શ્રીમદ્ભાગવત સ્કંધ – 7 (Page 52)

શ્રીમદ્ભાગવત સ્કંધ – 7 (Page 52)


થોડા સમય પછી-હિરણ્યકશિપુએ પ્રહલાદને ફરીથી પૂછ્યું- ગુરુજી પાસેથી તેં જે શિક્ષણ પ્રાપ્ત કર્યું છે-તેમાંથી સારી વાત મને સંભળાવ.
પ્રહલાદ કહેવા લાગ્યા- પિતાજી વિષ્ણુ ભગવાનની ભક્તિના નવ ભેદ છે. ભગવાન આગળ સમર્પણ ભાવથી આ નવ પ્રકારની ભક્તિ કરવામાં આવે તો તેણે હું ઉત્તમ અધ્યયન સમજુ છું. પ્રભુ પ્રસન્ન થાય તો જીવન સફળ થાય છે.
આ સાંભળી હિરણ્યકશિપુ ને ક્રોધ આવ્યો છે.પ્રહલાદને ખોળામાંથી ફેંકી દીધો છે અને સેવકો ને હુકમ કર્યો છે-તમે જોઈ શું રહ્યા છો?
આ બાળક ને મારો-તે મારવા યોગ્ય જ છે-આ મારો દીકરો નથી પણ શત્રુ છે.”  દૈત્યો પ્રહલાદને મારવા દોડ્યા છે.
પ્રહલાદની દૃષ્ટિ દિવ્ય હતી.તે ચારે બાજુ પ્રભુને જુએ છે. તલવારમાં પણ શ્રીકૃષ્ણ અને તલવાર જેના હાથમાં છે-તેમાં પણ શ્રીકૃષ્ણ.
રાક્ષસો મારવા આવે છે-પણ પ્રહલાદના જપ ચાલુ છે. દૈત્યો મારે છે પણ પ્રહલાદનો વાળ વાંકો થતો નથી.
પ્રહલાદ નિર્ભય છે.ભગવદ આશ્રય કરવાથી જીવ નિર્ભય બને છે.માલિક ના હજાર હાથ છે-આ બે હાથ વાળા શું કરી શકવાના છે.?
હિરણ્યકશિપુને આશ્ચર્ય થયું છે-અને હુકમ કર્યો કે-એને કેદખાનામાં નાખો,અન્ન જળ આપશો નહિ એટલે એ મરી જશે.
પ્રહલાદને કેદખાનામાં નાખ્યા છે. છતાં પ્રહલાદ વિચારે છે-મારા ભગવાન મારી સાથે છે-પછી મને શાની બીક ?
માલિકનો કાયદો છે-કે જગત માં કોઈ જીવ ભૂખ્યો હોય ત્યાં સુધી વૈકુંઠમાં નારાયણ પ્રસાદ આરોગતા નથી.
આજે ઠાકોરજી લક્ષ્મીજી ને પૂછે છે કે- જગત માં કોઈ જીવ ભૂખ્યો તો નથી ને ?
લક્ષ્મીજી કહે છે- બધાને મળ્યું પણ તમારો ભક્ત પ્રહલાદ જેલમાં બેઠો છે- તે ભૂખ્યો છે.
ભગવાને કહ્યું- દેવી તેને માટે પ્રસાદ મોકલો. લક્ષ્મીજીએ સેવકોને આજ્ઞા કરી છે.
પાર્ષદો થાળમાં પ્રસાદ લઈને આવ્યા છે.પ્રહલાદને કહ્યું-લક્ષ્મીજી એ તારા માટે પ્રસાદ મોકલ્યો છે.
પ્રહલાદે પ્રણામ કર્યા. મારા માટે કારાગૃહમાં પણ પ્રસાદ મોકલ્યો!! મારા પ્રભુને મારી કેટલી ચિંતા છે ? કદાચ હું ભગવાનને ભૂલી જાઉં પણ મારા ભગવાન મને ભૂલતા નથી.
હિરણ્યકશિપુના સેવકોને આશ્ચર્ય થયું છે- અંદરથી કેસર કસ્તુરીની વાસ આવે છે. આ તો જાદુગર લાગે છે. તેમણે હિરણ્યકશિપુને સંદેશ મોકલ્યો. હિરણ્યકશિપુ દોડતો આવ્યો છે. જોયું તો સોનાની થાળી અને મીઠાઈઓ છે.અને પ્રહલાદ પ્રસાદ આરોગે છે.
તેણે પ્રહલાદને પૂછ્યું-આ ક્યાંથી લાવ્યો ? સાચું બોલ-તને આ કોણ આપે છે ?
પ્રહલાદ કહે છે-  પિતાજી આ કોટડી તો મોટી છે.ગર્ભવાસની કોટડી તો કેટલી નાની હોય છે? મા ના પેટમાં જેણે મારું રક્ષણ અને પોષણ કર્યું હતું તે જ અત્રે મારું પોષણ કરે છે.
હિરણ્યકશિપુ વિચારે છે કે- આ કોઈ ઉપાયે મરતો નથી. આ મને મારવા આવ્યો છે કે શું ? હિરણ્યકશિપુ ગભરાયો છે.
ત્યાં શંડામર્ક આવ્યા. રાજા નો નિસ્તેજ ચહેરો જોઈ કહેવા લાગ્યા.-આ પાંચ વર્ષ નો બાળક તમને શું મારી શકે ?
અમે તેણે વરુણપાશ માં બાંધી રાખીશું. ચાર મહિના પછી શુક્રાચાર્ય આવવાના છે- પછી તે આજ્ઞા આપે તેમ કરજો.
શંડામર્ક પ્રહલાદજીને વરુણપાશમાં બાંધી ઘેર લાવ્યા છે.
એક દિવસ ગુરુજી બહાર ગયા હતા ત્યારે પ્રહલાદ બહાર રમતા બાળકોને ભાગવત-ધર્મનો ઉપદેશ આપે છે.
મિત્રો આ સંસાર માં મનુષ્ય જન્મ ઘણો દુર્લભ છે. મનુષ્ય શરીર દ્વારા અવિનાશી પરમાત્મા ની પ્રાપ્તિ થઇ શકે છે.
કોઈને પણ ખબર પડતી  નથી કે ક્યારે આ શરીર નો અંત આવશે? આથી બુદ્ધિમાન પુરુષોએ વૃદ્ધાવસ્થા કે જુવાનીના ભરોસે રહેવું નહિ. પણ બાળપણ થી જ ભગવાન ની પ્રાપ્તિ કરાવે તેવા સાધનોનું અનુષ્ઠાન કરી લેવું જોઈએ.
શરીર અનિત્ય છે, નાશવંત છે પણ આ શરીરથી નિત્ય એવા પરમાત્માનાં દર્શન થાય છે. પરમાત્મા ને પ્રાપ્ત કરી શકાય છે.
મનુષ્ય શરીર મનુષ્ય જન્મ દુર્લભ છે. આ શરીર બહુ મોંઘુ છે.કિંમતી છે.
એકવાર એક ખેડૂતને એક લાખ નો હીરો જડ્યો.એ જાણતો નથી કે એને કિંમતી હીરો મળ્યો છે. હીરામાં ચળકાટ છે-તેથી તે હીરો
તેણે-બાળક ને રમવા આપ્યો છે. ખેડૂતના ઘરમાં એક લાખ નો હીરો છે-છતાં તે ગરીબ છે,દુઃખી છે.
આમ જ મનુષ્ય જીવન ની કિંમત મહત્તા ન સમજાય તો મનુષ્ય સંસાર સાથે રમે છે. મનુષ્ય શરીર અતિ કિંમતી છે.
1.    પહેલાં મનુષ્યનું આયુષ્ય સો વર્ષનું ગણવામાં આવતું. (આજે તે સ્થિતિ નથી.)
2.    મનુષ્યના આયુષ્યના વર્ષોમાંથી-અડધું આયુષ્ય નિંદ્રામાં જાય છે -
3.    પા-ભાગનું આયુષ્ય બાલ્યાવસ્થામાં (અજ્ઞાનમાં) અને કુમારઅવસ્થામાં (ખેલકૂદમાં) જાય છે.
4.    બાકીનું પા-ભાગનું આયુષ્ય વધ્યું- તેમાંથી વૃદ્ધાવસ્થાના વર્ષો બાદ કરીએ તો (વૃદ્ધાવસ્થામાં કાંઇ થઇ શકતું નથી)
5.    થોડાં વર્ષ રહ્યા જુવાનીના જે કામોપભોગમાં જાય છે-- આમાં આત્માનું કલ્યાણ માનવી ક્યારે સાધવાનો ?
માટે મનુષ્યે આત્મકલ્યાણ માટે તરત જ પ્રયત્ન કરવો જોઈએ. કહ્યું છે કે-
જ્યાં સુધી શરીર રૂપી ઘર સ્વસ્થ છે-વૃદ્ધાવસ્થા નું આક્રમણ નથી થયું, ઇન્દ્રિયો ની શક્તિ ક્ષીણ નથી થઇ-આયુષ્ય નો ક્ષય થયો નથી-
ત્યાં સુધીમાં ડાહ્યા માણસો એ પોતાના આત્મ કલ્યાણ માટે પ્રયત્ન કરી લેવો જોઈએ.નહિતર ઘરમાં આગ લાગ્યા પછી-
કુવો ખોદવાના પ્રયત્નનું પ્રયોજન શું ?
આપણા મસ્તક પર અનેક પ્રકારના ભયો સવાર થયેલા છે. શરીર રોગ-શોકગ્રસ્ત બની મૃત્યુને વશ થઇ જાય તે પહેલાં,
આ શરીર કે જે ભગવદ પ્રાપ્તિ માટે સક્ષમ છે તેનાથી બુદ્ધિમાન પુરુષોએ પોતાના કલ્યાણ માટે પ્રયત્ન કરી લેવો (ભા.૭-૬-૫)
માનવી દુઃખ માગતો નથી-પણ દુઃખ આવી ને ઉભું રહે છે.
કોઈ એવી માનતા રાખતો નથી-કે મને તાવ આવે તો હું સત્યનારાયણની કથા કરાવીશ. તેમ છતાં તાવ તો આવે જ છે.
વગર પ્રયત્ને પ્રારબ્ધ પ્રમાણે દુઃખ આવે છે-તેમ વગર પ્રયત્ને પ્રારબ્ધ પ્રમાણે સુખ પણ આવે છે.
પ્રારબ્ધ એ પૂર્વ જન્મ ના કર્મ નું ફળ છે. માટે સુખ દુઃખ માટે પ્રયત્ન ના કરો. પ્રયત્ન પ્રભુ ને મેળવવા માટે કરો.
સત્કર્મમાં પ્રયત્ન પ્રધાન છે-પ્રારબ્ધ નહિ. સત્કર્મમાં વિઘ્ન કરવાની શક્તિ પ્રારબ્ધમાં નથી.
મનુષ્યની પોતાની દુર્બળતાથી પ્રભુ ભજનમાં વિઘ્ન આવે છે.
વેદોનું જ્ઞાન હોય-શાસ્ત્રની સર્વ વિદ્યા મોઢે હોય કવિત્વમય વાણીમાં સુંદર ગદ્ય-પદ્ય કરવાની શક્તિ હોય તેમ છતાં પણ જો હરિચરણમાં ચિત્ત ન લાગેલું હોય તો આ બધાનો કોઈ અર્થ નથી.
દૈત્ય-બાળકો પ્રહલાદને પૂછે છે-કે- પરમાત્માને પ્રસન્ન કેવી રીતે કરવા ?
પ્રહલાદ કહે છે-કે- એક જ પરમાત્મા સર્વમાં રહેલા છે તેવી દૃષ્ટિ કેળવો. આ માટે તમે તમારા દૈત્યપણાનો તેમજ આસુરી-ભાવનો ત્યાગ કરી સર્વ પ્રાણીઓ ઉપર દયા કરો. પ્રેમથી ભલાઈ કરો. આથી ભગવાન પ્રસન્ન થાય છે.
ભગવાન જયારે કૃપા કરે છે-ત્યારે મનુષ્યોની પાશવી બુદ્ધિ નષ્ટ થાય છે.
ભગવાનને પ્રસન્ન કરવાનું બીજું સાધન છે- કિર્તન. નામ એ જ બ્રહ્મ છે.
ઈશ્વરનું નિર્ગુણ સ્વરૂપ અતિ સૂક્ષ્મ છે. મન અને બુદ્ધિ અતિ સૂક્ષ્મ ન થાય ત્યાં સુધી ઈશ્વરના નિર્ગુણ સ્વરૂપનો અનુભવ થતો નથી. ઈશ્વરનું સગુણ સ્વરૂપ અતિ તેજોમય છે.સગુણ સ્વરૂપનો સાક્ષાત્કાર કરવાની મનુષ્યમાં શક્તિ નથી.
ગીતામાં અર્જુન પણ ભયથી બોલી ઉઠેલો કે-તમારું આ રૂપ જોઈ મારું મન ભયથી વ્યાકુળ થઇ રહ્યું છે.
1.      નામબ્રહ્મ સર્વ ને દેખાય છે-અને અનુભવાય છે. કિર્તન માં તાળી પડવાથી નાદબ્રહ્મ થાય છે.
2.      નાદબ્રહ્મથી જગતની વિસ્મૃતિ થાય છે-જગત નો સંબંધ છૂટે છે. અને બ્રહ્મ સંબંધ થાય છે.
3.    નામબ્રહ્મ અને નાદબ્રહ્મ નો સંયોગ થાય-એક થાય તો પરબ્રહ્મ પ્રગટ થાય છે.
ભગવાન ને પ્રસન્ન કરવા ન દાન-ન તપ-ન યજ્ઞ-ન શૌચ-ન વ્રત પર્યાપ્ત છે. આ સર્વ તો વિડંબનામાત્ર છે.
ભગવાન કેવળ નિષ્કામ ભક્તિ થી જ પ્રસન્ન થાય છે.-માટે ભક્તિ કરો.
પ્રહલાદ દૈત્ય-બાળકો પાસે કિર્તન કરાવે છે. હરે રામ, હરે રામ,રામ રામ હરે હરે,હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે.
સર્વ બાળકો તાળી પાડી કિર્તન કરે છે-નાચે છે-પ્રહલાદજી પણ નાચતાં નાચતાં તન્મય થયા છે.
તેવામાં શંડામર્ક ત્યાં આવ્યા છે-તેમણે વિચાર કર્યો-આ બાળકો ને બગાડે છે-આ હવે નહિ સુધરે.હિરણ્યકશિપુ ને ખબર પડશે તો
અનર્થ થશે.તેઓ પ્રહલાદ ને કહેવા લાગ્યા-પ્રહલાદ તેં આ શું માંડ્યું છે ?ભજન બંધ કરો.બંધ કરો..
પ્રહલાદ નું મન શ્રીકૃષ્ણ માં હોવાથી તે કંઈ સાંભળી શક્યા નહિ.
શંડામર્ક ને લાગ્યું કે આ તાળી અટકે તો કિર્તન અટકશે.એટલે તે પ્રહલાદ ને પકડવા ગયા અને પ્રહલાદ નો હાથ પકડ્યો.
શંડામર્ક નો જેવો પ્રહલાદ ને સ્પર્શ થયો-કે-તે પણ કિર્તન કરતા નાચવા લાગ્યા.
તે જ દિવસે હિરણ્યકશિપુ એ વિચાર કર્યો કે-ગુરુજી આ બાળકોને કેવું ભણાવે છે તે મારે જોવું છે.
એટલે તેણે સેવકને જોવા મોકલ્યો. સેવક ત્યાં આવ્યોને દ્રશ્ય જોઈ વિચારમાં પડી ગયો. ગુરુ અને ચેલાઓ નાચે છે.
તેની બુમો કોઈએ સાંભળી નહિ એટલે પ્રહલાદનો હાથ પકડી બેસાડવા ગયો. ત્યાં તેણે પણ ચેપ લાગ્યો અને બધા સાથે તે પણ નાચવા લાગ્યો. સેવક ને આવતાં વાર થઇ એટલે હિરણ્યકશિપુએ બીજા સેવકને તપાસ કરવા મોકલ્યો-તેની પણ એવી જ દશા
થઇ જેવી પહેલા સેવકની થઇ હતી.એના પછી પણ જેટલા સેવકો આવ્યા તેમની પણ એવી જ સ્થિતિ થઇ છે.
હિરણ્યકશિપુ ને આશ્ચર્ય થયું છે-જે જાય છે તે પાછો કેમ આવતો નથી. આ છે શું ?
એ જાતે તપાસ કરવા આવ્યો. ને જોયું તો ગુરુ,ચેલા ,રાજસેવકો બધા નાચતા હતા. તે એકદમ ગુસ્સે થયો. આ બધું શું માંડ્યું છે ?”
તેણે ભજન મંડળીના એક એક ને ખેંચીને બેસાડી દીધા.
(ઇલેક્ટ્રિક નો બલ્બ ઉડી ગયો હોય તો તેને કરંટ મળે તો પણ પ્રકાશતો નથી !!!)
ભજન થંભી ગયું. ગુરુ એ સર્વ હકીકત હિરણ્યકશિપુ ને કહી. હિરણ્યકશિપુ ક્રોધે ભરાણો અને પ્રહલાદ ને કહેવા લાગ્યો-
હજુ તું મારા શત્રુ વિષ્ણુનું કિર્તન કરે છે ? તને શરમ નથી આવતી ? મારા સિવાય બીજો ઈશ્વર છે ક્યાં ?
આજે તો હું તને મારી નાખીશ.
તે પ્રહલાદને ઉઠાવી દરબાર માં લઇ આવ્યો, ક્રોધમાં તેણે જમીન પર પછાડ્યો. તો ધરતીમાં એ તેણે ગોદમાં ઉઠાવી લીધો.
પ્રહલાદજી પિતાને વંદન કરે છે.
હિરણ્યકશિપુ કહે છે- તું મારું કહ્યું માનતો નથી અને ખોટો વિનય કરે છે.બ્રહ્માદિક દેવો નો મેં પરાભવ કર્યો છે-બધા દેવો મારાથી થરથર કાંપે છે.તને કયા દેવ નું બળ છે ?તને ડર કેમ નથી લાગતો?
પ્રહલાદ કહે છે- પરમાત્મા મારું રક્ષણ કરે છે.
હિરણ્યકશિપુ કહે છે- મને બતાવ તારું રક્ષણ કરનાર વિષ્ણુ છે ક્યાં ? હું વિષ્ણુ ને મારીશ અને તને પણ મારીશ.
પ્રહલાદ કહે છે- પિતાજી, મારા ભગવાન તો સર્વત્ર સર્વમાં રહેલા છે. તેથી તેમને વિષ્ણુ કહે છે.
પિતાજી બહારનો વિજય શા કામનો ? જેણે મન જીત્યું તેણે જગત જીત્યું. કામાદિ છ ચોર તમારાં મનમાં બેઠા છે,તે તમારાં વિવેકરૂપી ધનને લુટે છે.તમને ખાડામાં ફેંક્યા છે. પિતાજી -ક્રોધ ન કરો. તમાર મુખ પર આજે મને મૃત્યુની છાયા દેખાય છે. રાગ-દ્વેષનો પરિત્યાગ કરી-નારાયણનું આરાધન કરો. મારા નારાયણનું ભજન કરો.
હિરણ્યકશિપુ હવે અતિક્રોધમાં આવ્યો છે- મારો દીકરો થઇ મને ઉપદેશ આપે છે ?
તું શું સમજે છે ?મને આજે બતાવ તારું રક્ષણ કરનાર વિષ્ણુ છે ક્યાં ?
પ્રહલાદે કહ્યું- મારા પ્રભુ સર્વવ્યાપક છે-મારામાં છે-તમારા માં છે-તમારા માં છે,તેથી તો તમે બોલી શકો છો.
વિષ્ણુ સર્વમાં વિરાજેલા છે-સર્વત્ર છે.
હિરણ્યકશિપુએ પૂછ્યું- તારા ભગવાન સર્વત્ર છે-તો આ થાંભલામાં તારો વિષ્ણુ કેમ દેખાતો નથી ?
બોલ, તારા ભગવાન આ થાંભલા માં છે ?
પ્રહલાદ કહે છે- જી,હા મારા ભગવાન આ સ્તંભમાં પણ છે.તમારી આંખમાં કામ છે એટલે તમને દેખાતા નથી. મને તેમના દર્શન થાય છે. જેના મનમાં પાપ છે- વિકારવાસના છે-તેને પરમાત્માનાં દર્શન થતાં નથી.
હિરણ્યકશિપુ કહે છે- હું થાંભલો તોડી નાખીશ.તેમાં વિષ્ણુ હશે તો તેને મારી નાખીશ. તે દોડતો ગદા લેવા ગયો છે.
પ્રહલાદે કહેતાં તો કહી દીધું, કે સ્તંભમાં ભગવાન છે.પણ બાળક છે-એટલે તેને થોડી શંકા ગઈ. આ સ્તંભ પોલો તો નથી.
આ સ્તંભ માં ભગવાન કેવી રીતે વિરાજતા હશે? પરંતુ જ્યાં સ્તંભ પાસે કાન ધર્યો તો અંદર થી ઘુરુઘુરુ અવાજ સાંભળ્યો.
પ્રહલાદને ખાતરી થઇ- મારા ભગવાન આમાં છે. પ્રહલાદે સ્તંભને આલિંગન આપ્યું છે.
અંદર નૃસિંહ સ્વામી વિરાજેલા છે. પ્રહલાદને આશ્વાસન આપ્યું છે-હું અંદર વિરાજેલો છું. હું તારું વચન સત્ય કરીશ.હું તારું રક્ષણ કરીશ.
હિરણ્યકશિપુ તેની હજાર મણની ગદા લઇ આવ્યો અને અતિક્રોધમાં થાંભલા પર ગદાપ્રહાર કરે છે.
ત્યાં તરત જ નૃસિંહસ્વામી ઘુરુઘુરુ એવો અવાજ કરતા થાંભલામાંથી પ્રગટ થયા.
તેમની આંખો લાલ છે દાઢો વિકરાળ છે-વજ્ર નખો છે.દેવો-ગંધર્વો જયજયકાર કરે છે.
હિરણ્યકશિપુ ગભરાયો.મારો કાળ આવ્યો છે, આ પ્રલય કરશે કે શું ?
પ્રભુએ હિરણ્યકશિપુને ગોદમાં લીધો- હિરણ્યકશિપુને કહે છે-આજે ઘરની બહાર નહિ ઘરની અંદર નહિ પણ તને ઉંબરા પર મારીશ.
આજે અસ્ત્ર-શસ્ત્રથી નહિ પણ નખથી તને મારીશ.
આમ કહી નૃસિંહસ્વામીએ હિરણ્યકશિપુને નખથી ચીરી નાખ્યો. (નૃસિંહ ભગવાનની જય)
નૃસિંહ સ્વામીનાં ચરિત્રનું રહસ્ય એ છે-કે-
--દુઃખ નું કારણ દેહાભિમાન છે. આ અભિમાન સર્વને રડાવે છે. આ અભિમાન જલ્દી મરતું નથી.
--ઘરમાં એક જ દીવો હોય તો તેને લોકો ઘરનાં ઉંબરામાં રાખે છે-જેથી ઘરની અંદર-બહાર બન્ને જગ્યાએ અજવાળું પડે.
--આપણું શરીર એ ઘર છે-અને જીભ એ ઉંબરો છે-પ્રભુનું નામ એ દીવા જેવું છે. પ્રભુનું નામ જીભ પર રાખવાનું છે.
--અભિમાનને મારવો હોય-અને અંદર-બહાર સર્વ જગ્યાએ અજવાળું થાય તેવી ઈચ્છા હોય તો જીભરૂપી ઉંબરા પર -હરિ નું નામ રાખવાનું છે.
--દિવસ અને રાતનો સંધિકાળ એ દિવસ પણ નથી અને રાત પણ નથી. એક ક્ષણ થી બીજી ક્ષણ નો સંધિકાળમાં પણ એમ જ છે.
બ્રાહ્મણો સંધ્યા આ સંધિકાળે કરે છે-અને અભિમાન ને મારે છે,વૈષ્ણવો પ્રત્યેક ક્ષણના અંતે હરિ ના નામનો જપ કરીને અભિમાનને મારે છે. પ્રત્યેક અવસ્થાનો સંધિકાળ મહત્વનો છે. તેને સાચવવાની જરૂર છે.
પંજાબના મુલતાન શહેરમાં હિરણ્યકશિપુની રાજધાની હતી.
ભક્ત પ્રહલાદનું વચન સત્ય કરવા વૈશાખ સુદ ૧૪ના રોજ નૃસિંહસ્વામીનું પ્રાગટ્ય થયું છે.
આથી પંજાબના લોકો તેમના નામ પાછળ સિંહ-લગાડે છે. સિંહના જેવા બળવાન થવાનું છે.
નાયમાત્મા બલહીનેન લભ્યઃઅર્થાત્ - આ આત્મા શક્તિહીન પુરુષોથી પ્રાપ્ત કરી શકાતો નથી.
શક્તિ વગર ભક્તિ થતી નથી. શક્તિહીન ભક્તિ કરી શકતો નથી, સેવા કરી શકતો નથી,તે તો સેવા માગે છે.
ધીરે ધીરે સંયમ વધારો-ધીરે ધીરે શક્તિ વધારો-તો ધીરે ધીરે ભક્તિ વધશે.
હિરણ્યકશિપુનો સંહાર કર્યો પણ નૃસિંહસ્વામીનો ક્રોધ શાંત થતો નથી.
બ્રહ્માજી પ્રયત્ન કરે છે-લક્ષ્મીજીને બોલાવ્યા-તેમણે પણ પ્રયત્ન કર્યો. છેવટે બ્રહ્માજીએ પ્રહલાદને મોકલ્યો.
પ્રહલાદજી ભગવાન પાસે ગયા,બે હાથ જોડ્યા અને ચરણમાં સાષ્ટાંગ પ્રણામ કરે છે.
પ્રહલાદને જોતાં માલિકના હૃદયમાં આનંદ ઉભરાયો-ગોદમાં ઉઠાવી વાત્સલ્યભાવે તેનું શરીર ચાટવા લાગ્યા. પરમ આશ્ચર્ય થયું છે.
ભક્ત અને ભગવાન એક થયા છે.
ભગવાન બીજા કોઈને આધીન નથી. ફક્ત નિષ્કામ ભક્તોને આધીન છે.
પ્રહલાદની જેમ જે-ભગવાનની ગોદમાં વિરાજે છે-તેને કાળ કંઈ કરી શકતો નથી.
પરમાત્માને પ્રસન્ન કરવા માટે શુદ્ધ પ્રેમ જ મહત્વનો છે. જ્ઞાન વગેરેની મહત્તા ઓછી છે.શબ્દ-જ્ઞાનની બહુ જરૂર નથી.
અનેકવાર એવું પણ બને કે શબ્દ-જ્ઞાન પ્રભુનું ભજન કરવામાં વિઘ્ન રૂપ થાય. પ્રેમભક્તિ વગરનું જ્ઞાન નકામું છે.
હિરણ્યકશિપુ જેવા માટે ભગવાન ભયંકર અને કઠોર છે-પ્રહલાદ જેવા માટે તે કમળ જેવા કોમળ છે.
એટલે જ -વિષ્ણુસહસ્ત્રનામ માં પણ ભગવાનને ભયરૂપ, ભયકારક અને સાથે સાથે ભયનો નાશ કરનાર પણ કહ્યા છે.
પ્રહલાદએ સત્વગુણ છે- હિરણ્યકશિપુ એ તમોગુણ છે.
સત્વગુણ અને તમોગુણ એ બન્નેનું આ યુદ્ધ છે, જેમાં ભગવાન સત્વગુણનો પક્ષ કરે છે.
શુદ્ધ સત્વગુણ આગળ તમોગુણ નાશ પામે છે. અતિશય સત્વગુણ વધે તો-ત્યાં  પરમાત્મા પ્રગટ થાય છે.
પ્રહલાદનું વચન સત્ય કરવા અને પોતાની સર્વવ્યાપકતા સિદ્ધ કરવા સ્તંભમાંથી નૃસિંહ સ્વામી પ્રગટ થયા છે.
ઈશ્વર સર્વવ્યાપક છે એ જાણે છે બધા...પણ અનુભવે છે....કોઈક જ.
ઈશ્વરની સર્વ વ્યાપકતાનો (ઈશ્વર સર્વ માં રહેલા છે-તેનો)  અનુભવ થઇ જાય તો ઘર જ વૈકુંઠ બની જાય.
તેના ઘરમાં ઝઘડો થાય નહિ-કે તેના હાથે કોઈ પાપ થાય નહિ.
દૂધમાં માખણ દેખાતું નથી પણ-દૂધના અણું પરમાણુંમાં માખણ રહેલું છે.
તેવી જ રીતે જગતમાં પરમાત્મા દેખાતા નથી. પણ પ્રત્યેક સ્થૂળ કે સૂક્ષ્મ પદાર્થમાં ઈશ્વર પરમાણુ રૂપે રહેલા છે.
આ સમજાય તો જીવનમાં દિવ્યતા આવે છે. માતૃદેવો ભવ-પિતૃદેવો ભવ...છેલ્લે ...પરસ્પરદેવો ભવ એમ આવે છે.
પરસ્પરમાં ઈશ્વર જોતાં જયારે મનુષ્યો એકબીજાને મળે છે-ત્યારે રામ-રામ કહે છે.
એટલે કે તમારા માં રામ છે અને મારા માં પણ રામ છે. એક રામ બીજા રામ ને વંદન કરે છે.
ઈશ્વર સર્વમાં છે એમ જાણી વ્યવહાર કરવો જોઈએ. એમ માનીને વ્યવહાર થાય તો-વ્યવહાર જ ભક્તિ બને છે.
પણ -મનુષ્ય એક બાજુ ભક્તિ કરે અને બીજી બાજુ પાપ કરે-દંભ-કપટ કરે-તેથી ભક્તિમાં આનંદ આવતો નથી.
વ્યવહાર ની શુદ્ધિ ઈશ્વર સર્વ માં છે એનો અનુભવ કર્યા વગર થતી નથી. હું જે કરું છું તે માલિક જુએ છે એમ વિચારવાનું છે.
વ્યવહાર છોડવાની જરૂર નથી. વિરકત મનુષ્યો જ વહેવાર છોડી શકે છે-- 
આપણા જેવા સાધારણ માણસો-વ્યવહાર છોડે તે સારું પણ નથી-પરંતુ જે વ્યવહાર પ્રાપ્ત થયો છે-તેમાં વિવેકની જરૂર છે.
ધંધો (વ્યવહાર) છોડવાથી જ ભક્તિ થાય એવું નથી. શરીર ને જેમ થાક લાગે છે-તેમ મન ને પણ થાક લાગે છે.
સેવા-સ્મરણ કર્યા પછી મન થાકી જાય-એટલે બીજી કોઈ પ્રવૃત્તિ શોધે છે.(એટલે હતા ત્યાં ને ત્યાં જ)
ધંધો (વ્યવહાર) કરવો એ પાપ નથી-પણ ધંધા માં ધંધો કરતાં ઈશ્વર ને ભૂલી જવું તે પાપ છે.
સાધન-ભક્તિ માં ઘણા સંતો શરૂઆત માં ધંધો કરતા હતા. નામદેવ-દરજી નું કામ કરતા હતા,ગોરાકુંભાર-માટીનું કામ કરતા હતા.
કબીર ચાદર વણવાનું કામ કરતા હતા. ધંધો કરતાં ઈશ્વરને જો ના ભુલાય તો ધંધો (વ્યવહાર) જ ભક્તિ બની જાય છે.
ઠાકોરજીના દર્શન કરતાં જો દુકાન દેખાય તો દુકાનનું કાર્ય કરતાં ભગવાન કેમ ના દેખાય ?
કોઈ પણ વ્યવહાર એવો નથી કે જેમાં બોધ ન હોય.
સેના ભગત હજામત કરવાનું કાર્ય કરતા. એક દિવસ તેમણે વિચાર આવ્યો-કે-
હું લોકોના માથાનો મેલ કાઢું છું-પણ મારી બુદ્ધિની મલિનતા (મેલ) કાઢી નહિ
આવા ઘણા મહાપુરુષોને તેમના ધંધા માંથી જ્ઞાન મળ્યું છે. મહાભારતમાં એવા ઘણા દાખલા છે-કે-
મહાન જ્ઞાની પુરુષો પણ વૈશ્યને ઘેર સત્સંગ કરવા જતા.
જાજલીઋષિ અને તુલાધાર વૈશ્યનું એક દૃષ્ટાંત છે.
જાજલીઋષિ મહાન જ્ઞાની હતા.તેમને પોતાના જ્ઞાન નું અભિમાન થયું. હું સર્વ થી શ્રેષ્ઠ છું.
એક વખત એમને આકાશવાણી સંભળાણી કે-મહારાજ તમે અભિમાન ન કરો. તમારા કરતાં જનકપુરનો તુલાધાર વૈશ્ય મહાજ્ઞાની છે.
તમે ત્યાં જઈ તેનો સત્સંગ કરો. જાજલીઋષિ જનકપુર ગયા.
તુલાધાર દુકાનમાં કામ કરતા હતા. જાજલીઋષિને જોઈને પૂછ્યું-
બે મહિના પહેલાં ગંગા કિનારે બેઠા હતા અને આકાશવાણી સાંભળીને તમે આવ્યા છો ?
જાજલીઋષિ ને આશ્ચર્ય થયું-કે એણે આકાશવાણી ની વાત કેવી રીતે જાણી ? ઋષિએ તુલાધારને પૂછ્યું-આવું જ્ઞાન તમને કોને આપ્યું ?તમારા ગુરુ કોણ છે ?
તુલાધારે કહ્યું-કે બધા મારા ગુરુ છે,માતા-પિતા,બ્રાહ્મણ આ બધા મારા ગુરુ છે.પણ વધારે જ્ઞાન મને મારા ધંધા માંથી મળ્યું છે.
આ ધંધો પણ મારો ખાસ ગુરુ છે. હું મારા ત્રાજવાની દાંડી સરળ રાખું છું.કોઈને ઓછું આપતો નથી અને મહેનત પ્રમાણે નફો લઉં છું.
મારી બુદ્ધિ અને મન ને મેં સરળ રાખ્યા છે.દંભ કપટ કરતો નથી. પરમાત્માને ભૂલતો નથી.
મનુષ્ય શરીર થી પાપ કરે તે સમાજ જોઈ શકે છે. પણ મનથી પાપ કરે છે-તે માત્ર ઈશ્વર જ જોઈ શકે છે.
નૃસિંહ ભગવાન બહારથી આવ્યા નથી પણ સ્તંભમાંથી પ્રગટ થયા છે. જીવ માત્રમાં પ્રભુને જોતા જોતા જડમાં પણ ઈશ્વરને જુઓ.
લૌકિક દૃષ્ટિએ પૃથ્વી જડ લાગે છે. પણ નજર આગળ જે જે વસ્તુઓ દેખાય છે-તે પૃથ્વીની પેદાશ છે.
જ્ઞાનનો ઉપયોગ પ્રભુની સર્વવ્યાપકતાનો અનુભવ કરવા માટે છે.
એક મહાત્માના બે શિષ્યો.બન્ને ખુબ ભણેલા. કથા વાર્તા પણ કરતા. મહાત્માનો અંત સમય આવ્યો. મહાત્મા એ વિચાર્યું-કે
ગાદી કોને આપું ?મહાત્મા એ બે ફળ મંગાવ્યા. અને બન્ને શિષ્યોને બોલાવી બન્નેને એકએક ફળ આપ્યું.
અને કહ્યું-એવી જગ્યાએ આ ફળ ખાજો કે કોઈ તમને ફળ ખાતાં જુએ નહિ.
એકે વિચાર્યું-ઓરડો બંધ કરીને ખાઇશ તો મને કોણ જોવાનું છે ? તે ઓરડામાં જઈ ફળ ખાઈને પાછો આવ્યો.
બીજાએ જ્ઞાન પચાવેલું હતું. બીજાને જ્યાં જાય ત્યાં ઈશ્વર દેખાય છે. પરમાત્મા વિશ્વોત્મુખ છે. આખો દહાડો ફર્યો-પણ કોઈ એકાંત જગા મળી નહિ. ફળ ખાધા વગર જ તે પાછો આવ્યો.
ગુરૂજી એ નક્કી કર્યું કે આ બીજો ચેલો લાયક છે. પહેલો કથા કરે છે-પણ ઈશ્વરના સર્વવ્યાપક સ્વરૂપને સમજ્યો નથી.
પ્રહલાદની દૃઢ નિષ્ઠા છે-કે ઈશ્વર સર્વમાં છે. અનેક માં એક વસ્તુ ના દર્શન કરે તે ભક્તિ. એકમાં અનેકને જોવું તે જ્ઞાન.
જ્ઞાની એક વસ્તુ માં અનેક નો લય કરે છે. આ વેદાંત (અદ્વૈત) ની પ્રક્રિયા છે.
વેદાંત માં દ્રષ્ટા (જોનાર) ની ઉપાસના છે-ભક્તિ માં દૃશ્ય ની ઉપાસના છે.
વેદાંત માં દૃશ્ય નો નિષેધ કરવો પડે છે-જયારે ભક્તિ કહે છે-જે દૃશ્ય છે તે પણ ભગવદસ્વરૂપ  છે.
શબ્દો માં થોડો ફરક છે-જ્ઞાનમાર્ગ અને ભક્તિમાર્ગ માં ફરક નથી.
જ્ઞાનીઓ બાહ્ય રૂપરંગને જોતા નથી. પરંતુ બાહ્ય રૂપરંગ જેનાથી સુંદર લાગે છે-તે પરમાત્માનો વિચાર કરે છે.
ગાય કાળી હોય ધોળી હોય કે રાતી હોય પણ તેનું દૂધ સફેદ જ હોય છે.
મનુષ્ય બુદ્ધિમાન હોય કે મૂર્ખ હોય પણ દરેકમાં રહેલું ચેતન તત્વ એક-જ છે.
જગતમાં કોઈ મૂર્ખ નથી.બધા ઈશ્વરના અંશ છે. જે બીજા ને મૂર્ખ માને તે પોતે જ મૂર્ખ છે.
આપણે ત્યાં તો પશુની પણ પૂજા થાય છે. કૂતરો ભૈરવનાથનું વાહન છે. ગધેડો શીતળા માતાનું વાહન છે.
ઈશ્વર ચૈતન્યરૂપે સર્વમાં છે-તેવો અનુભવ કરવાની જેને આદત પડે-તેની પ્રત્યેક ક્રિયા ભક્તિમય અને જ્ઞાનમય બનશે.
પરમાત્માની આજ્ઞા સમજીને જે વ્યવહાર કરે છે તેની બુદ્ધિમાં આવી જ્ઞાન રહે છે.
સંસારના જડ પદાર્થો ને જેમ બુદ્ધિમાં રાખો છો તે જ રીતે-બુદ્ધિમાં પરમાત્માને રાખો.
સર્વમાં રહેલા પરમાત્મા આંખને દેખાતા નથી પણ બુદ્ધિને દેખાય છે. બુદ્ધિ તેમનો અનુભવ કરી શકે છે.
અતિસૂક્ષ્મ પરમાત્મા આંખ ને ન દેખાય પણ કોઈ સંત કે સતગુરુ કૃપા કરે અને જોવાની દૃષ્ટિ (બુદ્ધિ) આપે ત્યારે તે (પ્રભુ) દેખાય છે.
મનુષ્યને સ્વાતંત્ર્ય સ્વેચ્છાચારી બનાવે છે. પોતાની બુદ્ધિ જ સર્વથી શ્રેષ્ઠ છે તેવું અભિમાન આવે છે.
કોઈ સંત નું ચરિત્ર ગમતું હોય તેને ગુરુ માની તેને આધીન થવા થી અહમ નો વિનાશ થાય છે.
ગુરુથી આ અહં નો વિનાશ થવાની સાથે સાથે-એક નવી દૃષ્ટિ (આંખ) ખુલે છે-
સદગુરુ સંતતિ-સંપત્તિ-સંસારસુખ- આપતા નથી પણ પરમાત્મા ના દર્શન કરવાની એક દૃષ્ટિ (આંખ ) આપે છે.બુદ્ધિ આપે છે.
ગુરુ કરતા પહેલાં ખુબ વિચાર કરજો. પાની પીના છાનકે-ગુરુ કરના જાનકે  
પણ ગુરુ કર્યા પછી બીજા કોઈ વિચાર કરશો નહિ-તે ગુરુ માં જ સંપૂર્ણ શ્રધ્ધા રાખજો.
જગતના કોઈ પણ મહાપુરુષમાં શ્રદ્ધા ન થતી હોય તો-કોઈ પ્રાચીન મહાત્માને ગુરુ માનીને તેને આધીન રહેજો.
(કોઈ પણ ન મળે તો છેવટે-કૃષ્ણમ વંદે જગદગુરૂમ “)
એકલા સાધનથી મન કાયમને માટે શુદ્ધ રહેતું નથી. (મન પર બુદ્ધિનો પ્રભાવ છે-બુદ્ધિ અહમ કરે છે)
જયારે સદગુરુની કૃપા થાય ત્યારે મનુષ્યનું મન હંમેશા પવિત્ર રહે છે. (બુદ્ધિના અહમનો નાશ થવાથી)
મન મોટા મોટા સાધુઓને પણ ત્રાસ આપે છે.મન ચંચળ છે. મનશુદ્ધિ વગર ઈશ્વરનો સાક્ષાત્કાર શક્ય નથી.
સાધારણ નિયમ એવો છે કે-ભગવાન કર્મ પ્રમાણે જીવને ફળ આપે છે-તે ન્યાયાધીશ જેવું કામ કરે છે.
પણ સદગુરુ પ્રારબ્ધ પર મેખ મારે છે-અને શિષ્યનું કલ્યાણ કરે છે.
જગતમાં અનેક સંતો છે-પણ આપણું કલ્યાણ કરવાની જવાબદારી તેમના માથે નથી. પણ આપણે જો કોઈને ગુરુ બનાવીએ તો આપણું કલ્યાણ કરવાની જવાબદારી તેમના માથે છે.
સાચાં સાધુ-સંતો ને કોઈના ગુરુ થવાની ઈચ્છા થતી નથી. ગુરુ ને માથે મોટી જવાબદારી છે. જલ્દી કોઈના ગુરુ થવાનું સારું નથી.
ગુરુ થવાથી ચેલા ના પાપની જવાબદારી પણ ગુરુ ના માથે આવે છે.

શાસ્ત્રમાં લખ્યું છે-કે-શિષ્ય જે પાપ કરે છે-તેની થોડી સજા ગુરુને પણ કરવામાં આવે છે.
ચેલાના પાપ નો ઇન્સાફ કરતી વખતે ગુરુને પણ બોલાવવામાં આવે છે-તેને પૂછવામાં આવે છે-કે- 
ગુરુપૂર્ણિમા ના દિવસે ખુબ હાર પહેર્યા-ભેટો લીધી પણ ચેલાનું પાપ કેમ ન છોડાવ્યું ? તેને સન્માર્ગે કેમ વાળ્યો નહિ ?
ચેલાની સાથે ગુરુ ને પણ બે ફટકા પડે છે.
પરંતુ જો ગુરુ શિષ્યને પાપ કરતાં રોકતાં હોય, છતાં પણ જો શિષ્ય ગુરુની આજ્ઞાની અવહેલના કરી પાપ કરતાં અટકે નહીં તો તે શિષ્યનું પતન થતાં કોઈ રોકી શકે નહી, અને તેનાં માટે ગુરુની કોઈ જવાબદારી હોતી નથી.
આજકાલ લોકો પુસ્તકો વાંચીને-પથારીમાં પડ્યા પડ્યા જ્ઞાની બની જાય છે. તે વિચારે છે-કે ગુરુની કોઈ જરૂર નથી.

જ્ઞાન છે-પણ તે જ્ઞાનનો અનુભવ થતો નથી. અનુભવ વગરના જ્ઞાનની કિંમત કેટલી ?!!!!

No comments: