ભાગવત માહાત્મ્ય (Page 16 to 19)

 ભાગવત માહાત્મ્ય (Page 16 to 19)

ભાગવત માહાત્મ્ય (Page 16)

બધી પ્રવૃત્તિ છોડી ને માનવી ધ્યાન માં બેસે છે,ત્યારે માયા વિઘ્ન કરે છે.

અનાદિ કાળ થી મનુષ્ય નું માયા સાથે યુદ્ધ થતું આવ્યું છે. કોઈ ભક્તિ કરે તે માયા ને ગમતું નથી.
જીવ ઈશ્વર જોડે જાય તે માયાને ગમતું નથી, જીવ સર્વ પ્રકારનો મોહ છોડી જાય તે માયાને ગમતું નથી.
આ માયા નું કોઈ એક સ્વરૂપ નથી.ઈશ્વર જેમ વ્યાપક છે તેમ માયા પણ વ્યાપક જેવી જ છે.

જીવ અને ઈશ્વરના મિલન માં માયા વિઘ્ન કરે છે.
માયા મન ને ચંચળ બનાવે છે, માયા મનુષ્ય ને સમજાવે છે-કે-આ સંસાર માં જ સુખ છે. સ્ત્રીમાં સુખ છે.
માયા અનેક રીતે જીવ ને ઈશ્વર થી દૂર ફેંકે છે.મનુષ્ય ને માયા હરાવે છે. મનુષ્ય ની હાર અને માયા ની જીત થાય છે.

માયા ની જીત થાય છે કારણ કે –મનુષ્ય ભગવાન નો જયજયકાર કરતો નથી.
કથા ભજન માં ઈશ્વરનો પ્રેમ થી જય જયકાર કરવો.—માયાની હાર થાય અને મારી જીત થાય—
પ્રભુ નો જય જયકાર કરો તમારી પણ જીત(માયા સામે-બુદ્ધિ સામે) થશે.

ભુખ તરસ ને ભુલશો નહિ– તો પાપ થશે. ભુખ તરસ ને સહન કરવાની ટેવ પાડો. આગળ કથા આવશે કે–
પરીક્ષિત ની -બુદ્ધિ -ભુખ-તરસે જ બગાડેલી.

સુતજી સાવધાન કરે છે. નારદજી અને સર્વે ઋષિજનો આસન પર બિરાજી ને પ્રભુના નામ નો જય જયકાર કરે છે અને પછી –હરયે નમઃ-નું ઉચ્ચારણ કરે છે.

સતત –હરયે નમઃ-બોલવાની ટેવ પાડો. તમારા હાથે પછી પાપ થશે નહિ.
 આ ભાગવત ની કથા અતિ દિવ્ય છે.આ કથા એવી મંગલમય છે કે જે પ્રેમ થી શ્રવણ કરશે –તેના કાન માં થી પરમાત્મા હૃદય માં આવશે.
નેત્ર(આંખ) અને શ્રોત (કાન) ને જે પવિત્ર રાખે તેના હૃદય માં પ્રભુ આવે છે.

તમે જેને પ્રેમ થી જુઓ છો તે આંખ માંથી હૃદય માં આવે છે, ભગવાન શ્રી કૃષ્ણ કાન માંથી ,આંખ માંથી હૃદયમાં આવે છે.

વારંવાર શ્રીકૃષ્ણ કથા જે સાંભળે છે, તેના કાન માંથી શ્રી કૃષ્ણ હૃદય માં પધારે છે.
અંદરનો આનંદ મળે તો માનજો કે –પરમાત્મા હૃદય માં આવ્યા છે.
તમે ભગવાન ની કથા સાંભળશો –તો મન ભગવાન માં સ્થિર થશે. કાન માંથી ભગવાન હૃદયમાં આવશે.

આંખ અને કાન –એ –ભગવાન ને હૃદય માં દાખલ કરવાના –દેહના (શરીરના) બે દરવાજા છે.
ઘણાં આંખથી પ્રભુના સ્વરૂપ ને હૃદયમાં ઉતારે છે,ઘણાં કાન થી શ્રવણ કરી ભગવાન ને હૃદયમાં ઉતારે છે.
આથી આંખ અને કાન બંને પવિત્ર રાખો. ત્યાં શ્રીકૃષ્ણ ને પધરાવો.

દરેક સત્કર્મ ના આરંભ માં શાંતિ પાઠ કરવામાં આવે છે. તેનો મંત્ર છે—ઓમ ભદ્રમ કર્ણેભી શ્રેણુંયામ દેવાઃ –
જેનો અર્થ છે કે-હે દેવ ! કાનો વડે અમે કલ્યાણમય વચનો સાંભળીએ.
મંગલમય શબ્દ અમે સાંભળીએ-મંગલમય સ્વરૂપ ના અમે દર્શન કરીએ.

મનુષ્ય નાક થી ક્યાં પાપ કરે છે ? આંખ અને કાન થી જ વધારે પાપ થાય છે. એટલે તેણે પવિત્ર કરવાની જરૂર રહે છે.
ઘેર પૂજા કરાવો છો ત્યારે પૂજા ની શરૂઆત માં -ગોર મહારાજ – આંખે અને કાને પાણી અડાડવાનું કહે છે.
કાન અને આંખ પવિત્ર થયા પછી જ સત્કર્મ નો પ્રારંભ થાય છે.

આંખ અને કાન બહુ શુદ્ધ હશે તો જ ભક્તિ આવશે. આથી બંને ને શુદ્ધ કરો અને તે પછી પૂજા કરો.
આ બંને (આંખ ને કાન) જો શુદ્ધ ના હોય તેને પૂજા કરવાનો અધિકાર નથી.

આંખ અને કાન –સ્થિર થાય છે-તે પછી જ તન અને મન સ્થિર થાય છે.(ઇન્દ્રિયો સ્થિર થાય છે-શુદ્ધ થાય છે)
શુદ્ધ ઇન્દ્રીયો માં જ પરમાત્મા નો પ્રકાશ થાય છે.

આથી ઈન્દ્રિયોને –અને મન ને- શુદ્ધ કરો ને શુદ્ધ રાખો
કાળ (સમય) બગડ્યો નથી- પણ કાળજું (બુદ્ધિ) બગડ્યું છે.
 ” બુદ્ધિ બગડી તેનું બધું બગડ્યું. ”

અહંકાર આવે તો સમજવું કે બુદ્ધિ બગડી છે- ભાગવત આપણને એ જ શીખવે છે કે પરમાત્મા ને સમર્પિત થવું,અને અહંકારને પરમાત્મા ચરણોમાં અર્પી દેવો.

આપણને જે મળ્યું છે તે ભગવાનનું છે તેમ માનવું અને તેમને જ પ્રેમથી અર્પણ કરવું. પણ અહી બને છે એવું કે  બધા કહશે કે આ બધું ભગવાનનું છે પણ હ્રદયથી કહેતા કે માનતા નથી.

---------------------------------------------------------------------

 ભાગવત માહાત્મ્ય (Page 17)
સનકાદિ મુનિઓ કહે છે કે-આ ભાગવતમાં અઢાર હજાર શ્લોકો છે. –અઢાર- ની સંખ્યા પરિપૂર્ણ છે.
ભાગવત માં મુખ્ય કથા છે-નંદ મહોત્સવની –તેના શ્લોકો પણ અઢાર છે. મહાભારત ના પર્વ અઢાર છે.
ગીતાજી ના અધ્યાયો પણ –અઢાર-છે. ગીતાજી માં સ્થિતપ્રજ્ઞ ના લક્ષણો શ્લોકો અઢાર છે.
અઢાર નો –આંકડો- વ્યાસજી ને બહુ પ્રિય છે.
ભાગવત નો મહિમા કોણ વર્ણવી શકે ?
જે –શક્તિ- (બુદ્ધિ-જ્ઞાન- શક્તિ) ભગવાન માં છે- તે શક્તિ ભાગવત શાસ્ત્ર માં છે.
ભાગવત –એ -નારાયણ નું સ્વરૂપ છે.ભગવાન શ્રીકૃષ્ણ જયારે ગોલોક ધામ માં પધાર્યા, ત્યારે પોતાનું તેજ સ્વરૂપ આ ગ્રંથમાં પધરાવ્યું-એમ એકાદશ સ્કંધ માં લખ્યું છે. તેથી ભાગવત –ભગવાન ની સાક્ષાત શબ્દમયી મૂર્તિ છે.
ઉદ્ધવજીએ જયારે શ્રીકૃષ્ણ ને પૂછેલું કે- આપના સ્વધામગમન પછી આ પૃથ્વી પર અધર્મ વધશે, ત્યારે ધર્મ કોને શરણે જશે ? ભગવાને ત્યારે કહ્યું છે કે-મારા ભાગવત નો આશ્રય જે લેશે –તેના ઘરમાં કળિ આવશે નહિ.
પરમાત્મા શ્રીકૃષ્ણ નું નામ સ્વરૂપ –એ જ આ ભાગવતશાસ્ત્ર છે,જે પરમાત્મા સાથે સંબંધ જોડી આપે છે.
પરમાત્મા ના નામ સાથે પ્રીતિ કરવાની બહુ જરૂર છે. નામ સાથે સંબંધ ના થાય ત્યાં સુધી –નામી -પરમાત્મા- સાથે સંબંધ થતો નથી. સહુથી પહેલાં શબ્દ-સંબંધ . નામ સ્વરૂપથી મન શુદ્ધ થયા પછી સ્વરૂપ-સેવા નો અધિકાર મળે છે.
મન ના મેલ ને દૂર કરવા અને મન ને શુદ્ધ કરવા આ ભાગવતકથા છે. કથા સાંભળ્યા પછી પણ પાપ કરવાનું ચાલુ રાખશો,તો યમદુતો તરફથી બે ફટકા વધારે પડશે.—તું જાણતો હતો –છતાં તે પાપ કર્યું ?
ઈશ્વર સાથે પ્રેમ કરવાનું સાધન આ ભાગવત શાસ્ત્ર છે.  મનુષ્ય પત્ની,ધન અને ભોજન માં પ્રેમ કરે છે.પણ પ્રભુમાં પ્રેમ કરતો નથી તેથી દુઃખી છે.
રામાનુજાચાર્ય ના ચરિત્ર માં એક પ્રસંગ છે.
ધનુંર્દાસ કરીને એક શેઠ હતા,તે એક વેશ્યા માં અતિ આસક્ત હતા. એક દિવસ ધનુંર્દાસ અને તે વેશ્યા –રંગનાથ ના મંદિર પાસેથી જઈ રહ્યાં હતા. ધનુંર્દાસ –વેશ્યા ના માથે છત્રી ધરીને ચાલે છે.
તે જ વખતે રામાનુજાચાર્ય મંદિરમાં થી બહાર નીકળતા હતા તેમને –આ દૃશ્ય જોયું. લોકોને પૂછ્યું –આ કોણ છે ?
લોકોએ કહ્યું-તે વેશ્યા નો પ્રેમી છે, એક ક્ષણ પણ વેશ્યાના રૂપને જોયા વગર રહી શકતો નથી.
રામાનુજાચાર્યે વિચાર્યું –આનો આવો પ્રેમ ભગવાન પર હોત તો તેનો ઉદ્ધાર થઇ જાત.
શેઠને મળવા –શેઠનો ઉદ્ધાર કરવાની ભાવના થી રસ્તે જઈ તે ધનુંર્દાસ ને મળે છે. અને કહે છે કે-
તમે આ વેશ્યા પર જે પ્રેમ કરો છો તે જોઈને મને આનંદ થાય છે, અસ્થિ-વિષ્ઠા થી ભરેલી –આ સ્ત્રીમાં જ જે પ્રેમ કરો છો,
પણ તે સ્ત્રી કરતાં મારા રંગનાથ ઘણાં સુંદર છે. આ સ્ત્રી માં જેવો પ્રેમ કરો છો તેવો પ્રેમ મારા પ્રભુજીમાં કરો તો મને વિશેષ આનંદ થશે. પ્રેમ કરવા લાયક એક પરમાત્મા જ છે.
ધનુંર્દાસ કહે છે કે-આ વેશ્યા અતિ સુંદર છે,તેણે જોયા વગર હું જીવી શકીશ નહિ.
રામાનુજાચાર્ય કહે છે કે-પરંતુ એનાથી ય વધારે સુંદર કોઈ મળી જાય તો ?
ધનુંર્દાસ કહે છે-કે- તો વિચાર કરું.
રામાનુજાચાર્ય તેણે રંગ નાથ ના મંદિરમાં લઇ ગયા. આરતીના દર્શન થતાં હતા,ધનુંર્દાસ ને રંગનાથ ના દર્શન થયા,
ધનુંર્દાસ ને સમાધિ લાગી છે. પ્રભુ નું દિવ્ય સૌન્દર્ય જોઈ-તે વેશ્યા ના સૌંદર્યને ભૂલી ગયો.
તે દિવસ પછી, ધનુંર્દાસે એ સ્ત્રી માં પ્રેમ કર્યો નથી. અને રામાનુજાચાર્ય નો ખાસ શિષ્ય બની ગયો.
પ્રભુ માં આસક્તિ થાય તો પછી સંસાર માં આસક્તિ થતી નથી.
મનુષ્ય –પ્રેમ પાત્ર-ક્ષણે-ક્ષણે બદલે છે. પરંતુ ક્યાંય તેણે સંતોષ,શાંતિ મળતા નથી.
બાલ્યાવસ્થા માં મા પર પ્રેમ કરે છે. જરા મોટો થતાં મિત્રો સાથે  પ્રેમ કરે છે. લગ્ન થાય એટલે પત્ની સાથે પ્રેમ કરે છે.
(વખત જતાં તે જ વહાલી પત્ની પર અણગમો આવે છે અને “મેં લગ્ન કર્યા એ જ મારી મોટી ભૂલ છે” એમ માને છે)
ત્યાર બાદ પુત્ર પર પ્રેમ કરે છે,પૈસા ઉપર પ્રેમ કરે છે…વગેરે ,,,,વગેરે…
પણ સંતોષ અને શાંતિ નથી.
ઈશ્વર ને પ્રેમ નું પાત્ર બનાવો કે જેથી, પ્રેમ નું પાત્ર બદલવાનો પ્રસંગ કદી નહિ આવે.
ભાગવતશાસ્ત્ર વારંવાર સાંભળશો તો –પરમાત્મા સાથે પ્રેમ થશે અને પ્રેમ વધશે.
આજકાલ લોકો ભક્તિ બહુ કરે છે. પરંતુ તે ભગવાનને –સાધન-માને છે. અને સંસારના સુખને –સાધ્ય- માને છે. (સાધન વડે સાધ્ય –અંતિમ લક્ષ્ય સુધી પહોચાય છે)
તેથી ભક્તિ ફળતી નથી. ભગવાન ને –સાધ્ય- માનો, સંસારના વિષય સુખને નહિ.
કથા માં હાસ્ય રસ ગૌણ છે,કથા કોઈને હસાવવા માટે નથી. કથા ઈશ્વરને રાજી કરવા માટે છે.
શ્રોતા ઓના હૃદય માં જે શોક જાગૃત કરે તે શુક.
કથા શુદ્ધ હૃદયે રડવા માટે છે. મારા જીવન નો આટલો સમય નકામો ગયો-વગેરે –ભાવ –હૃદયમાં જાગે તો કથા સાંભળી
સાર્થક. કથા સાંભળ્યા પછી-વૈરાગ્ય ના આવે-પાપ ના છૂટે તો –કથા સાંભળી શું કામ ની ?

ગમે તેવો પાપી હોય પણ –આ ભાગવતની કથા પ્રેમ થી સાંભળે તો તેના પાપનો વિનાશ થાય છે. પણ……શરત એક જ છે
કે-   –કથા સાંભળ્યા પછી પાપ ના કરે. કથા સાંભળ્યા પછી જે પાપ ના કરે તેના અગાઉ ના પાપ પ્રભુ માફ કરે છે.
ધુન્ધુકારી જેવા પાપીનો આ કથા થી ઉદ્ધાર થયો છે. ભાગવત ના શ્રવણ માત્ર થી જ સદગતિ મળે છે.
કથા શ્રવણ નો લાભ –આત્મદેવ-બ્રાહ્મણ નું ચરિત્ર કહીને સંભળાવ્યો છે.

દ્રષ્ટાંત વગર સિદ્ધાંત સામાન્ય માનવીના મન માં ઠસતો  નથી.
તેથી આત્મદેવ બ્રાહ્મણ નું ચરિત્ર કહ્યું છે.(અહીં –આત્મ દેવ –નામ-રૂપક છે)
કથા એકલું રૂપક નથી, કથાની –લીલા- સત્ય છે. અને તેમાં રહેલું –અધ્યાત્મ-પણ સત્ય છે.
તુંગભદ્રા નદીના કિનારે એક ગામ હતું. ત્યાં આત્મદેવ નામનો એક બ્રાહ્મણ પોતાની પત્ની ધુન્ધુલી સાથે રહેતો હતો.
આત્મદેવ પવિત્ર હતા પણ આ ધુન્ધુલી સ્વભાવથી ક્રૂર,પારકી પંચાત કરવાવાળી અને ઝગડાળુ હતી.
આત્મદેવ નિઃસંતાન હતા. ઘરમાં સંપત્તિ પુષ્કળ હતી પણ સંતતિ ના અભાવે આત્મદેવ દુઃખી છે. સંતતિ માટે આત્મદેવે ઘણા પ્રયત્ન કર્યા,પણ સફળતા મળી નહિ,એટલે તેણે આત્મહત્યા કરવાનો નિશ્ચય કર્યો, અને વન પ્રતિ પ્રયાણ કર્યું.
ફરતાં ફરતાં રસ્તામાં નદી કિનારે એક સન્યાસી મહાત્મા મળ્યા. આત્મદેવ તેમની સામે રડવા લાગ્યા.
મહાત્મા એ રડવાનું કારણ પૂછ્યું.

આત્મદેવ કહે છે કે-ખાવાનું ઘણું મળ્યું છે,પણ ઘરમાં ખાનારો કોઈ નથી.એટલે હું દુઃખી છું.
મહાત્માએ કહ્યું કે-તારે ઘેર પુત્ર નથી એમાં ભગવાનની કૃપા છે .છોકરો ના થાય તો –માનવું કે-ઠાકોરજી એ મારા હાથે જ બધું વાપરવાનું મારા નસીબ માં લખ્યું છે. એટલા માટે પુત્ર આપ્યો નથી.
પુત્ર દુઃખ રૂપ છે. જેને ત્યાં પુત્ર છે-તેણે પણ ક્યાં સુખ છે ?

ઈશ્વર જે સ્થિતિમાં રાખે તેમાં સંતોષ માની ઈશ્વર સ્મરણ કરવું જોઈએ. ભગવાન માં વિશ્વાસ રાખો.
ઈશ્વર ખોટું કરી શકે નહિ. ભગવાન માં વિશ્વાસ ન હોય તો ભક્તિ છિન્ન-ભિન્ન થાય છે.
મારા ભગવાનને ખોટું કરતાં આવડે નહિ.
હું ભક્તિ કરું છુ એટલે ભગવાને મારી ઈચ્છા પ્રમાણે કરવું જોઈએ એમ લોકો માને છે.
ભગવાન કહે છે કે-હું તારો નોકર છું કે તું મારો નોકર ?

તમારા જીવન માં ઉદ્વેગ થાય તેવો બનાવ બને તો પણ ભગવાનને ઠપકો આપશો નહિ.
સમજો કે-પ્રભુ એ જે કર્યું છે તે મારા કલ્યાણ માટે કર્યું છે.

ભાગવત નો એક સિદ્ધાંત છે-કે-ભગવાન જે સ્થિતિ માં રાખે,તેમાં સંતોષ માને તે ભક્ત( વૈષ્ણવ) છે.
ભક્તિ નો અર્થ છે કે ભગવાન ને આધીન થઇ રહેવું,
જગત માં સર્વ પ્રકારે કોઈ સુખી થઇ શકતો નથી. અને કદાચ થાય તો તે શાનભાન ભૂલે છે.
શ્રી રામદાસ સ્વામી એ તેથી –દાસબોધ –માં કહ્યું છે કે-
સંતોષ –એ જ –સુખ છે. પ્રાપ્ત સ્થિતિમાં અસંતોષ –એ ભક્તિ -માં બાધક છે. સુખ એ -સંપત્તિ માં નહિ-સંતોષ માં છે.

એક વખત એકનાથ મહારાજ પંઢરપુર માં વિઠ્ઠલનાથજી નાં દર્શન કરવા ગયા.
એકનાથજી ને લાયક પત્ની મળી હતી તેથી તેઓ ભગવાનનો ઉપકાર માને છે.દર્શન કરતાં હૃદય પીગળ્યું છે,આંખો ભીની થઇ છે. એકનાથ મહારાજ કહે છે-મને સ્ત્રીનો સંગ આપ્યો નથી,સત્સંગ આપ્યો છે. તમે મને અનુકુળ પત્ની આપી છે – તેથી  હું તમારું ભજન કરું છું.મને કોઈ વાર ક્રોધ આવે પણ એને કોઈ દિવસ ક્રોધ આવતો નથી. મને લાયક પત્ની મળી છે તેથી હું તમારી સેવા-ભક્તિ કરી શકું છું.

તેવી જ રીતે તુકારામ મહારાજની વાત : –
તુકારામ મહારાજ –પાંડુરંગ….બોલતા બોલતા દર્શન કરવા આવ્યા.
તુકારામ નાં ઘરમાં હતી તે કર્કશા હતી. મહારાજ ધંધો છોડી સતત ભક્તિ કરે તે તેને ગમતું નહોતું. ઘરમાં પત્ની ઝગડોકરે છે. ચરિત્ર માં તો એવું લખ્યું છે કે-કોઈ વખત માર પણ મારે છે.
છતાં તુકારામ આવી સ્ત્રી આપવા બદલ ભગવાન નો ઉપકાર જ માને છે. કહે છે-મને એવું નંગ મેળવી આપ્યું છે કે મને ઘરનું સ્મરણ થતું જ નથી. તમરુ સતત સ્મરણ થાય અને ઘરનું સ્મરણ ના થાય –એટલા માટેજ તમે મને આવી પત્ની આપી છે.

આવી પ્રતિકુળ પત્ની આપી છે -તેથી તો હું વિઠ્ઠલ-વિઠ્ઠલ કરું છું. અનુકૂળ પત્ની આપી હોત તો હું ક્યાં તમારું ભજન કરી શકવાનો હતો ?ઉલટાનું તેની પાછળ પડી જાત અને તમને ભૂલી જાત,તેથી હે નાથ -સારું થયું. 

એકનાથજી ને અનુકૂળ પત્ની મળી છે તેથી આનંદ. અને તુકારામ ને પ્રતિકૂળ પત્ની મળી છે તોયે તે ભગવાન નો ઉપકાર
માને છે. સંતો નો આ સ્વભાવ જ હોય છે.

નરસિંહ મહેતા ની પત્ની મરણ પામી, મહેતાજી એ માન્યું- સારું થયું. મારા દેખતા જ એનો છેલ્લો વરઘોડો નીકળી ગયો.
રાધે ગોવિંદ ભજો-મારી પાછળ રહી હોત તો મને એની ચિંતા થાત.
ત્યાર પછી પરણેલો પુત્ર મરણ પામ્યો. યુવાન પુત્ર નાં મરણ નું દુઃખ –જેને માથે પડ્યું હોય તે જ જાણી શકે.એના જેવું
દુઃખ દુનિયા માં બીજું કોઈ નથી. નરસિંહ મહેતા નાં કુટુંબ નો નાશ થયો, છતાં મહેતાજી ની શાંતિ માં ભંગ થયો નથી,
આનંદ માને છે. અને ગાય છે કે-
ભલું થયું ભાંગી જંજાળ –સુખે ભજીશું શ્રી ગોપાલ.

વૈષ્ણવ તે છે કે-જે પ્રત્યેક પરિસ્થિતિ –સારી-કે-ખરાબ-માં પરમાત્મા ની કૃપાનો અનુભવ કરે.અને મન ને શાંત રાખે.

માત-પિતા ને પુત્ર માટે બહુ ચિંતા ઓ હોય છે. પુત્રેષણા પાછળ અનેક વાસના ઓ આવે છે.
પુત્રેષણા પછી વિત્તેષણા અને પછી લોકેષણા જાગે છે.

આત્મ દેવે કહ્યું-કે-મહારાજ આપે બહુ સુંદર બોધ આપ્યો ,પણ મારું મન માનતું નથી, મને પુત્ર આપો, પુત્ર પિતાને
સદગતિ આપે છે. મહારાજ જેના ઘરમાં દીકરો નથી તેણે સદગતિ મળતી નથી.

મહાત્મા આત્મદેવ ને સમજાવે છે-કે- શ્રુતિ (નારાયણ ઉપનિષદ) તો એક ઠેકાણે કહે છે કે-
“પુત્રથી મુક્તિ મળતી નથી,કર્મ થી મુક્તિ મળતી નથી,ધનથી મુક્તિ મળતી નથી .પણ એકલા ત્યાગ થી અમૃત તત્વ ની પ્રાપ્તિ થાય છે”
પુત્ર જ જો સદગતિ આપી શકતા હોય તો,લગભગ બધાને ઘેર પુત્ર છે .અને તેથી બધાને સદગતિ મળી જાય.
પિતા એવી આશા નાં રાખે કે મારો પુત્ર શ્રાધ્ધ કરશે ને હું તરી જઈશ. તેવી આશા રાખવા જેવો આ સમય નથી.
શ્રાદ્ધ કરવાથી જીવ સારી યોનિ માં જાય છે.પણ એમ ના સમજવું કે જન્મ મરણ નાં ત્રાસ માંથી તે છૂટે છે.

મુક્તિ શું એટલી સુલભ છે કે લોટનો પિંડ મુકવાથી મુક્તિ મળી જાય ? પિંડદાન મુક્તિ ન અપાવી શકે.
શ્રાધ્ધ કરવું એ ધર્મ છે.શ્રાધ્ધ કરવાની નાં નથી .શ્રાધ્ધ કરવાથી પિતૃઓ પ્રસન્ન થઇ આશીર્વાદ આપે છે. 
પિંડદાન નો અર્થ કોઈ સમજ્યા નથી.

આ શરીર ને પિંડ કહે છે,અને તે શરીરને પરમાત્માને અર્પણ કરવું તેણે પિંડદાન કહે છે.
શરીર-પિંડ નો ઉપયોગ જે સત્કર્મ માં કરે છે તેણે સદગતિ મળે છે. પણ શરીર-પિંડ નો ઉપયોગ જે માત્ર પેટ ભરવામાં
કરે તેની દુર્ગતિ થાય છે. આ શરીર ભોગ માટે નથી, ભક્તિ કરવા માટે છે.
નિશ્ચય કરો કે-મારું જીવન મેં ઈશ્વર ને અર્પણ કર્યું છે.
આ પ્રમાણે જે પિંડદાન કરે તે સાચું. બાકી લોટના પિંડદાન થી મુક્તિ મળતી હોય તો –ઋષિ મુનિઓ ,ધ્યાન,તપ,જપ,યોગ
વગેરે સાધનો કરે જ શા માટે ?
જીવન મરણ નાં ત્રાસ માં થી છોડાવે છે-સત્કર્મ. બીજાનું સત્કર્મ નહિ-પણ પોતાનું સત્કર્મ.

પોતે જ પોતાના આત્મા નો ઉદ્ધાર કરવાનો છે.જીવ પોતે જ પોતાનો ઉદ્ધાર કરી શકે છે.
ગીતા માં સ્પષ્ટ લખ્યું છે-કે-
ઉધ્ધરેદાત્મનાત્માનમ નાત્માનમવસાદયેત…..ગીતા-૬-૫
(પોતાના દ્વારા,પોતે જ આત્માનો (સંસાર સમુદ્ર થી) ઉદ્ધાર કરે.અને પોતાના આત્માને અધોગતિ તરફ ના લઇ જાય) મહાત્મા -આત્મદેવ ને કહે છે-
“જીવ નો ઉદ્ધાર જીવ પોતે ના કરે તેનો ઉદ્ધાર બીજું કોણ કરવાનું હતું ? ત્તારી લાગણી તને નહિ તો બીજા ને તારા માટે
શું લાગણી હોય ? મનુષ્યનો પોતા સિવાય બીજો કોણ મોટો હિતકારી હોઈ શકે ?
જો પોતાનું શ્રેય જાતે ના કરી લે તો –પુત્રો વગેરે શું કરવાના હતા ?
ઈશ્વરને માટે જે જીવે તેણે અવશ્ય મુક્તિ મળે છે.

શ્રુતિ તો કહે છે કે-ઈશ્વરનો અપરોક્ષ અનુભવ ના થાય ત્યાં સુધી મુક્તિ મળતી નથી.
મરતાં પહેલાં જ જે ભગવાન ને ઓળખે છે, તેણે મુક્તિ મળે છે.
ભગવાન ને જાણ્યા સિવાય બીજો કોઈ માર્ગ નથી. બાકી કેવળ શ્રાધ્ધ કરવાથી કંઈ મુક્તિ મળતી નથી.

તમારા પિંડ નું દાન-શરીર નું દાન –તમારે હાથે જ કરો. એ જ ઉત્તમ છે.
પછી તો શ્રાધ્ધ થાય તો પણ ઠીક છે-અને ના થાય તો પણ ઠીક છે.

જે પિંડ માં છે તે  જ બ્રહ્માંડ માં છે.  માટે બધું છોડી પરમાત્મા નું ધ્યાન કર.”

આત્મદેવને આ ઠીક લાગ્યું નહિ. આત્મદેવે કહ્યું-બાળકને રમાડવામાં કેવું સુખ મળે છે –તે તમે શું જાણો મહારાજ ?
પુત્ર હોવાના સુખની તમને સન્યાસીઓને શું ખબર પડે ? માટે તમે આમ કહો છો.

છોકરો ખોળામાં એકી-બેકી કરે તો પણ મા-બાપ રાજી થાય છે.તેમને ધૃણા પણ આવતી નથી.
એમાં રાજી થવા જેવું શું છે?
પરંતુ દુઃખ મા સુખ માનવું –એ સંસારી નો ધર્મ છે. અસુખ મા સુખ માનવું તે સંસારીઓનો નિયમ છે.

જગત માં કોનો વંશ રહ્યો છે કે તારો રહેવાનો છે ? સૂર્યવંશ અને ચંદ્રવંશ નો પણ નાશ થયો છે.
વંશ વૃદ્ધિ માટે થોડો પ્રયત્ન કરો પણ તેના માટે પાગલ ના બનો.
“તારા ભાગ્ય માં પુત્ર નું સુખ લખ્યું જ નથી.”
મહાત્મા એ સુંદર બોધ આપ્યોઃ.તેમ છતાં આત્મદેવે દુરાગ્રહ કર્યો.
“મારા ભાગ્ય માં ના હોય તો તમારા ભાગ્ય માં થી કાઢીને આપો. મને પુત્ર આપો,નહીતર હું પ્રાણ ત્યાગ કરીશ.”
મહાત્માને દયા આવી.એક ફળ આપ્યું અને કહ્યું-આ ફળ તારી સ્ત્રીને ખાવા આપજે. તારે ત્યાં લાયક પુત્ર થશે.
આત્મદેવ ફળ લઈને ઘેર આવ્યો. ફળ પોતે પોતાની પત્ની ને ખવડાવ્યું નહિ પણ તેના હાથ માં આપ્યું.
ધુન્ધુલી જાતે ફળ ખાતી નથી.તે અનેક પ્રકારના કુતર્કો કરે છે.તે વિચાર કરે છે કે-ફળ ખાઇશ તો સગર્ભા થઈશ,પરિણામે
દુઃખી થઈશ. બાળક ના લાલન પાલન માં પણ કેટલું દુઃખ છે ?
તેની નાની બહેન તેને મળવા આવી હતી,તેની આગળ આ વાત કરી. નાની બહેને સલાહ આપી-મને બાળક થવાનું છે તે
હું તને આપી જઈશ.તું સગર્ભા હોવાનું નાટક કર.
ધુન્ધુલીને ફળ તો જોઈએ છે પણ કંઈ દુઃખ જોઈતું નથી.
આ મનુષ્ય નો સ્વભાવ છે. સુખ તો જોઈએ છે પણ વિના પ્રયત્ને, વિના દુખે.
મનુષ્ય ને પુણ્ય કરવું નથી અને પુણ્યનું ફળ જોઈએ છે.પાપ કરવું છે અને પાપનું ફળ જોઈતું નથી.
નાની બહેન ના કહેવાથી તેણે તે ફળ ગાય ને ખવડાવ્યું.
ધુન્ધુલીએ નાટક કર્યું ,મને ગર્ભ રહ્યો છે. તે પછી બહેન નો છોકરો લઇ આવી જાહેર કર્યું કે મને પુત્ર થયો છે.
આત્મદેવે બાળક ને જોયો,તેણે શંકા ગઈ કે આ ગઈકાલનો જન્મેલો લાગતો નથી.
ધુન્ધુલીએ સમજાવ્યું,આતો સંત ની પ્રસાદી છે.એટલે તે જન્મથી જ તગડો છે. પુત્ર નું નામ ધુંધુકારી રાખ્યું.
આ બાજુ ગાય ને મનુષ્ય આકારનું ગાય જેવા કાન વાળું બાળક થયું. તેનું નામ ગોકર્ણ રાખવામાં આવ્યું.
બાળકો મોટા થયાં.ગોકર્ણ પંડિત અને જ્ઞાની થયાં છે, ધુન્ધુકારી દુરાચારી થયો છે.


--------------------------------------------------------------------------------------------------------------


 ભાગવત માહાત્મ્ય (Page 18)
ભાગવત ની કથા ત્રણ પ્રકારે કરવામાં આવે છે.-આધ્યાત્મિક-આધિદૈવિક-અને આધિભૌતિક-રીતે.
જરા વિચાર કરો તો સમજાશે-કે- માનવ કાયા - એ જ તુંગભદ્રા છે. ભદ્રા એટલે કલ્યાણ કરનારી અને તુંગ એટલે વધારે. માનવ કાયા દ્વારા જ મનુષ્ય આત્મદેવ  થઇ શકે છે.આત્મા નો દેવ બને તે આત્મદેવ.
આત્મદેવ-એ જીવાત્મા છે. આપણે બધાં આત્મદેવ જેવા છીએ. નર જ નારાયણ બને છે. મનુષ્ય શરીર માં રહેલો –જીવ-દેવ બની શકે છે, અને ધારે તો બીજાને પણ દેવ બનાવી શકે છે. મનુષ્ય દિવ્ય જીવન ગાળે તો –દેવ- બની શકે છે. આત્મદેવ-આત્મા-જો પ્રભુ સાથે સંબંધ જોડે તો –જીવ- દેવ- બને છે.
ધુંવા-પુવા કરનારી, કુતર્કો કરનારી ધુન્ધુલી –એ-બુદ્ધિ છે. જીવ માત્ર ધુન્ધુલી(બુદ્ધિ) જોડે પરણે છે. દરેકના ઘરમાં આ ધુન્ધુલી (બુદ્ધિ) છે. ધુન્ધુલી કથા માં પણ તોફાન કરે છે. દ્વિધા બુદ્ધિ-દ્વિધા વૃત્તિ એ જ ધુન્ધુલી.
દ્વિધા બુદ્ધિ હોય ત્યાં સુધી આત્મ શક્તિ જાગૃત થતી નથી. બુદ્ધિ પારકી પંચાત કરે છે. પણ –હું કોણ છું ?મારો ધણી કોણ છે ?-એનો વિચાર બુદ્ધિ કરતી નથી. તે આત્મ-સ્વરૂપ નો વિચાર કરતી નથી. બુદ્ધિ નો પતિ આત્મા છે.
 બુદ્ધિ સાથે આત્મા નું લગ્ન થયું પણ –જ્યાં સુધી તેણે કોઈ -મહાત્મા -ના મળે,સત્સંગ ના મળે  –ત્યાં સુધી-વિવેક –આવતો નથી. વિવેક રૂપી પુત્રનો જન્મ થતો નથી. વિવેક -એ જ આત્મા નો પુત્ર છે. સંપત્તિ થી વિવેક આવતો નથી, સત્સંગ થી વિવેક આવે છે.
આત્મા અને બુદ્ધિ ના સંબંધ થી જો વિવેક રૂપી પુત્ર નો જન્મ થતો નથી , તો જીવ સંસાર રૂપી નદીમાં ડૂબી મરે છે. વિવેકરૂપી દીકરો ન હોય તો જીવ સંસારમાં આત્મહત્યા કરે છે.-એટલેકે તે –આત્મા નું કલ્યાણ કરી શકતો નથી. તેથી તો આત્મદેવ ગંગાકિનારે ડૂબી મારવા જાય છે.
દેવ બનવાની અને બીજાને દેવ બનાવવાની શક્તિ આત્મા માં છે. પણ આત્મ-શક્તિ જાગૃત કરવાની છે. હનુમાનજી સમર્થ હતા,પરંતુ જામ્બવાને જયારે તેમને સ્વરૂપ નું ભાન કરાવ્યું ત્યારેજ તેમને સ્વરૂપ નું ભાન થયેલું.
આત્મ-શક્તિ સત્સંગ થી જાગૃત થાય છે. સત્સંગ વગર જીવન માં દિવ્યતા આવતી નથી.  સંત મહાત્મા એ આપેલું –વિવેક રૂપી ફળ આ બુદ્ધિ ને (ધુન્ધુલીને) ગમતું નથી.
બુદ્ધિ  ની નાની બહેન છે- મન. બુદ્ધિ મન ની સલાહ લે તો દુઃખી થાય છે. મન અનેકવાર આત્મા ને છેતરે છે. મન સ્વાર્થી છે. મન કહે તે- ના- કરવું. સલાહ એક ઈશ્વર ની જ લેવી.
આત્મદેવ –મન-બુદ્ધિ નું કપટ સમજી શક્યો નહિ. ફળ ગાયને ખવડાવ્યું. ગો –એટલે-ગાય-ઇન્દ્રિય-ભક્તિ –વગેરે –અર્થ થાય છે. ફળ ગાયને –એટલે –ઇન્દ્રિય ને ખવડાવ્યું.
 આખો દિવસ દ્રવ્ય સુખ અને કામસુખ નું ચિંતન કરે, પર-સ્ત્રી અને પર ધન નો વિચાર કરે,અને જેના જીવન માં ધર્મ - પ્રધાન નથી ,પાંચ વિષયો- પાપ -થી ભોગવે છે –એ ધુન્ધુકારી.
  સૂતજી સાવધાન કરે છે- અને કહે છે-કે- મોટો થતાં ધન્ધુકારી પાંચ વેશ્યાઓમાં ફસાયો છે. ચાર વેશ્યાઓ બતાવતા નથી,છ બતાવતા નથી –પણ પાંચ વેશ્યાઓમાં ફસાયો છે—તેમ લખ્યું છે.
પાંચ વિષયો, શબ્દ-સ્પર્શ-રૂપ-રસ અને ગંધ-એ –પાંચ વેશ્યાઓ છે. આ પાંચ વિષયો પાપથી ભોગવે તે બધા ધન્ધુકારી છે.
  જે વિષયોનો દાસ બને છે,ત્યારે તે જ વિષયો તેણે અંતકાળે મારે છે
ધન્ધુકારી મડદા ના હાથનું જમતો. ચોખ્ખું લખ્યું છે –શવ હસ્તેન ભોજનઃ.—મડદાના ના હાથ કયા ?
જે હાથ પરોપકારમાં ઘસાય નહિ તે મડદાના હાથ છે. જે હાથ થી કૃષ્ણ સેવા થતી નથી તે મડદા ના હાથ છે.
ધન્ધુકારી –સ્નાન-શૌચ-ક્રિયાહીન હતો. કામી હતો એટલે સ્નાન તો કરતો હશે, પરંતુ સ્નાન કર્યા પછી –સંધ્યા-સેવા ન કરે તો સ્નાન વ્યર્થ છે. એટલે કહ્યું છે કે તે સ્નાન કરતો નહિ. સ્નાન કર્યા પછી સત્કર્મ ના થાય તો તે પશુસ્નાન છે.
સ્નાન ફક્ત શરીરને સ્વચ્છ રાખવા માટે નથી. સત્કર્મ કરવા માટે સ્નાન છે.
આ શરીર શુદ્ધ થતું જ નથી.શરીર નું મૂળ જ અશુદ્ધ છે. આ શરીર મળ-મૂત્ર ના આધારે ટકેલું છે. મોઢામાંથી-નાકમાંથી દુર્ગંધ જ નીકળે છે.
સ્નાન કર્યા પછી –સેવા નહિ-સંધ્યા નહિ- ગાયત્રી નહિ-તો તે સ્નાન પણ પાપ છે.
શાસ્ત્ર માં સ્નાન ના ત્રણ પ્રકાર બતાવ્યા છે. તેમાં ઋષિ સ્નાન ઉત્તમ છે.
મળસ્કે(વહેલી સવારે) ૪ થી ૫ માં જે સ્નાન તે ઋષિ સ્નાન. આકાશ માં નક્ષત્રો દેખતા હોય ત્યારે સ્નાન કરે તે ઋષિ છે.
તે પછી ૫ થી ૬ માં સ્નાન કરે તે મનુષ્ય સ્નાન .સૂર્યોદય પછી જે સ્નાન તે રાક્ષસ સ્નાન.
 સૂર્ય નારાયણ બહાર આવ્યા છે,ને પછી ભાઈ ઉઠ્યા છે. હાથમાં દાતણ અને છાપું છે.કહે-અમે સુધર્યા છીએ.
આ સુધર્યા કે બગડ્યા તે તો ભગવાન જાણે, પણ સૂર્ય નારાયણ બહાર આવ્યા પછી તમે પથારીમાં સુઈ રહો તે યોગ્ય છે? સૂર્ય એ બુદ્ધિ ના માલિક છે.તેની સંધ્યા કરવાથી બુદ્ધિ સતેજ થાય છે. સ્નાન અને સંધ્યા નિયમિત કરો.
સમ્યક ધ્યાન એ જ સંધ્યા.
કોઈ પણ સત્કર્મ વિનાનું ભોજન એ ભોજન નથી. એ ભોજન કરતો નથી પણ પાપ ખાય છે.
ગીતાજી માં કહ્યું છે કે- 
જે પાપી લોકો પોતાના શરીર પોષણ માટે જ અન્ન પકાવે છે,તેઓ પાપ ને ખાઈ રહ્યાં છે.(ગીતા-૩-૧૩)
તેથી હંમેશા સત્કર્મ કરવું.આયુષ્ય નો સદુપયોગ કરો. તન-મન ને સજા કરશો તો પાપ ઘટશે, અને સત્કર્મ થશે.
તમારા મન ને તમે સજા નહિ કરો તો બીજું કોણ સજા કરશે ?
પુત્ર ના દુરાચરણ જોઈ આત્મદેવને ગ્લાનિ(દુઃખ) થઇ. આના કરતાં તો વાંઝિયો હતો તે સારું હતું.
ધન્ધુકારી એ સર્વ સંપત્તિ વાપરી નાખી. પૈસા માટે હવે તો તે માત-પિતાને માર મારવા લાગ્યો.
પિતાનું દુઃખ જોઈ ગોકર્ણ પિતા પાસે આવ્યા છે. ગોકર્ણ પિતાને વૈરાગ્ય નો ઉપદેશ આપે છે.
આ સંસાર અસાર છે, અત્યંત દુઃખરૂપ અમે મોહ માં નાખવા વાળો છે. પુત્ર કોનો ? ધન કોનું ? તે ખરેખર આપણાં નથી.
જે આમાં આસક્તિ રાખે છે –તે રાત દિવસ સળગે છે.
સંસાર ને વંધ્યા સુત ની ઉપમા આપવામાં આવી છે. સંસાર માયાનો પુત્ર છે.
માયા મિથ્યા –તો આ સંસાર સાચો ક્યાંથી હોય ? (જે સ્ત્રી સંતાન ની માતા ન થઇ શકતિ હોય તેણે વંધ્યા કહે છે.હવે જો -કોઈ કહે કે -તેને કોઈ છોકરો -સૂત-છે-તો તે સાચું નથી- મિથ્યા છે- અહીં માયા ને વંધ્યા કહી છે અને સંસાર ને પુત્ર-સૂત કહ્યો છે)
ગોકર્ણ આત્મદેવ ને કહે છે-કે-હવે તમે ઘર છોડી વન માં જાવ. ઘરનો મોહ તમે છોડી દેજો. એક દિવસ તે ઘર છોડવું તો પડશે જ. સમજી ને છોડો તો સારું છે. નહીતર કાળ –ધક્કો મારીને છોડાવશે.
પિતાજી, આ જીવાત્મા નું ઘર તો પરમાત્મા ના ચરણ માં છે.
અંત કાળે મનુષ્ય ને ગભરામણ થાય છે. હવે હું ક્યાં જઈશ ?
આજ થી જ કોઈ સારું મકાન નક્કી કરી રાખો તો ગભરામણ થશે નહિ. મારે હવે પ્રભુના ધામ માં જવું છે.
આ જન્મ માં તો વૃધ્દ્ધાવસ્થામાં ડાહ્યો થયો. પણ હવે કોઈ પવિત્ર વૈષ્ણવ ને ઘેર જન્મ થાય કે જ્યાં સતત ભગવતસેવા અને કૃષ્ણકિર્તન થતાં હોય-કે જેથી હું બાલ્યાવસ્થા થી જ પરમાત્મા નું ધ્યાન કરું-સેવા કરું.
હવે પછીના ભાગવત માહાત્મ્ય ના બે શ્લોકો માં વ્યાસજીએ ભાગવત નો સાર ભરી દીધો છે.
બીજો શ્લોક તો ચૈતન્ય મહાપ્રભુજી ને બહુ પ્રિય હતો.--
આ દેહ,હાડકાં-માંસ અને રુધિર નો પિંડ છે. એને મારો માનવાનું છોડી દો. સ્ત્રી,પુત્રાદિ માંથી મમતા ઉઠાવી લો, આ સંસાર ક્ષણ ભંગુર છે.  એમાંની કોઈ વસ્તુ ને સ્થાયી સમજી તેમાં રાગ ન કરો. બસ એક વૈરાગ્યના રસિક બની – ભગવાન ની ભક્તિ માં લાગી જાઓ. (ભાગવત માહાત્મ્ય-અ.૪-શ્લોક-૭૯)
ભગવદ ભજન એ જ મોટામાં મોટો ધર્મ છે. નિરંતર તેનો આશ્રય કરીને રહો. બીજા સર્વ પ્રકારના લૌકિક ધર્મો નો ત્યાગ કરો. સદા સાધુ પુરુષ ની સેવા કરો. કામ-તૃષ્ણા ને ત્યજી દો. બીજા ઓ ના ગુણદોષ નો વિચાર કરવાનું છોડી દો. એક માત્ર ભગવાન ની સેવા અને તેની કથાઓના રસ નું પાન કરો. (ભાગવત માહાત્મ્ય-અ.૪-શ્લોક-૮૦)
ગોકર્ણ આત્મદેવ ને કહે છે- પિતાજી બહોત ગઈ થોડી રહી. ગંગા કિનારે જઈ ઠાકોરજી ની સેવા કરો. મન ને વિક્ષેપ થાય ત્યારે તેને કૃષ્ણ કથા માં લઇ જાવ. ભાવના કરશો તો હૃદય પીગળશે. પરદોષ દર્શન –સેવામાં,સત્કર્મ માં વિઘ્ન રૂપ છે-- માટે તેનો ત્યાગ કરો. ભગવાનમય જીવન ગાળવા માટે –ધ્યાન,જપ અને પાઠ અતિ આવશ્યક છે.
ઉત્તમ પાઠના છ અંગ છે. અક્ષરનો સ્પષ્ટ ઉચ્ચાર,પદચ્છેદ નું જ્ઞાન,ધીરજ,લયનું સામર્થ્ય અને મધુર કંઠ,
પાઠ શાંત ચિત્તે કરવો,ઉતાવળથી સમજ્યા વગર ના કરવો.
પિતાજી પ્રાતઃ કાળમાં તમે પરમાત્માની સેવા કરો,ધ્યાન કરો. ધ્યાન કરતાં કંટાળો આવે,મન છટકી જાય તો કિર્તન કરો.રોજ રાતે ભાગવતના દશમ સ્કંધ(કૃષ્ણ લીલા) નો પાઠ કરો. કૃષ્ણ લીલા નું ચિંતન કરો.
આત્મદેવ ગંગા કિનારે આવ્યા છે. માનસી સેવા કરવા લાગ્યા. એકાંત મન ને એકાગ્ર કરે છે. ચંચળ મન ને વિવેકરૂપી બોધ થી સાચવવું.અને ધ્યાનમગ્ન રાખવું, સંકલ્પ-વિકલ્પ થી દૂર રાખવું, માનસિક સેવા માં મન ની ધારા અતુટ રહેવી જોઈએ. એવી સેવા માં દિવ્યતા રહેલી છે. ઉચ્ચ સ્વર થી જપ કરવાથી(પણ) મન ની એકાગ્રતા થાય છે.નિરોધ થાય છે.
આત્મદેવ સતત ભગવદધ્યાન માં તન્મય બન્યા છે.
નિવૃત્તિ માં સતત સત્કર્મ થવું જોઈએ,નહીતર નિવૃત્તિ માં પાપ બહાર આવે છે. ભાગવત ના દશમ સ્કંધ નો નિત્ય પાઠ કરવાથી આત્મદેવ ખરેખરો દેવ બન્યો છે.
આત્મા પરમાત્માને મળે ત્યારે દેવ બને છે. આજે જીવ અને શિવ એક બન્યા છે. જીવ અને ઈશ્વર નું મિલન થયું છે. જે ઈશ્વર નો થાય છે,તેને પરમાત્મા અનેક વાર પોતાના કરતાં પણ મોટો બનાવે છે.
પરમાત્મા ના બે સ્વરૂપો છે.-એક અર્ચા-સ્વરૂપ અને બીજું નામ-સ્વરૂપ..
સામગ્રી થી જેની સેવા થાય તે અર્ચા સ્વ-રૂપ. શ્રીમદ ભાગવત એ ભગવાન નું નામ-સ્વરૂપ છે.
પરમાત્મા ના બે બીજા પણ સ્વરૂપો કહે છે.-નિર્ગુણ(નિરાકાર) અને સગુણ(સાકાર).
પરમાત્મા નું નિર્ગુણ સ્વરૂપ સર્વ માં છે. દુધમાં માખણ છે-પણ દુધમાં હાથ નાખવાથી માખણ-હાથમાં આવતું નથી. પણ દુધના પ્રત્યેક અણું-પરમાણુ માં માખણ છે- તેમ પરમાત્મા નું નિરાકાર સ્વરૂપ પ્રત્યેક પદાર્થ માં છે. પ્રભુનું નિરાકાર સ્વરૂપ આંખને દેખાતું નથી,એટલે તેની સાથે પ્રેમ કરવો અઘરો છે.
પરમાત્મા નું નિરાકાર સ્વરૂપ બુદ્ધિગ્રાહ્ય(માત્ર બુદ્ધિ થી જ સમજાય તેવું)  છે, એટલે બુદ્ધિ જયારે સંપૂર્ણ નિષ્કામ બને – ત્યારે જ તેનો અનુભવ થાય છે.
પરમાત્મા નું બીજુ સ્વરૂપ સાકાર સ્વરૂપ છે. તે તેજોમય હોવાથી –તે તેજ સહન કરવાની મનુષ્ય માં શક્તિ નથી.
આપણા માટે પ્રભુના નિર્ગુણ અને સાકાર સ્વરૂપ દુર્લભ છે. પણ પરમાત્મા એ આપણા માટે એક સ્વરૂપ સુલભ રાખ્યું છે, અને તે છે-નામ સ્વરૂપ. ભગવાન ના નામ સાથે પ્રીતિ કરે,તેને  એક વખત જરૂર પરમાત્મા નો સાક્ષાત્કાર થાય છે.
પ્રભુના નામ માં પ્રીતિ થતી નથી,ત્યાં સુધી ભગવાન માં આસક્તિ થતી નથી. નામ સેવા વિના સ્વરૂપ સેવા ફળતી નથી.
નામ માં જ્યાં સુધી નિષ્ઠા ના થાય ત્યાં સુધી સ્વરૂપ-સેવામાં પ્રીતિ થતી નથી. નામ સેવાથી મન શુદ્ધ થાય છે. પછી જ સ્વરૂપ સેવા નો અધિકાર પ્રાપ્ત થાય છે.
સ્વરૂપ સેવા બરોબર થતી નથી –તેનું કારણ એ છે કે-મન શુદ્ધ નથી. મન ની શુદ્ધિ વગર સ્વરૂપ-સેવા માં આનંદ મળતો નથી. સેવા કરવા વાળા સંસાર સાથે સ્નેહ કરે તો સ્વરૂપ સેવા કરવાનો આનંદ ક્યાંથી આવે ? સેવા કરવી હશે તો સંસાર નો સ્નેહ છોડવો પડશે. સંસાર ના વિષયો સાથે સ્નેહ કદાચ કરો,પણ વિવેકપૂર્વક સ્નેહ કરો.
અગ્નિ બાળે છે, પણ તેનો વિવેક પૂર્વક ઉપયોગ કરવામાં આવે તો,તે ઉપયોગી થઇ શકે છે.
અગ્નિ ના હોય તો મનુષ્ય નું પોષણ થઇ શકે નહિ.
સંસારમાં જ્યાં સુધી દેહનું ભાન છે,ત્યાં સુધી મનુષ્ય સંસાર છોડી શકતો નથી.
જે મન માયાને સ્પર્શ કરે ત મન મનમોહન ની સેવામાં જઈ શકતું નથી. મન વારંવાર માયાના વિચાર કરે છે, ત્યારે તે મલિન(ગંદુ) બને છે. શ્રીકૃષ્ણ  ના સ્મરણ વિના મન સંસાર માં રત રહે તો માનજો, મારું મન શુદ્ધ નથી.
નામ સ્વરૂપ નો આશ્રય કર્યા વિના મન શુદ્ધ થતું નથી.
જ્યાં સુધી સ્વરૂપ સેવામાં મન એકાગ્ર ના થાય ત્યાં સુધી નામ સેવા કરો. તનથી નહિ મનથી ઠાકોરજી ના ચરણ માં રહેજો.
જે પરમાત્મા ના ચરણ માં બેઠો છે,તેને આનંદ મળવો જોઈએ.
અત્તર વાળા ની દુકાને બેસો તો અત્તર ની સુગંધ આવે છે. આનંદરૂપ પ્રભુના ચરણ માં રહેવાથી આનંદ મળે છે.
સ્વરૂપ સેવા કરતાં-હૃદય પીગળે,આંખો ભીની થાય,આનંદ આવે અને સાત્વિક ભાવ જાગે તો-સેવા સફળ થઇ છે –તેમ સમજજો. સેવા એ હૃદય નો ભાવ છે. જીવ શુદ્ધ થઇ પરમાત્માની સેવા કરે ત્યારે ઠાકોરજી પ્રેમ થી પ્રસન્ન થાય છે.
મન ને શુદ્ધ કરવા-નામ સેવા ની જરૂર છે. મન શુદ્ધ કરે તે ભાગવત. કળિયુગ માં નામ સેવા પ્રધાન છે.
ભાગવત એ ભગવાન નું નામ સ્વરૂપ છે.નામ એ જ બ્રહ્મ છે.નામ એ જ પરમાત્મા છે.
વધુ શું કહું ? નામ એ પરમાત્મા કરતાં પણ શ્રેષ્ઠ છે.
ઈશ્વર દેખાતા નથી. નામ સ્વરૂપ સ્પષ્ટ દેખાય છે.
જે વ્યક્તિ ના પ્રત્યક્ષ દર્શન ના થયાં હોય,તેના નામ ને પકડી રાખો, તો જરૂર તેના દર્શન થશે.
ઈશ્વર નું અર્ચા સ્વરૂપ સર્વ માટે અનુકૂળ અને સુલભ નથી. પણ નામ સ્વરૂપ અતિ સુલભ છે.
નામ સેવા સર્વ કાળ (સમય)માં થઇ શકે છે. રાત્રે બાર વાગે રામજી ની સેવા(રામ ની મૂર્તિ ની સેવા-પૂજા) ન થઇ શકે. પણ રામનું નામ લઇ શકાય. સ્વ-રૂપ સેવાને દેશ-કાળ(સ્થળ-સમય) ની મર્યાદા છે. નામ સેવાને તેવી કોઈ મર્યાદા નથી. માટે પ્રભુ ના નામ માં રહેવાની ટેવ પાડો.
સતત પ્રભુના દર્શન કરવાં તે અઘરું છે.તેથી મહાપુરુષો સતત પ્રભુના નામ માં પ્રીતિ રાખે છે. નામ માં રત રહે છે. ભગવાન ના નામ સાથે પ્રેમ કરો. જ્ઞાની પુરુષો નામ માં નિષ્ઠા રાખે છે. નામ એ જ ઈશ્વર નું સ્વરૂપ છે.
રામજી એ થોડા જીવોનો ઉદ્ધાર કર્યો હશે, પણ ત્યાર પછી તેમના નામે અનેકો નો ઉદ્ધાર કર્યો છે.
શ્રીકૃષ્ણ પૃથ્વી પર વિરાજેલા, ત્યારે તેમને જે જીવો નો ઉદ્ધાર કર્યો તેના કરતાં તેમના નામે અનેકો ને તાર્યા.
જે કાર્ય ભગવાનથી નથી થયું તે તેમના નામે કર્યું છે..
મહાભારત માં કથા આવી છે કે- શ્રીકૃષ્ણ દુર્યોધનને સમજાવવા ગયા છે. તેઓએ દુર્યોધન ને ઘણું સમજાવ્યું,કે—આ યુદ્ધ થી ઘણાં લોકો દુઃખી થશે,મોટો સંહાર થશે. પણ દુર્યોધને માન્યું નહિ. દુર્યોધન ને દ્વારકાનાથ સુધારી શક્યા નહિ.
પણ દુર્યોધન ના જેવો કોઈ મનુષ્ય ભગવાન ના નામ ના જપ કરે તો ભગવત કૃપાથી સુધરે છે.
જે કામ ભગવાન ના કરી શકે તે તે કામ ભગવાન નું નામ સ્વરૂપ કરે છે.
દુર્યોધન તો મરી ગયો પણ-દુર્યોધન નો વંશ –કળિયુગ માં બહુ વધી ગયો છે.
પારકાનું ધન હરણ કરવાની ઈચ્છા રાખે તે દુર્યોધન. પરસ્ત્રીને કામ ભાવ થી નિહાળે તે રાવણ.
નામ સેવા આવા દુર્યોધનો ને અને રાવણને સુધારી શકે છે.
નામ સાધન સરળ છે. જે ભાગવત નામ નો આશ્રય કરે તે ભગવાન જેવો બને છે. આત્મદેવ સતત દશમ સ્કંધ ની લીલા માં રત રહે છે.
સંસારને ભૂલવા કેટલાક મહાત્માઓ પ્રાણાયામ કરે છે,નાક બંધ કરે છે. પણ કૃષ્ણલીલા માં એવી શક્તિ છે કે-
નાક બંધ કરવાનું નહિ-આંખ બંધ કરવાની નહિ-અનાયાસે મન ને સમાધિ લાગે છે.
મન શુદ્ધ થાય છે ત્યારે પ્રભુમિલન ની ભાવના થાય છે. સત્કર્મ કરતાં મન નો મેલ ધોવાય છે.
પરમાત્મા ના દર્શન ની આત્મદેવને ભાવના જાગી છે. એક દિવસ દશમ સ્કંધ નો પાઠ પરિપૂર્ણ થયો અને તેઓ નારાયણ માં લીન થયાં છે. આત્મદેવ આજે સાચા દેવ થયાં છે. દશમ સ્કંધ ના પાઠ થી તેમને મુક્તિ મળી છે.
પાઠ અર્થ જ્ઞાન સાથે કરો. અર્થ જ્ઞાન વગરનો પાઠ અધમ પાઠ છે.
પ્રભુ જલ્દી કૃપા કરતાં નથી.-કારણ તેમને માટે આપણે દુઃખ સહન કરતાં નથી. સ્વેચ્છા થી દુઃખ સહન કરે તેને યમરાજ દુઃખ આપી શકતા નથી.
આત્મદેવ એક આસને દસ-બાર કલાક બેસતા. એક આસને બેસો. જ્ઞાનીઓને સમાધિ માં જે આનંદ મળે છે તેવો આનંદ તમને કથા માં મળશે. લીલાની કથા ચાલતી હોય ત્યારે,તે લીલા પ્રત્યક્ષ થઇ રહી છે તેમ વિચારો તો આનંદ આવશે. વિચાર કરો, મારું મન ઈશ્વરમાં તરબોળ થયું છે.
દૃશ્ય(સંસાર)- માંથી દ્રષ્ટિ –હટી જાય-અને –દ્રષ્ટા (પ્રભુ) માં સ્થિર થાય –તો મન નો નિરોધ થાય અને આનંદ પ્રગટે.
ગોકર્ણ ને લાગ્યું કે ધન્ધુકારીનું વર્તન મને વિક્ષેપ કરશે.તેમના કુસંગ થી મારું જીવન બગડશે. એટલે તેઓએ
યાત્રા નું નિમિત્ત કરી-ઘર છોડ્યું છે.
ઘરમાં સત્સંગ હોય તો ઘર છોડવું નહિ અને ઘરમાં કુસંગ હોય તો ઘરમાં રહેવું નહિ.-આ ભાગવત નો સિદ્ધાંત છે.
કુસંગ એટલે નાસ્તિક નો સંગ-કામી નો સંગ.


---------------------------------------------------------------------------------


 ભાગવત માહાત્મ્ય (Page 19)
આ બાજુ ધન્ધુકારી પાંચે વેશ્યાઓને ઘેર લઇ આવ્યો. વેશ્યાઓને રાજી કરવા ચોરીઓ કરવા લાગ્યો.

સૂતજી સાવધાન કરે છે-કે-
એક એક ઇન્દ્રીઓ નો ધણી જીવ છે. પરંતુ ઇન્દ્રિય જીવ નો ધણી થાય –મનુષ્ય ઇન્દ્રિયો ને આધીન થાય તો તેનું જીવન બગડે છે. મન ઈશ્વર સાથે મૈત્રી કરે ત્યારે સુખી થાય છે. અને વિખુટો પડે છે ત્યારે દુઃખી થાય છે.

ધન્ધુકારી અનર્થ થી અર્થોપાર્જન કરે છે. ધર્મ ની મર્યાદા છોડી, પાપથી પૈસો કમાય તે ધન્ધુકારી બને છે.તે રાજા ને ઘરે ચોરી કરવા ગયો.દાગીના ઓ લાવી વેશ્યાઓને આપ્યા. વેશ્યાઓ વિચાર કરે છે-કે –આ જીવતો રહેશે તો જરૂર કોઈ દિવસ પકડાઈ જઈશું. ચોરીનો માલ પચશે નહિ. પકડાઈ જઈશું તો રાજા બધું ધન લઇ લેશે. આને સજા થશે અને આપણ ને પણ સજા થશે.—માટે આને મારી નાખીએ.

જે વેશ્યાઓને રાજી રાખવા માટે એ પાપ કરતો હતો,તે વેશ્યાઓ તેને મારવા તૈયાર થઇ છે.
વેશ્યાઓએ –ધન્ધુકારી ને દોરડાથી બાંધ્યો-ગળે ફાંસો આપ્યો. ધન્ધુકારી બળવાન છે પણ બંધન માં આવ્યો છે.

ધન્ધુકારી મરતો નથી.
અતિ પાપી ને જલ્દી મોત આવતું નથી. ડોસો માંદો પડે એટલે છોકરાં બાપને કહે છે કે-બાપા ભગવાન નું નામ લો.

છોકરાંઓ-શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરારે-બોલાવે-પણ ડોસાના હોઠે ભગવાન નું નામ આવતું નથી. અતિ પાપી –પાપનું દુઃખ પથારી માં જ ભોગવે છે. અતિ પાપીને પથારી માં જ નરક નું દુઃખ ભોગવવું પડે છે. અતિ પુણ્યશાળીને –મરતાં પહેલાં જ સ્વર્ગનું સુખ મળે છે.

વેશ્યાઓ બળતા અંગારા –ધન્ધુકારી  ના મોમાં નાખે છે.અને તેને મારી નાખે છે.

પાંચ વિષયો જીવ ને બાંધે છે,અને અંતકાળે જીવને એવી રીતે મારે છે-કે-જીવ તરફડે છે.
વૈષ્ણવ એ છે કે –જે વિષયોને વિવેક થી ભોગવે છે.

વેશ્યા ઓએ પછી તેના શરીર ને ખાડામાં દાટી દીધું. શરીર ને અગ્નિ સંસ્કાર પણ વેશ્યાઓએ કર્યો નહિ.

જેના ચરિત્ર ને જોતા ધૃણા આવે-તે ધન્ધુકારી છે.
ધન્ધુકારી પોતાના કુકર્મો ને કારણે-ભયંકર પ્રેત બન્યો. અતિ પાપી જ પ્રેત બને છે. પાપી યમપુરી માં પણ જતો નથી.

પાપી અને પ્રેત સરખા છે. બંને ને જોતા ધૃણા આવે છે.
ગોકર્ણે ધન્ધુકારી ના મરણ ના સમાચાર સાંભળ્યા.તેઓ ફરતાં ફરતાં ગયાજી માં આવ્યા છે. તેમણે સાંભળ્યું કે –મારા ભાઈ ની દુર્ગતિ થઇ છે. તેનો ઉદ્ધાર કરવા ગોકર્ણે ધન્ધુકારી પાછળ ગયાજી માં શ્રાધ્ધ કર્યું છે. ભગવાનના –ચરણમાં-પિંડદાન કર્યું છે. ગયા શ્રાધ્ધ શ્રેષ્ઠ છે,  ત્યાં –વિષ્ણુ પાદ (વિષ્ણુ ના ચરણ) છે.
તેની કથા એવી  છે.-કે-
ગયાસુર  કરીને એક રાક્ષસ હતો તેને તપ થી બ્રહ્મા ને પ્રસન્ન કર્યા. બ્રહ્મા એ કહ્યું કે વરદાન માંગ.
તે બ્રહ્માને કહે છે-કે-તમે શું વરદાન આપવાન હતા ? તમારે મારી પાસેથી કઈ માગવું હોય તો માંગો.

તેની તપશ્ચર્યા થી દેવો ગભરાયા હતા . આ અસુર કેમ મરશે ? એટલે બ્રહ્મા એ યજ્ઞ માટે તેનું –શરીર-માગ્યું.
યજ્ઞ કુંડ ગયાસુર ની છાતી પર કરવામાં આવ્યો. સો વર્ષ સુધી યજ્ઞ ચાલ્યો,પણ ગયાસુર મર્યો નહિ. યજ્ઞ પુરો થયો –
પછી તે ઊઠવા ગયો.બ્રહ્મા ચિંતાતુર થયાં.તેમને બીક લાગી. તેમણે નારાયણ નું ધ્યાન કર્યું. નારાયણ ભગવાન ત્યાં પ્રગટ થયા. અને ગયાસુર ની છાતી પર બે ચરણો પધરાવ્યાં. ગયાસુરે મરતી વેળા ભગવાન પાસે વરદાન માગ્યું-કે- આ ગયા માં જે કોઈ શ્રાધ્ધ કરે તેના –પિતૃઓ ની મુક્તિ થાય.
ભગવાને કહ્યું-તથાસ્તુ-તારા શરીર પર જે પિંડદાન કરશે તેના પિતૃઓને મુક્તિ મળશે.

ઠાકોરજીના ચરણ બે જગ્યાએ છે. પંઢરપુર માં ચંદ્ર ભાગા માં અને બીજા ગયાજી માં.

ગોકર્ણ પછી ઘેર આવ્યા છે.ત્યાં રાત્રે તેમને કોઈના રુદન નો અવાજ સાંભળ્યો.
મનુષ્ય પાપ કરે ત્યારે હસે છે,પાપની સજા ભોગવવાનો સમય આવે છે, ત્યારે રડે છે.
એક જ માબાપ ના પુત્રો હોવા છતાં-ગોકર્ણ દેવ થયા છે-અને ધન્ધુકારી –પ્રેત-બન્યો છે.
દેવ થવું કે પ્રેત થવું એ તમારા હાથ માં છે.

ગોકર્ણ પૂછે છે-કે-તું કોણ છે ?તું કેમ રડે છે ?તારી આ દશા કેમ થઇ ? તું ભૂત-પિશાચ-કે રાક્ષસ છે ?

પ્રેત કઈ બોલી શકતું નથી. અતિ પાપી બોલી શકતો નથી.
વાણી અને પાણી નો દુરુપયોગ ના કરો. એ મોટો અપરાધ છે.

ભગવાન ની લીલા કેવી છે !! કાન બે,આંખ બે પણ મુખ એક જ આપ્યું છે.
જોકે તેને બે કામ કરવાના હોય છે. ખાવાનું અને બોલવાનું.
એટલે -બે કાન હોવાથી ખુબ સાંભળજો-બે આંખ હોવાથી ખુબ જોજો-પણ બોલજો ઓછું-ખાજો ઓછું.


ગોકર્ણે પ્રેત પર ગંગાજલ છાંટ્યું, તેનું પાપ થોડું ઓછું થયું. તેથી ધન્ધુકારી ને વાચા ફૂટી.
પ્રેત બોલ્યું-હું તમારો ભાઈ ધન્ધુકારી છું.મેં પાપો બહુ કર્યા છે તેથી મારી આ દશા થઇ છે. મને પ્રેત યોનિ મળી છે. મને બંધન માંથી છોડાવો.

ગોકર્ણે કહ્યું-તારી પાછળ મેં ગયાજી માં પિંડદાન કર્યું છે,પણ તું મુક્ત કેમ ના થયો ?
પ્રેત બોલ્યું-ગમે તેટલાં-સેંકડો ગયા શ્રાધ્ધ કરો,પણ મને મુક્તિ મળવાની નથી. એકલું શ્રાધ્ધ ઉદ્ધાર કરી શકે નહિ.

ગોકર્ણે પૂછ્યું-તને સદગતિ કેવી રીતે મળશે ? શું કરવું ?તું વિચારીને કહે. આવતી કાલે હું સૂર્ય નારાયણ ને પૂછી જોઇશ.
(સૂર્ય નારાયણ બ્રાહ્મણોના ના ગુરુ છે). બીજા દિવસે ગોકર્ણ સૂર્ય નારાયણ ને અર્ધ્ય આપે છે.
અર્ઘ્ય આપીને સૂર્ય નારાયણ ને કહે છે-મહારાજ ઉભા રહો. સુર્યનારાયણ ઉભા રહ્યાં છે. આ ત્રિકાળ સંધ્યા નું ફળ છે.
પવિત્ર બ્રાહ્મણ સૂર્ય નારાયણ ને કહી શકે કે-મહારાજ ઉભા રહો. અને મહારાજ ઉભા પણ રહે!!!

બ્રાહ્મણ ની જનોઈ એ તો વેદો એ આપેલી ચપરાશ છે.બ્રાહ્મણો ગળામાં જનોઈ રાખે છે. જનોઈ ના એક એક ધાગામાં –
એક એક દેવ ની સ્થાપના કરવી પડે છે. પિતા –પુત્ર ને કહે છે –કે આજ થી તું સૂર્ય નારાયણ નો દીકરો છુ.
હું સૂર્ય નારાયણ નો સેવક છુ, તેમની ત્રણ વાર સંધ્યા કરીશ.(ત્રિકાળ સંધ્યા).બ્રાહ્મણ ત્રિકાળ સંધ્યા કદી ના છોડે.
ત્રિકાળ સંધ્યા કરનારો કદી મૂર્ખ રહેતો નથી. દરિદ્ર થતો નથી.

સૂર્ય નારાયણે પૂછ્યું-કેમ મારું શું કામ છે ?
ગોકર્ણે કહ્યું-મારા ભાઈ નો ઉદ્ધાર થાય તેવો કોઈ ઉપાય બતાવો.
સૂર્ય નારાયણે કહ્યું-તમારા ભાઈ ને સદગતિ મળે તેવી ઈચ્છા હોય તો-ભાગવત ની વિધિ પૂર્વક કથા કરો.
જે જીવ ની મુક્તિ શ્રાધ્ધ થી ના થાય તેને ભાગવત મુક્તિ અપાવે છે. ભાગવત શાસ્ત્ર –મુક્તિ શાસ્ત્ર છે.

ધન્ધુકારી ને પાપ માંથી છોડાવવા આષાઢ માસ માં ગોકર્ણે ભાગવત સપ્તાહ નું પારાયણ કર્યું છે. કથા માં બહુ ભીડ થઇ છે.ધન્ધુકારી ત્યાં આવ્યો. તેને બેસવાની જગ્યા મળી નહિ,એટલે સાત ગાંઠવાળા વાંસ માં તેને પ્રવેશ કર્યો.

રોજ –એક-એક એમ વાંસ ની સાત ગાંઠો તૂટી. સાતમે દિવસે પરીક્ષિત મોક્ષ ની કથા કહી. વાંસ માંથી દિવ્ય પુરુષ બહાર આવ્યો.ગોકર્ણ ને પ્રણામ કરી તે બોલ્યો-ભાઈ તે પ્રેત યોનિ માંથી મારી મુક્તિ કરી છે. ભાગવત કથા પ્રેતપીડા-વિનાશિની છે. હું અતિ અધમ હતો –છતાં મને સદગતિ મળી છે.-ધન્ય છે ભાગવત કથાને-ધન્ય છે-શુકદેવજીને-

જરા વિચાર કરો- તો-
જો જડ વાંસ ની ગાંઠ તૂટી જાય તો-ચેતન ની ગાંઠ ન છૂટે ??

લગ્ન માં પણ બે જણ ની ગાંઠ બાંધવામાં આવે છે. એ સ્નેહ ની ગાંઠ છે. છૂટવી કઠણ છે.-પણ-
પરમાત્મા ની સેવા કરવા-એકબીજા નો સાથ આપ્યો છે-તેમ માની પતિ-પત્ની વર્તે તો સુખી થાય.

વાંસ માં એટલે વાસના માં (આસક્તિમાં) ધન્ધુકારી રહ્યો હતો. વાંસ ની સાત ગાંઠો એટલે-વાસના ની સાત ગાંઠો.
વાસના જ પુનર્જન્મનું કારણ બને છે. તેથી વાસના નો નાશ કરો. વાસના પર વિજય- એ જ સુખી થવાનો ઉપાય છે.મનુષ્ય ને મોહ છૂટતો નથી.

સાત પ્રકારની વાસના (આસક્તિ) છે.
૧-સ્ત્રીમાં આસક્તિ (પતિ-પત્ની ની આસક્તિ)—૨-પુત્રમાં આસક્તિ(પિતા-પુત્ર ની આસક્તિ)—૩-ધંધા માં આસક્તિ –
૪-દ્રવ્યમાં આસક્તિ—૫-કુટુંબ ની આસક્તિ—૬-ઘરની આસક્તિ—૭-ગામની આસક્તિ.
આ આસક્તિ નો ત્યાગ કરો. આસક્તિ રૂપી ગાંઠ ને –વિવેક-થી છોડવાની છે.

શાસ્ત્ર માં –કામ-ક્રોધ-લોભ-મોહ-મદ-મત્સર અને અવિદ્યા ને સાત ગાંઠો (વાસના-આસક્તિની) બતાવી છે.

જીવભાવ(હું શરીર છું-તેવો ભાવ) એ વાસના નું (વાંસ) સ્વરૂપ છે. જીવ (આત્મા) વાસના(જીવભાવ) માં રહેલો છે.મોટે ભાગે જીવ (આત્મા)-શરીર છોડે છે-ત્યારે વાસના(જીવભાવ) સાથે મરે  છે.
જેમકે ભગવત સ્મરણ કરતાં શરીર છોડ્યું છે-તેની પાછળ શ્રાધ્ધ –ના-કરવામાં આવે તો પણ તેની દુર્ગતિ થતી નથી.

જીવ(આત્મા) માં –જીવભાવ-વાસનાથી આવ્યો છે. તે નિષ્કામ માં થી સકામ બન્યો.
એ (જીવ) જ્યાં સુધી – વાસનાની ગ્રંથીઓ ને નહિ છોડે-ત્યાં સુધી તેના માંથી જીવભાવ જતો નથી.(તેથી જ દુર્ગતિ થાય છે) 
ભાગવત ની કથા શ્રવણ કરે –તો વાંસ ની એક એક ગાંઠ તૂટે છે. પરમાત્મા ની કથા સાંભળ્યા પછી –ધીરે ધીરે આસક્તિઓની ગાંઠ તૂટે છે. પ્રભુ પ્રત્યે પ્રેમ વધી જાય એટલે-આસક્તિઓ ની ગાંઠ છૂટી જાય છે.

ગાંઠ છોડવાનું કહ્યું છે(વિવેક થી)—ગાંઠ કાપવાનું નહિ.
ભગવાન ના નામ નો જપ કરશો—તે એકલો જ સાચો છે-એમ માની ને તેનું સ્મરણ કરશો તો વાસનાની ગાંઠ છૂટશે.

એક ગૃહસ્થ નો નિયમ-કે બાર વર્ષથી ભાગવત કથા સાંભળે. એક બ્રાહ્મણ રોજ કથા કરવા આવે.
એક દિવસ શેઠને બહારગામ જવાનું થયું. કથા સાંભળવાના નિયમ નો ભંગ કેવી રીતે થાય ?
તેમણે બ્રાહ્મણ ને કહ્યું-મારા થી કાલે કથા નહિ સંભળાય-નિયમ નું શું થશે ?

બ્રાહ્મણે કહ્યું-તમારા બદલે તમારો પુત્ર કથા સાંભળશે તો ચાલશે.

ગૃહસ્થે કહ્યું-તમે –વૈરાગ્ય અને પ્રેમ- ની વાતો કરો છો. અત્યારથી તે આવી વાતો સાંભળે અને ભણવાનું છોડી દે તો ? કથા સાંભળી એને ક્યાંક સંસાર પર વૈરાગ્ય આવી જાય તો ?

બ્રાહ્મણે કહ્યું-બાર વર્ષ થી તમે કથા સાંભળો છો, તમને વૈરાગ્ય ના આવ્યો તો છોકરાને શું વૈરાગ્ય આવી જશે ?

ગૃહસ્થ કહે છે-છોકરો કાચી ઉમરનો છે,તેની બુદ્ધિ કાચી છે, કથા સાંભળી તેની બુદ્ધિ સુધરી જાય તો - મારા ધંધા નું શું થશે ? અમારી વાત જુદી છે.અમે તો પાકી બુદ્ધિ વાળા. અમે રોજ કથા સાંભળીએ પણ
મન ની ગાંઠ છોડતા નથી.

આવું ના કરો. કથા સાંભળી-મન ની-ગાંઠ છોડો. જીવન ને સુધારો.

જીવ સંસાર સુખનો –મનથી પણ-ત્યાગ ના કરે ત્યાં સુધી-ભક્તિ સિદ્ધ થતી નથી.
જે લૌકિક રસ માં ફસાયો છે-તેને ભક્તિ રસ કેવી રીતે મળે ?
ભોગ છોડવા તૈયાર નથી-અને ભક્તિ કરવી છે- એ કેમ બને ?
તો ધીરે ધીરે સ્વભાવ સુધારજો. સ્વભાવ સુધરે ત્યારે ભક્તિ સિદ્ધ થાય છે.

ધન્ધુકારી ને લેવા પાર્ષદો વિમાન લઈને આવ્યા છે.
ગોકર્ણ પાર્ષદો ને પ્રશ્ન પૂછે છે કે-એકલા ધન્ધુકારી  માટે જ કેમ વિમાન લાવ્યા ?
બીજા (જે કથા માં બેઠા હતા તે) કોઈને માટે વિમાન કેમ ના લાવ્યા ?
પાર્ષદ કહે છે-કે-ધન્ધુકારી એ જે રીતે કથા સાંભળી છે તે રીતે બીજા કોઈ એ સાંભળી નથી.
તે એક આસને બેસતો,ઉપવાસ કરતો અને કથાનું રોજ મનન કરતો.

ઉપવાસને દિવસે સુરણ-બટાકા ખાવાથી શરીર નો ઉપવાસ થાય છે. આત્મા નો નહિ.
પરમાત્મા ના ચરણ થી દૂર ના જાય તે આત્મા નો ઉપવાસ.
જ્યાં મન છે ત્યાં મનુષ્ય છે. ઉપવાસનો અર્થ છે-પરમાત્માના ચરણ માં વાસ.

મનુષ્ય જેવો કોઈ સાફ કરનારો નથી.અને શરીર જેવી કોઈ મેલી વસ્તુ નથી. સાફ કરો તો એ મેલું  ને મેલું.
શરીર થી કોઈ પ્રભુ પાસે રહી શકે નહિ. મનથી ભગવાન સમીપ રહેવાનું કહ્યું છે.

કથા ધન્ધુકારીની જેમ સાંભળવી જોઈએ. કથાનું શ્રવણ-મનન-નિદિધ્યાસન થી જ્ઞાન દ્રઢ થાય છે.

દ્રઢતા વગરનું  જ્ઞાન વ્યર્થ છે. બેદરકારીથી કરેલું શ્રવણ વ્યર્થ છે. સંદેહ યુક્ત મંત્ર વ્યર્થ છે. ને
વ્યગ્ર ચિત્તે કરેલા જપ પણ વ્યર્થ છે.

કથામાં બેઠા હોય પણ મન કથામાં ના હોય તો તે શ્રવણ શા કામનું ? તે ફળદાયી થતું નથી.
કથા સાંભળતી વખતે તન-મન અને ઘરનું ભાન ભૂલાઈ જવું જોઈએ. તન્મયતાથી કથા સાંભળવી જોઈએ.
તમે ઘરનું ચિંતન છોડશો –તો ઠાકોરજી ને તમારી ચિંતા થશે. હું ઈશ્વર સાથે તન્મય થવા માટે બેઠો છું-તેવી
ભાવના રાખો. કથા સાંભળી –મનન કરી-જીવન માં ઉતારો.-તો કથા સાંભળી સાર્થક થાય.

કથા સાંભળ્યા પછી જીવન માં એક લક્ષ્ય નક્કી કરવું જોઈએ. ભાગવત ભગવાન ની કથા સાંભળ્યા પછી તેમાંથી કંઈક લઇ જાવ. કથા નો એક શબ્દ પણ કોતરી રાખો-તો જીવન નો ઉદ્ધાર થશે.

પોતાની પાછળ છોકરાંઓ –ભાગવત સપ્તાહ –બેસાડે –તેવી ઈચ્છા રાખવી યોગ્ય નથી. પણ જીવતા જ
ભગવતમય  જીવન જીવો તે ઉત્તમ છે. મરતાં પહેલાં જ ભાગવત ની કથા સાંભળે-અને ભગવત-સ્મરણ
કરતાં કરતાં મરે તે જ ઉત્તમ છે. ઘણાં વિલમાં લખી જાય છે કે-મારી પાછળ ભાગવત-સપ્તાહ કરજો-
તે અતિ ઉત્તમ નથી.

બધાને ખાતરી થઇ છે કે ધન્ધુકારીની જેમ અમે કથા સાંભળી નહિ-તેથી અમને તેમના જેવી ગતિ મળી નહિ.

કથાનું મનન કરો તે ઉત્તમ છે-પણ કદાચ તેમ ના કરો તો પણ લાભ તો છે જ.(કદાચ કોઈ વખતે કોઈ એક શબ્દ પણ –ભૂલે ચુકે મન માં કોતરાઈ જાય)

વિષ્ણુ-યાગ પોતાના હાથે થાય તો કલ્યાણ થાય છે, વિષ્ણુ-યાગ ની વાતો કરવાથી કંઈ લાભ નથી.
બ્રહ્મ સ્વરૂપની વાતો સાંભળે અને કરે તો કંઈ લાભ નથી,પણ બ્રહ્મ સ્વરૂપ નો અનુભવ કરે તો લાભ છે.

કર્મ નું અનુષ્ઠાન થાય તો લાભ છે. ત્યારે કૃષ્ણ કથા –કેવળ –શ્રવણ થી મંગળ કરે છે.
ગોપી-ગીત માં ગોપી ઓ કહે છે કે-
કથા નું શ્રવણ કરી ભક્તિમય જીવન ગાળો તો તે ઉત્તમ છે પણ તેમ ન કરો તો-પણ શ્રવણ માત્ર થી મંગળ
થાય છે. જેટલો સમય કથા સાંભળો-તેટલો સમય સંસાર ભુલાય અને ભગવાન યાદ આવે છે.
ધન્ધુકારી માટે કથા કરી તે આષાઢ મહિના માં કરી છે. શ્રાવણ મહિના માં લોકો એ આગ્રહ કર્યો એટલે– ગોકર્ણ ફરીથી કથા કરવા બેઠા છે.

કથા સાંભળતા અમારે બીજો કોઈ વિચાર કરવો નથી, એકવાર ભૂલ થઇ –અને તેથી અમે રહી ગયા.
અતિશય સાવધાન થઈને બધાં કથા સાંભળે છે. વક્તા –શ્રોતા નું મન એક થયું છે. પ્રભુ-પ્રેમ થી હૃદય પીગળવા લાગ્યું. તે વખતે ભક્તિ મહારાણી પ્રગટ થયા છે. જ્ઞાન અને વૈરાગ્ય ને લઇ ને પધાર્યા છે.

કથાથી ભક્તિ મહારાણી પ્રગટ થાય છે. આપણા માં ભક્તિ છે-પણ છિન્ન ભિન્ન છે. તેને પુષ્ટ કરવાની છે.
ભાગવતની કથા થી ભક્તિ પુષ્ટ થાય છે. જ્ઞાન અને વૈરાગ્ય ની સાથે ભક્તિ વધે તો મુક્તિ મળે છે.
મૂર્છિત થયેલા –એટલેકે-ક્ષીણ થયેલા જ્ઞાન –વૈરાગ્ય ને પુષ્ટ કરવા-જાગૃત કરવા-યુવાન કરવા –ભાગવતની કથા છે. કથા સાંભળ્યા પછી બુધ્ધિમાં જ્ઞાન વૈરાગ્ય જાગે-તો તે કથા –કથા છે.

ગોકર્ણ ના સભા મંડપ માં ભગવાન પ્રગટ થયા છે. ભગવાને કહ્યું-હું તમારા કથા કિર્તન થી પ્રસન્ન થયો છું.
તમે કંઈ વરદાન માંગો. તે વખતે કહે છે કે- જે મનુષ્યો શ્રીકૃષ્ણ કથાનું શ્રવણ કરે,કૃષ્ણ કિર્તન કરે,સેવા કરે –તેના હૃદયમાં આપ વિરાજો.

જન્મ મરણ ના ત્રાસમાંથી કથા સાંભળનારા મુક્ત થયા છે. સર્વ ને સદગતિ મળી છે.
જે આનંદ વૈકુંઠમાં મળે છે-તે –જ આનંદ ભાગવત કથા માં મળે છે.
જો પ્રેમ પૂર્વક કરવામાં આવે-કે સાંભળવામાં આવે-અને કથામાં જો
જગતની વિસ્મૃતિ થાય તો, ધ્યાન ધારણા થી જે સિદ્ધિ મળે છે તે અનાયાસે આ કથાથી મળે છે.
ભાગવત એવો ગ્રંથ નથી-કે મર્યા પછી મુક્તિ અપાવે- તે તો મર્યા પહેલાં મુક્તિ અપાવે છે.

વેદાંત ના દિવ્ય સિદ્ધાંતો વ્યાસજી એ આ માહાત્મ્ય માં ભરી દીધા છે.

પાંચ અધ્યાય માં માહાત્મ્ય ની કથા સંભળાવી.
છઠ્ઠો અધ્યાય વિધિ નો છે. સત્કર્મ વિધિ પુર્વક કરવામાં આવે તો દિવ્ય બને છે.

સત્કાર્ય તરત કરવું.અને કદાપિ મુલતવી રાખવું નહિ.

ધર્મરાજા પાસે એક યાચક દાન માગવા આવ્યો. ધર્મ રાજા એ તેને બીજે દિવસે આવવા કહ્યું.

આ વાત ભીમસેને સાંભળી –એટલે વિજયદુંદુભી વગાડવા લાગ્યો. બધાને લાગ્યું કે ભીમસેન નું ખસી તો નથી ગયું ને ?  વિજયદુંદુભી તો યુદ્ધ માં વિજય થયો હોય ત્યારે જ વગાડવામાં આવે છે.
ભીમ ને કારણ પૂછ્યું.

ભીમે જણાવ્યું- આજે મોટાભાઈએ કાળ પર વિજય પ્રાપ્ત કર્યો છે.ધર્મરાજા ને ખબર પડી ગઈ છે કે –
તે આવતી કાલ સુધી જીવવાના છે.તેથી તેના વિજય માં આ નગારું વગાડું છું.

ધર્મરાજા ને પોતાની ભૂલ સમજાઈ.— ના જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે— માટે સત્કાર્ય તરત કરો.
યાચકને તરત પાછો બોલાવ્યો અને યથા યોગ્ય દાન આપ્યું.

ભાગવત એ ભવ રોગની દવા છે.
જીવ માત્ર ને રોગ થયો છે. જીવ ને ઈશ્વરનો વિયોગ છે તે મોટામાં મોટો રોગ છે.
તે રોગ ના નિવારણ માટે,-ભાગવત નો આશ્રય કરો. કૃષ્ણવિયોગ રૂપી રોગ ને દૂર કરવાની દવા આ
ભાગવત શાસ્ત્ર છે. પણ દવામાં જેમ ચરી પાળવી જોઈએ તેમ કથામાં તેની વિધિ જાળવવી જોઈએ.

નિષ્કામ ભાવે કથા સાંભળવી હોય તો બારે માસ પવિત્ર છે.
બાકી કથા સાંભળવા માટે માગસર માસ અતિ ઉત્તમ છે.
શુભ મુહુર્તે કથા નો પ્રારંભ કરવો જોઈએ. પ્રથમ ગણપતિ નું પૂજન કરવું જોઈએ.
વ્યાસજી ધ્યાન નારાયણ નું કરે છે પણ પૂજન પહેલું ગણપતિ નું કરે છે. વ્યાસાશ્રમ માં જે ગણપતિ છે.-તેમના હાથ માં કલમ છે.લોક કલ્યાણ માટે એ સતત લખે છે.

ઘણાં માને છે કે-એકલા મંગળ કાર્ય માં જ ગણપતિ ની પૂજા કરવી જોઈએ. પણ શાસ્ત્ર માં તો લખ્યું છે કે-
અમંગળ કાર્ય માં પણ શરૂઆતમાં ગણપતિનું પૂજન કરવું જોઈએ.

ગણપતિનું પૂજન કરી લક્ષ્મીનારાયણ ની સ્થાપના કરો.

વક્તા ના લક્ષણો બતાવ્યા છે. વિરક્ત પણું એ પહેલું લક્ષણ  બતાવ્યું છે. વક્તામાં વૈરાગ્ય હોય-
આ શુકદેવજી ની ગાદી છે. શબ્દ માં શક્તિ ત્યાગ થી આવે છે-.વૈરાગ્યથી આવે છે. વક્તાના આંખ-મન
અતિ શુદ્ધ હોવાં જોઈએ. શુકદેવજી પણ જગતને જોતા હતા-પણ નિર્વિકાર હતા.

આપણે જગત ને જોઈએ છીએ-ત્યારે આંખ માં વિકાર આવે છે.
શુકદેવજી બ્રહ્મ-દ્રષ્ટિ રાખતા હતા. દરેક સ્ત્રી-પુરુષ ને ભગવદ ભાવ થી જોતા હતા. દરેક સ્ત્રી-પુરુષને ભગવદ ભાવથી જુઓ.

વૈરાગ્ય એટલે શું ?
ભોગના અનેક પદાર્થો મળે-તેમ છતાં જેનું  મન તેમાં ન જાય તેનું નામ વૈરાગ્ય. જેના રાગ-દ્વેષ મટી ગયાં છે, સમતારૂપી સદગુણ પ્રગટે  તે વૈરાગ્ય.

જગતને છોડવાની જરૂર નથી-પરંતુ જગતને જે  દ્રષ્ટિ થી જુઓ છો –તેને છોડવાની જરૂર છે.
જગતને કામ-દ્રષ્ટિથી-ભોગ દ્રષ્ટિ થી ન જુઓ. દોષ- દ્રષ્ટિ હોય ત્યાં સુધી દેવ દ્રષ્ટિ થતી નથી.

વક્તા જ્ઞાની હોવો જોઈએ. વક્તા જ્ઞાની હોવાં છતાં લૌકિક સુખ માં તેનું મન ફસાયેલું હોય તો –વક્તા થવાને – લાયક નથી.લખેલું છે કે-ઉપદેશ આપનાર-બ્રાહ્મણ હોવો જોઈએ.

વક્તા ધીર-ગંભીર હોવાં જોઈએ. દ્રષ્ટાંત કુશલ હોવાં જોઈએ. વાણી અને વર્તન એક હોય તેજ ઉત્તમ વક્તા છે.

ઘણાં લોકો સાંભળવા આવે તેથી કાંઇ ઉત્તમ વક્તા બની જતો નથી. સમાજનું આકર્ષણ તો સાધારણ મનુષ્ય પણ કરી શકે છે.જ્ઞાન પ્રમાણે ક્રિયા હોય તે જ ઉત્તમ વક્તા છે, અને તેને જ વક્તા થવાનો અધિકાર છે.
છેલ્લું લક્ષણ બતાવ્યું છે કે-વક્તા અતિ નિસ્પૃહ હોવો જોઈએ.

દ્રવ્ય નો મોહ છૂટે છે પણ કીર્તિ નો મોહ છૂટતો નથી. જીવ કીર્તિ નો મોહ રાખે છે.
માન –પ્રતિષ્ઠા નો મોહ મન ને ચંચળ બનાવે છે. જે મનુષ્ય કીર્તિના મોહ માં ફસાય તે ભક્તિ કરી શકતો નથી. લોકો મને માન આપે- કંઈક આપે તેવી ઈચ્છા –વક્તા ના રાખે.

શ્રોતા સર્વ પ્રકારની ચિંતા છોડીને કથામાં બેસે. કથામાં બેસો ત્યારે સંસારથી અલગ થઇ જાવ.
કથામાં આવી દુકાન નો  વિચાર કરે તો મન બગડે છે. કથા મંડપ માં બીજો કોઈ વિચાર કરવો નહિ.
વક્તા-શ્રોતા- મન થી,આંખ થી,વાણીથી –પ્રત્યેક ઇન્દ્રિય થી બ્રહ્મચર્ય પાળે.
ઉર્ધ્વરેતા થયા વગર મન સ્થિર થતું નથી.ઉર્ધ્વરેતા બ્રહ્મચર્ય પાળવાથી થવાય છે.

ક્રોધ કરવાથી પુણ્ય નો ક્ષય થાય છે. વક્તા-શ્રોતા ક્રોધ ન કરે.ક્રોધ રૂપી દાવાનળ પુણ્ય રૂપી વનને સમ્પૂર્ણ પણે બાળી નાંખે છે.

વિધિપૂર્વક કથા શ્રવણ કરવાથી તેનું ફળ મળે છે. કથાનું શ્રવણ કરનાર વૈષ્ણવો યમપુરી માં જતાં નથી.તેઓ
વૈકુંઠ માં જાય છે. યમરાજા –યમદુતો ને સાવધાન કરે છે-કે-જે લોકો પ્રેમ થી કૃષ્ણ કથા સાંભળે છે, કૃષ્ણ કિર્તન કરે છે-તેમના ઘેર તમે જશો નહિ.

જેઓ ભાગવતની કથા પ્રેમથી સાંભળે છે તેનો સંબંધ ભગવાન સાથે થાય છે.

વેદાંત માં અધિકાર-અધિકારી ની બહુ ચર્ચા કરવામાં આવી છે.”અથાતો બ્રહ્મ જીજ્ઞાસા “
વેદાંત નો અધિકાર સર્વ ને નથી.
નિત્યાનિત્ય વસ્તુ-વિવેક, શમાદિષડ સંપત્તિ,ઇહામુત્ર,ફળભોગ,વિરાગ વિના વેદાંતાધિકાર નથી.
વેદો ના ત્રણ વિભાગ કરવામાં આવ્યા છે.-કર્મકાંડ-જ્ઞાનકાંડ-ઉપાસનાકાંડ.
વિભાગ મુજબ તેના અધિકારી ઓ ઠરાવ્યા છે.

જયારે ભાગવત સર્વ ને માટે છે. ભાગવતનો આશ્રય કરશો,તો ભાગવત તમને ભગવાન ની ગોદમાં બેસાડશે. તમને નિર્ભય અને નિસંદેહ બનાવશે.

ખાવું કેવી રીતે,બોલવું કેવી રીતે,ચાલવું કેવી રીતે,પત્ર કેમ લખવો …વગેરે …બધું જ ભાગવતમાં બતાવ્યું છે.
આ એક જ ગ્રંથ નો આશ્રય લેવાથી,સઘળું જ્ઞાન મળશે.

આ ગ્રંથ પૂર્ણ છે.ભાગવત એ ભગવાન નારાયણ નું સ્વ-રૂપ છે.                                                 
જગત અને ઈશ્વર નું–જીવ અને જગતનું –જીવ અને ઈશ્વરનું –જ્ઞાન ભાગવત માંથી મળશે.

ભાગવત સાંભળ્યું કેટલું ?
જેટલું સાંભળ્યા પછી-જીવન માં ઉતાર્યું તેટલું.
શ્રવણ-મનન કરી આચરણ માં ઉતારો. કેવળ જાણેલું કામ આવશે નહિ.
જેટલું જીવન માં ઉતારશો તેટલું કામ આવશે.
અઢી મણ જ્ઞાન કરતાં અધોળ આચરણ શ્રેષ્ઠ છે.(ગાંધીજી)

પ્રભુ ના દિવ્ય સદગુણો જીવન માં ઉતારો.પુનર્જન્મ કે પૂર્વ જીવન નો વિચાર ના કરો. 

જનક રાજાએ પોતાના પૂર્વ જન્મો જોવા યાજ્ઞવલ્કય ઋષિ પાસે માગણી કરી.
યાજ્ઞવલ્કયે ના પાડતાં કહ્યું-રાજા તે જોવામાં મજા નથી. છતાં જનક રાજાએ દુરાગ્રહ કર્યો.
એટલે યાજ્ઞવલ્કયે – તેમને તેના પૂર્વજન્મો બતાવ્યા.
જનક રાજા એ જોયું કે પોતાની પત્ની અગાઉના જન્મ માં એક વખત પોતાની માતા હતી. તેઓને દુઃખ થયું.

તેથી પૂર્વજન્મ ના વિચાર ના કરો. આ જન્મ જ સુધારવા પ્રયત્ન કરો.

ભગવાન સાથે લગ્ન કરો. અને બીજાનું લગ્ન પણ કરવો.
જીવાત્મા-પરમાત્મા નું લગ્ન એ તુલસી વિવાહ નું તાત્પર્ય છે.
તુલસીવિવાહ –એટલે હું મારા ભગવાન સાથે લગ્ન કરીશ.
ચાતુર્માસ માં સંયમ –તપ કરો –ત્યાર પછી જ તુલસી વિવાહ થાય છે.

સંયમ કરો-તપ કરો- તો પ્રભુ મળશે. આત્મા નો ધર્મ છે-પ્રભુ ની સન્મુખ જવું.

(ભાગવત માહાત્મ્ય –સમાપ્ત)

---------------------------------------------


No comments: