શ્રીમદ્ભાગવત સ્કંધ – 1 (Page 22)

શ્રીમદ્ભાગવત સ્કંધ – 1 (Page 22)

ભક્તિ માં આનંદ છે.
કદીક ભક્તિ માં આનંદ આવતો નથી-તો તેનું કારણ એ છે કે ભક્તિ બરાબર થતી નથી.
માનવ ભક્તિ કરે છે-પણ મોટે ભાગે-ધનથી-શરીરથી –ભક્તિ કરે છે.મન થી કરતો નથી.
વાણી ભગવાન નાં નામ નો ઉચ્ચાર કરે પણ મન જો ભગવાન નું સ્મરણ નાં કરે તો-તેનો કોઈ અર્થ નથી.
સેવામાં- ક્રિયા –એ મુખ્ય નથી. –ભાવ- એ મુખ્ય છે. ભાવ થી ભક્તિ સફળ થાય છે.
સર્વ વિષયો મન માંથી હટાવો-તો સેવામાં જરૂર આનંદ આવશે.
શ્રીકૃષ્ણ વિના બધું તુચ્છ છે-શ્રીકૃષ્ણ વિના બધું દુઃખ રૂપ છે.-એવું દ્રઢ જ્ઞાન થશે –તો ભક્તિ થશે.
પરમાત્મા સાથે પ્રેમ કેળવવો હશે તો વિષયોનો પ્રેમ છોડવો જ પડશે.
“પ્રેમ ગલી અતિ સાંકરી-તમે દો ન સમાય”  ત્યાં બંને નો મેળ નથી.
જગતનો સંબંધ મનથી ન છોડો-ત્યાં સુધી-બ્રહ્મ સંબંધ થતો નથી.
સંસારને છોડવાનો નથી.પણ -સંસારના વિષયો સુખ આપે છે-તે-સમજ- છોડવાની છે. મોહ છોડવાનો છે.
વ્રત-માં ત્યાગ- કરવાની આજ્ઞા આપી છે-તે-કાયમ નાં ત્યાગ માટે.
ધીરે ધીરે-સંયમ ને વધારો-વૈરાગ્ય ને વધારો-ત્યારે ભક્તિ માં અનેરો આનંદ આવશે.
એક વખત એક ચોબાજી –મથુરાથી ગોકુલ જવા નીકળ્યા. યમુનાજી માં હોડી માં જવાનું હતું.
ચોબાજી –ભાંગ નાં નશામાં-હોડી માં બેઠા-હલેસાં મારવા માંડ્યા.હોડી હાલક ડોલક થાય છે-ચોબાજી બોલે છે-
નાવ અભી ગોકુલ પહુંચ જાયેગી. આખી રાત નાવ ચલાવી-સવાર પડ્યું- ચોબાજી વિચારવા લાગ્યા-આ મથુરા જેવું વળી કયું ગામ આવ્યું ?-કોઈને પૂછ્યું –કે આ કયું ગામ ? તો ઉત્તર મળ્યો-મથુરા.
ચોબાજી નો નશો ઉતર્યો-પોતાની મૂર્ખતા સમજાઈ-નશાની અસર માં (અમલ માં) નાવ ને બાંધેલી દોરી-તો-છોડવાનું જ ભૂલી ગયેલા.
આ કથા ચોબાજી ની માત્ર નથી.આપણા સર્વ ની છે.
ભાંગ નો નશો ચડે છે-તેમ-એક એક ઇન્દ્રિય-સુખ નો  નશો ચડે છે. સંસારના વિષય સુખ નો નશો ચડે છે.
પૈસા નાં નશામાં –મનુષ્ય મંદિરમાં જાય છે.થોડા પૈસા ફેકે છે.સામે કૈક માગે છે. પણ-
તે નશામાં ને નશામાં પ્રભુના સ્વરૂપ નું મનથી ચિંતન કરતો નથી. તેથી દર્શન માં આનંદ આવતો નથી.
માનવ-કાયા –એ-નાવડી છે. વાસના-વિષયો રૂપી દોરીથી –તે સંસાર સાથે ગાંઠ થી બંધાયેલી છે.
તે ગાંઠ ને છોડવાની છે.સંસાર નું સુખ એ –દુઃખ રૂપ છે-એમ વારંવાર મન ને સમજાવો.તો મન ત્યાંથી હટી જશે.
ભક્તિ માં અનેરો આનંદ આવશે.
સંસાર સુખ રૂપ નથી, દુઃખરૂપ છે. ધીરે ધીરે વૈરાગ્ય ને વધારી-ભક્તિ વધારજો.
વૈરાગ્ય વગર ભક્તિ રડે છે. ભોગ ભક્તિ માં બાધક છે.
ભોગ માં પ્રત્યેક ક્ષણે આનંદ ઓછો થાય છે. જયારે-ભક્તિ માં પ્રત્યેક ક્ષણે આનંદ વધતો જાય છે.
આંખનો -જીભનો-મનનો –સંયમ વધારો. જે જોવાની અતિ જરૂર લાગે તે જ જુઓ. બોલ્યા વગર છુટકો જ ના હોય ત્યારે બોલો. સંયમ વગર સુખી થવાતું નથી-ભક્તિમાં આગળ વધી શકાતું નથી.
વૈરાગ્ય વગર-જ્ઞાન અને ભક્તિ ની શોભા નથી. ત્રણે સાથે વધે તો ઈશ્વરનો સાક્ષાત્કાર થાય છે.
જ્ઞાન માર્ગ માં ઇન્દ્રિયો નો નિરોધ કરવાનો હોય છે. ભક્તિ માર્ગ માં ઇન્દ્રિયો ને પ્રભુમાર્ગ માં વાળવાની હોય છે.
લૌકિક (સામાન્ય) જ્ઞાન માં દ્વૈત છે. પણ ઈશ્વર સ્વરૂપ ના જ્ઞાન માં અદ્વૈત છે.
ઈશ્વરના સ્વરૂપ નું જ્ઞાન થાય એટલે જ્ઞાતા(જ્ઞાન મેળવનાર) અને જ્ઞેય(સત્ય જ્ઞાનવાળા-પ્રભુ) એક બને છે.
સેવા-સ્મરણ કરતાં તન્મયતા થાય છે.ઈશ્વરની અપરોક્ષ સાક્ષાત્કાર થાય છે. તેથી જીવ ઈશ્વરમાં મળી જાય છે.
તે પછી તે એમ કહી શકતો નથી કે ઈશ્વરને હું જાણું છુ.
કે એમ પણ કહી શકતો નથી કે-હું ઈશ્વરને નથી જાણતો.
ગોપી સર્વ માં કૃષ્ણને નિહાળી-જીવભાવ ભૂલી ગઈ હતી.
લાલી મેરે લાલ કી,સબ જગ રહી સમાઈ, લાલી દેખન મૈ ગઈ,મૈ ભી હો ગઈ લાલ.
શ્રુતિ વર્ણન કરે છે કે-ત્યાં “હું” રહેતું નથી કે “તું” રહેતું નથી. વૃત્તિ બ્રહ્માકાર થાય છે. 
શ્રીકૃષ્ણ ના સ્વ-રૂપ નું જેને બરોબર જ્ઞાન થાય છે-તે ઈશ્વર થી જુદો રહી જ શકતો નથી. સર્વ માં ઈશ્વરને જોનારો-પોતે ઈશ્વરરૂપ બને છે.
શુદ્ધ -બ્રહ્મ- માયા- ના સંસર્ગ વિના અવતાર લઇ શકે નહિ. સો ટચ નું સોનું એટલું પાતળું હોય છે કે-તેમાંથી દાગીના ઘડી શકાય નહિ. દાગીના બનાવવા તેમાં બીજી ધાતુ ઉમેરવી પડે છે.
તેવીજ રીતે પરમાત્મા પણ માયા નો આશ્રય-કરી-અવતાર લઇ પ્રગટ થાય છે.
પણ ઈશ્વરને માયા બાધક થતી નથી-જીવને માયા બાધક થાય છે.
ભગવાન પ્રત્યે પ્રેમ વધારવા –ભગવાન ના અવતારોની કથા સાંભળો.
પરમાત્મા ના -૨૪- અવતારો છે. તે ચોવીસ અવતારોની કથા ભાગવતમાં વર્ણવી છે. તે કથા ઓનું શ્રવણ કરવાથી પરીક્ષિત ને મોક્ષ મળ્યો છે.
ધર્મ નું સ્થાપન અને જીવો નો ઉદ્ધાર કરવા-પરમાત્મા અવતાર(જીવ-દેહ) ધારણ કરે છે. (જેને દેવ કહે છે)
લાલાજીનો અવતાર તમારા ઘરમાં થવો જોઈએ.-મંદિર માં નહિ.
માનવ-શરીર એ ઘર છે. પરંતુ આપણે –આપણા ઘરમાં કે હૃદય માં –પરમાત્મા માટે જગા જ ક્યાં રહેવા દીધી છે ? તેથી તો લાલા ને કારાગાર માં જન્મ લેવો પડ્યો.
પહેલો અવતાર સનત કુમારો નો છે.
તે બ્રહ્મચર્ય નું પ્રતિક છે. કોઈ પણ ધર્મ માં બ્રહ્મચર્ય પ્રથમ આવે છે. બ્રહ્મચર્ય વગર મન સ્થિર થતું નથી. બ્રહ્મચર્ય થી મન-બુદ્ધિ-અહંકાર પવિત્ર થાય છે. અંતઃ કરણ શુદ્ધ થાય છે. પહેલું પગથીયું-છે-બ્રહ્મચર્ય.
બીજો અવતાર છે-વરાહ નો-
વરાહ એટલે શ્રેષ્ઠ દિવસ. જે દિવસે સત્કર્મ થાય-તે શ્રેષ્ઠ દિવસ. સત્કર્મ માં લોભ-વિઘ્ન કરવા આવે છે-લોભ ને સંતોષથી મારવો. વરાહ અવતાર સંતોષ નો અવતાર છે.પ્રાપ્ત સ્થિતિ માં સંતોષ માનો-એ વરાહ અવતાર નું રહસ્ય છે.
ત્રીજો અવતાર નારદજી નો-
ભક્તિ નો અવતાર છે. બ્રહ્મચર્ય પળે અને પ્રાપ્ત સ્થિતિ માં સંતોષ માને ત્યારે નારદ-એટલે ભક્તિ મળે. જે પરમાત્મ-ભક્તિ સિવાય કોઇમાં રત નથી તે “નારત”=નારદ.
નારદજી ભક્તિ માર્ગ ના આચાર્ય છે.
ચોથો અવતાર-નરનારાયણ નો.-
ભક્તિ મળે એટલે ભગવાન નો સાક્ષાત્કાર થાય. ભક્તિ દ્વારા ભગવાન મળે છે. પણ ભક્તિ જ્ઞાન- વૈરાગ્ય વગર હોય તો તે દ્રઢ થશે નહિ. ભક્તિ જ્ઞાન-વૈરાગ્ય જોડે આવવી જોઈએ. –એટલે જ –
પાંચમો અવતાર કપિલદેવ નો- છે.
કપિલદેવ જ્ઞાન વૈરાગ્ય નું પ્રતિક છે.
છઠ્ઠો અવતાર દત્તાત્રેય નો-
ઉપરના પાંચ ગુણો –બ્રહ્મચર્ય-સંતોષ-ભક્તિ -જ્ઞાન-અને વૈરાગ્ય તમારા માં આવશે તો તમે અત્રી(ગુણાતીત) થશો- ને ભગવાન તમારા ત્યાં આવશે.
ઉપરના -અવતારો બ્રાહ્મણ માટેના-
સાતમો-અવતાર યજ્ઞ નો—આઠમો-ઋષભ દેવ નો—નવમો-પૃથુ રાજાનો—દશમો-મત્સ્ય-નારાયણનો-
આ અવતારો-ક્ષત્રિયો માટેના છે. ક્ષત્રિય ધર્મ નો આદર્શ બતાવવા માટેના છે.
અગિયારમો-અવતાર-કુર્મ નો—બારમો-ધન્વન્તરીનોતેરમો-મોહિની નારાયણ નો—
આ અવતારો વૈશ્ય માટેના છે. આ અવતારો માં વૈશ્ય ના જેવી લીલા –પ્રભુ એ કરી છે.
ચૌદમો અવતાર-નૃસિંહ સ્વામી નો-
પુષ્ટિ નો અવતાર છે. ભક્ત-પ્રહલાદ પર કૃપા કરવા અવતાર ધારણ કર્યો છે.
પ્રહલાદ જેવી દૃષ્ટિથી જુઓ-તો થાંભલામાં –ભગવાન ના દર્શન થશે. ઈશ્વરની સર્વ-વ્યાપકતાનો અનુભવ થશે.
પંદરમો-અવતાર વામન ભગવાન નો-
પરમાત્મા મોટા છે-તો પણ બલિરાજા સામે –વામન (નાના) બન્યા છે. બલિરાજા-કે જેમના માથા પર –ભક્તિનું-નીતિનું છત્ર છે અને ધર્મ નું બખ્તર પહેર્યું છે-તેણે ભગવાન પણ મારી શકે નહિ-ભગવાન ને નાના બનવું પડ્યું છે.
સોળમો અવતાર-પરશુરામ નો છે- આ આવેશ અવતાર છે.
સત્તરમો અવતાર-વ્યાસ નારાયણ નો જ્ઞાનાવતાર છે. .(નોંધ-વ્યાસજીએ -રામ અને કૃષ્ણ  ના અવતાર પહેલાં ભાગવત-રામાયણ-મહાભારત ની રચના કરીછે??!!)
અઢારમો અવતાર-રામજી નો –તે મર્યાદા પુરુષોત્તમ નો અવતાર છે.
રામજી ની જેમ મર્યાદાનું પાલન કરો-એટલે તમારી અંદરનો-કામ મારશે અને –પછી કનૈયો આવશે.
ઓગણીસમો અવતાર-શ્રીકૃષ્ણ નો છે. શ્રી કૃષ્ણ તો સ્વયં ભગવાન છે.
રામ -કૃષ્ણ એક જ છે. એક બપોરે બાર વાગે જન્મે છે-બીજા રાતે બાર વાગે જન્મે છે.
મનુષ્ય બપોરે ભૂખથી ભાન ભૂલે છે-રાતે કામ સુખ ની યાદથી ભાન ભૂલે છે. દિવસે રામજીને અને રાતે કૃષ્ણ ને યાદ કરો.
તો તે બંને સમયે ભગવાન ની કૃપા થશે.
એકનાથજી એ આ બંને અવતારોની સુંદર તુલના કરી છે.
રામજી રાજમહેલમાં પધારે છે-કનૈયો કારાગૃહમાં. એકના નામના સરળ અક્ષર-બીજાના જોડાક્ષર.
ભણતરમાં સરળ અક્ષર પહેલા ભણાવે છે-જોડાક્ષર પછી. રામજી ની મર્યાદા પાળો -તે પછી કૃષ્ણાવતાર થશે.
આ બે સાક્ષાત –પૂર્ણ પુરુષોત્તમ ના અવતાર છે. બાકીના બધાં અવતારો અંશાવતાર છે.
અલ્પ-કાળ માટે તથા અલ્પ-જીવના ઉદ્ધાર માટે જે અવતાર થાય તે અંશાવતાર. અને
અનંત-કાળ માટે,અનંત-જીવોના ઉદ્ધાર માટે અવતાર થાય તે પૂર્ણાવતાર. તેમ સંતો માને છે.
ભાગવત માં કથા કરવાની છે –કનૈયા- ની- પણ ક્રમે ક્રમે-બીજા અવતારોની કથા કહ્યા પછી –અધિકાર –પ્રાપ્ત થાય- એટલે પછી કનૈયો આવે.
તે પછી-હરિ-કલ્કિ-બુદ્ધ વગેર મળી ૨૪ અવતારો થયા છે.
પરમાત્મા ના ૨૪ અવતાર-પરમાત્મા શબ્દ માંથી જ નીકળે છે.
પ=પાંચ,૨=બે,મા=સાડાચાર, અડધો ત=આઠ,છેલ્લો મા-સાડા ચાર. બધાં નો સરવાળો=૨૪ .
બ્રહ્માંડ પણ ઈશ્વરનો અવતાર જ છે. કેટલાક બ્રહ્માંડ માં ઈશ્વરને જુએ છે.
કેટલાક સંસારના સર્વ પદાર્થો માં ભગવત -સ્વરૂપ ના દર્શન કરે છે.
સ્થૂળ-સૂક્ષ્મ- શરીર નું –અવિદ્યા (અજ્ઞાન)થી- આત્મા- માં આરોપણ કરવામાં આવે છે.  પણ –
જે અવસ્થા- માં આત્મ સ્વરૂપ ના- જ્ઞાન- થી-આ આરોપણ(શરીર એ આત્મા નથી-તે)
દૂર-થઇ જાય-તે સમયે-બ્રહ્મ નો સાક્ષાત્કાર થાય છે.(ઇતિ તદ્દ બ્રહ્મ દર્શનમ) –આ સિદ્ધાંત સમજાવ્યો છે.
ભગવાન વ્યાસે-ભગવત ચરિત્રોથી પરિપૂર્ણ –ભાગવત -નામ નું પુરાણ બનાવ્યું છે.
ભગવાન શ્રીકૃષ્ણ, ધર્મ-જ્ઞાન વગેરે સાથે જયારે સ્વધામ પધાર્યા-ત્યારે –આ કળિયુગ માં અજ્ઞાન રૂપી –અંધકારથી –લોકો આંધળા બન્યા. એ સમયે ભાગવત પુરાણ પ્રગટ થયું છે. આ પુરાણ સૂર્યરૂપ(અજવાળા રૂપ) છે.
સૂતજી કહે છે કે-
શુકદેવજી એ –પરીક્ષિત રાજા ને આ કથા સંભળાવેલી-તે વખતે હું ત્યાં હાજર હતો. હું હાથ જોડીને ઉભો હતો.
ગુરુદેવે કૃપા કરીને મને બોલાવ્યો. મને પરીક્ષિત પાસે બેસાડ્યો. યથામતિ આ પુરાણકથા હું તમને સંભળાવું છુ.
શૌનક્જી એ પૂછ્યું કે-વ્યાસજી એ ભાગવતની રચના શા માટે કરી? રચના કર્યા પછી તેનો પ્રચાર કેવી રીતે કર્યો?
શુકદેવજી ની જન્મથી જ બ્રહ્માકારવૃત્તિ છે. તે ભાગવત ભણવા ગયા તે અમને આશ્ચર્ય લાગે છે.
શુકદેવજી ના ખુબ વખાણ કર્યા છે. શુકદેવજી ની દેવ-દૃષ્ટિ હતી-દેહ-દૃષ્ટિ ન હતી..
એક વખત એવું બન્યું કે-એક સરોવરમાં અપ્સરાઓ સ્નાન કરી રહી હતી. ત્યાંથી (નગ્ન અવસ્થામાં) શુકદેવજી પસાર થયા.
અપ્સરાઓએ પૂર્વવત સ્નાન ચાલુ રાખ્યું  અને કાંઇ લજ્જા અનુભવી નહિ.
થોડીવાર પછી વ્યાસજી ત્યાંથી પસાર થયા. (વ્યાસજી એ તો કપડાં પણ પહેરેલા હતા.) પરંતુ વ્યાસજી ને જોઈ અપ્સરાઓને સંકોચ થયો. તેઓએ તરત કપડાં પહેરી લીધા. વ્યાસજી એ દુરથી આ જોયું. અપ્સરાઓને તેનું કારણ પૂછ્યું.
તેઓએ જણાવ્યું-આપ જ્ઞાની છો-આપ વૃદ્ધ છો-પૂજ્ય છો-પિતા જેવા છો-પરંતુ આપના  મન માં આ પુરુષ છે અને આ સ્ત્રી છે-એવો ભેદ છે. જયારે શુકદેવજી ના મનમાં તેવો કોઈ ભેદ નથી.
મન માં શું ભર્યું છે-તે આંખને જોવાથી ખબર પડે છે.
સંતો ની આંખ-પરમાત્માનાં સ્વરૂપમાં સ્થિર હોય છે. આંખ માં કાળાશ દેખાય તો સમજવું કે-તેના મન માં -કામ છે- રતાશ દેખાય તો સમજવું કે તેના મનમાં ક્રોધ છે. પીળાશ દેખાય તો સમજવું-તેના મન માં લોભ છે.
અપ્સરાઓ કહે છે-કે-તમારા મન માં કામ છુપાયેલો છે. તમારા પુત્ર ની આંખ મંગલમય છે,
શુકદેવજી કેવળ બ્રહ્મ જ્ઞાની નથી.પણ બ્રહ્મ દૃષ્ટિ રાખીને ફરે છે. તેમની –અભેદ દૃષ્ટિ સિદ્ધ થઇ છે. તેમને ખબર નથી કે- આ સ્ત્રી છે કે આ પુરુષ છે. તેમને અપ્સરા પણ બ્રહ્મ રૂપ દેખાય છે.
આવા શુકદેવજી ની પર નજર પડી તો અપ્સરાઓની બુદ્ધિ સુધરી છે. શુકદેવજી ના દર્શન થયા પછી અપ્સરાઓને પણ પોતાના વિલાસી જીવન પ્રત્યે ધૃણા આવી છે. સંત ને જોનારો પણ નિર્વિકાર બને છે.
અપ્સરાઓને થયું છે-કે-ધિક્કાર છે અમને-આ મહાપ્રુરુષ ને જુઓ-પ્રભુ-પ્રેમ માં કેવા પાગલ બન્યા છે!!!!
જનક રાજા ના દરબાર માં એક વખત શુકદેવજી અને નારદજી પધારેલા.
શુકદેવજી બ્રહ્મચારી છે-અને જ્ઞાની છે. નારદજી પણ બ્રહ્મચારી છે અને ભક્તિમાર્ગ ના આચાર્ય છે. બંને મહા-પુરુષો છે.
પરંતુ આ-બે- માંથી શ્રેષ્ઠ કોણ ?
જનકરાજા સમાધાન કરી શક્યા નહિ. પરીક્ષા વગર તે શી રીતે નક્કી થઇ શકે ?
જનક રાજા ની પત્ની-સુનયના એ બીડું ઝડપ્યું-કે- હું બંને ની પરીક્ષા કરીશ.
સુનયનાએ બંને ને પોતાના મહેલ માં બોલાવ્યા.અને હિંડોળા પર બેસાડ્યા. બાદ માં સુનયના શણગાર સજી ને આવ્યા અને બંને ની  વચ્ચે  આવીને  બેસી ગયા.
આથી નારદજી ને સહેજ સંકોચ થયો”.હું બાળ બ્રહ્મચારી- તપસ્વી ને આ સ્ત્રી અડકી જશે-અને મારાં મન માં કદાચ વિકાર આવશે તો ?” તેથી તેઓ સહેજ દૂર ખસ્યા.
ત્યારે શુકદેવજી ને તો અહીં કોણ આવી ને  બેઠું –તેનું કોઈ ભાન જ નથી.તેઓ દૂર ખસતા નથી.
સુનયના રાણી એ નિર્ણય આપ્યો-કે શુકદેવજી શ્રેષ્ઠ છે. એમને સ્ત્રીત્વ-કે પુરુષત્વ નું પણ ભાન નથી.(બ્રહ્મ-દૃષ્ટિ સ્થિર છે)
સ્ત્રી-પુરુષનું ભાન ન જાય ત્યાં સુધી ઈશ્વર મળતા નથી. ભક્તિ સિદ્ધ થતી નથી. સર્વ માં બ્રહ્મ ભાવ થવો જોઈએ.
જગત માં બ્રહ્મ-જ્ઞાની ઘણા મળે છે-પણ બ્રહ્મ-દૃષ્ટિ સ્થિર થઇ હોય-તેવા મળતા નથી.
એક કમળાના રોગ માં એવી શક્તિ છે-કે-તે જેને થયો હોય તેણે બધું પીળું દેખાય છે.
તો બ્રહ્મ-દૃષ્ટિ રાખનાર ને આખું જગત બ્રહ્મ-રૂપ દેખાય એમાં નવાઈ શું ?
આંખ ઉઘાડી હોય અને જેનું મન સ્થિર રહેછે-તેનું જ્ઞાન સાચું છે. આંખ બંધ કર્યા પછી-જેનું મન સ્થિર  રહે-તેનું જ્ઞાન કાચું છે.
શુકદેવજી જેવા –બ્રહ્મ-દૃષ્ટિ રાખનારા મળતા નથી.( બ્રહ્મ-દૃષ્ટિ રાખવી કઠણ છે.) આવા શુકદેવજી જેવા પુરુષ ને ભાગવત –ભણવાની જરૂર નથી-તો પછી –તે ભાગવત  ભણવા ગયા શા માટે ?
શુકદેવજી ભિક્ષા વૃત્તિ માટે બહાર નીકળે છે-ત્યારે પણ –ગોદોહન કાળથી (એટલે છ મિનીટ થી )વધારે ક્યાંય થોભતા નથી.
તેમ છતાં –સાત દિવસ એક આસને બેસી-તેમણે પરીક્ષિત ને આ કથા કહી કેવી રીતે ?
“અમે સાંભળ્યું છે કે –પરીક્ષિત-ભગવાન તો મોટો પ્રેમી ભક્ત હતો. તેણે શાપ થયો શા માટે ? તે અમને કહો “
સૂતજી કહે છે-દ્વાપર યુગ ની સમાપ્તિ નો સમય હતો.
બદ્રીનારાયણ જતાં રસ્તામાં કેશવ-પ્રયાગ આવે છે, ત્યાં વ્યાસજી નો-સમ્યપ્રાશ- આશ્રમ છે. ભાગવત ની રચના ત્યાં થઇ છે.
વ્યાસજી ને કળિયુગ ના દર્શન થયાં. તેમને-તે વખતે-પાંચ હજાર વર્ષ પછી શું થશે?-તેના દર્શન થયાં.
(બારમાં સ્કંધ માં આનું વર્ણન કર્યું છે.વ્યાસજી એ જેવું (સમાધિમાં) જોયું તેવું લખ્યું છે.)
વ્યાસજી એ જોયું(વિચાર્યું)- કે –કળિયુગ માં લોકો વિલાસી થશે-મનુષ્યો બુદ્ધિહીન થશે. વેદ શાસ્ત્ર નું અધ્યયન કરી શકશે નહિ. આથી તેમણે વેદ ના ચાર વિભાગ કર્યા. પણ પાછું ફરીથી વિચાર્યું કે- વેદનું પણ કદાચ અધ્યયન કરે તો તેને સાચી રીતે સમજી શકશે નહિ-તેના તાત્પર્ય નું (તત્વનું) જ્ઞાન થશે નહિ. તેથી સત્તર પુરાણો ની રચના કરી. વેદો નો અર્થ સમજાવવા વ્યાસજી એ પુરાણો ની રચના કરી.
પુરાણો વેદ પર નું ભાષ્ય છે. દ્રષ્ટાંતો દ્વારા રોચક બનાવીને સરળ ભાષામાં વેદ નો સાર જ પુરાણો માં સંભળાવ્યો છે.
વેદો પર તેમણે -વેદ શ્રવણ- નો અધિકાર આપેલો.-સ્ત્રી-શુદ્ર-પતિત-દ્વિજાતી ને અધિકાર આપેલો નહિ.
(વેદો નું તત્વ –સાચી રીતે સમજવા-અતિ-સાત્વિક –બુદ્ધિ અને વિરાગ –મહત્વનો છે-એટલે ?-કદાચ)
પણ સર્વ જનો નું કલ્યાણ થાય અને સર્વ જનો- સરળતા થી વેદો નું તાત્પર્ય સમજી શકે-અધિકારી બની શકે- એમ વિચારી મહાભારત ની રચના કરી. મહાભારત એ સમાજ શાસ્ત્ર છે.એમાં બધી જ જાત ના પાત્રો છે.
મહાભારત એમ જાણે પાંચમો વેદ છે-જેના શ્રવણ માટે - સર્વ ને અધિકાર  આપ્યો છે.(બધાં સમજી પણ શકે છે)
આ શરીર જ ક્ષેત્ર છે.(ધર્મ-ક્ષેત્રે-કુરુ-ક્ષેત્રે). તેમાં ધર્મ-અધર્મ નું યુદ્ધ થાય છે.
મહાભારત –દરેક ના મન માં-અને ઘરમાં-રોજે-રોજ  ભજવાય છે.
સદ-વૃત્તિઓ(દૈવિક) અને અસદ-વૃત્તિઓ (આસુરી) નું યુદ્ધ- એ –મહાભારત.
જીવ-ધૃતરાષ્ટ્ર છે. જેને આંખ નથી તે ધૃતરાષ્ટ્ર નથી-પણ જેની આંખમાં કામ છે-તે આંધળો ધૃતરાષ્ટ્ર છે.(વિષયાનુંરાગી)
અધર્મ-રૂપ કૌરવો અનેક વાર ધર્મ ને મારવા જાય છે. યુધિષ્ઠિર અને દૂર્યોધન –રોજ લડે છે.
આજે પણ દૂર્યોધન આવે છે.
પ્રભુ ભજન માટે સવારે ચાર વાગે ઠાકોરજી જગાડે છે-ધર્મ રાજા કહે છે કે-ઉઠ-સત્કર્મ કર.
પણ દૂર્યોધન કહે છે કે-પાછલા પહોરની મીઠી ઊંઘ આવે છે-વહેલા ઉઠવાની શું જરૂર છે ? તું હજુ આરામ કર.
શું બગડી જવાનું છે ?
કેટલાક જાગે છે-પણ પથારી છોડવાની ઈચ્છા થતી નથી. જગ્યા પછી પથારી માં આળોટતા રહેવું તે મૂર્ખાઈ નથી ?
પ્રાતઃકાળ ની નિદ્રા પુણ્ય નો નાશ કરે છે.
પરમાત્મા જગાડે છે-પણ માનવ સાવધ થતો નથી.
ધર્મ અને અધર્મ –આમ અનાદિ-કાળ થી લડે છે. ધર્મ ઈશ્વરના શરણે જાય તો-ધર્મ નો વિજય થાય છે.
આટલા ગ્રંથોની રચના કરી પણ –તેમ છતાં –વ્યાસજી ના મન ને શાંતિ મળતી નથી.
જ્ઞાની પુરુષો પોતાની અશાંતિ નું કારણ –અંદર-શોધે છે. અજ્ઞાની ઓ અશાંતિ ના કારણ ને બહાર શોધે છે.
તમારા દુઃખ નું કારણ બહાર નથી-પણ અંદર છે. અજ્ઞાન –અભિમાન-એ દુઃખ ના કારણો છે.
વ્યાસજી અશાંતિ નું કારણ શોધે છે.મેં કોઈ પાપ તો કર્યું નથી ને ?(પાપ વગર અશાંતિ થતી નથી)
ના-ના-હું નિષ્પાપ છું.પણ મને મન માં કઈક ખટકે છે. મારું કોઈ પણ કાર્ય અધૂરું છે. મારી કંઈક ભૂલ થઇ છે.
વિચારે છે-કે-મને કોઈ સંત મળે તો-ભૂલ મને બતાવે.
સત્સંગ વગર મનુષ્ય ને પોતાના દોષ નું ભાન થતું નથી.
સાત્વિક –આહાર-સદાચાર-પ્રભુના નામ નો આશ્રય કર્યો હોય- છતાં મન છટકી જાય છે. તેવા સાધક ને ઈચ્છા થાય કે –કોઈ સદગુરુ મારાં મન ને વિશુદ્ધ બનાવે.(સત્સંગ)
વ્યાસજી ના સકલ્પ થી પ્રભુ એ નારદજી ને ત્યાં આવવા પ્રેરણા કરી છે. કિર્તન કરતાં કરતાં નારદજી ત્યાં પધારે છે.
વ્યાસજી ઉભા થયા.સુંદર દર્ભ નું આસન બેસવા માટે આપ્યું છે. તેમની પૂજા કરી છે.
નારદજીએ –વ્યાસજી ને-કુશળ પ્રશ્નો પૂછ્યા. વ્યાસજી ના મુખ પર ચિંતાની લાગણીઓ જોઈ –નારદજી કહે છે-કે-તમને ચિંતા માં જોઈ આશ્ચર્ય થાય છે. તમે આનંદ માં નથી.
વ્યાસજી કહે છે- તમારી વાત સાચી છે. મારું મન અશાંત છે.પણ અશાંતિ નુ કારણ શું છે? તે સમજાતું નથી. જાણતો નથી.
મારી કાંઇક ભૂલ થઇ છે. પણ મને મારી ભૂલ સમજાતી નથી. કૃપા કરી મને મારી ભૂલ બતાવો.
હું તમારો ઉપકાર માનીશ.મારી ભૂલ હું સુધારીશ.
પ્રત્યક્ષ માં વખાણ કરનાર ઘણા મળે છે.પણ ભૂલ બતાવનારા મળતા નથી.
જેને તમારી લાગણી હશે તે જ તમને તમારી ભૂલ બતાવશે. માટે જે-તમારી ભૂલ બતાવે તેનો ઉપકાર માનજો.
મનુષ્ય ને પાપ કરતાં શરમ નથી આવતી-પણ પાપની કબુલાત કરતાં શરમ આવે છે. ભૂલ કબુલ કરતાં શરમ આવે છે.
વ્યાસજી નો વિવેક જોતાં-નારદજી ને આનંદ થયો.
નારદજી એ કહ્યું-મહારાજ આપ નારાયણ ના અવતાર છે. તમારી ભૂલ શું થાય ? તમે જ્ઞાની છો,તમારી કોઈ ભુલ થઇ નથી. છતાં આપ આગ્રહ કરો છો-તો એક વાત કહું છું-કે-
આપે બ્રહ્મ-સૂત્ર માં વેદાંત ની બહુ ચર્ચા કરી. આત્મા-અનાત્મા નો બહુ વિચાર કર્યો. જીવ કેવો છે?ઈશ્વર કેવો છે? જગત કેવું છે ? –તેવી બહુ ચર્ચા કરી.
યોગસૂત્ર ના ભાષ્ય માં –યોગ ની બહુ ચર્ચા કરી.સમાધિ ના ભેદો નુ બહુ વર્ણન કર્યું.
પુરાણો માં ધર્મ ની વ્યાખ્યા ઓ કરી-વર્ણાશ્રમ ધર્મ નુ વર્ણન કર્યું. -પણ- ધર્મ-જ્ઞાન અને યોગ –એ સર્વ ના આધાર-શ્રીકૃષ્ણ છે. આ સર્વ ના આત્મા શ્રીકૃષ્ણ છે. તેની લીલા-કથા આપે પ્રેમ માં પાગલ થઇ ને વર્ણવી નથી. તમે ભગવાન નો નિર્મળ યશ પૂર્ણ રીતે વર્ણવ્યો નથી
હું માનું છું-કે –જે વડે ભગવાન પ્રસન્ન ના થાય-તે શાસ્ત્ર અપૂર્ણ જ છે.
વળી તમારું તત્વ જ્ઞાન કળિયુગ ના વિલાસી-ભોગી લોકો ને ઉપયોગી થશે નહિ.
તમારુ જીવન કલિયુગના જીવોનું કલ્યાણ કરવા-જીવો નો ઉદ્ધાર કરવા થયો છે. તમારું તે અવતાર કાર્ય હજુ તમારે હાથે પૂર્ણ થયું નથી.તેથી તમારા મન માં ખટકો છે.
જ્ઞાની  પુરુષ પણ પરમાત્માના પ્રેમ માં પાગલ ના થાય –ત્યાં સુધી આનંદ મળતો નથી.પ્રભુ મિલન માટે જે આતુર થતો નથી તેનું જ્ઞાન શું કામનું ?
મને એમ લાગે છે કે -કળિયુગ નો ભોગી મનુષ્ય યોગાભ્યાસ કરી શકશે નહિ-અને કદાચ કરવા જશે તો રોગી થશે.
કળિયુગ નો ભોગી જીવ –તમારા બ્રહ્મસુત્ર-વગેરે સમજી શકશે નહિ. વિલાસી મનુષ્ય તમારા ગહન સિદ્ધાંતો શી રીતે સમજી શકશે ?  
આપે જ્ઞાન ની બહુ ચર્ચા કરી છે-
કર્મ યોગ નુ સ્વરૂપ બતાવ્યું-યોગશાસ્ત્ર ઉપર ભાષ્ય રચ્યું.
તમે કોઈ ગ્રંથ માં જ્ઞાન ને તો કોઈ ગ્રંથ માં કર્મ ને મહત્વ આપ્યું છે. મહાભારત માં કૃષ્ણ કથા વર્ણવી-પણ તેમાં – ધર્મ – ને મહત્વ આપ્યું છે. આપે આ બધાં ગ્રંથો માં પ્રભુ પ્રેમ ને ગૌણ ગણ્યો. અને ક્યાંય તમે ભગવાન ની લીલા-કથાનું-પ્રેમથી-વિસ્તારપૂર્વક વર્ણન કર્યું નથી.
પૂર્વ મીમાંસા – માં આપે કર્મ માર્ગ-પ્રવૃત્તિ ધર્મ નુ વર્ણન કર્યું.-કહ્યું-કે –જીવન ના છેલ્લા શ્વાસ સુધી સત્કર્મ છોડશો નહિ.
ઉત્તર મીમાંસા –માં નિવૃત્તિ ધર્મ નુ વર્ણન કર્યું, અને સન્યાસ-જ્ઞાન ને પ્રાધાન્ય આપ્યું.
મને એમ લાગે છે કે-આ બંને માર્ગો-કળિયુગ માં ઉપયોગી થઇ શકશે નહિ. કોઈ મધ્યમ રસ્તો બતાવો.
કર્મ કરે પણ –તે કૃષ્ણ પ્રેમ વિનાનું હોય –તો તેની કિંમત થતી નથી. સત્કર્મ કરતાં “હું”-અહમ વધી જાય-ને પ્રભુમાં પ્રેમ ના જાગે તો –એ સત્કર્મ શા કામનું ?
આ બધું –પ્રભુને માટે કરું છું-એવી ભાવનાથી કર્મ થવું જોઈએ.
કૃષ્ણ પ્રેમ વગર-કર્મ નો આગ્રહ-વ્યર્થ છે-જ્ઞાન વ્યર્થ છે-યોગ વ્યર્થ છે-ધર્મ વ્યર્થ છે.
કૃષ્ણ પ્રેમ વગર જ્ઞાન ની શોભા નથી.-એ જ્ઞાન શુષ્ક છે. જ્ઞાન નુ ફળ-પૈસા-પ્રતિષ્ઠા કે પરોપકાર નથી-પણ પ્રભુ ના ધ્યાન માં મગ્ન રહેવું-એ જ્ઞાન નુ ફળ છે.
બધાં પ્રવૃત્તિ(કર્મ) માં ફસાયેલાં રહે-તે પણ યોગ્ય નથી-પ્રવૃત્તિ માં વિવેક રાખવો જોઈએ.
બધાં નિવૃત્તિ (જ્ઞાન)માં રહે તે પણ યોગ્ય નથી.
પ્રવૃત્તિ અને નિવૃત્તિ નો સમન્વય કૃષ્ણ પ્રેમથી થાય છે.

No comments: