''શ્રીમદ ભગવદ્ ગીતા''ની ખાસ ખાસ વિશિષ્ટતાઓ - 2



---------------------------------------------------------------------------------------------------------------

       શ્રીમદ ભગવદગીતા -૨૬-
            ધર્મ અને અધર્મ
ધર્મ અને અધર્મ
દૈવી સંપત્તિ -આસુરી સંપત્તિ
છાંદોગ્યપનીષદ ના પ્રથમ અધ્યાય ના બીજા ખંડ ના  પહેલાં ષ્લોક માં
કહે છે કે.......
સત્ય નું (શાસ્ત્રોનું )જ્ઞાન અને સત્ય (શાસ્ત્રીય) ક્રિયા ઓ (કર્મો) નાઅનુષ્ઠાન વડે ઉચ્ચ પણે પ્રકાશિત થયેલી ઇન્દ્રિયોની વૃત્તિઓ --(દૈવી સંપતિ--ધર્મ )
તે દેવો છે. તેનાથી વિપરીત(ઉલટી) વિષયો માં આશક્ત અને જીવન કે શરીર નેપોષવા ની માત્ર વૃતિઓ --(આસુરી સંપતિ--અધર્મ)
તે અસુરો છે.

           આ દેવો અને અસુરો એકબીજા ના વિષયોનું અપહરણ કરવામાં જાગ્રત રહી નિરંતર સંગ્રામ કરતા રહે છે. એટલે કે-
વિષય ભોગની -વાસના વાળી ઇન્દ્રીયવૃત્તીઓ (અધર્મ -આસુરી સંપત્તિ ) હમેશા પરમાત્મા વિષયક વૃત્તિઓનો (ધર્મ--દૈવી સંપત્તિ)
પરાભવ કરવા ઈચ્છે છે. એવી જ રીતે પરમાત્મા વિષયક વૃત્તિઓ ,વિષયભોગ -વાસના વાળી વૃત્તિઓ નો
પરાભવ કરવા પ્રયત્ન કરે છે.

------------------------------------------------------------------------------------------

           માનવી માં આ ધર્મ-અધર્મ ,દૈવી સંપતિ-આસુરી સંપતિ નું યુદ્ધ સદા એ ચાલતું
હોય છે.અને આશ્ચર્યને વાત એ છે કે સામાન્ય માનવી આને ઓળખી
શકતો નથી.સમજી શકતો નથી.

          આ વસ્તુ ને સમજાવવા મહર્ષિ વેદ વ્યાસે વેદો ની રચના કરી.રચના કર્યા પછી પણ તે વ્યાકુળ હતા - સામાન્ય માનવી વેદો ને સમજવા તૈયાર નહોતો.

         દેખાતી સહેલી આ વાત સામાન્ય માનવી ને જો ઉદાહરણ થી સમજાવવા માં
આવે તો તે રસપ્રદ બને .
અને આવા જ કૈક કારણસર દેવો અને અસુરો -વગેરેના ઉદાહરણો આપીને વ્યાસ જી એ એમની કુશાગ્ર બુદ્ધિ નો ઉપયોગ કરી પુરાણો ની રચના કરી.

     સુક્ષ્મ પરમાત્મા નું સ્થૂળ દ્રષ્ટાંત -દેવો બનાવ્યા . અને તે દેવો ને માનવી (રામ અને કૃષ્ણ )રૂપે રજુ કર્યા.
અને તેમના જીવન ના કાર્યો મારફત ઉપદેશ આપ્યો.

        આ ઉપદેશ થી સામાન્ય માનવી માં -ભક્તિ -પેદા થાય છે.
અને ખરા જિજ્ઞાસુ માનવીઓને -જ્ઞાન માર્ગ -ની છુપી ગલી-કુંચીઓ સહેલાઇ થી હાથ માં આવે છે.

        ખૂબ પ્રચલિત એવા મહાભારત -પુરાણ-માં વ્યાસજી એ દૈવી અને આસુરી સંપત ના યુદ્ધ નો પ્રસંગ જોઈએ તો
તેમની અગાધ  બુદ્ધિ  તરફ માન થયા વગર રહેશે નહી.

        અંધ ધ્રુતરાષ્ટ્ર (મોહ-અવિવેક) અને દુર્યોધન (વિષયી-કામી ) સઘળું રાજ્ય (શરીર-પ્રદેશ) દબાવી પોતાના કાકા
પાંડુના (વિવેક ના) પુત્રો
યુધિષ્ઠિર(ધર્મ)વગેરે ને
કોઈ ભાગ આપતા નથી .

         આ વિષયે બહુ સમજાવ્યા છતાં તે માનતા નથી .સમજતા નથી . એટલે યુદ્ધ કરવાનું નક્કી કર્યું છે.

        અર્જુન (મંદ વિરાગ) યુધ્ધના ખરા સમયે શિથિલ (શોક-મોહ થી)થાય છે. ત્યારે શ્રી કૃષ્ણ (આત્મા-પરમાત્મા) -દેવ રૂપે--તેને
સ્વ-ધર્મ સમજાવી અને તેના મંદ વિરાગ ને સુદઢ વિરાગ માં રૂપાંતરિત કરી દૈવી સંપતિ નું પ્રદાન કરે છે. અને આમ જયારે મંદ વિરાગ (અર્જુન) સુદ્રઢ વિરાગ માં રૂપાંતરિત થાય છે. ત્યારે
દૈવી સંપતિ (ધર્મ-સ્વ-ધર્મ)
આસુરી સંપત્તિ (અધર્મ -મોહ-લોભ) ઉપર તેનો વધ કરી વિજયી બને છે.

----------------------------------------------------------------------------------
ઉપસંહાર-
        કલ્યાણ નો માર્ગ બહિર-દ્રષ્ટિ થી બહાર (બ્રહ્માંડમાં) શોધવાથી હાથ લાગે તેમ નથી.
માત્ર આંતર દ્રષ્ટિથી શરીર માં શોધવાથી જ હાથ લાગે તેમ છે.

🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳

----------------------------------------------------------------------------

            શ્રીમદ ભગવદગીતા-૨૫-

           ધર્મ ના નામે અધર્મ

   ભારત માં વેદો ,ઉપનિષદો,પુરાણો,ગીતા વગેરે પુસ્તકો  અને ધર્મ અને આત્મબોધ ના જ્ઞાનને
લગતી ઘણી બધી અમૂલ્ય માહિતી હયાત છે.
તેમ છતાં તેના પ્રત્યે લક્ષ્ય અપાતું નથી.!!! ભૂતકાળ માં લગભગ આવું જ બનેલું હશે.

       જયારે જયારે આવી પરિસ્થિતિ સર્જાણી
ત્યારે ત્યારે ધર્મ ના ઓઠા હેઠળ અધર્મ ફાલી ઉઠે છે. ધર્મ ના નામે --વેદો,પુરાણો અને ગીતાના નામે ---ધર્મ ઠગો પોતાના લોભ અને લાલચ ઘુસાડી દે છે.

      નવા નવા દેવો,દેવીઓ ,વૈભવી મંદિરો અને વૈભવી આશ્રમો ની રચના કરી
વૈભવી જીવન જીવતા લોકો નો એક વર્ગ ઉભો થઇ જાય છે. સનાતન અને નિત્ય સત્યો નું  "અગ્નિ તેજ" આવ ધર્મ ઠગો નું માધ્યમથી ઢંકાઈ જાય છે. પ્રજ્વલિત અગ્નિ ના અંગારા પર રાખ જામી જાય છે. અને લોકો આવા ધર્મ ઠગોના અધર્મૃરૂપી  ધર્મને સાચો માનવા લાગે છે.

       આવે વખતે ખૂબ જ વિરલ વ્યક્તિત્વ જેવાકે બુદ્ધ.મહાવીર કે શંકરાચાર્ય કે શ્રી વલ્લભાચાર્ય   મહાપુરુષો  આવીને અંગારા ની રાખ પર ફુંકો મારી સનાતન સત્યો ના અગ્નિને ફરીથી સ્થાપિત કરે છે.
પણ ફરી પાછું ઉપર બતાવ્યું તેમ જ થોડા ક જ  સમય માં અંગારા પર ફરીથી રાખ વળવી ચાલુ થાય છે.અને ફરીથી ધર્મઠગો નો લોભ અને લાલચ છવાઈ જાય છે.........

      અત્યારે હાલ ની પરિસ્થિતિ પણ આવી જ છે!! આવે સમયે માનવી માં અસંખ્ય પ્રશ્નો ઉભા થાય છે........ આવા અસંખ્ય પ્રશ્નો ની હારમાળાઓ કંઇક આવી હશે?

--ઈશ્વર ક્યાં છે? ઈશ્વર છે?
   અને જો તે હોય તો દેખાતા કેમ નથી?

--આટઆટલા  જુદા જુદાજુદા ઈશ્વરો કેમ?

--ઈશ્વરના આટઆટલા મંદિરો કેમ? શું મંદિરો માં ઈશ્વર વસી શકે? અને જો વસી શકતા હોય તો કયા ઈશ્વર સાચા?
 
--ઈશ્વર પાસે જો આખી દુનિયા નો વૈભવ હોય તો તેને માટે-તેના મંદિર માટે  આટલા ફંડ ફાળા કેમ
  ઉઘરાવવા પડે છે?

--મંદિર માં ઈશ્વરનું અને મંદિરના પુજારીઓ નું આવું વૈભવી જીવન કેમ?

--મંદિરમાં બેઠેલા ઈશ્વરને જોવા જવા ટીકીટ ના પૈસા કેમ?

--ભગવાને આટલી અસમાનતા ઓ પેદા કેમ કરી ?કોઈની પાસે અઢળક પૈસા તો કોઈની પાસે ખાવાના સાંસા?

--આવી રીતે જગત ક્યાં સુધી ચાલશે?જગત પેદા કેમ થયું ? અને અન્ત ક્યારે?

--આ પાપ અને પુણ્ય શું છે?તેની કોને રચના કરી?પાપી ઓ નું સુખી જીવન અને પુણ્યશાળીઓ નું દુઃખી  જીવન કેમ?

--જો આત્મા અને પરમાત્મા એક જ (અદ્વૈત) હોય તો પછી --પાપ અને પુણ્ય ,નીતિ અને અનીતિ,ધર્મ અને અધર્મ એવ ભેદ ને સાચા કેમ માની શકાય?

--આપણી પાસે જે છે તે બીજાને આપી પરોપકાર શું કામ કરવો?

--આપણી પાસે જે વસ્તુ નથી તે જો બીજાની પાસે હોય તો તેને રહેંશીનાખી -મારી નાખી તે વસ્તુ
  શા માટે ના લઇ લેવી?
  જો પૈસાદારો નો પ્રાણ લેવો તે પાપ હોય તો જયારે તેમની સંપતિ આપણા હાથ માં આવે તો
   તે પુણ્ય ના કહેવાય?

--એક પશુ બીજા પશુને મારીને ખાય છે ...અરે માનવી તે પશુ ને મારી ને ખાય છે....છતાં આવા જીવો સુખી કેમ હશે?પાપી સુખી કેમ?

--મરણ પછી જો યમદંડ ભોગવવાનો હોય તો અત્યારે તેની શી ચિંતા? આપણે મરી જઈએ પછી ફળ ભોગવવા આપણે ક્યાં  રહેવાના છીએ?

--આ જન્મ માં આપણને ગયા જન્મ નું કોઈ જ સ્મરણ થતું નથી તો પછી આ   પુનર્જન્મ નું ચક્કર શું સાચું હશે?

--પુનર્જન્મ ની અત્યારે શું કામ ચિંતા કરવી?મ્રત્યુ ની ચિંતા શું કામઆત્મા ના ઉદ્ધાર ની શું કામ ચિંતા?

--શુભ મુહુર્તો અને શુભ સમય જોઈને થએલા લગ્નો છતાં જગતમાં વિધવા ઓ કે વિધુરો કેમ? સંતતિ વગરના આટઆટલા યુગલો કેમ?

        આવા આવા અનંત પ્રશ્નો જોઈ ને વધારાના  પ્રશ્ન થયા વગર રહેતા નથી............ કે આવા પ્રશ્નો કેમ ઉભા થાય છે?અને આ પ્રશ્નો નું નું સમાધાન શું? સત્ય નું અજ્ઞાન (સત્ય જ્ઞાન નો અભાવ) પ્રશ્નો ઉભા કરે છે. સત્ય નું જ્ઞાન પ્રશ્નો નું સમાધાન કરે છે.અને
આત્મા નું જ્ઞાન --આત્મ "સ્વ-રૂપ" ની ઓળખાણ - એ જ સત્ય જ્ઞાન છે. સર્વ સુખો નો ભંડાર આ જ્ઞાન છે જેને આત્મજ્ઞાન કે બ્રહ્મ જ્ઞાન કહી શકાય કેમકે તે બંને એક જ છે. અને આ જ્ઞાન મેળવવા બહુ આઘાપાછા કે દોડવાની જરૂર નથી...... માત્ર "હું કોણ છું?" તેનો વિચાર કરવાની જરૂર છે.
વિચાર કરીને નિર્ણય લેવાની જરૂર છે. અને આ નિર્ણય માં સર્વ પ્રશ્નો  અને જવાબો સમાઈ જાય છે--
અને સર્વ પ્રશ્નો અને જવાબ નો નિકાલ થઇ જાય છે.

         આપણા આધ્યાત્મ શાસ્ત્રો માં આ સત્ય જ્ઞાન વિષે વર્ણન છે.
એટલે આ શાસ્ત્રો એક સાધન કહી શકાય. ધર્મ ઠગો એ ઉભું કરેલું કે તેમણે બનાવેલું જ્ઞાન તે સાચું નથી. માત્ર તેમના ખિસ્સા ભરવા માટે તેમણે જે જ્ઞાન બનાવ્યું છે તે સત્ય જ્ઞાન કેમ હોઈ શકે? "સ્વ-ધર્મ" કે જે સાચો ધર્મ છે -સત્ય છે- તેને બદલે
આ ધર્મ ની ઓઠે --ધર્મ ના નામે ધર્મ ઠગો ના -લોભ અને લાલચ ના બનેલ આવા અત્યારના પ્રચલિત વૈભવી ધર્મો-મંદિરો-ઈશ્વરો આશ્રમો નો બનાવેલ ધર્મ -ને ધર્મ કહેવો કે અધર્મ કહેવો ?????????

🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿

-------------------------------------------------------------------------------------------

          શ્રીમદ ભગવદગીતા-૨૭-
                     સત્ય જ્ઞાન

        ઉપનિષદ માં  શિષ્ય પ્રશ્ન કરે છે... “એવું શું છે કે જે જાણ્યા પછી બીજું કઈ જ જાણવા જેવું બાકી રહેતું નથી?

  જવાબ માં કહે છેકે.... “સત્ય નું જ્ઞાન જાણ્યા પછી કશું જ જાણવાનું બાકી રહેતું નથી.”
અને આ “સત્ય જ્ઞાન” જો
સમજાઈ જાય તો સમજવા માં અઘરું લાગતું “શાસ્ત્રો નું તત્વ જ્ઞાન” આપોઆપ સમજાવા લાગે છે.પણ વળી પાછું આ ‘સત્ય જ્ઞાન’  મેળવવા માટે ‘શાસ્ત્રો નું તત્વજ્ઞાન’ જરૂરી બની રહે છે.
‘સત્ય’ પરમાત્મા છે.અને આ ‘સત્ય નું જ્ઞાન’ તે જ્ઞાન છે.

          આ સીધું સાદું વાક્ય વાંચીને કે સાંભળીને આપણે બધા એક સાથે કહી ઉઠીએ છીએ કે-
“આ તો અમને ખબર છે”
પણ પરમાત્મા શું છે? તેની ખોજ અહી છૂટી જાય છે.અને સામાન્ય જીવન માં અટવાતા રહીએ છીએ. કદીક કદીક  ઘડી ભર આ પરમાત્મા ના ખોજ ની વાત આવી પછી વિસરાઈ જાય છે.   પરમાત્મા ની ખોજ ચલાવવી જ હોય અને ‘સત્ય જ્ઞાન’ મેળવવું જ હોય તો – આ પરમાત્મા ના મૂળ સુધી જો પહોચી જવાય તો ઘણા બધા પ્રશ્નો નો જવાબ મળી શકે તેમ લાગે છે.

          પરમાત્મા ની ખોજ વરસો જૂની છે.અનેક લોકો એ જુદી જુદી રીતે પરમાત્માની ભાળ કાઢવાનો પ્રયત્ન કર્યો છે. ભાતભાતના ઉદાહરણો આપી ને અને ભાતભાતના ‘વાદો’ ઉભા થયેલા છે.પણ છેવટે તો બધાએ- મૂળ-બ્રહ્મ- સુધી પહોચવાનું છે.

         બીજી રીતે કહીએ તો-પરમાત્મા ના ગામ (સાધ્ય)સુધી પહોચવા  માટે જુદા જુદા- સાધનો- બનાવ્યા  છે.
        ગીતા માં અધ્યાય -૧૦ માં ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ નું ઉદાહરણ છે.
ક્ષેત્ર એટલેકે ખેતર. અને ક્ષેત્રજ્ઞ એટલેકે ખેતર ને જાણનાર કે ખેતર નો માલિક. ખુબ જ સીધી સાદી રીતે કહ્યું છે કે –શરીર ક્ષેત્ર છે અને તેને જાણનાર –આત્મા-પરમાત્મા -ક્ષેત્રજ્ઞ છે. અહી બે જુદા જુદા વાદો-જેવાકે કર્મવાદીઓ અને સાંખ્યવાદી ઓ શું કહે છે તે સમજીએ,

કર્મવાદીઓ કહેછે કે-

આ સમગ્ર ખેતર(શરીર) જીવ (આત્મા) ના તાબામાં છે.પ્રાણ વ્યવસ્થાપક છે. આ પ્રાણ ના ચાર ભાઈઓ છે,(અપાન,વ્યાન,સમાન અને ઉદાન) અને એક દેખરેખ અધિકારી (મન) છે.

     દસ બળદો (પાંચ જ્ઞાનેન્દ્રિયો અને પાંચ કર્મેન્દ્રિયો ) ની જોડી થી . (વિષયો થી ભરપુર) ખેતરને આ બધા મહેનત કરી ખેડે છે.
અને બીજ ( ખોટાંખોટાં કર્મ ના આચરણો –અન્યાય) વાવે છે.
ખાતર (દુષ્કર્મો) નું નાખે છે.જેથી તેના જેવા જ પાક રૂપ જન્મ પર્યંત ના- દુઃખો- ભોગવે છે. અને જો બીજ (સારા કર્મ ના આચરણો-સત્કર્મો) નું વાવે તો તેના પાક રૂપ જન્મ પર્યંત –સુખ- ભોગવતો રહે છે.
       ટૂંક માં અહી ‘કર્મો’ ને પ્રધાન બતાવ્યા છે.મન ને જવાબદાર ગણાવ્યું છે.જીવ દોષી નથી.

સાંખ્ય વાદીઓ (બુદ્ધિ વાદીઓ-જ્ઞાન વાદીઓ) કહે છે- આ ખેતર પર  જીવ નો અધિકાર નથી,જીવ તો વટેમાર્ગુ છે,તે તો ખેતર માં થોડો સમય જ રહે છે. પ્રાણ એ રખેવાળ છે.સર્વદા જાગ્રત રહી ખેતર નું રક્ષણ કરે છે.

         પ્રકૃતિ (શક્તિ)ની વૃત્તિ ક્ષેત્ર માં છે.તેના વહીવટ માં આ ખેતર છે.તેના ઉદરમાંથી પેદા થયેલા ત્રણ ગુણો પૈકી –રજોગુણ વાવણી કરે છે, સત્વગુણ સંરક્ષણ કરે છે.અને તમોગુણ સર્વ પાક એકઠો કરે છે. ટૂંક માં અહી ‘પ્રકૃતિ’ ને પ્રધાન બતાવી છે.તેને જવાબદાર ગણાવી છે.બ્રહ્મ દોષી નથી. મહત્ બ્રહ્મ અને મહત્ પ્રકૃતિ થી જગતની ઉત્પત્તિ થાય છે.સર્ગ થાય છે.   એવો સાંખ્ય મત છે.સાંખ્યો (બુદ્ધિજીવીઓ,જ્ઞાનીઓ) પરમાત્મા ના મૂળ સુધી જવાનો પ્રયત્ન વધુ કરે છે.
        કર્મ માં –અનાશક્તિ થી મુક્તિ કે આશક્તિ થી બંધન થાય છે.અનાશક્તિ થી વૈરાગ્ય ઉદ્ભવે છે. ભક્તિ થી -આ સર્વ કઈ પરમાત્મા નું છે અને ‘તે’ની શરણાગતિ થી અહમ નો વિનાશ થાય છે. જયારે જ્ઞાન- એ સત્ય જ્ઞાન માં રૂપાંતરિત થઇ પરમાત્મા સુધી પહોચી જાય છે.

      જ્ઞાન,ભક્તિ અને વૈરાગ્ય –આ ત્રણે એક સાથે ભેગા થાય તો –સત્ય –દુર નથી. કર્મ યોગ,ભક્તિ યોગ કે જ્ઞાન યોગ –આ ત્રણ મુખ્ય સાધનો ત્રણ જુદી જુદી પ્રકૃતિ ના ગુણો વાળા જીવો માટે બતાવ્યા છે. ત્રણે માં થી કોઈ પણ એક સાધન થી સત્ય નજીક પહોચી શકાય છે. અને શરૂઆત માં કોઈ પણ એક સાધન કરવું જરૂરી છે. પણ સંપૂર્ણ મુક્ત થવા કે આત્મા અને પરમાત્મા નું ઐક્ય કરવા માટે આ ત્રણે નો સંગમ થવો જરૂરી છે. એવો નિર્દેશ છે.

        આમ પ્રકૃતિ(માયા) થી પર થવા અને બ્રહ્મ ની પ્રાપ્તિ માટે,જ્ઞાન ,ભક્તિ અને વૈરાગ્ય ખુબ જ જરૂરી છે. અને જો એકવાર ‘એ’ નિરાકાર,નિર્ગુણ –પરમાત્મા (બ્રહ્મ-સત્ય) ને કોઈ વિરલો જાણી લે તો પછી કશું એ બીજું જાણવાનું રહેતું નથી.
       બાકી બધું આપોઆપ જણાઈ જાય છે. ના સમજાતી વસ્તુ સમજાઈ જાય છે.અને પછી કશું એ સમજવાનું રહેતું નથી.

અહમ નીર્વીકલ્પો,નિરાકાર રૂપો,વિભુ વ્યાપ્ત સર્વત્ર,સર્વેન્દ્રીયાણામ,

સદામે સમત્વં ,ન મુક્તિ ન બંધ,ચિદાનંદ રૂપ ..શિવોહમ,શિવોહમ .........

આનંદ-આનંદ-પરમાનંદ.........

🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳

----------------------------------------------------------------------------------------------------
            શ્રીમદ ભગવદગીતા -૨૮-

          જ્ઞાન--અનુભવ --મન -એકાગ્રતા

        જ્ઞાન સાચું હોય કે ખોટું હોય
પણ તેનો આધાર અનુભવ છે . સાચું જ્ઞાન એક જ છે. મોટા ભાગ નું જ્ઞાન આંખ થી આવે છે .
અને આથી જોવા જઈએ તો આંખ ને દ્રષ્ટા કહી શકાય .

        હવે આંખ કે જે દ્રશ્ય જોઈ શકે છે તે પોતાને (એટલે આંખ ને)
જોઈ શકે નહી . વળી થોડુંક આગળ વિચારી એ તો ,
આંખ નો ડોળો એ માત્ર એક યંત્ર જ છે . કારણ કે ઘણી વખત આંખ ખુલ્લી હોય તો પણ આપણે આપણી આગળ પસાર થઇ ગયેલું દ્રશ્ય ના જોયું હોય તેવો અનુભવ ઘણી વાર થાય છે .
અને ઘણી વાર બંધ આંખે પણ અનેરા દ્રશ્યો દેખાઈ જાય છે.

        આંખ ની આગળ જયારે દ્રશ્ય ત્યારે મન કે જે વિચારી શકે છે તે આ દ્રશ્ય સાથે જોડાય અને તેને બુદ્ધિ જોડે લઇ જાય .
બુદ્ધિ પાસે જે જુના અનુભવો કે તેની પાસે જે જ્ઞાન છે તેને આધારે બુદ્ધિ દ્રશ્ય" શું છે" તે નક્કી કરે છે .

       ઉદાહરણ થી સમજીએ તો ---
નાનું બાળક તેની સામે આવેલ ચૂલા ના અગ્નિ માં હાથ નાખી દે છે. બાળક ચૂલો અને અગ્નિ જુએ છે.પણ તેની બુદ્ધિ ને હજુ ખબર નથી કે તેનું નામ શું છે ?તેની અસર શું છે ? એટલે જ તે અગ્નિ માં હાથ નાખી દે છે . દાઝે છે તે અનુભવ છે -જ્ઞાન થયું -એટલેજ
જયારે ફરીથી આવી પરિસ્થિતિ સામે આવે ત્યારે તેની બુદ્ધિ તે દ્રશ્ય આવે એટલે તેને કહે છે -
આ ચૂલો છે અને આ અગ્નિ છે.
        હજુ થોડાક આગળ જોઈએ તો આ જ્ઞાન-- ચેતના કે આત્મા-- પાસે રજુ થાય  છે
ત્યારે તે ચેતના "હવે શું કરવું?"તેની આજ્ઞા આપે છે.

એટલેકે જયારે  તે બાળક અગ્નિ નજીક ફરીથી જાય ત્યારે તેની
બુદ્ધિ(અનુભવ ) તે દ્રશ્ય જોઈને તરત તેને જાણે કહે છે કે --
અગ્નિ માં હાથ નાખવાથી દઝાય છે. હવે તે બુદ્ધિ ચેતના ની આગળ આ વસ્તુ હાજર કરે એટલે
ચેતના તેને કહેછે કે --હાથ નાખીશ નહી -- પણ જો કોઈ રમકડું આગમાં પડી ગયું હોય તો ? પછી ઉપરની પ્રોસેસ ફરીથી રીપીટ થાય છે.

       ટૂંકમાં એવું કહી તારણ કાઢી શકાય -કે નિરિક્ષણ (જોવું) અને અનુભવ બંનેઆધાર છે --જ્ઞાન નો .........

       આગળ જોયું તેમ
નિરિક્ષણ માટે (આંખ થી )
મન એ સાધન છે.(વાહન છે )
અને આ સાધન ને  શક્તિ આપનાર એ બુદ્ધિ છે .અને આ મન અને બુદ્ધિ ને પણ દોરવણી આપનાર કોઈ છે ......એને ચેતના કહીએ કે પછી આત્મા કહીએ કે પછી પરમાત્મા કહીએ ........

        અહી આપણે માત્ર બાહ્ય નિરિક્ષણ (આંખ થી થતા)ની વાત જ કરી ....આવું જ
બીજું ---તે આંતર નિરિક્ષણ છે. જેમાં સીધું જ મન એ સાધન છે.
અહી આંખ ની જરૂર નથી.
આપણે અહી બાહ્ય નિરિક્ષણ ની જ વાત કરીએ .......
કારણ બાહ્ય નિરિક્ષણ પ્રમાણ માં સહેલું છે.....

       મન એ સાધન છે એમ તો નક્કી થાય છે . આમ આપણે નક્કી કરી શકીએ કે મન જો કોઈક જગ્યા એ બીજે હોય તો નિરિક્ષણ થતું નથી.
--------------------------------------------------------------------------------

      આંખ અને મન બંને ભેગા થાય ત્યારે અનુભવ થાય ..........
જે જ્ઞાન માં પરિણમે .............
અને આ જ્ઞાન બુદ્ધિ માં સંઘરાય છે .અને આ બુદ્ધિ તે શક્તિ છે
જે શક્તિ મન ને મળે છે.

        મન ની આ શક્તિ વિખરાઈ ગયેલા કિરણો જેવી છે. જયારે આ કિરણો ભેગા કરાય કે એકાગ્ર કરી શકાય તો એક જોરદાર પ્રકાશ પેદા થાય -- આમ
જો નિરિક્ષણ કરવાની --શક્તિ---
-ને જયારે દોરવણી આપીને તેને
અંદર ની કે બહારની કોઈ પણ દુનિયા તરફ --લઇ જવામાં આવે ---- કે એકાગ્ર કરવામાં આવે ---તો તે--- શક્તિ --- (મન નું પૃથકરણ કરે છે) અને જે હકીકતો છે -(જે મન ની અંદર છે) તેને પ્રકાશ માં લાવે છે.

       અહી ચર્ચા નો અંત લાવીએ  ---અને તારણ કાઢીએ કે જ્ઞાન નો આધાર છે અનુભવ અને
જ્ઞાન મેળવવાનું સાધન છે એકાગ્રતા (મન અને મન ની એકાગ્રતા )

🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿

-----------------------------------------------------------------------------------------------

           શ્રીમદ ભગવદગીતા -૨૯-     

         શરીર અને ઇન્દ્રિઓ

શરીર માં
--૫ -કર્મેન્દ્રિયો છે -જેનું કામ કર્મ કરવાનું છે
--૫ -જ્ઞાનેદ્રીઓ છે-જેનું કામ જ્ઞાન મેળવવાનું છે .

આ ઉપરાંત મન,બુદ્ધિ અને અહંકાર ને પણ ઇન્દ્રિઓ ની સાથે મુકેલી છે.જે વધુ સુક્ષ્મ છે .

        દરેક ઇન્દ્રીઓ ના વિષયો છે.
અને દરેક ઇન્દ્રીઓ વિષયો તરફ ઢળતી હોય છે. પાંચ કર્મેન્દ્રિઓ નું નિરિક્ષણ પ્રમાણ માં સહેલું છે .
જ્ઞાનેદ્રીઓ નું નિરિક્ષણ થોડુંક અઘરું છે . જ્ઞાનેન્દ્રિઓ માં ચાર તો એક જ જગ્યાએ નજીક નજીક માથા માં આવેલી છે. અને
પાંચમી ત્વચા  શરીર માં સર્વત્ર ફેલાયેલી છે . જ્ઞાનેદ્રીઓ ને થતા જુદા જુદા  અનુભવો નું જ્ઞાન
તે જ્ઞાનેદ્રીઓ બુદ્ધિ ને આપે છે .
બુદ્ધિ આ અનુભવ જ્ઞાન સંગ્રહ કરે છે.અને આ બુદ્ધિ જયારે આ જ્ઞાન નો અહમ કરે ત્યારે
જ્ઞાન અને બુદ્ધિ સીમિત થઇ જાય છે. અને આ સીમિત બુદ્ધિ જયારે અહંકાર ના વર્તુળ માં રહી
જે વિચારો કરે તેને મન- વિચારો પણ કહી શકાય ...

         મૂળભૂત સત્ય નું જ્ઞાન અંદર રહેલું જ છે ,પણ
આ અનુભવ જ્ઞાન કે જેને અજ્ઞાન કહીએ તો તે ---
અજ્ઞાન થી જ્ઞાન ઢંકાયેલું છે.
જે હરદમ બદલાતું રહે તે સાચું જ્ઞાન ના હોઈ શકે.
અને તેથી જ તેને અજ્ઞાન  કહી શકાય . અહંકાર નું પડળ હટે તો બુદ્ધિ નવું જ્ઞાન સ્વીકારવા તૈયાર થાય છે. બુદ્ધિ ના વિચારો મુક્ત બને તો મન મુક્ત બને .

ટૂંક માં
જ્ઞાનેદ્રીઓ તેના વિષયો સાથે સાથે ના તાદ્મ્યતા થી
જે જ્ઞાન નો (કે અજ્ઞાન નો)સંગ્રહ થાય છે..... અહીં જો ---સત્ય જ્ઞાન--- નો અભાવ હોય તો શંશયો પેદા થાય છે.
આ શંશયો તે

પાપ-પુણ્ય
સત્ય-અસત્ય
સુખ-દુઃખ
શાંતિ-અશાંતિ
જ્ઞાન-અજ્ઞાન
સન્માર્ગ-કુમાર્ગ
અનુકુળ-પ્રતિકુળ
તર્ક -વિતર્ક

આવા હોઈ શકે.
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
સુખ અને શાંતિ ક્યાં છે ?

સુખ અને શાંતિ એટલે શું? ગંભીર પણે ઊંડા વિચારથી જો સમજવા પ્રયત્ન કરીએ તો ... સુખ અને શાંતિ ની આડે જે અવરોધો આવે છે તે   આપણ ને સુખ અને શાંતિ થી દૂર રાખે છે

      અવરોધો દૂર કરવા મન સતત વિચારતું રહે છે . અને આ સતત વિચારતું મન અશાંત રહે છે .

         આ અવરોધો આપણે પોતે જ ઉભા કરીએ છીએ ... અવરોધો આવે છે ........

---કોઈક અમુક પ્રકારનું જીવન જીવાતું હોય તેનાથી

----કોઈ અમુક જાતના સમાજમાં રહેવાથી

---કોઈ અમુક ધર્મના અનુનાયી હોવાના કારણથી

---આપણા કોઈ સિદ્ધાંતો કે માન્યતા ના કારણથી

આ અવરોધોનું નામ આપવું હોય તો તેને લોભ,કામ,ક્રોધ,ઈર્ષ્યા ,તૃષ્ણા ,મહત્વાકાન્ક્ષા એવા ઘણા નામો
આપી શકાય .
ઉપર ના નામ વાળા બધા - કે પછી એમાંના થોડા કામળા ઓ ઓઢીને આપણે બેસી જઈએ છીએ. અને બુમો મારે જઈએ છીએ.કે---- ખૂબ જ ગરમી લાગે છે.
ઉપાય એકદમ સહેલો છે
કામળા ઓ ફેકી દેવાના છે.
તો પછી સુખ અને શાંતિ જ છે.
અથવા તો સાવચેતી રૂપે જો
કામળા ઓ ઓઢીએ જ નહી ........ અવરોધો આવતા પહેલાં જ જો ટાળી શકીએ તો
સુખ અને શાંતિ છે જ .......

         "સંસાર માં છીએ તો સંસાર ના લોકો ની જેમ જીવવું પડે "
એવી વાહિયાત દલીલો જોવા વારંવાર મળતી હોય છે . જો
આ સંસાર ને જોઈએ તો તે --
અસંખ્ય જુદી જુદી જાતના -
સમાજો --જ્ઞાતિ ઓ --ધર્મો--પંથો-સંપ્રદાયો-વાદો નો બનેલો છે.

         વળી દરેક જણ બીજાને એમ ઠસાવવા મથતો હોય છે કે
પોતે જે રાહ અનુસરે છે તે જ સારા માં સારો છે. અને તે જ અનુસરવા યોગ્ય છે.

આજે અહીં તો કાલે તહીં એમ સંસાર ના આવા જુદા જુદા લોકોની  જેમ જીવવાના
સંઘર્ષ માં શાંતિ ક્યોંથી હોય?
આમ સુખ અને શાંતિ ની આડે આવનાર આપણે પોતે જ છીએ.
પાછી આશ્ચર્ય ની વાત તો એ છે કે
આવી અશાંતિ ઉભી કરીને આપણે- કાં તો બીજા ઓ ના મદદ ની રાહ જોઈને ઉભા રહીએ  અથવા અશાંતિ ના પ્રશ્ન નો નિરાકરણ શોધવાનો
પ્રયાસ કરીએ છીએ.
અને સમય અને શક્તિ બંને નો નો દુર્વ્યય કરીએ છીએ. આવું જયારે કરીએ ત્યારેઆપણે વસ્તુને ત્યાં શોધી રહ્યા છીએ કે જે ત્યાં નથી.

🌿🌳🌿🌳🌿🌿🌳🌿🌳🌳🌿🌳🌿

-------------------------------------------------------------------------------------------------------

   શ્રીમદ ભગવદ ગીતા રહસ્ય -30-
     અધ્યાય-૧(અર્જુનવિષાદયોગ)

       અધ્યાય -૧ માં ગીતા ની પ્રસ્તાવના છે. ગીતા, મહાભારત ના “ભીષ્મ પર્વ “ નામના પ્રકરણ  માં થી લેવામાં આવેલી છે. મહાભારત એક “પુરાણ”  છે. જે  વ્યાસજી (વેદવ્યાસ) એ લખેલું છે. આ જ વ્યાસે વેદો લખેલા.  વેદો માં લખેલું તત્વજ્ઞાન સામાન્ય મનુષ્ય માટે સમજવાનું અઘરું છે.
એમ સમજી વ્યાસે ઉદાહરણો અને દ્રષ્ટાંતો થી મુકીને કથા-વાર્તા સ્વરૂપે “મહાભારત-પુરાણ” ની રચના કરી.

          એમ કહેવાયું છે-કે-જગતની કોઈ પણ એવી વાત બાકી નથી કે જે મહાભારત માં નથી. મહાભારત ની કથા -વાર્તા લખતા વ્યાસજી –તેમનું વેદો નું તત્વજ્ઞાન લખ્યા વગર રહી શક્યા નથી. એટલે જ “ભીષ્મ પર્વ” નામના પ્રકરણ માં તેમણે –વેદો ના સાર રૂપે “ગીતા” લખી છે. એક લીટર દૂધ પીવાનું કોઈને કદાચ પચે નહિ, પણ તે જ દૂધ માંથી એક ચમચો માખણ બને તો તે એક લીટર દૂધ જેવું જ કામ કરે છે. અને તે માખણ કોઈને પણ પચે છે.

        એ જ રીતે વ્યાસજીએ “વેદો”ને પોતાની “બુદ્ધિ” ના વલોણા થી ખૂબ વલોવ્યા અને તેના પરિણામ રૂપે જે માખણ બન્યું-તે “ગીતા”  છે. આ ગીતા ને તેમણે મહાભારત ની કથા માં વચ્ચે ગોઠવી દીધી. અને ભગવાન ના અવતાર શ્રીકૃષ્ણ ના મુખે થી તે બોલાવી છે. શ્રીકૃષ્ણ વક્તા છે-અને અર્જુન છે શ્રોતા.આમ -ગીતા -કે -જે –મહાભારત માંથી લેવામાં આવી છે-તેમાં - પહેલા અધ્યાય માં- મહાભારત ના એક પ્રસંગ નું- વર્ણન છે.અને આ પ્રસંગ છે –મહાભારત ના યુદ્ધ નો.

       મહાભારત ના યુદ્ધ માં બે પક્ષો છે. કૌરવો અને પાંડવો.
પાંડવો એ રાજ્ય માં પોતાનો ભાગ-પોતાનો હક્ક માગ્યો,પણ કૌરવોએ (દુર્યોધને) ભાગ આપવાની ના પાડી. ભગવાન શ્રીકૃષ્ણ પાંડવો તરફથી  શાંતિદૂત બન્યા. પણ સમજાવટ અસફળ રહી. અને યુદ્ધ ના મંડાણ –કુરુક્ષેત્ર માં થયા છે. શ્રીકૃષ્ણ અર્જુન પ્રત્યે ના અતિ પ્રેમ ને કારણે અર્જુન ના રથ ના સારથી બન્યા છે.
      પહેલા અધ્યાય ની શરૂઆત માં - કૌરવો ના પિતા ધ્રુતરાષ્ટ્ર  કે જે અંધ છે અને યુદ્ધમાં સામેલ થયા નથી, તેમને, તેમનો સારથી
“સંજય” કે જેની પાસે દૂરદૃષ્ટિ ની શક્તિ છે. તે યુદ્ધ નો અહેવાલ આપે છે. ધ્રુતરાષ્ટ્ર ના પૂછવાથી, બંને પક્ષ ના જુદા જુદા યોદ્ધાઓનું સંજયે વર્ણન કર્યું છે.

      પછી આવે છે-ગીતાના બે મુખ્ય પાત્રો-શ્રી કૃષ્ણ અને અર્જુન નું વર્ણન. અર્જુન ,પોતાના સારથી બનેલા શ્રીકૃષ્ણ ને બંને સેનાઓની વચ્ચે રથ લેવાનું કહે છે-કે જેથી તે
બધાને જોઈ શકે. શ્રીકૃષ્ણ રથ ને બંને સેનાની વચ્ચે લાવ્યા છે.

        અર્જુન સામા પક્ષ માં ઉભેલા પોતાના સગાં-સંબંધી-ગુરુ-વગેરે ને જુએ છે. બચપણ માં દાદા જોડે વિતાવેલો સમય યાદ આવે છે-ગુરુની અસીમ કૃપા યાદ આવે છે, સાથે સાથે બીજા ઘણા બધા સગાં-સંબંધી ની “મમતા”-થી “મોહ” પેદા થાય છે,
અને વિચારમાં પડી જાય છે. (૨૬)

        સગાં-સંબંધી ઓ ના મારવાના વિચાર માત્ર થી તે “શોક”મય બને છે. અર્જુન નું  મન
વિષાદ થી (શોકથી) ભરાઈ ગયું.તેનું શરીર ઢીલું પડી ગયું,મુખ સુકાણું અને શરીર માં કંપ થયો. (૨૯)
અર્જુન –શ્રીકૃષ્ણ ને કહે છે- યુદ્ધ માં સામે ઉભેલા સગાં-સંબંધીઓ ભલે તે મને મારી નાખે –પણ ત્રણે લોકના  રાજ્ય માટે પણ  પણ  હું તેમને મારવા ઇચ્છતો નથી. હું યુદ્ધ નહિ કરું.(૩૫) કારણકે કુળ નો નાશ થતાં કુળધર્મો નાશ પામે છે.
કુળધર્મ નાશ પામતાં કુળ અધર્મ માં દબાઈ જાય છે.(૪૦)
આમ શોક (વિષાદ) થી વ્યાકુળ અર્જુન ધનુષ્ય-બાણ છોડી રથ માં બેસી ગયો.(૪૭)
🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿

----------------------------------------------------------------------------------------------------


   શ્રીમદ ભગવદ ગીતા રહસ્ય -30-
     અધ્યાય-૧(અર્જુનવિષાદયોગ)

       અધ્યાય -૧ માં ગીતા ની પ્રસ્તાવના છે. ગીતા, મહાભારત ના “ભીષ્મ પર્વ “ નામના પ્રકરણ  માં થી લેવામાં આવેલી છે. મહાભારત એક “પુરાણ”  છે. જે  વ્યાસજી (વેદવ્યાસ) એ લખેલું છે. આ જ વ્યાસે વેદો લખેલા.  વેદો માં લખેલું તત્વજ્ઞાન સામાન્ય મનુષ્ય માટે સમજવાનું અઘરું છે.
એમ સમજી વ્યાસે ઉદાહરણો અને દ્રષ્ટાંતો થી મુકીને કથા-વાર્તા સ્વરૂપે “મહાભારત-પુરાણ” ની રચના કરી.

          એમ કહેવાયું છે-કે-જગતની કોઈ પણ એવી વાત બાકી નથી કે જે મહાભારત માં નથી. મહાભારત ની કથા -વાર્તા લખતા વ્યાસજી –તેમનું વેદો નું તત્વજ્ઞાન લખ્યા વગર રહી શક્યા નથી. એટલે જ “ભીષ્મ પર્વ” નામના પ્રકરણ માં તેમણે –વેદો ના સાર રૂપે “ગીતા” લખી છે. એક લીટર દૂધ પીવાનું કોઈને કદાચ પચે નહિ, પણ તે જ દૂધ માંથી એક ચમચો માખણ બને તો તે એક લીટર દૂધ જેવું જ કામ કરે છે. અને તે માખણ કોઈને પણ પચે છે.

        એ જ રીતે વ્યાસજીએ “વેદો”ને પોતાની “બુદ્ધિ” ના વલોણા થી ખૂબ વલોવ્યા અને તેના પરિણામ રૂપે જે માખણ બન્યું-તે “ગીતા”  છે. આ ગીતા ને તેમણે મહાભારત ની કથા માં વચ્ચે ગોઠવી દીધી. અને ભગવાન ના અવતાર શ્રીકૃષ્ણ ના મુખે થી તે બોલાવી છે. શ્રીકૃષ્ણ વક્તા છે-અને અર્જુન છે શ્રોતા.આમ -ગીતા -કે -જે –મહાભારત માંથી લેવામાં આવી છે-તેમાં - પહેલા અધ્યાય માં- મહાભારત ના એક પ્રસંગ નું- વર્ણન છે.અને આ પ્રસંગ છે –મહાભારત ના યુદ્ધ નો.

       મહાભારત ના યુદ્ધ માં બે પક્ષો છે. કૌરવો અને પાંડવો.
પાંડવો એ રાજ્ય માં પોતાનો ભાગ-પોતાનો હક્ક માગ્યો,પણ કૌરવોએ (દુર્યોધને) ભાગ આપવાની ના પાડી. ભગવાન શ્રીકૃષ્ણ પાંડવો તરફથી  શાંતિદૂત બન્યા. પણ સમજાવટ અસફળ રહી. અને યુદ્ધ ના મંડાણ –કુરુક્ષેત્ર માં થયા છે. શ્રીકૃષ્ણ અર્જુન પ્રત્યે ના અતિ પ્રેમ ને કારણે અર્જુન ના રથ ના સારથી બન્યા છે.
      પહેલા અધ્યાય ની શરૂઆત માં - કૌરવો ના પિતા ધ્રુતરાષ્ટ્ર  કે જે અંધ છે અને યુદ્ધમાં સામેલ થયા નથી, તેમને, તેમનો સારથી
“સંજય” કે જેની પાસે દૂરદૃષ્ટિ ની શક્તિ છે. તે યુદ્ધ નો અહેવાલ આપે છે. ધ્રુતરાષ્ટ્ર ના પૂછવાથી, બંને પક્ષ ના જુદા જુદા યોદ્ધાઓનું સંજયે વર્ણન કર્યું છે.

      પછી આવે છે-ગીતાના બે મુખ્ય પાત્રો-શ્રી કૃષ્ણ અને અર્જુન નું વર્ણન. અર્જુન ,પોતાના સારથી બનેલા શ્રીકૃષ્ણ ને બંને સેનાઓની વચ્ચે રથ લેવાનું કહે છે-કે જેથી તે
બધાને જોઈ શકે. શ્રીકૃષ્ણ રથ ને બંને સેનાની વચ્ચે લાવ્યા છે.

        અર્જુન સામા પક્ષ માં ઉભેલા પોતાના સગાં-સંબંધી-ગુરુ-વગેરે ને જુએ છે. બચપણ માં દાદા જોડે વિતાવેલો સમય યાદ આવે છે-ગુરુની અસીમ કૃપા યાદ આવે છે, સાથે સાથે બીજા ઘણા બધા સગાં-સંબંધી ની “મમતા”-થી “મોહ” પેદા થાય છે,
અને વિચારમાં પડી જાય છે. (૨૬)

        સગાં-સંબંધી ઓ ના મારવાના વિચાર માત્ર થી તે “શોક”મય બને છે. અર્જુન નું  મન
વિષાદ થી (શોકથી) ભરાઈ ગયું.તેનું શરીર ઢીલું પડી ગયું,મુખ સુકાણું અને શરીર માં કંપ થયો. (૨૯)
અર્જુન –શ્રીકૃષ્ણ ને કહે છે- યુદ્ધ માં સામે ઉભેલા સગાં-સંબંધીઓ ભલે તે મને મારી નાખે –પણ ત્રણે લોકના  રાજ્ય માટે પણ  પણ  હું તેમને મારવા ઇચ્છતો નથી. હું યુદ્ધ નહિ કરું.(૩૫) કારણકે કુળ નો નાશ થતાં કુળધર્મો નાશ પામે છે.
કુળધર્મ નાશ પામતાં કુળ અધર્મ માં દબાઈ જાય છે.(૪૦)
આમ શોક (વિષાદ) થી વ્યાકુળ અર્જુન ધનુષ્ય-બાણ છોડી રથ માં બેસી ગયો.(૪૭)
🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿

--------------------------------------------------------------------------------------------------------------------

          શ્રીમદ ભગવદ ગીતા-૩૧
     અધ્યાય-૨ (સાંખ્ય યોગ)-૧-

        આકાશમાં આવેલ છૂટાં છૂટાં વાદળો જયારે ભેગાં થાય છેત્યારે તેનામાં “શક્તિ” આવે છે.અને વરસાદ બને છે. કોઈ એકલા-અટુલા  વાદળ માં વરસાદ બનાવવાની શક્તિ નથી. પણ જો આ ભેગાં થયેલ વાદળ ફરીથી જો વધારે શક્તિશાળી પવન થી વિખરાઈ જાય તો વાદળ ની શક્તિ ઓછી થઇ જાય છે.વરસાદ બનાવી શકતાં નથી. આજે આવું જ કંઈક અર્જુન જોડે બન્યું છે.

          અર્જુન મહા-શક્તિશાળી છે.અત્યંત ધૈર્ય વાળો છે. અનેક વિજયો કર્યા છે.અનેક ને માર્યા પણ છે. પણ આજે યુદ્ધ માં જયારે સામે પોતાના જ સગાં-સંબધી,ગુરુજન ઉભા છે,ત્યારે તેની અત્યંત ધીરજવાળી-વિવેકવાળી બુદ્ધિ મમતા-“મોહ” થી ભ્રમિત થઇ છે. અત્યત શક્તિશાળી મમતા-મોહ ના “પવન” થી બુદ્ધિ નાં “વાદળ” વિખરાઈ ગયાં છે. “બુદ્ધિ” ઉપર “મન” નો (વિચારો નો) કબજો થઇ ગયો છે. બુદ્ધિ ની શક્તિ ઓછી થઇ ગઈ છે.

          વિવેક થી વિચાર કરવાનું ભૂલી -બુદ્ધિ માત્ર કોઈ એક ખોટા એકતરફી રસ્તે જ ચાલવા માંડી છે. અને હવે તે (બુદ્ધિ) માત્ર સ્વજનો વિષે જ (મોહ વિષે જ) વિચારે છે-અને તે પોતાનો ક્ષત્રિય ધર્મ ને ભૂલી ગઈ છે. બુદ્ધિ માં “દયા” નું આગમન થયું છે અને તેને નિર્ણય લઇ લીધો છે-કે-“હું યુદ્ધ કરીશ નહિ.”

       સફેદ રંગ થી ભરપૂર હંસ ખુબ જ સુંદર દેખાય છે. પણ જો આ જ હંસ કાદવ માં પડે તો તે ગંદો થઇ જાય અને તેની સુંદરતા –જ્યાં સુધી કાદવ તેના શરીર પર છે –ત્યાં સુધી જતી રહે છે. તે જુદો દેખાય છે. આવી જ રીતે અત્યંત શક્તિશાળી-બુદ્ધિશાળી અર્જુન કે જે મૂળભૂત રીતે એક સફેદ હંસ જેવો છે. પણ અત્યારે “મોહ” (મમતા-દયા) નો કાદવ લાગ્યો છે. તે જુદો જ દેખાય છે. દુઃખી દુઃખી દેખાય છે.

      બીજી રીતે કહીએ તો અત્યંત સુખી અર્જુન આજે - માત્ર એક “મોહ” ના કારણે દુઃખીબન્યો છે-આંખ માં આંસુ છે. આવા દુઃખી અને રડતા અર્જુન ને જોઈ શ્રીકૃષ્ણ કહે છે-(૧)
   
       શ્રીકૃષ્ણ અહીં ગીતામાં પહેલી વાર બોલે છે. એટલે આમ જોઈએ તો ગીતા ના જ્ઞાન ની શરૂઆત આ બીજા અધ્યાય થી જ થાય છે. ગીતાના આ બીજા અધ્યાય ના અગિયારમા શ્લોક- ને ગીતાનું “બીજ” પણ કહે છે.

“જેનો શોક કરવો (વિચાર કરવો ) યોગ્ય નથી તેનો તું શોક કરે છે (વિચાર કરે છે) અને વાતો પંડિતો (બુદ્ધિમાન) જેવી કરે છે “

       શ્રીકૃષ્ણ એક મહાન મનોવૈજ્ઞાનિક (Psychologist)  છે. કોઈ મનુષ્ય ની બુદ્ધિ –જયારે જે વિચારવું જોઈએ તે ન વિચારે (બુદ્ધિ નો “વિવેક” છોડી દે) અને જે નથી વિચારવાનું તે વિચારીને-
પછી કોઈ જડ જેવો નિર્ણય લઇ-પોતાની જાતે જ દુઃખી થઇ જાય. તો સામાન્ય ભાષા માં એમ પણ કહી શકાય-કે તે માનસિક રીતે ઢીલો પડ્યો છે. અને આવા કોઈ માનસિક રીતે ઢીલા પડેલા મનુષ્ય ને કોઈ બુદ્ધિશાળી મનોવૈજ્ઞાનિક (Psychologist) સમજાવે – તે જ રીતે શ્રીકૃષ્ણ અર્જુન ને સમજાવવાનું ચાલુ કરે છે. સમજાવટ વખાણ થી ચાલુ થાય છે. અને ધીરે ધીરે અર્જુન ને (અને આપણને પણ) આખું ગીતાનું જ્ઞાન સમજાવી દે છે.

🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿

-------------------------------------------------------------------------------------------------------------------------

           શ્રીમદ ભગવદ ગીતા -૩૨

         અધ્યાય-૨  (સાંખ્ય યોગ)-૨-

            અર્જુન અતિ બળવાન યોદ્ધો છે. મહાભારત ના યુદ્ધ માં તેના પર મોટી જવાબદારી છે. પણ હજુ યુદ્ધ શરુ પણ નથી થયું અને અર્જુન યુદ્ધ કરવાની ના પાડે છે. એવું કદીયે બન્યું નથી –કે અંધકારે –સૂર્ય ને ગળ્યો હોય, દેડકાએ –અજગર ને ગળ્યો હોય કે શિયાળે –સિંહ ની સામે ટક્કર લીધી હોય.પણ આજે કંઈક એવું બન્યું છે. અશક્ય લાગતી વસ્તુ શક્ય બની છે.

         ઘણાં બધાં યુદ્ધો કરીને અપરાજિત રહેનાર એક શુરવીર યોદ્ધા –અર્જુન-“મોહ” ને કારણે “દયા” થી ભરપૂર થઇ એક નામર્દ ની જેમ યુદ્ધ કરવાનો ઇન્કાર કરી ઢીલો થઇ બેસી ગયો છે. શ્રીકૃષ્ણ કહે છે-અર્જુન તું મહાવીર છે, બુદ્ધિમાન છે,ડાહ્યો છે,તો પછી તારી જાતને તો જરા પૂછી જો.

        તારો આ નિર્ણય કોઈ પણ બુદ્ધિમાન માણસને માન્ય થાય તેવો છે ? આવા યુદ્ધ ના સમયે કરુણા (દયા) લાવી અને “હું યુદ્ધ કરીશ નહિ” એવું વિચારવું એ તારા જેવા મર્દ ને શોભતું નથી.
આવો નામર્દાનગી નો વિચાર તારા મનમાં આવ્યો ક્યાંથી ?

         તારું આ વર્તન તારી આજ સુધીની મેળવેલી કીર્તિ નો નાશ કરનારું છે. યુદ્ધ પ્રસંગે આવી નિર્બળતા રાખવાથી તે ક્ષત્રિય ની દુર્ગતિ નું કારણ બને છે. માટે મન ની આવી નામર્દ-નિર્બળતા ને ફગાવી દે અને યુદ્ધ માટે તૈયાર થઇ જા.(૨-૩)

         પણ અર્જુન તો પોતાના મનની અંદર ચાલતાં વિચારો માં મશગૂલ છે. કૃષ્ણ નો અવાજ પણ જાણે તેને સંભળાતો નથી.

         ભસ્માસુર નામે એક રાક્ષસ હતો. તેને શંકર ભગવાને વરદાન આપ્યું-કે- તું જેના મસ્તક પર હાથ મુકશે-તેનું મૃત્યુ થશે. ભસ્માસુર ની પાર્વતી વિષે દાનત બગડી એટલે ભસ્માસુર શંકરના માથા પર હાથ મુકવા તેમની પાછળ પડી ગયો. છેવટે વિષ્ણુ ભગવાને મોહિની સ્વરૂપ ધારણ કરી-અસુરને મોહમાં નાખી –યુક્તિ પ્રયુક્તિ થી, ભસ્માસુર નો પોતાનો હાથ જ પોતાના માથા પર મુકાવી –તેને ભસ્મ કર્યો.

         અર્જુન વિચારે છે-કે જેણે મને ધનુર્વિદ્યા શીખવી-તેનો જ વધ કરવો એ શું ભસ્માસુર જેવી કૃતઘ્નતા નથી ? ભીષ્મે મોટા કર્યા –તેમની સેવા કરવાને બદલે  તેમનો શું વધ કરવાનો? ના ,ના, આવું કરવું તે યોગ્ય નથી.(૪)

         અર્જુન ની બુદ્ધિ સાચું શું છે વિચારી શકતી નથી. તેનું બધું જ્ઞાન, અજ્ઞાન થી ઢંકાઈ ગયું છે. નાનું વાદળું સૂર્ય ને ઢાંકી દે છે.અને એટલો સમય અંધકાર લાગે છે.
મનના વિચારો –આ વાદળા જેવા બન્યા છે. અંતઃકરણ મેલું થયું છે.

        ઘડીક માં અહીં અને ઘડીક માં તહીં-જતી બુદ્ધિ કોઈ નિર્ણય લઇ શકતી નથી. આવા સમયે નોંધારા ના આધાર શ્રીકૃષ્ણ જ માત્ર સાચું શું છે તે કહી શકે –એવું છેલ્લે વિચારીને અર્જુન શ્રીકૃષ્ણ ને કહે છે.-કે-

“નાથ, હું તમારે શરણે આવ્યો છું, માટે મારે શું કરવું તે આપ મને સમજાવી ને કહો”  (૭) આમ જોવા જઈએ-તો-શ્રીકૃષ્ણે તો ક્યારનું કહી દીધું હતું-કે “ઉઠ,ઉભો થા અને યુદ્ધ કર. “ પણ અર્જુન ના મન-બુદ્ધિ ની અકડાશ હજુ જતી નથી. અજ્ઞાન નું પડળ કેમે કરી દૂર થતું નથી.
મનમાં જાણે એક ભૂત ભરાણું છે, બુદ્ધિને જાણે કોઈ અસાધ્ય રોગ લાગી ગયો છે.

     શ્રીકૃષ્ણ આ નાટક જોઈ રહ્યા છે-મનમાં થોડું હાસ્ય પણ આવ્યું છે-વિચારે છે-કે- આ અર્જુન ને કહીએ તો તેને કંઈ સમજાતું નથી, તો પછી તેને કયા ઉપાય થી સમજાવાય ? કેવી રીતે એનું ધૈર્ય પાછું લાવી શકાય ?કેવી રીતે તેનું અજ્ઞાન નું પડળ હટાવી શકાય ?
છેવટે તે થોડો રોષ થી ભરેલ ઉપદેશ આપવાની શરૂઆત કરે છે.(૧૦)

🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳

--------------------------------------------------------------------------------------------------------------------------------

         શ્રીમદ ભગવદગીતા -33
                 અધ્યાય-૨ -૩
                સાંખ્ય યોગ

            હવે પછીના આ ગીતાના અગિયારમા ષ્લોકને ગીતાનું બીજ પણ કહે છે. ભવિષ્ય માં ફરીથી ગીતા વાંચવાની શરૂઆત અહીંથી પણ કરી શકાય.. જે આગળ જોઈ- એ વાત-ગીતા કયા સંજોગો માં અને ક્યારે કહેવામાં આવી તેની પ્રસ્તાવના છે. તે જમાનાને ને અનુરૂપ યુદ્ધ નો પ્રસંગ બતાવ્યો છે. અત્યારના જમાના માં હક્ક લેવા માટે ધર્મયુદ્ધ કોર્ટ-કચેરી માં થાય છે.

        જયારે કોઈ પણ બીજી રીતે સમજાવટ થી પણ મિલકત ની વહેંચણી ન થાય અને છેવટે કોર્ટમાં જવાનું નક્કી કરી નાખવામાં આવે –અને જયારે કોર્ટ માં બયાન દેવાનો સમય આપે અને કોઈ કહે –કે- “હું બયાન ન આપું.”-એવી કંઈક સ્થિતિ પેદા થઇ છે.

       મૂળ કહેવાનો મુદ્દો એવો છે કે – જયારે કોઈ નિર્ણયાત્મક પ્રસંગ આવે.............ત્યારે તે વખતે જ  બુદ્ધિ આડી ફાટે –
અને ...........કંઈક એવું વિચારવાનું ચાલુ કરી દે................ કે......જે......... તે પ્રસંગ ને અનુરૂપ ન હોયકોઈ ભૂતકાળ ના અનુભવ (જ્ઞાન) કે-પછી.......... તે જ ભૂતકાળ ના જ્ઞાનને આધારે............  ભવિષ્યના કોઈ સાચા-ખોટા વિચાર કરીને ......... બુદ્ધિ કોઈ વિચિત્ર .......નિર્ણય લઇ ને બેસી જાય છે.  અહીં મનુષ્ય અટકે તો સારું-પણ હજુ તે અહીં અટકતો નથી, હવે તેનાથી પણ વધુ ખરાબ એવી પરિસ્થિતિ પેદા થઇ જાય છે-કે – બુદ્ધિ એ લીધેલ જે નિર્ણય લીધેલો છે...........
તેને તે ચોંટી રહે છે.................
અને મન ડામાડોળ બને છે.

         જો કોઈ મનુષ્ય જન્મ થી આંધળો હોય, અને પછી જો તેને ગાંડપણ નો રોગ લાગે – તો તે ફાવે ત્યાં દોડાદોડ કરી મૂકે છે.

       કૃષ્ણ કહે છે-અર્જુન, તે આ યુદ્ધ સમયે જ શું લપ માંડી છે ? મને આશ્ચર્ય થાય છે. તું પોતાને જ્ઞાની સમજે છે,પણ તારું અજ્ઞાનપણું ક્યાં છોડે છે ? તને હજુ કંઈક બોધ આપવાનો વિચાર કરું તે પહેલાં તો તું મોટી ડાહી ડાહી વાતો કરે છે. તું તારી પોતાની હાલની શું દશા છે,તે જાણતો નથી અને બીજાના માટે શોક કરે છે!!
જેના માટે શોક કરવો (વિચાર કરવો) તે યોગ્ય નથી તેના માટે તું શોક કરે છે.(વિચાર કરે છે) (જેના માટે શોક કરવાનો છે તે તું ક્યાં કરે છે ?) અને આશ્ચર્ય ની વાત તો એ છે કે-તું પાછો જ્ઞાન ની મોટી મોટી પંડિતો જેવી વાતો કરે છે. પણ આ જગતમાં કોઈ એક ઈશ્વર છે-જે પ્રાણીમાત્ર ની ઉત્પત્તિ તે કરે છે.તેવું જે કહેવાય છે- તે વાત શું ખોટી છે ? અત્યારે તો તું જાણે એવું બોલે છે-કે-બધાના જન્મ-મૃત્યુ તારા જ હાથ માં છે. તું ઈચ્છા કરીશ તો જ  કૌરવો નો નાશ થશે-મૃત્યુ થશે!!

       પણ જે વિવેકી-જ્ઞાની-પંડિત છે-તે ઉત્પત્તિ અને વિનાશ એ બંને ભ્રમ છે-એમ માને છે. એટલે તે જીવતા કે મરેલા નો શોક કરતા નથી. (વિચાર કરતા નથી ) (૨-૧૧)

       તું કહે છે,કે “હું કૌરવો ને મારીશ નહિ”-તો શું તે બધા કદી મરવાના જ નથી ? માત્ર એકલો તું જ એમને મારીશ કે મારી શકીશ?
આવા “ભ્રમ વાળો અહંકાર” મન માં લાવીને – તું  જે નિર્ણય કરી અને તે નિર્ણય ને ચોંટીને તું બેસી ગયો છે.તે શું તને સાચું લાગે છે ?
માત્ર તું જ એક મારનારો છે અને બાકીના બધા મરનારા છે- આ ભ્રાંતિ એ (ભ્રમેં) તારા ચિત્ત માં પ્રવેશી તને શોકમય અને તારા મન ને ડામાડોળ પરિસ્થિતિ માં મુક્યું છે-તે તને ખબર પડે છે ?

        આ જગત અનાદિ કાળથી ચાલ્યું આવે છે-મનુષ્યો જન્મે છે અને મરે છે. જગત નો નિયંતા કોઈ બીજો છે. તું નથી, તો પછી તેનો શોક કરવાનું કારણ શું છે તે મને કહે. તારી બુદ્ધિ ની મૂર્ખતા ના કારણે –તેણે (બુદ્ધિએ) વિવેક થી વિચારવાનું છોડ્યું છે. અને જેનું ચિંતન નથી કરવાનું તેનું ચિંતન કરવા નું ચાલુ કરી દીધું છે.

         અર્જુન અશાંત છે. આજે દુનિયા પણ અશાંત છે. જેનો વિચાર કરવાનો નથી તેનો વિચાર કરીને મનુષ્ય પોતાની જાતે જ – પોતાની શાંતિ માં અવરોધ ઉભો કરે છે.

       એક ભાઈ માથે સુધી ગોદડી ઓઢીને સુઈ જાય છે –અને પછી ગોદડીની અંદર થી બુમો મારે છે-
કે બહુ ગરમી લાગે છે- ગોદડી તો ભાઈ તમે જાતે ઓઢી છે-ગોદડીને જ ફેંક ને !! બીજા એક ભાઈ થાંભલાને બાથ ભરી ને ઉભા છે-અને બુમો મારે છે-મને થાંભલા એ પકડ્યો છે.!! અર્જુને પણ બાથ ભરીને એક એવો થાંભલો પકડ્યો છે. તેની બુદ્ધિ માં મોહ ના  વિચારોએ સ્થાન લઈને મન ને દુઃખી કર્યું છે.અને તે દુઃખી મને પછી બુદ્ધિને દોરી અને કોઈ એક નિર્ણય લેવડાવ્યો છે-કે-

“હું યુદ્ધ નહિ કરું.”

🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳

-----------------------------------------------------------------------------------------------------------------------

             શ્રીમદ ભગવદગીતા-૩૪-
             અધ્યાય-૨ -૪
                  સાંખ્ય યોગ

         અર્જુન પોતાની જાતે ગમે તેવી અશાંતિ ઉભી કરે -  પણ આપણા સફળ મનોવૈજ્ઞાનિક શ્રીકૃષ્ણ પણ પાછા પડે તેવા ક્યાં છે ?
         અર્જુન ની “બુદ્ધિ” પર “અજ્ઞાન” નો  અંધકાર છવાઈ જવાથી તે પોતાનું જે કર્મ કરવાનું (યુદ્ધ) છે તે ભૂલ્યો છે. એટલે શ્રીકૃષ્ણ સહુ પ્રથમ તો તેના અજ્ઞાન ને દૂર કરવા સાચું જ્ઞાન  (જ્ઞાનયોગ) સમજાવે છે.  અને આ સાચું જ્ઞાન (આત્મ-જ્ઞાન) આપી ને તેને તેનો ક્ષત્રિય ધર્મ  (સ્વ-ધર્મ) અને તેનું સાચું કર્મ (કર્મયોગ) સમજાવે છે.  કે જેથી તેની બુદ્ધિ સ્થિર (સ્થિતપ્રજ્ઞ) થાય. એટલે જ આ બીજા અધ્યાય માં જ્ઞાનયોગ અને કર્મયોગ ની વાત છે.

        પણ ટેઢા અર્જુન ની “અહંકાર” થી ભરેલી “બુદ્ધિ “ એમ જલ્દી ક્યાં ઠેકાણે આવે તેવી હતી ? શ્રદ્ધા -વિશ્વાસ ક્યાં હતો કૃષ્ણ માં ? એટલે કૃષ્ણજી -જરા ચમત્કાર બતાવી વિશ્વરૂપદર્શન કરાવી-ભક્તિયોગ સમજાવે છે.

         શ્રદ્ધા પેદા કરાવી-“સર્વ ધર્મ છોડી માત્ર એક મારે શરણે આવ”કહી ને શરણે આવવાનું કહે છે.(૧૮-૬૬)
આ શ્લોક  ગીતાની “શક્તિ” છે.

          શરણાગતિ સ્વીકારવાથી –અહમ નો વિનાશ થાય અને શક્તિ  (બુદ્ધિ)  પાછી આવે છે.ભક્તિયોગ ની વાત પછી આગળના અધ્યાય માં આવશે.

        એટલે આમ જોઈએ તો- ગીતા માં ત્રણ જુદા જુદા રસ્તાઓ (માર્ગો) બતાવ્યા છે.
જ્ઞાનીઓ માટે જ્ઞાનયોગ, યોગીઓ માટે કર્મયોગ અને ભક્તો માટે ભક્તિયોગ. અધ્યાત્મમાર્ગે આગળ જવા માં શરૂઆત માં કોઈ પણ એક માર્ગ ની પોતાની પ્રકૃતિ અનુસાર કરી શકાય.
) છેવટે તો બધા માર્ગો આગળ જઈ એક થાય છે.

       બીજો અધ્યાય તે સાંખ્યયોગ કે જેને જ્ઞાનયોગ પણ કહે છે. અર્જુન ને યુદ્ધમાં મોહ ને લીધે શોક થયો છે,દુઃખી થયો છે-
આ વાત સમજાવી હવે યુદ્ધ ની વાત બાજુએ જતી રહે છે. પ્રસ્તાવના નો અંત થઇ જાય છે.
અને ગીતાના તત્વજ્ઞાન ની શરૂઆત થાય છે. જેના વિષે વિચારવાનું છે-તે વિચારવાનું –સમજવાનું ચાલુ થાય છે. અને આ જ્ઞાન ના વક્તા માત્ર શ્રીકૃષ્ણ જ છે. અર્જુન સફળ શ્રોતા છે.

         આપણે પણ અર્જુન જેવા શ્રોતા થવાનું છે. તો જ ગીતા ના અધિકારી થવાય.ગીતા સમજાય.
ગીતા માં વચ્ચે વચ્ચે –ક્યાંક ક્યાંક –અર્જુન શંકાઓ કરે છે-અને તેનું શ્રીકૃષ્ણ સમાધાન કરે છે.

        હવે કૃષ્ણ અર્જુન ને સમજાવવા માગે છે કે- તું જે જુએ છે-તે શરીરો ને જુએ છે. શરીર એ આત્મા નથી. શરીર બને છે-અને-મરે છે-આત્મા બનતો નથી કે મરતો નથી. આ સર્વ લોકોના શરીરો અહીં જે બધા ભેગા થયા છે-તે બધા કંઈ નિત્ય માટે રહેવાના નથી -તેમના શરીરો ને ક્યારેક ને ક્યારેક તો મૃત્યુ આવવાનું જ છે. અને ફરી શરીરો પેદા પણ થવાના જ છે. તું કે હું અહીં પૃથ્વી પર ક્યારેય નહોતા જન્મ્યા કે ક્યારેય નહિ જન્મીશું એવું ય નથી. આ શરીરોની ઉત્પત્તિ અને વિનાશ એ બંને સાચા નથી પણ માયા ના યોગ થી સત્ય દેખાય છે.શરીર માં રહેલ આત્મા અવિનાશી છે.તેની ઉત્પત્તિ કે વિનાશ નથી........... (૧૨)

      આ વાત સમજવા એક ઉદાહરણ જોઈએ.

નાની તલાવડી માં પાણી સ્થિર છે. પણ પવન ની લહેરી આવતાં-તેમાં તરંગ ઉત્પન્ન થાય છે.ત્યારે કોને ઉત્પન્ન થવું માનવું ? તરંગ ની ઉત્પત્તિ થઇ- પણ તે પવન ના યોગથી થઇ –પણ તરંગ એ પાણી જ છે. હવે જયારે પવન બંધ થાય ત્યારે પાણી સ્થિર થાય છે –તરંગ નો નાશ થાય છે-તો કોનો નાશ માનવો ? તરંગ પાણી માં મળી જાય છે. આમ પાણી માં તરંગ ની ઉત્પત્તિ અને તરંગ નો નાશ –એ પવન ના યોગ થી થાય છે. પાણી તો એમનું એમ જ રહે છે.

          એવી જ રીતે પાણી ની જેમ આત્મા એનો એ જ રહે છે- માયાના યોગ થી શરીર બને છે અને મરે છે.

🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳

----------------------------------------------------------------------------------------------------------

           શ્રીમદ ભગવદગીતા-૩૫-
                 અધ્યાય-૨ -૫
                      સાંખ્ય યોગ

           હવે જેના વિષે વિચારવાનું-કે સમજવાનું છે- તે-આત્મા છે-તેને સમજવાની જ કડાકૂટ આ ગીતામાં છે. આત્મા દેખી શકાય તેવો નથી. એટલે તેને સમજાવવામાં પુસ્તકો ની થપ્પી ઓ ની થપ્પીઓ છે.

        તર્ક થી આત્માને સમજી કે સમજાવી શકાય તેમ નથી જ. જેને નરી આંખે દેખી ન શકાય-તેને સમજાવી કેમ શકાય ? તેનું વર્ણન કેમ થાય ? પણ તેને થોડોક પણ સમજ્યા વગર ગીતાનું આત્મજ્ઞાન સમજી શકાય તેવું નથી. અને આ આત્માને –થોડોક - પણ સમજવા માટે એક જાણીતું ઉદાહરણ જોઈએ.

         માટીનો એક ખાલી ઘડો છે. પણ તે ખાલી નથી –તે ઘડાની અંદર જે આકાશ છે-તેને ઘડાકાશ કહે છે. અને ઘડાની બહાર જે અનંત આકાશ છે તેને મહાકાશ કહે છે. ઘડાની અંદર રહેલું આકાશ (ઘડાકાશ) અને બહારનું આકાશ (મહાકાશ)- બંને એક જ આકાશ છે. પણ ઘડાની ઉપાધિ (માયા) ને લીધે બે જુદાં આકાશ થયા છે.

         હવે જો ઘડો ફૂટી જાય તો અંદરનું આકાશ એ બહારના આકાશ માં મળી જાય છે. અને એક અખંડ આકાશ જ બાકી રહે છે. અને આ અખંડ આકાશ તે પરમાત્મા છે-ઘડામાં પુરાયેલું આકાશ તે આત્મા છે.

         વાંચવાનું અહીં બંધ કરી-આંખો બંધ કરી –આ વાત સમજી લેવી જરૂરી છે. ને તો જ આગળ વાંચવામાં રસ પડશે. અને આ ન સમજાય તો –કોઈ જાણકાર જોડે સમજી લેવું. અને આ થોડુંક પણ સમજ્યા પછી જ આગળ વાંચવું. તો ગીતા વિષે કંઈક પણ સમજાશે.રસ પડશે.
પણ અહીં જો સમજવું ન જ હોય તો અહીંથી આગળ વાંચવાનો કોઈ અર્થ નથી. જે વિચારવાનું છે-તે આ જ છે-ગીતાનું બીજ આ-જ છે.

        ભલે કર્મયોગ હોય,ભક્તિયોગ હોય કે જ્ઞાનયોગ હોય –પણ આ જો ના સમજાય તો – આગળની ભેજાફોડી વ્યર્થ છે. અહીંથી આગળ વાંચવાનું પણ વ્યર્થ છે. ગીતા વિશેની કુતુહુલતા થી-ગીતા વાંચી ને-ગીતા વિષે- જે જાણવાનું છે તે જાણી લીધું છે-એમ માની- અને આટલું જ વાંચી ને-અત્યારે લોકોની જે બૂમો સંભળાય છે--આત્મા અને પરમાત્મા એક છે- તેવી પાંડિત્ય થી (જ્ઞાન થી) ભરપૂર બૂમો માં  ખાલી સામેલ જ થઇ જવાનું બાકી રહે છે.

        કોઈ પ્રખર પંડિત ની જેમ ઘણા લોકો પાસેથી -કર્મણ્યેવાધિકારસ્તે-સાંભળવાનું  સામાન્ય થઇ ગયું છે.

           “ફળની આશા રાખ્યા વગર કામ કરે જવાનું” આવી સાંભળવામાં આવતી વાત પણ સામાન્ય થઇ ગઈ છે. પણ સાચું કેટલા સમજ્યા હશે તે તો ભગવાન જાણે?!!

         ફળની આશા ના રાખો તે બહુ સારી વાત છે.  પણ હકીકતમાં -કર્મ થાય એટલે ફળ તો મળે જ છે. ભલે ને પછી તે ફળ સારું હોય કે ખરાબ હોય. પણ ફળ તો જરૂર મળે જ છે. ફળ સારું હોય તો લોકો રાજી થઇ ખાવા માંડે છે-સુખી થઇ જાય છે.
અને જો ફળ ખરાબ હોય તો ખાઈ શકતા નથી અને દુઃખી થઇ જાય છે.

          કર્મયોગ ની કથામાં ઉપરના ઉદાહરણ થી કંઈક સમજી શકાય તેવું છે.

ફળ ઉપર આપણો અધિકાર નથી-આ વાત જેને સાચી રીતે  સમજાય- અને જે સમજે એનો બેડો પાર છે. અને ભક્તિ યોગ માં પણ ઉપરના ઉદાહરણ થી ઘણું સમજી શકાય છે-

        ભક્તિ ની શરૂઆત માં હું અને મારો હરિ-એમ ભેદ રાખવામાં આવે છે. પણ સમય આવ્યે હું અને હરિ એક થઇ જાય છે.  અને પછી હું,હરિ અને દુનિયા નો દરેક આત્મા હરિ થઇ જાય છે.
અહીં જ્ઞાનયોગમાં પણ કમસે કમ ફરીથી એટલું સમજી લઈએ કે-
માટીમાંથી જેમ ઘડો બને છે-અને ઘડો નરી આંખે દેખાય છે. અને જેવી રીતે ઘડાની ઉત્પત્તિ દેખાય છે. તેવી જ રીતે –

કૃષ્ણ કહે છે-કે-

         હે અર્જુન, પંચમહાભૂતોમાંથી એક શરીર બને છે. ત્યારે શરીર ની ઉત્પત્તિ દેખાય છે.શરીર દેખાય છે. અને
આ શરીર એક જ છે- પણ સમય ની સાથે સાથે તે શરીર બાળપણ માં નાનું, યુવાની માં મોટું અને ઘડપણ માં વૃદ્ધ થાય છે.  પરંતુ આવા બાળપણ,યુવાની અને ઘડપણ ના શરીર ના પ્રત્યેક ફેરફાર સાથે- તે શરીર નો કંઈ નાશ થતો નથીવળી તે જ પ્રમાણે આત્મા -અસંખ્ય  શરીરો બદલ્યા કરે છે. અને આ જે જાણે છે-આ જે સમજે છે-તેને તારી પેટે દુઃખ થતું નથી.”...........(૧૩)

         આ આત્મા ની અને સુખ-દુઃખ ની વાત મનુષ્ય ના લક્ષમાં આવતી નથી, તેનું એક કારણ છે.

🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳
-----------------------------------------------------------------------------------------------------

           શ્રીમદ ભગવદગીતા-૩૬-
                     અધ્યાય-૨ -૬
                      સાંખ્ય યોગ

         આત્મા ના સુખ દુઃખ ની વાત મનુષ્ય ના લક્ષ માં આવતી નથી તેનું કારણ એ છે કે- મનુષ્ય ઇન્દ્રિયો (આંખ-વગેરે) ને આધીન છે,ઇન્દ્રિયોનો દાસ છે- અને ઇન્દ્રિયો (કાન –આંખ-વગેરે) નો સ્વભાવ જ એવો છે કે- તેમને તેમના વિષયો (સાંભળવું-જોવું-વગેરે) સિવાય બીજા કશામાં સુંદરતા દેખાતી નથી. એથી જ -સામાન્ય રીતે- ઇન્દ્રિયો (આંખ-વગેરે) તેના વિષયનું (જોવું-વગેરે) સેવન કરે છે,પણ વિષયો-સ્થિર નથી (દા.ત.-આંખ જો સુંદરતા  જુએ તો સુખ મળે –કદરૂપતા જુએ તો દુઃખ મળે) એટલે સુખ દુઃખ ઉત્પન્ન થાય છે. સુખ-દુઃખ અનુભવાય છે.અને આ સુખ-દુઃખ માં અંતઃકરણ (મન-બુદ્ધિ-અહંકાર) પણ ગૂંથાય છે-જોડાય છે.

       ઉદાહરણ થી ફરીથી જોઈએ-તો-

         કાન નો વિષય –એ- સાંભળવાનો છે-કાન દ્વારા નિંદા સાંભળી અને દ્વેષ ઉત્પન્ન થાય છે અને વખાણ સાંભળી રાગ (સંતોષ) ઉત્પન્ન થાય છે.

         આંખ નો વિષય –એ જોવાનો છે.સુંદર વસ્તુ જોવાથી સુખ અને કદરૂપતા જોવાથી દુઃખ પેદા થાય છે.આવી જ રીતે નાક,જીભ અને ચામડી ના પોતપોતાના વિષયો છે. (જ્ઞાનેન્દ્રિયો)

       ઉપર જોયું તે પ્રમાણે ઇન્દ્રિયો (આંખ-વગેરે) ના વિષયો (જોવાથી મળતું સુખ-દુઃખ –વગેરે) અસ્થિર છે- અને તેથી જ જો મનુષ્ય ઇન્દ્રિયોનો (આંખ-વગેરેનો) દાસ થાય, ઇન્દ્રિયો ને આધીન થાય-તો - મનુષ્યને આપો આપ કાં તો સુખ મળે –કાં તો  દુઃખ મળે છે.આમ ઇન્દ્રિયો (આંખ-વગેરે) ના વિષયો (જોવાથી મળતું સુખ-દુઃખ –વગેરે) સાથેનોસંબંધ ઉત્પત્તિ અને નાશવાળો હોવા થી તેનો ત્યાગ કરવો જોઈએ  (૧૪)

       જે મનુષ્ય આ વિષયોનો દાસ બનતો નથી-તેને સુખ-દુઃખની પ્રાપ્તિ થતી નથી.પરંતુ કદાચ જો પ્રારબ્ધ (નસીબ) ને વશ –જો સુખ દુઃખ મળે –અને –ત્યારે-
તે સુખ-દુઃખ ને સમાન માની- તે વિવેકી પુરુષ -મોક્ષ પ્રાપ્તિ ને યોગ્ય બને છે  (૧૫)

      આ જગતમાં સર્વ જગ્યાએ વ્યાપેલું એક ગૂઢ ચૈતન્ય છે. કે જે સત્ય છે, જેને પરમાત્મ તત્વ પણ કહે છે-તેને કોઈ નામ,રૂપ,રંગ નથી. અને જે દેખી શકાય તેવું નથી,જેને જન્મ નથી કે મરણ પણ નથી-કે જેનો નાશ કરવા જાઓ તો તેનો નાશ થઇ શકતો નથી. અને આ જ ચૈતન્ય (આત્મા) જે શરીર માં રહે છે-તે શરીર નાશવંત છે.(૧૬-૧૭-૧૮)

         કૃષ્ણ કહે છે-અર્જુન, તું તારા “શરીર નું અભિમાન” કરીને અને “કૌરવોના શરીર” પર નજર નાખીને-વિચારે છે-અને -કહે છે-કે-“હું મારનાર છું અને કૌરવો મરનાર છે. અને તેમને હું મારીશ નહિ “ પણ જો અહીં તું થોડો-સાચો  વિચાર કર તો જ સમજાશે કે- તું મારનારો પણ નથી અને તેઓ મરનાર પણ  નથી.(૧૯)

      અર્જુન ને થયેલા શોક થી મોહ-માયા નું આગમન થયું છે. બુદ્ધિપર અંધકાર છવાયો છે.બુદ્ધિ ભ્રષ્ટ થઇ છે. બુદ્ધિ ને ભ્રમ થયો છે. અર્જુન ને પોતાની જાતનું-શરીર નું  અભિમાન (અહમ) થયું છે, અને વિચારે છે-કે તે –પોતે -મારનાર છે.અને કૌરવો મરનાર છે. એના મન માં કદી -એવો વિચાર નથી આવ્યો - કે કૌરવો- પણ તેને –પોતાને-–મારી શકે છે ?!

      આ છે-માયા ના લીધે –પેદા થતો –અહમ (અભિમાન) અને માયા ને લીધે પેદા થતો “ભ્રમ”.જેમ આત્મા ને સમજવો કઠિન છે-તેવી જ રીતે માયાને સમજવી પણ કઠિન છે.

         ભાગવત ની અંદર માયા ને સમજાવવા માટે “સ્વપ્ન” નું ઉદાહરણ વારંવાર આવે છે.

🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿

-------------------------------------------------------------------------------------------

            શ્રીમદ ભગવદગીતા-૩૭-
                    અધ્યાય-૨ -૭
                     સાંખ્ય યોગ

            સ્વપ્ન માં કોઈ મનુષ્ય પર વાઘ હુમલો કરે તો તે –મનુષ્ય દુઃખી થઇ જાય છે. પણ જાગે તો ખબર પડે કે-તેની આજુ બાજુ ક્યાંય વાઘ તો છે જ નહિ. પણ સ્વપ્ન માં તો-- સ્વપ્ન નો વાઘ સાચો જ લાગે છે.અને દુઃખી કરે છે. તેવું જ માયાનું છે-માયા સાચી લાગે છે-પણ સ્વપ્ન ની જેમ –તે સાચી નથી. તેમ છતાં તે સાચી છે –તેવો  ભ્રમ (ભ્રાંતિ) કરાવે છે.

માયાનાં બીજાં બે ઉદાહરણો સમજીએ

(૧) મનુષ્ય ના પડછાયા પર જો લાકડી થી ઘા કરવામાં આવે તો –તે ઘા શરીર ને લાગતો નથી.

(૨) પાણી થી ભરેલું પાત્ર ઉંધુ વાળતાં-તેમાં નું રહેલું સૂર્ય નું પ્રતિબિંબ નાશ પામે છે- પણ તેથી સૂર્ય નો કંઈ નાશ થતો નથી.

બસ આવી જ રીતે

“શરીર”–એ કંઈક ઉપર ના ઉદાહરણ માં બતાવ્યું –તેમ- એક સ્વપ્ન જેવું,મનુષ્ય ના પડછાયા જેવું, પાણી માં રહેલ પ્રતિબિંબ જેવું છે, ભ્રમ છે- એટલે હવે સમજી શકાય કે- શરીર નો નાશ થતાં –આત્મા નાશ પામતો નથી. (૨૦-૨૧)

         આત્મા અને શરીર ને સમજાવવા અહીં ગીતામાં પણ એક સરસ ઉદાહરણ આપ્યું છે.

        કોઈ નાટક માં કોઈ એક કલાકાર જુદી જુદી સાત ભૂમિકા ઓ કરે છે. એક વખતે ધોતિયું પહેરીને ગામડીઓ બની ને આવે છે- તો બીજી વખતે પેન્ટ-શર્ટ પહેરી સાહેબ બનીને આવે છે.
કપડાને લીધે તે બંને વખત જુદો જુદો દેખાય છે. પણ કપડાની નીચે રહેલો કલાકાર તો- તે નો તે જ છે.

આજ ઉદાહરણ માં- જો કલાકાર ને આપણે આત્મા જોડે સરખાવીએ અને કપડાંને શરીર જોડે સરખાવીએ-તો- કલાકાર જેમ કપડાં બદલી નાખે પણ કલાકાર તો એનો એ જ રહે છે-તેવી રીતે જ-આત્મા શરીર બદલે છે (કપડાં બદલે છે)- જુનું શરીર ત્યાગી દે છે (જુના કપડાં ઉતારી દે છે)- અને નવું શરીર ધારણ કરે છે (નવાં કપડાં ધારણ કરે છે)- શરીર નવું છે- છતાં પણ આત્મા તો તેનો તે જ રહે છે. (૨૨)

       હવે અહીં ફરીથી પેલું ઘટાકાશ અને મહાકાશ નું ઉદાહરણ નજર સમક્ષ લાવીએ તો- આ આત્મા ને કોઈ આકાર નથી. અને તર્ક થી  કે બીજા કોઈ સાધન થી તે નરી આંખે તો તે દેખાઈ શકે તેવો નથી જ. અને તેથી જો- વિચાર કરીએ તો સમજ માં આવે છે-કે- આત્મા કોઈ એક એવું શુદ્ધ ચૈતન્ય છે-
જે બધી જ જગ્યાએ આકાશ ની જેમ ફેલાયેલું છે, સદાકાળે નિત્ય છે, કોઈ પણ ક્રિયા વગરનું છે, જન્મ-મરણ વગરનું છે- અને જે દેખાતું જ નથી તો –

--તેના પર કોઈ શસ્ત્ર થી પ્રહાર કેવી રીતે કરી શકાય ? (આત્મા પર શસ્ત્ર થી ઘા થઇ શકતો નથી)

--તેને પાણી માં ડૂબાડી દેવો હોય તો કેવી રીતે ડુબાડાય ?( આત્મા પાણી માં ડૂબી શકતો નથી)

--તેને અગ્નિ થી બાળી નાખવો હોય તો –કેવી રીતે બાળી શકાય ?(આત્મા અગ્નિથી બળી શકતો નથી)

--તે ભીનો જ ના થઇ શકતો હોય તો વાયુ તેને કેવી રીતે સુકવી શકે ? (આત્માને વાયુ સુકવી શકતો નથી)

       અને આવું શુદ્ધ ચૈતન્ય (ચેતનતા-મહાકાશ) જયારે-શરીર (ઘડા) માં પ્રવેશે છે ત્યારે જ શરીર ચેતન બને છે.

કૃષ્ણ કહે છે-કે-આવું આત્મ-તત્વ સમજી લીધા પછી - હે અર્જુન,તારે શોક કરવો યોગ્ય નથી.  (૨૩-૨૪-૨૫)
આટલું આત્મા વિષે- સમજાવ્યા છતાં જો પણ જો તારી સમજ માં –આત્મા વિષે સંશય હોય-ને હજુ પણ તું -જો આત્મા જ ઉત્પન્ન થાય છે-અને આત્મા જ મરે છે-
એવું જ જો માનતો હોય તો – તને હું બીજી એક વાત કહું.-કે જે વાત થી તારે શોક કરવો જોઈએ નહિ તે વાત તું સમજે  (૨૬)

🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿

-------------------------------------------------------------------------------------------

           શ્રીમદ ભગવદગીતા-૩૮-
                  અધ્યાય-૨ -૮
                     સાંખ્ય યોગ

            આ જગત નો એક શ્રુષ્ટિક્રમ છે. જેવી રીતે ગંગા નું પાણી ઉત્પન્ન થાય છે-વચ્ચે પ્રવાહ (નદી) રૂપે રહે છે અને પછી સમુદ્રમાં જઈ મળી જાય છે. એજ રીતે જગતની ઉત્પત્તિ થાય છે, કોઈ એક સ્થિતિ (જીવન) માં રહે છે,અને પછી તેનો નાશ (પ્રલય) થાય છે.

       જેનો જન્મ થાય છે-તેનું મૃત્યુ થાય જ છે- અને- જેનું મૃત્યુ થાય છે-તેનો પુનર્જન્મ થાય જ છે.આ ઘટના ને ટાળવી હોય તો પણ તે ટાળી ન શકાય તેવી છે- આ થઇ, શરીર ના નાશ (તેને જો પ્રલય કહીએ-તો તે પ્રલય) ની વાત-પણ મહા-પ્રલયકાળે તો ત્રણે લોક નો-સમસ્ત જગતનો નાશ થાય છે (સર્ગ-વિસર્ગ)

      જેવી રીતે સૂર્ય નો ઉદય અને અસ્ત –આપોઆપ નિત્ય ચાલ્યા કરે છે-કદી બંધ રહેતો નથી. સૂર્ય ને ઉગતો કે આથમતો -બંધ કરી શકતો નથી- તેવું જ જન્મ-મૃત્યુ નું છે. ઉત્પત્તિ અને અંત –કદી પણ રોકી શકાય તેવા નથી. અને આ જો સમજ માં આવી જાય -કે-
બધાનું મૃત્યુ  હોય જ છે-તો તેને તું  (અર્જુન) નહિ મારે તો પણ તે મરી જ જવાના છે-પછી તેના વિષે શોક કરવાનો અર્થ શો ? (૨૭)

       આત્મા ની વાત થોડી વાર બાજુએ મુકીએ-તો-અને સહેજ વિચાર કરીએ તો- આ જગતના સર્વ જીવો ની જગત પર ઉત્પત્તિ થઇ –

·         તે પહેલાં તે કોઈ એક આકાર વગરના (નિરાકાર) સ્વરૂપ માં હતાં (આંખ જોઈ શકે તેવાં નહોતાં)·         જગત માં તેમનો જન્મ થયો –એટલે કે આકાર મળ્યો.(મનુષ્ય-ગાય-ઘોડો વગેરે-કે જે દેખાય છે)·         અને જયારે મૃત્યુ પામે છે-ત્યારે પણ કોઈ આકાર વગરની (નિરાકાર) સ્થિતિ માં જતાં રહે છે.(૨૮)

       અહીં “જન્મ” ની જે વચ્ચે ની સ્થિતિ છે-જેમાં જીવ ને આકાર મળે છે-તે –માયાના યોગ થી સાચી દેખાય છે. આ વાત આપણે ઉદાહરણ થી સમજીએ.

        કોઈ એક સોના ની લગડી છે. આ સોના ની લગડી ને તો શરીર પર પહેરી શકાય નહિ. એટલે મનુષ્ય તેની “ઈચ્છા” મુજબ સોની પાસે જઈ તેનો ઘાટ ઘડાવશે. કોઈ બહેન ની ઈચ્છા –ગળામાં હાર પહેરવાની થાય તો તે જઈ ને  હાર બનાવડાવશે. જો બીજી કોઈ બહેન ને કાન ની બુટ્ટી પહેરવાની –ઈચ્છા થાય તો તે બુટ્ટી બનાવડાવશે.

        એટલે થયું એવું કે-સોનાની લગડી ને (પરમાત્માને) જુદા જુદા લોકોની “ઈચ્છા” (વાસના) મુજબ આકાર મળ્યો.(આત્મા) હવે પ્રભુ ના કરે ને બહેન ઉકલી ગયાં- અને તેમની નવા જમાના ની વહુ ને તે હાર  “જૂની સ્ટાઈલ” નો લાગે તો –તે સોની પાસે લઇ જાય અને વહુની “ઈચ્છા” નવા જમાના ના ઘાટ ના હાર ની હોય- તો સોની તે નવો ઘાટ બનાવવા –સહુ પ્રથમ તે જુના આકાર ના હાર ને ઓગાળી નાખી અને સોના ની લગડી બનાવશે અને પછી નવેસરથી નવો હાર બનાવશે. પણ અહીં સોનું તો તેનું તે જ રહે છે.
🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿

----------------------------------------------------------------------------------------------------------------------
            શ્રીમદ ભગવદગીતા-૩૯-
                    અધ્યાય-૨ -૯
                     સાંખ્ય યોગ

           બસ આ સોના ની અને સોના ના દાગીના ના ઉદાહરણ પ્રમાણે –કોઈ એક સૂક્ષ્મ વસ્તુ કે સ્થિતિ  એવી છે-કે જે નરી આંખે દેખાતી નથી- પણ છે જરૂર- કે જે જીવ ના જન્મ પહેલાં –જન્મ માં-અને જન્મ પછી -પણ દરેક જગ્યાએ સોનાની લગડી ની જેમ સામાન્ય છે.સામાન્ય રહે છે.અને આ વસ્તુ તે –આત્મા- છે.

         --કોઈ  એ  આત્માને- આશ્ચર્ય ની જેમ જુએ છે-પણ એમ માત્ર જોવાથી જ તેને –તે-જાણી શકતો નથી.·        

--કોઈ એ –આત્માને –તે “આત્મા એક આશ્ચર્ય છે” એમ કહી તેનું વર્ણન કરે છે-પણ માત્ર વર્ણન કરવાથી તેને-તે જાણી શકતો નથી.·        

--કોઈ એ –આત્મા ને –આશ્ચર્ય ની જેમ સાંભળે છે-પણ એણે માત્ર સાંભળવાથી –તેને –તે જાણી શકતો નથી. (૨૯)

આપણા કૃષ્ણજી  ને હવે લાગે છે કે-આ આત્મા નું પ્રકરણ બહુ ચલાવ્યું- એટલે અત્યાર પૂરતું આત્મા નું પ્રકરણ બંધ કરતાં પહેલાં તેનો ફરીથી એકવાર ઉપસંહાર કરે છે.

·         એક એવું મહા-ચૈતન્ય  છે-જે આકાશ ની જેમ સર્વત્ર વ્યાપેલું છે-(મહાકાશ-પરમાત્મા)અને એ જ ચૈતન્ય (ચેતનતા) સર્વ જીવો ના અંદર પણ (જાણે કે-અંશ રૂપે) રહેલું છે. (ઘટાકાશ-આત્મા) અને આ ચૈતન્ય નો કદી પણ વધ થઇ શકતો નથી- માટે આ આ સર્વ જીવો માટે  શોક કરવો તે યોગ્ય નથી.(૩૦)

          કુશળ મનોવૈજ્ઞાનિક-શ્રીકૃષ્ણ ને હવે  લાગે છે-કે- આ “આત્મા” ના ભાષણ ની હજુ અર્જુન પર કંઈ બહુ અસર થઇ હોય તેમ લાગતું  નથી. એટલે હવે થોડીક “સ્ટ્રેટેજી “ બદલે છે. અને
હવે “સ્વ-ધર્મ” ની વાત સમજાવવાની ચાલુ કરે છે.

        ગાય નું દૂધ અતિ ઉત્તમ ગણાય છે-ગાય ના દૂધ નો “ધર્મ” છે-કે –જે ગાય નું દૂધ પીએ તેનું હિત કરવું- અને ગાય નું દૂધ પીએ તેનું હિત થાય પણ છે.
પણ જો કોઈ એવો રોગ થયો હોય –કે –નવો તાવ આવ્યો હોય તો-તેના માટે –આ જ ગાયનું દૂધ ઝેર જેવું છે. પણ એના માટે દૂધ પોતાનો ધર્મ છોડતું નથી.તાવ વાળા માટે કોઈ વનસ્પતિ નો કડવો રસ –કે જેનો-“ધર્મ”-તાવ દૂર કરવાનો છે-તે અપાશે.

        પણ અહીં જો તેને દૂધ આપવામાં આવે તો દૂધના હિત નો નાશ થાય છે. આ જ પ્રમાણે ક્ષત્રિય નો ધર્મ (સ્વ-ધર્મ) –ધર્મયુદ્ધ માં યુદ્ધ કરવાનો છે. અધર્મ આચરનારા પ્રત્યે “દયા” રાખવી તે –ક્ષત્રિય નો ધર્મ નથી. ક્ષત્રિય “દયા” રાખે તો તે –અધર્મી ને વધુ અધર્મ કરવા પ્રેરે અને –તે-સમાજ માટે હિતકારી નથી.

      અધર્મી ઓ નો નાશ કરવા માટે “ધર્મયુદ્ધ “ શરુ થાય- તો તે વખતે-એટલે કે-ધર્મયુદ્ધ ના પ્રસંગ વખતે-યુદ્ધ કરવું –તે ક્ષત્રિય નો ધર્મ (સ્વ-ધર્મ) છે. આવું ધર્મયુદ્ધ પ્રાપ્ત થવું (મળવું) તેના કરતાં –બીજું કશું પણ ક્ષત્રિય માટે કલ્યાણવાળું નથી (૩૧)

🌿🌳🌿🌳🌿🌳��🌳🌿🌳🌿🌳🌿
-------------------------------------------------------------------------------------------


        શ્રીમદ ભગવદ ગીતા -૪૦-
                   અધ્યાય-૨ -૧૦
                    સાંખ્ય યોગ

             જેમ રસ્તે જતાં માર્ગમાંથી ભાગ્યવશ કોઈ કિંમતી હીરો મળી જાય. કે પછી- જેમ બગાસું ખાવ- મોઢું પહોળું થયું હોય-તે જ વખતે અકસ્માત અમૃતબિંદુ અંદર આવી પડે-

તેવી જ રીતે-

          હે અર્જુન, સહજતાથી- સ્વર્ગના દ્વાર-સમું, આવું ધર્મયુદ્ધ  તને પ્રાપ્ત થયું છે. અને આવું ધર્મયુદ્ધ તો કોઈ ભાગ્યશાળી ક્ષત્રિય ને જ પ્રાપ્ત થાય છે જાણે તારા ગુણોની કીર્તિ સાંભળીને –તારામાં આસક્ત થઇ -પ્રત્યક્ષ કીર્તિદેવી તને વરમાળા આરોપવા આવ્યા હોય તેવું લાગે છે. (૩૨)
અને આવે વખતે જો તું ખોટે ખોટો શોક કરીને બેસી રહીશ –તો તારી જાતે જ તું તારું ખરાબ કરે છે. તારી કીર્તિ સાથે સાથે તારા વડીલોને (ક્ષત્રિય તરીકે મળેલી) કીર્તિ ને પણ તું ખરાબ કરે છે.

        તું દયાને લીધે રણ છોડીને જાય છે-તે કોઈ માનવા તૈયાર થશે નહિ.આ બધા કૌરવો તને ઘેરી ને તારા પર બાણ ની વૃષ્ટિ કરશે. એ વખતે તારે-તારું દયાળુ પણું છોડ્યા વગર છુટકો નહિ થાય.
ભૂલેચૂકે તું એમ ને એમ  નાસી જઈશ તો –બધા તારી નિંદા કરશે અને તને નામર્દ કહેશે. આવું તારાથી શું સાંભળી શકાશે ?(૩૩થી ૩૬)

        હવે આમ વિચાર કરીને બેસી રહ્યા વગર –ઉઠ,ઉભો થા અને તારા ક્ષત્રિય ધર્મ  (સ્વ-ધર્મ) નું પાલન કર, અને નિષ્કામ બની યુદ્ધ કર, જેનાથી તને કોઈ પાપ લાગશે નહિ. યુદ્ધ માં જો તું મરણ પામીશ તો સ્વર્ગ પ્રાપ્ત થશે, અને વિજય મેળવીશ તો પૃથ્વી નું રાજ્ય પ્રાપ્ત થશે. લડાઈ ના મેદાન માં વિજય મળશે કે પરાજય થશે-એના ભવિષ્યના વિચારો કરતા બેસી રહેવું નહિ. પોતાના ધર્મ ને અનુસરતા જે સારું કે ખરાબ ,સુખ કે દુઃખ મળે તેને સરખું માની – તેને શાંત ચિત્ત થી સહન કરવાથી કોઈ દોષ લાગતો નથી. માટે હવે નિશ્ચયપૂર્વક તું યુદ્ધ નો આરંભ કર.   (૩૭-૩૮)

       કોઈ એક ભણવામાં અત્યંત તેજસ્વી-બુદ્ધિશાળી વિદ્યાર્થી એ –આખું વર્ષ બોર્ડ ની પરીક્ષા માટે તૈયારી કરી છે. અને હવે પરીક્ષાને એક કલાક વાર છે અને તે વિદ્યાર્થી –રટ લઈને બેસી ગયો છે-મારે પરીક્ષા નથી આપવા જવું. બધા લોકો સમજાવે છે-પણ તે માનતો નથી. તેની બુદ્ધિએ કોઈ અગમ્ય કારણોસર નિર્ણય લઇ લીધો છે,કે બસ પરીક્ષા નથી આપવી.

અહીં પણ આવું જ બન્યું છે. અર્જુન ની બુદ્ધિએ નિર્ણય લીધો છે.

        અર્જુન ની આંખે (ઇન્દ્રિય) ભૂતકાળ માં સ્નેહીજનો નો (દાદા નો-ગુરુનો) પ્રેમ જોયો હતો. અને તે જોયેલો પ્રેમ –“બુદ્ધિ “ ની અંદર “અનુભવ “ રૂપે સંગ્રહ પામ્યો હતો.

        હવે અત્યારે જયારે તેની આંખ (ઇન્દ્રિય) તે જ સ્નેહીજનો ને જુએ છે, ત્યારે –

(૧) તેની “બુદ્ધિ” માં સંગ્રહેલો “અનુભવ” અને

(૨) અત્યારની હાલની પરિસ્થિતિ માં –હાલની “બુદ્ધિ” (જે આંખ વડે જોઈ રહી છે)—તેબંને વચ્ચે સરખામણી થાય છે-

(૩) હવે તે જ બુદ્ધિ પાસે –તેની આખી જિંદગીના બીજા અસંખ્ય અનુભવો છે.એટલે એ- બીજા જુદી જુદી જાતના અનુભવો નું -ત્રીજુ પરિમાણ -એક ત્રીજી વસ્તુ ઉમેરાય છે.એટલે હવે તેની –બુદ્ધિ –ત્રણ વસ્તુ જોડે સરખામણી કરે છે.

        આ બધી આપણી બુદ્ધિ ને મગજમારી જેવી લાગતી વાતો –એટલી બધી ઝડપથી થાય છે.કે જેનાથી અસંખ્ય સંશયો –અસંખ્ય વિચારો –પેદા થાય છે. અસંખ્ય તરંગો પેદા થાય છે. કે પછી અસંખ્ય વાદળો પેદા થાય છે. જેનાથી સાચું જ્ઞાન ઢંકાઈ જાય છે.

🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿

---------------------------------------------------------------------------------------------------------------------------------
            શ્રીમદ ભગવદગીતા-૪૧-
                     અધ્યાય-૨ -૧૧
                      સાંખ્ય યોગ

         કુશળ મનોવૈજ્ઞાનિક-શ્રીકૃષ્ણે-

(૧) સહુ પ્રથમ તો –અર્જુન ને સાચું જ્ઞાન (આત્મા અને શરીર નું જ્ઞાન) આપ્યું.અને કહ્યું કે- આ બધાં શરીરો છે. જે માયાથી પેદા થયેલાં છે. આ શરીરો તે આત્મા નથી. આત્મા એક ચૈતન્ય છે –કે જેનાથી શરીર ને જીવન મળે છે.અને આત્મા ના વિદાય થી મૃત્યુ મળે છે.
       જે જન્મે છે-તે મરે છે. શરીર નું જન્મ મૃત્યુ છે-આત્મા નું નથી. એટલે મનુષ્ય મરનાર પણ નથી અને મારનાર પણ નથી. એમ સમજાવી યુદ્ધ કરવાનું કહ્યું. પણ અર્જુન ના સંશયો ગયા નહિ-તે સાંભળે તો ને ? તે તો હજી -પોતાના વિચારો માં મસ્ત છે.

(૨) એટલે તેમણે –સ્વ-ધર્મ એટલે કે ક્ષત્રિય તરીકે નો ધર્મ એ યુદ્ધ કરવાનો છે. એમ સમજાવ્યું. પણ અર્જુન ની -હજુએ એની એ જ દશા છે. એટલે હવે કૃષ્ણ થોડી સ્ટ્રેટેજી (વ્યૂહ) બદલે છે. મૂળભૂત રીતે તો કૃષ્ણ ના આ બધા વ્યૂહો  અર્જુન ને –આ યુદ્ધ ના “કર્મ” માટે તૈયાર કરવા માટેના છે. અને અર્જુન ની  અસ્થિર “બુદ્ધિ” આ કર્મ માટે તૈયાર થતી નથી.
         એટલે હવે “જ્ઞાન” અને “સ્વ-ધર્મ” ના ઉપદેશ  પછી, કર્મયોગ વિષેની “બુદ્ધિ” ની વાત કરે છે.અને - કર્મયોગ વિષેની બુદ્ધિ (જ્ઞાન) સમજાવે છે. ધર્મયુદ્ધ નું કર્મ કરવા માટે સમજાવે છે. અને ધીરે ધીરે કરી ને સ્થિર બુદ્ધિ (સ્થિતપ્રજ્ઞ) –કોને કહેવાય તેનો ઉપદેશ કરે છે. કર્મયોગ વિષે વિસ્તારથી ત્રીજા અધ્યાય માં આવશે. અહીં માત્ર કર્મયોગની “બુદ્ધિ” (જ્ઞાન) ની વાત કહી છે.
કારણકે બધો ગરબડ-ગોટાળો “બુદ્ધિ” ના કારણે થયો છે. એટલે જ

          કર્મ વિષે નો -આ “બુદ્ધિયોગ” અહીં ઉમેર્યો  છે.

શ્રીકૃષ્ણ કહે છે -કે-

        કૌરવોને યુદ્ધ નહિ કરવા અને રાજ્યભાગ આપવા સમજાવવામાં આવેલા હતા.
કૌરવો ધર્મ સમજવા માટે તૈયાર નહોતા-તેથી ધર્મ ને માટે યુદ્ધ નું (કર્મનું) નિર્માણ થયું છે. અને આ ધર્મ-યુદ્ધ ના કર્મ ને બુદ્ધિથી વિચારવાથી-અને થોડા બુદ્ધિવાળા થઇ ને વિચારવામાં આવે તો- નિષ્કામ બુદ્ધિથી કર્મ કરવા થી કોઈ કર્મ નું બંધન પ્રાપ્ત થતું નથી. (૩૯)

        “કામ” શબ્દ ઉપર થી “નિષ્કામ” શબ્દ આવ્યો છે.
કામ શબ્દ ના ઘણી જુદી જુદી રીતે અર્થ કરવામાં આવે છે. પણ અહીં  નિષ્કામ –શબ્દ નો અર્થ સમજવા - આપણે “કામ” નો એક સર્વ-સામાન્ય અર્થ લઈએ.

           કામ એટલે-પોતાની પાસે જે નથી તે પામવાની ઈચ્છા-અથવા- પોતાની પાસે છે તેનાથી વધુ પામવાની ઈચ્છા. એટલે જે બુદ્ધિ -કામી છે-તેની બુદ્ધિ ને હંમેશ કંઈક ને કંઈક  જોઈએ છે. અથવા તો વધુ ને વધુ જોઈએ છે.

  ઉદાહરણ તરીકે જોઈએ-તો-

            કોઈ મનુષ્ય ને સંતાન નથી. અને સંતાન માટે પ્રભુ ની સેવા કરે છે-અને જો પ્રભુ સંતાન આપે- તો પછી સંતાન ની માયામાં-આશક્તિ માં પ્રભુ ને ભૂલી જાય. અને જો તેને સંતાન ન થાય તો –તે પ્રભુ ની સેવા છોડી દે. આ મનુષ્ય ની બુદ્ધિ ને “કામી” કહી શકાય. આવી બુદ્ધિ ને “અનિશ્ચયાત્મક બુદ્ધિ” પણ કહે છે. અને કોઈ મહાત્મા –માત્ર પ્રભુ ની પ્રાપ્તિ ના માર્ગ પર ચાલે  અને માર્ગ માં મળતાં ફળો પર  પોતાનો નહિ પણ પ્રભુ નો જ અધિકાર છે-પ્રભુએ આપેલાં ફળો પ્રભુ ના જ છે-એમ સમજી – ફળ માં આશક્ત થયા વિના –વિવેક થી ફળ ને ભોગવે તો –તે મહાત્મા ની બુદ્ધિ-“ નિષ્કામ” કહેવાય. આવી- “નિષ્કામ બુદ્ધિ” –કે જેને “નિશ્ચયાત્મક-બુદ્ધિ” અથવા “સદબુદ્ધિ” પણ કહે છે-

🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿



--------------------------------------------------------------------------------------
           શ્રીમદ ભગવદ ગીતા-૪૨-
                     અધ્યાય-૨ -૧૨
                     સાંખ્ય યોગ

          જેમ ભૂત મનુષ્ય ને નડે છે-પણ એ જ ભૂત –ભૂવો મનુષ્ય હોવા છતાં તેને નડતું નથી. તે જ રીતે જેની બુદ્ધિ નિષ્કામ છે-જેની સદબુદ્ધિ છે-તેને સંસારની માયા નડી શકતી નથી.

         જેમ દીવા ની જ્યોત નાની સરખી હોવાં છતાં –મોટો પ્રકાશ આપે છે-તેમ-નિષ્કામ બુદ્ધિ- સદબુદ્ધિ થોડીક પણ હોય –તો પણ ઘણી છે. કારણ કે-જગતમાં સદબુદ્ધિ મળવી મુશ્કેલ છે. (૪૦)

          બીજા પ્રકારની બુદ્ધિ તે –દુર્બુદ્ધિ-સકામ- બુદ્ધિ છે. આવી બુદ્ધિ માં વિકારો પેદા થાય છે. આવી બુદ્ધિ વાળા –અવિચારી-લોકો સદા વિકારો માં જ રમે છે.
કર્મ કરે છે-ફળમાં આશક્ત થઇ ફળ ભોગવે છે-તે સંસાર ના ચક્કરમાં ફર્યે જાય છે. કદીક સારા કર્મો કરી –પુણ્ય કરી-સ્વર્ગમાં જાય છે- સ્વર્ગમાં પુણ્ય નો ક્ષય  કરી પાછા જગતમાં આવે છે-
ખરાબ કર્મો-પાપ-કરી નરક માં જાય છે.......તેમને આત્મ-સુખ મળતું નથી.  (૪૧)

         આવા સકામી લોકો-વેદો નો આધાર બતાવી –કર્મ માર્ગ-શ્રેષ્ઠ છે-તેમ કહે છે-પરંતુ ફળ ઉપર આસક્તિ રાખે છે. તેઓ કહે છે-કે-પૃથ્વી પર યજ્ઞો-જેવા કર્મો કરી –સ્વર્ગ-સુખ નો ઉપભોગ કરવો. આવા દુર્બુદ્ધિવાળા મનુષ્યો એમ જ કહે છે-કે-સ્વર્ગ સુખ સિવાય બીજા સુખો સુખ આપનારાં છે જ નહિ. આવા લોકો ને ફક્ત ભોગ ભોગવવાની ઈચ્છા અને ભોગ ભોગવવાની જ આસક્તિ હોય છે. અને તે ભોગ ભોગવવાના ફળ ઉપર જ દૃષ્ટિ રાખે છે-અને તેના માટે જ સકામ કર્મો કરે છે.

           સ્વર્ગની અને ભોગ ની ઈચ્છા માં તે ઈશ્વર ને ભૂલી જાય છે. અને સકામ કર્મો થી –અતિ મહેનત થી મેળવેલા સ્વર્ગના સુખ ભોગવવામાં મશગુલ થઇ જાય છે. જેમ કોઈ રસોઈઓ સરસ મોંઘાં પકવાન તૈયાર કરે-પણ પૈસા કમાવવાની લાલચે-બજારમાં વેચે છે- તેવી જ રીતે આવા અવિચારી-દુર્બુદ્ધિ વાળા લોકો-સુખ ના ઉપભોગ માટે-ધર્મ ગુમાવે છે.(૪૨-થી-૪૪)

         વેદો ના  જે ભાગમાં કર્મ,ઉપાસના –વગેરે નું  વર્ણન કરવામાં આવ્યું છે-તે સર્વે ત્રણ ગુણો (સત્વ-રજસ-તમ) થી ભરેલા છે-અને સ્વર્ગ માં કેવી રીતે જવું?-તે  બતાવે છે- અને તે પ્રમાણે કર્મ-ઉપાસના ન કરવામાં આવે તો –સ્વર્ગ ને બદલે નર્ક પણ મળે છે. એટલે કે-તે સુખ-દુઃખ ના કારણો છે. માટે આ ત્રણે ગુણો નો ત્યાગ કરી-અહંતા-મમતા (દ્વંદ) છોડી દઈ –પોતાના સુખ નો વિચાર નહિ કરતાં- ચિત્ત-બુદ્ધિ ને- આત્મ-સ્વરૂપમાં સ્થિર કર (૪૫)

         જેમ- સવાર પડે-અજવાળું થાય-એટલે આપણી સામે અસંખ્ય માર્ગો દેખાય છે.પણ બધા માર્ગો પર એક સાથે જવાતું નથી.

           જેમ-આખી પૃથ્વી પર પુષ્કળ પાણી છે પણ આપણે તો આપણા જોઈતા મુજબ ના પાણી નો ઉપયોગ જ કરી શકીએ છીએ.
તેમ વેદમાં અસંખ્ય વાતો નું  જુદી જુદી રીતે વર્ણન કરેલું છે. તેમાંથી આપણને અનુકૂળ જે માર્ગ હોય
તેનો જ સ્વીકાર કરવો જોઈએ. જ્ઞાની મનુષ્યો-વેદો ના અર્થ નો વિચાર કરી-છેવટે તો- નિરાકાર -નિર્ગુણ-સાશ્વત –બ્રહ્મ નો જ સ્વીકાર કરે છે.(૪૯)

         કૃષ્ણ કહેછે- હે અર્જુન, મેં અનેક દૃષ્ટિ થી બધી વાતનો વિચાર કરી જોયો અને મને લાગ્યું છે-કે- તારે માટે સ્વ-કર્મ (પોતાનું કર્મ) જ યોગ્ય છે. તારું જે કર્તવ્ય –કર્મ છે-તે તારે છોડવું જોઈએ નહિ. તારો માત્ર કર્મ કરવા ઉપર જ અધિકાર છે-કર્મ ના જે ફળો મળે તેના ઉપર તારો અધિકાર નથી. કર્તવ્ય કર્મ કરે જવાનાં-પણ ફળ ની ઈચ્છા રાખીશ નહિ. (૪૭)

      ફળની ઈચ્છા નો ત્યાગ કરી ને –મન પૂર્વક કર્મ કર (યુદ્ધ કર –જે તારું કર્મ છે) આરંભેલું કાર્ય –જો પ્રભુ ની ઈચ્છા થી પાર પડે (યુદ્ધ માં જીત થાય) તો તેનાથી ફુલાઈ જવું નહિ- અને જો કોઈ કારણસર કાર્ય પૂરું ન થાય તો તેને માટે શોક કરવો નહિ.

        કાર્ય પૂર્ણ થાય કે અપૂર્ણ રહે –બંને માં –ઈશ્વરની એવી ઈચ્છા હશે-એમ માની બંને ને સારું (રૂડું) જ માનવું. કારણ કે- જેટલાં કર્મો  થાય અને તે કર્મોનાં જે ફળ મળે-તે બધાં પર ઈશ્વરનો જ અધિકાર છે. અને તે બધાં ફળો ઈશ્વરને જ અર્પણ કરવાનાં હોય છે-તો પછી –તે પૂર્ણ રહે કે અપૂર્ણ રહે-તેનું કોઈ મહત્વ રહેતું નથી.

         એટલે કે કર્તવ્ય-કર્મ કરતાં-સારું (સિદ્ધિ) કે ખરાબ (અસિદ્ધી) –જે કાંઇ પરિણામ પ્રાપ્ત થાય – તેમાં “સમાન” મનોધર્મ (સમતા) રાખવો-એનું નામ જ “યોગ”.  (૪૮)

🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿

---------------------------------------------------------------------------------------------


            શ્રીમદ ભગવદગીતા-૪૪-
                      અધ્યાય-૨ -૧૪
                       સાંખ્ય યોગ

              મનુષ્ય નો મૂળભૂત સ્વ-ભાવ શાંત રહેવાનો છે. અને ક્યાંક ને ક્યાંક થોડો સમય તે શાંત રહે પણ છે. પણ તેને શાંત રહેવું –જાણે કે ગમતું નથી.
તેનુ અટકચાળું મન ગમે ત્યાંથી-કોઈ એવી પ્રવૃત્તિ કે ઈચ્છા કરે છે. અને કોઈ નવી પ્રવૃત્તિ ચાલુ કરે છે-

         નવી પ્રવૃત્તિ ચાલુ કરે –તેનો તો કોઈ વાંધો નથી હોતો- પણ થાય છે એવું કે – કે એ નવી પ્રવૃત્તિ માં –એટલો બધો મશગૂલ થઇ જાય છે (સંલગ્ન થઇ જાય છે) કે- કે તે પ્રવૃત્તિ અને પ્રવૃત્તિ ની પેદાશ (આઉટકમ) માં આસક્ત થઇ જાય છે- અને અશાંતિ ની શરૂઆત થઇ જાય છે.

         ટૂંક માં મનુષ્ય જાતે જ પોતાની શાંતિ ની આડે અવરોધ પેદા કરી દે છે. અહીં એક જાણીતું ઉદાહરણ યાદ આવે છે.

       એક ભાઈ જંગલમાં ઝાડની નીચે ઠંડક માં હાથનું ઓશીકું બનાવી આરામ થી સૂતા હતા. ત્યારે બીજા કોઈ અત્યંત એક્ટીવ (પ્રવૃત્તિશીલ) ભાઈએ આવી તેમને જગાડ્યા-અને કહે- સુઈ શું રહ્યા છો ?સૂતેલા નાં નસીબ સૂતેલાં જ રહે છે.આ જંગલ માંથી લાકડાં કાપી –માથે મૂકી બજારમાં જઈ વેચી આવો. સો રૂપિયા મળશે.

         પેલા ભાઈ કહે છે –પછી ? બીજા ભાઈ કહે છે- ધીરે ધીરે વધારે ને વધારે લાકડાં કાપો તો વધુ પૈસા મળશે. પછી ધીરે ધીરે રિક્ષા-ખટારો વગેરે લાવો.સુખી થઇ જશો. પેલા ભાઈ કહે છે-પછી ? “બસ પછી થોડા માણસો ને નોકરીએ રાખી લેવાના –અને આરામથી –સુખથી આરામ કરવાનો.”
         સૂતેલા ભાઈએ –કહ્યું-કે” તે તો હું કરું છું-મને શું કામ ઉઠાડ્યો ?

            શ્રીકૃષ્ણ કહે છે-મન ની કામના ઓ (ઈચ્છાઓ વાસનાઓ) એ સુખમાં-શાંતિમાં-આનંદમાં વિઘ્ન કરે છે. પણ-જયારે જે કોઈ મનુષ્ય-બધી કામનાઓ ને ત્યજી દે-અને પછી જેનું મન –આત્મ-સંતોષી બને-તો તેને આત્મા નું જ્ઞાન સમજાય છે –અને પછી તે આત્મ-સંતુષ્ટ થઇ આત્માના આનંદમાં રમે છે- જેથી- તે સ્થિતપ્રજ્ઞ (સ્થિર બુદ્ધિવાળો)  કહેવાય છે. (૫૫)

        આવો સ્થિર બુદ્ધિવાળો –પુરુષ  ભલે સંસારમાં રહેતો હોય કે સંસાર છોડી દીધો હોય-તેને –

--કોઈ પણ વિષય સુખ (સાંભળવું,જોવું,ખાવું વગેરે) ની ઈચ્છારહેતી નથી.

--અનાયાસે –ભાગ્યવશ કોઈ દુઃખ આવી પડે –તો –તેનું મન દુઃખ નો ખેદ માનતું નથી.

           આ રીતે તેનામાં સુખ-દુઃખ,રાગ-દ્વેષ-જેવા ભેદ(દ્વંદ)  દૂર થવાથી-તેને કોઇ ભય રહેતો નથી.  અને કામ,ક્રોધ,લોભ –આપોઆપ દૂર થઇ જાય છે. (૫૬)

          જે પ્રમાણે –પૂનમ નો ચંદ્ર –સારા કે ખરાબ-સર્વ લોકો ને એક સરખો પ્રકાશ આપે છે. તેવી જ રીતે-જે મનુષ્ય –

--સર્વની તરફ સમાન દૃષ્ટિ અને દયા રાખે છે.અને

--કોઈ એક વ્યક્તિ સારો છે-અને બીજો વ્યક્તિ ખરાબ છે-તેવો “ભેદ” રાખતો નથી. અને

--જો પોતાનું સારું થાય –તો હર્ષ કરતો નથી-અને ખરાબ થાય તો શોક કરતો નથી. તે સ્થિર બુદ્ધિવાળો છે (૫૭)

        જે પ્રમાણે –કાચબો જયારે આનંદ માં હોય છે –ત્યારે તે પોતાના હાથ પગ એ શરીર ની બહાર કાઢે છે- અને જયારે ઈચ્છે ત્યારે પાછા સંકોચી લે છે.(અંદર ખેંચી લે છે) તે જ પ્રમાણે-જે ઇન્દ્રિયોને –પોતાને આધીન રાખી-વશ કરી-વિષયોમાંથી પાછી ખેંચી અંકુશમાં રાખે છે- તેની બુદ્ધિ સ્થિર થઇ છે-એમ કહેવાય છે. (૫૮)

હવે પછી ના શ્લોકો માં –ઇન્દ્રિય અને વિષયો ની વાત આવે છે. એટલે ઇન્દ્રિયો અને તેના વિષયો વિષે નું જ્ઞાન થોડુંક તાજું (રીફ્રેશ) કરી લઈએ તો –સમજવામાં થોડી સરળતા રહે –અને રસ પણ પડે.

🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿

----------------------------------------------------------------------------------------------

           શ્રીમદ ભગબદગીતા-૪૩-
                   અધ્યાય-૨ -૧૩
                   સાંખ્ય યોગ
 
             શ્રીકૃષ્ણ ટૂંકાણમાં કર્મયોગ  કહીને  હવે કર્મયોગ અને જ્ઞાનયોગ  ની તુલના કરતાં કહે છે-કે- “ફળની ઈચ્છા”-યુક્ત  અને “અહમ”-યુક્ત (હું કર્મ કરું છું એવો અહમ)-કરાતા કર્મયોગ ની યોગ્યતા-ઘણી ઓછી છે. પરંતુ-જો કુશળતાપૂર્વક –વિવેકથી-અનાસક્તિ થી-કર્મયોગ નું આચરણ કરવામાં આવે-તો-તે કર્મ કરતાં કરતાં જ – બુદ્ધિ (સમત્વ બુદ્ધિ) ની પ્રાપ્તિ થાય છે.અને આ રીતે –કર્મ ની જે કુશળતા પ્રાપ્ત થાય છે-તે જ યોગ છે.  (૫૦)

        ધારોકે-કોઈ મનુષ્ય ખુબ વધારે પૈસા કમાવાની ઈચ્છા થી કોઈ મોટું ઇન્વેસ્ટમેન્ટ કરે છે.
અહીં "વધારે પૈસા કમાવા"  તે "ફળની ઈચ્છા છે"
અને આ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું પોતાની બુદ્ધિએ જે નિર્ણય લીધો છે -તે "નિર્ણય મેં કર્યો છે" તે "અહમ" છે.

હવે જો આ ઇન્વેસ્ટમેન્ટ થી ખુબ પૈસા મળે તો -રાજી થાય છે-બુદ્ધિનો અહમ- વધે છે.
અને જો ઇન્વેસ્ટમેન્ટ માં ખોટ આવે તો તે દુઃખી થઇ જાય છે.શોકમય થઇ જાય છે. હવે આ જ ઇન્વેસ્ટમેન્ટ જયારે તે કરે-ત્યારે- તેની બુદ્ધિ એમ વિચારે-કે-પ્રભુ ની ઈચ્છા કંઈક આવું કરાવવાની  હશે-તો ચાલો ઇન્વેસ્ટમેન્ટ કરીએ. વધુ પૈસા મળે તો -પણ ઠીક-ના મળે તો પણ ઠીક.વધુ પૈસા મળશે તો તેનો સદુપયોગ કરીશ. (આને કુશળતા-વિવેક-અનાસક્ત કર્મ કહી શકાય) આવે વખતે -તેનો પોતાની બુદ્ધિ નો અહમ નથી-અને વિવેક થી કુશળતાપૂર્વક કર્મ કરે છે. અને જો વધુ પૈસા મળે તો રાજી થતો નથી અને વધુ પૈસા ના મળે  તો દુઃખી થતો નથી. અહીં -મન -ના વિચારો થી ક્રિયા (ઇન્વેસ્ટમેન્ટ) થાય છે.ત્યારે મારી નહિ પણ પ્રભુની ઈચ્છા થી કરું છું-તેવી બુદ્ધિ (જ્ઞાન) છે. અને જયારે આમ તે મન અને બુદ્ધિની -બંને ની એકતા થાય છે. એટલે  ચિત્ત ની સમતા થાય છે. અને આ સમતા -કે જેને કર્મ ની કુશળતા કહે છે-તે જ યોગ છે. તેવું કહેવા માગે છે.

         આવી બુદ્ધિ થી યુક્ત –જ્ઞાની મહાપુરુષો-કર્મફળ ની ઈચ્છા રાખતા નથી અને કર્મફળ પર અધિકાર પણ રાખતા નથી. કર્મ પણ ઈશ્વરનું અને ફળ પણ ઈશ્વરનું-એમ માને છે. આવી રીતે માનવાથી તે જન્મ –મરણ ના ફેરા માંથી મુક્ત થઇ –પરમ પરમાનંદ- ને પામે છે. (૫૧)

          કૃષ્ણ કહે છે-હે અર્જુન, તારી બુદ્ધિ જયારે તેમાં પ્રવેશેલા –મોહ-ને ત્યજશે, ત્યારેજ તને આત્મજ્ઞાન પ્રાપ્ત થશે.  અને આવું આત્મજ્ઞાન પ્રાપ્ત થાય એટલે ભવિષ્ય નો વિચાર અને ભૂતકાળ ની યાદના (સ્મરણ ના) સર્વ પ્રકારો નાશ પામશે.(૫૨)

      આંખ ની ઇન્દ્રિયે જોયેલા વિધ વિધ પ્રસંગો-ના અનુભવો - ને કાન ની ઇન્દ્રિયે સાંભળેલા વિધ વિધ શાસ્ત્રોના વાક્યો નો અનુભવ તારી બુદ્ધિમાં સંગ્રહેલો છે-કે જેનાથી તારી બુદ્ધિ ચંચળ થાય છે-ભ્રમિત થાય છે-પણ તે- આત્મ-સ્વરૂપ ના જ્ઞાનની પ્રાપ્તિ થવાથી- સહજપણે સ્થિર થાય છે. અને જયારે તારી બુદ્ધિ સ્થિર થશે –ત્યારેજ તને યોગ ની સ્થિતિ સહજ સાધ્ય થશે.  (૫૩)

        અત્યાર સુધી શ્રીકૃષ્ણ ઉપદેશ આપ્યે જાય છે. (ભાષણ આપે જાય છે) પણ અર્જુન ની “બુદ્ધિ” સુધી તે ઉપદેશ જાણે પહોંચતો જ નથી. પણ -પોતાના અંતરમન ના વિચારો માં મશગુલ –અર્જુન ના –કાને- કૃષ્ણ ને  કાંઇક બુદ્ધિ વિષે બોલતાં સાંભળવામાં આવ્યું-અને- ત્યાં તેનું ધ્યાન સહેજ કૃષ્ણ ની વાતો તરફ ગયું- અને જ્યાં કૃષ્ણ ને કહેતાં સાંભળ્યા –કે-જયારે તું આ બુદ્ધિ ના ભ્રાંતિ (ભ્રમ) ના ચક્ર માં થી બહાર નીકળીશ- અને –એ-જ-બુદ્ધિ જયારે “આત્મ-સ્વરૂપ” માં સ્થિર થશે-ત્યારે જ યોગ ની સ્થિર સ્થિતિ (સ્થિતપ્રજ્ઞતા) પ્રાપ્ત થશે.
કે જે સ્થિતિ માં નિરંતર (સદાય) પરમાનંદ રહે છે.

        સંશયો થી ભરપૂર અર્જુન ને અહીં પહેલીવાર જ – જાણે કૃષ્ણ ની વાતમાં થોડો રસ પડ્યો હોય તેવું લાગે છે.  કારણકે તે હવે –આ અધ્યાય માં પહેલી વાર –અહીં કૃષ્ણ ને –પહેલો -પ્રશ્ન પૂછે છે.

       અર્જુન પૂછે છે-કે-હે કૃષ્ણ, તમે જે આ સ્થિર બુદ્ધિવાળા-સ્થિતપ્રજ્ઞ –માનવ ક્યાં જોવા મળે છે ? આવા માનવો હોય છે કેટલા ? આ બધા માણસો ના ટોળા માં એને ઓળખવો કેવી રીતે ? આવા સ્થિતપ્રજ્ઞ માણસ ના લક્ષણો કેવાં હોય ? તેનું વર્તન,તેની વાણી કેવાં હોય છે?
તેની તમે કહો છો-તેવી પરમાનંદ ની સ્થિતિ કેવી હોય છે? (૫૪)

        શ્રીકૃષ્ણ ના મુખ પર છેવટે થોડો મલકાટ થયો. અર્જુને –જયારે કોઈ એક પ્રશ્ન ઉભો કર્યો-તેનો મતલબ –થોડો એવો પણ થયો કે – હવે અર્જુન નું ધ્યાન-પોતાના ઉપદેશ (ભાષણ!!) માં કમ સે કમ –થોડું તો ગયું !!
          પોતાની નવી “બુદ્ધિ” વિશેની સ્ટ્રેટેજી (વ્યૂહ) કામ લાગી અને અર્જુન નું ધ્યાન –પોતાની વાતોમાં ખેંચાણું- તે જાણી કૃષ્ણ ,મલકાય છે-અને હવે- પાછા –જ્ઞાનયોગ પર આવી –સ્થિતપ્રજ્ઞ ની વ્યાખ્યા આપી – અને આ બીજા અધ્યાય ના અંત સુધી -

         સાંખ્યયોગ ની પૂર્ણાહૂતિ સુધી લઇ જાય છે-અને બતાવે છે-કે-શાંતિ-સુખ-પરમાનંદ ની પ્રાપ્તિ કોને થાય છે.

🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳
---------------------------------------------------------------------------------


            શ્રીમદ ભગવદગીતા-૪૫-
                      અધ્યાય-૨ -૧૫
                      સાંખ્ય યોગ

            આપણા શરીર માં પાંચ જ્ઞાનેન્દ્રિયો અને પાંચ કર્મેન્દ્રિયો છે. નામ પ્રમાણે –જ્ઞાનેન્દ્રિયો થી જ્ઞાન મળે છે-કર્મેન્દ્રિયો થી કર્મ થાય છે.અહીં ઇન્દ્રિયો અને તેના વિષયો સમજવા આપણે –હાલ પૂરતું–જ્ઞાનેન્દ્રિયો –વિષે જાણીએ.

      પાંચ જ્ઞાનેન્દ્રિયો માં થી ચાર તો મસ્તક (માથા) માં આવેલી છે. અને એક ચામડી આખા શરીર પર છે.

(૧) આંખ-ઇન્દ્રિય--નો વિષય એ જોવાનો છે.
(૨) કાન-ઇન્દ્રિય-નો વિષય એ સાંભળવાનો છે.
(૩) જીભ-ઇન્દ્રિય –નો વિષય એ સ્વાદ છે.   
(૪) નાક-ઇન્દ્રિય નો વિષય એ સુગંધ-ગંધ-છે.
(૫) ચામડી-ઇન્દ્રિય-વિષય એ સ્પર્શ છે.

       કોઈ યોગી પુરુષે- ભલે-યમ-નિયમ કરી “મન” ને મુઠ્ઠીમાં કર્યું હોય-મન ને વશ કર્યું હોય-તેને પણ-ઇન્દ્રિયો –વ્યાકુળ કરી નાખે –તેવો ઇન્દ્રિયો નો પ્રભાવ છે.
આ ઇન્દ્રિયો પાસે એવી પ્રબળ શક્તિ છે- કે-આ ઇન્દ્રિયો ને વશ કરવા (નિગ્રહ કરવા ) મથતા પુરુષ ના “મન” ને –તે-તેના વિષયો તરફ પરાણે ખેંચી જાય છે. (૫૯-૬૦)
દાખલા તરીકે –ઉપર જોયું તે મુજબ-
     આંખ (ઇન્દ્રિય) નો વિષય એ “જોવાનો” છે. કાન નો વિષય એ “સાંભળવાનો” છે-વગેરે-હવે આ બધી ઇન્દ્રિયો –એકબીજા સાથે “મન” થી જોડાયેલી છે.
કોઈ કહેશે –કે-ઇન્દ્રિયો (આંખ-જીભ વગેરે) ને વશ કરવામાં શું મોટી ધાડ મારવાની છે ?!!

આંખને બંધ કરી દો –એટલે આંખ વશ માં આવી જાય.મોઢું બંધ કરો એટલે જીભ વશ માં આવી જાય.........વગેરે......

    આ ઉદાહરણ માં-બહુ જ સામાન્ય વિચાર કરીએ-તો સમજો-કે કોઈ આંખ-અને- જીભ (મોઢું) બંધ કરીને બેસી ગયો છે.....પણ....કાન ને એ કેવી રીતે બંધ કરી શકવાનો છે ? શ્વાસ ને તે કેવી રીતે બંધ કરી શકવાનો છે ચામડી તો આખા શરીર પર આવેલી છે-તેને તે કઈ રીતે બંધ કરી શકે ?

      એટલે આવા સમયે કોઈ મોટો ધડાકો-કાન –સાંભળે - તો-આંખ ખુલી કરીને તે જોશે-કે શું થયું ? કે પછી-ચામડી ઉપર કોઈ જીવ-જંતુ કરડે તો –આંખ ખોળી ને જોશે-કે-વીંછી તો કરડ્યો નથી ને ?
કે એવું પણ બને કે નાક ને કોઈ મિષ્ટાન્ન ની મીઠી સુગંધ આવે તો-લૂલી (જીભ) માં પાણી આવે –
અને આંખ ખોલે કે –પ્રભુજી એ અહીં મિષ્ટાન્ન ક્યાંથી મોકલ્યાં?

      એટલે અહીં –એમ કહેવા માગે છે-કે-ફક્ત ઉપવાસ વગેરે કરીને ભલે જીભની ઇન્દ્રિય નો નિગ્રહ (વશ) કરે પણ જો  જીભની ઇન્દ્રિય નો જે વિષય કે-(જે ખોરાક ના જુદા જુદા સ્વાદો છે)- તે વિષયની –જો ઈચ્છા –(વિષયેચ્છા) તેમની તેમ રહે-તો –
એમ સમજવું કે-તેની બુદ્ધિ -ને હજુ ઇન્દ્રિયો (જીભ- વગેરે) અને તેના વિષયો (મિષ્ટાન્ન-વગેરે) ને આધીન છે. અને હજુ તેની ઇન્દ્રિયો –પોતાને (પોતાના આત્માને) સ્વાધીન થઇ નથી. કે પછી એમ પણ કહી શકાય કે તેની બુદ્ધિ હજુ નિશ્ચળ થઇ નથી.

        જેમ ઝેર થોડુંક જ હોય –પણ તે ઝેર જો શરીરમાં પ્રસરી જાય તો મનુષ્ય નું મૃત્યુ થાય છે.તેમ જો થોડીક પણ વિષય (સ્વાદ -વગેરે) ની ઈચ્છા રહી જાય તો- બધા જ સારા-શુભ વિચારો નો નાશ થાય છે. (૬૧)

        વિશ્વામિત્રે અનેક વર્ષો ની તપશ્ચર્યા કરેલી પણ મેનકા-અપ્સરા થી ચળી ગયેલા.અહીં આપણે એક માત્ર ઇન્દ્રિય –જીભ અને તેના વિષય –સ્વાદ ની વાત કરી .પણ આ જ રીતે બીજી બધી ઇન્દ્રિયો (જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો) અને તેમના વિષયો વિષે સમજી શકાય.

       ઇન્દ્રિયો અને તેના વિષયો –આ શબ્દ એટલી બધી વખત વારંવાર આવે છે-કે – તેને સાચી રીતે સમજવામાં ગોથાં ખવાઈ જાય છે. બુદ્ધિની કસરત વધુ પડતી થઇ જાય  છે.  એટલે સરળતાથી સમજવા –હાલ પૂરતું-જ્ઞાનેન્દ્રિયોમાં ની - એક-“ઇન્દ્રિય”-એટલે “જીભ” અને તેનો “વિષય” એટલે “સ્વાદ” –

એમ એક માત્ર ઉદાહરણ થી જ આગળ સમજવાનો પ્રયત્ન ચાલુ રાખીએ.
🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿

---------------------------------------------------------------------------------------------------------------

              શ્રીમદ ભગવદગીતા-૪૬
                        અધ્યાય-૨ -૧૬
                         સાંખ્ય યોગ

         મન માં વિષયો (સ્વાદ-વગેરે) નું જેવું -સ્મરણ થયું –એટલે –

(૧) જીભ ને (ઇન્દ્રિય ને)–વિષય (સ્વાદ-વગેરે) ની પ્રાપ્તિ માટે રસ (રાગ-પ્રીતિ) ઉત્પન્ન થાય છે.

(૨) મન ને થોડો રસ પડ્યો-કે તરત જ –તેને તે વિષય (સ્વાદ-વગરે) ને પામવાની ઈચ્છા ઉત્પન્ન થાય છે.અને આમ જે પોતાની પાસે નથી તે પામવાની ઈચ્છા-એટલેકે –કામ-ઉત્પન્ન થાય છે.

(૩)  કામ (ઈચ્છા) ને આડે કોઈ હરકત આવે તો-“ક્રોધ” ઉત્પન્ન થાય છે.

(૪)  ક્રોધ ની સાથે “અવિચાર” રહેલો છે.કે જેનાથી “મૂર્ખતા” ઉત્પન્ન થાય છે.

(૫)  મૂર્ખતાને લીધે-સાચા જ્ઞાનનો  (આત્મજ્ઞાનનો-સ્મૃતિનો) નાશથાય છે.

(૬)  જ્ઞાન નો નાશ –એટલે અજ્ઞાન ના આગમનથી બુદ્ધિ નો નાશથાય છે.

(૭)  બુદ્ધિ નો નાશ થવાથી સર્વસ્વ નો નાશ થાય છે.(મહા-અનર્થ ની ઉત્પત્તિ થાય છે)...........(૬૨-૬૩)

        સમજવામાં થોડી અઘરી લાગતી વાતને આપણે ઉદાહરણ થી સમજીએ.

        કોઈ ભાઈ ને તીખું ખાવાનો શોખ છે.પણ બહુ તીખું ખાવાને લીધે કે બીજા કોઈ કારણ ને લીધે તેમને એસીડીટી નું દર્દ થયું છે –અને ડોક્ટરે તેમને મરચું નહિ ખાવાની ચરી (પરેજી) આપી છે.
          એટલે અહીં કહી શકાય કે –ભાઈએ જીભને (ઇન્દ્રિય ને) પરાણે પણ વશ કરી છે-અને તીખું  (સ્વાદ-વિષય) ખાવાનું બંધ કર્યું છે. છતાં અહીં તેમને તીખું ખાવા પ્રત્યે રસ (રાગ) ઓછો થયો નથી.
હવે થાય છે-એવું-કે-બહાર કોઈ વરસાદની મસ્ત મૌસમ છે.

          એટલે ભાઈ ને મન માં “આવી મસ્ત મૌસમ માં મરચાનાં ગરમ ગરમ ભજીયાં નું ”સ્મરણ” થયું “ આવું સ્મરણ થયું –એટલે તેની લૂલીને (જીભને-ઈન્દ્રીયને) મરચાં ના ભજિયામાં (સ્વાદમાં-વિષયમાં) રસ પડ્યો. અને તેમાંથી તે ખાવાની “ઈચ્છા” થઇ. પોતાને તો બનાવતા આવડે નહિ-એટલે પત્ની ને કહ્યું. પત્ની જાણે છે-કે એસીડીટી માં આ ન ખાઈ શકાય. એટલે તેના સારા માટે તે બનાવવાની ના પડે છે. એટલે ભાઈને “ક્રોધ” આવે છે.

         ક્રોધ માં ભૂલી જાય છે-કે –પાછળથી એસીડીટી થી આખી રાત –જાગતા બેસી રહેવું પડશે.(જ્ઞાન નો નાશ) અને પત્ની સાથે ઝગડે છે. પત્ની ને પણ ક્રોધ આવે છે-“તેમના સારા માટે ના પાડું છું-પણ..” અને ક્રોધમાં તે મરચાનાં ભજીયા બનાવી આપે છે. (અજ્ઞાનથી બુદ્ધિનો  નો નાશ).

          ભાઈ આરામ થી આરોગે છે-અને રાતે એસીડીટી જોર પકડે છે (અનર્થ ની ઉત્પત્તિ)એટલા માટે-જ –મન (બુદ્ધિ) માંથી જો વિષયો (સ્વાદ-વગેરે) દૂર થાય-તો વિષયો (સ્વાદ-વગેરે) તરફનો  રાગ (અને દ્વેષ) આપોઆપ જ નાશ પામે છે. અને એકવાર જો આ વિષયો (સ્વાદ-વગેરે) તરફનો રાગ (પ્રીતિ) કે દ્વેષ જતો રહે- તો – તેના પછી જો ઇન્દ્રિયો (જીભ-વગેરે)  જો વિષયોમાં (સ્વાદ-વગેરે) માં પ્રવૃત્ત થાય-તો પણ તેઇન્દ્રિયો બાધક થતી નથી.

           આવી પરિસ્થિતિ નું નિર્માણ ધીરે ધીરે –પણ જરૂર થાય છે. ધીરે ધીરે જો મનુષ્ય વિષયો (સ્વાદ-વગેરે) પ્રત્યે ઉદાસીન બને –(રાગ-દ્વેષ  દૂર કરે) અને પોતાનામાં (આત્મ-સ્વરૂપમાં) નિમગ્ન બને (આત્મ-સ્વરૂપ ને ઓળખી –તેનામાં મગ્ન બને)- ત્યારે તેના –કામ-ક્રોધ –વગેરે આપોઆપ દૂર થાય છે.
વિષયો (સ્વાદ-વગેરે) માં પણ તેને આત્મ-સ્વરૂપ ના દર્શન થાય છે.પોતે જ સર્વ-રૂપ બને છે. અને તેથી તેની બુદ્ધિ સ્થિર (સ્થિતપ્રજ્ઞ) બને છે. જેવી રીતે આકાશ માંથી સૂર્ય –પોતાના કિરણો રૂપી-હાથથી – જગતની સર્વ વસ્તુઓનો સ્પર્શ કરે છે-પણ તેમ છતાં તેને –સંસર્ગ-દોષ લાગતો નથી. એવી જ રીતે-

         જેની બુદ્ધિ સ્થિર થઇ છે-જે પૂર્ણ બન્યો છે-જે વિષયો (સ્વાદ-વગેરે) પ્રત્યે ઉદાસીન બન્યો છે- તેને વિષયો –સ્પર્શ પણ થાય તો-તેને સંસર્ગ-દોષ (બાધ) લાગતો નથી. અને તે જો વિષયો (સ્વાદ-વગેરે) નું કદાચ-સેવન પણ કરે તો- પણ –તેને માટે હવે-સુખ-દુઃખ વગેરે રહેતા નથી અને સદાયે તેનું અંતઃકરણ આનંદમાં (પ્રસન્નતા-ખુશમાં) જ રહે છે... (૬૪)

🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳


--------------------------------------------------------------------------------------------------------------------

           શ્રીમદ ભગવદગીતા-૪૭-
                     અધ્યાય-૨ -૧૭
                     સાંખ્ય યોગ

          જ્યાં અંતઃકરણ માં (ચિત્તમાં) સદાને માટે પ્રસન્નતા (આનંદ) હોય – ત્યાં સંસારિક દુઃખ નો પ્રવેશ થતો નથી. જેવી રીતે કોઈના પેટમાં જો અમૃત નો ઝરો ઉત્પન્ન થયો હોય તો – પછી તેને ભૂખ-તરસ ક્યાંથી પીડા કરી શકે ? એવીજ રીતે હૃદય (અંતઃકરણ-ચિત્ત) –પ્રસન્ન થવાથી-જાણે અમૃત (આનંદ) નો ઝરો ફૂટે છે- અને તેને માટે સંસારિક સુખ-દુઃખ (દ્વંદ) –રાગ-દ્વેષ –વગેરે પીડાદાયક રહેતા નથી.

અને આવા મનુષ્ય ની બુદ્ધિ – આપોઆપ જ પરમાત્મ-સ્વરૂપમાં (આત્મ-સ્વરૂપમાં) મગ્ન રહે છે.(જડાયેલી રહે છે) જેમ દીવા ને કોઈ પવન વગરની જગ્યામાં મુકવામાં આવે તો ત્યારે તેની જ્યોત હાલતી-ડોલતી  નથી,
તેમ તે મનુષ્ય ની બુદ્ધિને  સ્થિરબુદ્ધિ કહે  છે. (સ્થિતપ્રજ્ઞ)...........(૬૫)

          આવી સ્થિર બુદ્ધિ નો અને અંતઃકરણ ની પ્રસન્નતા (આનંદ) ની યુક્તિ નો  “વિચાર” પણ જેના મન માં ના ઉદભવતો હોય-તેને આ આનંદ શું હોય ? સાચું સુખ શું હોય ? સાચી શાંતિ શું હોય ? તેની કેવી રીતે ખબર પડે ?

         વિષયો (સ્વાદ-વગેરે) ના પાશ (બંધન) માં ફસાયેલા મનુષ્ય ને વિષયોમાં જ આનંદ આવે છે.
તેની બુદ્ધિ સ્થિર થતી નથી- કે –પછી બુદ્ધિ ને સ્થિર કરવાનો તે પ્રયાસ પણ કરતો નથી-કે-. સ્થિર બુદ્ધિની ઈચ્છા યે કરતો નથી. તેને શાંતિ ક્યાંથી મળે ? સુખ ક્યાંથી મળે ?........(૬૬)

        જે મનુષ્યો નું મન ઇન્દ્રિયો (જીભ-વગેરે) પાછળ જ ભટકતું હોય,અને ઇન્દ્રિયો (જીભ-વગેરે) ની ઈચ્છા પ્રમાણે જ વર્તતા હોય,
તે પોતે ભલે ને સમજે કે “અમે વિષયરૂપ (જીભ-વગેરે) દરિયાને તરી ગયા છીએ”, પરંતુ સાચું એ છે કે- તે વિષયરૂપ દરિયાને તરીને પાર થયેલા હોતા નથી.

          જેમ કોઈ એક નાવ ને કિનારે ન લગાવી હોય, (કિનારે બાંધી ના હોય) અને અચાનક વાવાઝોડું થતાં તે નાવ તોફાન માં ફસાય છે, તેમ સિદ્ધ થયેલો મનુષ્ય પણ જો માત્ર ગમ્મતને ખાતર ઇન્દ્રિયો (જીભ-વગેરે) નું લાલન –પાલન કરે તો તે ફરીથી સંસારદુઃખ માં ફસાઈ જાય છે.....................(૬૭)

           આપણી ઇન્દ્રિયો (જીભ-વગેરે) જો આપણા તાબા (વશ) માં આવી જાય તો- તેનાથી વધુ જીવન ની સાર્થકતા –બીજી કોઈ નથી. જે પ્રમાણે કાચબો પોતાના પ્રસારેલા અવયવો (હાથ-પગ) સ્વેચ્છા થી –પોતેજ સંકોચી લે છે.- તે પ્રમાણે જેની ઇન્દ્રિયો (જીભ-વગેરે) –પોતાને સ્વાધીન અને પોતાની આજ્ઞાપાલક છે –
તેની જ બુદ્ધિ સ્થિરતાને પ્રાપ્ત થયેલી ગણાય છે..............(૬૮)

         આવા સ્થિર બુદ્ધિ વાળા જ્ઞાની ઓ ને ઓળખવાનું એક બીજું –સૂક્ષ્મ ચિહ્ન પણ છે.
પોતાના સ્વ-રૂપ નું (આત્મ સ્વ-રૂપનું) જેને જ્ઞાન છે.(હું શરીર નથી-પણ હું શુદ્ધ આત્મા છું-તે જ્ઞાન) તે-જયારે રાત હોય છે- એટલે કે સ્વ-રૂપ ના જ્ઞાન વગરનું જે અંધારું હોય છે- ત્યારે જાગે છે. એટલે કે સ્વ-રૂપ ના અનુભવ રૂપી જાગૃતિ ભોગવે છે. કહેવા એમ માગે છે કે-સ્વ-રૂપ નો અનુભવ –એ એક પ્રકાશ રૂપ છે-અજવાળું છે.

          અને આ જ સ્વ-રૂપ નો જેને અનુભવ નથી –તે અંધારું છે-નિંદ્રા છે.-રાત્રિ  છે. આવા સ્વ-રૂપ ના અનુભવ વિનાના સર્વ મનુષ્યો-જયારે વ્યવહારિક વિષયસુખ ની પ્રાપ્તિ માટે દિવસ દરમ્યાન અત્યંત પરિશ્રમ કરે છે-
કે જે જ્ઞાની પુરુષો માટે અંધારા સમાન છે-રાત્રિ સમાન છે-
એટલે કે.જ્ઞાની પુરુષો-વિષય સુખ –તરફ લક્ષ્ય આપ્યા વગર –નિંદ્રા રૂપી અંધારું કરે છે.(સુવે છે).....(૬૯)

🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳

------------------------------------------------------------------------------------------


         શ્રીમદ ભગવદગીતા-૪૯
        અધ્યાય-૩-
         કર્મયોગ -૧

અર્જુન, શ્રીકૃષ્ણ ને પ્રશ્ન કરે છે-

આપ સર્વે કર્મો (નો નિષેધ કરો છો) કરવાની ના પાડો છો, તો પછી મારા હાથે શા માટે યુદ્ધનું હિંસક કર્મ કેમ કરાવો છો ?

        આપ પોતે જ કર્મમાર્ગ ને આટલું બધું મહત્વ આપી (માન આપી) શા માટે -

           મારા હાથે આવી ભયંકર  હિંસા કરાવો છો ? તેનો આપ પોતે જ –તો-કાંઇક વિચાર કરી જુઓ. ..(૧)

        તમે જાણે કંઈક ગૂંચવણભર્યું –બેવડું બોલી ને મને વધુ ગૂંચવી રહ્યા છો.

તમારો આ ઉપદેશ મને તો –

અંધ મનુષ્ય ને આડા માર્ગ માં ચઢાવી  દેવા જેવો –કે

મર્કટ (માંકડા) ને દારૂ પાવા જેવો-- ફળ્યો હોય તેવો લાગે છે.

એક તો હું મૂળ થી જ અજ્ઞાની અને તેમાં વળી મને મોહ થયો. એના ઉપર તમારી આશ્ચર્ય જેવી લગતી વાત........ મને તો તમારા ઉપદેશ માં ચારે તરફ ગોટાળો જ દેખાય છે.

મારું મન સ્થિર થવાને બદલે –જે થોડું સ્થિર મન હતું તે પણ અસ્થિર થયું છે.

મારા જેવો પામર (મંદબુદ્ધિ) મનુષ્ય –તમારી લીલા સમજી શકે –જાણી શકે તેમ નથી.

આ ઉપદેશ ના બહાને-તમે શું મારો મનોભાવ જાણવા માગો છો કે શું ?

તમે જે ગૂઢ અર્થ (ગૂઢાર્થ) સહિત –બ્રહ્મ-સ્વરૂપ, આત્મ સ્વ-રૂપ –વગેરે જે સમજાવો તે મને ખબર પડતી નથી. મહેરબાની કરી આવા ગૂઢ અર્થ (ગૂઢાર્થ) ની વાતો ન કહેતાં –

એક ગામડિયા ને પણ સમજ પડે તે રીતે –સ્પષ્ટ ભાષા માં મને કહો. કે જેથી મને સમજાય.

હું અતિશય મંદ બુદ્ધિ છું, એટલે જે કોઈ એક નિશ્ચિત વાત હોય તે-જ મને કહો.......(૨)

અર્જૂન ના આવાં વચન સાંભળી –શ્રીકૃષ્ણ ને આશ્ચર્ય થયું –અને બોલી ઉઠયા-કે-

મેં તને જે કહ્યું –તેનો ગર્ભિત અર્થ (ગૂઢાર્થ) છે-મારો કહેવાનો જે આશય છે-તે તારી સમજ માં આવતો નથી અને

ખાલી ખોટું-(નાહકનું.વ્યર્થ)  દુઃખ ઉભું કરે છે.

જો હવે તને સીધી સાદી રીતે કહું કે-

આ જગત નો જયારે પ્રારંભ થયો (સર્ગ) –ત્યારે તેના આરંભ માં જ –

આ જગતમાં (લોકમાં) આચરી શકાય તેવા –બે પ્રકારના માર્ગો –મેં બતાવ્યા છે.

(૧) વિચાર કરનારા (તર્ક કરનારા) મનુષ્યો માટે –જ્ઞાનયોગ (સાંખ્યયોગ) અને

(૨) કર્મ કરનારા મનુષ્યો માટે –કર્મયોગ

કર્મ કરવાની -ના –નથી,પણ કર્મ ના ફળ પર અધિકાર રાખવાની- ના -છે,

દરેક મનુષ્ય ને કર્મ તો કરવું જ પડે છે-પણ તેં કર્મ ના  ફળ માંઆસક્ત થવાની-ના- છે.

કર્મ ના ફળ પર એક માત્ર મારો (ઈશ્વરનો ) જ અધિકાર છે-

એટલે આવા ઈશ્વરને અર્પણ કરવાના કર્મમાર્ગ નું વર્ણન કરતાં કરતાં –મેં –પ્રસંગ ને અનુસાર-

જ્ઞાનમાર્ગ ના મહિમા નું  પણ વર્ણન પણ કર્યું.

આ કહેવામાં –મારો જે કારણ હતું તેને તું સમજ્યો જ નથી અને તેથી જ શંકાઓ કરે છે.

જડ શું છે ? અને ચેતન શું છે ? એનો વિચાર કરનારા લોકો- જ્ઞાનયોગ- નું આચરણ કરે છે.

અને જેથી બ્રહ્મ-સ્વ-રૂપ  (આત્મ-સ્વ-રૂપ) ની પ્રતીતિ થઇ –તેમાં તદ્રુપ (એકાકાર) થઇ જાય છે.

બીજા માર્ગ ને કર્મયોગ કહે છે-જેમાં મુમુક્ષુજનો (મોક્ષ-મુક્તિને ઇચ્છનાર મનુષ્યો) નિષ્કામ કર્મ નું

આચરણ કરી ક્રમે ક્રમે –જ્ઞાન પ્રાપ્ત કરી અને મોક્ષ ને પ્રાપ્ત થાય છે.

જે પ્રમાણે-પૂર્વ અને પશ્ચિમ દિશા તરફ વહેતી નદીઓ ભિન્નભિન્ન જણાય છે-પણ

છેવટે તો તે એક જ સમુદ્ર માં મળી જાય છે.

તે પ્રમાણે-આ બંને માર્ગો નું અંતિમ લક્ષ્ય-પરિણામ એક જ હોય છે.

આ બંને માર્ગમાંથી -મનુષ્ય ની પાત્રતા મુજબ- શરૂઆતમાં –પસંદગી કરી શકાય છે.

--જે જ્ઞાનમાર્ગે  ચાલે છે-એવા જ્ઞાનીઓ –જાણે પક્ષીની જેમ -આકાશ માર્ગે –ઉડી ને-

સત્વરે (ઝડપથી) મોક્ષ પ્રાપ્તિ કરી લે છે.

--જયારે જે કર્મમાર્ગે ચાલે છે-તેવા યોગીઓ –જાણે જમીન પર ની કીડી ની ગતિ એ-ધીરે ધીરે-ચાલીને-વર્ણાશ્રમ ધર્મ (બ્રહ્મચર્યાશ્રમ,ગૃહસ્થાશ્રમ,વાનપ્રસ્થાશ્રમ,સંન્યાસાશ્રમ) નું આચરણ કરીને –

ક્રમેક્રમે આગળ વધી –મોક્ષને પ્રાપ્ત કરે છે...........(૩)

(ક્રમશઃ)

🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳

--------------------------------------------------------------------------------------------------------


          શ્રીમદ ભગવદગીતા-૪૮
                    અધ્યાય-૨ -૧૮
                     સાંખ્ય યોગ

            એક બીજા પ્રકારથી પણ સ્થિતપ્રજ્ઞ મનુષ્ય ઓળખી શકાય છે. જેમ સમુદ્ર હંમેશા પરિપૂર્ણ હોય છે અને પોતાની મર્યાદા કદી છોડતો નથી. સમુદ્રમાં ચોમાસામાં બધી નદીઓ નું પાણી ઠલવાય છે-પણ તે વૃદ્ધિ પામતો નથી. ને

          ઉનાળામાં નદીઓના પાણી ખૂટી જાય છે-ત્યારે તે સમુદ્ર ઊણો (ઓછો) થતો નથી અને
સદાય ને માટે પરિપૂર્ણ રહે છે. તેમ સ્થિતપ્રજ્ઞ પુરુષ રિદ્ધિ-સિદ્ધિ પ્રાપ્ત થતાં હર્ષ (ઉલ્લાસ) થી ફુલાઈ જતો નથી. અથવા અને  જો તેને રિદ્ધિ-સિદ્ધિ ન પણ મળે તો તેને  શોક (અસંતુષ્ટ)  પણ થતો નથી. કારણકે તેનું અંતઃકરણ મહાસુખ માં –પરમાત્મ સુખમાં-પરમાનંદ માં ડૂબેલું હોય છે.(મગ્ન હોય છે)

         આશ્ચર્ય તો એ છે-કે-જે સ્થિતપ્રજ્ઞ પુરુષને સ્વર્ગ નાં સુખની પણ અપેક્ષા હોતી નથી-તો પછી તેની આગળ રિદ્ધિ-સિદ્ધિ ની તો શું વિસાત છે ? અને જો રિદ્ધિ- સિદ્ધિ મળે તો પણ સાચો મહાપુરુષ જાણી જોઈ ચમત્કાર કરશે નહિ.

         આ પ્રમાણે હોવાં છતાં –લોકો કહે છે-કે-સ્થિતપ્રજ્ઞ ની પાસે રિદ્ધિ-સિદ્ધિ હોવી જ જોઈએ-
તે આશ્ચર્ય જનક છે.................(૭૦) 
હવે નો જે -૭૧ મો –શ્લોક છે તે મહત્વનો છે.
શાંતિ કોને મળે ?
જે મનુષ્ય-

(૧) કામ-વાસના (પોતાની પાસે જે નથી તે પામવાની ઈચ્છા) નો ત્યાગ કરી,

(૨) નિસ્પૃહ (અનાસક્ત) થઇ,

(૩) દ્વંદ (મારું-તારું,સુખ-દુઃખ,રાગ-દ્વેષ વગેરે ) છોડીને,

(૪) અહંકાર (હું પણું) વગરનો થઈને રહેતો હોય-

તેને શાંતિ પ્રાપ્ત થાય છે..........................(૭૧)

         આ પહેલા અધ્યાય ના અંત માં શ્રીકૃષ્ણ –ઉપસંહાર કરતાં કહે છે-કે- જયારે કોઈ મનુષ્ય –સર્વ સકામ-કર્મ ત્યાગીને- (અથવા નિષ્કામ કર્મ કરીને-અને તે કર્મથી મળતાં ફળને પરમાત્માને અર્પણ કરીને) આત્મ સ્વ-રૂપ (પરમાત્મ સ્વ-રૂપ) માં મગ્ન થાય છે – ત્યારે તે બ્રહ્મ-રૂપ થયેલો કહેવાય છે-
ને આવી સ્થિતિ ને

–બ્રાહ્મી સ્થિતિ-પણ કહેવામાં આવે છે. અને જયારે મનુષ્ય ને આવી બ્રાહ્મી-સ્થિતિ પ્રાપ્ત થાય છે-

--ત્યારે તેને –“મોહ” –થતો નથી.

--અને દેહ (શરીર) ના અવસાન (મૃત્યુ) વખતે થતી વ્યાકુળતા (ભ્રમ-ભ્રાંતિ) તેના ચિત્તમાં આડી આવતી નથી. (વ્યાકુળતા થતી નથી)

--ને મોક્ષ ને (શાંતિને) પ્રાપ્ત થાય છે. (બંધન માંથી છૂટી જાય છે)................(૭૨)

        કૃષ્ણ મહારાજે જે કહેવાનું હતું તે કહી દીધું. પણ વિચારો માં મશગૂલ અર્જુન ના સંશયો દૂર થયા હોય તેવું લાગતું નથી. કારણ કે હવે પછી ના બીજા અધ્યાય માં –અર્જુને પ્રશ્નો પૂછ્યા છે.

       એટલે કે અહીં અર્જુન મનમાં વિચારતો લાગે છે -કે- શ્રીકૃષ્ણ બધાં કામો (કર્મો) કરવાની ના પાડે છે-અને પાછા તે જ મને યુદ્ધ કરવાનો (કર્મ કરવાનો) આગ્રહ પણ કરે છે. તો આ યુદ્ધ કરવાનો તેમનો આગ્રહ ખોટો છે-તેમ સાબિત કરી શકાય તેમ છે.
એટલે જ હવે તે –શ્રીકૃષ્ણ ની વાત માં –શંકા કરી ને –પ્રશ્નો પૂછે છે.

અધ્યાય-૨-સાંખ્યયોગ(જ્ઞાનયોગ)

                 સમાપ્ત

🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿
---------------------------------------------------------------------------------------------------

🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿
         શ્રીમદ ભગવદગીતા-૪૯
        અધ્યાય-૩-
         કર્મયોગ -૧

અર્જુન, શ્રીકૃષ્ણ ને પ્રશ્ન કરે છે-

આપ સર્વે કર્મો (નો નિષેધ કરો છો) કરવાની ના પાડો છો, તો પછી મારા હાથે શા માટે યુદ્ધનું હિંસક કર્મ કેમ કરાવો છો ?

        આપ પોતે જ કર્મમાર્ગ ને આટલું બધું મહત્વ આપી (માન આપી) શા માટે -

           મારા હાથે આવી ભયંકર  હિંસા કરાવો છો ? તેનો આપ પોતે જ –તો-કાંઇક વિચાર કરી જુઓ. ..(૧)

        તમે જાણે કંઈક ગૂંચવણભર્યું –બેવડું બોલી ને મને વધુ ગૂંચવી રહ્યા છો.

તમારો આ ઉપદેશ મને તો –

અંધ મનુષ્ય ને આડા માર્ગ માં ચઢાવી  દેવા જેવો –કે

મર્કટ (માંકડા) ને દારૂ પાવા જેવો-- ફળ્યો હોય તેવો લાગે છે.

એક તો હું મૂળ થી જ અજ્ઞાની અને તેમાં વળી મને મોહ થયો. એના ઉપર તમારી આશ્ચર્ય જેવી લગતી વાત........ મને તો તમારા ઉપદેશ માં ચારે તરફ ગોટાળો જ દેખાય છે.

મારું મન સ્થિર થવાને બદલે –જે થોડું સ્થિર મન હતું તે પણ અસ્થિર થયું છે.

મારા જેવો પામર (મંદબુદ્ધિ) મનુષ્ય –તમારી લીલા સમજી શકે –જાણી શકે તેમ નથી.

આ ઉપદેશ ના બહાને-તમે શું મારો મનોભાવ જાણવા માગો છો કે શું ?

તમે જે ગૂઢ અર્થ (ગૂઢાર્થ) સહિત –બ્રહ્મ-સ્વરૂપ, આત્મ સ્વ-રૂપ –વગેરે જે સમજાવો તે મને ખબર પડતી નથી. મહેરબાની કરી આવા ગૂઢ અર્થ (ગૂઢાર્થ) ની વાતો ન કહેતાં –

એક ગામડિયા ને પણ સમજ પડે તે રીતે –સ્પષ્ટ ભાષા માં મને કહો. કે જેથી મને સમજાય.

હું અતિશય મંદ બુદ્ધિ છું, એટલે જે કોઈ એક નિશ્ચિત વાત હોય તે-જ મને કહો.......(૨)

અર્જૂન ના આવાં વચન સાંભળી –શ્રીકૃષ્ણ ને આશ્ચર્ય થયું –અને બોલી ઉઠયા-કે-

મેં તને જે કહ્યું –તેનો ગર્ભિત અર્થ (ગૂઢાર્થ) છે-મારો કહેવાનો જે આશય છે-તે તારી સમજ માં આવતો નથી અને

ખાલી ખોટું-(નાહકનું.વ્યર્થ)  દુઃખ ઉભું કરે છે.

જો હવે તને સીધી સાદી રીતે કહું કે-

આ જગત નો જયારે પ્રારંભ થયો (સર્ગ) –ત્યારે તેના આરંભ માં જ –

આ જગતમાં (લોકમાં) આચરી શકાય તેવા –બે પ્રકારના માર્ગો –મેં બતાવ્યા છે.

(૧) વિચાર કરનારા (તર્ક કરનારા) મનુષ્યો માટે –જ્ઞાનયોગ (સાંખ્યયોગ) અને

(૨) કર્મ કરનારા મનુષ્યો માટે –કર્મયોગ

કર્મ કરવાની -ના –નથી,પણ કર્મ ના ફળ પર અધિકાર રાખવાની- ના -છે,

દરેક મનુષ્ય ને કર્મ તો કરવું જ પડે છે-પણ તેં કર્મ ના  ફળ માંઆસક્ત થવાની-ના- છે.

કર્મ ના ફળ પર એક માત્ર મારો (ઈશ્વરનો ) જ અધિકાર છે-

એટલે આવા ઈશ્વરને અર્પણ કરવાના કર્મમાર્ગ નું વર્ણન કરતાં કરતાં –મેં –પ્રસંગ ને અનુસાર-

જ્ઞાનમાર્ગ ના મહિમા નું  પણ વર્ણન પણ કર્યું.

આ કહેવામાં –મારો જે કારણ હતું તેને તું સમજ્યો જ નથી અને તેથી જ શંકાઓ કરે છે.

જડ શું છે ? અને ચેતન શું છે ? એનો વિચાર કરનારા લોકો- જ્ઞાનયોગ- નું આચરણ કરે છે.

અને જેથી બ્રહ્મ-સ્વ-રૂપ  (આત્મ-સ્વ-રૂપ) ની પ્રતીતિ થઇ –તેમાં તદ્રુપ (એકાકાર) થઇ જાય છે.

બીજા માર્ગ ને કર્મયોગ કહે છે-જેમાં મુમુક્ષુજનો (મોક્ષ-મુક્તિને ઇચ્છનાર મનુષ્યો) નિષ્કામ કર્મ નું

આચરણ કરી ક્રમે ક્રમે –જ્ઞાન પ્રાપ્ત કરી અને મોક્ષ ને પ્રાપ્ત થાય છે.

જે પ્રમાણે-પૂર્વ અને પશ્ચિમ દિશા તરફ વહેતી નદીઓ ભિન્નભિન્ન જણાય છે-પણ

છેવટે તો તે એક જ સમુદ્ર માં મળી જાય છે.

તે પ્રમાણે-આ બંને માર્ગો નું અંતિમ લક્ષ્ય-પરિણામ એક જ હોય છે.

આ બંને માર્ગમાંથી -મનુષ્ય ની પાત્રતા મુજબ- શરૂઆતમાં –પસંદગી કરી શકાય છે.

--જે જ્ઞાનમાર્ગે  ચાલે છે-એવા જ્ઞાનીઓ –જાણે પક્ષીની જેમ -આકાશ માર્ગે –ઉડી ને-

સત્વરે (ઝડપથી) મોક્ષ પ્રાપ્તિ કરી લે છે.

--જયારે જે કર્મમાર્ગે ચાલે છે-તેવા યોગીઓ –જાણે જમીન પર ની કીડી ની ગતિ એ-ધીરે ધીરે-ચાલીને-વર્ણાશ્રમ ધર્મ (બ્રહ્મચર્યાશ્રમ,ગૃહસ્થાશ્રમ,વાનપ્રસ્થાશ્રમ,સંન્યાસાશ્રમ) નું આચરણ કરીને –

ક્રમેક્રમે આગળ વધી –મોક્ષને પ્રાપ્ત કરે છે...........(૩)

(ક્રમશઃ)

🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳

----------------------------------------------------------------------------------------------------------------------------------------


        શ્રીમદ ભગવદગીતા-૫૦
              અધ્યાય-૩-
               કર્મયોગ -૨

જ્ઞાનીઓ કહે છે કે-બ્રહ્મ સત્ય ,જગત મિથ્યા. અને જગત છોડી ને-કે જગતનાં કર્મો છોડીને –તે  કેવળ બ્રહ્મ ની પાછળ પડી જાય છે. આ જ્ઞાનીઓ એ   ઇચ્છાઓ-વાસનાઓ નો ત્યાગ (કે ક્ષય) કર્યો હોય છે. અને આત્મસંતોષી થઇ જાય છે. એટલે જગતની ખટપટ આપોઆપ બંધ થઇ જાય છે. પણ આપણા જેવા સામાન્ય મનુષ્યોમાં  –જિંદગીની શરૂઆત થી જ ઈચ્છાઓ –વાસનાઓ હોય છે.

       મન માં જ્યાં સુધી ઈચ્છાઓ અને વાસનાઓ છે-ત્યાં સુધી –
જો મનુષ્ય,દિન- પ્રતિદિન પોતાની સામે આવતા –કર્મો ને –ના-કરીને  (કર્મો નો ત્યાગ કરીને )- જો નિષ્કર્મ (કર્મ કર્યા વગરના-કર્મશૂન્યતા) થવાની ઈચ્છા-કરે તો –તે - કોઈ જ સંજોગોમાં –ઉપર બતાવેલા જ્ઞાનીઓ ના જેવો બની શકતો નથી.

         જગતનાં જે દિન-પ્રતિદિન કર્મો કરવાનાં હોય –તેનો ત્યાગ કરીને મનુષ્ય કૃતાર્થ થઇ શકે તેમ કહેવું તે મૂર્ખતા છે.

        જેમ નદી પૂર્ણ ભરેલી હોય-અને જો સામે કિનારે જવું હોય –સામે કિનારે જવાની ઈચ્છા હોય તો- તો –નાવ વગર કેવી રીતે જઈ શકાય ? કે પછી જો નાવ ન હોય તો તર્યા વગર –સામે કિનારે કેવી રીતે જઈ શકાય ? તરવાનું કે નાવ માં બેસવાનું કર્મ તો કરવું જ પડે છે. કારણ કે સામા કિનારે જવું છે.

       જેમ ભૂખ લાગી હોય –ખાવાની ઈચ્છા હોય –તો-રસોઈ બનાવવાનું કર્મ તો કરવું જ પડે છે.
કે પછી જો રસોઈ તૈયાર હોય તો-મોઢું ચલાવી –ખાવાનું કર્મ કરવું પડે જ છે.

      જેને પરમાત્મા ની પ્રાપ્તિ ની ઈચ્છા છે-તેવા દરેક (બધા) મનુષ્યો માટે- કર્મો નું આચરણ ત્યાજ્ય (ત્યાગ વું જ પડે) કરવું જ પડે તેવું નથી. અને આપણી ઈચ્છા પ્રમાણે કર્મો નો ત્યાગ કરવાથી “કર્મ નો ત્યાગ” થયેલો કહેવાતો  નથી. ....(૪)

       કારણકે કોઈ પણ પ્રાણી,કર્મ કર્યા સિવાય ,એક પળ પણ રહી શકતો નથી.

પ્રકૃતિ (સત્વ-રજસ-તમ) (માયા) ના ગુણો ના આધારે આ સર્વ સંસાર રચાયેલો છે.................(૫)

      આપણે ગાડીમાં બેઠા હોઈએ –ત્યારે ભલે ગાડીમાં આપણે શાંત બેઠા હોઈએ ,પણ આપણે ગાડીની સાથે સાથે ગતિ કરીએ જ છીએ- કારણકે આપણે ગાડી ને આધીન છીએ.

      ઝાડનું સુકું પાન નિર્જીવ-નિષ્ક્રિય હોવા છતાં, પવન ના વેગ થી આકાશમાં ભ્રમણ કરે છે.
કારણકે તે પવન ને આધીન છે.
ઇન્દ્રિયો (કાન,આંખ,જીભ,વગેરે) પોતાના જે ધર્મો અને કર્મો છે,તે ત્યજી શકતી નથી.

       મન કદી સંકલ્પ-વિકલ્પ કરવાનું કર્મ ત્યજી શકતું નથી. જન્મ-મરણ બંધ થઇ શકતા નથી.
કારણ આ બધાં પ્રકૃતિ (માયા) ને આધીન છે.

         નિષ્કર્મ (કર્મ વગરની) સ્થિતિએ પહોંચેલો પુરુષ પણ નિત્ય રીતે શારીરિક કર્મો તો કરે જ છે. માટે જ્યાં સુધી –પ્રકૃતિનો સંસર્ગ (Touch) છે-ત્યાં સુધી કર્મો નો ત્યાગ કદી થઇ શકવાનો નથી. આમ છતાં જે કર્મત્યાગ ની વાત કરે છે-તે કેવળ ખોટો દુરાગ્રહ જ છે.

કર્મેન્દ્રિય  (જીભ,હાથ,પગ,જનનેન્દ્રિય,ગુદા) નો નિગ્રહ કરીને જ જે મનુષ્ય –
કર્મ થી મુક્ત થવાની ઈચ્છા રાખે છે- ---તેનાથી કર્મો ત્યજી શકાતાં નથી. કારણકે તે ભલે ઇન્દ્રિયો નો નિગ્રહ (Control) કરે પણ-તેના મનમાં –કર્મ કરવાનો સ્વભાવ તો બાકી રહે છે. તેની ઇન્દ્રિયો (જીભ વગેરે) તેના વિષયોનું (ખાવાનું વગેરે) ચિંતન છોડતી નથી.
એટલે કે –મન માં રહેલી સૂક્ષ્મ વાસના જતી નથી.

    આમ છતાં જો તે મનુષ્ય એમ કહે કે –મેં કર્મ ને ત્યાગી દીધા છે-તો તે મનુષ્ય દંભી છે.......(૬)

      શ્રીકૃષ્ણ કહે છે-હવે પ્રસંગ ને અનુસાર હું તને  ઈચ્છા વગરનો સાચો મનુષ્ય કેવો હોય છે,
તેના લક્ષણો કહું છું

🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿




----------------------------------------------------------------------

  શ્રીમદ ભગવદગીતા-૫૧-
                અધ્યાય-૩-
                 કર્મયોગ -૩

         જેમ કમળ નું પાન રાત-દિવસ પાણીમાં રહે છે, પણ પાણી થી ભીંજાતું નથી. તે જ રીતે સંસારમાં રહીને પણ સંસારથી અલિપ્ત રહેતો મનુષ્ય, બીજા મનુષ્યો ના જેવો જ ભાસે છે.

          ભલે બહારથી તે લોકાચાર પ્રમાણે વર્તે - પણ તેનું અંતર નિશ્ચળ અને પરમાત્મ-પરાયણ હોય છે. જો પાણી ની અંદર સૂર્ય નું પ્રતિબિંબ પડતું હોય તો –પાણી ના સંગ થી સૂર્ય પાણી માં હોય તેમ લાગે છે. પણ સાચી રીતે સૂર્ય પાણી માં નથી.

        આજ પ્રમાણે ઉપરથી જોતાં તે મનુષ્ય સાધારણ લાગે છે-પરંતુ તેની “આત્મસ્થિતિ” ઓળખી શકાતી નથી.

જે શ્રેષ્ઠ પુરુષ (ઈચ્છા વગરનો મુક્ત પુરુષ)   છે-તે – --અંદરથી નિશ્ચળ અને પરમાત્મ-પરાયણ રહે છે. પણ બહારથી તે સામાન્ય માણસ જેવું જ વર્તન રાખે છે.

--ઈન્દ્રિયોને (જીભ -વગેરેને) આજ્ઞા કરતો નથી, કે વિષયો નો (સ્વાદ-વગેરેનો) ભય રાખતો નથી.

   અને જે જે પ્રસંગે જે જે કર્મો સામે આવે (ઉપસ્થિત થાય) તેનો ત્યાગ કરતો નથી.

--એટલે કે ઇન્દ્રિયો (જીભ-વગેરે) ને કર્મ કરતાં રોકતો નથી, અને તેના વિકારો ને વશ પણ થતો નથી.

--વાસના થી વ્યાકુળ થતો નથી, જેથી તેના મન ને “મોહ” ની બાધા અસર કરી શકતી નથી.

--કમળના પાન ની જેમ તે સંસારમાં અલિપ્ત-અનાસક્ત- નિસ્પૃહ રહે છે.આવો મનુષ્ય જ યોગી છે,અને તે જ જગતમાં સ્તુતિપાત્ર છે.

         માટે હે,અર્જુન, તું પણ એવો જ થા,તારા મન નું નિયમન કર,અને અંતર માં સ્થિર થા,(પછી) ભલેને ઇન્દ્રિયો તેમના પોતાના વ્યાપારો કરતી રહે. ...................(૭)

     આ સંસારમાં આમ જો કર્મ કર્યા વગરના થઈને રહેવું તે જો અસંભવિત જ હોય તો-અને
શરીરના નિર્વાહ માટે પણ જો કર્મ કરવાં જ પડતાં હોય તો. પછી, શાસ્ત્ર વિરુદ્ધ શા માટે વર્તવું ?
માટે જે કર્મો યોગ્ય હોય અને સમય ને અનુસાર પ્રાપ્ત થયાં હોય,તે તે કર્મ તું, નિષ્કામબુદ્ધિ થી કર.
       મનુષ્યે પોતાના અધિકાર પ્રમાણે સ્વધર્મ-આચરણ કરવાં જોઈએ.........(૮)

(૧) --“હું –કર્મ કરું છું” એવું કર્તાપણા ના અભિમાન થી કર્મ કરવામાં આવે -

(૨) --આ કરેલા કર્મ નું ફળ જો ઈશ્વરને અર્પણ કરવાનો ભાવ (બુદ્ધિ) ન રાખવામાં આવે -

(૩) --ફળ ઉપર પોતાનો જ અધિકાર છે-તેવો ભાવ (બુદ્ધિ) રાખવામાં આવે -

(૪) --“મને ફળ મળવું જ જોઈએ “ એવી ઈચ્છાવાળી બુદ્ધિ  થી કર્મ કરવામાં આવે-

(૫) --અને જયારે સ્વ-ધર્મ (પોતાનો ધર્મ) નો ત્યાગ કરીને –દુષ્કર્મો (ખરાબ કર્મો) કરવામાં આવે-

       ત્યારે તે કર્મો બંધનરૂપ થાય છે.

           પોતાના ધર્મ (સ્વ-ધર્મ) પ્રમાણે નિત્ય આચરણ કરવું –તે નિત્ય યજ્ઞ ના સમાન છે. બ્રહ્માજી એ જયારે સૃષ્ટિ નિર્માણ કરી, તે વખતે- તેમણે સર્વ જીવો અને તેમને આચરવાના ધર્મો –એ સાથો સાથ જ ઉત્પન્ન કર્યા. પરંતુ આ ધર્મો સમજવામાં અઘરા હોવાં થી મનુષ્યો તેને સમજી શક્યા નહિ. આથી તેમણે બ્રહ્માજી ને પ્રાર્થના કરી કે- હે,દેવ,અમારે સંસાર માંથી તરવાનો ઉપાય શો ?
ત્યારે બ્રહ્માજી એ કહ્યું કે-તમે સ્વ-ધર્મ રૂપી યજ્ઞ થી ધર્માચરણ કરો. એટલે એ સ્વ-ધર્મ રૂપી યજ્ઞ તમારાં સર્વ મનોરથો પૂર્ણ કરશે..................(૯-૧૦)

       આ સ્વ-ધર્મ ના આચરણથી સર્વ દેવતા સંતુષ્ટ થશે અને તેઓ તમને ઈચ્છિત ફળ આપશે.
અને આ પ્રમાણે સ્વધર્માચરણ  રૂપી પૂજાથી તમે સર્વ દેવ ગણ નું પૂજન કરશો –એટલે- તેઓ પ્રસન્ન થઇ -તમને અપ્રાપ્ય વસ્તુની પ્રાપ્તિ કરી આપશે. અને પ્રાપ્ય વસ્તુ નું સંરક્ષણ પણ તેઓ પોતે જ કરશે.

       દેવતાઓએ આપેલા ભોગો –તેમને-જ પાછા અર્પણ કરી, આ સ્વ-ધર્મ રૂપી યજ્ઞનો બાકી રહેલો
પ્રસાદ –જેઓ ગ્રહણ કરે છે-તે શ્રેષ્ઠ પુરુષો,સર્વ પાપો માંથી મુક્ત થાય છે.
      જેમ માછલાંને પાણી ની બહાર કાઢતાંની સાથે જ તેમણે મૃત્યુ ની પ્રાપ્તિ થાય છે- તેવી જ રીતે સ્વ-ધર્મ છોડવાથી મનુષ્ય ની  સ્થિતિ પણ તેવી જ થાય છે.
માટે બ્રહ્માજી કહે છે-કે “તમારે સર્વે એ પોતપોતાના ધર્મ પ્રમાણેનાં કર્મો કરવા સદા તૈયાર રહેવું જોઈએ”



------------------------------------------------------------------------------


         શ્રીમદ ભગવદગીતા-૫૨-
                અધ્યાય-૩-
                 કર્મયોગ -૪

           પ્રાણીમાત્ર ઉત્પત્તિ અને પોષણ અન્ન માંથી થાય છે, અન્ન ની ઉત્પત્તિ અને પોષણ વરસાદથી થાય છે. વરસાદની ઉત્પત્તિ યજ્ઞથી થાય છે, યજ્ઞ ની ઉત્પત્તિ કર્મ માંથી થાય છે. કર્મ ની ઉત્પત્તિ વેદ માંથી (વેદ રૂપી બ્રહ્મ માંથી) થાય છે.
અને વેદ ની ઉત્પત્તિ પરમાત્મા માંથી થાય છે. એટલે કે વેદો માં જે સ્વ-ધર્મ રૂપી “કર્મ” બતાવ્યું છે, તે “કર્મ” માં પરમાત્મા નો વાસ છે...(૧૪-૧૫)

      ઉપર બતાવ્યું –તે પ્રમાણે જગતનું (સૃષ્ટિ)  એક “ચક્ર” ચાલ્યે જાય છે.

       જયારે પરમાત્મા એ જગતનું નિર્માણ કર્યું – ત્યારે પ્રાણીમાત્ર-સ્વછંદે-ચઢી ના જાય અને જગતનું નિયમન સારી રીતે જળવાઈ રહે, તે માટે કાયદાઓ -દરેક પ્રાણીઓના જુદા જુદા સ્વ-ધર્મો –વેદમાં બતાવ્યા.

        જેવી રીતે મનુષ્ય ,વાહનો ને ચાલવા માટે સડક (રોડ) બનાવે છે,તો જોડે માણસો ને ચાલવા માટે નાની સડક (ફૂટપાથ) બનાવે છે. અને પછી કાયદો –નિયમ બનાવે છે-કે-જેને ચાલવું હોય તેને માત્ર ફૂટપાથ પર જ ચાલવું. જો ચાલતો માણસ ફૂટપાથ પર ચાલવાને બદલે સડક પર આવી જાય તો – ગમે તે વાહન તેણે હડફેટે લઇ લેશે.

    મનુષ્ય ને જયારે જીવન મળ્યું છે-શરીર મળ્યું છે-ત્યારે- શરીર ની સાથે જ “કર્તવ્ય કર્મ”  પ્રાપ્ત થઇ ને જ આવ્યા છે.

         જુદી જુદી પ્રકૃતિ ના મનુષ્યો માટે જુદા જુદા ધર્મો (નિયમો-કાયદાઓ) –કે જે પ્રભુ એ બનાવ્યા છે, તેનું આચરણ –કરી ને મનુષ્ય,સુખ-શાંતિ-આનંદ પામી શકે છે. પણ જો મનુષ્ય –સ્વ-ધર્મ રૂપી કર્મો ને છોડી ને માત્ર ઇન્દ્રિયો (જીભ-વગેરે) ના વિષયો (સ્વાદ-વગેરે) ને તૃપ્ત કરવામાં જ જીવન ગાળે છે, તેનું જીવન વ્યર્થ (નકામું) છે.............(૧૬)

અહીં વાત છે-કર્તવ્ય કર્મો ની.

       શરીર મળ્યું છે-તો શરીર નું પોષણ કરવા માટે –ભોજન ની તો જરૂર પડે જ છે.અને શરીર ને ભોજન આપવું તે-કર્તવ્ય કર્મ છે.

       નાનાં બાળકે ભણવા માટે સ્કુલ માં જવું જ પડે.બાળક નું ભણવા જવાનું-તે કર્તવ્ય-કર્મ છે.
પેટના પોષણ માટે કમાવા જવું.-તે કર્તવ્ય કર્મ છે........વગેરે વગેરે....

       શરીરના પોષણ માટે તેણે ભોજન આપવું જોઈએ,તેનો વાંધો નથી, પણ જયારે મનુષ્ય, લૂલી (જીભ-ઇન્દ્રિય) ના રવાડે ચડી અને માત્ર ભોજન માં (શ્રીખંડ-ભજીયાં) માં જ મસ્ત રહે (એવું જ રીતે બીજી ઇન્દ્રિયો નું વિચારવાનું) તો પછી તે – વિષયો (ભોજન-વગેરે) માં આશક્ત (અવિવેકી) થઇ જાય છે.અને –પછી- પ્રભુ એ જે જીવન આપ્યું છે-તે જીવન નો ઉદ્દેશ ભૂલી જાય છે. પછી તેને સુખ-શાંતિ-આનંદ-પરમાનંદ ની પ્રાપ્તિ થવી દુર્લભ છે.

      કવિ પિંગળે કહ્યું છે-

વિચાર્યું, ના- લઘુ વયમાં, પછી કાશી ગયા થી શું ?   (લઘુ વયમાં=નાની ઉમરમાં, કાશી=વિદ્યા માટે)

મળી દુનિયામાં બદનામી –
પછી નાસી ગયાથી શું ?

સુકાણાં મોલ સૃષ્ટિ નાં પછી –વૃષ્ટિ થયા થી શું ?   (મોલ=ખેતર નો પાક--વૃષ્ટિ=વરસાદ)

ના ખાધું કે ખવડાવ્યું-દુઃખી થઇ ને રળ્યા થી શું ?

કવિ પિંગળ કહે પૈસો મૂવા વખતે મળ્યા થી શું ?

પ્રભુ એ આપેલા જીવન નો ઉદ્દેશ (મનુષ્ય જન્મ) આત્મ સ્વ-રૂપ ની પહેચાન કરવા નો-કે- પ્રભુ ને પ્રાપ્ત કરવા માટે છે. પ્રભુ એ કૃપા કરી માત્ર માનવ ને જ એક એવી શક્તિ (બુદ્ધિ) આપી છે કે –
જો માનવ આ બુદ્ધિ નો સદુપયોગ કરી,વિવેક થી (સંયમ થી),

નિષ્કામ બુદ્ધિ થી સ્વ-ધર્મ નું આચરણ કરી,પવિત્ર જીવન ગાળે તો –

મરતાં પહેલા તેને જરૂર પરમાત્મા ના દર્શન થાય.

આત્મ સ્વરૂપ ની સાચી ઓળખાણ થાય .

🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳
🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿


-------------------------------------------------------------------------------


 🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿
         શ્રીમદ ભગવદગીતા-૫૩-
                 અધ્યાય-૩-
                  કર્મયોગ -૫

        જયારે પુરુષ આત્મતત્વ ને ખોળી કાઢે છે. ત્યારે તે આત્મ સ્વ-રૂપમાં નિમગ્ન (એકાકાર) થઇ જાય છે.આત્મ-સુખ થી તૃપ્ત થઈ જાય છે.

         પરમાનંદ ની એ મસ્તીમાં તે આત્માના જ બોધ વડે સંતુષ્ટ થઇ જાય છે-ત્યારે તેના માટે કોઈ કર્મો બાકી રહેતા નથી.પરમાત્માની ખોજ ખતમ થાય છે.
તેમ છતાં - તે શારીરિક કર્મો કરે છે- પણ કર્મ થી લિપ્ત  (કર્મો જોડે જોડાતો) થતો નથી.(આસક્ત થતો નથી)

        આ જગતમાં તે કર્મ કરે કે ના કરે –તેને કોઈ લાભ કે હાનિ થતી નથી. તેને કોઈ સ્વાર્થ સિદ્ધ કરવાનો હોતો નથી.કોઈ વસ્તુ મળે તો પણ આનંદ અને ન મળે તો પણ આનંદ.(૧૭-૧૮) આવા મહાત્માઓ મળવા મુશ્કેલ હોય છે. અને  આત્મતત્વ પ્રાપ્ત કરવું તે પણ સહેલું તો નથી જ. અને સહેલું છે પણ ખરું.

         ફળ ઉપર અધિકાર રાખ્યા સિવાય ,કે ફળની ઈચ્છા કર્યા સિવાય,(નિષ્કામ થઈને) પોતાના સ્વ-ધર્મ નું નિષ્કામ બુદ્ધિ થી પાલન કરીને, અનાસક્ત થઈને,
સતત આત્મ દૃષ્ટિ રાખી ને,  આત્મતત્વ પામી શકાય છે (મુક્તિ પામી શકાય છે)..(૧૯)

        રાજા જનક વિદેહી (દેહમાં-શરીરમાં –હોવાં છતાં દેહથી અલગ-મુક્ત) કહેવાતા હતા.
જનકરાજા એ રાજ્ય-કર્મ ,સંસાર-કર્મ-વગેરે કોઈ પણ કર્મ નો લેશ માત્ર ત્યાગ કર્યો નહોતો. તેમ છતાં, તે મહાન જ્ઞાની,જનકરાજા,સ્વ-ધર્મ રૂપી કર્મો કરતાં કરતાં જ વિદેહી –મુક્ત થયા હતા........(૨૦)

        જનકરાજા ની વાત એવી છે-કે –એક વખત તેમને કોઈએ પ્રશ્ન કર્યો કે- તમે આ રાજ્ય ની ખટ-પટ, આવા મોટા મહેલ,મહેલ નું ઐશ્વર્ય,રાણીઓ,દાસીઓ-આ બધા વચ્ચે રહેવા છતાં.

       વિદેહી (દેહ થી અલગ) અવસ્થામાં  કેવી રીતે રહી શકો છો ? ત્યારે જનક રાજા એ જવાબ ના આપતાં એક સૈનિક ને બોલાવ્યો. તેના હાથ માં તેલથી છેક કાંઠા સુધી ભરેલ કોડીઆમાં દીવો આપ્યો અને કહ્યું કે- તું આખા રાજ્ય નું ચક્કર મારીને અહીં પાછો આવ. પણ આ દીવામાંથી એક ટીપું પણ તેલ નીચે પડવું ન જોઈએ અને દીવો બુઝાવો ના જોઈએ.

         જો આમ થયું તો તારી સાથે બીજો સૈનિક મોકલું છું તે તારું માથું ત્યાં ના ત્યાં કાપી નાખશે.   સૈનિક રાજ્ય નું ચક્કર મારી ને પરત આવ્યો. રાજાએ તેને પૂછ્યું-કે- નગરશેઠ ની દુકાને નગરશેઠ બેઠા હતા કે નહોતા બેઠા ? સૈનિકે જવાબ આપ્યો કે- રાજાજી મને માફ કરજો ,પણ મારું ધ્યાન,મોતની બીકે સતત દીવા તરફ જ હતું. જનકરાજાએ હવે તેમની વિદેહી અવસ્થા નું રહસ્ય આ ઉદાહરણ થી સમજાવતા કહ્યું કે- હું સંસાર ના કર્મો કરું છું, પણ મારી દૃષ્ટિ-ધ્યાન હું સતત અંદર (આત્મતત્વ તરફ) રાખું છું.

        આ સંસાર માં શ્રેષ્ઠ પુરુષો જે  આચરણ કરે છે (જે કર્મો કરે છે) . તેને જ બીજા લોકો ધર્મ સમજી ને (કે પછી દેખા દેખી થી) તે જ પ્રમાણે આચરણ (કર્મો) કરે છે.આ વાત બહુ સહજ છે, જેથી, શ્રેષ્ઠ પુરુષો થી કર્મ નો ત્યાગ કરી શકતો નથી. વળી સંતો એ તો  વિશેષતા થી કર્મ નું આચરણ કરવું પડે છે................(૨૧)

આંધળા ની હાર ને દોરનારો, સહુથી આગળ નો દેખતો માણસ, જ્યાં ચાલે છે-ત્યાં જ પાછળ ના બધા આંધળાઓ ની હાર ચાલે છે.તે પ્રમાણે જ્ઞાનીઓએ પોતે સ્વ-ધર્માચરણ રૂપી કર્મો કરી,અજ્ઞાનીઓ ને સ્વ-ધર્મ રૂપી કર્મનો માર્ગ બતાવવો પડે છે.  

    શ્રીકૃષ્ણ કહે છે,હે અર્જુન,બીજા ની વાત છોડ, હું મારી પોતાની જ વાત કરું. નથી,મારા પોતાના ઉપર કોઈ દુઃખ આવી પડ્યું, નથી આ દુનિયામાં મને કોઈ અપેક્ષા (ઈચ્છા), નથી મારે કંઈ કરવાનું,કે  નથી મને કોઈ મારી પાસે ન હોય તેવી વસ્તુ ની પ્રાપ્ત કરવાની ઈચ્છા,  છતાં હું પોતે કર્મ-માર્ગ પર ચાલ્યા કરું છું.(કર્મ કર્યા કરું છું)

       તને કદાચ એવું થતું હોય કે શંકા હોય કે મારા માથે કોઈ દુઃખ આવી પડ્યું છે કે મને કોઈ અપેક્ષા છે- જેના લીધે હું કર્મો કરું છું તો તે વાત ખોટી છે.
       તને ખબર જ છે-કે-મારા જેટલા ગુણ અને ઐશ્વર્ય થી સંપન્ન ,આ જગતમાં બીજો કોઈ નથી. સાંદીપનિ ગુરુના મરેલા પુત્ર ને હું પાછો લઇ આવેલો-એ પરાક્રમ તો તું જાણે જ છે. મરેલા ને પાછો લાવવાની એ કંઈ મારી ઈચ્છા નહોતી, પણ ગુરુની ઈચ્છા હતી.
       હું પોતે તો હંમેશા ઈચ્છા વગરનો છું, તેમ છતાં મૂંગે મોઢે કર્મ કર્યે જ જાઉં છું....................(૨૨)

      સાંદીપનિ ઋષિ ના ત્યાં શ્રીકૃષ્ણ વિદ્યાભ્યાસ કરવા માટે. ગયા હતા. તેમની કથા એવી છે કે.....

🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿

----------------------------------------------------------------------------------------------

🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿
        શ્રીમદ ભગવદગીતા-૫૪-
                અધ્યાય-૩-
                 કર્મયોગ -૬

           શ્રીકૃષ્ણ જનોઈ ના સંસ્કાર પછી, વિદ્યાભ્યાસ માટે સાંદીપનિ નામના બ્રાહ્મણ ને ત્યાં  રહ્યા હતા. વિદ્યાભ્યાસ પત્યા પછી, ગુરુદક્ષિણા માગી લેવાની ગુરુને પ્રાર્થના કરી ત્યારે –ગુરુએ માગ્યું કે-
        “પ્રભાસ ક્ષેત્ર માં ડૂબી ગયેલા મારા પુત્ર ને પાછો લાવી આપો.”
તે પછી, શ્રીકૃષ્ણ પ્રભાસ ગયા અને ત્યાં સમુદ્ર પાસે –ગુરુપુત્ર ની માગણી કરી.

          સમુદ્રે કહ્યું-કે મેં તેને ડુબાડ્યો નથી  પણ મારા પાણી માં શંખનું સ્વરૂપ લઇ રહેતા અસુર થી તે હણાયો છે.

         શ્રીકૃષ્ણે સમુદ્રમાં પ્રવેશ કરી અને અસુરનો વધ કરી તેના પેટ ને ચીરીને જોયું પણ ત્યાં ગુરુપુત્ર દેખાણો નહિ. પણ તે અસુર ના દેહ માંથી સિદ્ધ કરેલો પાંચજન્ય શંખ લઇ ને સમુદ્ર ની બહાર આવી અને  તે ગુરુપુત્ર ને ખોળતા-યમપૂરી પહોંચ્યા.યમરાજાએ તેમનું સ્વાગત કર્યું.
અને તેમની આજ્ઞા પૂછી.

           શ્રીકૃષ્ણ કહે છે-કે-તારા દૂતો       સાંદીપનિ ગુરુના પુત્ર ને અહીં લાવ્યા છે-તે મને સ્વાધીન કર.(મને આપ) તેને અહીં લાવવામાં તારી-કે તારા દૂતો ની કોઈ ભૂલ થઇ નથી, તે તેના કર્મો અનુસાર જ અહીં આવેલો છે. પણ અત્યારે તું મારી આજ્ઞા થી તેને મુક્ત કર, તને કોઈ દોષ લાગશે નહિ.

       યમે તરત જ ગુરુપુત્ર ને આપ્યો,જે લઇ ને શ્રીકૃષ્ણે,પોતાના ગુરુ ને તેમની ગુરુદક્ષિણા આપી.

શ્રીકૃષ્ણ,અર્જુન ને કહે છે-કે- લોક કલ્યાણ ના ઉદ્દેશ થી જ હું સ્વધર્માચરણ નું પાલન એવી રીતે કરું છું કે- જાણે

–સકામી મનુષ્ય કર્મ ન કરતો હોય !!! પણ -જો હું આળસ ને ત્યાગી ને –કર્મ નું આચરણ ન કરું તો-

સર્વ લોકો મારા માર્ગ ને અનુસરી ને ચાલવા માંડશે, અને તેઓ પણ કર્મ કરશે નહિ........(૨૩)

અને જો કર્મો ન થાય તો સૃષ્ટિ ની જીવન નિર્વાહ ની વ્યવસ્થા વિખરાઈ જાય અને સર્વ પ્રજા નાશ પામે,

જેનો આરોપ મારા પર આવે,અને પ્રજા નો વિનાશક હું જ કહેવાઉં.................................(૨૪)

           ફળ ની ઈચ્છા રાખનારા મનુષ્યો જેવી રીતે કર્મ નું આચરણ કરે છે-તેવી જ રીતે- જ્ઞાની-અને વિદ્વાન લોકોએ –લોકો ના કલ્યાણ માટે ફળની ઈચ્છા રાખ્યા વગર કર્મો કરવાં જોઈએ. શ્રેષ્ઠ લોકોએ,સન્માર્ગે ચાલી, ધર્માચરણ માં લોકો ની પ્રવૃત્તિ કરાવવી જોઈએ................( ૨૫)

          નાનું બાળક કે જે  સ્તનપાન પણ મહાપ્રયત્ને કરી શકતું હોય,તે પકવાન કે મિષ્ટાન્ન કેવી રીતે ખાઈ શકે ? અને તેને પકવાન કે મિષ્ટાન્ન આપી પણ શકાય નહિ. તે જ પ્રમાણે-

કર્માંચરણ (કર્મ નું આચરણ) કરવા માટેના જ જે અધિકારી છે-અથવા તો – થોડું કર્માંચરણ કર્યું છે- પણ હજુ જેનું ચિત્ત શુદ્ધ થયું નથી, તેવા મનુષ્ય ને

– નૈષ્કર્મ્ય (સંન્યાસ કર્મ) –જ્ઞાન નિષ્ઠા નો બોધ ગમ્મત માં પણ કરવો નહિ. પણ –

--તેને તો સત્કર્મ કરવાનો જ બોધ કરવો.

--તેની આગળ સત્કર્મો ની પ્રશંસા કરવી.

--અને તેવા સત્કર્મ કરી પણ બતાવવા.

વર્ણાશ્રમ (બ્રાહ્મણ,વૈશ્ય,ક્ષત્રિય,શુદ્ર) ધર્મ ના રક્ષણ માટે જ્ઞાનીઓએ કરેલા આવા બહાર થી સકામી લાગતા-
કર્મ નું આચરણ કરનાર ને કર્મબંધન  ભોગવવું પડતું નથી.
જેવી રીતે બહુરૂપી કે નાટક નો કલાકાર રાજા નો વેશ લે છે- પણ તેના મન માં રાજા હોવા ની ભાવના મુદ્દલેય  ય નથી હોતી, પરંતુ, લોકો ના મન ને બહેલાવવા તે રાજાની જેમ વર્તે છે-તેમ-

        સામાન્ય માનવી ને કર્મ કરવા માં અભિરુચિ ઉત્પન્ન કરવા –માટે કરવા માં આવતાં કર્મ –પણ જો

નિષ્કામ બુદ્ધિ થી કરવામાં આવે તો-તે કર્મો-બાધક થતાં નથી..................................(૨૬)
        જો કોઈ મનુષ્ય –કોઈ ગરીબ રોગી ની દવા કરાવડાવે. ભૂખ્યા ને ખવડાવે,કે પછી કોઈ ગરીબ વિદ્યાર્થી ને પુસ્તકો લાવી આપે –તો તે સારું છે. તે સત્કર્મ છે.પણ આ જ મનુષ્ય જયારે મન માં એમ સમજે કે- “આ સર્વ કર્મ હું કરું છું”આવું જે સમજે છે-તેની સમજ સાચી નથી. તેમ છતાં –તે સત્કર્મ તો કરે જ છે ને ?

       આવા દેહાભિમાની મનુષ્ય ને –સાચી પરમાર્થ તત્વ ની સમજ પડવાની નથી. (સાચું પરમાર્થ તત્વ=હું શરીર નથી-હું આત્મા છું)
એટલે શ્રી કૃષ્ણ કહે છે-આવા અજ્ઞાની,કર્મ માં અને કર્મ ના ફળો માં આશક્ત ,મંદ બુદ્ધિવાળા, મનુષ્યો ના મન માં જ્ઞાની મનુષ્યે –પરમાર્થ તત્વ નું ભાષણ આપીને –સંશય ઉભા કરવા નહિ, પણ તેમને સત્કર્મો કરવા દેવા,(કમસે કમ તેનાથી જગતમાં થોડું ભલું કર્મ તો થાય છે) (૨૯)

🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳

------------------------------------------------------------------------------------



🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿
           શ્રીમદ ભગવદગીતા-૫૫-
                   અધ્યાય-૩-
                    કર્મયોગ -૭

            કોઈ પણ પ્રકાર ના કર્મો હોય-પણ તે બધાં જ કર્મો, પ્રકૃતિ ના ગુણો ને આધારે થાય છે (પ્રકૃતિના ગુણો=સાત્વિક,રાજસિક,તામસિક)

(૧)-અજ્ઞાની- મૂર્ખ-દેહાભિમાની મનુષ્યો, આ પ્રકૃતિ ને આધીન થઇ અને વર્તે છે (કર્મો કરે છે)-અને પ્રકૃતિના ગુણો ના ફંદા માં ફસાઈ જાય છે.  ખરેખર તો ઇન્દ્રિયો  (જ્ઞાનેન્દ્રિયો,કર્મેન્દ્રિયો) જ –આ પ્રકૃતિ ના ગુણો ને આધીન થઈ-
વર્તતી હોય છે-તેમ છતાં     એ અજ્ઞાની મનુષ્ય અહંકાર થી એમ જ માને છે-કે-“સર્વ કર્મો હું જ કરું છું” -અને બંધન માં પડે છે.

(૨)-જયારે જ્ઞાની મનુષ્ય –પ્રકૃતિ ના ગુણો ને આધીન થતો નથી,અહંતા (શરીર નું અભિમાન) મમતા (આસક્તિ) નો ભાવ તેનામાં આવતો નથી, અને પ્રકૃતિ ના આ ગુણો થી પર થઇ –શરીર માં ફક્ત સાક્ષી-ભાવ થી જ વર્તે છે...........(૨૭-૨૮-૨૯)

       સમજવામાં સહેજ અઘરી લાગતી આ વાત-ઉદાહરણ થી સમજવાનો પ્રયત્ન કરીએ.

        ઉનાળા ની ભયંકર ગરમી માં બપોર ના સમયે કોઈ તવંગર –પૈસાદાર શેઠ ના ઘર આગળ –ભૂખ અને તરસ થી વ્યાકુળ ભિખારી આવે અને શેઠ તેને જમાડે,પાણી આપે, અને પછી મન માં મલકાય-કે-“ મેં પુણ્ય નું કામ કર્યું. આજે મેં તેને ખવડાવ્યું.”
અહીં –આ ઉદાહરણ માં –શેઠ ના મન માં જે દયા આવી –તે સાત્વિક ભાવ (ગુણ) છે. પણ આ સત્કર્મ –“મેં કર્યું” તે દેહાભિમાન (દેહ નું અભિમાન) છે.-જે રાજસિક ભાવ (ગુણ) છે. હવે આ જ શેઠ જો –તે ભિખારી ને ઘરમાં (એર કન્ડીસનમાં) લઇ જઈ, સામે બેસી તે ભિખારી તૃપ્ત થાય ત્યાં સુધી ખવડાવે, અને જયારે તે જમી લે તે પછી,
જો તે ભિખારી ને હાથ જોડી ને કહે કે-“તમે મારા ત્યાં ભોજન લીધું –તે બદલ તમારો આભાર”
અને મન માં એમ સમજે કે-“ઈશ્વરનું આપેલું ભોજન ઈશ્વર જ જમ્યા.” “મેં કશું કર્યું નથી. આ સત્કર્મ પણ ઈશ્વરનું અને સત્કર્મ નું પુણ્ય પણ ઈશ્વરનું.”

          અહીં કોઈ જ જાતનો અહમ રહેતો નથી. પણ શેઠ માત્ર “સાક્ષી ભાવે “ જુએ છે. અહીં--જમી ને ઉભો થયેલ એક  “તૃપ્ત આત્મા” બીજા કોઈ ભૂખ થી પીડિત આત્મા ને તૃપ્ત કરે છે. શેઠે કરેલા સત્કર્મ ના ફળ ઉપર  –તેમણે અધિકાર રાખ્યો નહિ, ફળ ઈશ્વર ને જ ગયું. આ સાચી સમજ છે. પણ અહીં કંઈ શેઠ ને જઈ કહેવાય નહિ કે-ભિખારી ને ઘરમાં –એર કન્ડીસન માં –બેસાડી –ખવડાવી- બે હાથ જોડી-થેંક યુ-કહો. અને જો કહો-તો શેઠ જવાબ આપશે-કે-
આવું કરીએ તો લોકો કહેશે- લોકો માનશે કે- કે શેઠ ગાંડા થઇ ગયા છે.અરે,ભિખારી પણ માનશે –કે- શેઠ ગાંડા થયા છે-અને કાં તો તે રોજ આવતો થઇ જશે-કે ભિખારીઓ ની લાઈન લાગી જશે. આ તો હળવા અર્થ માં સમજાવવા માટે ઉદાહરણ થી કહ્યું.

    કહેવા નો આશય એટલો જ છે કે-

           કર્મ કરવા માં અહંતા  (દેહાભિમાન) અને મમતા (આસક્તિ) થી બંધન આવે છે.
શ્રીકૃષ્ણ,અર્જુન ને કહે છે-કે-

(૧)-કર્તવ્ય કર્મો નું આચરણ કરી,તે સર્વ કર્મો અને કર્મો ના ફળ મને અર્પણ કરવા.

(૨)-ચિત્ત વૃત્તિ ને સદા માટે આત્મ સ્વ-રૂપ માં લીન કરવી,

(૩)-“આ કર્મ નો હું કર્તા છું અને અમુક ફળ માટે હું આ કર્મ કરું છું” એવું અભિમાન કરવું નહિ.

(૪)-શરીર ને  (ઈન્દ્રિયોને) સ્વાધીન થવું નહિ અને સર્વ ઈચ્છા નો ત્યાગ કરીને –પછી

    બધા ભોગો વિવેક થી યથાયોગ્ય સમય સુધી ભોગવજે, પણ અત્યારે તો ,હાથ માં ધનુષ્ય લઇ ને યુદ્ધ માટે તૈયાર થા,સમાધાન વૃત્તિ ધારણ કરી,
માયા,મોહ,શોક ને ભૂલી જઈ આનંદપૂર્વક વીરવૃત્તિ નો સ્વીકાર કર.અને યુદ્ધ માં લક્ષ્ય આપ....(૩૦) ઉપર બતાવેલ કર્મ વિશેના શ્રીકૃષ્ણ ના મતનો શ્રદ્ધાપૂર્વક જે સ્વીકાર કરે છે,અને તે મુજબ જે
કર્મ નું આચરણ કરે છે,તેને કર્મ નું બંધન થતું નથી. પણ જેને શ્રીકૃષ્ણ માં શ્રદ્ધા નથી,કે તેમના મત માં વિશ્વાસ નથી, તે શ્રીકૃષ્ણ ની નિંદા કરે છે, અને આવા અજ્ઞાની ઓ શ્રીકૃષ્ણે બતાવેલ કર્મ ના માર્ગ ઉપર ચાલતા નથી અને સ્વછંદી બનીને- ઉલટાં (ઊંધાં) કર્મો કરી ને બંધન માં પડે છે-અને -પોતે જ પોતાના નાશ નું કારણ બને છે.....(૩૧-૩૨)

🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳

-----------------------------------------------------------------------------------------------

🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌿
       શ્રીમદ ભગવદગીતા-૫૬-
                અધ્યાય-૩-
                 કર્મયોગ -૮

            સાપ ની જોડે કે વાઘ ની જોડે-રમી શકાય નહિ. કેરોસીન ની નજીક તણખો (અગ્નિ) લઇ જવાય નહિ, અને જો ભૂલથી કે કૌતુકતા થી પણ તેની નજીક અગ્નિ જાય તો જે ભડકો થાય અને જ્વાળાઓ નીકળે તે ઘણી વખત કાબુ માં લાવવી મુશ્કેલ બની જાય છે. આજ રીતે કોઈ પણ વિચારવાન (બુદ્ધિશાળી) મનુષ્યે, ભૂલ થી કે કૌતુકતા થી પણ – ઇન્દ્રિયો  (જીભ-વગેરે) ના લાલન પાલન (લાડ કોડ) કરવા નહિ જોઈએ. અને જો કરે-તો- ઇન્દ્રિયો (જીભ-વગેરે) ની વિષય લોલુપતા (સ્વાદ-વગેરેની લોલુપતા) વધે છે, અને પછી તેનો અવરોધ (વિરોધ) કરી શકતો નથી.

       વાસ્તવિક રીતે જોતાં આ શરીર (અને ઇન્દ્રિયો) પ્રકૃતિ ના ગુણો (સાત્વિક,રાજસિક,તામસિક)  ને આધીન છે. અને પાંચ તત્વો નું (પૃથ્વી,પાણી,આકાશ,તેજ,વાયુ) બનેલું –શરીર- છેવટે તો તે  (મૃત્યુ પછી) પાંચ તત્વો માં જ પાછું મળી જાય છે. તો પછી અથાગ મહેનત કરી માત્ર શરીર ના વિચાર માં જ –આયુષ્ય ખર્ચી નાખવાનો કોઈ અર્થ નથી.(૩૩)

        વિષયો (સ્વાદ-વગેરે) ની જોડે રાગ (પ્રેમ) કરવો  કે પછી વિષયો જોડે દ્વેષ કરવો – તે –ઇન્દ્રિયો (જીભ-વગેરે) નો ધર્મ છે.
તેથી બુદ્ધિશાળી મનુષ્યે આ ઇન્દ્રિયો (જીભ-વગેરે) ના જે ધર્મો- રાગ અને દ્વેષ છે.તેને આધીન થવું નહિ જોઈએ. અને જો આધીન થાય તો- નીચે બતાવેલા માછલીના ઉદાહરણ માં બતાવ્યા મુજબ જીવ મોત ને ભેટે છે.(૩૪)

      માછલી પકડવા માટે-એક લોખંડ ના હૂક માં કીડો કે માંસ લગાડવા માં આવે છે.અને આ હૂક ને દોરી જોડે બાંધી  ને પાણી માં નાખવામાં આવે છે, માછલી આ કીડો કે માંસ ખાવા આવે છે, અને તે હૂક – માછલીના ગળા માં ફસાઈ જાય છે અને પોતે પણ ફસાઈ જઈ મોત ને પામે છે.
જો પોતાના  સ્વ-ધર્મ પ્રમાણે કર્મો કરવાનાં  કોઈ મનુષ્યને કઠિન લાગે-અને એમ વિચારે કે- બીજા કોઈ ના સ્વ-ધર્મો સહેલા છે-તો લાવ તેના જેવા કર્મો કરું . તો આ વિચાર તદ્દન ખોટો છે.

        બીજાના મહેલો જોઈ ને આપણું ઘાસનું છાપરું તોડી નાખવું –એ શું સારું છે ? સ્વ-ધર્મ ના કર્મો નું આચરણ કરતાં-કરતાં, ભલે મૃત્યુ આવે –પણ બીજાના ધર્મ (સ્વ-ધર્મ) ના કર્મો ના આચરણ કરતાં ,પોતાના સ્વ-ધર્મ નું આચરણ જ વધુ કલ્યાણકારક છે. ઉપરનાં ઉદાહરણ માં બતાવ્યા મુજબ જો આપણું ઘાસનું છાપરું તોડી નાખીએ તો પછી રહેવાના ફાંફાં થઇ જાય !!

        એટલે બીજાના સ્વ-ધર્મ ના કર્મો નું આચરણ ભયકારક છે.....(૩૫)

       શ્રીકૃષ્ણ,પોતાના વિચારો બની શકે એટલી સરળતાથી સમજાવવાનો પ્રયત્ન કરે છે.પણ સંશયો થી ભરપૂર અર્જુનના ભેજામાં વળી પાછો પ્રશ્ન ઉભો થાય છે. અને પ્રશ્ન પૂછે છે-કે-
“આ જીવ ને (જ્ઞાની-મનુષ્યને)  વિષય (સ્વાદ-વગેરે) ની ઈચ્છા ના હોવાં છતાં,પણ, આ જીવ (જ્ઞાની-મનુષ્ય) –જાણે બળાત્કારે (પરાણે) –વિષયો (સ્વાદ-વગેરે) તરફ ધકેલાય છે- તો આ જીવ ને બળાત્કારે (પરાણે) વિષયો (સ્વાદ-વગેરે) તરફ લઇ જવાની પ્રેરણા કોની છે ? “ (૩૬)
       અજ્ઞાની મનુષ્ય ની ઇન્દ્રિયો તેના વિષય તરફ ખેંચાય તે સ્વાભાવિક છે-પણ જયારે જ્ઞાની મહાત્મા ઓની ઇન્દ્રિયો પણ વિષયો તરફ પરાણે ખેંચાય, તેનું કારણ શું હશે ? અંધ મનુષ્યથી ધાન્ય (અનાજ) અને તેનાં ફોતરાં છૂટાં ના પડે શકે તે બરાબર છે,પણ દેખતા મનુષ્ય થી આ કાર્ય શા માટે નથી થઇ શકતું નથી ? જ્ઞાની લોકો જે વિષયો (સ્વાદ-વગેરે) નો ડર હોય છે,ને જેનાથી તેઓ દૂર રહેવાનો પ્રયત્ન કરે છે,તેમ છતાં પણ તે (વિષયોમાં) ,જાણે..... પરાણે કેમ ફસાઈ જાય છે?

🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿
 🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿
       શ્રીમદ ભગવદગીતા-૫૭-
                અધ્યાય-૩-
                 કર્મયોગ -૯

            શ્રીકૃષ્ણ અર્જુન ને જવાબ આપતા કહે છે-કે- એ કામ અને ક્રોધ છે. કે જેની ઉત્પત્તિ પ્રકૃતિ ના રજોગુણ માંથી થઇ છે. આ બંને મહાપાપી છે,અને તેમની જ પ્રેરણા થી મનુષ્ય પાપાચરણ કરે છે. માટે આ બંને ને તું “મહાન વેરી” સમજજે...............(૩૭)

      ભાગવત ની એક કથા અત્રે યાદ આવે છે.

        વ્યાસજી ભાગવત ની રચના કરતા હતા –ત્યારે તે શ્લોકો રચી પોતાના શિષ્ય જૈમિની ઋષિ ને
તપાસી જવા માટે આપતા હતા.નવમાં સ્કંધ માં જૈમિની ના વાંચવામાં આ શ્લોક આવ્યો.
બલવાનિન્દ્રિયગ્રામો વિદ્વાંસમપિ કર્ષતિ (ભા-૯-૧૯-૧૭)
(ઇન્દ્રિયો એટલી બળવાન છે-કે ભલભલા વિદ્વાનો ને પણ ચળાવી દે છે)

શ્લોક વાંચી જૈમિની ને લાગ્યું-કે આ શ્લોક રચવામાં વ્યાસજી ની ભૂલ થયેલી છે.
શું વિદ્વાન માણસો ને ઇન્દ્રિયો વિચલિત કરી શકે ? મને ક્યાં ઇન્દ્રિયો વિચલિત કરી શકે છે ?
અહીં ખરેખર – કર્ષતિ ને બદલે નાપકર્ષતિ (ચળાવી દે છે-ને બદલે નથી ચળાવી શકતી)
એમ હોવું જોઈએ. એટલે સીધા વ્યાસજી પાસે પહોંચી ગયા-પોતાને શ્લોકમાં લાગતી ભૂલ ની વાત કરી.

          જૈમિની ની વાત સાંભળી –વ્યાસજી એ કહ્યું –કે જે લખાણું છે તે બરાબર જ છે. તેમાં ભૂલ નથી. એક દિવસ એવું બન્યું કે –જૈમિની સંધ્યા કરી-સંધ્યા નું જળ આશ્રમ બહાર નાખવા આવ્યા.

       ત્યાં તેમણે એક સુંદર યુવતી ને ઝાડ નીચે –વરસાદ માં ભીંજાતી ઉભેલી જોઈ.
યુવતીનું રૂપ જોઈ –જૈમિની પ્રલોભન માં પડ્યા.
જૈમિની એ તે સ્ત્રીને કહ્યું –વરસાદ માં પલળવા કરતા ઝૂંપડી માં અંદર આવો.આ ઝૂંપડી તમારી જ છે.

        સ્ત્રીએ કહ્યું-પુરુષો લુચ્ચા હોય છે, તેમનો ભરોસો કેમ રખાય ? જૈમીનીએ કહ્યું-અરે મૂર્ખ, હું પૂર્વમીમાંસા નો આચાર્ય જૈમિનીઋષિ. મારો ભરોસો નહિ  ?મારા જેવા તપસ્વી જ્ઞાની નો ભરોસો નહિ કરો તો કોનો ભરોસો કરશો ?અંદર આશ્રમમાં આવી વિરામ કરો.

        સુંદર સ્ત્રી અંદર આશ્રમ માં આવી અને જૈમિની એ તેને બદલવા કપડા આપ્યાં.
વાતો માં જૈમિની નું મન વધારે લલચાયું. તેમણે સ્ત્રી ને પૂછ્યું કે-તમારાં લગ્ન થયેલાં છે ?
સ્ત્રી એ ના પાડી. એટલે જૈમિની એ તેની સાથે પરણવાની ઈચ્છા બતાવી.
       યુવતીએ કહ્યું-કે મારા પિતાએ પ્રતિજ્ઞા લીધી છે-કે-જે કોઈ પુરુષ મારો ઘોડો બને અને તેં પર હું સવાર થાઉં, અને તે મને અંબાજી માતાના મંદિરે દર્શન કરવાં લઇ જાય –તેની સાથે તે મને પરણાવશે. અને મારા બાપુજી ને મેં વચન આપેલું છે-કે-મોઢું કાળું કરીને જમાઈ ને હું લઇ આવીશ.

        જૈમિની એ વિચાર્યું-ભલે મોઢું કાળું થાય પણ આ તો મળશે ને ? જૈમિની એ મોઢું કાળું કર્યું !! અને ઘોડો બન્યા-યુવતી તેમના ઉપર સવાર થઇ. આ પ્રમાણે - વરઘોડો અંબાજી માતાના મંદિર પાસે આવ્યો. મંદિર ના ઓટલે વ્યાસજી બેઠા હતા.
આ દૃશ્ય જોઈ-વ્યાસજી એ જૈમિની ને પૂછ્યું-કે બેટા ,કર્ષતિ કે નાપકર્ષતિ ?

(ચળાવી શકે છે-કે નથી ચળાવી શકતી)  જૈમિની કહે-કર્ષતિ.... ગુરુજી,તમારો શ્લોક સાચો છે.

        ઇન્દ્રિયો એટલી બળવાન છે-કે ભલભલા વિદ્વાનો ને પણ ચળાવી દે છે. ઇન્દ્રિયો,મન અને બુદ્ધિ માં –“કામ” નું નિવાસ સ્થાન છે. અને આ કામ ની પ્રેરણા થી જ મહાન જ્ઞાનીઓ પણ ભુલા પડે છે,અને પાપાચરણ કરે છે.

🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿





-----------------------------------------------------------------------------------------
🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳
         શ્રીમદભગવદગીતા-૫૮-
                 અધ્યાય-૩-
                 કર્મયોગ -૧૦

            જેવી રીતે ધુમાડા અને રાખ થી અગ્નિ ઢંકાયેલો હોય છે,
જેવી રીતે મેલ થી અરીસો ઢંકાયેલો હોય છે, અને જેવી રીતે ઓર થી ગર્ભ વીંટાયેલો હોય છે,
તેવી રીતે “શુદ્ધ જ્ઞાન” –“કામ” થી ઢંકાયેલું હોય છે....(૩૮)

         જ્ઞાન –એ પોતે શુદ્ધ છે,પણ તેના પર મહા બળવાન થઇ બેઠેલા -કામ-ક્રોધ નું  આવરણ થાય છે, અને તે ઢંકાઈ જાય છે.માટે સહુ પ્રથમ કામ અને ક્રોધ ને જીત્યા પછી જ મુમુક્ષુ એ જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. પણ આ કામ-ક્રોધ ને જીતવા –એ મહા મુશ્કેલ છે. કારણકે –તેને જીતવા માટે જે જે સાધનોલાવવામાં (કરવામાં) આવે છે-તે મનુષ્ય ને સહાયકારી થવાને બદલે – સામે ની પાર્ટી –કામ-ક્રોધ ને જ સહાયકારી થાય છે.

        જેમ અગ્નિ માં વધારે લાકડા પડતાં અગ્નિ વધારે પ્રદીપ્ત થાય, છે- લાકડાં અગ્નિ ને સહાય કરે છે.(૩૯)

ઇન્દ્રિયો  (જીભ-વગેરે), મન અને બુદ્ધિ –માં “કામ” નું નિવાસ સ્થાન (રહેઠાણ) છે.અને એમની જ સહાયતાથી, “કામ” મનુષ્ય ના જ્ઞાન ને ઢાંકી દઈ –તેને મોહ માં નાંખી દે છે. અને મોટા મોટા યોગીઓ ને પણ જીતી લે છે.પણ કામ ને જીતવા નો એક ઉત્તમ ઉપાય છે,જો તું તે ઉપાય કરી શકે તેમ હોય તો તે હું તને કહું છું.(૪૦)
       એમનું (કામ-ક્રોધ નું) મૂળ ઠેકાણું ઇન્દ્રિયો (જીભ-વગેરે) માં છે. ઇન્દ્રિયો  (જીભ-વગેરે) દ્વારા જ “કર્મ” ની પ્રવૃત્તિ થાય છે.માટે સહુ પ્રથમ –ઇન્દ્રિયો  (જીભ-વગેરે)  ને જીત અને તે કામ-ક્રોધ ને તું માર......(૪૧)

       શરીર થી ઇન્દ્રિયો પર છે.(સૂક્ષ્મ છે)ઇન્દ્રિયો થી મન પર છે (સૂક્ષ્મ છે)મન થી બુદ્ધિ પર છે,(સૂક્ષ્મ છે) અને બુદ્ધિ કરતાં “આત્મા”(પરમાત્મા) પર છે (સૂક્ષ્મ છે).....................(૪૨)
         માટે જ બુદ્ધિથી પર આત્મા ને –સૂક્ષ્મતમ જાણી – આત્મા થી જ આત્મા નું સંયમન (નિયમન) કર અને જીતી ના શકાય તેવા કામ ને જીત (૪૩)

        આવી રીતે જયારે અંતઃકરણમાંથી (મન-બુદ્ધિ-અહંકારમાંથી)કામ-ક્રોધ નો નિવાસ  (રહેઠાણ)  ટળ્યો,એટલે તે મરેલા છે –એમ જ સમજ.
જે પ્રમાણે સુર્યના કિરણ વગર –મૃગજળ –નજરે પડતું નથી, તેમ કામ-ક્રોધ ના નષ્ટ થવાથી રાગ-દ્વેષ (દ્વંદ) નષ્ટ થશે. નેસૂર્ય કિરણ સમાન “બ્રહ્મ” ની પ્રાપ્તિ થશે.(આત્મ-તત્વ ની પ્રાપ્તિ થશે).
ગુરુ-શિષ્ય ની ગુહ્ય  (ખાનગી) વાત આ જ છે. જીવ અને બ્રહ્મ  (આત્મા અને પરમાત્મા) નું ઐક્ય પણ આ જ છે. “તું ત્યાં  (આત્મ-તત્વમાં) સ્થિર થા,અને કદી પણ ચલિત થતો નહિ”

અધ્યાય-૩(કર્મયોગ)-સમાપ્ત.

અનુસંધાન-અધ્યાય-૪ –(જ્ઞાન-કર્મ-સંન્યાસ યોગ) ઉપર.

🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿
 🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳


--------------------------------------------------------------------------------------------------

🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳
          શ્રીમદભગવદગીતા-૫૯-
                 અધ્યાય-૪-
             જ્ઞાન કર્મ સંન્યાસયોગ -૧

           અર્જુન પ્રત્યે નો શ્રીકૃષ્ણ નો પ્રેમ અલૌકિક છે. જે પરમાત્મા  વેદો ના અધ્યયનથી  જાણવામાં આવતા નથી,કે પછી,યોગીઓ ને ધ્યાન માં પણ જેનાં દર્શન થતાં નથી,તે પરમાત્મા –(સાકાર સ્વ-રૂપે) કયા કારણથી અર્જુન પર કૃપા કરે છે,તે  જાણી શકાતું નથી.

       જે વાત તેમણે,માતા,પિતા,ભાઈ કે પત્ની ને પણ કહી નહોતી તે વાત આજે તેમણે અર્જુન ને કહી.  એમ -એક વાત તો ચોક્કસ છે-કે-અર્જુન એ કૃષ્ણ નો પરમ મિત્ર અને પરમ ભક્ત છે. અને માત્ર “પ્રેમ” થી જ શ્રીકૃષ્ણ ના પ્રેમનો
અધિકારી થયો છે.અને શ્રીકૃષ્ણ પ્રેમ ને વશ (આધીન) થયા છે. અને માલિક પોતાની “ઠકુરાઈ” ભૂલીને એક સામાન્ય સારથી બની આજે અર્જુન નો રથ હાંકે છે, વળી તેને જ્ઞાનયોગ ને કર્મયોગ નો ઉપદેશ પણ કરે છે.

        આ અધ્યાય ની શરૂઆતમાં શ્રીકૃષ્ણ અર્જુન ને કહે છે-કે- આ કર્મયોગ મેં અગાઉ સૂર્ય ને કહી સંભળાવ્યો હતો, સૂર્યે ,તે મનુ ને અને મનુ એ ઇક્ષ્વાકુ ને કહ્યો હતો.
પરંપરાથી આ યોગ કેટલાક રાજર્ષિ ઓ (રાજાઓ) જાણતા હતા.પણ પછી તે ભૂલાઈ ગયો.

         આજે તે યોગ કોઈને પણ યાદ નથી કારણકે મનુષ્યો ની રુચિ (રસ) ---શરીર અને તેના વિષયો (સ્વાદ-વગેરે) માં જ હોવાથી, આ યોગ ભૂલાઈ ગયો છે.સંગીત ગમે તેટલું સુંદર હોય, દિલ ને ડોલાવી દે તેવું હોય –પણ તે સંગીત જો –
બહેરાઓ ની સભામાં જઈ ને સંભળાવવામાં આવે-તો તે સંગીત ને કોઈ માન આપશે નહિ.

      જે મનુષ્ય ને “વિચાર એટલે શું?” તેની જ ખબર ન હોય, શરીર અને વિષયો ના આનંદ માં મગ્ન થઇ ને,જેને પરમાત્મ તત્વ નો વિચાર કરવાની પણ ફુરસદ ન હોય , તે ઉપર બતાવ્યું તેવો, બહેરા ની સમાન છે. તેની આગળ કર્મયોગ નું સંગીત ગમે તેટલું સુમધુર હોય,પણ તે સંગીત ને કોઈ માન મળશે નહિ,અને સમય ને વહી જવાથી –સમયની સાથે સાથે-તે-કર્મયોગનું- સંગીત ભૂલાઈ જાય છે.

         મોહ માં પડેલા અને- જાણે - બહેરા અને આંધળા બની ગયેલા માનવીઓઆ કર્મયોગ (તત્વબોધ) ને ભૂલી ગયા છે.પણ આ પુરાતન (જુનો) અને ઉત્તમ રહસ્ય-રૂપ યોગ મેં તને આજે કહી સંભળાવ્યો--.

કારણ કે તું મારો પ્રિય, ભક્ત અને મિત્ર (સખા) છે.....................(૧-૨-૩)

       “સૂર્ય ને આ યોગ, શ્રીકૃષ્ણે કેવી રીતે કહ્યો હશે ?”

અર્જુન ને -આવી શંકા થતાં તે શ્રીકૃષ્ણ ને પ્રશ્ન કરે છે.-કે- આપે ભૂતકાળ માં સૂર્ય ને આ કર્મયોગ કહ્યો હતો,તે વાત મારી સમજ માં આવતી નથી.સૂર્ય તો ઘણા જુના સમય થી છે. જયારે તમારો જન્મ તો આધુનિક (હમણાંના) જમાના માં થયો છે.આપ ખોટું કહો છો-તેમ તો એકદમ કેવી રીતે કહી શકાય ? પણ આ ના સમજાય તેવી વાત જે આપે કહી ,તેના વિષે વધુ સ્પષ્ટતાથી મને કહો.(૪)

         શ્રીકૃષ્ણ કહે છે-જે વખતે સૂર્ય હતો,તે વખતે આપણે નહોતા,એવી જે શંકા તારા મનમાં આવેલી છે, તે સાચી નથી,કારણ કે- તું જાણતો નથી,કે તારા અને મારા અનેક જન્મો થઇ ગયા છે, તને કોઈ પણ પાછલા જન્મ યાદ નથી. પણ જે વેળાએ જે જે અવતારો મેં ધારણ કર્યા હતા તે સઘળા મને યાદ છે.(૫)

🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿


--------------------------------------------------------


 🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿
        શ્રીમદ ભગવદગીતા-૬૦-
                 અધ્યાય-૪-
              જ્ઞાન કર્મ સંન્યાસયોગ -૨

           આગળ આપણે જોઈ ગયા છીએ તે ઉદાહરણ અહીં રીપીટ (ફરીથી) કરીએ. માટી ના ઘડાની અંદર જે આકાશ છે,તેને ઘડાકાશ (ઘડા ની અંદર રહેલું આકાશ છે-તે)અને ઘડા ની બહાર જે આકાશ છે-તે મહાકાશ.(ઘડા ની બહાર જે અનંત આકાશ છે-તે)બહારના આકાશ અને ઘડા ની અંદર જે આકાશ છે તે ઘડા ની ઉપાધિ (માયા) ને લીધે જુદું  છે.
પણ ઘડો ફૂટી જાય એટલે અંદરનું આકાશ બહારના આકાશ માં મળી જાય.

બસ આ ઉદાહરણ પ્રમાણે-

        પરમાત્મા એ મહાકાશ છે-અનંત આકાશ છે. અને આકાશ નો કોઈ આકાર હોઈ શકે નહિ.
એટલે આ રીતે .......

(૧) -પરમાત્મા નો બ્રહ્મ  (શુદ્ધ ચૈતન્ય) તરીકે કોઈ આકાર નથી. (પરમાત્મા નિરાકાર છે)

(૨)- આ આકાશ જેવા –નિરાકાર પરમાત્માનો આકારરૂપે જન્મ કેવી રીતે થઇ શકે ? એટલે પરમાત્મા નો બ્રહ્મ તરીકે કોઈ જન્મ નથી. (પરમાત્મા અજન્મા છે)

(૩)-અનંત  આકાશ સર્વ જગ્યાએ છે. તેમ પરમાત્મા સર્વ જગ્યાએ છે (પરમાત્મા સર્વત્ર છે)

        માટી માંથી જયારે ઘડો બનાવવામાં આવે છે ત્યારે જ –ઘડો- ઘડા તરીકે આંખ આગળ નજરે પડે છે. આ જ રીતે પરમાત્મા  (બ્રહ્મ) પણ,માયા (પ્રકૃતિ) નો સ્વીકાર કરી ને, જન્મ (શરીર-અવતાર) ધારણ કરે છે. (સર્ગ-સિદ્ધાંત) આમ માયા ના સંસર્ગ  (યોગ) થી,  શરીર ધારણ કરી ને –“એક” પરમાત્મા  (બ્રહ્મ)-

“દેવ”  (રામ-કૃષ્ણ-વગેરે)  બને છે. એટલે કે એમ પણ કહી શકાય કે-

પરમાત્મા (બ્રહ્મ) અને શ્રીકૃષ્ણ એમ બે જણા –(બે પરમાત્મા) હાજર છે,એવું દેખાય છે.

પણ-

        જેમ દર્પણ ની અંદર પ્રતિબિંબ પડે –ત્યારે એક વસ્તુ –એ- બે વસ્તુ જેવી દેખાય છે,પણ તેમ છતાં –વસ્તુ તો એક ની એક જ રહે છે.માત્ર બે વસ્તુ થયા નો ભાસ (ભ્રમ) થાય છે.તેમ. દર્પણ એ માયા છે-જેમાં પરમાત્માનું –શ્રીકૃષ્ણ રૂપી પ્રતિબિંબ પડે છે.

        આ  પ્રતિબિંબ ને (શ્રીકૃષ્ણને) આપણે જોઈ શકીએ છીએ, પણ જેનું (પરમાત્માનું) પ્રતિબિંબ પડે છે- તે પરમાત્મા ને જોઈ શકાતા નથી.
(સહેજ સહેલાઈ થી  સમજવા માટે જ  દર્પણ નું ઉદાહરણ છે- તેને વધુ આગળ ખેંચીશું નહિ.)

     શ્રીકૃષ્ણ-શરીર થી  (દેવ-રૂપી અવતારથી)  જગત ના જે જે કર્તવ્ય કર્મો કરે છે-ત્યારે તે – એક સામાન્ય માનવી ની જેમ વર્તે છે-(વર્તતા દેખાય છે)-તે જોઈ ને લોકો ને –શ્રીકૃષ્ણ  (પરમાત્મા) પણ કર્મો ને આધીન છે,તેવું લાગે છે, પણ તે માત્ર ભ્રમ છે. નાટક નો કોઈ કલાકાર જેમ જુદાં જુદાં પાત્રો ધારણ કરે છે,પણ તેનાથી, તે પોતે બદલાઈ જતો નથી, તેવી જ રીતે પરમાત્મા (બ્રહ્મ), શ્રીકૃષ્ણ નો અવતાર લઇ (સાકાર બની) ને નાટકના કલાકાર ની જેમ, નાટક માં જે પાત્ર ભજવવાનું હોય , તેવો માત્ર બહાર નો આકાર  (જગતને દેખાતો આકાર-શરીર-સાકાર સ્વ-રૂપ-દેવ-રૂપ-શ્રીકૃષ્ણ) ધારણ કરે છે. (૬)

      અહીં અર્જુન –જો શ્રીકૃષ્ણ ને પરમાત્મા (બ્રહ્મ) તરીકે જ ઓળખાતો હોય –તેનેએવો પ્રશ્ન કદી  ન થાય કે-

“આપ તો વર્તમાન જગતમાં જન્મ્યા છો-તો પછી,સૂર્ય ને આપે યોગ કેવી રીતે કહ્યો ?”
      પણ હજુ અર્જુન –શ્રીકૃષ્ણ ને એક મિત્ર તરીકે માને છે. તર્ક થી જોઈએ તો પણ –જો અર્જુન ને –શ્રીકૃષ્ણ એ પરમાત્મા જ (બ્રહ્મ) છે-- એવી જો ખરેખર ખબર હોય તો- તે- તેમની પાસે પોતાના સારથી બનાવવાનું એક નાનું કામ તેમને બતાવી ન શકે.અરે! પરમાત્મા પાસે આવું નાનું-નીચું  કામ કરાવડાવાની  હિંમત પણ ન કરી શકે!! અને હજુ આગળ આવશે –કે જયારે શ્રીકૃષ્ણ તેમનું પરમાત્માનું  વિરાટ સ્વરૂપ બતાવે છે- ત્યારે જ અર્જુન ને –શ્રીકૃષ્ણ એ પરમાત્મા છે-તેનું ભાન (જ્ઞાન) થાય છે. આમ પરમાત્માએજ  (બ્રહ્મે) જગતનું (સૃષ્ટિનું) નિર્માણ કર્યું છે- ને તેમના સૃષ્ટિ નિર્માણ માં –સૂર્ય પણ તે સૃષ્ટિમાંનું એક-એવું-પરમાત્માનું જ નિર્માણ છે- તેમ કહી શકાય. અને સૃષ્ટિ ના પાલન (નિયમન) માટે ઈશ્વરે જુદા જુદા સર્વ ને માટે- જે નિયમો-ધર્મો  (કાયદાઓ) બનાવ્યા – તે સુર્યને પણ કહ્યો હોય તેમાં કોઈ શંકા થઇ શકે નહિ.

🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳
 🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳
           શ્રીમદ ભગવદગીતા-૬૧-
                   અધ્યાય-૪-
         જ્ઞાન કર્મ સંન્યાસયોગ -૩

           જગતના જેટલા જેટલા ધર્મ (સ્વ-ધર્મ) છે, તે પરમાત્મા એ જ નિર્માણ કરેલા છે, જુદી જુદી પ્રકૃતિ (સાત્વિક,રાજસિક,તામસિક) ના માટે ના જુદા જુદા ધર્મો (સ્વ-ધર્મો) છે,તે –સર્વ-ધર્મ નું  (સ્વ-ધર્મનું)  પ્રત્યેક યુગમાં પરમાત્માએ  રક્ષણ કરવું જ જોઈએ, એવો ક્રમ અનાદિ-કાળ થી ચાલ્યો આવે છે,

         એટલે જે જે સમયમાં અધર્મ ના વધવાથી ધર્મ નો (સ્વ-ધર્મ નો) ક્ષય (નાશ) થાય છે, એટલે તે તે સમય માં ભક્તો ના (સ્વ-ધર્મી મનુષ્યોના) સંરક્ષણ કરવા માટે – પરમાત્મા  દેહ ધારણ કરે છે. નિરાકાર પરમાત્મા - સાકાર-થઇ- “દેવ-રૂપી અવતાર” (શ્રીકૃષ્ણ-રામ-વગેરે) ધારણ કરે છે. અને આવા પરમાત્મા ના અવતારો

--જગતમાં ફેલાયેલા અજ્ઞાન ના અંધકાર નો નાશ કરે છે.

--અધર્મી ઓ (દુષ્ટો-દૈત્યો) નો નાશ કરે છે.

--વિવેકરૂપી અંગારા પર ની અવિવેક ની રાખ ને દૂર કરી –વિવેક નો અગ્નિ પ્રજ્વલિત કરે છે.

ટૂંક માં કહીએ તો-

        ઉપર બતાવેલાં કાર્યો (કર્મો) કરવા માટે (અધર્મ દૂર કરી ધર્મ ની ફરીથી સ્થાપના કરવા માટે)પ્રત્યેક યુગમાં પરમાત્મા (બ્રહ્મ) “અવતાર” (શ્રીકૃષ્ણ-રામ-વગેરે) ધારણ કરે છે. (૭-૮)

          એટલે કે-નિરાકાર (આકાર વગરના)-અજન્મા (જેને જન્મ નથી તેવા) -અક્રિય (ક્રિયા વગરના) હોવા છતાં- પરમાત્મા (બ્રહ્મ) સાકાર (શ્રીકૃષ્ણ) થાય છે,  જન્મ લે છે,અને ક્રિયાકરે છે,
પરમાત્મા ના આવા- સાકાર - સ્વ-રૂપ (અવતાર) નું રહસ્ય- જે કોઈ પણ-–કોઈ પણ જાતની શંકા કે સંશય વગર સાચી રીતે સમજે છે – તે-જ-પરમાત્મા ને સાચી રીતે જે ઓળખે છે-અને -તે –જ- સાચું -જ્ઞાન-છે. આવું જ્ઞાન ધરાવતા જ્ઞાનીઓ –શરીરમાં રહેવા છતાં-ક્રિયાઓ (કર્મો) કરવા છતાં- પણ શરીર થી વિમુક્ત (વિદેહી)  છે, અને આવા

---જ્ઞાન થી પવિત્ર થયેલા અને

---જેમનાં કામ,ક્રોધ અને ભય –નષ્ટ થયા છે, તથા-

---જે પરમાત્મા ના જ  આશ્રયે રહેલા છે-તે-મૃત્યુ પછી તે પરમાત્મા માં જઈ મળે છે. (આત્મા-પરમાત્મા નું ઐક્ય થાય છે) (૯-૧૦)

કે પછી -એમ પણ કહી શકાય કે-

         ઘડા ના ફૂટી જવાથી (શરીર નું મૃત્યુ થવાથી-કે માયા નું આવરણ દૂર થવાથી) ઘટાકાશ (આત્મા) એ – મહાકાશ (પરમાત્મા) માં મળી જાય છે. અને આ જ સત્ય (સાચું) આત્મા-અને પરમાત્માનું જ્ઞાન છે.

🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿...

------------------------------------------------------------------



🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳
        શ્રીમદ ભગવદગીતા  -૬૨- 
              અધ્યાય-૪-
           જ્ઞાન કર્મ સંન્યાસયોગ -૪

        સાચા જ્ઞાન  (સત્ય-જ્ઞાન) ના અભાવે- એટલે કે-અજ્ઞાનથી - કે પછી- સત્ય  (સાચું) જ્ઞાન જેની –“બુદ્ધિ” માં- નથી- તેવા અજ્ઞાની લોકો-જુદા જુદા દેવ-દેવીઓ માં જ...... (દેવ-દેવી ઓ ની મૂર્તિઓ માં જ)

(૧)-કાં- તો- તે દેવ-દેવીઓમાં –જ-  માત્ર ભગવાન –ઈશ્વર છે-તેવી કલ્પના કરે છે. (આસ્તિકતા) તે સારું છે-પણ –આવા આસ્તિક લોકો-પરમાત્મા નું જે સાકાર (આકારવાળું) સ્વ-રૂપ છે-તે

           દેવ-દેવીઓ-કે મૂર્તિઓ નું પૂજન કરતાં કરતાં –જડ થઇ જાય છે-અને ભૂલી જાય છે કે-

    --પરમાત્મા (બ્રહ્મ) દરેક મનુષ્યો (આત્મા) અને દેવ-દેવીઓ થી જુદા નથી. (કોઈ ભેદ નથી) (તેમ છતાં –  જુદા-જુદા પરમાત્મા ઓ (ભેદ)-દેવ-દેવીઓ ની કલ્પના થી ઉત્પન્ન કરે છે.)

    --પરમાત્મા (બ્રહ્મ) નું કોઈ જ નામ નથી , (તેમ છતાં અનેક જુદાં જુદાં નામો આપે છે.)

    --પરમાત્માનું કોઈ  શબ્દો થી વર્ણન થઇ શકતું નથી.(તેમ છતાં –તેમનું શબ્દ થી વર્ણન કરે છે.)

(૨)-કાં –તો-તે દેવ દેવીઓ ના સામાન્ય વર્તન (ક્રિયાઓ) જોઈ ને –મૂર્તિ માં કે દેવ દેવી માં –ઈશ્વર નથી -તેવી જ માત્ર કલ્પના કરે છે.(નાસ્તિકતા)

      આ પણ એક રીતે ખોટું તો નથી--પણ કમનસીબી એ છે કે- આવા લોકો – ઉપર જણાવ્યા મુજબ-પરમાત્મા નું એક નિરાકાર  (આકાર વગરનું-મૂર્તિ વગરનું ) સ્વરૂપ છે- તે જાણવાની કે ખોળવાની ઈચ્છા પણ કરતાં નથી. અને પરમાત્માનું જગતમાં ક્યાંયે -અસ્તિત્વ છે જ નહિ એમ સમજે  છે- જે ખોટું છે.

ગમ્મત ની વાત તો એ છે –કે-આ જ દેવી દેવીઓમાં  –કોઈ દેવ સારા તો કોઈ દેવ ખરાબ –એવો એક બીજો ભેદ પણ પેદા થાય છે.

       દાખલા તરીકે-કોઈ મનુષ્ય ને સંતાન ની ઈચ્છા છે-અને તે કોઈ એક દેવ-કે-દેવી ની બાધા રાખે અને જો તેની બાધા (માનતા) પૂરી ન થાય તો –તે બીજા કોઈ –દેવ- કે- દેવી ની બાધા રાખે – અને જો આ નવી બાધા પૂર્ણ થાય અને તેને ત્યાં સંતાન થાય તો- પહેલા દેવ કે દેવી ખરાબ અને બીજા દેવ કે દેવી સારા-આમ નક્કી કરે છે.

         અને ઘણી વખત એવું પણ બને કે કોઈ નાસ્તિક મનુષ્ય ને સંતાન જોઈતું હોય અને માત્ર કુતુહુલતાથી, કોઈ દેવ કે દેવીની બાધા રાખે, અને જો તેને ત્યાં સંતાન થાય તો-તેમાત્ર તે જ દેવ કે દેવી ને પૂજીને થોડો આસ્તિક બનશે. પણ તેમ છતાં યે –સત્ય પરમાત્મા (બ્રહ્મ) વિષે વિચાર કરવાનોયે તેને માટે દૂર ની વાત છે.

       આમ અહીં શ્રીકૃષ્ણ
(કે જે- પરમાત્મા (બ્રહ્મ) નું સાકાર સ્વરૂપ છે-તે) -કહે છે-કે- “ફળ માટે જ કર્મ કરનારા  અને ફળની જ જેમને ઈચ્છા છે, - તેવા મનુષ્યો, જે જે ભાવનાથી મારું ભજન કરે છે, (તેમની ઈચ્છા) તેમની ભાવના મુજબ જ હું પૂર્ણ કરું છું. તેમની બુદ્ધિ એ પેદા કરેલ અનેક દેવ-દેવીઓ અને સર્વ માં સાચી રીતે તો -હું જ છું. “ (૧૧)

--જે લોકો ને શ્રીકૃષ્ણ માં શ્રદ્ધા ના હોય-
--જે શ્રીકૃષ્ણ ને ભગવાન માનવા તૈયાર ન હોય-
--જે ગીતા માત્ર કુતુહુલતા ખાતર જ વાંચતા હોય-
--જે માત્ર તર્ક થી જ ગીતાને જોતા હોય-
--જેને- (પોતે જ્ઞાની (?) છે-તેવા અહમ ને ગીતા વાંચતા વાંચતા પણ જો-સંતોષવો હોય-!!!

તો જયારે જયારે શ્રીકૃષ્ણ- “હું” એમ કહે છે-
ત્યારે તે શ્રીકૃષ્ણ તરીકે નહિ પણ –છેવટે- નિરાકાર પરમાત્મા  (બ્રહ્મ) કહે છે કે-
એમ જો સમજે- તો-ગીતા સમજવામાં સરળતા જરૂર રહે......

(કદાચ એવું પણ બને કે –કુતુહુલતા, જીજ્ઞાસા માં પરિવર્તન પામે......)

🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳
 🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳
        શ્રીમદ ભગવદગીતા-૬૩-
                   અધ્યાય-૪-
             જ્ઞાન કર્મ સંન્યાસયોગ -૫

           અહીં આગળ વાંચતા પહેલાં –એક વસ્તુ ફરી સમજી લેવાથી, આગળ સમજવાનું કદાચ સહેલું પડે.

          પરમાત્મા (બ્રહ્મ-પરમ આત્મા) નિરાકાર (આકાર વગરના) છે. જયારે દેવ-દેવીઓ –એ આત્મા –તરીકે –શરીરધારી અવતાર તરીકે પરમાત્મા (બ્રહ્મ) નું સાકાર (આકારવાળું) સ્વરૂપ છે.
          કર્મ નાં ફળ ની ઈચ્છા રાખનાર સામાન્ય માનવી, પૃથ્વી પરના દેવો કે દેવીઓ નું જ પૂજન કરી, પોતાની ઈચ્છા મુજબ નાં ફળ મેળવી, ખુશ થાય છે.અને તે દેવ કે દેવીઓ ને જ –પરમાત્મા માનવા માંડે છે-(જો કે એમાં કંઈ ખોટું નથી) પણ .........

સત્ય- પરમાત્મા –બ્રહ્મ નો –તેમના મન માં વિચાર સુદ્ધાં આવતો નથી.

       આવા મનુષ્યો –કે –અનેક જુદા જુદા દેવ-દેવીઓ ને જ પરમાત્મા (બ્રહ્મ) માની અને ફળની ઈચ્છા માટે –જ- તે દેવ-દેવી ની ઉપાસના –પૂજા કરે છે,અને જયારે તેમને –તેમની ઈચ્છા મુજબ નું ફળ પ્રાપ્ત થાય છે- ત્યારે તે.....ઈચ્છા મુજબ નું ફળ (દેવ-દેવીની પૂજા કરવાથી કે તેમની માનતા રાખવાથી મળેલું ફળ)ખરી રીતે તો-તેમનાં જ કર્મો નું જ ફળ છે-આમાં આપનાર અને લેનાર- કર્મ- સિવાય બીજું કાંઇ છે જ નહિ.

(મનુષ્યે કર્મ કર્યું-પૂજા કરવાનું –કે માનતા રાખવાનું-અને દેવ-દેવીએ કર્મ કર્યું ફળ આપવાનું)

       આ પૃથ્વી-લોક માં માત્ર –કર્મ- વડે જ- ફળ મળે છે.......જેવું કર્મ....... તેવા - ફળ ની પ્રાપ્તિ થાય છે.

ઉદાહરણ થી જોઈએ તો-

--જમીન ની અંદર જે જાત નું બીજ વાવીએ,તેવું જ અનાજ પેદા થાય છે,બીજી જાત નું નહિ.

--દર્પણ ની અંદર જેવી વસ્તુ હોય તેવું જ પ્રતિબિંબ પડે છે.

--ડુંગર ની ખીણ માં આપણા બોલેલા શબ્દો નો જ પ્રતિધ્વનિ સાંભળવા મળે છે.

જુદા જુદા દેવ-દેવી ની ઉપાસના નો આધાર માત્ર પરમાત્મા (બ્રહ્મ) જ હોવાથી,

         દરેક મનુષ્ય ને તેની ભાવના (ઈચ્છા) મુજબ કે- તેને તે ઈચ્છા માટે કરેલ કર્મ મુજબ-જ- ફળ મળે છે. (૧૨)

          દુનિયાના દરેક મનુષ્યો માં “એક” આત્મ તત્વ હોવાં છતાં, પ્રકૃતિ (માયા) ના ત્રણ જુદા જુદા ગુણો (રાજસિક,તામસિક,સાત્વિક) ના લીધે દરેક ના સ્વ-ભાવ જુદા જુદા દેખાય છે,જેને લીધે -તેમના કર્મો પણ જુદા જુદા દેખાય છે, આ ગુણો અને કર્મો ના હિસાબે –અને જગતના નિયમન માટે – ચાર વર્ણો (બ્રાહ્મણ,વૈશ્ય,ક્ષત્રિય અને શૂદ્ર) ની વ્યવસ્થા થયેલી હશે.

        પરમાત્મા એ બનાવેલા આત્માએ (મનુષ્યે) આ વ્યવસ્થા –(તે જમાના  ને અનુરૂપ) કરી હશે, એટલે-કે –એક “આત્મા” એ (મનુષ્યે) તે વ્યવસ્થા બનાવી,એટલે પરમાત્મા એ બનાવી એમ કહેવાય –

અને-

એમ –ના-પણ કહેવાય. કારણ કે “પરમાત્મા (બ્રહ્મ)” એ –તે વર્ણ-વ્યવસ્થા .ખુદ પોતે બનાવી નથી.
આ રીતે દરેક મનુષ્ય માં –દરેક આત્મા માં - એક સરખો –પરમાત્મા –આત્મા- રૂપે રહેલો છે,માટે દરેક મનુષ્ય પ્રભુ થી જુદો હોઈ શકે જ નહિ.(૧૩)

ઉદાહરણ થી જોઈએ તો-

         જેમ કોઈ સ્કુલ માં બેલ વગાડનાર પટાવાળો,અને તે સ્કુલ નો હેડમાસ્ટર –એ બંને જણા –
તેમની પ્રકૃતિ અને ગુણો ના આધારે જુદા છે. પણ બંને માં એક જ આત્મ તત્વ છે- પટાવાળો હેડ માસ્ટર બની શકતો નથી,કે હેડ માસ્ટર પટાવાળો બની શકતો નથી.
ટૂંક માં કહીએ તો-

        વર્ણભેદ(ચાર વર્ણો) –પરમાત્મા ની સત્તાથી થયેલો છે-તેમ છતાં –તેમણે (પરમાત્માએ) કરેલો નથી......... અને આ પરમાત્મા ના કર્મો ને (સૃષ્ટિ ની રચના) ...... સાચી રીતે જે સમજી લઇ અને પ્રકૃતિ-અનુસાર (સ્વ-ભાવ અનુસાર-વર્ણ અનુસાર) પોતાના- કર્તવ્ય-કર્મો –
કર્મ માં આસક્ત થયા વિના (વિવેકથી) કરે છે- તેને કર્મો નું બંધન લાગતું નથી. (૧૪-૧૫)

     કર્મ એટલે શું ? અને અકર્મ એટલે શું ?

         એના સંબંધે વિચાર કરતાં –મોટા મોટા વિદ્વાનો –જ્ઞાનીઓ ભ્રમ માં પડે છે. પછી અજ્ઞાની ઓ ની તો વાત જ શી ?

         જેવી રીતે સો રૂપિયા ની –ખોટી નોટ પણ સાચી છે કે ખોટી તે જાણવામાં હોશિયાર બેન્કર પણ ભ્રમ માં પડે છે.તેવી રીતે આ કર્મ-અકર્મ ની વિચારણા માં જ્ઞાનીઓ ની પણ સુસ્તી ઉડી જાય છે.

    શ્રીકૃષ્ણ કહે છે- કે-કર્મ એટલે શું ?તે હું તને જણાવું  છું,કે જે -
જાણી ને તું સંસારના દુઃખ માંથી મુક્ત થઈશ. (૧૬)
🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳..







On 3 Oct 2017 20:41, "GLOBAL BHATIA COMMUNITY" <bhatiacommunity@gmail.com> wrote:

    1 - https://bhatiamahajan.blogspot.in

    2 - https://globalbhatiafamily.blogspot.in

    3 - https://samastbhatia.blogspot.in

    4 - https://bhatia-community.blogspot.in

    5 - https://bhatiasemail.blogspot.in

    6 - https://samastbhatia-mahajan.blogspot.in

    7  -https://globalbhatia.blogspot.in



    8-http://bhatiaglobalfamily.blogspot.in/

    ગીતા ઉપદેશ

    શ્રીમદ ભગવદ ગીતામાં શ્રી કૃષ્ણએ આપણને ઉપદેશ આપીને, જીવન જીવવાનો શ્રેષ્ઠ માર્ગ બતાવ્યો. આ માર્ગ દ્વારા આપણે પરમાત્માની પ્રાપ્તિ કરી શકીએ.માર્ગ કઠીન છે પરંતુ આપણા મનની અંદર શ્રધ્ધા, ઈશ્વર પ્રાપ્તિની તીવ્ર ઈચ્છા અને લગન હોય તો મુશ્કેલ પણ નથી. શ્રીકૃષ્ણ ના મુખમાંથી નીકળેલું એક એક શબ્દ અણમોલ છે, માર્ગદર્શન કરીને શ્રેષ્ઠ રાહ પર લઈ જાય છે.ઈશ્વરે આપણને માર્ગ બતાવ્યો તેના પર ચાલવું આપણું કર્તવ્ય છે.જેમ માતા સંતાન ને શિક્ષણ આપીને સંસ્કારો આપીને સાચી દિશા પર લઈ જાય તેમ ઈશ્વરને પણ તેમના સંતાનો ની ચિંતા છે એટલા માટે જ આપણને શાસ્ત્રો ના ઉપદેશ દ્વારા માર્ગ બતાવ્યો છે.ઉપદેશમાં જે જ્ઞાન છે તે સમજવા ની જરૂર છે. આ જ્ઞાન સમજાય તો માર્ગ કઠીન નથી.
    ગીતામાં અઢાર અધ્યાયમાં ત્રણ પ્રકારના યોગ બતાવ્યાં છે,
    (૧) કર્મયોગ (૨) ભક્તિયોગ (૩) જ્ઞાનયોગ.
    ગીતામાં કર્મયોગ, ભક્તિયોગ અને જ્ઞાનયોગ નો સુંદર સમન્વય કરવામાં આવ્યો છે.જો તેનુ અધ્યયન અને મનન કરીને સમજીને જીવનમાં ઉતારવા માં આવે તો આપણું જીવન સુંદર ઉચ્ચ કોટીનું બની જાય.આ મૃત્યુ લોક માં જ સ્વર્ગનો સુખદ અનુભવ થાય, જીવનમાં ગમે તેવી કોઈ પણ મુશ્કેલ પરિસ્થિતિમાં, તેનો સામનો કરવાનુ મનોબળ અને આત્મબળ મળે. આપણો આત્મવિશ્વાસ ક્યારેય નહી ડગશે.
    શ્રીમદ ભગવદ ગીતા અધ્યાય-(૧૦) (પરમેશ્વર ની) વિભૂતિ યોગ, શ્લોક -૨૨
    “वेदानां सामवेदोअस्मि, देवानामस्मि वासवः
    ईन्द्रियाणां मनश्चास्मि, भूतानामस्मि चेतना”
    અર્થાત – વેદોમાં સામવેદ હું છું, દેવો માં ઈન્દ્ર હું છું,
    ઈન્દ્રિયોમાં મન હું છું, અને પ્રાણીઓમાં ચેતન હું છું.
    આપણું અંતઃકરણ, મન, બુધ્ધિ, ચિત્ત, અહંકાર એક બીજા સાથે ઓતપ્રોત થયેલા છે. તેને મન કહો, હૈયું કહો, હ્રદય કહો, અંતઃકરણ કહો એક જ સ્વરૂપ છે, જેમાં ઈશ્વર બેઠેલાં હોય છતાં પણ જ્યારે ખરાબ કાર્ય કરીએ ત્યારે જરાય વિચાર નથી આવતો.જ્યાં ઈશ્વરનો નિવાસ હોય તે જગ્યા નિર્વિકાર અને નિષ્કામ શુધ્ધ હોવી જરૂરી છે, તેનો ક્યારે વિચાર નથી આવતો.
    શ્રીમદ ભગવદ ગીતા અધ્યાય –(૧૫) પુરુષોત્તમ યોગ, શ્લોક- ૮
    “शरीरं यदवाप्नोति यच्चाप्युत्क्रामतीश्वरः
    गृहीत्वैतानि संयाति वायुर्गंधानिवाशयात”
    અર્થાત – જ્યારે જીવ એક શરીર છોડીને બીજું શરીર ધારણ કરે છે ત્યારે, વાયુ જેમ આજુબાજુના પદાર્થો ની ગંધ લઈને આગળ જાય છે, તેમ શરીર છોડીને તેની વાસના ઓ મન અને ઇન્દ્રિયોને સાથે લઈને બીજા શરીરમાં જાય છે.
    જ્યારે કોઈ પણ માણસનું મૃત્યુ થાય, કોઈ પણ જીવ હોય, પશુ-પક્ષી, કોઈ પણ યોનિ હોય, મૃત્યુ થાય ત્યારે તેના આત્માની સાથે તેનુ મન અને ઇન્દ્રિયોને સાથે લઈને જાય છે, જ્યારે બીજુ શરીર પ્રાપ્ત કરે ત્યારે તેની સાથે આત્મા, મન, ઈન્દ્રિયો હોય, અને આ બધાની સાથે જ બીજુ નવુ શરીર પામે છે. બીજું શરીર પ્રાપ્ત થતાં તેના આગલા જન્મોનુ વિસ્મરણ થઈ જાય છે, આગલા જનમની એક પણ વસ્તુ યાદ નથી રહેતી.પરંતુ તેના મન, ઈન્દ્રિયો અને તેના કર્મો પણ સાથે લઈને આવે છે.એટલે, કર્મો તેને સુખ અને દુખ આપીને તેના કર્મો ની પ્રતિતી કરાવે છે. હવે આપણને સમજાય છે કે સ્થુલ શરીરને મૃત્યુ છે, નાશ પામે છે. પરંતુ શુક્ષ્મ શરીર જેમાં આત્મા વસે છે તેનો નાશ નથી થતો.શુક્ષ્મ શરીર સાથે જોડાયેલા, આત્મા, મન અને ઈન્દ્રિયો બીજા જન્મમાં નવા શરીરમાં સાથે જ પ્રવેશ કરે છે. આત્મા- અનંત, અવિનાશી, શક્તિશાળી, ગતિશીલ છે. પરંતુ મન તેની સાથે જ જોડાયેલું છે એટલે મન પોતાને શક્તિશાળી માને છે.
    આપણે જે પણ કર્મ કરીએ તેની સાથે મન જોડાએલું છે.મનની આસક્તિ અને લાલસા ને લીધે જ દરેક કર્મો થાય છે અને જીવનમાં સુખ-દુખ મળે છે. આ સંસારમાં આપણે ઘણી વખત જોઈએ છીએ, સાદા સીધા માણસો હોય, મન સાફ હોય તો પણ તેઓ ઘણા જ દુખમાં જીવન વ્યતીત કરતા હોય છે અને બીજી તરફ ઘણા માણસો સ્વભાવે ખરાબ હોય, ખરાબ કર્મો કરતા હોય છતાં પણ એ લોકો ઘણા જ સુખી હોય, સુખી દેખાય, એકદમ સુખ વૈભવશાળી જીંદગી ભોગવતા હોય ત્યારે અવશ્ય મનમાં સવાલ ઊઠે, આ માણસ કેટલો ખરાબ છે, છતાં આટલો સુખી કેમ? ઉપરનો શ્લોક જોઈએ તો જો તેનુ મન ખરાબ છે તો ગયા જનમ માં પણ તેનુ મન ખરાબ હતું અને ખરાબ કર્મો કર્યા જ હશે તો પછી આ જનમ માં આટલું સુખ કેવી રીતે ભોગવી રહ્યો છે? તેનુ મન ગત જન્મમાં ખરાબ હતું તો આ એજ મન છે. દરેક કર્મો મનને આધીન થાય છે.જો મન દરેક જન્મમાં સાથે ફરતું હોય, અને તેના સ્વભાવ પ્રમાણે તે ઇન્દ્રિયોને હાંકશે, અને કર્મો કરાવે. તો સારા માણસો સારા જ કર્મો કરશે અને ખરાબ માણસો ખરાબ કરવાના છે, છતાં સારા માણસો દુખી અને ખરાબ માણસો સુખી કેમ? આ પ્રશ્ન જરૂર દરેકને થાય.છતાં પણ જો ગીતાના દરેક શ્લોક ધ્યાનથી વાંચીને સમજીએ તો તેનો ઉત્તર આપણને ચોક્કસ મળે.આપણા બધા જ સવાલો નો જવાબ અને બધી શંકાનું સમાધાન ગીતામાં રહેલું છે, તેને સમજવાની જરૂર છે.
    આપણું જીવન એવું છે, કોઈ ક્રિયા (કર્મ) કર્યા વીના આપણે એક મિનિટ બેસી ન શકીએ. રોજની દિનચર્યા હોય ધારો કે ઊઠીને બ્રશ કરીને મોં ધોયુ એટલે આપણા દાંત અને મોં સાફ થઈ ગયા. સ્નાન કર્યું એટલે શરીર ચોખ્ખું થઈ ગયું. આ કર્મો તરતજ તેનુ ફળ આપે.આ બધા ક્રિયા કર્મો છે. ક્રિયા કર્મો એવા હોય તેનુ તરતજ ફળ મળે. અને આ ક્રિયા કર્મથી કોઈ પાપ પુણ્ય નથી ગણાતા, કેમકે તે અનિવાર્ય છે અને તેને લીધે આપણે કર્મ બંધનમાં નથી બંધાતા.જ્યારે સંચિત કર્મોનું ફળ તરત જ નથી મળતું. કર્મ જ્યારે પાકે તેનો સમય આવે ત્યારે ફળ આપે. સંચિત કર્મો પ્રારબ્ધ બનીને જીવનમાં આવે અને તેનો સમય આવે તેમ ફળ સ્વરૂપે સુખ-દુખ આપે.સારા ખોટા દરેક કર્મનું ફળ તો અવશ્ય મળે છે, દરેક વ્યક્તિએ તે કર્મ તેનો સમય આવે ત્યારે ભોગવવા જ પડે છે.
    દરેક માણસનું મન એક સરખું ન હોય છતાં પણ દરેક વ્યક્તિ હાલત અને સમયને અનુલક્ષીને કામ કરે, ઘણી વખત જીવનમાં એવી પરિસ્થિતી ઊભી થાય ત્યારે, સાફ મન વાળી વ્યક્તિ તે વખત ની પરિસ્થિતિને આધારે મજબૂરીમાં કોઈ અનુચિત કામ કરી બેસે. તે વ્યક્તિનું મન કાયમ માટે સાફ હોય, પરંતું તેનો સમય સારો ના હોય તો, એટલા સમય માટે તેનુ મન ચલિત થાય અને તે મજબૂરીમાં ન કરવાનુ કામ કરી બેસે, અને કર્મ બંધનમાં બંધાઈ જાય, તેને આજે નહી તો કોઈ પણ જન્મમાં આ કર્મો તો ભોગવવાના છે.સારા અને ખરાબ દરેક,માણસોને તેમના સંચિત કર્મો પાક્યા અને પ્રારબ્ધ રૂપે તે ભોગવી રહ્યા છે. આપણને આ નિયમ સમજાતો નથી અને સુખ-દુખ માટે પ્રશ્ન થાય છે.પરંતુ દરેક વ્યક્તિ આગલા જન્મના વિસ્મરણ ને લીધે વ્યથિત થઈ જાય છે.પોતાની જાતને સવાલ કરે હે પ્રભુ મેં આ જન્મમાં કોઈ ખરાબ કામ નથી કર્યાં તો આ કયા જન્મના કર્મો ભોગવી રહ્યો છું?
    જ્યારે બીજી તરફ ગમે તેટલો ખરાબ માણસ હોય તેણે જાણે અજાણે કોઈ સારા કામ કર્યા હોય અને તે પણ કર્મ બંધનમાં બંધાઈ જાય, તેને તેનુ સારું ફળ મળે.અને સુખ કોઈ પણ જન્મમાં ભોગવે છે.સારા અને ખરાબ દરેક કર્મોનું ફળ અવશ્ય મળે, તે પ્રારબ્ધ બનીને જીવનમાં આવીને ઉભાં રહે, તેને ભોગવવા પણ પડે. દરેક મનુષ્ય જાણે અજાણે સારા- ખોટા કામ કરતા જ હોય છે.મનુષ્યના કર્મો, એક જન્મના નથી હોતા. જન્મો-જન્મના અગણિત ભેગા થયેલા હોય છે. એટલે આ જન્મમાં આપણે જે ભોગવી રહ્યા છીએ તે કયા જન્મ નુ છે તે આપણને પણ ખબર નથી. અને વ્યાકુળ થઈ જઈએ છીએ.
    આમ જોઈએ તો જીવનમાં કોઈ સુખ-દુખ જેવું છે જ નહીં. આપણી સામે જે પરિસ્થિતિ આવે જો તેમાં મન ખુશ હોય, એ પરિસ્થિતિ મનને ફાવે તો મનને માટે એ સુખ છે.અને એ પરિસ્થિતિ મનને ન ફાવે, અકળાઈ ઊઠે, તો તેને માટે એ દુખ. એટલે સુખ અને દુખ એ તો મનના ખેલ છે.સુખ અને દુખ એ મનસ્થિતિ, મનની અવસ્થા છે, આત્માને તો કોઈ દુખ જેવી વસ્તુ જ નથી, તે સુખ-દુખથી પર છે, તે હમેશાં આનંદ મય, પ્રેમ સ્વરૂપ, ચેતનમય, આત્માનુ સ્વરૂપ છે ‘સત્ત-ચિત્ત-આનંદ’. મનુષ્ય દેહમાં, તેના જીવનમાં આત્મા સર્વસ્વ હોવા છતાં પણ મન પોતાને સર્વસ્વ માને છે, મન જડ, મુઢ છે અને તેની મુઢતાને કારણ તે મનુષ્યના જીવન ઉપર તેનુ રાજ કરે છે. દરેક માણસ સારી રીતે જાણે છે પાપ પુણ્ય કયાં કાર્યો કરવાથી મળે,પાપ-પુણ્ય ક્યાં સમાયેલાં છે, જાણવા છતાં પણ ન કરવાના કામો કરે અને લાલસા ને વશ થઈ તે કામ કરે.એ જાણે છે,તે જે કરે છે તે પાપ કર્મ છે.છતાં પણ તેને તે પાપ નથી માનતો,તેને તેમાં પાપ નથી દેખાતું. કેમ કે અહિયાં તેનો સ્વાર્થ સમાએલો છે. સ્વાર્થી માણસ લાલચ માં આંધળું થઈ જાય છે.વિચારે છે કર્મો ભોગવવા પડશે, આવતો ભવ કોણે જોયો છે, અને ત્યારે મને આ બધું થોડું યાદ રહેવાનું છે? હું માણસ જ બનીશ એની શું ખાતરી? ભગવાન મને કોઈ પણ યોનીમાં મુકી શકે.અને આવતી કાલ નુ વિચારી ને આજે શું કામ દુખી થવું? આજ ને તો સુખે થી માણી લઇએ, આવતી કાલ જોઈ લઈ શું, આવતી કાલ કોણે દીઠી? ભવિષ્યનું વિચારી ને આજે શું કામ દુખી થવું? આવા માણસો આજ માં જ જીવતા હોય છે. કોઈ પણ પદાર્થ કે વસ્તુમાં મન આસક્ત બને.ત્યારે આસક્તિ ને લીધે મનની અંદર તેને માટે લોભ-મોહ અને લાલસા જાગે છે.આ લાલસા ને લીધે માણસ સારા ખોટા કર્મો કરે જાય છે.દરેક માણસ, રજસ-તમસ-સત્વ આ ત્રણ ગુણો ને આધીન તેના મનમાં જુદા જુદા ભાવો અને વિકાર જાગે તેને આધારે કાર્ય કરે છે.ત્રણ ગુણ સ્વાભાવિક હોવાથી તેને આધારે માણસ કાર્ય કરે એ પણ સ્વાભાવિક છે,તેમાંથી કોઈ બાકાત ન રહે. કાર્ય કરવાની સમજ અને ઇન્દ્રિયોને વશમાં કરીને તેને નિયંત્રણ કરવાની જરૂર છે, જો ત્રણ ગુણને બૅલેન્સ કરતાં આવડે તો પાપ કર્મો ઓછા થાય.
    દરેક વ્યક્તિ ત્રણ પ્રકારે કર્મ કરે છે, વાચીક-માનસી-કાંઈક.
    વાચીક કર્મ — (જે આપણી વાણી થી થાય)
    ત્રણ પ્રકારની વાણી છે.
    સ્થુલ શરીરને – વૈખરી વાણી. (સાંભળી શકાય)
    શુક્ષ્મ શરીરને -પરા વાણી. (અવાજ કર્યા વીના બોલવું, ખાલી હોઠ ફફડે)
    કારણ શરીરને – અપરા વાણી. (હોય પરંતુ ન બરાબર) કારણ શરીર એ દેહની સુષુપ્ત અવસ્થા, અજ્ઞાન અવસ્થા છે. માટે શબ્દો છે, પરંતું વાણી નથી.
    કોઈ વખતે બિભત્સ શબ્દો બોલીને આપણે સામી વ્યક્તિને અપમાનિત કરીએ.તેને ગમે તેમ બોલીએ તો તેના દિલને ઠેસ પહોચ છે.તેના દિલને દુખ થાય છે. અને બીજા માટે બોલાયેલી ખરાબ વાણી પાપ કર્મ બની જાય છે.કોઈ નુ દિલ દુભાવવું એ તો બહુ મોટું પાપ કહ્યું છે.બીજાની નિંદા કરવી, અને ખાસ કરીને સાધુ-સંત અને ગુરુ ની નિંદા કરવી, તેઓના માટે ખરાબ બોલવું એ તો બહુજ મોટો અપરાધ છે. એને મોટું પાપ કહ્યું છે.તીર્થ સ્થળ માં કોઈની નિંદા કરવી એ પણ બહુ જ મોટું પાપ કહ્યું છે.આપણું ધ્યાન ન હોય પરંતું આપણે વાણી થી પણ જાણે અજાણે પાપ કર્મ કરી બેસીએ છીએ.આપણા ગુરુ, જ્યાં નિંદા ચાલતી હોય ત્યાં મૌન રહેવાની સલાહ આપે છે,બીજું કોઈ નિંદા કરતું હોય તેમાં સાથ પણ નહી આપવાનો. મૌન રહેવું અથવા એ જગ્યાએથી ચાલી જવું.નિંદા કરવી અને સાંભળવી બંને પાપ કર્મ છે.બોલનાર અપરાધી છે તો સાંભળનાર પણ એટલો જ અપરાધી છે.બંને એટલા જ પાપ કર્મના સરખા ભાગીદાર છે. એટલા માટે સાધુ-સંત, આપણને સમજાવે છે
    “ऐसी वाणी बोलिए, मन का आपा खोय
    औरनको शीतल करें, आपहुं शीतल होय.”
    હમેશાં વાણીમાં વિવેકની જરૂર છે. વાણીમાં વિવેક અને મર્યાદા હોય તો વાણીમાં મધુરતા આવી જાય.આ વાણી અમૃત સમાન બની જાય.વાણી અમૃત ઝરણું બનીને, દરેક ના દિલને ઠંડક પહોચાડે અને સાંભળવી પણ ગમે.વાણીની મર્યાદા અને વાણીનો વિવેક એ વાણીનું તપ કહ્યું છે.વાણીનો પ્રભાવ સામેની વ્યક્તિ ઉપર પડતો હોય. આપણે જેવું બોલીયે તેના ઉપરથી આપણી બુધ્ધિ પ્રતિભા, આપણા વિચારો, આપણા સંસ્કારો સામેની વ્યક્તિ આગળ પ્રગટ થતા હોય છે.આપણી વાણી જ આપણું વ્યક્તિત્વ સામા માણસ આગળ રજુ કરી શકે છે. એટલા માટે બોલવા માં બહુજ સાવચેતી અને ધ્યાન રાખવું જોઈએ.
    ઘણી વખત માણસ મનમાં પણ બોલે છે, જે બહાર કોઈ સાંભળી ન શકે.ભગવાન બુધ્ધની સભામાં હજારો માણસ બેસતા હતા. ભગવાન બુધ્ધ કંઈ બોલે નહી, મૌન થી બધાના પ્રશ્નોનુ નિરાકરણ થતું હતું.તેમાં કોઈ વાણી ન હોય. સમાધિની મૌન ભાષા જે સાધક જ સમજી શકે.
    સામાન્ય માણસો માટે આ મૌન વાણી થી પણ, સારા ખોટા વિચારોનો લીધે કર્મ બંધનમાં બંધાઈ જવાય છે.મનની અંદર વિચારો દ્વારા આપણી વાણી બોલાતી હોય જે બહાર કોઈને ખબર ન પડે.પરંતુ મનની અંદર ઘણી બધી વાતો ચાલતી હોય.મનમાં જ કોઈના વખાણ કરે,તો મનમાં કોઈને ગાળો બોલતાં હોય.મનની વાણી કોઈ નુ સારું ઇચ્છે તો કોઈ નુ ખરાબ ઇચ્છે.મન જ્યારે વિચારે ત્યારે આ વિચારો ને શબ્દ તો જરૂર હોય, વાચા નથી હોતી.
    અપરા વાણી તે આપણી સ્વપ્ન અવસ્થા છે જેમાં આપણી ઈન્દ્રિયો અને મન શાંત હોય.સ્વપ્ન દેખાય એટલે એ સ્વપ્નનો જે પ્રસંગ હોય તેના માટે શબ્દો હોય પરંતું તે કહેવા માટે વાણી ન હોય. કેમકે તે સુષુપ્ત અવસ્થા છે.સુષુપ્ત અવસ્થામાં આપણે તે વખતે બોલી શકતા નથી.
    માનસી કર્મ —
    માનસી કર્મ જે આપણે મનથી કરીએ છીએ, જે કાર્યમાં લાવ્યા નથી પરંતું જેના માટે વિચારી રહ્યા છીએ. તેના માટે તો ઘણા નો અભિપ્રાય છે, વિચારેલુ જ્યાં સુધી તેને કાર્યમાં ના લાવીએ ત્યાં સુધી તે પાપ કર્મ નથી. કેમકે તે કર્મ હજુ કર્યું નથી. તો કોઈ વળી કહે છે મનથી ખરાબ વિચાર આવે,તે કરવાની વ્યૂહરચના બનાવી એ અને પછી અમલમાં મુકવાની ઈચ્છા કરીએ, તે પણ પાપ કર્મ જ કહેવાય. એટલે ઘણા બધા લોકો ના માનસી કર્મ માટે અલગ અલગ અભિપ્રાય છે.પરંતુ વૈષ્ણવ સંપ્રદાયે તો માનસી પુજા ઉપર ભાર મૂક્યો છે. આપણી માનસી પુજા ભગવાન સ્વિકારે છે.અને માનસી પુજા ને શ્રેષ્ઠ ગણી છે.જો મનથી કરેલ સારું કર્મ સ્વીકાર્ય છે, તો મનથી કરેલ પાપ કર્મ પણ કદાચ ભગવાનના દરબારમાં, પાપ કર્મ રૂપે સ્વીકાર્ય થતું હશે. એમ હું માનું છું, આ વસ્તુમાં દરેક ના વિચાર અને માન્યતા જુદી જુદી હોઈ શકે, બે મત હોઈ શકે, દરેકનું વિચારવા નુ અલગ હોઈ શકે.આપણા શાસ્ત્રો, વેદ-વેદાંત, ઉપનિષદોએ તો આપણને માર્ગ બતાવ્યાં પરંતુ દરેક તેનુ કેવી રીતે અર્થઘટન કરે છે, અપનાવે છે, તે વ્યક્તિની સમજ અને વિચારો ઉપર આધારિત છે. આપણા જીવનમાં આપણે બધાને અનુભવ થયો હોય છે, ઘણી વખત આપણે કોઈના માટે વિચારતાં હોઇએ અને એ વ્યક્તિ નો ફોન આવે તેનો સંદેશ મળે.જે વ્યક્તિને આપણે મનથી યાદ કરતા હોઇએ અને એ વ્યક્તિ એજ સમયે આપણાથી દુર હોય તો પણ આપણા માટે વિચારે.આ ને આપણે ટેલિપથી કહીએ છીએ.આપણા મનનો વિચારવા નો પ્રભાવ કેટલો બધો પડે છે. ઈન્ગલીશ બુક ‘The Secret’ માં લખ્યું છે, આપણે જે વિચારીએ તે વિચારો ને, યુનિવર્સ ડબલ ફોર્સમાં આપણા જીવનમાં પાછા મોકલે છે. એટલે એનો અર્થ એટલો જ છે જેવું વિચારીયે તેવુ તેનુ પરિણામ આવે.ભગવાન ને મનથી કરેલ પ્રાર્થનામાં કેટલી બધી શક્તિ સમાએલી છે.સાચા મનથી કરેલ પ્રાર્થના પણ ઈશ્વર જરૂર સાંભળે છે.મનની અગાધ શક્તિને વાપરવાનું યોગ્ય જ્ઞાન માણસ પાસે હોવું જરૂરી છે.કોઈ પણ વસ્તુ માટે આપણે સારું વિચારી એ, હકારાત્મક વિચારો ધરાવતા હોઇએ તો બધું સારૂં જ થાય. જોઈ કોઈ વસ્તુ માટે નકારાત્મક વિચારો હોય ખોટું વિચારતાં હોય તો તેનુ પરિણામ સારું ન આવે.
    મોટા ભાગના દરેક કર્મો તો મનથી જ થતા હોય છે.આપણે કોઈના માટે રાગ-દ્વેષ કરીએ છીએ તે મનથી કરીએ છીએ. કોઈને ધિક્કારીએ, કોઈની ઈર્ષા કરીએ તે મનથી જ કરીએ છીએ. આપણી દરેક કાર્યની સાથે સીધી રીતે જ મન જોડાએલું છે. પછી તે સારું કાર્ય હોય અથવા તો ખરાબ કાર્ય હોય. દરેક કાર્યમાં મનની શક્તિની જરૂર છે. મન જેમ ઇચ્છે તેમ મનની ઇચ્છાથી જ દરેક કામ થાય.મન સારા ખોટા કાર્યો કરાવે છે, મન માણસને પાપ અને પુણ્યમાં નાખી અને કર્મ બંધનમાં જકડીને, પછી પ્રારબ્ધ ને આધીન કરે છે.મન જ માનવી ને માનવ બનાવી શકે, અને દાનવ બનાવી શકે, પશુ સમાન પણ બનાવી શકે છે.મનથી તો આપણે સારા ખોટા અસંખ્ય કર્મ કરીએ છીએ જે બહાર કોઈને ખબર નથી પડતી ખાલી આપણું મન જાણતુ હોય.ઈશ્વરને પ્રેમ, સ્મરણ અને ચિંતન મનથી થાય છે.
    કાઈક કર્મ —
    આ કર્મ જ્યારે કરીએ ત્યારે બધા તે જાણી શકે છે અને જોઈ શકે.આ કર્મો જ બહુ મોટા છે અને આ કર્મો જ સુખ-દુખ માટે જવાબદાર છે.માણસ જ્યારે બાળપણ વીતાવીને ભણી ગણીને તૈયાર થાય, એટલે ત્યાર બાદ તેનો વિવાહ સંપન્ન થાય છે.તેની જવાબદારી વધી જાય છે.હવે તેને પોતાના પરિવાર તરફ જવાબદારી શરૂ થાય છે, તેના માટે અર્થ વ્યવસ્થા, આ માટે તો, રાત-દિવસ એક કરીને ખુબજ મહેનત કરે છે.કુટુંમ્બનુ ભરણ પોષણ ની જવાબદારી તેના માથા પર છે.વૈભવશાળી જીવન જોઈએ. સુખ-સંપત્તિ અને વૈભવશાળી જીંદગી માટે, અહિંયાથી શરુઆત થઈ જાય અનિતી અને અધર્મ.પૈસા કમાવવા માટે ગમે તેવા કામ કરવા તૈયાર થાય છે.મનની લાલચ અને લાલસા ને કોઈ અંત હો તો નથી.મન, ધન-દોલત માટે આસક્ત થાય એટલે જ મનમાં લાલચ જાગે.લાલચ માં, પૈસા ના મોહ-માયામાં માણસ આંધળું બની જાય છે. મનની અંદર,કાવા-દાવાના દાવ પેચ,જુઠ-ફરેબ-દગો કરતાં પણ નથી ખચકાતો.હવે શરૂ થાય છે,અધર્મ અને અનિતી ! અનીતિનો પૈસો ઘરમાં આવવા નો શરૂ થાય છે. પૈસા માટે કેટલા પાપ કર્મો કરવા પડે છે.માણસ બધુ જ જાણે છે, સમજે છે, છતાં પણ ખોટા કર્મો કરતાં જરાય ડર નથી લાગતો.તેને કોઈ ભય નથી. તેના મનમાં બસ પૈસા કમાવવાનો નશો રડ્યો હોય છે.મોહ ને લીધે સારુ-ખોટું વિચારવા માટે બુધ્ધિ કામ કરતી બંધ થઈ જાય છે.પૈસા ના લોભ માં બુધ્ધિ ભ્રમિત થઈ જાય છે.મનને તો જોઈએ છે,ખુશી આનંદ! મન, ખુશી-આનંદ પૈસા માં અને વૈભવ માં શોધે છે.સાચી ખુશી ક્યાં છે? શે માં છે, તે મનને સમજાતુ નથી.
    દરેક વ્યક્તિને પોતાના હાથમાં છે,પોતાનુ પ્રારબ્ધ જાતે બનાવી શકે છે.આપણા જન્મ પહેલાં તો આપણે આપણું પ્રારબ્ધ લખી દીધું હોય છે. ઈશ્વરના હાથમાં કંઈ નથી. આપણે આપણા પ્રારબ્ધ માટે વિધાત્રી ને દોષ દઈએ છીએ. વિધાત્રી શું કરે? તેમને તો ઈશ્વરે લખવા નુ કામ સોંપ્યું છે.એ તો આપણા સુખ-દુઃખની વ્યવસ્થા કરી રહ્યાં છે. ઈશ્વરે આપણને મનુષ્ય દેહ આપ્યો, કર્મ-ભક્તિ-જ્ઞાન માર્ગ બતાવ્યો જીવન સરળ બનાવીને જીવતાં શીખવાડ્યુ.ઈશ્વર આપણા કર્મનો ન્યાય કરે છે, અને ફળ આપે છે. કર્મ આપણે કરવાના છે. ફળ આપવાનું કામ ઈશ્વરના હાથમાં છે.
    મનની શક્તિ એટલી બધી છે, મન ધારે તો શું ના કરી શકે? આપણા શરીરને શક્તિ અને જોમ આપવામાં પણ મનનો સાથ છે.મન ખુશ તો શરીરમાં પણ સ્ફૂર્તિ આવી જાય.મન બિમાર તો શરીર બિમાર. એટલે સૌથી પ્રથમ મનને સ્વસ્થ રહેવાની જરૂર છે.
    ભક્તિ-જ્ઞાન.
    ભગવાન તરફ રતી, ઈશ્વર તરફ અનુરાગ હોય તે ભક્તિ. મનના રાગ-દ્વેષ છૂટીને ઈશ્વર તરફ અનુરાગ થાય તે ભક્તિ છે. મન સતત ઈશ્વર માટે જ વિચારે, મન ઈશ્વર ચિંતન માં જ રહે. ઈશ્વર માટે પ્રેમ એ છે, ભક્તિ. જીવન ના જે મુખ્ય ચાર સ્તંભ બતાવ્યાં છે, ધર્મ-અર્થ-કામ-મોક્ષ,તેમાં મોક્ષ એ મનુષ્યનું અંતિમ ધ્યેય છે. આપણું આ ધ્યેય પરમાત્માની ભક્તિ- આરાધના અને જ્ઞાનથી સિધ્ધ કરી શકીએ.
    સકામ ભક્તિ હોય તો પરમાત્માની પ્રાપ્તિ શક્ય નથી. પરંતું જ્યારે નિષ્કામ ભક્તિ કરીએ તો ઈશ્વરને તે ભક્તિ સ્વીકાર્ય છે, માન્ય છે.ભક્તિમાં આપણે ભગવાનની ઉપાસના કરીએ તેમાં પૂજા-પાઠ, આરતી, મંત્ર જાપ, મનન, ચિંતન વગેરે કરીએ છીએ, તેમાં પ્રેમ હોવો અતિ આવશ્યક ગણાય. પ્રેમ વીના ની ભક્તિ તે ખાલી એક ક્રિયા બનીને રહી જાય છે. એટલે ભક્તિમાં ભગવાન પ્રત્યે પ્રેમભાવ બહુજ જરૂરી છે.બીજું ભક્તિમાં અતિ આવશ્યક છે નિયમ,નિયમિતતા હોય તો જ ભક્તિ શક્ય છે.વિવેક અને વિનય થી જ ભક્તિ સરળ બને છે.જ્યારે સંસાર તરફ માયા ઓછી થાય ત્યારે જ ઈશ્વર તરફ પ્રેમ વધે.સંસાર ની માયામાં બંધાયેલા રહીએ તો ભક્તિ શક્ય નથી. ફરજો, પરિવાર તરફ આપણો જે કર્તવ્ય ધરમ તો નિભાવવાનો છે. સાથે સાથે નિસ્વાર્થ ભક્તિ કરવાની છે. ભક્તિમાં ભક્તનો પ્રેમ વધે તેની સાથે દિવાનગી વધી જાય છે. ભકત ઈશ્વર તરફ વધારે ને વધારે નજીક થતો જાય, ભગવાન અને ભક્ત એકરૂપ થઈ જાય છે.શ્રી કૃષ્ણએ સમજાવ્યું છે.ભક્તનું મન નિર્વિકાર,નિર્મળ સાફ હોવું જરૂરી છે.મલિન હ્રદયમાં,ભગવાન કેવી રીતે બિરાજમાન થાય ? ભગવાન ને સાફ મન ગમે છે. શ્રી કૃષ્ણએ ૧૨ મો અધ્યાય ભક્તિ યોગમાં એક સાચા ભક્તો ના લક્ષણ બતાવ્યાં છે.અત્યારે સૌ કોઈ ભક્તિ તો કરે છે. પરંતુ ભક્તિમાં કોઈને કોઈ કામના અને સ્વાર્થ છુપાયેલો હોય છે.પ્રભુ જાણે છે,ચાલો આજે સકામ ભક્તિ કરે છે આજે નહી તો કાલે નિષ્કામ ભક્તિ જરૂર કરશે.ભક્તિ માર્ગ તો પકડ્યો છે. તેનો આ જન્મમાં નહી તો બીજા જન્મમાં ઉદ્ધાર નક્કી થવાનો જ છે, કારણ તેણે સાચી રાહ પકડી છે.મારા ભક્તને હું મારી તરફ જ ખેંચીશ. હું તેનો ઉદ્ધાર ચોક્કસ કરીશ. ઈશ્વર દરેક મનુષ્યને ઓળખે છે તો ભક્ત તો તેમના ખાસ ગણાય. પરમાત્માની ભક્તિ ચાલુ કરી છે એટલે એક નહી તો બીજો જનમ, બીજો નહી તો ત્રીજો જનમ, તેને ઈશ્વર પોતાનો કરી જ લે છે. મુક્તિ અવશ્ય મળે જ. સાચા ભક્તની વાત કરીએ ત્યારે ભક્ત મીંરાબાઈ, નરસિંહ મહેતા, ધ્રુવ, પ્રહલાદ ચોક્કસ યાદ આવે. તેમને યાદ કર્યા વીના આપણે રહી ન શકીએ.તેઓની ભક્તિ, ઈશ્વર તરફ પ્રેમ ચરમ સીમાએ પહોંચ્યો હતો. અને પરમાત્માને પામ્યા હતા.
    કર્મ અને ભક્તિથી મોક્ષ શક્ય છે. તો મોક્ષ માટે જ્ઞાનની પણ એટલી જ આવશ્યકતા છે. જ્ઞાન વિના ભક્તિ અધૂરી છે. ભક્તિ માર્ગમાં જ્ઞાન અતિ આવશ્યક ગણાય.ભક્તિ સાથે જો જ્ઞાન હોય તો સોના માં સુગંધ ભળી જાય. જ્યારે ભક્તને જ્ઞાનની ભૂખ જાગે ત્યારે તે ગમે ત્યાંથી ગમે તેમ કરીને જ્ઞાન પ્રાપ્ત કરી લે છે.જે જગ્યાએ જવુ છે તે રસ્તો જ ન ખબર હોય તો તે જગ્યાએ કેવી રીતે પહોંચાય? પરમાત્માની પ્રાપ્તિનું જ્ઞાન હોવું જરૂરી છે.જ્ઞાન માર્ગમાં દેહ અને આત્માનો ભેદ બતાવ્યો છે. જે સ્થુલ દેહ દેખાય છે તે સાચો નથી આત્મા જ સાચો છે. આ દેહ કર્તા-ભોક્તા છે તે મનનુ કારણ છે. આત્મા તેનો સાક્ષી માત્ર છે.પરમાત્મા અને આત્મા બે નિત્ય છે બાકી બધુ જ ખોટુ અસત્ય છે, નિત્ય નથી. આ દેહ, સૃષ્ટિ, પુરો સંસાર જે દેખાય છે તે અનિત્ય છે. કેવળ ઈશ્વર સત્ય, નિત્ય શાશ્વત છે. તેમને પામવું એજ દરેક મનુષ્યનું અંતિમ લક્ષ્ય ગણાય. તેને માટે જ પ્રયત્ન કરવાનો હોય.મનમાં અતૂટ શ્રધ્ધા હોય તો પરમાત્માની પ્રાપ્તિ શક્ય છે. કર્મ-ભક્તિ-જ્ઞાનથી જ, મનુષ્ય આત્મા અને પરમાત્મા એક રૂપ થઈ જાય.પછીથી ન કોઈ જન્મ ન કોઈ મૃત્યુ ! આ છે આપણા દેહની જન્મ-મરણની મુક્તિ. તેને જ મોક્ષ કહ્યે છે.

No comments: