શ્રીમદ્ભાગવત સ્કંધ – 6 (Page 50)
માયાનું ઘણી રીતે
વર્ણન કરવામાં આવ્યું છે. શંકરાચાર્ય મણિરત્નમાળામાં વ્યાખ્યા આપતાં કહે છે-કે-
કંચન અને કામિનીમાં
જે ફસાયેલો છે-તે માયામાં ફસાયેલો છે.
શંકરાચાર્યે મણિરત્નમાળામાં
પ્રશ્નો અને જવાબ ઘણી ઉત્તમ રીતે આપેલા છે. એક એક શબ્દમાં ઘણો બોધ આપ્યો છે.
--બંધાયેલો કોણ ?-- જે પાંચ વિષયોમાં આસક્તિવાળો છે તે.
--છૂટેલો કોણ ?-- જેણે વિષયો તરફ વૈરાગ્ય આવ્યો છે તે.
--ઘોર નરક કયું ?-- પોતાનો જ દેહ.
(શરીરમાં કશું સુંદર નથી મૂત્ર,વિષ્ટા,માંસ –લોહી વગેરે દુર્ગંધયુક્ત પદાર્થો તેમાં ભરેલા છે.)
--સ્વર્ગમાં જવા માટેનું પગથીયું કયું ?-- સર્વ તૃષ્ણાઓનો ક્ષય.
--દરિદ્ર કોણ ? --જેને ઘણી તૃષ્ણાઓ છે તે.
--શ્રીમંત કોણ ? --જે સદાને માટે સંતોષી છે તે.
--મોટામાં મોટો રોગ કયો ? --જન્મ ધારણ કરવો તે.
--આ રોગને દૂર કરવાનું ઔષધ કયું ?-- પરમાત્મા સ્વરૂપનો વારંવાર વિચાર કરવો તે.
અજામિલ
ચરિત્ર બોધ આપે છે-કે-પરમાત્માના નામમાં અજબ શક્તિ છે. સાધારણ માનવ સમજાવવાથી સુધરતો
નથી.
તેને
સજા થાય તો સુધરે છે. પાપનો
પસ્તાવો થાય તો પાપ બળે છે. મંત્ર જપ એ પાપનું પ્રાયશ્ચિત છે.
શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે
નાથ નારાયણ વાસુદેવ.
આ મહામંત્ર
છે. આ મંત્રનો જપ –અર્થના અનુસંધાન સાથે કરવો જોઈએ.
શ્રી
કૃષ્ણ = સર્વનું આકર્ષણ કરનારા
(મારા મનનું આપના તરફ આકર્ષણ કરો)
ગોવિંદ = ઇન્દ્રિયોનું રક્ષણ
કરનારા (મારી ઇન્દ્રિયોને તમારાંમાં લીન કરો )
હરે = દુઃખોનું હરણ કરનારા
(મારાં દુઃખોનું હરણ કરો )
મુરારે = મૂર્ નામના રાક્ષસને
મારવા વાળા (મારા મનમાં ભરાયેલા કામ-ક્રોધાદિ રાક્ષસો ને મારો)
હે
નાથ = તમે નાથ અને હું સેવક
નારાયણ = હું નર અને તમે નારાયણ
છો.
વાસુદેવ = વાસુ =
વ+અ+સ+ઉ
à અસ એટલે પ્રાણ. મારા પ્રાણનું રક્ષણ કરો. મારું
મન તમારાં ચરણમાં અર્પણ કરું છું.
પ્રાચીનર્બહી રાજાને
ત્યાં પ્રચેતા નામના દસ પુત્રો થયેલાં, એમને ત્યાં દક્ષ નામનો પુત્ર થયેલો.
દક્ષને ત્યાં દસ હજાર
પુત્રો થયા. દક્ષે તેઓને પ્રજા ઉત્પન્ન કરવાની આજ્ઞા કરી. પરંતુ નારાયણ સરોવરના જળનો
સ્પર્શ થતાં –
તેઓને પરમહંસ ધર્મ
આચરવાની બુદ્ધિ થઇ.ત્યાં તેઓને નારદજી મળ્યા. નારદજીએ આ દસ હજાર પુત્રોને કૂટપ્રશ્નો
કર્યા.
તેના જવાબો તે પુત્રોએ
વિચાર્યા, અને વિચાર કરી મોક્ષમાર્ગે
પ્રવૃત્ત થયા. સર્વને નારદજીએ સંન્યાસ લેવડાવ્યો છે.
અહીં
નારદજીના થોડા કૂટપ્રશ્નો અને તેના ઉત્તરો જોઈએ-
--જ્યાં એક જ પુરુષ છે-તેવો દેશ કયો
? --(ઈશ્વરરૂપ ) પુરુષ આ દેહમાં (દેશમાં) રહેલો છે.
--જેમાં જવાય પણ નીકળાય નહિ તે જગા કઈ ?—પ્રભુના ચરણ (ત્યાંથી પાછું ફરાતું નથી)
--બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં વહેનારી નદી કઈ ?—સંસાર. (પ્રવૃત્તિ-વિષયો તરફ અને નિવૃત્તિ પ્રભુ તરફ લઇ જાય છે.)
--માથે ચક્ર ફરે છે-તે શું ?—કાળ ચક્ર દરેક જીવને માથે ફરે છે.
દક્ષે જોયું કે પોતાના
દસ હજાર પુત્રો પ્રવૃત્તિ માર્ગ માંથી ભ્રષ્ટ થયા છે-એટલે તેણે બીજા દસ હજાર પુત્રો
ઉત્પન્ન કર્યા.
આ બીજા દસ હજાર પુત્રો
પણ નારદજીના ઉપદેશથી નિવૃત્તપરાયણ થયા. તેથી દક્ષ પ્રજાપતિએ ગુસ્સે થઇ નારદજીને શાપ
આપ્યો-કે તમે એક ઠેકાણે કદી રહી શકશો નહિ. અનેક ઠેકાણે ભટકવું પડશે.
નારદજીએ શાપ માથે
ચઢાવ્યો છે. નારદજી કહે છે-હું તને શાપને બદલે વરદાન આપું છું-કે હવે તારે ત્યાં પુષ્કળ
કન્યાઓ થશે-એટલે સંન્યાસનો પ્રશ્ન નહિ રહે.
શુકદેવજી વર્ણન કરે
છે-રાજન,તે પછી દક્ષને ત્યાં
સાઠ કન્યાઓ થઇ.
તેમાં અદિતિને ત્યાં
બાર બાળકો થયાં. તેમાંના એકનું નામ –ત્વષ્ટા.
અને ત્વષ્ટા પ્રજાપતિને
ત્યાં વિશ્વરૂપ થયા છે.
એક દિવસ ઇન્દ્ર સિંહાસન
પર બેઠા હતા. તે વખતે બૃહસ્પતિ ઇન્દ્રસભામાં આવ્યા.
દેવોના તથા પોતાના
ગુરુ સભામાં આવ્યા છતાં ઇન્દ્રે તેનું ઉભા થઇ સ્વાગત કર્યું નહિ.પોતાના આ અપમાનથી બૃહસ્પતિએ
દેવોનો ત્યાગ કર્યો, ઇન્દ્રને શાપ આપ્યો-તું
દરિદ્ર થશે.
આ અવસર સારો છે-એમ
જાણી દૈત્યોએ દેવો સાથે યુદ્ધ આરંભ્યું. દેવોને હરાવી સ્વર્ગનું રાજ્ય દૈત્યોને મળ્યું.
હારેલા દેવો બ્રહ્મા
પાસે ગયા. બ્રહ્માએ ઠપકો આપ્યો અને કહ્યું-બ્રાહ્મણનું અપમાન કરવાથી તમે દરિદ્ર થયા
છો.
હવે કોઈ બ્રહ્મનિષ્ઠ
બ્રાહ્મણને ગુરુ માની બૃહસ્પતિની ગાદી પર બેસાડો.
દેવોએ પૂછ્યું –એવા બ્રહ્મનિષ્ઠ બ્રાહ્મણ કોણ છે ? બ્રહ્માએ કહ્યું-ત્વષ્ટા પ્રજાપતિનો પુત્ર વિશ્વરૂપ
બ્રહ્મનિષ્ઠ છે.
વિશ્વ
એટલે જગત .વિશ્વ એટલે વિષ્ણુ ભગવાન. વિશ્વના પ્રત્યેક પદાર્થમાં વિષ્ણુને જુએ તે વિશ્વરૂપ.
વિશ્વરૂપ
કેવળ બ્રહ્મજ્ઞાની નહિ પણ બ્રહ્મનિષ્ઠ પણ છે. તેની બ્રહ્મદૃષ્ટિ છે.
બ્રહ્મદૃષ્ટિ
રાખનારો બ્રહમવિદ્યાનો ઉપદેશ કરી શકે છે. અને તેના ઉપદેશની અસર પણ થાય છે.
નારાયણ-કવચએ બ્રહ્મવિદ્યા
છે. કવચ એટલે બખ્તર. નારાયણ-કવચ મંત્રાત્મક બખ્તર છે.
બ્રહ્માના કહેવાથી
દેવો વિશ્વરૂપ પાસે ગયા. વિશ્વરૂપે દેવોને નારાયણ-કવચ આપ્યું.
તેથી તેમનું રાજ્ય
જે બૃહસ્પતિનું અપમાન કરવાથી –અસુરો પાસે ગયું હતું -તે -અસુરોને હરાવીને પાછું મળ્યું.
વિશ્વરૂપને ગુરુની
ગાદી આપી.
વિશ્વરૂપનું મોસાળ
દૈત્યકુળમાં હતું. વિશ્વરૂપ સર્વમાં બ્રહ્મનિષ્ઠા રાખનાર હતો. તેથી યજ્ઞમાં દૈત્યોને
પણ આહુતિ આપે છે.
ઇન્દ્રને આ જાણવામાં
આવ્યું, તેને આ ઠીક લાગ્યું
નહિ. તેની સર્વમાં બ્રહ્મ ભાવના સિદ્ધ થઇ નહોતી. ગુરુને આમ કરવાની ના પાડી,
પણ ગુરુ માનતા નથી,
આથી તેણે વજ્રથી વિશ્વરૂપનું
મસ્તક કાપી નાખ્યું.
વિશ્વરૂપના પિતા ત્વષ્ટા
પ્રજાપતિને બહુ દુઃખ થયું. તેમણે વિચાર્યું-મારો
દીકરો બહુ સરળ હતો.દેવોએ તેમનું કામ સિદ્ધ થયા પછી – તેને મારી નાખ્યો. તેને છેતરીને મારી નાખ્યો. હું
પણ યજ્ઞ કરીશ. જે યજ્ઞથી ઇન્દ્રને મારનારો પુત્ર થાય.
ત્વષ્ટા પ્રજાપતિ
એ યજ્ઞ કર્યો. પણ યજ્ઞના મંત્રમાં ભૂલ થવાથી, ઇન્દ્રને મારનારને બદલે-ઇન્દ્રના હાથે મરનાર પુત્ર
ઉત્પન્ન થયો.
ઇન્દ્રશસ્ત્રો
વિવર્ધસ્ત્ર—(ઇન્દ્ર
શબ્દને દીર્ઘ કર્યો અને શસ્ત્રો શબ્દને હસ્વ કર્યો. આમ કરવાથી શબ્દાર્થમાં ફરક થઇ જાય
છે.ઇન્દ્ર શબ્દ –પ્રધાન- થયો. એટલે- ઇન્દ્રને મારનાર-
ને બદલે -ઇન્દ્ર થી મરનાર –અર્થ થઇ જાય.)
વેદોનો –વેદ મંત્રોનો શુદ્ધ ઉચ્ચાર મહત્વનો છે. મંત્રના
ઉચ્ચારણમાં કે પાઠમાં ભૂલ થાય તો અનર્થ થાય.
એટલે બધાને વેદોનો
અધિકાર આપ્યો નહોતો. માત્ર વિદ્વાન –જાણકાર –જ વેદોનો પાઠ કરી શકે છે.
(આજકાલના જમાનામાં
તો વેદોનું પુસ્તક તો શું –પણ પુસ્તકનો ફોટો
પણ જોયો હોતો નથી –પણ વ્યાસે વેદોનો
અધિકાર માત્ર બ્રાહ્મણોને જ કેમ આપ્યો? બીજા ને કેમ નહિ? એની ચર્ચામાં મશગુલ થઇ જાય છે-એ શું આશ્ચર્ય નથી
??)
કર્મની
નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની નિંદા ભાગવતમાં ઠેર ઠેર કરવામાં આવી છે.
સકામ કર્મમાં દેવ
પર જબરજસ્તી થાય છે-“મારું આટલું કામ તમારે કરવું જ પડશે.”
સકામ
કર્મ સફળ થાય તો વાસના વધે છે.સકામ કર્મ માં નિષ્ફળતા મળે તો-મનુષ્ય નાસ્તિક થાય છે.
તેથી સકામ કર્મની નિંદા કરી છે.
ભાગવત શાસ્ત્રમાં કેવળ ભક્તિનો જ મહિમા છે.
કર્મ કરો ત્યારે એક જ હેતુ રાખવાનો-કે- મારા લાલાજી મારા પર પ્રસન્ન થાય.
યજ્ઞકુંડમાંથી મોટો
અસુર નીકળ્યો છે-તેનું નામ વૃત્રાસુર રાખ્યું છે. તે દેવોને ત્રાસ આપવા લાગ્યો. દેવો
આથી ગભરાયા.
અને પરમાત્માના શરણે
ગયા. પરમાત્માએ કહ્યું-દધિચી ઋષિના અસ્થિનું વજ્ર બનાવો-તેનાથી વૃત્રાસુર મરશે.
પોતાનું દિવ્ય તેજ
–પ્રભુએ વજ્રમાં પધરાવ્યું.
વૃત્રાસુરને મારવા ઇન્દ્ર આ વજ્ર લઈને જાય છે.
વૃત્રાસુર=ત્રાસ આપનારી વૃત્તિ. બહિર્મુખી વૃત્તિ
તે વૃત્રાસુર. (વૃત્તિ અંતર્મુખ થાય તો જીવ -ઈશ્વરનું મિલન થાય છે.)
બહિર્મુખી વૃત્તિ
ને જ્ઞાનરૂપી વજ્ર થી કાપી નાખવાની છે.
જ્ઞાન
એ પ્રધાનબળ (શક્તિ) છે. તેથી તેના વડે બહિર્મુખી વૃત્તિઓ (વિષય વૃત્તિઓ-વૃત્રાસુર)
ને મારવાથી – ઇન્દ્રિયોના અધિષ્ઠાતા દેવોને શાંતિ
મળે છે.
ભાગવતમાં પહેલાં ચરિત્ર (ઉદાહરણ) આવે છે-પછી ઉપસંહારમાં સિદ્ધાંત (જ્ઞાન)
આવે છે.
વૃત્રાસુર
રાક્ષસ છે-પરંતુ કૃપાપાત્ર દૈવી જીવ છે,
ભગવદભક્ત
છે.
ઇન્દ્રના
હાથમાં રહેલા વજ્રમાં તેને નારાયણના દર્શન થાય છે.
વૃત્રાસુર
પુષ્ટિ ભક્ત છે-પુષ્ટિ એટલે અનુગ્રહ. ઇન્દ્રના હાથમાં વજ્ર છે-પણ તેને નારાયણ દેખાતા
નથી.
ઇન્દ્રને
તે કહે છે-કે- તું જલ્દી વજ્ર માર. ભલે તારી જીત થાય પણ તારા કરતા મારા પર ભગવાનની
વિશેષ કૃપા છે.
ઇન્દ્ર, તારી
જીત થવાની છે-તને સ્વર્ગનું રાજ્ય મળશે, પણ હું તો પરમાત્માના ધામમાં જઈશ. જ્યાંથી મારું પતન થવાનું નથી.
તારું
તો કોઈ દિવસ સ્વર્ગ માંથી પતન થશે-પણ મારું પતન થવાનું નથી. તેથી હું માનુ છું કે મારા પર પ્રભુની
કૃપા વધારે છે.
ભલે
મને લૌકિક સુખ મળે કે ન મળે.પણ હું ભગવાનના ધામમાં જઈશ.
ઇન્દ્રના વજ્રમાં
રહેલા નારાયણના દર્શન કરી વૃત્રાસુર શ્રીહરિની સ્તુતિ કરે છે.(ભાગવત-૬-૧૧-૨૪ થી ૨૭)
વૃત્રાસુરની આ સ્તુતિના
વૈષ્ણવ ગ્રંથોએ ખુબ વખાણ કરેલાં છે. ત્રીજા શ્લોકને ઘણા મહાત્માઓએ પોતાનો પ્રિય શ્લોક
માન્યો છે.
વૃત્રાસુરની સ્તુતિમાં ---
--પહેલા શ્લોકમાં શરણાગતિ છે.
--બીજા શ્લોકમાં તેનો વૈરાગ્ય બતાવ્યો
છે. (શરણાગતિ વૈરાગ્ય વગર દૃઢ થતી નથી.)
--ત્રીજા શ્લોકમાં પ્રાર્થના કરી છે-કે
તમારાં દર્શન માટે મને આતુર બનાવો. તમારા દર્શન વિના મારા પ્રાણ વ્યાકુળ થાય, તમારો વિયોગ મારાથી સહન ન થાય. મને
એક જ ઈચ્છા છે-તમારાં દર્શન માટે આતુર બનું.
--ચોથા શ્લોકમાં વૃત્રાસુરે સત્સંગની
માગણી કરી છે. પાપથી કોઈ પણ જન્મ મળે –પણ તે જન્મમાં સત્સંગ મળે-તેવી માગણી
કરી છે.
પુષ્ટિમાર્ગમાં વર્ણવેલા
ચાર પુરુષાર્થનું જ જાણે -વર્ણન –વૃત્રાસુરની સ્તુતિના ચાર શ્લોકમાં છે.
(પુષ્ટિમાર્ગમાં
1.
–પ્રભુનું દાસપણું – એ ધર્મ-પુરુષાર્થ,
2.
પ્રભુને
જ અર્થ રૂપ માની – અર્થ-પુરુષાર્થ,
3.
કૃષ્ણદર્શનની
કામના- એ-કામ-પુરુષાર્થ,
4.
અને શ્રીકૃષ્ણના થઇને રહેવું તે- મોક્ષ-પુરુષાર્થ.)
છઠ્ઠા સ્કંધની પુષ્ટિ
લીલા છે. ભગવાને વૃત્રાસુર પર પુષ્ટિ કરી. કૃપા કરી.
ઇન્દ્રે વજ્રથી વૃત્રાસુરનો
વધ કર્યો છે. ઇન્દ્રને સ્વર્ગ નું રાજ્ય મળ્યું છે.
વૃત્રાસુરના
શરીરમાંથી નીકળેલું તેજ ભગવત સ્વરૂપમાં લીન થયું છે ભગવાને વૃત્રાસુરનો ઉદ્ધાર કર્યો
છે.
પરીક્ષિત
રાજા એ પ્રશ્ન કર્યો- વૃત્રાસુર ભગવદભક્ત હતો તેમ છતાં તેને રાક્ષસ યોનિમાં જન્મ કેમ
મળ્યો ? તેનો પૂર્વવૃત્તાંત કહો.
શુકદેવજી
વર્ણન કરે છે- વૃત્રાસુર પૂર્વ જન્મમાં ચિત્રકેતુ
રાજા હતો.તેની રાણીનું નામ કૃતધુતિ હતું. તેમને સંતાન નહોતું.
ચિત્રકેતુ શબ્દનો
ભાવાર્થ છે- ચિત્ર-વિચિત્ર કલ્પનાઓ કરે તે ચિત્રકેતુ. કૃતધુતિ એ બુદ્ધિ છે.
મન ચિત્ર-વિચિત્ર
કલ્પનાઓ કરે છે-અનેક વિષયોનો વિચાર કરે છે-અને વિષયાકાર સ્થિતિમાંથી ચિત્રકેતુનો જન્મ
થાય છે.
અંગિરાઋષિ
એક દિવસ રાજાના ઘરે પધાર્યા. રાજાએ ઋષિ પાસે પુત્રની માગણી કરી.
ઋષિ કહે છે- પુત્રના
મા-બાપને ક્યાં શાંતિ છે ? તારે ત્યાં છોકરાં
નથી એ જ સારું છે.
પણ રાજાના મનમાં અનેક
ચિત્રો ઠસી ગયા હતાં એટલે એને દુરાગ્રહ કર્યો. ઋષિની કૃપાથી તેને ત્યાં પુત્ર થયો.
રાજાને બીજી રાણીઓ
હતી, તેમણે ઈર્ષાવશ બાળકને ઝેર આપ્યું.બાળક મરણ પામ્યો.
રાજા અને રાણી રડવા લાગ્યાં.
તે વખતે-નારદજી અને
અંગિરાઋષિ ત્યાં આવ્યા છે. પુત્રના મરણથી રાજા-રાણીને વિલાપ કરતાં જોઈ નારદજીએ ઉપદેશ
આપ્યો છે.—જે મર્યો છે-તે બહુ
રડશો તો પણ પાછો આવવાનો નથી.તેના માટે રડવાની જરૂર નથી,તે તો પરમાત્માના ચરણમાં ગયો છે. હવે રડવાથી શું
લાભ છે ? પુત્ર માટે તમે ન
રડો,તમે તમારા માટે રડો.
પુત્રના ચાર પ્રધાન પ્રકારો કહ્યા છે.
(૧) શત્રુપુત્ર- પૂર્વજન્મનો વેરી
(શત્રુ) પુત્ર તરીકે આવે તો તે ત્રાસ આપવા જ આવે છે. તે દુઃખ આપે છે.
(૨) ઋણાનુબંધી પુત્ર -પૂર્વજન્મનો
લેણદાર –માગતું ઋણ વસુલ કરવા આવે છે-ઋણ પૂરું
થાય એટલે ચાલતો થાય છે.
(૩) ઉદાસીન પુત્ર-લગ્ન ન થાય ત્યાં સુધી મા-બાપ
જોડે રહે છે. તે લેવા-દેવાનો સંબંધ રાખતો નથી.
(૪) સેવક પુત્ર-પૂર્વજન્મમાં કોઈની
સેવા કરી હશે-તો તે સેવક બની સેવા કરવા માટે આવે છે.
સ્કંધપુરાણમાં પુંડલિકનું
ચરિત્ર આવે છે.
પુંડલિકે પ્રભુની
સેવા કરી નથી- તેણે ફક્ત મા-બાપની સેવા કરી છે. પુંડલિક પરમાત્માનાં દર્શન કરવા ગયો
નથી-પણ ખુદ પરમાત્મા પુંડલિકના દર્શન કરવા આવ્યા છે.
પુંડલિક હરહંમેશ માતપિતાની
સેવા કરતો. માત-પિતાને સર્વસ્વ માનતો. માત-પિતાની તેની સેવાથી પ્રસન્ન થઇ પરમાત્માને
પુંડલિકના દર્શન કરવાની ઈચ્છા થઇ.
પ્રભુ આંગણે પધાર્યા
છે, પણ પુંડલિક માત-પિતાની
સેવા ઝૂંપડીમાં કરે છે-ઝૂંપડી નાની છે- તેમાં બેસવાની પણ જગ્યા નહોતી,
પ્રભુ બહાર ઉભા છે-પુંડલિક
કહે છે-“માત-પિતાની સેવા ના
ફળ રૂપે આવ્યા છો,માટે તેમની સેવા
પહેલી.” આમ કહી પરમાત્માને
ઉભા રહેવા માટે એક ઈંટ ફેકી અને કહ્યું-કે આપ આ ઈંટ પર ઉભા રહો.
પ્રભુ સાક્ષાત આવ્યા
છે પણ પુંડલિકે માત-પિતાની સેવા કરવાનું કાર્ય છોડ્યું નથી.
ઈંટ પર ભગવાન ઉભા
રહ્યા એટલે ઈંટનું થયું વિંટ- અને પ્રભુનું નામ થયું વિઠોબા.
ઉભા રહેતા ભગવાનને
થાક લાગ્યો –એટલે કેડે હાથ રાખી
ઉભા છે.
આજ પણ પંઢરપુરમાં
તેઓ કેડે હાથ રાખી ઉભા છે. પુંડલિકે ઉભા રાખેલા-તે આજ સુધી તેમના તેમ ઉભા છે.
કેડ
પર હાથ રાખીને તે સૂચવે છે-કે-મારી પાસે આવે-મારા શરણે આવે-તેણે માટે સંસાર ફક્ત આટલો
કેડ સમાણો જ છે.
તે
ભવસાગર વિના પ્રયાસે જ તરી જાય છે. (શંકરાચાર્યે-પાંડુરંગની સ્તુતિનું સ્તોત્ર રચેલું
છે.)
નારદજી ચિત્રકેતુ
રાજાને કહે છે-આ તો તારા પૂર્વજન્મનો શત્રુ તને રડાવવા આવ્યો હતો. શત્રુ મરે તો હસવાનું
કે રડવાનું ?
સ્ત્રી,ઘર,વિવિધ
ઐશ્વર્ય,શબ્દાદિ વિષયો, સમૃદ્ધિ,સેવક,મિત્રજનો,સગાંસંબંધી
–વગેરે શોક,મોહ,ભય
અને દુઃખ આપનાર છે.
જળના પ્રવાહમાં રેતીના કણો જેમ એકઠા થાય
છે-અને જુદા પડે છે-તેમ સમયના પ્રવાહમાં જીવો મળે છે-છૂટા પડે છે.
નારદજી રાજાને જમુનાજીને
કિનારે લઇ ગયા અને ચિત્રકેતુને દિવ્ય જ્ઞાન આપ્યું સંકર્ષણમંત્ર અને તત્વોપદેશ કર્યો.
ચિત્રકેતુ રાજાએ પછી
તપશ્ચર્યા કરી અને ભગવાનના નામના જપ કર્યા. સગુણ ભગવાનના દર્શન થયા.
રાજા મહાયોગી-મહાસિદ્ધ થયો. પ્રભુએ કૃપા
કરી તેને પોતાનો પાર્ષદ બનાવ્યો.
એક
દિવસ તે આકાશમાં વિહાર કરતો હતો. ફરતો ફરતો તે કૈલાશધામમાં આવ્યો. જોયું તો શિવજીની
ગોદમાં પાર્વતીજી બેઠાં છે.તેમને આ પ્રમાણે બેઠેલા જોઈ ચિત્રકેતુના મનમાં કુભાવ આવ્યો. ચિત્રકેતુ સંસારીભાવથી
શિવ-પાર્વતીને જુએ છે. પણ જો પ્રત્યેક સ્ત્રી-પુરુષને નારાયણરૂપે જુએ તો વાસના થાય નહિ.
ચિત્રકેતુના ચરિત્ર પરથી એવું લાગે છે-કે-કેવળ
સગુણનો સાક્ષાત્કાર કરે –તેથી મન શુદ્ધ થતું નથી.
(ચિત્રકેતુને સગુણના દર્શન થયાં હતા)
(અર્જુન પણ પરમાત્માના સગુણ સ્વરૂપમાં પ્રેમ
કરે છે.પણ નિર્ગુણનો અનુભવ કરતો નથી. તેથી અર્જુનને વિશાદ થયો છે.)
સગુણનો પ્રેમ અને નિર્ગુણનો અનુભવ એ સાથે
થવા જોઈએ. અને આમ થાય તો માયાનું બંધન તૂટે છે.
નિર્ગુણ -પરમાત્માનો જો –સર્વ- માં –અનુભવ- થાય –અને- સગુણ -માં -પ્રેમ -થાય .........તો
જ જીવ શિવ બને છે.
શિવજીનું
આમ બેસવાનું કારણ છે. એકવાર
ફરીથી કામદેવે શિવજી સામે યુદ્ધ કરવાની ઈચ્છા બતાવી. અને કહે છે- કે – સમાધિમાં બેસીને મને બાળ્યો-એમાં
શું આશ્ચર્ય? સમાધિમાં રહી કોઈ પણ જીવ મને હરાવી
શકે. મારા મનમાં વસવસો રહી ગયો છે.તમે પાર્વતીજીને આલિંગન આપો- અને હું બાણ મારું-તે
છતાં તમે નિર્વિકાર રહો-તો આપ મહાન દેવ. (મહાદેવ)
અને
તમને વિકાર આવે તો હું મહાદેવ.
શિવજી
સંમત થયા-પાર્વતીજી ને આલિંગન આપી- અર્ધનારીનટેશ્વર બન્યા.
કામે ઘણા પ્રયત્નો કર્યા-અંતે બાણ ફેંકી
મહાદેવને શરણે આવવું પડ્યું.
શિવ-પાર્વતી નિર્વિકાર હતાં પણ ચિત્રકેતુની આંખમાં વિકાર હતો.
ચિત્રકેતુ ભક્ત છે-પણ તેની ભક્તિને જ્ઞાનનો સાથ નથી.
તેથી
તે શિવજી ની નિંદા કરે છે.
કોઈને લૌકિક ભાવથી
જોશો નહિ, સંસારના ચિત્રને ભગવદભાવથી
જુઓ. મનમાં ખોટાં ચિત્રો લાવો નહિ.
સંસારને લૌકિક ભાવથી
જુએ-તેની વૃત્તિ બહિર્મુખ થાય છે-ત્રાસ આપનારી-બહિર્મુખવૃત્તિ-એ વૃત્રાસુર છે.
તેને જ્ઞાનના વજ્ર
થી કાપી નાખો.
શિવ-પાર્વતી
ને આમ લૌકિક ભાવથી જોતાં –ચિત્રકેતુનું પતન થયું છે. શિવજીને કાંઇ બુરું ન લાગ્યું-જેને
માથે ગંગા-જ્ઞાનગંગા હોય તેને નિંદા અસર કરતી નથી. પણ પાર્વતીજીથી આ સહન ન થયું-તેમણે
ચિત્રકેતુ ને શાપ આપ્યો છે- ઉદ્ધત-તારો અસુરયોનિમાં જન્મ થાઓ. તું રાક્ષસ થઈશ.
ચિત્રકેતુએ માતાજીની ક્ષમા માગી છે-એટલે-દેવીએ કહ્યું-તે જન્મમાં તને
અનન્ય ભક્તિ પ્રાપ્ત થશે અને તારો ઉદ્ધાર થશે.
પાર્વતીના શાપથી ચિત્રકેતુ
વૃત્રાસુર તરીકે જન્મ્યો.
મન-ચિત્રકેતુ-શુભ
કલ્પનાઓ કરે (ચિત્રકેતુ એ વૃત્રાસુરના જન્મમાં કરેલી તેમ)
તો અંતે સુખી થાય
અને દુષ્ટ કલ્પનાઓ કરે તો દુઃખી થાય છે.
નારદ-અંગિરા જેવા
સંતોના સમાગમથી મન ઉર્ધ્વગામી બને છે.
દિતિના બે પુત્રો
મરણ પામ્યા. દિતિને થયું કે- ઇન્દ્રે જ મારા પુત્રોને માર્યા છે. તેથી તેણે સેવાથી
પતિને પ્રસન્ન કર્યા.
કશ્યપઋષિએ ઇન્દ્રને
મારનાર દીકરો થાય –એવું એક વર્ષનું પુંસવન
વ્રત દિતિને બતાવ્યું.
પુંસવન વ્રતની વિધિમાં
–માર્ગશીર્ષ મહિનામાં
શુક્લપક્ષ વિષે પડવાના દિવસથી સ્ત્રીએ પતિની આજ્ઞા લઇને સર્વકામના પૂરું કરનારું વ્રત
શરુ કરવું. વ્રત કરનારી સ્ત્રીએ નિરંતર સવારમાં વહેલા ઉઠી-પ્રાતઃકર્મોથી પરવારી- સૌભાગ્ય
શણગાર સજી-બે ધોળાં વસ્ત્રો પહેરવાં-અને સવારમાં ભોજન અગાઉ લક્ષ્મીજી સાથે નારાયણની
પૂજા કરીને – નમસ્કાર કરવા. અનેક પ્રકારે સ્તુતિ કરવી. તે પછી
સૌભાગ્યવતી સ્ત્રીએ પતિનું પૂજન કરવું.
ચંચળ
મનને ઈશ્વરમાં સ્થિર કરવાનું સાધન વ્રત છે. વ્રતના દિવસે મન ચંચળ ન થાય અને ઈશ્વરમાં
સ્થિર થાય –તેમ મનને ઈશ્વરમાં પરોવી રાખવાનું.
દિતિએ
વ્રત કર્યું- પણ વ્રતના નિયમોનું પાલન નહિ કરવાથી વ્રતનો ભંગ થયો.
એક દિવસ આચમન લીધા
વિના –પગ ધોયા વિના ઉચ્છિષ્ટ
અવસ્થામાં દિતિ સુઈ ગયા.
આ તકનો લાભ લઇ-ઇન્દ્ર
દિતિના ગર્ભમાં પેસી જઈ ગર્ભના ૪૯ ટુકડા કર્યા. ગર્ભના બાળકોએ ઇન્દ્રને પ્રાર્થના કરી-એટલે
ઇન્દ્રે તેમને જતા કર્યા. તેથી મરુતગણોની ઉત્પત્તિ થઇ. દિતિએ
ભેદભાવ રાખ્યો-તેથી વ્રતમાં ભંગ થયો.
પણ છેવટે દિતિએ ઇન્દ્રમાં
કુભાવ રાખ્યો નહિ.અને તેને કહ્યું-આ મારા છોકરાઓ છે-તેમની ગણના દેવોમાં થશે.(મરુતગણો)
મરુતગણોની ઉત્પત્તિ
કહીને છઠ્ઠા સ્કંધની કથા પૂરી કરી.
છઠ્ઠો સ્કંધ સમાપ્ત
અનુસંધાન-સાતમાં સ્કંધ
માં.........
|| હરિ ॐ તત સત ||
No comments:
Post a Comment