે આત્મજ્ઞાન (બ્રહ્મજ્ઞાન) પ્રાપ્ત કરે છે...(૯)
તેમના ઉપર અનુકંપા ને કારણે જ તેમના અંતરમાં રહી,(આત્મારૂપે),તેજસ્વી જ્ઞાન ના દીવા થી ,તેમના માં રહેલા અજ્ઞાન રૂપી અંધકાર નો નાશ કરે છે. ,,(૧૧)
પછી ના ૧૨ થી ૧૮ સુધીના શ્લોક માં અર્જુન –શ્રીકૃષ્ણ ની સ્તુતિ કરે છે, અને પછી કહે છે-કે-
મને તમારી અનંત વિભૂતિઓ માંથી જેટલી વ્યાપક,શક્તિમાન અને સતેજ હોય -તેમાંની મુખ્ય-મુખ્ય અને પ્રસિદ્ધ હોય તેમના વિષે મને કહો.આપનું સતત ચિંતન કરનારો હું આપને કઈ રીતે જાણી શકું ?આપ કયા કયા ભાવો માં (વિભૂતિઓમાં) મારા વડે ચિંતન કરવા યોગ્ય છો? તે મને કહો.
તમારો યોગ અને વિભૂતિઓ મને ફરીથી વિસ્તારપૂર્વક કહો,કારણકે,તમારું અમૃતમય વક્તવ્ય (ભાષણ)ગમે તેટલી વાર સાંભળવા છતાં પણ મને તૃપ્તિ થતી નથી.
ત્યારે શ્રીકૃષ્ણ (પરમાત્મા) કહે છે-કે-
તેં પૂછેલી મારી વિભૂતિઓ અગણિત છે,તે અગણિત વિભૂતિઓ જોકે મારી જ છે,તેમ છતાં તેની ગણત્રી,મારી બુદ્ધિ થી પણ કરી શકાતી નથી.
જેવી રીતે કોઈથી પણ પોતાના અંગ પરના વાળ ગણી શકતા નથી,તે પ્રમાણે મારી વિભૂતિઓ પણ ગણી શકાતી નથી. એટલા માટે મારી જે મુખ્ય મુખ્ય વિભૂતિઓ છે-તે તને કહું છું. આ મુખ્ય મુખ્ય વિભૂતિઓ ને જાણવાથી,બીજી સર્વ વિભૂતિઓ તારી જાણ માં આવી જશે. જેમ વૃક્ષ નું બીજ હાથ માં આવતાં-આખું વૃક્ષ જ હાથમાં આવ્યા જેવું થાય છે-તેમ-તે વિભૂતિઓ ને જોવાથી સર્વ વિશ્વ (જગત) જોવામાં આવ્યા પ્રમાણે થાય છે.
ખરેખર તો મારા વિસ્તાર નો અંત જ નથી,આકાશ સમાન મહાન પદાર્થો પણ મારામાં સમાઈ જાય છે.(૧૯)
🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿

Subscribe to:
Posts (Atom)
-
જય શ્રી કૃષ્ણ🙏🏻 આજ થી શ્રીમદ ભગવદ ગીતા નો શુભારંભ કરું છું ........શ્રીમદભાગવત ની જેમ જ સહુ ને રસપાન કરાવવાનો વિચાર છે.......
-
· સુવિચાર · જેને પરસેવો પાડવાની આદત છે. તેને પર સેવા લેવાનો વારો નથી આવત તો · કિસ્મતમાં લખ્યું તેનાં પર અફસોસ ન કર હજુ તુ એટલો સમજદાર ...
-
--------------------------------------------------------------------------------------------------------------- શ્રીમદ ભગવદ...
-
''શ્રીમદ ભગવદ્ ગીતા''ની ખાસ ખાસ વિશિષ્ટતાઓ -3 શ્રીમદ ભગવદગીતા-૬૩- અધ્યાય-૪- જ્ઞાન કર્...
-
ભાગવત માહાત્મ્ય (Page 1 to 15) ભાગવત માહાત્મ્ય (Page 1) 29-08-2014 ભાગવત માહાત્મ્ય પરમાત્મા ના દર્શન કરવાથી માનવ જન્મ સફળ થાય છે. મનુષ...
-
ભાગવત માહાત્મ્ય (Page 16 to 19) ભાગવત માહાત્મ્ય (Page 16) બધી પ્રવૃત્તિ છોડી ને માનવી ધ્યાન માં બેસે છે,ત્યારે માયા વિઘ્ન કરે છે. અનાદિ ...
-
શ્રીમદ્ભાગવત સ્કંધ – 6 (Page 50) માયાનું ઘણી રીતે વર્ણન કરવામાં આવ્યું છે. શંકરાચાર્ય મણિરત્નમાળામાં વ્યાખ્યા આપતાં કહે છે-કે- કંચન...
-
Understanding of Naived NAIVED : BHATIA COMMUNITY KULDEVI KULDEVTA DEVSTHAAN BHATIA COMMUNITY / familie...
-
શ્રીમદ્ભાગવત સ્કંધ – 3 (Page 36) ઋષિઓએ સ્ત્રીને ધર્મપત્નીમાની છે. સ્ત્રી એ ભોગનું સાધન નથી , પણ ધર્મનું સાધન છે. ભોગ ની પાછળ રોગ ઉ...
-
Devsthaan of Shri Sikotarmata (Vahaanvati Maa,Harshidhhi Maa) - Kuldevi of Dutia (Dhutia)-Purecha (Porecha) Parivar. ...