ભાગવત માહાત્મ્ય (Page 1 to 15)
ભાગવત માહાત્મ્ય (Page 1) 29-08-2014
ભાગવત માહાત્મ્ય
પરમાત્મા ના દર્શન કરવાથી માનવ જન્મ સફળ થાય છે.
મનુષ્ય જન્મ પ્રભુ ને પ્રાપ્ત કરવા માટે છે.
પ્રભુ એ કૃપા કરી માત્ર માનવ ને જ એક એવી શક્તિ (બુદ્ધિ) આપી છે કે –
જો માનવ આ બુદ્ધિ નો સદુપયોગ કરી,વિવેક થી (સંયમ થી),પવિત્ર જીવન ગાળે તો….
મરતાં પહેલા તેને જરૂર પરમાત્મા ના દર્શન થાય………..
માત્ર માનવ માં જ બુદ્ધિ-શક્તિ હોવાથી તે આત્મ-સ્વરૂપ ને પરમાત્મ-સ્વરૂપ ને ઓળખી લઇ,
પરમાત્મા ના દર્શન કરી શકે છે.
માનવ ધારે તો પાપ છોડી શકે છે.પણ પશુ પાપ છોડી શકતા નથી
પશુ પાપ કરે છે, પણ તેમને-અજ્ઞાન-હોવાથી,પરમાત્મા તેના પાપ માફ કરે છે.
પશુઓ તેમનાં પાપ ભોગવી રહ્યા છે.
પશુ-પક્ષીઓ –શરીર તે –હું જ છું,એવું સમજી વ્યવહાર કરે છે,ત્રણ વર્ષ પછી તો તે પોતાના માતપિતાને ભૂલી જાય છે.તે પોતાના દેહ ને જ આત્મા માને છે,અને આત્મ-સ્વરૂપ ને જાણતા નથી.
અને આમ પશુ ને પોતાના સ્વ-રૂપ નું પણ ભાન નથી તો પછી એ પરમાત્મ-રૂપ ને ક્યાંથી પામી શકે?
.
શરીર ને જે –આત્મા-સમજે છે, એ માનવ પશુ સમાન જ છે,
આ જીવ અનેક વર્ષોથી ભોગ ભોગવતો આવ્યો છે,છતાં તેને શાંતિ મળી નથી.
તેને શાંતિ ત્યારે મળે જયારે તેને પરમાત્મા ના દર્શન થાય.
સ્વર્ગ માં રહેલા દેવો ને પણ પરમાત્મા નો અનુભવ થતો નથી.
સ્વર્ગ માં રહેલા દેવો પણ દુખી છે,અશાંત છે,તેમને પણ પતન ની બીક હોય છે.
પુણ્ય નો નાશ થયા પછી તેમને પણ ત્યાંથી (સ્વર્ગમાંથી) ધકેલી દેવામાં આવે છે,
ત્યારે બિલકુલ દયા રાખવામાં આવતી નથી.માથું નીચે ને પગ ઉંચે……!!
આમ સ્વર્ગ માં રહેલા દેવોનું પતન થાય છે.
-----------------------------------------------------------------
ભાગવત માહાત્મ્ય (Page 2) 29-08-2014
પરંતુ જે પરમાત્મા શ્રી કૃષ્ણ ના દર્શન કરે છે,તેમનું પતન થતું નથી.
સ્વર્ગ માં રહેલા દેવો આપણા કરતા વધુ સુખ ભોગવે છે,પણ એમને પરમાત્મા ના દર્શન થતા નથી.
જેને સુખ ભોગવવાની ઈચ્છા છે,તેને પરમાત્મા ના દર્શન થતા નથી.
સ્વર્ગ ના દેવો સુખ ભોગવીને પુણ્ય નો નાશ કરે છે,પશુ પક્ષીઓ દુખ ભોગવી પાપ નો નાશ કરે છે.
સ્વર્ગ ના દેવો પુણ્ય નું ફળ –સુખ –ભોગવે છે,અને પુણ્ય નો નાશ કરે છે,
સ્વર્ગ એ ભોગ ભૂમિ છે,ત્યાં નવું પુણ્ય ઉપાર્જિત થતું નથી,સ્વર્ગ માં કોઈ નવી આવક થતી નથી,
માનવ જે પુણ્ય લઇ ને ગયો હોય તે ભોગવે છે.
મનુષ્ય માં પાપ અને પુણ્ય ને સમજવાની બુદ્ધિ (શક્તિ) છે. એક મનુષ્ય-યોનિ માં જ પાપ-પુણ્ય થાય છે.
મનુષ્ય ધારે તો પાપ કરતો અટકી જાય અને નવું પુણ્ય કરી શકે છે.અને પરમાત્મા ના દર્શન કરી શકે છે.
માનવી વિવેક (બુદ્ધિ)થી સંસાર માં જીવે તો –ભોગ અને ભગવાન બંને ને મેળવી શકે છે.
માનવી આત્મ-પરમાત્મ-સ્વરૂપ ને જાણતો નથી
જે પરમાત્મ-રૂપ ને જાણતો નથી તેને હંમેશા –બીક- રહે છે,શાંતિ મળતી નથી,
રાજાને શાંતિ નથી-સ્વર્ગ ના દેવો ને પણ શાંતિ નથી.
પરમાત્મા શ્રી કૃષ્ણ ના દર્શન (આત્મ-પરમાત્મ, સ્વ-રૂપ ના દર્શન) કરે તેને પૂર્ણ શાંતિ મળે છે.
પણ દુઃખની વાત એ છે કે –
મનુષ્ય પરમાત્મા માટે કઈ –સાધન—કરતો નથી. શરીર ના સુખ ને એ પોતાનું સુખ સમજે છે.
સુખ ના ત્રણ પ્રકાર છે- શરીર નું સુખ—પ્રાણ નું સુખ—આત્મા નું સુખ.
અને મનુષ્ય ને સાચા સુખ ની ખબર નથી.
મહેનત -ના -કરે તો શરીર રોગી થાય છે,શરીર આળસુ બને તો રોગો નું ઘર થાય છે.
આજ ના મનુષ્ય ને વગર મહેનતે પૈસો જોઈએ છે.સુખ ના સાધન વધે એટલે રોગો વધે છે.
શરીર ને રોગ થાય તો તેની મનુષ્ય કાળજી રાખે છે,
પણ મન ને કેટલા રોગ થયા છે,તેનો વિચાર કરતો નથી.
મન ને ખુબ રોગ થયા છે.કામ,ક્રોધ,લોભ,મદ,મોહ –એ બધા રોગ છે.
અને તેથી પ્રભુ ના દર્શન થતા નથી.મન શુદ્ધ થાય તો,તો,મનુષ્ય ને તે, જ્યાં બેઠો છે,
ત્યાં (હાલ જ) પરમાત્મા ના દર્શન થશે,પરમાત્મા દેખાશે.
પ્રભુ-દર્શન ના ત્રણ પ્રકારો શાસ્ત્ર માં દર્શાવ્યા છે.
૧.સ્વપ્ન માં પ્રભુ ની ઝાંખી થાય તે સાધારણ દર્શન
૨.મંદિર અને મૂર્તિ માં પ્રભુ ના દર્શન થાય તે મધ્યમ દર્શન છે.મંદિર માં પ્રભુ ના દર્શન મનુષ્ય કરે પણ તેને શાંતિ ક્યાં મળે છે?તેથી સિદ્ધ થાય છે કે ઉત્તમ દર્શન નથી.
૩.પ્રભુ નું અપરોક્ષ દર્શન તે ઉત્તમ દર્શન છે.સ્થાવર,જંગમ ,સર્વ મનુષ્યોમાં પરમાત્મા ના દર્શન કરો.તે ઉત્તમ દર્શન છે.
પરમાત્મા નો અપરોક્ષ સાક્ષાત્કાર જયારે થાય ત્યારે જીવન સફળ થાય છે.
------------------------------------------------------------------------------------
ભાગવત માહાત્મ્ય (Page 3) 29-08-2014
વેદાંત માં સાક્ષાત્કાર ના બે પ્રકારો બતાવ્યા છે.
૧.પરોક્ષ સાક્ષાત્કાર–ઈશ્વર કોઈક એક ઠેકાણે છે-તેમ માને તે
૨.અપરોક્ષ સાક્ષાત્કાર—ઈશ્વર વિના કઈ નથી,ઈશ્વર બધુ જ છે,અને હું પણ ઈશ્વર થી અલગ નથી.-તેમ માને તે.
જેને –હું પોતે બ્રહ્મ છું—એવું—જ્ઞાન– થાય તેને –સાક્ષાત્કાર– થયો તેમ કહેવાય.
જોનારો ઈશ્વર ને જોતા ઈશ્વરમય બને ,ઈશ્વર નો સર્વ માં અનુભવ કરતા કરતા જે ઈશ્વર સાથે એકરૂપ બને છે,તે જ ઈશ્વર ના પરિપૂર્ણ સ્વરૂપ ને જાણી શકે છે,
અને વેદાંત માં તેને અપરોક્ષ સાક્ષાત્કાર કહે છે.
ઈશ્વર જગત માં કોઈ એક ઠેકાણે છે-તે જ્ઞાન અપૂર્ણ છે.ઈશ્વર સર્વ વ્યાપક છે,તે એક મૂર્તિ કે મંદિર માં રહી શકે નહિ.
મૂર્તિ માં પ્રત્યક્ષ પરમાત્મા ક્યાં દેખાય છે? પણ વૈષ્ણવો ભાવના રાખે છે કે પ્રભુ સર્વ પદાર્થ માં છે તો –આ મૂર્તિ માં પણ છે.
મૂર્તિ એ ભગવાન નથી,પણ મૂર્તિ માં ભગવાન નું આવાહન કરવામાં આવે છે,પછી તે ભગવદરૂપ બને છે.
મૂર્તિ ની જેમ જ દરેક મનુષ્ય માં પરમાત્મા ના દર્શન કરવાના છે.
કોઈના (સ્ત્રી-પુરુષના) શરીર ને કે રૂપ ને જોશો નહિ.જ્યાં સુધી દેહ ના દર્શન થાય છે ત્યાં સુધી દેવના થશે નહિ.
કોઈના શરીર ને જોવા થી દેહભાન જાગૃત થાય છે. એટલે દેહ થી દ્રષ્ટિ જાય ત્યારે જ દેવ ના દર્શન થાય છે.
કોઈ પણ સ્ત્રી ને –આ સ્ત્રી છે-ભોગ નું સાધન છે-એવી દ્રષ્ટિ થી જોશો તો મન બગડશે.
પણ આ ગોપી છે,આ લક્ષ્મી છે-એવી ભાવના કરો તો કુભાવ થશે નહિ.
અત્યારે જમાનો એવો આવ્યો છે કે લોકોનું મન બગડતા વાર લગતી નથી.જ્ઞાની નું-અજ્ઞાની નું –બધાનું મન બગડે છે.
એટલે જ લોકોના હાથે પાપ થાય છે અને શાંતિ મળતી નથી.
પ્રત્યેક મનુષ્ય માં પરમાત્મા શ્રી કૃષ્ણ ના દર્શન કરવાથી ખુબ શાંતિ મળે છે.
જેવી રીતે લાકડા માં સૂક્ષ્મ રીતે અગ્નિ વિરાજેલો છે,તેવી રીતે પ્રત્યેક માં સૂક્ષ્મ રીતે નારાયણ વિરાજેલા છે.
આથી નિશ્ચય કરો કે –“આ જગત માં મારો કોઈ શત્રુ નથી,મારું કોઈએ બગડ્યું નથી,બધાં મારા મિત્ર છે.બધાં મારા ભગવાન ના સ્વરૂપો છે.
મને જે દુઃખ મળ્યું છે તે મારા પાપ નું ફળ છે.”
નર અને નારાયણ—જીવ અને શિવ—એમાં તત્વ દ્રષ્ટિ થી વિચાર કરતા —-જીવ પણ ઈશ્વરનું સ્વ-રૂપ છે.
કેટલાક કહે છે કે જીવ માં ઈશ્વર જેટલી શક્તિ ક્યાં છે?
એક મહાત્મા છે.તે ગંગાજીમાંથી કમંડળ ભરી લાવ્યા છે.કમંડળમાંના ગંગાજી ના પાણી માં નાવડી-મગર –વગેરે ક્યાં છે?પણ તેથી તે ગંગાજી –ગંગાજી નથી –તેમ કેમ કહેવાય?
તે પણ ગંગાજી જ છે.કમંડળ ની ઉપાધિ હોવાથી પ્રત્યક્ષ તેમાં નાવડી-મગર વગેરે દેખાતા નથી,પણ કમંડળ ની ઉપાધિ જાય અને તે પાણી ને ગંગા માં પધરાવો એટલે ગંગાજી જ છે.
તેમ શરીર માં જે ચૈતન્ય છે –તે ઈશ્વર છે. પણ શરીર ના આવરણ ને લીધે તે ચૈતન્ય (શક્તિ) ગુપ્ત છે.
પ્રત્યેક જીવ માં તો શું?પ્રત્યેક જડ વસ્તુ માં પણ પરમાત્મા છે.
આપણો સનાતન ધર્મ તો માત્ર ચેતન માં જ નહિ પણ -જડ-માંય—પરમાત્માનું દર્શન કરવાનું કહે છે.
પૃથ્વી,જળ,તેજ,વાયુ,આકાશ –માં પરમાત્મા ની સત્તા વિલસે છે.
પૃથ્વી માં ગંધ રૂપે, જળ માં રસ રૂપે પરમાત્મા જ વિલસે છે.
જડ અને ચેતન સર્વ માં જેને પરમાત્મા દેખાય છે—તેને એક દિવસ પોતાના માં પણ પરમાત્મા નાં દર્શન થાય છે.
જે સર્વ માં પરમાત્મા નાં દર્શન કરી શકતો નથી એને કદી એ પરમાત્મા નાં દર્શન થવાના નથી.
મંદિર માં પ્રભુના દર્શન કર્યા પછી જ્ઞાની પુરુષો જ્યાં દ્રષ્ટિ જાય ત્યાં ભગવત સ્વ-રૂપ નો અનુભવ કરે છે.
મન જ્યાં જાય ત્યાં ઈશ્વર નાં દર્શન કરે તે જ ઈશ્વર નું અસાધારણ દર્શન છે.જે પરમાત્મા મારામાં છે – તે સર્વ માં છે ,એ પ્રમાણે સમગ્ર જગત જેને બ્રહ્મ રૂપે દેખાય છે ,તે જ્ઞાની છે.
સર્વ માં પરમાત્મા નો અનુભવ કરતા તેને પોતાના સ્વ-રૂપ માં પણ પરમાત્મા નો અનુભવ થાય છે.જેને પ્રત્યક્ષ દર્શન પણ કહેવાય.ઉપનિષદ માં તેને અપરોક્ષ દર્શન કહે છે.
ઈશ્વરને અન્ય સ્થળે વિચારવો તેને પરોક્ષ દર્શન કહે છે,જે દર્શન થી બહુ લાભ નથી.પણ પરમાત્મા અપરોક્ષ દર્શન થી જીવ કૃતાર્થ થાય છે.
જ્ઞાની પુરુષ ને પોતાના સ્વ-રૂપ માં ભગવાન દેખાય છે ,એટલે (બંને આત્મા અને પરમાત્મા -એક થઇ) અદ્વૈત થાય છે.
શ્રી કૃષ્ણલીલા એટલા માટે છે કે –આ લીલા ઓનું ચિંતન કરી ગોપીઓ પોતાના સ્વરૂપ માં પરમાત્મા નો અનુભવ કરે.
લાલી મેરે લાલકી સબ જગ રહી સમાઈ,લાલી દેખન મૈ ગઈ,મૈ ભી હો ગઈ લાલ.
ગોપી ઓ ને પોતાના સ્વ-રૂપ નું વિસ્મરણ થયું અને બોલે છે કે-
ઢૂંઢા સબ જહામે,પાયા પતા તેરા નહિ,જબ પતા તેરા લગા, તો અબ પતા મેરા નહિ.
કૃષ્ણ નો સર્વ માં અનુભવ કરતાં ગોપી ઓ કૃષ્ણમય બની છે.
પોતાની અંદર જેને પરમાત્મા દેખાય ,પરમાત્મા નો જેને સાક્ષાત્કાર થાય ,તે પછી ઈશ્વર થી જુદો રહી શકતો નથી,ઈશ્વરમાં મળી જાય છે.
આ ભાગવત નું ફળ છે.
---------------------------------------------------------------------------------
ભાગવત માહાત્મ્ય (Page 4) 29-08-2014
ભગવાન ગોલોક માં વિરાજે છે ,એવું જ્ઞાન તે સાધારણ જ્ઞાન છે.જે આપણા માટે બહુ ઉપયોગી નથી.
ગોલોકમાં વિરાજતા ભગવાન ને પોતાના હૃદય પ્રદેશમાં પધરાવી ,પોતાનામાંજ પરમાત્મા નાં દર્શન નો અનુભવ કરો.
જગતના દરેક પદાર્થ માં પ્રભુ વિરાજેલા છે,તો મારામાં પણ તે પરમાત્મા વિરાજેલા છે.
પોતાના માં અને સર્વ માં એક પરમાત્મા નાં દર્શન કરવાં,એ ભાગવત નું ફળ છે.
જયારે ઉદ્ધવે ગોપીઓને કહ્યું કે-શ્રી કૃષ્ણ મથુરામાં આનંદ થી વિરાજે છે.ત્યારે ગોપીઓએ ઉદ્ધવને ઠપકો આપ્યો છે.
ઉદ્ધવ,સર્વ વ્યાપક શ્રી કૃષ્ણ ને તું કેવળ મથુરામાં રાખે છે? વ્યાપક નો કોઈ ઠેકાણે અભાવ થઇ શકતો નથી.ઉદ્ધવ,અમારા કૃષ્ણ તો ગોકુલ છોડી ગયા જ નથી.
અમે તો “કૃષ્ણ-કૃષ્ણ” કહીએ એટલે તેઓ અમારી આંખો સમક્ષ હાજર થાય છે.
ઉદ્ધવ ગોપીઓને સમજાવે છે—સગુણ નાં આધારે નિર્ગુણ નો અનુભવ કરવાનો હોય છે.
ગોપી કહે છે—મારા શ્રી કૃષ્ણ શું મારાથી જુદા છે?મારા શ્રી કૃષ્ણ મને છોડીને ગયા જ નથી.સાંજે જમનાજી જળ ભરવા ગઈ હતી,અંધારું થયું હતું,મને એમ થયું કે કોણ માથે બેડલું
ચડાવશે?ત્યાં તો અવાજ સંભળાયો,સખી,હું તારી અંદર છું,હું તને છોડીને ગયો નથી.
મે કૃષ્ણ ને પૂછ્યું,-તમે અમને છોડીને મથુરા ગયા હતા,તે ક્યારે પાછા આવ્યા? કૃષ્ણે કહ્યું-અલી બાવરી ગોપી,હું તને છોડીને ગયો નથી.
પરમાત્મા પ્રેમ પરતંત્ર છે.ઉદ્ધવ,મારા કૃષ્ણ મને છોડી ને ગયા જ નથી. ઉદ્દવ નું જ્ઞાનાભિમાન ત્યાં ઉતર્યું છે.ગોપી-કૃષ્ણ એક જ છે.
જેને સર્વ માં ભગવાન નાં દર્શન થતા નથી એ માનવીને પરમાત્મા નો વિયોગ થાય છે.અને પરમાત્માનો વિયોગ થવાથી જીવ અશાંત થાય છે.અને તેના હાથે પાપ થાય છે.
પ્રભુનો વિયોગ એ મહાન દુઃખ છે.જેને પોતાની અંદર પરમાત્મા દેખાય છે તેને ઈશ્વર એક ક્ષણ પણ છોડી શકે નહિ.
ઘડામાંનાં ઘટાકાશ માંથી જેમ પોલાણ બહાર નીકળી શકતું નથી,તેમ જ્ઞાની ને પરમાત્મા છોડી શકતા નથી.
સુરદાસને બહાર અને અંદર પરમાત્મા દેખાય છે,પોતાની અંદર પરમાત્મા નો અનુભવ કરે છે.આ અનુભવ એ જ ભાગવત નું ફળ છે.
ભાગવત એ દર્શન શાસ્ત્ર છે,
ભાગવત વાંચ્યા પછી મનુષ્ય નો સ્વભાવ સરળ થાય છે.પોતાના દોષ નું દર્શન થાય છે.ભાગવત મન ને સુધારે છે,દ્રષ્ટિ ને દિવ્ય બનાવે છે.
પરમાત્મા નાં દર્શન કરવાનું સરળ સાધન જે ગ્રંથ માં બતાવ્યું છે,તે ભાગવત,
બીજા ઘણાં શાસ્ત્રો છે,પણ ભાગવત નું દર્શન અલૌકિક છે.
સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I
તાપત્રયવિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ II
(જે જગતની ઉત્પત્તિ,સ્થિતિ અને વિનાશ નો હેતુ છે,તથા જે ત્રણે પ્રકારના તાપો નો નાશ કરવાવાળા છે,એવા સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણ ને અમે વંદન કરીએ છીએ)
પરમાત્મા નાં ત્રણ સ્વરૂપો શાસ્ત્ર માં કહેલા છે.—સત્—ચિત્—આનંદ .
સત્- પ્રગટ -રૂપે સર્વત્ર છે. ચિત્(જ્ઞાન) અને આનંદ –અપ્રગટ છે.
જડ વસ્તુ ઓ માં સત્ છે પણ આનંદ નથી,
જીવ માં સત્ પ્રગટ છે,પણ–ચિત્ – આનંદ અપ્રગટ (અવ્યક્ત) છે.
આમ આનંદ પોતાના માં જ છે ,પણ મનુષ્ય આનંદ બહાર શોધે છે.સ્ત્રીમાં-પુરુષમાં-ધન માં કે જડ પદાર્થો માં આનંદ નથી.
જીવ માં આનંદ ગુપ્ત છે.જીવ પરમાત્મા નો અંશ હોવાથી તેમાં આનંદ રહેલો છે.
દૂધ માં જેમ માખણ ગુપ્ત રીતે રહેલું છે,તેમ જીવ માં આનંદ ગુપ્ત રૂપે છે.
દૂધ માં માખણ રહેલું છે પણ દેખાતું નથી,પણ દહીં બનાવી ,છાસ કરી મંથન કરવાથી માખણ દેખાય છે,તેવી રીતે,
માનવીએ મનોમંથન કરી એ આનંદ પ્રગટ કરવાનો હોય છે.
દૂધ માં જેમ માખણ નો અનુભવ થતો નથી,તેમ ઈશ્વર સર્વત્ર છે પણ તેનો અનુભવ થતો નથી.
જીવ ઈશ્વર નો છે,પણ તે ઈશ્વર ને ઓળખવાનો પ્રયત્ન કરતો નથી,તેથી તેને આનંદ મળતો નથી.
આનંદ એ પરમાત્મા નું સ્વરૂપ છે,આનંદ એ તમારું પણ સ્વરૂપ છે. આનંદ અંદર જ છે.
એ આનંદ ને જીવન માં કેવી રીતે પ્રગટ કરવો તે ભાગવત શાસ્ત્ર બતાવશે.
આનંદ નાં ઘણા પ્રકાર તૈતરીય ઉપનિષદ માં બતાવ્યા છે.પરંતુ તેમાં બે મુખ્ય છે.—સાધન જન્ય આનંદ –સ્વયં સિદ્ધ આનંદ.
સાધનજન્ય—વિષયજન્ય આનંદ –એ સાધન અને વિષય નો નાશ થતા તે આનંદ નો પણ નાશ થશે.
સ્વયં સિદ્ધ આનંદ અંદર નો ખોળેલો(પ્રગટ થયેલો) આનંદ છે.
યોગીઓ પાસે કશું કઈ હોતું નથી તેમ છતાં તેઓ ને આનંદ છે.યોગીઓ નો આનંદ- કોઈ- વસ્તુ પર આધારિત નથી.
પરમાત્મા પરિપૂર્ણ આનંદ સ્વરૂપ છે.ઈશ્વર વગરનો સર્વ સંસાર અપૂર્ણ છે.ઈશ્વરનો અંશ –જીવાત્મા –અપૂર્ણ છે.
જીવ માં ચિત્ –અંશ છે પણ પરિપૂર્ણ નથી.મનુષ્ય માં જ્ઞાન આવે છે-પરંતુ તે જ્ઞાન ટકતું નથી.
પરમાત્મા શ્રી કૃષ્ણ પરિપૂર્ણ જ્ઞાની છે.શ્રી કૃષ્ણ ને સોળ હાજર રાણીઓ સાથે વાત કરતાં પણ એ જ જ્ઞાન અને દ્વારિકા નો વિનાશ થાય છે—
ત્યારે પણ એ જ જ્ઞાન.–શ્રી કૃષ્ણ નો આનંદ રાણી માં કે દ્વારિકા માં નથી.સર્વનો વિનાશ થાય પણ શ્રી કૃષ્ણ નાં આનંદ નો વિનાશ થતો નથી.
સત્-નિત્ય છે,ચિત્ એ જ્ઞાન છે,ચિત્ શક્તિ એટલે જ્ઞાન શક્તિ.
(નોંધ-આ ચિત્ત -શબ્દ ને ઊંડાણ થી સમજવા જેવો છે.યોગની વ્યાખ્યા-છે-કે -ચિત્ત વૃત્તિ નિરોધ)
મનુષ્ય પોતાના સ્વ-રૂપ માં સ્થિત નથી-એટલે તેને આનંદ મળતો નથી.મનુષ્ય બહાર વિવેક રાખે છે તેવો ઘરમાં રાખતો નથી.
મનુષ્ય એકાંત માં પોતાના સ્વ-રૂપ માં સ્થિત રહેતો નથી.
ઉત્પત્તિ,સ્થિતિ અને સંહાર ની લીલા માં ઠાકોરજી નાં સ્વરૂપ માં ફેરફાર થતો નથી.
પરમાત્મા ત્રણે માં આનંદ માને છે અને પોતાના સ્વરૂપ માં સ્થિત રહે છે.
જેનું જ્ઞાન નિત્ય ટકે તેને આનંદ મળે,તે આનંદ રૂપ થાય.
જીવ ને આનંદરૂપ થવું હોય, તો તે સચ્ચિદાનંદ નો આશ્રય લે.
આ જીવ જ્યાં સુધી પરિપૂર્ણ થતો નથી,ત્યાં સુધી તેને શાંતિ મળતી નથી,આનંદ મળતો નથી.
મનુષ્ય રાજા થાય,સ્વર્ગ નો દેવ થાય,તો પણ તે અપૂર્ણ છે.જ્યાં સુધી અપૂર્ણતા છે ત્યાં સુધી અશાંતિ છે.
સંસારનો પ્રત્યેક પદાર્થ પરિણામ માં વિનાશી હોવાથી પરિપૂર્ણ થઇ શકતો નથી.
પરિપૂર્ણ સ્વરૂપ એ ભગવાન નારાયણ છે.આ નારાયણ ને જે ઓળખે,અને તેની સાથે મન ને જે તદાકાર બનાવે
તેનું મન નારાયણ સાથે એક બને છે.તે જીવાત્મા- નારાયણ રૂપ- બની પરિપૂર્ણ થાય છે.
ત્યારે જીવનું જીવન સફળ થાય છે.
જીવ જ્યાં સુધી અપૂર્ણ છે ત્યાં સુધી તેને શાંતિ મળતી થતી નથી.
જીવ જયારે ઈશ્વરને મળે છે-અને અપરોક્ષ સાક્ષાત્કાર કરે છે,ત્યારે તે પૂર્ણ થાય છે.
-------------------------------------------------------------------------------------------
ભાગવત માહાત્મ્ય (Page 5) 29-08-2014
જ્ઞાનીઓ –જ્ઞાન-થી પરમાત્મા નો અપરોક્ષ સાક્ષાત્કાર કરે છે,ત્યારે ભક્તો(વૈષ્ણવો) –પ્રેમ-થી પરમાત્મા નો અપરોક્ષ સાક્ષાત્કાર કરે છે.
ઈશ્વર જયારે જીવને અપનાવી પોતાના સ્વરૂપનું દાન કરે છે,ત્યારે જીવ પૂર્ણ થાય છે.
ઈશ્વર વિનાનો સર્વ સંસાર અપૂર્ણ છે,નારાયણ એ પરિપૂર્ણ છે.સાચી શાંતિ નારાયણ માં છે.
નર એ નારાયણ નો અંશ છે,એટલે નર તે નારાયણ માં શમી જવા માગે છે.
નારાયણ ને ઓળખવાનું અને નારાયણ માં લીન થવાનું સાધન તે– ભાગવત શાસ્ત્ર.
જીવ નારાયણ નો અંશ છે,તેમાં તેને મળી જવું છે.
તે માટે શાસ્ત્ર માં અનેક ઉપાયો બતાવ્યા છે. તેમાં ત્રણ મુખ્ય છે.—કર્મ માર્ગ,જ્ઞાનમાર્ગ અને ભક્તિમાર્ગ .
પરમાત્મા નાં દર્શન નું સાધન અનેક ગ્રંથો માં આપ્યું છે.ઉપનિષદ માં પણ મનુષ્યને અપરોક્ષ સાક્ષાત્કાર કરવાનું માર્ગદર્શન આપ્યું છે.
પણ વ્યાસજીએ વિચાર્યું કે ઉપનિષદ ની ભાષા ગૂઢ છે,સામાન્ય માણસ તે સમજી શકશે નહિ.
ઉપનિષદ નું જ્ઞાન દિવ્ય છે,પણ આપણા જેવા વિલાસી લોકો તેનો અનુભવ કરી શકતા નથી.મનુષ્ય નું જીવન અતિ વિલાસી થયું છે,તેથી
જ્ઞાનમાર્ગ થી જીવ ઈશ્વર પાસે જઈ શકે તે સંભવિત નથી.અતિ વૈરાગ્ય વગર જ્ઞાન સફળ ના થાય.જ્ઞાન નો પાયો છે –વૈરાગ્ય.
એવો વૈરાગ્ય પ્રાપ્ત કરવો કઠણ છે. શુકદેવજી મહારાજ ને એવો વૈરાગ્ય પ્રાપ્ત થયો હતો. જન્મતાં જ તેઓએ વન તરફ પ્રયાણ કર્યું.
પિતાને કહ્યું-તમે મારા પિતા નહિ અને હું તમારો પુત્ર નહિ.
વેદ ત્યાગ કરવાનું કહે છે.ઉપનિષદ એમ કહે છે કે –બધુ છોડવું જ પડશે.–પૂર્ણ નિવૃત્તિ લેવી જ પડશે.પરમાત્મા માટે બધુ છોડશો તો
પરમાત્મા મળશે.ઉપનિષદ નિવૃત્તિ પ્રેરક ગ્રંથ છે. ઉપનિષદ સર્વ છોડવાનું કહે છે-કામ છોડો-ક્રોધ છોડો-લોભ છોડો.
પરંતુ મનુષ્ય કંઈ છોડી શકતો નથી. જે ચા,પાનસોપારી છોડી શકતો નથી,તે કામ,ક્રોધ,લોભ,ઘર કેવી રીતે છોડી શકશે?
વેદાંત તો કહે છે કે-બધુ છોડીને –સર્વસ્વ નો ત્યાગ કરીને –ઈશ્વર પાછળ પડો તો જ ઈશ્વરને ઓળખી શકો.
સર્વ નો ત્યાગ કરવો સામાન્ય મનુષ્ય માટે સુલભ નથી.
વેદના ચાર વિભાગો છે.—સંહિતા-બ્રાહ્મણ-આરણ્યક-ઉપનિષદ.
વેદનો- સંહિતા -ભાગ –મંત્રરૂપે- છે, બ્રાહ્મણ-ભાગ-સંહિતા નું –ભાસ્ય –છે.
વેદ નો અર્થ વેદાંત-અંત નો અર્થ-સમાપ્તિ. વેદની સમાપ્તિ થાય છે- ઉપનિષદ- માં. તેથી તેને વેદાંત કહે છે.
આરણ્યક માં –ઉપનિષદ-નો ભાગ આવે છે.
અરણ્ય માં રહી-અતિ સાત્વિક-વિરક્ત- જીવન ગાળનાર ઋષિઓ –જે ગ્રંથ નું ચિંતન કરે છે-તેને આરણ્યક કહે છે.
આવા સાત્વિક-વિરક્ત જીવન ગાળનાર ને ઉપનિષદ નો અધિકાર આપ્યો છે. વેદાંત નો અધિકાર સર્વ ને આપ્યો નથી.
બંગલા માં ભોગ-વિલાસ માં રહેતા વિલાસી જીવ વેદાંત ની વાતો કરે તે યોગ્ય નથી.તે અધિકારી પણ નથી.
આપણા જેવા,સંસાર માં ફસાયેલા જીવો ઉપનિષદ નું જ્ઞાન પચાવી પણ શકશે નહિ.
ત્યાગ વિના-વૈરાગ્ય વિના-જ્ઞાન માર્ગ માં સફળતા મળતી નથી.
વ્યાસજી ને લાગ્યું કે કલિયુગ માં મનુષ્ય નું જીવન અર્થ પ્રધાન હશે,એમને ત્યાગ નહિ રુચે. વિલાસ પ્રિય લોકો ને
ત્યાગ નો ઉપદેશ અસર કરવાનો નથી.કલિયુગ માં માનવી વિલાસી થશે,તે યોગ સિદ્ધ કરી શકશે નહિ.
પહેલાં ત્યાગપ્રધાન અને જ્ઞાનપ્રધાન સમાજ હતો.પણ હવે પૈસાથી જ સુખ મળે છે-તેમ લોકો માનવા લાગ્યા છે.
પૈસો કઈક ભૌતિક સુખ આપે છે,પણ અંદરની પૂર્ણ શાંતિ પૈસાથી મળતી નથી.
મને ઘણાં પૈસાદારો મળે છે,મને કહે છે કે,- શાંતિ નથી. હું તેમને પુછું છુ કે –તમારે બે બંગલા છે-મોટર છે-
તમને શું દુઃખ છે?—તો કહે છે કે –વેવાણ સારી નથી મળી-છોકરીને બહુ દુઃખ આપે છે.
જગત માં શાંતિ તેને મળે છે કે –જે ભક્તિ ના પ્રેમ રસ થી રંગાય.
મનુષ્યના જીવન નો ઘણો સમય પૈસો લઇ જાય છે.જરૂરિયાતો બહુ વધી –એટલે –પૈસા મેળવવા સમયનો ભોગ આપવો જ પડે છે.
વ્યાસજી એ વિચાર કર્યો કે-કલિયુગ ના વિલાસી લોકો ને ઉપનિષદ નો માર્ગ મદદકર્તા થશે નહિ.
પાંચ હજાર વર્ષ પહેલા વ્યાસજી ને ખાતરી થઇ કે –કલિયુગ ના લોકો વિલાસી થશે.તેને પરમાત્મા ના દર્શન થશે નહિ.
સાધન ચતુષ્ટય-સંપન્ન –હોય તે જ ઉપનિષદ ની ભાષા સમજી શકે છે,ઉપનિષદ નું જ્ઞાન પચાવી શકે છે.
બંગલામાં માં પડ્યા પડ્યા-ઉપનિષદ ની વાતો કરે તે સારું નથી.-બ્રહમ સત્ય છે-જગત મિથ્યા –છે.
પણ બજાર માં ભાવ બેસી જાય ત્યારે સમજાય છે કે બ્રહ્મ સત્ય છે કે પૈસા?
કલિયુગ માં જ્ઞાન માર્ગે પરમાત્મા નો સાક્ષાત્કાર કરવો કઠણ છે તે વિચારી વ્યાસજી એ ભાગવત ની રચના કરી છે.
સામાન્ય મનુષ્ય જે ચા,પણ સોપારી છોડી શકતો નથી,બે-ચાર કલાક કથામાં છીકણી ની ડબ્બી છોડી શકતો નથી,
તેને કહો કે-કામ છોડો-ક્રોધ છોડો-તો તમને ભગવાન મળશે. તો તે કહેશે કે-એ તો છોડાય તેમ નથી.ભગવાન
મળવાના હશે તો મળશે.
તમે એકદમ બધુ છોડી ના શકો તો હરકત નહિ.ધીરે ધીરે સંયમ-વિવેક ને વધારજો.આ બધુ આપ્યું છે તે પરમાત્માનું છે.
તેનો વિવેક થી ઉપયોગ કરજો.
જે કામસુખ ભોગવે છે તે યોગાભ્યાસ કરી શકવાનો નથી.ભોગી –જો યોગી થવા જશે તો રોગી થશે.
જ્ઞાન માર્ગ માં જેનું પતન થાય છે –તે નાસ્તિક બને છે.
યોગ માર્ગ માં જેનું પતન થાય છે-તે રોગી બને છે.
ભક્તિ માર્ગ માં જેનું પતન થાય છે-તે આસક્ત બને છે.
ભાગવત શાસ્ત્ર ની રચના કલિયુગના જીવો નો ઉદ્ધાર કરવાં માટે કરવામાં આવી છે.
આપણા જેવા સાધારણ જીવો નું કલ્યાણ થાય –તે માટે વ્યાસજી એ ભાગવત ગ્રંથ ની રચના કરી છે.

ભાગવત માહાત્મ્ય (Page 6) 29-08-2014
ભાગવત માં એક નવીન માર્ગદર્શન આપ્યું છે.”અમે ઘર-ધંધો છોડી શકતા નથી”કહેનાર ને ભાગવત શાસ્ત્ર કહે છે કે-
નિરાશ થશો નહિ,સર્વ છોડીને જંગલ માં જવાની જરૂર નથી, જંગલ માં જવાથી જ આનંદ મળે છે,તેવું નથી.
જીવ સર્વ પ્રકારની પ્રવૃત્તિ છોડી ને નિવૃત્તિ માં બેસે છે ત્યારે પ્રવૃત્તિ ના જ વિચાર આવે છે.
તમે બધું ત્યજી શકો તેમ ના હો તો વાંધો નહિ—પણ બધું ય ઠાકોરજી ના ચરણ માં અર્પણ કરીને –એ બધું ભગવાન નું છે-
એમ માનીને –ભગવદાર્પણવૃત્તિ થી –વિવેક -થી ભોગવો.તમારા ઘરમાં જે કઈ છે તે પણ પરમાત્મા ને અર્પણ કરો.
પરમાત્માને અર્પણ કરવાનું એટલે સર્વ મંદિરમાં જજઈ મૂકી આવવાનું?ના…ના..તેવું કરવાનું નથી.પણ
આ જે કઈ છે તે ભગવાન નું છે,મારું નથી-એવી ભાવના રાખી વર્તવાનું છે,આને –આત્મ નિવેદન ભક્તિ -કહે છે.
આત્મ નિવેદન ભક્તિ-એ ભક્તિ નો છેલ્લો પ્રકાર છે.તેનું વર્ણન એકાદશ સ્કંધમાં આવશે.
પ્રભુ એ જે આપ્યું છે-તેનો વિવેકથી સદુપયોગ કરવો એ મહાન પુણ્ય છે,દુરુપયોગ તે પાપ છે.
ભાગવત શાસ્ત્ર નો આદર્શ દિવ્ય છે.
ગોપીઓએ ઘર છોડ્યું નથી-ગોપીઓ ધંધો કરતી હતી. સ્વ-ધર્મ નો ત્યાગ કરી તે વન માં ગઈ નહોતી.તેમ છતાં તે ભગવાન ને
પ્રાપ્ત કરી શકી છે.પ્રહલાદ જી ને ઘરમાં જ પ્રભુ મળ્યા છે.ઘરમાં રહેલા ગૃહસ્થ ને પરમાત્મા ના દર્શન થાય,તેનું મરણ મંગલમય
થાય,એ દ્રષ્ટિ રાખીને ભાગવત ની કથા કરી છે.
ભાગવત શાસ્ત્ર માર્ગદર્શન આપશે કે યોગીને જે આનંદ સમાધિમાં મળે છે તે આનંદ તમે ઘરમાં રહીને મેળવી શકો છો.પણ તમારો
પ્રત્યેક વ્યવહાર ભક્તિમય બનવો જોઈએ.આ જ પુષ્ટિ ભક્તિ છે.ગોપીનો પ્રત્યેક વ્યવહાર ભક્તિમય બનેલો છે.
તેથીજ શુકદેવજી ,ભાગવતમાં ગોપીઓના વખાણ કરે છેએક સન્યાસી મહાત્મા ,ગૃહસ્થી ના વખાણ કરે છે.આ ગોપીઓનો ગૃહસ્થાશ્રમ કેટલો ઉચ્ચ અને આદર્શરૂપ હશે !!!.સન્યાસ ધર્મ સ્વીકારી,બધું ત્યાગીને પરમાત્મા માં એકાકાર થવું એ સહેલું છે,પણ સંસાર માં રહી ભગવતમય બનવું તે કઠિન છે.
ઘર છોડવાથી જ પરમાત્મા મળે એવું નથી.ગોપીઓએ જગતને બતાવ્યું છે કે –ઘરમાં રહીને પણ ભગવાન ના દર્શન થઈ શકે છે.
ગોપીને કેવળ ઘરમાં જ ભગવાન મળે છે એવું નથી,જ્યાં જ્યાં ગોપી જાય ત્યાં ત્યાં તેને ભગવાન દેખાય છે.
ગોપીઓ માનતી,મારા કૃષ્ણ હું જ્યાં જાઉં ત્યાં મારી સાથે છે.વ્રજ માં આવી ગોપીઓના દર્શન કરી ઉદ્ધવ નો જ્ઞાન ગર્વ ઉતરી ગયો હતો.
ગોપી ઓના સત્સંગ માં આવ્યા પછી,ઉદ્ધવ જી કહેવા લાગ્યા—
“નંદબાબા ના આ વ્રજ માં રહેનારી ગોપીઓ નાં ચરણ ની ધૂળને હું વારંવાર પ્રણામ કરું છું.
અરે! આ ગોપીઓએ શ્રી કૃષ્ણની લીલા કથા સંબંધ માં જે કઈ ગાન કર્યું છે,તે ત્રણે લોક ને પવિત્ર કરી રહ્યું છે,
અને સદા સર્વદા પવિત્ર કરતુ રહેશે.”
ગોપીઓ સર્વ માં ભગવાન ને નિહાળે છે.આ ઝાડમાં,લતામાં,ફળમાં,ફૂલમાં મને મારા પ્રભુ દેખાય છે.મારા કૃષ્ણ મને છોડી ને જતાં નથી.
ગોપીઓને ઘરમાં પરમાત્મા નો સાક્ષાત્કાર થયો છે.ભાગવતમાં બતાવ્યું છે કે ઘરમાં રહેજો,તમારા વ્યવહાર કરજો,તો પણ પ્રભુની પ્રાપ્તિ થઇ શકશે.ઘરમાં રહેવું તે પાપ નથી પણ ઘરને મન માં રાખવું તે પાપ છે.ભાન ભૂલીને ઘર માં રહેવું તે પાપ છે.
ઘરમાં રહેજો પણ વિવેક થી.ઘરમાં સાવધાન થઇ ને રહેવાની જરૂર છે.ઘર ભલે નાં છોડો પણ ઘરની મમતા છોડો.
મારું અસલી ઘર જુદું છે,એમ માનીને મનુષ્ય ઘરમાં રહે-તો કોઈ દોષ નથી. ઘરને પ્રભુ નું મંદિર બનાવો.
માનો આ પ્રભુનું ઘર છે,મારું ઘર નથી.માલિક થઈને ભોગવશો નહિ,સેવક થઈને ઉપભોગ કરજો.
ગોપીઓની દિવ્ય-અલૌકિક – પ્રેમલક્ષણા ભક્તિ –નાં માર્ગ નું વ્યાસજી આ ભાગવત માં વર્ણન કરશે,અને તે ભક્તિ દ્વારા પરમાત્મા નો સાક્ષાત્કાર થશે.
ભાગવત તમારો પ્રત્યેક વ્યવહાર ભક્તિમય બનાવશે.ભાગવત વ્યવહાર અને પરમાર્થ નો
સમન્વય કરી આપશે.
સંસાર નાં વિષયસુખમાં વૈરાગ્ય આવે,અને પ્રભુ પ્રત્યે પ્રેમ જાગે તે જ ભાગવતની લીલા કથા નો ઉદ્દેશ્ય છે.
ભાગવત એટલે ભગવાન ને મેળવવાનું સાધન. સંત નો આશ્રય કરનાર સંત બને છે. ભાગવત નો આશ્રય કરનાર ભગવાન જેવો બને છે.
ભક્તિ મંદિર મા નહિ પણ જ્યાં બેસો ત્યાં થઇ શકે છે.તેને માટે દેશ કે કાળ ની જરૂર નથી.ભક્તિ ચોવીસ કલાક કરવાની.
ભક્તિનો સમય અને ભોગ નો સમય –એવો ભેદભાવ રાખે તે ભક્તિ કરી શકતો નથી. ભક્તિ સતત કરો.
ચોવીસ કલાક બ્રહ્મ સંબંધ રાખો.સદા સાવધાન રહો કે માયા સાથે સંબંધ ના થાય.
જયારે વસુદેવજી એ કૃષ્ણ ને મસ્તક પર પધરાવ્યા ,ત્યારે બ્રહ્મસંબંધ થયો,એટલે હાથ-પગની બેડીઓ તૂટી,પરંતુ, યોગમાયાને લઇ પરત આવ્યા,એટલે બંધન આવ્યું. વસુદેવજીને બ્રહ્મસંબંધ થયો પણ તે બ્રહ્મસંબંધ ટકાવી શક્યા નહિ.
બ્રહ્મ સંબંધ ને ટકાવી રાખજો.ઈશ્વરનું સ્મરણ છોડશો નહિ.
વૈષ્ણવો ભગવાન સાથે રમે છે,જીવ જે જે ક્રિયા કરે છે,તે ઈશ્વરને માટે કરે તો, તેની પ્રત્યેક- ક્રિયા -ભક્તિ બને છે.
ભક્તિ નો વિશેષ સંબંધ મન સાથે છે.માનસી પ્રભુ-સેવા શ્રેષ્ઠ છે.સાધુ-સંતો માનસી સેવામાં તન્મય બને છે.
અને -એમ માનસી સેવામાં મન તન્મય થાય -તો જીવ કૃતાર્થ થાય.
ભક્તિમાર્ગ ની આચાર્ય ગોપીઓ છે.તેનો આદર્શ નજર સમક્ષ રાખવો.
જ્ઞાનમાર્ગથી,યોગમાર્ગ થી-જે -ઈશ્વરના આનંદ નો અનુભવ- થાય છે,તે- સહેજે ભક્તિ થી પ્રાપ્ત થાય છે.
યોગીને જે બ્રહ્માનંદ પ્રાપ્ત થાયછે તે આ જીવાત્મા ને અનાયાસે પ્રાપ્ત થાય તે માટે ભાગવતની રચના
કરવામાં આવી છે.
----------------------------------------------------------------------------------
ભાગવત માહાત્મ્ય (Page 7) 29-08-2014
આ ભાગવતમાં ભગવાન નું સ્વરૂપ બતાવ્યું છે,ભગવાન કેવા છે?
પરમાત્મા ના સ્વરૂપનું વર્ણન કરતાં કહ્યું છે કે –તાપત્રય વિનાશાય—
દુઃખ એ મન નો ધર્મ છે,આત્મા નો નથી.
મનુષ્ય દુઃખ મા ઈશ્વર નું સ્મરણ કરે એટલે પરમાત્મા સાથે અનુસંધાન થાય છે.અને આનંદ મળે છે.
પરમાત્મા નું શરીર ભલે કોઈ વાર સુંદર ન હોય(કુર્માવતાર,વરાહ અવતાર મા શરીર સુંદર નથી.)
પણ પરમાત્મા નો સ્વભાવ અતિ સુંદર છે.બીજાનું દુઃખ દુર કરવાનો પરમાત્મા નો સ્વભાવ છે.તેથી ભગવાન વંદનીય છે.સ્વભાવ અને સ્વરૂપ બંને જેના સુંદર તે ઈશ્વર.
તાપત્રય વિનાશાય—
ત્રણ પ્રકારના તાપ-આધ્યાત્મિક,આધિદૈવિક અને અધિભૌતિક-નો નાશ કરનાર શ્રી કૃષ્ણ ને અમે વંદન કરીએ છીએ.
ઘણા કહે છે કે વંદન કરવાથી શો લાભ? વંદન કરવાથી પાપ બળે છે.
પણ વંદન એકલા શરીર થી નહિ ,મન થી પણ વંદન કરો. એટલેકે શ્રી કૃષ્ણ ને હૃદયમાં પધરાવો.અને તેમને પ્રેમ થી નમન કરો. વંદન પ્રભુ ને બંધન મા નાખે છે,વશ કરે છે.
ભગવાન ને હાથ જોડવા –મસ્તક નમાવવું એટલે શું? હાથ એ ક્રિયાશક્તિ નું પ્રતિક છે.અને મસ્તક એ બુદ્ધિ શક્તિનું.
વંદન કરવું એટલે ક્રિયાશક્તિ અને બુદ્ધિ શક્તિ નું પ્રભુને અર્પણ કરવું તે. હું મારા હાથે સત્કર્મ કરીશ અને મારી બુદ્ધિ (પ્રભુ)આપને અર્પણ કરું છું,આપ કહેશો તેમ હું કરીશ,–આવો ભાવ- વંદન- નો છે.
દુઃખ મા સાથ આપે તે ઈશ્વર,સુખમાં સાથ આપે તે જીવ. ઈશ્વર સદા દુઃખ મા જ સાથ આપે છે.
પાંડવો દુઃખ મા હતા ત્યાં સુધી જ શ્રી કૃષ્ણે મદદ કરી છે,પાંડવો ગાદી પર બેઠા એટલે શ્રી કૃષ્ણ ત્યાંથી ગયા છે.
ઈશ્વર જેને જેને મળ્યા છે તે દુઃખ માં જ. આથી ઈશ્વરનું સતત મનન કરો.
મનુષ્ય જેટલો સમય પૈસા મેળવવા પ્રયત્ન કરે છે,તેથી પણ ઓછો પ્રયત્ન જો ઈશ્વર માટે કરે તો જરૂર ઈશ્વર મળે.
વારંવાર હૃદય થી વંદન કરવાથી –અભિમાન- મરે છે,પ્રભુને તે જીવ પર દયા આવે છે. વંદન કરવાથી ભગવાન સાથે બ્રહ્મ સંબંધ થાય છે,વધુ શું કહું? શ્રીકૃષ્ણ ને પ્રણામ કરનાર નો પુનર્જન્મ થતો નથી.
ઘરમાંથી બહાર નીકળતાં અને ઘરમાં પ્રવેશતા ઠાકોરજી ને વંદન કરો.ઈશ્વર પ્રેમ માગે છે ને પ્રેમ આપે છે.
આ જીવ નો સ્વભાવ એવો છે કે પ્રભુને વંદન કરતો નથી. ઘરમાં દાખલ થાય છે ત્યારે પત્ની ઘરમાં ના હોય તો પોતાના બાળક ને પૂછે છે કે-તારી બા ક્યાં ગઈ?પણ એની શી જરૂર છે?બહાર ગઈ હોય તો રામ રામ કરને—–.
રસ્તે ચાલતા પણ મનથી વંદન કરો.ઈશ્વર સાથે એવો સંબંધ રાખો કે નિત્ય અનુભવ થાય કે ,પ્રભુ,નિત્ય મારી સાથે છે.
જીવ ઈશ્વર થી થોડી પળ પણ દુર થાય તો જીવ ની છાતી પર વિષયો ચડી બેસે છે.ભક્તો(વૈષ્ણવો) કોઈ દિવસ એકલા ફરતા નથી, તે હંમેશા ઠાકોરજીને સાથે રાખીને જ ફરે છે.
પ્રત્યેક કાર્ય ના આરંભ માં પ્રભુને વંદન કરો. પરમાત્મા ને પ્રસન્ન કરવાની કોઈ વસ્તુ આ જીવ પાસે નથી.જીવ ખાલી પ્રેમ થી પરમાત્મા ને પ્રણામ કરે તો પરમાત્મા પ્રસન્ન થાય છે.
પ્રણામ થી પ્રસન્ન થાય તે પરમાત્મા અને પદાર્થ થી પ્રસન્ન થાય તે જીવ. જીવ બીજું કઈ ના કરે-પણ પ્રભુને વંદન તો જરૂર કરે.
હું પ્રભુનો ઋણી છું,તમારા મારા પર અનંત ઉપકાર છે,નાથ,તમને બીજું તો હું શું આપી શકું?આપનાં ચરણ માં વારંવાર વંદન કરું છું. ભગવાન ના ઉપકારો નું સ્મરણ કરો અને કાર્ય નો આરંભ કરતાં પહેલા, તેમને વંદન કરો.
આનંદ રૂપ પ્રભુને વંદન કરશો તો તમારામાં આનંદ પ્રગટ થશે. કેસર અને કપૂર નો સ્પર્શ કરશોતો સૂક્ષ્મ રૂપે તેની સુવાસ હાથ માં આવશે. પ્રભુ આનંદ રૂપ છે,આનંદ રૂપ પરમાત્માને મનથી સ્પર્શ કરવાથી થી મન ને આનંદ મળે છે.તે પરમાત્મા ને વંદન કરવાથી,સર્વ દુઃખો નો નાશ થાય છે.
પ્રભુ એ આપણા પર કેટકેટલા ઉપકાર કર્યા છે ! બોલવા,ખાવા જીભ આપી,જોવા આંખ આપી,સંભાળવા કાન આપ્યા,વિચાર કરવા મન, બુદ્ધિ અને વિચારશક્તિ આપી. ઈશ્વરના ઉપકારો યાદ કરીને કહો કે-ભગવાન,હું તમારો ઋણી છુ,આવી ભાવના સાથે વંદન કરો.મારા પ્રભુએ મારા પર કૃપા કરી છે,અને હું સુખી છું.મારા પાપ અનંત છે,પણ નાથ તમારી કૃપા પણ અનંત છે.
વિચાર કરો—કે મને પ્રભુ એ આપ્યું છે તેના માટે હું લાયક છુ?
જીવ લાયક નથી તો પણ પ્રભુ એ ઘણું આપ્યું છે,
નાથ,આપના અનંત ઉપકાર છે.નાથ તેનો બદલો હું આપી શકું તેમ નથી.માત્ર આપને વંદન કરું છું.
જે એમ વિચારે છે કે-મારા કર્મ થી મને માન અને ધન મળ્યા છે,તે અભિમાની છે,તે ભક્તિ કરી શકે નહિ.
પણ હૃદય થી દીન બનો.વંદન કરવાથી અભિમાન નો ભાર ઓછો થાય છે.ઠાકોરજીમાં બિલકુલ ભાર નથી કારણકે તેમનામાં અભિમાન નથી.
ભાગવતનો આરંભ વંદન થી કર્યો છે,અને સમાપ્તિ પણ વંદન થી કરી છે.
કથાના આરંભ માં એકલા કૃષ્ણ ને વંદન કર્યા નથી.પણ કહ્યું છે કે -શ્રી કૃષ્ણાય વયં નમઃ
શ્રી નો અર્થ છે રાધાજી. રાધાજી પ્રેમ સ્વરૂપ છે. ભાગવત માં એવું લખ્યું છે કે-કૃષ્ણ ને કોઈ કોઈ વાર ક્રોધ આવે છે.પણ રાધાજી દયાની મૂર્તિ છે,તેમને કોઈ પર ક્રોધ આવતો નથી. જીવ ગમે તેવો દુષ્ટ હોય,પાપી હોય પણ રડતાં રડતાં –
‘શ્રી રાધે-શ્રી રાધે’ બોલવા લાગે તો રાધાજી કૃપા કરે છે. રાધાજીની કૃપા વગર જીવ ભગવાન પાસે જઈ શકતો નથી.
ભગવાન ની -કૃપા શક્તિ- એ જ રાધા છે. આપણા શાસ્ત્ર માં –શક્તિ-સાથે –પરમાત્મા ની પૂજા કરવાનું બતાવ્યું છે.
દંડકારણ્યમાં ફરતા એકલા રામજીની પૂજા કરવાની નહિ પણ સીતાજી સાથે સિંહાસન પર બિરાજતા સીતા-રામ ની પૂજા કરવાની છે. અત્રે રાધાજી સાથે વિરાજતા રાધા-કૃષ્ણ ને કથાના આરંભ માં વંદન કર્યા છે. પછી ભાગવતના પ્રધાન વક્તા શ્રી શુકદેવજી ને વંદન કર્યા છે.
વંદન કરી-તમારી ક્રિયાશક્તિ અને બુદ્ધિશક્તિ નું અર્પણ કર્યા પછી, કોઈ અઘટિત કાર્ય ન કરવું કે ન વિચારવું. વાંચે અને વિચારે તેના કરતાં જીવન માં ઉતારે તે શ્રેષ્ઠ છે.
વેદન કા અંત નહિ ઔર પુરાણો કા પાર નહિ—
મનુષ્ય જીવન થોડું છે,અને શાસ્ત્રો નો પાર નથી.પરંતુ –એક-ને એટલે ઈશ્વરને જાણો-એટલે સઘળું જાણી જશો.
કલિયુગ નો માણસ થોડા સમયમાં પણ ભગવાન ને પ્રાપ્ત કરી શકે-એ-બતાવે છે ભાગવત શાસ્ત્ર માં.
સુતજી કહે છે—સાત દિવસ માં પરિક્ષિતે સદગતિ પ્રાપ્ત કરી તે મે નજરે જોયું છે.
પરિક્ષિત નો ઉદ્ધાર થયો પણ આપણા સર્વ નો ઉદ્ધાર કેમ થતો નથી?
પરિક્ષિત જેવા શ્રોતા થવું જોઈએ અને વક્તા એ શુકદેવજી જેવા થવું જોઈએ.—તો ઉદ્ધાર થાય.
આપણે સર્વ પરિક્ષિત છીએ. આ જીવ ગર્ભમાં આવ્યો ત્યારે જેને મારી રક્ષા કરેલી-તે ચતુર્ભુજ સ્વરૂપવાળો પુરુષ ક્યાં છે?ક્યાં છે? તેમ વિચારી ઈશ્વરને સર્વ માં જોનાર જીવ—તે પરિક્ષિત.
પરિક્ષિત એટલે ભગવાન ના દર્શન કરવા આતુર થયેલો છે-તેવો -જીવ.
પરીક્ષિત ની આતુરતા નું એક કારણ હતું. તેને ખબરપડી હતી કે સાત દિવસ માં મારું મૃત્યુ થવાનું છે.
તક્ષક નાગ કરડવાનો છે.
જીવ માત્ર ને તક્ષક નાગ કરડવા આવવાનો છે. તક્ષક એ કાળ નું સ્વરૂપ છે-તેમ ભાગવત ના એકાદશ સ્કંધ માં કહ્યું છે.
કાળ તક્ષક કોઈને છોડતો નથી, તે સાતમે દિવસે જ કરડે છે. સાત વાર માંથી એક વારે –તો અવશ્ય તે કરડવાનો જ.
આ સાતમાં થી કોઈ એક વાર આપણા માટે નક્કી જ છે !! તો પરીક્ષિત ની જેમ કાળ ને ભૂલશો નહિ.
કોઈ પણ જીવ ને કાળ ની બહુ બીક લાગે છે. મનુષ્ય તો શું? પણ સ્વર્ગના દેવો –અરે બ્રહ્માજીને પણ કાળ નો ડર લાગે છે.
ભાગવત મનુષ્ય ને નિર્ભય બનાવે છે. ભાગવત માં લખ્યું છે કે-ધ્રુવજી મૃત્યુના માથા પર મુકીને-મૃત્યુ પર વિજય મેળવીને- વૈકુંઠ માં ગયા છે.
પરીક્ષિત રાજા સમાપ્તિ માં બોલ્યા છે-કે- હવે મને કાળ ની બીક નથી.
ભાગવત સાંભળ્યા પછી,પરમાત્મા સાથે પ્રેમ કરે તેને કાળ ની બીક લગતી નથી. પ્રભુ પ્રીતિ વગર કાળની ભીતિ જતી નથી.
ભાગવત નો આશ્રય કરે તે નિર્ભય બને છે. પરમાત્મા શ્રી કૃષ્ણ ના ચરણોનો નો આશ્રય કરવાથી જીવ નિર્ભય બને છે.
લોકો મૃત્યુ ને અમંગળ માને છે, પરંતુ તે અમંગળ નથી. જે દુઃખ માંથી મનુષ્ય ને ડોક્ટર કે વૈદ્ય છોડાવી શકતા નથી, તે દુઃખ માંથી મૃત્યુ આપણને છોડાવે છે. મૃત્યુ એ પરમાત્મા નો સેવક છે—એટલે તે પણ મંગળ છે.
ઠાકોરજીને થાય કે –મારો દીકરો લાયક થયો કે નહિ?-તે જોવા માટે મૃત્યુ ને આજ્ઞા કરે છે કે તે જીવ ને પકડી લાવ.
જેને પાપનો વિચાર સુધ્ધાં આવતો નથી, તેનું મૃત્યુ મંગળમય થાય છે.
જીવન માં મનુષ્ય મરણ ની –સાચી બીક- રાખતો નથી, તેથી તેનું જીવન બગડે છે, મરણ બગડે છે.
અંત કાળ માં મનુષ્ય ને જે ગભરામણ થાય છે-તે –કાળ ની નહિ, પણ પોતે કરેલા પાપોની યાદથી તે ગભરામણ થાય છે.
પાપ કરતી વખતે મનુષ્ય ડરતો નથી. ડરે છે ત્યારે કે જયારે પાપની સજા થવાનો વખત આવે છે.
વ્યવહારમાં લોકો એકબીજાની ભીતિ રાખે છે. મુનીમ-શેઠની,કારકુન-અમલદારની,પુત્ર-પિતાની –વગેરે,
ત્યારે મનુષ્ય ઈશ્વરનો ડર રાખતો નથી. તેથી તે દુઃખી થાય છે.
હું ભગવાન નો છું, તેવું સતત જેને અનુસંધાન રહે તેના હાથે પાપ થતું નથી. કાળના પણ કાળ પરમાત્મા છે. તે પરમાત્મા નો
હું અંશ છુ, તેમ મનુષ્ય સમજે તો –તેને કાળ ની બીક રહેશે નહિ.
જ્યાં ભેદ છે ત્યાં ભય છે. જ્યાં અભેદ છે ત્યાં અભય છે.
મોટો અમલદાર હોય પણ તેની પત્ની ને તેની બીક લગતી નથી. કારણ બંને એક છે.
પરીક્ષિતે સમાપ્તિ માં કહ્યું છે કે—મારો ભેદ-ભાવ નષ્ટ થયો છે. મને હવે કાળની બીક લાગતી નથી,જે મારામાં છે,તે જ તક્ષક માં છે. તક્ષક પ્રત્યે મને જરા પણ કુભાવ નથી. તક્ષક માં પણ અંશ રૂપે શ્રી કૃષ્ણ વિરાજ્યા છે. મારા પરમાત્મા ચાર હાથ વાળા છે, તે ચારે બાજુ થી મારું રક્ષણ કરે છે. તેઓ મારી સાથે છે.
પરમાત્મા ને નિત્ય સાથે રાખશો તો કાળની બીક લાગશે નહિ.
થોડા પૈસા ખિસ્સામાં હોય તો મનુષ્ય ને હિમત રહે છે,ત્યારે નિત્ય પરમાત્માને સાથે રાખીને ફરે એ નિર્ભય બને તેમાં શું આશ્ચર્ય??
ભીતિ વગર પ્રભુ માં પ્રીતિ થતી નથી. કાળ નો ડર રાખો. કાળની,મરણ ની ભીતિ થી પ્રભુ માં પ્રીતિ થાય છે.
--------------------------------------------------------------------------------------
ભાગવત માહાત્મ્ય (Page 8) 30-08-2014
મનુષ્ય કાયમ કાળની બીક રાખે તો તેના હાથે પાપ થશે નહિ. નિર્ભય થવું હોય તો પાપ કરવાનું છોડી દેજો.
ભાગવત શાસ્ત્ર આપણ ને નિર્ભય બનાવે છે.
કામ નો નાશ કરી, ભક્તિમય-પ્રેમમય જીવન ગાળે તો- કાળ પર વિજય પ્રાપ્ત થાય છે.
કામ ને મારે તે કાળ નો માર ખાતો નથી.
કાળ –તક્ષક- કોઈને છોડતો નથી. કોઈની પર તેને દયા આવતી નથી. માટે આ જન્મ માં જ કાળ પર વિજય મેળવો.
જયારે જન્મ થાય છે ત્યારે જ મૃત્યુ નો સમય,સ્થળ અને મૃત્યુ નું કારણ નક્કી કરવામાં આવે છે.
અંત કાળ માં મનુષ્ય ને પુણ્ય નું સ્મરણ થતું નથી, પાપનું સ્મરણ થાય છે.પુણ્ય નું સ્મરણ થાય તો મુક્તિ મળે છે.
અંતકાળે તીર્થ યાત્રામાં જે કઈ સત્કર્મ કર્યું હોય, ઘરમાં જે કઈ પુણ્ય કર્યું હોય તે યાદ આવતું નથી, તેનું કારણ એક જ છે કે- પુણ્ય કરે ત્યારે મનુષ્ય ગાફેલ રહે છે, જયારે પાપ કરવામાં મનુષ્ય સાવધ રહેતો હોય છે.
પુણ્ય માં પૈસા નું,વિદ્યા નું અભિમાન હોય છે.ઠાકોરજી આપે છે, તમે આપતા નથી-એ ભાવના સાથે તમે દાન કરો તો દાન નું હજાર ગણું પુણ્ય મળે છે.
પરંતુ પાપ કરવામાં મનુષ્ય જેટલો સાવધ રહે છે તેટલો પુણ્ય કરવામાં સાવધ રહેતો નથી.
પાપ જાહેર થશે તો જગતમાં ખોટું દેખાશે. પાપ -એકાગ્ર ચિત્ત- થી કરે છે, એટલે જ અંતકાળે તેને પાપ નું સ્મરણ થાય છે. તેથી અંતકાળ માં જીવ ગભરાય છે. મેં મરવાની તૈયારી કરી નથી, મારું હવે શું થશે?
મનુષ્ય સર્વ કાર્ય માટે તૈયારી કરે છે પણ મરવાની તૈયારી તે કરતો નથી. લગ્ન ની તૈયારી કરો છો તેમ ધીરે ધીરે મરણ ની પણ તૈયારી કરજો. મૃત્યુ માટે સાવધાન રહેજો.
મૃત્યુ એટલે પરમાત્મા ને– જીવન નો હિસાબ આપવાનો પવિત્ર દિવસ.
ભગવાન પૂછશે-મેં તને બધું આપ્યું હતું તેનું શું કર્યું? આંખ-કાન વગેરેનો શો ઉપયોગ કર્યો?
ભગવાન કોઈ ગરીબ ને એમ નહિ પૂછે-કે-તે કેટલું દાન કર્યું?
મેં તને ધન નહિ આપેલું એટલે દાન તો તું ક્યાંથી કરી શકે? પણ મેં તને મન તો આપ્યું હતું ને? જીભ તો આપી હતી ને?
આ હિસાબ માં જો ગડબડ હોય તો ગભરામણ થાય છે.
સાધારણ ઇન્કમટેક્ષ ઓફિસરને હિસાબ આપવાનો હોય છે,તો પણ મનુષ્ય ઠાકોરજી ના દર્શન કરવા જાય છે.
હે,પ્રભુ,મેં ચોપડા જુદા જુદા બનાવ્યા છે,તો જરા ધ્યાન રાખજો.
એક વર્ષ નો હિસાબ આપવામાં આટલી ગભરામણ તો—આખા જીવનનો હિસાબ આપતી વખતે શું દશા થશે?
તમે મનુષ્ય ને છેતરી શકશો,પણ ભગવાન ને છેતરી શકશો નહિ.
મરણ ને સુધારવું હોય તો પ્રતિક્ષણ ને સુધારજો. પરમાત્મા એ જે આપેલું છે તેનો સદુપયોગ કરવો તે પુણ્ય છે. અને તેનો દુરુપયોગ તે પાપ છે.
આંખનો,મનનો,ધનનો વાણી નો –સર્વ નો સદુપયોગ કરો તો જીવન અને મરણ બંને સુધરે.
પ્રતિ ક્ષણે ઈશ્વરનું સ્મરણ રાખે તેનું મરણ સુધરે. ભાગવત મરણ સુધારે છે.
રોજ સ્મશાને જવાની જરૂર નથી, પણ સ્મશાન ને રોજ યાદ કરવાની જરૂર છે.
શંકર ભગવાન સ્મશાન માં વિરાજે છે.શંકર ભગવાન જ્ઞાન ના દેવ હોવાથી સ્મશાન માં રહે છે.
સ્મશાન એ જ્ઞાન ભૂમિ છે.સ્મશાન માં સમભાવ જાગે છે-તેથી જ્ઞાન પ્રગટ થાય છે.તેથી તે જ્ઞાનભૂમિ છે.
સમભાવ જાગે તેનું નામ સ્મશાન. સ્મશાન માં કોઈ પણ આવે—રાજા આવે કે રંક, મૂર્ખ કે વિદ્વાન- દરેક ના શરીર ની રાખ જ થાય છે.
સમભાવ એટલે વિષમ ભાવનો અભાવ. સમભાવ એટલે જ ઈશ્વરભાવ.
મનુષ્ય સર્વ માં સમભાવ રાખી વ્યવહાર કરે તો તેનું મરણ સુધરે. સર્વ માં ઈશ્વરભાવ જાગે તો જીવ દીન બને. અને પરમાત્મા ને પ્રસન્ન કરવાનું સાધન દીનતા પણ છે.
મનુષ્ય ને અમર બનવું છે.ભાગવત ની કથા અમર છે. અમર કથાનો આશ્રય કરે તે અમર બને છે.
પરીક્ષિત,શુકદેવજી અમર છે. ભાગવતની કથા ભક્તિરસ નું દાન કરે છે.
મીરાંબાઈ દ્વારકાધીશ માં અને ગૌરાંગ પ્રભુ ભક્તિ થી સદેહે જગદીશમાં સમાઈ ગયા અને અમર બન્યા છે.
ભાગવતની કથા સાંભળો—અનાયાસે સમાધિ લાગશે.યોગ-તાપ વિના ભગવાન ને મેળવવાનું સાધન છે –ભાગવત શાસ્ત્ર.
ભાગવત ભગવાન એવા સરળ છે કે તે બધાં સાથે બોલવા તૈયાર છે. જયારે પ્રભુ અધિકારી સાથે જ બોલે છે.
ભાગવત શાસ્ત્ર મનુષ્ય ને નિસંદેહ બનાવે છે.આ કથા માં બધું આવી જાય છે,
બુદ્ધિ નો પરિપાક,જ્ઞાન નો પરિપાક,જીવન નો પરિપાક –વગેરે થયા પછી-પરમાત્મા ની પ્રેરણા થી વ્યાસજી એ આ ગ્રંથ ની રચના કરી છે. વ્યાસ નારાયણ એ શ્રીકૃષ્ણ નો જ્ઞાનાવતાર છે.વ્યાસજી સમાન કોઈ બુદ્ધિશાળી થયો નથી અને થવાનો નથી.
કોઈ પ્રશ્ન એવો નથી જેનો જવાબ ભાગવતમાં વ્યાસજીએ ન આપ્યો હોય.
ભગવાન ના નામનો જપ કરતાં પ્રેમ થી આ કથા શ્રવણ કરજો.તમે નિસંદેહ થશો.તેના શ્રવણ થી આસ્તિક ને માર્ગદર્શન મળશે, નાસ્તિક હશે તો આસ્તિક થશે.
શુકદેવજી જેવા આત્મારામ મુનિ એ સર્વસ્વ છોડ્યું પણ આ કથા છોડી નહિ,કૃષ્ણ કથા માં પાગલ બન્યા છે.
સિદ્ધ,આસ્તિક,નાસ્તિક,પામર—દરેક ને આ કથા –દિવ્ય જીવન –નું દાન કરે છે.વ્યવહારનું જ્ઞાન પણ ભાગવતમાં આવશે.
ભાગવત માં જ્ઞાનયોગ,કર્મયોગ,સમાજ ધર્મ, સ્ત્રીધર્મ, આપદ ધર્મ, રાજનીતિ –વગેરેનું જ્ઞાન ભર્યું છે.
આ એક જ એવું શાસ્ત્ર છે કે –જેનું શ્રવણ-મનન કર્યા પછી કઈ જાણવાનું બાકી રહેતું નથી.
સાધક ને સાધના માર્ગ માં કેવા સંશયો આવે છે તે વિચારીને,વ્યાસજીએ આ કથા કરેલી છે.
શુકદેવજી મહારાજ કથા એવી કરે છે કે –તે સાંભળ્યા પછી કોઈ શંકા રહેતી જ નથી.
સમાપ્તિ માં શુકદેવજી એ પ્રશ્ન કર્યો છે-રાજન,હવે તારે વિશેષ સંભાળવાની ઈચ્છા છે? હજુ તને કોઈ શંકા હોય તો પ્રશ્ન કર. ત્યારે પરીક્ષિતે કહ્યું-મારા મન માં હવે કોઈ શંકા નથી, મને કોઈ બીક નથી,હું હવે નિર્ભય થયો છું.
વ્યાસાશ્રમ માં આરંભ માં વ્યાસજી એ ગણપતિ મહારાજ નું આવાહન કર્યું એટલે ગણપતિ મહારાજ પ્રગટ થયા. વ્યાસજીએ કહ્યું-મારે ભાગવત શાસ્ત્ર ની રચના કરવી છે. પણ લખે કોણ?
ગણપતિ કહે-હું લખવા તૈયાર છું.પણ એક ક્ષણ પણ નવરો નહિ બેસું.
ગણપતિની વાહન ઉંદર છે. ઉંદર એટલે ઉદ્યોગ. ઉદ્યોગ પર બેસે તેની સિદ્ધિ-બુદ્ધિ દાસી થાય છે.
સતત ઉદ્યોગ કરો તો –રિદ્ધિ-સિદ્ધિ –તમારી દાસી થશે. એક ક્ષણ પણ ઈશ્વરના ચિંતન વગર બેસશો નહિ.
પ્રત્યેક કાર્ય ના આરંભ માં ગણપતિની પૂજા કરવામાં આવે છે. ગણપતિ વિઘ્નહર્તા છે. ગણપતિ નું પૂજન કરવું એટલે જીતેન્દ્રિય થવું. ગણપતિ કહે છે કે-હું નવરો બેસતો નથી. જે નવરો બેસતો નથી તેનું અમંગળ થતું નથી.
ગણપતિ મહારાજ થયા છે લેખક અને વ્યાસજી થયા છે વક્તા. ગણપતિ એ કહ્યું –હું એક પળ પણ નવરો નહિ બેસું.
ચોવીસ કલાક તમારે કથા કરવી પડશે. ત્યારે વ્યાસજી એ કહ્યું-હું જે બોલું છું તે યોગ્ય છે કે અયોગ્ય-તે વિચારી- વિચારપૂર્વક લખજો. સો શ્લોક થાય એટલે વ્યાસજી એક કૂટ-શ્લોક મુકે છે. તે વિચાર કરવામાં ગણપતિને સમય લાગે,ત્યાં વ્યાસજી પોતાના બીજાં કાર્યો પતાવી લે છે.
ભાગવતમાં અનેક વાર એવા પ્રસંગો આવે છે,તેનો વક્તા-શ્રોતા વિચાર કરે.તેનો લક્ષ્યાર્થ શું છે?
લખ્યું છે કે-ચિત્રકેતુ રાજાને એક કરોડ રાણીઓ હતી.
સંસારના વિષયો મનમાં રાખે છે તે જ ચિત્રકેતુ છે.સંસાર ના સર્વ ચિત્રો જેના મન માં બેસી ગયાં છે, તે ચિત્રકેતુ છે.
તે મન જયારે સંસારમાં તન્મય બને છે, ત્યારે તેની મનોવૃત્તિ કરોડ ગણી બને—એટલે એક કરોડ રાણી સાથે રમણ કરે છે, તેવો ઉદ્દેશ છે.
કોઈ વાર વ્યાસજી અતિશયોક્તિ પણ કરે છે. લખ્યું છે કે-
હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપ ના રોજ ચાર હાથ વધતા. ગણપતિ દાદા એ વિચાર કર્યો-કે- આમ રોજ ચાર હાથ વધે તો શું દશા થાય? ઘરનું છાપરું તોડવું પડે. તેના મા-બાપ ની શું દશા થાય? આજે સિવડાવેલ ઝભલું કાલે કામ ના આવે.!!! દહાડે દહાડે લોભ વધે છે –તે તત્વ બતાવવાનો –આનો ઉદ્દેશ છે.
સત્કર્મ માં વિઘ્ન આવે છે,તેથી સાત દિવસનો કથાનો ક્રમ બતાવ્યો છે. સુત અને શૌનકાદિક ની કથા એક હજાર વર્ષ ચાલેલી. વિઘ્ન ના આવે તે માટે વ્યાસજી પ્રથમ –શ્રી ગણેશાય નમઃ-ગણપતિ ને વંદન કરે છે. તે પછી સરસ્વતીને વંદન કરે છે. સરસ્વતી ની કૃપા થી મનુષ્ય માં સમજ આવે છે. સદગુરુને વંદન કરે છે. તેપછી ભાગવત ના પ્રધાન દેવ શ્રી કૃષ્ણ ને વંદન કરે છે.
ભાગવત ની રચના થયા પછી,ગ્રંથ નો પ્રચાર કોણ કરશે તેની વ્યાસજી ને ચિંતા થઇ.
વૃદ્ધાવસ્થા માં મેં આ ગ્રંથ ની રચના કરી છે(એટલે પોતે આ ગ્રંથ નો પ્રચાર કરી શકવાના નથી.) તો આ ગ્રંથ હું કોને આપું? ભાગવત મેં માનવસમાજ ના કલ્યાણ માટે બનાવ્યું છે. ભાગવત ની રચના કર્યા પછી મેં કલમ મૂકી દીધી છે.
બહુ બોલ્યા-બહુ લખ્યું, હવે સંપૂર્ણ પણે ઈશ્વર સાથે સંબંધ જોડીશ. પ્રભુ થી વિખુટા પડેલ જીવો મારા શ્રીકૃષ્ણ ના સન્મુખ આવે તેમતે મેં ભાગવતશાસ્ત્ર બનાવ્યું છે. ભાગવત એ પ્રેમ શાસ્ત્ર છે, પ્રેમશાસ્ત્ર નો પ્રચાર જે અતિ વિરક્ત હોય તે જ કરી શકે. સંસાર ના જડ પદાર્થો સાથે જે પ્રેમ કરે તે ભાગવત નો પ્રચાર કરી શકે નહિ.
જ્ઞાન કરતાં શ્રીકૃષ્ણ –પ્રેમ –જ શ્રેષ્ઠ છે. પુસ્તક વાંચવાથી જ્ઞાની થવાય પણ પ્રભુ પ્રેમી થવાતું નથી. અને પ્રભુપ્રેમી થયા વિના જ્ઞાન માં દઢતા આવતી નથી. જીવન કૃતાર્થ થતું નથી.
શ્રીકૃષ્ણ સિવાય બીજા કોઈને પ્રેમ કરનાર આ કથા નો અધિકારી નથી.
આવો કોણ મળે??સંસાર ના કોઈ વિષયો પ્રત્યે રાગ ના હોય તેવો જન્મ થી વૈરાગી કોણ મળે??
સંસાર સુખ ભોગવ્યા પછી ઘણાને વૈરાગ્ય આવે છે,પણ જન્મ થી વૈરાગ્ય અપનાવેલું હોય તેવો કોણ મળે?
કોઈ લાયક પુત્ર ને આ જ્ઞાન આપી દઉં, જેથી તે જગતનું કલ્યાણ કરે. આ વિચારે વૃદ્ધાવસ્થામાં વ્યાસજી ને પુત્રેષણા જાગી છે.
ભગવાન શંકર વૈરાગ્યનું સ્વરૂપ છે.રાધા-કૃષ્ણ,લક્ષ્મી-નારાયણ –બધાં સાથે વિરાજે છે. પણ શંકર –પાર્વતી સાથે વિરાજતા નથી. એતો વિષ્ણુ ભગવાને બહુ આગ્રહ કર્યો એટલે-લગ્ન કર્યા. પણ પાર્વતી ને કહ્યું— તમે ધ્યાન કરો –અને હું પણ ધ્યાન કરું.
વ્યાસજી એ વિચાર્યું-શિવજી ની મારા પર કૃપા કરે અને મારે ત્યાં પુત્ર રૂપે આવે,તો આ કાર્ય થાય.
રુદ્ર નો જન્મ છે પણ મહારુદ્ર નો જન્મ નથી. ભગવાન શિવ પરબ્રહ્મ છે. તેમનો જન્મ નથી.
શિવજી મહારાજ જન્મ ધારણ કરે તો આ ભાગવત નો પ્રચાર કરે.
ભગવાન શંકર નિરપેક્ષ છે.જગતને જેની અપેક્ષા છે,તેનો શિવજી ત્યાગ કરે છે.
ગુલાબના ફૂલ માટે કોઈ ઝગડો કરે પણ ધંતુરા ના ફૂલ માટે ઝગડો થાય ખરો ?
વ્યાસજી એ શંકર ની આરાધના કરી. શિવજી મહારાજ પ્રસન્ન થયા.વ્યાસજી એ માગ્યું—
સમાધિ માં જે આનંદ આપ ભોગવો છે,તે જગતને આપવા મારે ઘેર પુત્ર રૂપે પધારો.
ભગવાન શંકર ને આ સંસારમાં આવવાનું ગમતું નથી. સંસારમાં માં એકવાર આવ્યો તેને ક્રોધ થપ્પડ મારે છે,કામ થપ્પડ મારે છે. સંસારમાં આવ્યા પછી માયા વળગે છે. કોલસાની ખાણ માં જાય તો હાથ પગ કાળા થયા વગર રહેતા નથી.
માયા થી દૂર રહેવું તે નિવૃત્તિ ધર્મ નો આદર્શ છે. શિવજી નિવૃત્તિ ધર્મ ના આચાર્ય છે.
માયા સાથે હોવા છતાં -માયાથી આશક્ત ન થવું -તે શ્રીકૃષ્ણ બતાવે છે.અ શ્રીકૃષ્ણ પ્રવૃત્તિ ધર્મ ના આચાર્ય છે.
તેઓ કહે છે કે-માયા સાથે રહેવું પણ માયા થી અલિપ્ત રહેવું.
શિવજી કહે છે કે—ના-ના-માયાથી અલિપ્ત નહિ –માયા થી દૂર રહેવું-એ જ વધારે સારું છે.
વધારે અવતાર –શિવજી ના કે બ્રહ્મા ના થતા નથી,શ્રીકૃષ્ણ ના અવતાર વિશેષ થાય છે.જગતનું રક્ષણ કરવાનું કાર્ય શ્રીકૃષ્ણ નું છે. તેથી ,શ્રી કૃષ્ણ ના અવતાર વિશેષ છે. શિવજી ને અવતાર ધારણ કરવાની ઈચ્છા નથી.
વ્યાસજી એ કહ્યું,-મહારાજ તમને આવવું નથી ગમતું, પણ અનેક જીવો નું કલ્યાણ કરવા આપ આવો.
તમને માયા શું અસર કરી શકવાની હતી ?
શિવજી એ વિચાર્યું—સમાધિ માં જે બ્રહ્માનંદ નો અનુભવ કરું છું-તે જગતને ના આપું તો એકલપેટો કહેવાઉં. મારે જગતને સમાધિના આનંદ નું દાન કરવું છે. શિવજી અવતાર લેવા તૈયાર થયા.
શિવકૃપા થી વાટીકાજી ને ગર્ભ રહ્યો છે. શુકદેવજી ભગવાન શિવ નો અવતાર હતા,એટલે જન્મ થી પૂર્ણ નિર્વિકાર છે.
શુકદેવજી ના જન્મ ની કથાઓ અન્ય પુરાણો માં છે. શુકદેવજી સોળ વર્ષ સુધી મા ના પેટમાં રહ્યા છે.
મા ના પેટમાં સોળ વર્ષ સુધી સતત પરમાત્મા નું ધ્યાન ધર્યું છે.
વ્યાસજી કહે છે કે-બેટા તારી મને બહુ ત્રાસ થાય છે, બહાર આવ-તું બહાર કેમ આવતો નથી ?
શુકદેવ જી એ જવાબ આપ્યો- હું સંસાર ના ભય થી બહાર આવતો નથી,મને માયાની બીક લાગે છે.
વ્યાસજી એ કહ્યું-કે હું તને આશીર્વાદ આપું છું કે તને માયા નહિ વળગે.
શુકદેવ જી એ કહ્યું કે-તમે પોતે પણ માયા માં ફસાયેલા છો,હું હજુ બહાર પણ આવ્યો નથી-તો પણ તમે મને
બેટા-બેટા કહો છો.જે માયામાં ફસાયેલા છે,તેના વચન પર હું કેમ વિશ્વાસ રાખી શકું ? જે પોતે ફસાયો છે તે બીજાને કેમ છોડાવી શકે ?
વ્યાસજી એ પૂછ્યું કે –તો તને કોનો વિશ્વાસ બેસે ?
શુકદેવજી એ કહ્યું—જે માયા થી બિલકુલ ફસાયા ના હોય,જે માયા થી મુક્ત હોય –તે મને ખાતરી આપે તો હું બહાર આવું….વ્યાસજી એ માધવરાય ને પ્રાર્થના કરી. મા એટલે માયા અને ધવ નો અર્થ થાય છે પતિ.
માયા ના પતિ,માધવરાય –દ્વારકાનાથ વ્યાસાશ્રમ માં પધાર્યા છે. તમને શુકદેવજી ને ખાતરી આપી કે-
તમને માયા નો સ્પર્શ થશે નહિ. મારી માયા તમને વળગી શકશે નહિ.
તે પછી શુકદેવજી મહારાજ માતાન ગર્ભ માંથી બહાર આવ્યા છે. શુકદેવજી નું પ્રાગટ્ય થયું છે.
સોળ વર્ષ ની અવસ્થા છે,બ્રહ્મ દર્શન કરતાં બ્રહ્મરૂપ થયા છે.
સંસાર માં એવા બે જ પુરુષો થયા છે. શુકદેવ અને વામદેવ. આ બે મહાપરુષો એવા છે કે જેમને માયા નો સ્પર્શ થયો નથી. મહા ગ્રંથો એવું વર્ણન કરે છે કે વ્યાસજી કરતાં –શુકદેવજી શ્રેષ્ઠ છે. શુકદેવજી શ્યામસુંદર છે,વાસનાનું વસ્ત્ર પડી ગયું છે.શુકદેવજી એ મા ના પેટમાં સતત શ્યામસુંદર નું ધ્યાન કર્યું છે,તેથી વર્ણ શ્યામ થયો છે.
-----------------------------------------------------------------------------------------------
ભાગવત માહાત્મ્ય (Page 9)
શુકદેવજીની બ્રહ્મનિષ્ઠા,વૈરાગ્ય,અલૌકિક પ્રેમલક્ષણા ભક્તિ જોઈ વ્યાસજી પણ પુત્ર શુકદેવજીને માન આપે છે.
જન્મ થતાવેત શુકદેવજી ઘરનો ત્યાગ કરી વન તરફ જવા લાગ્યા. વ્યાસજી ની પત્ની નું નામ વાટીકાજી છે.
વાટીકાજીને તે વખતે ઘણું દુઃખ થયું છે.—ભલે એ લગ્ન ના કરે પણ ઘરમાં રહે.-તે રડવા લાગ્યા છે.
વાટીકાજી એ પ્રાર્થના કરી—મારો દીકરો નિર્વિકાર બ્રહ્મરૂપ છે-તે મારી પાસેથી દૂર ના જાય,તેને રોકો –તેને રોકો.
વ્યાસજી સમજાવે છે કે-જે આપણને ખુબ ગમે તે પરમાત્મા ને અર્પણ કરવું. તો જ આપણે પ્રભુને ગમીએ.
ઘણાં એવા હોય છે કે જે કાપડ ગમતું ના હોય તે ગોર મહારાજ ને આપે છે. ગોર મહારાજ માં ભગવાનની ભાવના રાખી અર્પણ કરવાનું હોય છે. તમને જે પ્રિય હોય તે પ્રભુને અર્પણ કરો. મનુષ્ય સારી વસ્તુ પોતા માટે રાખે છે,અને ખરાબ માં ખરાબ હોય તે-ઠાકોરજી માટે રાખે છે. આ ભક્તિ નથી –આસક્તિ છે.
વ્યાસજી –વાટીકાજીને સમજાવે છે—એ તારો હવે રહ્યો નથી,સર્વેશ્વર નો થયો છે.એ સર્વેશ્વર નું કામ કરવા જાય છે, તે જગતનું કલ્યાણ કરવા જાય છે.— પણ તે પછી વ્યાસજી પણ પોતે વિહ્વળ થયા છે.”હે પુત્ર-હે પુત્ર ,પાછો વળ, મને છોડી જઈશ નહિ,હું તને લગ્ન કરવા આગ્રહ કરીશ નહિ”
પણ શ્રીકૃષ્ણ નું ધ્યાન કરતાં કરતાં શુકદેવજી સઘળાનું ભાન ભૂલ્યા છે.ત્યાં હવે કોણ પિતા ? કોણ માતા ?
લૌકિક સંબંધ નું વિસ્મરણ થાય છે,ત્યારે બ્રહ્મ સંબંધ થાય છે. ત્યાં સુધી ઈશ્વરમાં આસક્તિ થતી નથી.
સર્વવ્યાપક થયેલા શુકદેવજી એ વૃક્ષો દ્વારા જવાબ આપ્યો છે. હે મુનિરાજ !! તમને પુત્ર વિયોગ થી દુઃખ થાય છે,પણ અમને કોઈ પથ્થર મારે તો પણ અમે તેમને (અમારા પુત્ર જેવા) ફળ આપીએ છીએ.(વૃક્ષનો પુત્ર છે – ફળ.
પથ્થર મારનાર ને ફળ આપે તેજ વૈષ્ણવ) . તમે પુત્ર વિયોગ થી શું કામ રડો છો ? આપ તો જ્ઞાની છો, તમારો પુત્ર જગતનું કલ્યાણ કરવા જાય છે.
વ્યાસજી હજી વ્યગ્ર છે. ત્યારે શુકદેવજી એ કહ્યું-“આ જીવ અનેક વાર પુત્ર બન્યો છે,અનેક વાર પિતા બન્યો છે.”
વાસના માં બંધાયેલો જીવ અનેકવાર પુત્ર,પિતા,સ્ત્રી બને છે, અનેકવાર પૂર્વજન્મ ના શત્રુ પણ ઘરમાં આવે છે. ડોસાને કોઈ વાસના રહી જાય તો –દાદો જ પૌત્ર રૂપે ઘરમાં આવે છે. કેટલાક કહે છે –આ બાબો તેના દાદા જેવો લાગે છે. અરે—દાદા જેવો જ નહિ,દાદો જ પૌત્ર તરીકે આવ્યો છે, વાસના રહી જવાથી –દાદો જ પૌત્ર રૂપે રમવા આવ્યો છે.વાસના જ પુનર્જન્મ નું કારણ બને છે.
“પિતાજી ,તમારા અનેક જન્મો થયા છે,પુનર્જન્મ યાદ રહેતો નથી એ જ સારું છે. પિતાજી તમે મારા પિતા નથી અને હું તમારો પુત્ર નથી. તમારા અને મારા સાચા પિતા નારાયણ છે. વાસ્તવિક રીતે,જીવ નો સાચો સંબંધ ઈશ્વર સાથે છે.
પિતાજી, મારી પાછળ ના પાડો,પણ પરમાત્મા પાછળ પડો.
યાદ રાખો,જગતમાં જેની પાછળ તમે બહુ પડો, તે જ તમને બહુ રડાવશે.
પિતાજી,તમારું જીવન પરમાત્મા માટે બનાવો.મને જે આનંદ મળ્યો છે,તે હું જગતને આપવા જાઉં છુ.”
શુકદેવજી નું ચરિત્ર અતિ દિવ્ય છે, બદ્રીનારાયણ માં શુકદેવજી નું પ્રાગટ્ય થયું છે. ત્યાંથી તેઓ ગંગા કિનારે આવ્યા.ત્યાં ઋષિ મુનિઓ એકઠા થયેલા,.પરીક્ષિત ને ભાગવત સંભળાવ્યું. શુકદેવજી એ જે કથા સંભળાવી , તેમાં શ્રોતા તરીકે વ્યાસજી પણ હતા.કથા પૂર્ણ કરી.
ત્યાંથી શુકદેવજી નર્મદા કિનારે આવ્યા. વ્યાસજી પણ તેમની પાછળ પાછળ આવ્યા છે. શુકદેવજી એ વ્યાસજી ને કહ્યું—આ કાંઠે હું બેસું છું,તમે સામે કાંઠે વિરાજો. દુરથી ભલે તમે મને નિહાળો પણ ધ્યાન તો પરમાત્મા નું જ કરો.
જે પરમાત્મા ની પાછળ પડે છે તે જ્ઞાની છે.પૈસા પાછળ ના પડો. ભાગવતની કથા સાંભળ્યા પછી તમે પણ પરમાત્મા ની પાછળ પડો તો કથા સાંભળી સાર્થક થશે. આ નર—જે નારાયણ ની પાછળ પડે તે કૃતાર્થ થાય છે.
વ્યાસજી આજે પણ ત્યાં વિરાજે છે.સાત ચિરંજીવીઓ માં વ્યાસજી નું પણ નામ છે.
-------------------------------------------------------------------------------------
ભાગવત માહાત્મ્ય (Page 10)
સુતજી એ શુકદેવજી ને પ્રણામ કરી-આ કથાનો પ્રારંભ કર્યો છે.
એકવાર નૈમિષારણ્ય ક્ષેત્ર માં અઠ્યાસી હાજર ઋષિમુનિઓ નું સત્ર થયું છે.
(અયોધ્યા પાસે આ નૈમિષારણ્ય છે. જ્યાં દેવકી ગંગા બિરાજે છે.નૈમિષારણ્ય માં ચક્ર પુષ્કીરીણી તીર્થ છે.સુતજી ની ત્યાં ગાદી છે.) આ સત્ર માં શૌનક્જીએ સુતજી ને પ્રશ્ન કર્યો છે –કે-
સર્વ કથાઓનો સાર શું છે ? તે અમને સંભળાવો. આજ સુધી કથાઓ બહુ સાંભળી, હવે કથાનું સારતત્વ સાંભળવાની ઈચ્છા છે. એવી કથા સંભળાવો કે જેથી અમારી શ્રીકૃષ્ણ પ્રત્યેની ભક્તિ દ્રઢ થાય.અમને શ્રીકૃષ્ણ ની પ્રાપ્તિ થાય.
બશેર દૂધ પીવા કરતાં થોડું માખણ ખાવું સારું છે.વધારે દૂધ પીવાથી કફ થાય છે. ઠાકોરજી ને માખણ બહુ ભાવે. માખણ એ સર્વ નું સાર છે.
આ બધાં ઋષિઓ, બાલકૃષ્ણ ના ઉપાસક છે,સેવકો છે.
જીવ જેની સેવા કરે છે તેના ગુણ તેનામાં આવે છે.મહાકાળી નો ઉપાસક ઉગ્ર હોય છે. કનૈયાની ઉપાસના કરનાર પ્રેમાળ હોય છે.
શ્રીકૃષ્ણ સારભોગી છે,તેમ વૈષ્ણવો પણ સારભોગી થયા છે. તેથી સર્વ કથાઓ નો સાર તત્વ સાંભળવાની ઈચ્છા કરી છે. ભાગવત એ માખણ છે,બીજા બધાં શાસ્ત્રો –દૂધ દહીં –જેવા છે. સર્વ શાસ્ત્રોમાં સાર રૂપ આ કૃષ્ણ કથા છે.
અત્યાર સુધી બહુ પુસ્તકો વાંચ્યાં. જેને પરમાત્માને પ્રાપ્ત કરવા છે,તેવા સાધક માટે આજ્ઞા છે કે –તે બહુ ગ્રંથ ના વાંચે. અનેક ગ્રંથ વાંચવાથી બુદ્ધિ માં વિક્ષેપ ઉભો થાય છે. બહુ પુસ્તક વાંચવાથી –બુદ્ધિ,મન –ચંચળ થાય છે.
પ્રત્યેક પુસ્તક માં મતભેદ હોય છે. મતભેદ –મનોભેદ ઉત્પન્ન કરે છે. ભાગવત,રામાયણ,ગીતા –એવા ગ્રંથો જ વારંવાર વાંચો. એક જન્મ શું-અનેક જન્મ લો પણ જ્ઞાન ની સમાપ્તિ થતી. જ્ઞાન ની સમાપ્તિ પ્રેમ માં-શ્રીકૃષ્ણ માં થાય છે.
શૌનક્જી કહે છે—જ્ઞાન અને વૈરાગ્ય સાથે ભક્તિ વધે એવી- સારભૂત કથા સંભળાવો. આપ એવી કથા સંભળાવો કે – ભક્તિ પુષ્ટ થાય ,કન્હૈયો વહાલો લાગે અને સંસારના વિષયો માં સૂગ આવે.
સંસારના વિષયોમાં અરુચિ અને પ્રભુમાં રુચિ –એ કથાનું ફળ છે.
જ્ઞાનમાર્ગ માં પરમાત્મા દ્રષ્ટા (જોનાર-જેમ કે આંખ- જુએ છે-જોનાર છે) છે, તે દ્રશ્ય (જે દેખાય છે તે) નથી.
જે સર્વનો દ્રષ્ટા છે,સર્વનો સાક્ષી છે,એને કોણ જોઈ શકે ?
ભક્તિમાર્ગ માં ભગવાન દ્રષ્ટા પણ છે અને દ્રશ્ય પણ છે. ભગવાન બધા ને જુએ છે.પણ ભક્ત નો પ્રેમ વધે છે તેથી દ્રશ્ય બને છે. ભક્તિ ભગવાન ને- દ્રશ્ય- બનાવે છે.
“આપ એવી કથા કરો-કે-પરમાત્મા શ્રીકૃષ્ણ ના પ્રત્યક્ષ દર્શન અમને થાય.”
જ્ઞાન ,વૈરાગ્ય અને ભક્તિને વધારવા આ કથા છે.
મહાન ભક્તોના,મહાન પુરુષોના ચરિત્રો સાંભળી આપણ ને થાય છે કે—હાય-મેં મારા આત્માના ઉદ્ધાર અર્થે કાઇ પણ કર્યું નહિ. કથા સાંભળ્યા પછી પાપ છૂટે,કરેલા પાપનો પશ્ચાતાપ થાય અને પ્રભુ પ્રત્યે પ્રેમ જાગે તો –કથા સાંભળી સાચી. કથા સાંભળ્યા પછી,વિવેક,વૈરાગ્ય ના આવે,કરેલા પાપનો પસ્તાવો ના થાય,પ્રભુ પ્રત્યે પ્રેમ ના થાય તો તે કથા-કથા જ નથી.
બ્રહ્મા એ નારદજી ને આજ્ઞા કરી છે કે-બેટા, કથા કર પણ એવી કથા કર કે મારા પ્રભુમાં લોકોની પ્રેમમયી ભક્તિ થાય.
કથા મનુષ્ય ના જીવનને સુધારે છે,જીવનનું પરિવર્તન કરે છે. કથા મનુષ્ય ના જીવન માં ક્રાંતિ કરે છે. કથા સાંભળ્યા પછી,જીવન માં ફેરફાર ના થાય,સ્વભાવ ના સુધારે,ન બદલાય,કે જીવન માં ક્રાંતિ ન આવે તો તે કથા શું કામની ?
શૌનક મુનિએ તેથી કહ્યું છે કે –અમારુ જ્ઞાન વધે,વૈરાગ્ય વધે ,ભક્તિ વધે -એવી કથા કહો.
એકલી –ભક્તિ- વધે –તેવું કહ્યું નથી. ભક્તિ –જ્ઞાન અને વૈરાગ્ય ની સાથે વધે—એવું કહ્યું છે.
કેટલાક માં વૈરાગ્ય હોય છે પણ પ્રભુ માં પ્રેમ હોતો નથી.
એમ તો-વાનરો ઘરમાં રહેતા નથી,કાયમ ફળ-ફૂલ ખાઈને એકાદશી કરે છે-પણ વાનરો માં પ્રભુ પ્રેમ ક્યાં છે?
પ્રેમ વગર વૈરાગ્ય ની કિંમત નથી. કેટલાક માં ભક્તિ હોય છે પણ વૈરાગ્ય હોતો નથી.
વૈરાગ્ય ના હોય તો ભક્તિ -કેટલીક વાર વાસનાના વેગ માં વહી જશે.
શીરામાં લૌકિક દ્રષ્ટિ એ ઘઉંની કીમત ઓછી છે, છતાં લોટ વગર શીરો થતો નથી. તત્વ દ્રષ્ટિ થી વિચારો, તો તેની કિંમત ઘી જેટલી જ છે. શીરો કરવામાં ઘઉં,ગોળ,ઘી ની સરખી જ જરૂર છે.
તેવી રીતે જ્ઞાન,ભક્તિ અને વૈરાગ્ય સમાન છે. જીવન માં એ ત્રણે ની જરૂર છે.
સોળ આની જ્ઞાન અને સોળ આની વૈરાગ્ય—આવે ત્યારે જીવ નો જીવ ભાવ જાય છે.
જેના માં જ્ઞાન,ભક્તિ અને વૈરાગ્ય પરિપૂર્ણ હોય તે ઉત્તમ વક્તા છે. અનેક ઋષિ-મુનીઓ ગંગા કિનારે બેઠા હતા, પણ કથા કરવા કોઈ તૈયાર ના થયું, ત્યારે ભગવાને શુકદેવજીને ત્યાં જવા પ્રેરણા કરી છે,
શુકદેવજી માં જ્ઞાન,ભક્તિ અને વૈરાગ્ય પરિપૂર્ણ હતાં.
ભાગવત શાસ્ત્ર એ પ્રેમ શાસ્ત્ર છે. પ્રેમ એ પાંચમો પુરુષાર્થ છે. કૃષ્ણ પ્રેમ માં દેહભાન ભુલાય. તે ઉત્તમ પ્રેમ નું લક્ષણ છે. પરમાત્મા પ્રેમી ને જ પોતાનું સ્વરૂપ બતાવે છે.
----------------------------------------------------------------------------------------------
ભાગવત માહાત્મ્ય (Page 11)
જ્ઞાનમાર્ગ માં પ્રાપ્ત ની (જે પ્રાપ્ત કરવાનું છે) પ્રાપ્તિ છે. જ્ઞાન માર્ગ માં જે મળેલું છે તેનો અનુભવ કરવાનો છે. (શરીર માં આત્મા-પરમાત્મા નો અનુભવ-અદ્વૈત). જયારે ભક્તિ દ્વારા ભેદ નો વિનાશ કરવાનો છે.
જ્ઞાન માર્ગ માં ભેદ નો નિષેધ કરવામાં આવે છે. બંને નું લક્ષ્ય એક જ છે.
શૌનક્જી એ કહ્યું—અમે ઠાકોરજી ને પ્રેમ કરીએ છીએ,પણ ભગવાન સાથે પ્રત્યક્ષ વાતો કરવી છે. અમારે શ્રીકૃષ્ણ ની પ્રાપ્તિ કરવી છે. એવી કથા સાંભળવાની અમારી ઈચ્છા છે.
સુતજી એ શૌનકાદિના ખુબ વખાણ કર્યા છે. સુતજી એ કહ્યું—તમે બધાં પ્રભુના પ્યારા છો,તમે બધાં કૃષ્ણ નું સ્વરૂપ છો, તમે બધાં ભગવાન જેવા છો. તમને હું શું ઉપદેશ આપું ?
વક્તા જો શ્રોતા માં ભગવદભાવ ના રાખે તો તેની કથા માં ભગવાન ન પધારે. વક્તા માં દૈન્ય હોય તો ભગવાન કથા માં પધારે છે. તુકારામ મહારાજ ને કોઈ એ કહ્યું કે-મહારાજ તમે સુંદર કથા કરો છો. ત્યારે મહારાજે જવાબ આપ્યો કે-હું તો મારા વિઠ્ઠલનાથ ના દર્શન કરું છું, હું શું બોલું છું તેની મને ખબર નથી.
“કથા સાંભળ્યા પછી ,જે કરવું જોઈએ તે તો તમે કરો જ છો,પણ લોકોનું કલ્યાણ કરવા માટે તમે પ્રશ્ન કરો છો.
હું યથામતિ આપણે કથા સંભળાવું છું. તો સાવધાન થઇ કથા સાંભળો. પૂર્વજન્મ ના પુણ્ય નો ઉદય થાય છે,ત્યારે જ આ પવિત્ર કથા સાંભળવાનો યોગ થાય છે.
કલિયુગના જીવોને -કાલરૂપ સર્પ- ના મુખમાંથી છોડાવવા શુકદેવજી એ ભાગવતની કથા કહી છે.
જયારે શુકદેવજી પરીક્ષિત રાજા ને આ કથા સંભળાવતા હતા—ત્યારે સ્વર્ગ નું અમૃત લઈને દેવો ત્યાં આવેલા.
દેવોએ કહ્યું –સ્વર્ગનું અમૃત અમે રાજાને આપીએ, અને કથાનું અમૃત અમને આપો.
શુકદેવજી એ પરીક્ષિત ને પૂછ્યું—આ કથા નું અમૃત પીવું છે કે સ્વર્ગનું અમૃત પીવું છે ?
પરીક્ષિતે પૂછ્યું –સ્વર્ગના અમૃત પીવા થી શો લાભ ?
શુકદેવજી કહે છે—સ્વર્ગ નું અમૃત પીવા થી સ્વર્ગ નું સુખ મળે છે. પરંતુ,સ્વર્ગ નું સુખ—દુઃખમિશ્રિત છે.
સ્વર્ગનું અમૃત પીવાથી પુણ્ય નો ક્ષય થાય છે –પણ પાપ નો ક્ષય થતો નથી. કથામૃત થી પાપ નો નાશ થશે. કથામૃત થી ભોગ વાસનાનો વિનાશ થાય છે. તેથી સ્વર્ગના અમૃત કરતાં પણ કથામૃત શ્રેષ્ઠ છે. રાજાએ કહ્યું-મારે તો આ કથામૃતનું જ પાન કરવું છે.મારે સ્વર્ગનું અમૃત જોઈતું નથી.
સાત જ દિવસ માં જ્ઞાન અને વૈરાગ્ય ને જાગૃત કરવા માટે આ કથા છે.
આપણા માં જ્ઞાન ને વૈરાગ્ય છે જ, પણ તે સૂતેલા છે, તેને જાગૃત કરવાના છે.
આગળ કથા આવશે કે –જ્ઞાન અને વૈરાગ્ય મૂર્છા માં પડેલા છે.
સાત જ દિવસ માં જ્ઞાન અને વૈરાગ્ય ને જાગૃત કરી –ભક્તિરસ –ઉત્પન્ન કરવા માટે આ કથા છે.
ભાગવત સિવાય એવો બીજો કોઈ ગ્રંથ નથી જે સાત દિવસ માં મુક્તિ અપાવી શકે.
સુતજી કહે છે -આ કથા એવી દિવ્ય છે કે સાત દિવસ પરીક્ષિતે કથા સાંભળી તો તે પ્રભુના ધામ માં ગયા છે.
પરીક્ષિત ને ખાતરી હતી કે –સાતમે દિવસે મારો કાળ આવવાનો છે. તેથી તન્મય થઈને કથા સાંભળી.આપણે કાળને ભૂલી જઈએ છીએ. વક્તા શુકદેવજી જેવો અવધૂત હોય અને શ્રોતા પરીક્ષિત જેવો અધિકારી થઈને બેસે તો-સાત દિવસ માં મુક્તિ મળે છે.
અવધૂત નો અર્થ છે-વાસના રહિત,ઈચ્છારહિત,આશારહિત,જે તત્વનિષ્ઠ છે તે— શુકદેવજી બ્રહ્મ-દ્રષ્ટિ સ્થિર કરી, પ્રભુની પ્રેરણા થી કથા કરવા આવ્યા છે.
વક્તા અને શ્રોતા અધિકારી હોવા જોઈએ. કરંટ અને ગોળો બંને સારા હોવા જોઈએ.(તો જ પ્રકાશ ઉદ્ભવે ને ?)
વક્તા અને શ્રોતા અધિકારી હોય તો આ કથા મુક્તિ અપાવે છે.
કથા સાંભળીને પરીક્ષિતને લેવા વિમાન આવ્યું. પરીક્ષિત મહારાજને સદગતિ મળી છે.
આજકાલ લોકો બહુ કથા સાંભળે છે પણ તેઓને લેવા વિમાન કેમ નથી આવતું ?
વિમાન આવતું નથી તેનું એક જ કારણ છે—કે-વક્તા -શ્રોતા અધિકારી નથી.
જે ભાગવતમાં લખ્યું છે-તે- સાચું લખ્યું છે- કે –પરીક્ષિત ને લેવા વિમાન આવ્યું.
વક્તા શુકદેવજી નો આદર્શ જીવન માં ઉતારીને કથા કરે અને શ્રોતા પરીક્ષિત જેવા –જિજ્ઞાસુ થાય તો જરૂર વિમાન આવે. મનુષ્ય જ્યાં સુધી વિકાર-વાસના માં ફસાયેલો છે ત્યાં સુધી વિમાન આવતું નથી,(મુક્તિ મળતી નથી).
અને વિમાન આવે તો પણ તે વિમાન માં બેસવાનો નથી. કેમ કે જેનું -મન –વિકાર-વાસનાથી ભરેલું છે તેને સંસાર છોડવાની ઈચ્છા ક્યાં થાય છે ?
વિષ્ઠા નો કીડો વિષ્ઠા માં જ રત રહે છે. તેમાંથી બહાર નીકળવાનું તેને ગમતું નથી.
આપણે બધાં વિકાર અને વાસના માં ફસાયેલાં છીએ. પત્ની,પુત્ર,ઘર,ધન માં ફસાયેલાં છીએ. –આસક્ત – છીએ. આ આસક્તિ જ્યાં સુધી છૂટે નહિ,ત્યાં સુધી મુક્તિ નથી.
જેના મનમાં વિકાર- વાસના નથી, જે કૃષ્ણ પ્રેમ માં રંગાયો છે, જેનું મન કૃષ્ણ ચિંતનમાં કૃષ્ણાકાર થયું છે,
જેનું મન પરમાત્મા ના રંગ થી રંગાયેલું છે.—તે જ્યાં બેઠો છે –ત્યાં જ મુક્તિ છે.
તેના માટે વિમાન આવે તો પણ શું ? અને ના આવે તો પણ શું ?
ઈશ્વર સાથે તન્મયતા થાય –તેથી જે આનંદ મળે છે,–તેથી વિશેષ આનંદ વૈકુંઠ માં નથી.
વૈકુંઠ માં જઈએ અને પછી મુક્તિ મળે –તેના કરતાં શરીર ને જ કેમ વૈકુંઠ ન બનાવીએ ?
દેશ-કાળ-અને દેહનું ભાન ભૂલે તો તે જ્યાં બેઠો છે-ત્યાં જ વૈકુંઠ છે. વૈકુંઠ નામે કોઈ ગોખલો નથી –કે –જઈને બેસી જવાય……… જીવન મુક્તિ એ જ મુક્તિ છે.
તુકારામ ને લેવા વિમાન આવ્યું—તુકારામજી પોતાની પત્નીને કહે છે-કે-આ જીવન માં હું તને કોઈ સુખ આપી શક્યો નથી., પણ પરમાત્માએ આપણા માટે વિમાન મોકલ્યું છે, ચાલ , તને વિમાન માં બેસાડી પરમાત્મા ના ધામ માં લઇ જાઉં. પણ પત્ની એ માન્યું નહિ. અને મહારાજ ને કહ્યું—તમારે જવું હોય તો જાવ, મારે જગત છોડી ને આવવું નથી. તે ગઈ નહિ.—સંસાર નો મોહ છોડવો કઠણ છે. પણ તુકારામ જવા તૈયાર થઇ ગયા, આનંદ માં નાચી ઉઠી ને કહે છે –
હું જાઉં મારા સાચા ગામ –મારા સર્વ ને રામ રામ,
રામકૃષ્ણ વિઠ્ઠલ બોલી ,તુકારામ જાય છે વૈકુંઠ ભણી.
વાસના પર અંકુશ ન આવે ત્યાં સુધી શાંતિ મળતી નથી. કથાનો એકાદ સિધ્ધાંત પણ જો મગજ માં ઠસી જશે,તો જીવન મધુર બની જશે.
વાસના વધી, ભોગો વધ્યા –તેથી સંસાર ખારો ઝેર બન્યો છે.
વાસનાઓ મનથી ક્ષીણ ના થાય,ત્યાં સુધી મુક્તિ મળવાની નથી.
પૂર્વ જન્મ નું શરીર ગયું –પણ –મન ગયું નથી.
લોકો તનની-કપડાંની કાળજી રાખે છે પણ મર્યા પછી જે સાથે આવે છે તે-મન ની-કાળજી રાખતા નથી.
મર્યા પછી હાથમાં વીંટી હશે તો તે પણ લોકો કાઢી લેશે.
તન ને ગમે તેટલું સાચવો પણ તે ક્ષીણ થવાનું જ છે.
ક્ષીણ થવાના સ્વભાવ વાળું હોવાથી તો તેને શરીર કહે છે.(શીર્યતે-ઇતિ શરીર).
શરીર ને ક્ષય રોગ લાગુ પડ્યો છે,શરીર નો ક્ષય થવાનો જ છે. બહુ કાળજી રાખો તો પણ એક દિવસ તો તે
બગડવાનું જ છે. માટે જ મહાપુરુષો તન ને નહિ-મન ને-સાચવે છે. મન ને સાચવે તે મહાન બને છે.
તન-ધન ને સાચવે તે સંસારી અને મન ને સાચવે તે સન્યાસી-સંત છે.
શું કરવું કે શું ના કરવું-એ તમારા મન ને ના પૂછો –પણ શાસ્ત્ર ને પૂછો (ગીતા-૧૬-૨૪)
શાસ્ત્ર કહે તે પ્રમાણે કરો.
સદાચાર એ –પાયો- છે. અને સદવિચાર એ –મકાન- છે.
આચાર બગડે એટલે વિચાર બગડે છે. આચાર –વિચાર શુદ્ધ રાખો. એના વગર -મન -ની શુદ્ધિ થતી નથી.
અને મન ની શુદ્ધિ ના થાય ત્યાં સુધી-ભક્તિ-થઇ શકતી નથી.
---------------------------------------------------------------------------
ભાગવત માહાત્મ્ય (Page 12)
વિવેક થી સંસાર નો અંત ના લાવો ,ત્યાં સુધી સંસારનો અંત આવવાનો નથી.
જીવન માં સદાચાર-સંયમ –જ્યાં સુધી ના આવે –ત્યાં સુધી પુસ્તક માં નું જ્ઞાન કંઈ કામ લાગશે નહિ.
કેવળ જ્ઞાન શા કામનું ?
એક ગૃહસ્થ નો પુત્ર મરણ પામ્યો. ગૃહસ્થ રુદન કરે છે. તેને ત્યાં જ્ઞાની સાધુ આવે છે.અને ઉપદેશ આપે છે.
“આત્મા અમર છે, મરણ શરીર નું થાય છે. તેથી તમારા પુત્ર ના મરણ નો શોક કરવો ઉચિત નથી”
થોડા દિવસ પછી જ્ઞાની સાધુ ની બકરી મરી ગઈ. તેથી તે રડવા લાગ્યો.
સાધુ ને રડતો જોઈ પેલા ગૃહસ્થે સાધુને કહ્યું—બાપજી –તમે મને ઉપદેશ આપતા હતા કે-કોઈના મરણ માટે શોક કરવો નહિ. ત્યારે તમે રુદન કેમ કરો છો ?
સાધુ એ કહ્યું-કે- છોકરો તારો હતો પણ બકરી મારી છે.તેથી રડું છું.
આવું –પરોપદેશે પાંડિત્યમ –(બીજાને ઉપદેશ આપવાનો હોય ત્યારે પંડિત થઇ ને ઉપદેશ આપવો તે) શા કામનું ?
જ્ઞાન નો અનુભવ કરો. મુક્ત થવા માટે જ્ઞાન નો ઉપયોગ છે.
કથા જીવન ને સુધારે છે. જીવન નો પલટો કરે છે. કથા સાંભળ્યા પછી જીવન નો પલટો ના થાય –તો માનજો કે – મેં કથા બરાબર સાંભળી નથી. કથા મુક્તિ આપે છે –એ- વાત સાચી છે.
રોજ મૃત્યુ ને એક બે વાર યાદ કરો. કદાચ આજે મને યમદૂત પકડવા આવશે તો મારી શું દશા થશે ?
એમ રોજ વિચારો તો પાપ થશે નહિ. મનુષ્યો રોજ મરણ નો વિચાર કરતાં નથી,પણ ભોજન નો વિચાર રોજ કરે છે.
………………………………………………………………………………………………………………………………..
ભાગવતના મહિમા નું વર્ણન ઘણાં પુરાણોમાં કરવામાં આવ્યું છે. પણ નિયમ એવો છે કે-પદ્મપુરાણાન્તર્ગત માહાત્મ્ય નું વર્ણન કરવું. હવે ભાગવત ના મહિમા નું વર્ણન કરવામાં આવે છે.
આ ભાગવત કથાનું માહાત્મ્ય એક વાર સનત્કુમારો એ નારદજી ને કહી સંભળાવ્યું હતું.
માહાત્મ્ય માં એવું લખ્યું છે –કે- મોટા મોટા ઋષિઓ-દેવો,બ્રહ્મલોક છોડી –વિશાલા ક્ષેત્ર માં આ કથા સાંભળવા આવ્યા છે.
બ્રહ્મલોક છોડીને સનત્કુમારો વિશાલા ક્ષેત્ર માં આવ્યા છે.
પરદેશ માં ભૌતિક સુખ વધારે હશે. ભારત એ અધ્યાત્મવાદી દેશ છે. ભારત એ સુવર્ણ ભૂમિ છે. ભારત માં ભગવાનના અવતારો થાય છે. ભારત માં જેટલા ભગવાન ના અવતારો થયા છે,તેટલા બીજા કોઈ દેશ માં થયા નથી.
બ્રહ્મ વિદ્યા માં ભારત શ્રેષ્ઠ છે. ભોગ નું ભલે પરદેશ માં મહત્વ હશે પણ ભારત માં ત્યાગી પુજાય છે.
બ્રહ્મલોક માં બધાં ધ્યાન કરે છે. ત્યાં ધ્યાન નો આનંદ છે પણ સત્સંગ નો આનંદ નથી. સત્સંગ નો આનંદ ભારત માં છે .
કથા માં જે આનંદ મળે છે –તે-બ્રહ્માનંદ કરતાં પણ શ્રેષ્ઠ છે. યોગી એકલો તરે છે, પણ સત્સંગી પોતે તરે છે- અને- સંગ માં આવેલા સર્વ ને તારે છે.
બદ્રીકાશ્રમ માં સનત્કુમારો પધાર્યા છે. જેને લોકો બદ્રીકાશ્રમ કહે છે-તે વિશાલા ક્ષેત્ર છે. વિશાલ રાજા એ ત્યાં તપશ્ચર્યા કરી હતી તેથી તેને વિશાલા ક્ષેત્ર કહે છે.
વિશાલ રાજા ને પ્રભુ નાં દર્શન થયા. પ્રભુ એ કહ્યું- તું કાંઇક માગ. રાજા એ કહ્યું-હું તમારા સતત દર્શન કરું. આપ મારી તપોભૂમિ માં અખંડ વિરાજો. પ્રભુ એ કહ્યું-તું કાંઇક વધારે માંગ. રાજા એ કહ્યું-હજારો વર્ષ મેં તપશ્ચર્યા કરી –ત્યારે આપના દર્શન થયા છે, પણ પ્રભુ,એવી કસોટી બધાની કરશો નહિ. જે આ ક્ષેત્ર માં મેં તપ કર્યું,ત્યાં આવીને જે કોઈ તપ કરે, તેને તરત તમારા દર્શન થાય. પ્રભુ એ કહ્યું –તથાસ્તુ.—તારું નામ વિશાલ છે તેમ તારું હૃદય પણ વિશાલ છે. આ ક્ષેત્ર નું નામ વિશાલા કહેવાશે.
સ્કંદ પુરાણ માં કથા છે કે-બદ્રીનારાયણ –વિશાલ રાજા માટે પધાર્યા. જે ભક્ત ને માટે ભગવાન આવે તે ધન્ય.
બદ્રીનારાયણમાં પ્રભુ પોતે તપ-ધ્યાન કરી જગતને તપ-ધ્યાન નો આદર્શ બતાવે છે. તે બતાવે છે-કે-
હું ઈશ્વર છું છતાં ધ્યાન કરું છું.
તપશ્ચર્યા વગર શાંતિ મળતી નથી. પણ જીવ તપશ્ચર્યા કરતો નથી. તેથી ભગવાન- આદર્શ- બતાવે છે.
બાળક દવા લેતો નથી ત્યારે મા દવા ખાય છે—માને દવા ની જરૂર નથી. પણ બાળક ને સમજાવવા તે દવા ખાય છે.
બદ્રીનારાયણ નાં મંદિરમાં લક્ષ્મીજી ની મૂર્તિ મંદિર ની બહાર છે. તે બતાવે છે કે-સ્ત્રી સંગ અને બાળકોનો સંગ તપશ્ચર્યામાં વિઘ્નરૂપ છે. આમાં કોઈ સ્ત્રીની નિંદા નથી,પણ કામ ની નિંદા છે.
કોઈ સ્ત્રી –બાળકો નો ત્યાગ કરવાનો નથી. પણ અહીં – કહેવું પડે છે કે-ઘરમાં સ્ત્રી-બાળકો ની વચ્ચે રહીને ભગવાન નું ભજન કરજો. તેવી જ રીતે તપસ્વીની સ્ત્રી માટે પુરુષ નો સંગ ત્યાજ્ય છે.
એક દિવસ ફરતાં ફરતાં નારદજી વિશાલાપુરી માં જ્યાં સનત્કુમારો વિરાજતા હતા ત્યાં આવ્યા. નારદજી નું મુખ ઉદાસ જોઈને સનત્કુમારોએ નારદજી ને તેમની ઉદાસીનું કારણ પૂછ્યું,
સનકાદિક -નારદજી ને પૂછે છે—આપ ચિંતા માં કેમ છો ? તમે તો હરિદાસ છો.
શ્રીકૃષ્ણ ના દાસ કદી ના હોય ઉદાસ.
મારી કોઈ નિંદા કરે-મને કોઈ ગાળ આપે—તે મારા કલ્યાણ માટે.- જે થાય છે તે મારા ભલા માટે થાય છે.—
એમ વૈષ્ણવો માને છે.વૈષ્ણવો સદા પ્રભુ ચરણ માં ,પ્રભુના નામ માં રહે છે.
વૈષ્ણવ સંસારમાં આવે તો –તે ઉદાસ થાય.
વૈષ્ણવ હંમેશા પ્રસન્ન રહે છે, ચિંતા ના કરે તે જ વૈષ્ણવ.— “વૈષ્ણવ તો પ્રભુનું ચિંતન કરે છે.તેમ છતાં તમે પ્રસન્ન કેમ નથી ?”
નારદજી એ કહ્યું-મારી મને ચિંતા નથી, મારો દેશ દુઃખી છે.મારા દેશની મને ચિંતા થાય છે.
કેટલાક સંતો લોક્ત્યાગી અને કેટલાક લોકસંગ્રહી હોય છે. નારદજી ને સમાજ માં ભક્તિ નો પ્રચાર કરવો છે.
તે સમાજસુધારક સંત છે.
જે દેશમાં મારો જન્મ થયો છે,તેનું ઋણ મારા માથે છે. સત્ય-દયા-તપ-દાન —રહ્યાં નથી.
મનુષ્ય બોલે છે કાંઇ અને કરે છે કાંઇ.!!! વધુ શું કહું ? જીવો માત્ર પેટભરા બની ગયા છે. અનેક તીર્થો માં મેં ભ્રમણ કર્યું. સમાજમાં કોઈને શાંતિ નથી. જગતમાં મૂર્ખ ,વિદ્વાન,શ્રીમાન,ગરીબ-કોઈને શાંતિ નથી.
આજે દેશ દુઃખી થયો છે. દેશ કેમ દુઃખી થયો છે ? તેના અનેક કારણો નારદજી એ બતાવ્યા છે.
દેશ જ્યાં સુધી ધર્મ અને ઈશ્વર ને ન માને ત્યાં –સુધી સુખી થતો નથી. જેના જીવન માં ધર્મ ને મુખ્ય સ્થાન નથી – તેને જીવન માં શાંતિ નથી. જગતમાં હવે ધર્મ રહ્યો નથી. જગતમાં હવે પાપ વધ્યું છે. સત્ય રહ્યું નથી.
સત્ય વાણીમાં નહિ—પોથી માં જ રહ્યું છે. જગત માં અસત્ય બહુ વધ્યું છે, અસત્ય સમાન બીજું કોઈ પાપ નથી.
ઉપનિષદ માં લખ્યું છે-કે-અસત્ય બોલનાર ને પાપ તો લાગે છે જ –પણ અસત્ય બોલનાર ના પુણ્યનો ક્ષય પણ થાય છે.
ખરો આનંદ મળે તેવી ઈચ્છા હોય તો સત્ય માં ખુબ નિષ્ઠા રાખવી. અસત્ય બોલનાર-સુખી થયો નથી અને થવાનો પણ નથી. આજથી નિશ્ચય કરો કે-મારું ખોટું દેખાય-મને નુકશાન થાય પણ મારે સત્ય છોડવું નથી. સત્ય એ જ પરમાત્માનું સ્વરૂપ છે.
નારદજી કહે છે કે-લોકો જુઠ્ઠું બહુ બોલે છે. લોકો એમ માને છે કે –વ્યવહારમાં અસત્ય બોલવું જ પડે છે. વ્યવહારમાં જુઠ્ઠું બોલવું પડે તેવી માન્યતા અજ્ઞાન છે.
લોકો માને છે કે- પાપ કરશું અને પછી મંદિરમાં રાજભોગ કરશું-તો પાપ બળી જશે. પણ એમ કંઈ –પાપ બળતા નથી.
ભગવાન આજે દયાળુ છે પણ સજા કરે ત્યારે દયાને દૂર બેસાડે છે.
કાશી માં હરિશ્ચંદ્ર નો ઘાટ છે,-ઘાટમાં કાંઇ નથી-પણ લોકો આ ઘાટ ને વંદન કરે છે. રાજા એ બધું વેચી નાખ્યું –અને સત્ય ને રાખ્યું છે. ધન્ય છે રાજા હરિશ્ચંદ્રને….-તમે મિતભાષી થશો તો સત્યભાષી થશો.
કેટલાક એવું સમજે છે કે –વ્યવહારમાં છળ-કપટ કરે,જુઠું બોલે તેને પૈસા મળે છે. તે પણ ખોટું છે.
પૈસા પ્રારબ્ધ પ્રમાણે મળે છે. સંતતિ-સંપત્તિ અને સંસારસુખ પ્રારબ્ધ ને આધીન છે. જેના પ્રારબ્ધ માં પૈસો નથી તે હજારવાર જુઠ્ઠું બોલે-તો પણ તેને પૈસો મળતો નથી, ઉપરથી તેના પુણ્ય નો નાશ થાય છે. અને અશાંત બને છે.
પૈસા માટે પ્રયત્ન કરો તે ખોટું નથી પણ-પૈસા માટે –પાપ કરવું તે ખરાબ છે. વ્યહવારમાં છળ-કપટ બહુ વધી ગયાં. એટલે વ્યવહાર શુદ્ધ નથી રહ્યો- વ્યવહાર શુદ્ધ નથી એટલે મનને શાંતિ નથી.
કલિયુગમાં સ્વચ્છતા દેખાય છે,પણ જગતમાં ક્યાંય –પવિત્રતા –દેખાતી નથી. તમારી ઈચ્છા મુજબ શરીરને શુદ્ધ કરો એ સ્વચ્છતા છે-પણ શાસ્ત્રના નિયમ પ્રમાણે આચરણ કરો તે પવિત્રતા છે.
મનુષ્યો શરીર-કપડાં ને સ્વચ્છ રાખે છે પણ મન ને સ્વચ્છ રાખતા નથી. મન ને ખુબ પવિત્ર રાખો. કારણ કે-
મન તો મર્યા પછી પણ સાથે આવવાનું છે.
જગત માં નીતિ દેખાતી નથી. ખુબ ભેગું કરવું-અને કુમાર્ગે વાપરવું-અને આ સિવાય પણ બીજું કોઈ સુખ છે –તેનો કોઈ વિચાર સુધ્ધાં પણ કરતો નથી.
મનુષ્ય લૌકિક આનંદ માં એવો ફસાયેલો છે-કે-સાચા આનંદ નો વિચાર પણ તેને આવતો નથી. કુટુંબ ના-શરીરના-ઇન્દ્રિયોના –એવા અસંખ્ય સુખોમાં મનુષ્ય એવો ફસાયો છે કે-તે શાંતિ થી વિચારી પણ શકતો નથી કે –ખરો આનંદ ક્યાં છે ? અને તે કેમ મળે ?
માનવ જીવન માં પૈસા ગૌણ છે,સંસારસુખ ગૌણ છે,-પરમાત્મા મુખ્ય છે. જીવન માં જ્યાં સુધી કોઈ લક્ષ્ય નક્કી કરશો નહિ,ત્યાં સુધી પાપ અટકશે નહિ. જે પરમાત્માને લક્ષ્યમાં રાખે તેના થી પાપ થાય નહિ. પરંતુ મનુષ્ય ને પોતાના લક્ષ્યની ખબર નથી. મંદ બુદ્ધિવાળો તે—જે કામ કરવાની જરૂર છે-તે- કરતો નથી.
--------------------------------------------------------------------------------------------------
ભાગવત માહાત્મ્ય (Page 13)
નારદજી કહે છે કે- જગત માં અન્નવિક્રય થવા લાગ્યો છે. અન્નવિક્રય અનેક રીતે થાય છે.
મારા ઘરનું ખાનારો મારા માટે સારું બોલે-મને કાંઇક માન આપે –તેવી ઈચ્છા પણ અન્નવિક્રય છે.
જમાડનાર –જમનાર ના ઉપકાર માને—જમાડનાર –જમનાર ને વંદન કરે-એ ભારતીય સંસ્કૃતિ છે.
ભારત માં ઘી-દુધની નદીઓ વહેતી હતી, ત્યાં અન્ન નો દુકાળ પડે નહિ. પણ અન્ન નો વિક્રય થવા માંડ્યો, એટલે ધરતીમાતા અન્ન ગળી ગયાં. ધરતી માં ધર્મ માટે અન્ન ઉત્પન્ન કરે છે. ધર્મ નો વિનાશ થવા લાગ્યો,એટલે-ધરતીમાતા અન્ન- રસને ગળી ગયાં.
જ્ઞાન નો પણ વિક્રય (વ્યાપાર) થવા માંડ્યો છે. બ્રાહ્મણ નિષ્કામ ભાવથી જગત ને જ્ઞાન નું દાન કરે. અન્નદાન કરતાં પણ જ્ઞાન દાન શ્રેષ્ઠ છે,
મનુષ્ય ની ભાવના બગડી-ત્યારથી –જીવન બગડવા લાગ્યું છે.જીવન ભોગ પ્રધાન થયું છે.
નારદ જી કહે છે-કે- દુનિયા માં ક્યાંય મને શાંતિ જોવામાં આવી નહિ.
કલિયુગ ના દોષ જોતા –ફરતાં ફરતાં તે વૃંદાવન ધામ માં આવ્યા. ત્યાં તેમને એક કૌતુક જોયું.
એક યુવતિ સ્ત્રી અને તેની પાસે બે વૃદ્ધ પુરુષો ને મૂર્છા માં પડેલા જોયા.તે સ્ત્રી ચારે તરફ જોતી હતી.
“મને થયું કે –આ કોણ હશે ? પણ વિના કારણે કોઈ સ્ત્રી સાથે બોલવું યોગ્ય નથી—એમ માની હું આગળ ચાલ્યો “
સનાતન ધર્મ ની મર્યાદા છે કે-પુરુષ કોઈ સ્ત્રી ને તાકીને જુએ નહિ.તેની સાથે વગર કારણે બોલે નહિ.
સાધુ પુરુષ કોઈ સ્ત્રી પાસે ન જાય.
તે સ્ત્રી એ મને કયું –હે સાધો -ઉભા રહો.
બીજા નું કામ સાધો એટલે તમે સાધુ બનશો.પ્રાણ ના ભોગે પણ જે બીજાનું કામ સાધી આપે એ સાધુ છે.
“તે સ્ત્રી એ મને બોલાવ્યો –એટલે હું તેની પાસે ગયો—તેણે કહ્યું- હુ તમારો વધારે સમય માગતી નથી “
સંતો નો સમય બહુ કિંમતી હોય છે. સુવર્ણ કરતા પણ સમય ને કિંમતી ગણે તે સંત.
જેને સમય ની કિંમત નથી તે અંતકાળે બહુ પસ્તાય છે. કોઈની એક ક્ષણ પણ બગાડો નહિ.
“ એને મને એક ક્ષણ ઉભા રહેવાનું કહ્યું.-મને તેની દયા આવી-મે તેને પૂછ્યું—દેવી, તમે કોણ છો ? “
તે સ્ત્રી એ કહ્યું-નારી કથા આપને સંભળાવું છું.મારું નામ –ભક્તિ – છે. અને આ –જ્ઞાન-અને –વૈરાગ્ય- નામે મારા બે પુત્રો છે.તેઓ વૃદ્ધ થઇ ગયાં છે. –મારો જન્મ દ્રવિડ દેશ માં થયો.
(મહાન આચાર્યો દ્રવિડ દેશ –દક્ષિણ ભારત માં થયા છે. જેવાકે- રામાનુજાચાર્ય,માધ્વાચાર્ય,વલ્લભાચાર્ય .-
દક્ષિણ દેશ એ ભક્તિ નો દેશ છે.)
કર્ણાટક માં મને પોષણ મળ્યું. હું વૃદ્ધિ પામી.
આચાર વિચાર શુદ્ધ હોય તો જ ભક્તિ થઇ શકે છે.સદાચાર વિના સદ્ વિચાર આવશે નહિ.સદાચાર વગર સદવિચાર બુદ્ધિ માં ટકશે નહિ. સદાચાર એટલે શાસ્ત્રસંમંત આચાર.
શું કરવું-કે-શું ના કરવું તે મન ને પુછશો નહિ પણ શાસ્ત્ર ને પૂછો.મન ખોટી સલાહ આપે છે. મન જીવ ને ખાડામાં નાખે છે.મન દગાખોર છે. તમારું અંતઃકરણ પ્રેરણા ના આપે તો –શાસ્ત્ર ને પૂછો-કોઈ સંત ને પૂછો.
સદવિચાર અને સદાચાર નો સાથ હોય તો જ ભક્તિ પ્રબળ બને છે. કર્ણાટક માં આજ પણ આચાર શુદ્ધિ જોવા મળે છે. વ્યાસજી ને કર્ણાટક પ્રત્યે પક્ષપાત નહોતો.પણ જે સાચું હતું તેનું વર્ણન કર્યું છે.
કર્ણાટક માં માધ્વાચાર્ય પંથના આચાર્યો છે. તેઓ નિર્જળા એકાદશી કરે છે. એકાદશી એટલે દિવાળી નહિ. મારી એક એક ઇન્દ્રિય મારે ભગવાનને અર્પણ કરવી છે-તેવી ભાવના એકાદશી ના દિવસે કરો.
-----------------------------------------------------------------------------------
ભાગવત માહાત્મ્ય (Page 14)
ભક્તિ ક્હે છે – મહારાષ્ટ્ર માં કોઈ કોઈ જગ્યાએ મારું સન્માન થયું.મહારાષ્ટ્ર માં ભક્તિને કોઈ કોઈ જગ્યાએ માન મળ્યું છે. પંઢરપુર જેવા સ્થળો માં ભક્તિ જોવા મળે છે.
ગુજરાત માં મારા બે પુત્રો સાથે હું વૃદ્ધ થઇ.
પૈસા ના દાસ પ્રભુના દાસ થઇ શકતા નથી. ગુજરાત માં પ્રધાનપણે કાંચનનો (પૈસાનો)મોહ લાગ્યો છે.
ભક્તિ તેથી છિન્ન ભિન્ન થઇ ગઈ છે. મનુષ્ય પોતાના મોજ શોખ માં કેટલું વાપરે છે તેનો હિસાબ રાખતો નથી પણ ઠાકોરજી માટે કેટલું વાપરે છે,તેનો હિસાબ રાખે છે.
કલિયુગ માં ભક્તિ છે- પણ છિન્ન ભિન્ન થઇ ગઈ છે. ભક્તિનું એક એક અંગ છિન્ન ભિન્ન થયું છે.
ભક્તિ ના પ્રધાન નવ અંગ છે.
પહેલું શ્રવણ છે. કેવળ કથા સાંભળવાથી ભક્તિ પૂર્ણ થતી નથી. સાંભળ્યું હોય તેનું મનન કરવું.
મનન પછી નિદિધ્યાસન . મનન કરી જેટલું જીવન માં ઉતાર્યું તેટલું ભાગવત સાંભળ્યું ગણાય.
ભાગવત સાંભળવાથી પાપ બળે છે,પરંતુ મનન કરવાથી અને જીવન માં ઉતારવાથી મુક્તિ મળે છે.
શ્રવણ-ભક્તિ છિન્ન ભિન્ન થઇ છે કારણ કે મનન રહ્યું નથી. મનન વગર શ્રવણ સફળ થતું નથી.
કીર્તન –ભક્તિ રહી નથી.જીવન માં કીર્તિનો મોહ અને કંચન નો લોભ આવ્યો, ત્યારથી કીર્તન-ભક્તિ બગડી.
ભગવાન અતિ ઉદાર છે,તે નાસ્તિક નું પણ પોષણ કરે છે. જે ઈશ્વર માં માનતા નથી તેવા નાસ્તિક નું પણ પોષણ જો કરતાં હોય તો જે ભાગવત સેવા કરે છે,કીર્તન કરે કરે છે,તેનું પોષણ શું પરમાત્મા નહિ કરે ?
જ્ઞાની પુરુષો ને અપમાન કરતાં માન વધારે ખરાબ લાગે છે.ધન નો લોભ છુટવા કરતાં પણ કીર્તિ નો મોહ છૂટવો કઠિન છે.કીર્તિનો મોહ જ્ઞાનીની ને પણ પજવે છે.જ્યાં સુધી તમે તમારા મનને સમજાવશો નહિ,તે માનશે નહિ.
કથા કીર્તન માં અનાયાસે જગત ભુલાય છે,મનુષ્ય જયારે સર્વ છોડી માળા લઈને બેસે ત્યારે જગત યાદ આવે છે.
કથા માં બેસો ત્યારે સંસાર-વ્યવહાર ના વિચારો કાઢી નાખો. હું મારા શ્રીકૃષ્ણ ના ચરણ માં બેઠો છું-એવી ભાવના કરો.
કીર્તનભક્તિ નિષ્કામ હોવી જોઈએ. તુલસીદાસજી એ કહ્યું છે કે-મારા સુખ માટે હું કથા કરું છું. બીજાને શું સુખ મળે છે –તેની મને ખબર નથી. પણ મારા મન ને આનંદ મળે છે તેથી કથા કરું છું.
જીવન માં કામસુખ અને પૈસા મુખ્ય થયા એટલે ભગવાન ગૌણ થઈ ગયાં.મનુષ્ય પાસે કઈ નથી ,છતાં ઠસક રાખે છે કે-હું પણ કાંઇક છું. વિદ્યાનું અને સંપત્તિ નું તેણે અભિમાન થાય છે. વંદન કરવું એ સહેલું નથી.
વંદન કરવા એ ભક્તિ છે. જે વંદન કરતો નથી એ પ્રભુને ગમતો નથી. વંદન-ભક્તિ અભિમાન થી ગઈ.
સર્વ માં શ્રીકૃષ્ણ ની ભાવના રાખી સર્વ ને વંદન કરો. વંદન કરવાથી વિરોધ નો નાશ થાય છે.
નરસિંહ મહેતા એ –ભક્ત-નું લક્ષણ બતાવ્યું છે.-કે-સકલ લોક માં સહુ ને વંદે.-
સહુને વંદે તે વૈષ્ણવ.
વંદન માગે તે વૈષ્ણવ(ભક્ત) નથી. અંદર –હું-પણું- હશે ત્યાં સુધી ભક્તિ વધશે નહિ.કોઈ નમે તે પહેલાં તમે નમશો , તો તમારી નમ્રતા વધશે.
આજકાલ લોકો –દેહ-ની પૂજા કરે છે.એટલે ઠાકોરજી ની પૂજા-સેવા કરવાનો તેમને સમય મળતો નથી.
દેહ-પૂજા વધી એટલે દેવ-પૂજા (અર્ચન-ભક્તિ) ગઈ.
લોકો એ અનેક પ્રકારના સાબુ શોધી કાઢ્યા છે.બહુ સાબુ ઘસવાથી શરીર નો રંગ સુધરવાનો નથી. ભગવાને જે રંગ આપ્યો છે,તે સાચો છે. મનુષ્ય બહુ વિલાસી થયો તેથી અર્ચન-ભક્તિ નો વિનાશ થયો.
આવી રીતે ભક્તિ ના એકએક અંગ નો વિનાશ થયો. એટલે જીવ ઈશ્વરથી વિભક્ત થયો. બુદ્ધિનો બહુ અતિરેક થાય એટલે ભક્તિ નો વિનાશ થાય. ભક્તિ છિન્ન-ભિન્ન થઇ એટલે જીવન વિભક્ત થયું.
સાચો ભક્ત કોને કેહવાય ?
તો સાચો ભક્ત – જે ભગવાનને ભૂલતો નથી, તેમના સ્મરણથી વિભક્ત થતો નથી તે સાચો ભક્ત.

ભાગવત માહાત્મ્ય (Page 15)
ભક્તિ ના બે બાળકો છે.-જ્ઞાન અને વૈરાગ્ય. જ્ઞાન અને વૈરાગ્ય સાથે ભક્તિ નો આદર કરો.
જ્ઞાન અને વૈરાગ્ય ને મૂર્છા આવે ત્યારે ભક્તિ પણ રડે છે. કળીયુગમાં જ્ઞાન અને વૈરાગ્ય –વૃદ્ધ થાય છે.
એટલે કે-તે વધતાં નથી. જ્ઞાન પુસ્તક માં આવીને રહ્યું- ત્યારથી જ્ઞાન ગયું.
નારદજી કહે છે-કે-જ્ઞાન અને વૈરાગ્ય ને કેમ મૂર્છા આવી તે હું જાણું છું. આ કલિકાલ માં અધર્મ વધ્યો છે,તેથી તેઓને મૂર્છા આવી છે. આ વૃંદાવન ની પ્રેમભૂમિ થી તેમને પુષ્ટિ મળી છે.
જ્ઞાન અને વૈરાગ્ય ની મૂર્છા કેમ ઉતરે ?
કલિયુગ માં જ્ઞાન અને વૈરાગ્ય ની ઉપેક્ષા થાય છે.એટલે તે- ઉત્સાહ વગરના –વૃદ્ધ થયા છે. આ કલિયુગ નો પ્રભાવ છે.
નારદજી એ ભક્તિ મહારાણી ને આશ્વાસન આપ્યું છે. કે—હું તમારો (ભક્તિનો) પ્રચાર કરીશ. જ્ઞાન-વૈરાગ્ય ને જગાડીશ.
નારદજી એ જ્ઞાન અને વૈરાગ્ય ને જગાડવા –અનેક પ્રયત્ન કર્યા પણ તેમને સફળતા મળતી નથી.
વેદો ના અનેક પારાયણ કર્યા તોપણ તેમની મૂર્છા ઉતરતી નથી.
વેદની ભાષા ગૂઢ છે.વેદનો અર્થ જલ્દી સમજાતો નથી. એટલે વેદો ના પારાયણ થી મૂર્છા ઉતરી નહિ.
જરા વિચાર કરશો તોં –ધ્યાનમાં આવશે –
આ કથા દરેક ના ઘરમાં થાય છે. આ આપણી જ કથા ચાલે છે.
હૃદય-વૃંદાવન માં ભક્તિ છે પણ છિન્ન-ભિન્ન થઇ છે.—વૃંદાવન માં જ્ઞાન વૈરાગ્ય મૂર્છા માં પડ્યા છે –તેમ નથી.
શરીરમાં હૃદય એ વૃંદાવન છે. હૃદય માં કોઈ કોઈ વાર વૈરાગ્ય જાગે છે, પણ તે જાગૃતિ કાયમ રહેતી નથી.
ઉપનિષદ અને વેદ ના પાઠથી આપણા હૃદય માં કવચિત જ્ઞાન વૈરાગ્ય જાગી પાછા મૂર્છા માં પડે છે.
વેદ ના પારાયણ થી વૈરાગ્ય આવે છે,પણ તે વૈરાગ્ય ટકતો નથી.
કોઈના છેલ્લા-વરઘોડામાં (સ્મશાન યાત્રામાં)જાયછે, સ્મશાન માં ચિતા બળતી જુએ છે, ધાણી ફૂટે તેમ એક-એક હાડકાં છૂટા પડતા જુએ છે,–તે જોઈ કેટલાક ને વૈરાગ્ય આવે છે.(સ્મશાન વૈરાગ્ય).
જે શરીરના હું લાડ કરું છું, જેના માટે હું પાપ કરું છુ, તે મારા શરીર ની આ દશા થવાની છે.
કામસુખ ભોગવ્યા પછી કેટલાકને વૈરાગ્ય આવે છે, સંસાર ના વિષયો ભોગવ્યા પછી વૈરાગ્ય આવે છે.
પણ વૈરાગ્ય કાયમ ટકતો નથી. વિષયો ભોગવ્યા પછી, તેમાં અરુચિ આવે છે,પરંતુ –તે –વૈરાગ્ય– વિવેક(જ્ઞાન) વગરનો હોવાથી –કાયમ– ટકતો નથી.
જ્ઞાન વૈરાગ્ય ની મૂર્છા ઉતરતી નથી ,નારદજી ચિંતા માં પડ્યા છે,-તે વખતે આકાશવાણી થઇ-કે-તમારો પ્રયત્ન ઉત્તમ છે,જ્ઞાન-વૈરાગ્ય સાથે ભક્તિ નો પ્રચાર કરતાં તમે કોઈ સત્કર્મ કરો.
નારદજી પૂછે છે-કે-પણ હું શું સત્કર્મ કરું ? આકાશવાણી એ કહ્યું-કે-સંતો તમને સત્કર્મ બતાવશે.
નારદજી અનેક સાધુ સંતો ને પૂછે છે,પણ કોઈ નિશ્ચિત્ત ઉપાય બતાવી શક્યા નહિ પૂછતાં-પૂછતા અને ફરતાં-ફરતાં તે બદ્રીકાશ્રમ માં આવ્યા છે ત્યાં તેમણે સનકાદિ મુનિઓને જોયા –નારદજી એ ઉપરની બધી કથા કહી સંભળાવી અને તેમને પૂછે છે-કે-જે દેશ માં હું જન્મ્યો,તે દેશ ને હું ઉપયોગી ના થાઉં તો મારું જીવન વ્યર્થ છે, આપ જ મને બતાવો કે, હું શું સત્કર્મ કરું ?હું શું કરું કે જેથી જ્ઞાન વૈરાગ્ય કાયમ ના માટે જાગતા રહે,ભક્તિ પુષ્ટ થાય ?
સનકાદિ મુનિઓ કહે છે કે-દેશના દુખે તમે દુઃખી છો. તમારી ભાવના દિવ્ય છે, છે. ભક્તિ નો પ્રચાર કરવાની તમારી ઈચ્છા છે, તમે ભાગવત જ્ઞાન યજ્ઞ નું પારાયણ કરો.તમારી ઈચ્છા પૂર્ણ થશે.
નારદજી એ પૂછ્યું -કે- જે કામ વેદ પારાયણ થી ના થયું, તે ભાગવત થી કેવી રીતે થશે ?
સનકાદિ મુનિઓ સમજાવે છે કે—વેદમાં થી જ ભાગવત પ્રગટ થયું છે, ભાગવત માં વેદ-ઉપનિષદો નો સાર ભર્યો છે. ખાંડ એ શેરડીમાં થી થાય છે,પણ ખાંડ માં જે મીઠાસ હોય છે તે શેરડી માં હોતી નથી.
ઘી થાય છે દૂધ માં થી પરંતુ બે મણ દૂધ હોય –તો પણ તેનાથી દીવો થતો નથી. દીવો કરવો હોય તો-ઘી ની જરૂર પડે છે, દૂધ થી દીવો થતો નથી. એક બે તોલા ઘી હોય તો દીવો થાય છે.
વેદ-ભગવાન એ દૂધ જેવા છે, વિશાળ છે,વ્યાપક છે,અનંત છે. પણ ભાગવત એ માખણ છે. તેનો સાર છે.
તમે ભાગવત જ્ઞાન-યજ્ઞ નું પારાયણ કરો, અને તેનો પ્રચાર કરો, આ કથા જ્ઞાન,ભક્તિ અને વૈરાગ્ય ને વધારનારી છે.
વેદ નું પારાયણ કરવું સારું છે,પણ વેદનો અર્થ જલ્દી ધ્યાન માં આવતો નથી. વેદોની ભાષા ગૂઢ હોવાથી સામાન્ય માનવી ની સમજ માં આવતી નથી. આથી જ વેદ ના સિદ્ધાંતો અને કઠિન ભાષા ને દ્રષ્ટાંતો દ્વારા રોચક બનાવી ને વ્યાસજી એ આ કથા બનાવી છે. કલિયુગ માં કૃષ્ણ ની કથા અને કીર્તન થી જ્ઞાન-વૈરાગ્ય જાગૃત થાય છે.
તેથી જ સર્વ વેદોના સાર જેવું આ ભાગવત –જ્ઞાન યજ્ઞ નું પાન કરો, પારાયણ કરો.
ભાગવત કથા નું પાન કરવા નારદજી ત્યાંથી ગંગા કિનારે આવ્યા છે.
શુદ્ધ ભૂમિ માં સાત્વિક ભાવ જલ્દી જાગે છે. ભૂમિ ની અસર સૂક્ષ્મ રીતે મન પર થાય છે.
ભોગ ભૂમિ માં ભોગ ના પરમાણુ ઓ ફરે છે.ભોગભૂમિ એ ભક્તિ માં બાધક છે.ગંગા કિનારો –જ્ઞાન- ભૂમિ છે.માટે આજ્ઞા કરી છે-કે ગંગા કિનારે ચાલો. નારદજી સનત કુમારો સાથે,ગંગા કિનારે આનંદવન માં આવ્યા છે.
નારદજી હાથ જોડીને બેઠા છે.ત્યાં ઋષિ મુનિઓ પણ ભાગવત કથાનું પાન કરવા આવ્યા છે.
જે નહોતા આવ્યા તે એક એકના ઘેર ભૃગુ ઋષિ જાય છે અને વિનય થી વંદન કરી મનાવી ને કથામાં લઇ આવે છે.
સતકર્મ માં બીજા ને પ્રેરણા આપે તેને પણ પુણ્ય મળે છે.
કથા ના આરંભ માં જય-જયકાર કરે છે.અને –હરયે નમઃ –નો શબ્દોચ્ચાર કરે છે. આ મહામંત્ર છે.
--------------------------------------------------------------------------------------------------------------

No comments:
Post a Comment