શ્રીમદ્ભાગવત સ્કંધ ત્રીજો (Page 33)

શ્રીમદ્ભાગવત સ્કંધ – 3 (Page 33)

શ્રીમદ્ભાગવત સ્કંધ ત્રીજો
સંસાર બે તત્વો નું મિશ્રણ છે.જડ અને ચેતન.
શરીર જડ છે અને આત્મા ચેતન છે.
આત્મા શરીર થી જુદો છે-એવું બધા જાણે છે. પણ તેનો અનુભવ કોઈક કરી શકે છે.(અનુભવ કોઈક કરે છે)
અતિશય ભક્તિકરે ,પરમાત્માના નામમાં તન્મય બને –(જ્ઞાન ક્રિયાત્મક બનાવે-કોઈ પણ સાધન કરે)-તો-આનો અનુભવ થઇ શકે.બાકી-ઘણાં પુસ્તકો વાંચવાથી કે શાસ્ત્રો ભણવાથી-આનો અનુભવ થઇ શકતો નથી. પણ માત્ર જ્ઞાન વધે છે.
શુકદેવજી કહે છે-રાજન,તમે જેવા પ્રશ્નો કરો છો-તેવા પ્રશ્નો-વિદુરજી મૈત્રેયજી ને કર્યા હતા. વિદુરજી એક એવા ભક્ત છે- કે ભગવાન તેમને ત્યાંવગર આમંત્રણે ગયા હતા.
પરીક્ષિત પૂછે છે-વિદુરજી ને મૈત્રેયજી નો ભેટો ક્યાં થયો હતો? વિદુરજી પરમ વૈષ્ણવ હતા,તે ઘર છોડી જાત્રા કરવા ગયાતે-આશ્ચર્યકારક લાગે છે.વૈષ્ણવ તો ઘરને તીર્થ બનાવી રહે છે. જેનું મન શાંત થયું છે-તેને ભટકવાની ઈચ્છા થતી નથી. અંદરથી ભક્તિ નો રંગ લાગ્યો હોય તેને જાત્રા કરવા જવાની ઈચ્છા થતી નથી. વિદુરજી જાત્રા કરવા કેમ ગયા તે મને કહો.....
શુકદેવજી કહે છે-રાજન, પહેલાં હું તને,ભગવાન વગર આમંત્રણે-વિદુરજી ને ઘેર ગયેલા તેની કથા કહીશ.પછી આગળ ની કથા કહીશ.
ધ્રુતરાષ્ટ પાંડવો ને લાક્ષાગૃહ માં બાળવાના કાવત્રામાં સામેલ હતા. વિદુરજી ને દુઃખ થયું. તેમણે ધ્રુતરાષ્ટ્રને ઉપદેશ કર્યો. કે-તમે પાંડવો નો ભાગ પડાવી લેવા માગો છે તે ખોટું છે-અર્ધું રાજ્ય તેમને આપી દો .નહીતર હું ઘરમાં નહિ રહું. ધૃતરાષ્ટ્ર પર ઉપદેશ ની કંઈ અસર થતી નથી.
વિદુરજી વિચાર્યું-ધૃતરાષ્ટ્ર પાપ કરે છે,એના કુસંગ થી મારી યે બુદ્ધિ બગડશે. તેથી વિદુરજીએ ઘરનો ત્યાગ કરી-પત્ની સુલભા સાથે ગંગા કિનારે આવ્યા છે.
પતિ-પત્ની નિયમથી મનને બાંધે છે. તપશ્ચર્યા કરે છે.
રોજ ત્રણ કલાકપ્રભુની સેવા કરે,ત્રણ કલાક પ્રભુનું ધ્યાન કરે,ત્રણ કલાક કૃષ્ણ કથા કરે,ત્રણ કલાક કિર્તન કરે.
વિદુરજી એવો કાર્યક્રમ નક્કી કર્યો છે કે-એક ક્ષણ ની પણ ફુરસદ નથી. ફુરસદ હોય તો-સંસાર માં મન
જાય ને ?મન ને એક ક્ષણ પણ છૂટ મળતી નથી.પાપ કરવાનો અવસર મળતો નથી.
ધ્રુતરાષ્ટ્રની આજ્ઞા થી સેવકો-વિદુરજી પાસે ધન ધાન્ય લઈને આવેલાત્યારે વિદુરજીએ પત્નીની પરીક્ષા કરવાં કહ્યું-
દેવી,આનો સ્વીકાર કરો,મારા ભાઈએ મોકલાવ્યું છે. ત્યારે સુલભાએ ના પાડી છે. પાપીનું અન્ન ખાવાની ઈચ્છા નથી.
અનાજ પેટમાં જાય તો ભક્તિમાં બહુ વિઘ્ન આવશે. અન્ન દોષ મનને બહુ બગાડે છે. ગંગા કિનારે ભક્તિ કરવાં આવી છું-લૂલી ના લાડ કરવાં નહિ. વિદુરજી પૂછ્યું-કે ભૂખ લાગશે ત્યારે શું કરીશ ?
સુલભા કહે છે-ગંગા કિનારે ભાજી પુષ્કળ થાય છે-આપણે ભાજી ખાશું.
કેટલાંક ગંગા કિનારે ભક્તિ કરવાં જાય છે-પણ ત્યાં પણ લૂલી નાં લાડ કરે છે. ઘેર કાગળ લખે છે કે-મુરબ્બા ની બરણી મોકલજો.
મુરબ્બા માં મોહ હતો-તો ગંગા કિનારે આવ્યો શું કામ ?
ભોજન કરવું પાપ નથી,પણ ભોજન સાથે તન્મય થવું તે પાપ છે. ભોજન કરતાં ભગવાન ને ભૂલી જવા તે પાપ છે.
ઘણા લોકો કઢી ખાતાંકઢી સાથે એક બને છે.કઢી સુંદર બની છે. તેથી બીજા દિવસે સેવા કરતાં ,માળા ફેરવતાં કઢી યાદ આવે છે.
મનમાં થાય છે કેગઈકાલની કઢી સુંદર હતી.
જપશ્રીકૃષ્ણ નો કરતો નથી પણ કઢી નો જપ કરે છે. તે ભક્તિ કરી શકતો નથી.
જેનું જીવન સાદું-તે ભક્તિ કરી શકે છે. જીભ સુધરે તો જીવન સુધરે,જીભ બગડે તો જીવન બગડે.
ભક્તિ માં જીભમુખ્ય છે. જીભ પાસે સતતપરમાત્માના જપ કરાવો અને જીભ ને સાત્વિક આહાર આપવાથી જીભ સુધરે છે.
આહાર જો સાદો અને શુદ્ધ હોય તો સત્વગુણ વધે છે, સત્વ ગુણ વધે તો સહનશક્તિ વધે છે, અને છેવટે બુદ્ધિ સ્થિર થાય છે.
છાંદોગ્ય ઉપનિષદ માં લખ્યું છે-કે-
આહાર ની શુદ્ધિ થી-અંતઃકરણ ની શુદ્ધિ થાય છે, અંતઃકરણ ની શુદ્ધિ થી સ્મૃતિ (બુદ્ધિ) સ્થિર થાય છે, અને સ્મૃતિ ની સ્થિરતા થી જીવ અને માયા ના સંબંધ થી રાગ-દ્વેષાત્મક ગાંઠ છૂટી જાય છે.
(સત્વશુદ્ધિ, સત્વશુદ્ધો, ધ્રુવાસ્મૃતિસ્મૃતિલબ્ધે સર્વ ગ્રંથીનામ વિપ્રમોક્ષ -- છાંદોગ્ય ઉપનિષદ)
વિદુરજી આખો દિવસ ભક્તિ કરે અને અતિશય ભૂખ લાગે ત્યારેકેવળ-ભાજી નો આહાર કરે.
બાર વર્ષ પ્રમાણે ભગવાનની આરાધના કરી. બાર વર્ષ સુધી કોઈ સત્કર્મ કરો તો-તે સિદ્ધ થાય છે.
બાજુ-પાંડવોએ પણ બાર વર્ષ વનમાં વનવાસ ગાળી-વનવાસ પુરો કરી રહ્યા પછી-યુધિષ્ઠરે રાજ્યભાગ માગ્યો છે.
દુર્યોધને ના પડી. ધર્મરાજા કહ્યું-અડધું રાજ્ય નહિ તો કેવળ બે-ત્રણ ગામ આપશે તો પણ અમને સંતોષ છે. તો તે પ્રમાણે કરવાની પણદૂર્યોધન ના પાડે છે.ધર્મરાજા વિચાર્યું-યુદ્ધ કરવાથી દેશ દુઃખી થશે-એટલે શ્રીકૃષ્ણને વિષ્ટિ માટે મોકલવાનું નક્કી કર્યું.
ધ્રુતરાષ્ટને ખબર પડી-કે શ્રીકૃષ્ણ આવે છે.એટલે તેમને એવું વિચાર્યું કે-શ્રીકૃષ્ણનું એવું સરસ સન્માન કરીનેતેમને રાજી કરીને- કહીશ-કે બે ભાઈઓના ઝગડામાં તમારે વચ્ચે પડવાની જરૂર નથી.
એટલે તેણે હુકમ કર્યો-કેસ્વાગતની તૈયારી કરો-છપ્પન ભોગ તૈયાર કરાવો.
વિદુરજી ગંગા કિનારે સ્નાન કરવાં આવ્યા છે.ત્યાં સાંભળ્યુંઆવતી કાલે મોટો વરઘોડો નીકળવાનો છે.
તેણે લોકો ને પૂછ્યું કે-કોણ આવવાનું છે ? લોકો કહે છે-તમને ખબર નથી ?આવતી કાલે દ્વારકાનાથદૂર્યોધનને સમજાવવા આવે છે.
પ્રભુ પધારવાના છે-એટલે તોરણ બાંધ્યાં છે,આખું હસ્તિનાપુર શણગાર્યું છે.---વિદુરજીને આનંદ થયો છે.
વિદુરજી ઘેર આવ્યા છે. આજે આનંદમાં છે. સુલભા પૂછે છે-આજે કેમ આટલા બધા આનંદમાં છો ?
વિદુરજી કહે છે-સત્સંગમાં બધી કથા કહીશ, પતિ-પત્નીનો નિયમ હતો-કે- આખો દિવસ મૌન રાખે છે. માત્ર સત્સંગ કરવાં બેસે ત્યારે બોલે છે.
સત્સંગ શરુ થયો.ત્યારે વિદુરજી કહે છે-કે-બાર વર્ષ તેં તપશ્ચર્યા કરી તેનું ફળ આવતી કાલે તને મળશે. આવતીકાલે દ્વારકાનાથ,હસ્તિનાપુરમાં પધારે છે. બાર વર્ષ એક જગ્યાએ રહી, પરમાત્માની સેવા,સ્મરણ ધ્યાન કરે છે, તેના પર ભગવાનને દયા આવે છે.
એવું કથામાં આવે છે. મને લાગે છે કે-દ્વારકાનાથ ,દૂર્યોધન માટે નહિ-પણ દયા કરી-આપણા માટે આવે છે.મારા માટે આવે છે.
સુલભા કહે છે-મને પરમ દિવસે સ્વપ્ન આવેલું-મને રથયાત્રાના દર્શન થયાં.પ્રભુ મારા સામે જોયું,ગાલમાં સ્મિત હાસ્ય કર્યું.
મને સ્વપ્નમાં રથયાત્રાનાં દર્શન થયા હતા તે સફળ થશે.બાર વર્ષ થી મેં અન્ન લીધું નથી.
વિદુરજી કહે છે-દેવી,સ્વપ્ન ઘણું સુંદર છે, સ્વપ્નનું શુભ ફળ મળશે,આવતી કાલે-માલિકનાં દર્શન જરૂર થશે.
સુલભા કહે છે-નાથ,પ્રભુ સાથે તમારો કોઈ પરિચય છે ?
વિદુર કહે છે-હું જયારે જયારે શ્રીકૃષ્ણને વંદન કરું છું,ત્યારે તેઓ મને નામથી બોલાવતા નથી, હું લાયક તો નથી,પણ વયોવૃદ્ધ છું, એટલે મનેકાકા-કહી બોલાવે છે. તો અનંતકોટી બ્રહ્માંડના નાયક-માલિક છે,પણ મારા જેવા સાધારણ જીવ ને માન આપે છે.
હું તો એમને કહું છું- કે-હું તો અધમ છું,આપનો દાસાનુદાસ છું, મને કાકા કહો.
સુલભા ને આનંદ થયો છે. તેના મનમાં એક ભાવના છે-લાલાજીમારા ઘરની સામગ્રી આરોગે-અને હું પ્રત્યક્ષ નિહાળું.
વિદુરજી ને તે કહે છે-કે-તમારે તેમની સાથે પરિચય છે-તો તેમને આપણે ત્યાં આવવા આમંત્રણ આપો.  ભાવનામાં, ભગવાનને હું રોજ ભોગ ધરાવું છું, પણ હવે એક ઈચ્છા છે-કે-ભગવાન આરોગે અને હું પ્રત્યક્ષ નિહાળું!!
લાલાજી, મારી આશા પૂરી કરે, પછી ભલે મારું શરીર પડે.
વિદુરજી કહે છે-હું આમંત્રણ આપું તો તે ના નહિ પાડે,પણ નાની ઝૂંપડીમાં તેમને બેસાડીશું ક્યાં ?ઘરમાં એકે સારું આસન પણ નથી. ખવડાવશું શું ?ભાજી સિવાય આપણી પાસે કશુંય નથી. માલિક ને ભાજી કેમ અર્પણ થાય ?
આપણે ઘેર પરમાત્મા આવે તો-આપણને આનંદ થશે-પણ મારા માલિકને દુઃખ થશે. મારા ભગવાન ,છપ્પન ભોગ આરોગે છે, ધ્રુતરાષ્ટ્રને ત્યાં તેમનું સ્વાગતસારું થશે. મારે ત્યાં આવશે તોઠાકોરજીને પરિશ્રમ થશે. આપણા સુખ માટે હું મારા ભગવાનને જરાય પરિશ્રમ નહિ આપું.
સુલભા કહે છે-મારા ઘરમાં ભલે કશું ના હોય-પણ મારા હૃદયમાં પ્રભુ પ્રત્યે પ્રેમ છે. તે હું અર્પણ કરીશ.આપણે જે ભાજી ખાઈએ છીએ-તે ભાજી હું મારાલાલાજીને પ્રેમથી અર્પણ કરીશ.(પુષ્ટિ ભક્તિ-હરેક વ્યવહાર ભક્તિ બની જાય છે)
વિદુર કહે છે-દેવી, મને લાગે છે-ભગવાન આપણે ત્યાં આવતી કાલે નહિ આવે-ધ્રુતરાષ્ટ્ર એક માસથી તૈયારી કરે છે.
પ્રભુ ને આવવું હશે તો પણ-આપણા જેવા ગરીબ-સાધારણ- ને ત્યાં કોઈ આવવા પણ નહિ દે.
સુલભા કહે છે-ભગવાન શ્રીમંતના ત્યાં જાય છે-અને મારા જેવી ગરીબને ત્યાં આવતા નથી.હું ગરીબ છું-તે મેં શું ગુનો કર્યો છે? તમે કથા માં અનેક વાર કહ્યું છે-પ્રભુ પ્રેમના ભૂખ્યા છે,ગરીબ ભક્તો પરમાત્માને વહાલા લાગે છે.
વિદુર કહે છે-દેવી, સાચું,પણ ભગવાન રાજ મહેલમાં જશે-તો સુખી થશે.આપણા ઘરમાં ભગવાનને પરિશ્રમ થશે.
તેથી હું ના પાડું છું. આપણાં પાપ હજુ બાકી છે. હું તને આવતી કાલ, શ્રીકૃષ્ણ ના દર્શન કરવાં લઇ જઈશ. પણ ઠાકોરજી હાલઆપણા ઘેર આવે તેવી આશા રાખવા જેવી નથી. આપણે લાયક થઈશું-ત્યારે તે જરૂર પધારશે.
સુલભા વિચારે છે-મારા પતિ-સંકોચથી આમંત્રણ આપતા નથી.પણ દર્શન કરતાં-હું ભગવાનને મનથી આમંત્રણ આપીશ.
મારે તમારી પાસે કંઈ માગવું નથી-પણ મારા ઘેરપ્રત્યક્ષ લાલાજી તમે આરોગોપછી હું સુખે થી મરીશ.
પરમાત્મા નું કિર્તન કરતાં રાત્રી પૂરી થઇ. સવારે બાલકૃષ્ણની સેવા કરે છે.-લાલાજી હસે છે. સુલભાનું હૃદય દ્રવિત થયું  છે.
બંને પતિ-પત્ની -રથારૂઢ દ્વારકાનાથના રૂબરૂ-દર્શને ગયા છે.
સોનાનો રથને ચાર ઘોડા જોડેલા છે,ગરુડજી ધ્વજ લઈને ઉભા છે,ઉદ્ધવ અને સાત્યકી સેવામાં ઉભા છે. પ્રભુના દર્શન થયાં છે.
વિદુરજી વિચારે છે-હું લાયક નથી, પણ ભગવાનમને એકવાર નજરે શું નહિ આપે ? નાથ,તમારાં માટેમેં સર્વ વિષયોનો ત્યાગ કર્યો છે,તમારાં માટે મેં કેટકેટલું સહન કર્યું છે.બાર વર્ષ થી અન્ન ખાધું નથી, શું એકવાર નજર નહિ  આપો? કૃપા નહિ કરો?
હજારો જન્મ થી વિખુટો પડેલો જીવ,તમારે શરણે આવ્યો છે,મારે કોઈ સુખ ભોગવવાની ઈચ્છા નથી, બસ ફક્ત એકવાર-મારા સામું જુઓ, મારે બીજી કોઈ ઈચ્છા નથી. વિદુરજી વારંવાર પરમાત્માને મનાવે છે.
અંતર્યામીને ખબર પડી કે- કોણ મને મનાવે છે. નજર ઉંચી કરી ત્યાં દૃષ્ટિ વિદુરજી પર પડી છે. ગાલમાં સ્મિત કર્યું.
પરમાનંદ થયો છે.વિદુરજીનું હૃદય ભરાયું છે-ભગવાને મારી સામે જોયું, ભગવાનનું હૃદય પણ ભરાયું છે,દૃષ્ટિ પ્રેમ ભીની થઇ છે.
મારો વિદુર ઘણા વખત થી મારી પ્રતીક્ષા કરી રહ્યો છે.
સુલભા ને પણ ખાતરી થઇ. મારા લાલાજી મને જોઈ હસતા હતા. પ્રભુ મને અપનાવી છે. મારા લાલાજીએ મારી સામે જોયું.
મને લાલાજી  ઓળખે છે-કે- હું વિદુરજીની પત્ની છું. એટલે આંખ ઉંચી કરીને નજર આપી છે.
પ્રભુએઆંખથી ઈશારો કર્યો-આંખથી ભાવ બતાવ્યો કેહું તમારાં ત્યાં આવવાનો છું.
પણ પતિ-પત્ની અતિ આનંદમાં હતાં,આનંદ હૃદયમાં સમાતો નહોતો, આંખ વાટે બહાર આવતો હતો, તે ઈશારો સમજી શક્યા નહિ.

શ્રીકૃષ્ણ ધ્રુતરાષ્ટ અને દૂર્યોધનને ખુબ સમજાવે છે. કહે છે કે-આજે દ્વારકાના રાજા તરીકે નહિ પણ પાંડવોના દૂત તરીકે આવ્યો છું.
દુષ્ટ દુર્યોધન સમજતો નથી અને દ્વારકાનાથનું અપમાન કરે છે.કહે છે-ભીખ માગવાથી રાજ્ય મળતું નથી.
ભગવાન સમજી ગયા- મૂર્ખો છે-તેણે માર પડ્યા વગર અક્કલ આવશે નહિ.
ધ્રુતરાષ્ટ્ર કહે છે-બે ભાઈના ઝગડામાં તમે વચ્ચે ના પડો.આરામથી ભોજન કરો.છપ્પન ભોગ તૈયાર છે.
શ્રીકૃષ્ણ કહે છે-તારા ઘરનું ખાઉં તો બુદ્ધિ બગડે. પાપીના ઘરનું ખાવાથી બુદ્ધિ બગડે છે.
શ્રીકૃષ્ણબીજા રાજાઓને-બ્રાહ્મણોને-અરે...દ્રોણાચાર્ય ને પણ તેમના ઘેર ભોજન કરવાની ના પાડે છે.
ભગવાન વિચારે છે-વિદુર ઘણા સમયથી મારી પ્રતીક્ષા કરી રહ્યો છે,આજે મારે તેના ત્યાં જવું છે. સારથીને આજ્ઞા કરી કે-
વિદુરજીની ઝૂંપડી પાસે લઇ જા. ગડગડાટ ઘંટાનાદ કરતો રથ ચાલ્યો છે.
બાજુ વિદુરજી વિચારે છે-હું હજી લાયક થયો નથી-એટલે પ્રભુ મારે ત્યાં આવતા નથી.
આજે સેવામાં સુલભા નું હૃદય આર્દ્ર બન્યું છે. સુલભા બાલકૃષ્ણ ને વિનવે છે- લાલાજી,મેં તમારાં માટે સર્વસ્વ નો ત્યાગ કર્યો છે,તો પણ તું મારે ત્યાં નહિ આવે ? નાથ,ગોકુળની ગોપીઓ કહેતી હતીતે સાચું છે.
કે-કનૈયો કપટી છે. આવું તો પ્રેમની મૂર્તિ-ગોપીઓ બોલી શકે.મને તો તેમ કહેવાનો અધિકાર નથી, હું તો પાપી છું.
નાથ,રોજ તમારાં માટે હું રડું છું-અને તમે હસો છો ? તમારી આદત સારી નથી.જે વૈષ્ણવ તમારી પાછળ પડે-તેને તમે રડાવો- તો તમારી ભક્તિ કોણ કરશે ? મારી વૃદ્ધાવસ્થા છે,મારા જીવનનો છેલ્લો મનોરથ છે-આપ મારે ઘેર આવો અને તમે આરોગોને હું તમારાં દર્શન કરું. પછી સુખેથી મરીશ.
વૈષ્ણવો-અતિ પ્રેમથી કિર્તન કરે છે-ત્યાં પરમાત્મા પધારે છે.કિર્તન ભક્તિ શ્રીકૃષ્ણ ને અતિપ્રિય છે.
સુરદાસજી ભજન કરે-ત્યારે કનૈયો આવીને તંબુરો આપે છે.સુરદાસ કિર્તન કરે અને કનૈયો સાંભળે છે.
ભગવાન કહે છે- તો હું વૈકુંઠમાં રહું છું, તો યોગીઓના હૃદયમાં. હું ત્યાંજ રહું છું-જ્યાં મારા ભક્તો-પ્રેમમાં મારું કિર્તન કરે છે.
ઝૂંપડી બંધ કરી વિદુર-સુલભા ભગવાનના નામ નું કિર્તન કરે છે-પણ તેમને ખબર નથી કેજેના નામનું કિર્તન કરે છે-
તે આજ તેમના દ્વારે બહાર ઉભા છે. બહાર ઉભે ઉભે બે કલાક થયા, પ્રભુ વિચારે છે કે લોકોનું કિર્તન પૂરું થાય તેમ લાગતું નથી.
સખત ભૂખ લાગી હતી, પ્રભુ વ્યાકુળ થઇ બારણા ખખડાવ્યાં,-કહે છે- કે કાકા-હું આવ્યો છું.
વિદુરજી કહે છે-દેવી,દ્વારકાનાથ આવ્યા હોય તેમ લાગે છે.
જ્યાં દરવાજો ઉઘાડ્યો-ત્યાં-શંખ-ચક્ર-ગદાધરી ચતુર્ભુજ નારાયણનાં દર્શન થયા છે. પરમાનંદ થયો છે.
અતિ હર્ષમાં આસન આપ્યું નથી,પ્રભુએ હાથે દર્ભનું આસન લીધું છે. વિદુરજીનો હાથ પકડી બેસાડે છે.
ભગવાન કહે છે-કે તમે શું જુઓ છો? હું ભૂખ્યો છું,મને ભૂખ લાગી છે.કાંઇક ખાવાનું  આપો.
પરમાત્મા ખાતા નથી. તો જગતનું પોષણ કરે છે. તો વિશ્વંભર છે. આજે પરમાત્મા ને ભૂખ લાગી છે.
ભક્તિ માં એટલી શક્તિ છે-કે નિષ્કામ ભગવાનને સકામ બનાવે છે. ભગવાન આજે માગીને ખાય છે.
વિદુરજી પૂછે છે-તમે ત્યાં છપ્પન ભોગ આરોગીને નથી આવ્યા ?
કૃષ્ણ કહે છે-કાકા, જેના ઘરનું તમે ના ખાવ-તે ઘરનું હું ખાતો નથી.
પતિ પત્ની વિચારમાં પડ્યાં છે-કે ભગવાનનું સ્વાગત કેમ કરી કરવું ?પોતે કેવળ ભાજી ખાઈ ને રહેતા હતા. ભાજી ભગવાનને કેવી રીતે અર્પણ કરું ? કંઈ સુઝતું નથી.
ત્યાં તોદ્વારકા નાથે-પોતાના હાથે-ભાજી ચુલા ઉપરથી ઉતારી છે. પ્રભુ વિચાર્યું, મારું ઘર માનીને આવ્યો છું, તો પછી મારા હાથે લેવામાં શું વાંધો છે ? પ્રેમથી ભાજી આરોગી છે. ભાજીના તો શું?પણ કાકીના પણ ખુબ વખાણ કર્યા છે.
સુલભાનો મનોરથ પુરો થયો છે. મીઠાશ ભાજીમાં નથી,મીઠાશ પ્રેમમાં છે.
ભગવાનને દુર્યોધનના મેવા ના ગમ્યા પણપરંતુ ભગવાનેવગર આમંત્રણે-વિદુરના ઘેર જઈ-જાતે- ભાજી આરોગી.
તેથી તો લોકો આજ પણ ગાય છે-કે-
સબસે ઉંચી પ્રેમ સગાઇ....દુર્યોધન કા મેવા ત્યાગો-સાગ વિદુર ઘર ખાઈ,
                         પ્રેમ કે બસઅર્જુન રથ હાંક્યો,ભૂલ ગયે ઠકુરાઈ.
માલિકે (ઠાકુરે) એક સામાન્ય સારથી બની- અને અર્જુન નો રથ હાંક્યો હતોકેમ ? બસ ...માત્ર એક પ્રેમ ને કારણે......
બસ એક પ્રેમને વશ.....પોતાની ઠકુરાઈ પણ ભૂલી ગયા હતા.
ભગવાન ને ભુખ લાગે ? આના પર મહાત્માઓએ ચર્ચા કરી છે.
ઉપનિષદ નો સિદ્ધાંત છે-કે-ઈશ્વરને ભુખ લાગતી નથી. કહે છે-સંસાર વૃક્ષ માં બે પક્ષીઓ બેઠા છે. જીવ અને શિવ .
જીવ રૂપી પક્ષી વિષયરૂપી ફળ ખાય છે.તેથી તે દુઃખી છે. પરમાત્મા તેણે સાક્ષીરૂપે નિહાળે છે. ભગવાન ખાતા નથી.
ઉપનિષદ નો સિદ્ધાંત પણ ખોટો નથી ,અને ભાગવત નો સિદ્ધાંત પણ ખોટો નથી.
ભાગવત કહે છે કે-ઈશ્વર નિત્ય તૃપ્ત છે,ઈશ્વર નિત્યઆનંદસ્વરૂપ છે.-પણ-આનંદમય ભગવાન નેભક્તોનો પ્રેમ જોઈ ખાવાની ઈચ્છા થાય છે. ભક્તના હૃદયમાં અતિ પ્રેમ ઉભરાય તો-નિષ્કામ પણ સકામ બને છે. ત્યારે ભગવાન આરોગે છે.
નિરાકાર-સાકાર બને છે. ઈશ્વર પ્રેમના ભૂખ્યા છે.
કાશીમાં એક વખત ચર્ચા થઇ કે-ભક્તિ શ્રેષ્ઠ કે જ્ઞાન ? પંડિતો, કૃષ્ણાનંદ સરસ્વતી પાસે ગયા. તેઓએ કહ્યું કે-
જ્ઞાન વસ્તુ એવી છે-કે-જે -વસ્તુ -ને જાણે તેણે જ્ઞાન થયું કહેવાય. જે જેવું છે તેવું તેને જાણવુંતે જ્ઞાન.
પણ ભક્તિમાંપ્રેમ માંએવી શક્તિ છે કેતે જડને ચેતન બનાવે છે. નિષ્કામ ઈશ્વરને સકામ બનાવે છે. નિરાકાર ને સાકાર બનાવે છે.
જ્ઞાનમાં કોઈ વસ્તુનું પરિવર્તન કરાવવાની શક્તિ નથી,પણ ભક્તિમાં-પ્રેમ માં,કોઈ વસ્તુ ને પરિવર્તન કરવાની શક્તિ છે.
ભક્તિ-સ્વતંત્ર (ઈશ્વરને-પરતંત્ર બનવે) છે.એટલે જ્ઞાન કરતાં ભક્તિ શ્રેષ્ઠ છે. જ્ઞાનથી પ્રેમ શ્રેષ્ઠ છે.
જ્ઞાનેશ્વર અને નામદેવ જાત્રા નીકળ્યા હતા. રસ્તામાં તરસ લાગી. એક કુવો જોયો,પાણી ઊંડું હતું અને દોરડી હતી નહિ. કરવું શું ? જ્ઞાનેશ્વર-પાસે લઘુમા સિદ્ધિ હતી, તે સૂક્ષ્મ સ્વરૂપ લઇ કુવામાં જઈ પાણી પી આવ્યાપણ નામદેવ ભક્ત છે.
બહાર ઉભા રહી પ્રભુને પ્રાર્થના કરે છે. પ્રભુએ પ્રાર્થના સાંભળી,કુવામાં પાણી ઉભરાયું અને ઉપર આવ્યું. નામદેવને પાણી જોડે નીચે કુવામાં જવું પડ્યું નહિ પણ પાણી તેમની પાસે આવ્યું. તેથી સિદ્ધ થાય છે-ભક્તિ શ્રેષ્ઠ છે.
શુકદેવજી કહે છે-વિદુરજીએ કુસંગનો ત્યાગ કર્યો અને સત્સંગ સ્વીકાર્યોત્યારે ભગવાન મળ્યા. મનુષ્ય સંગથી સુધરે છે,અને સંગ થી બગડે છે,મનુષ્ય જન્મ થી શુદ્ધ હોય છે,બગડેલો હોતો નથી, પણ મોટો થતાં જેના સંગ માં આવ્યો હોય તેવો બને છે.
તમારે જેવા થવું હોય તેવા લોકો ના સંગ માં રહો. અતિ વિલાસીના સંગ થી જીવન બગડે છે,ભજનાનંદી સંત નો સંગ કરવાથી જીવન સુધરે છે.કૃષ્ણપ્રેમમાં રંગાયેલા સંત મળે તો ભજનનો રંગ લાગે છે.
સાધારણ માણસરાજા નેપોતાને ત્યાં આવવાનું આમંત્રણ આપે તોરાજા તેના ઘેર આવે ? ના આવે......
પણ જીવજો પવિત્ર જીવન વિદુરજીની માફક ગાળે તો-તે લાયક બને અને પરમાત્માવગર આમંત્રણે તેના ઘેર આવે.
વિદુરજીએ વિચાર્યું-પ્રભુએ ધ્રુતરાષ્ટ્રના ઘરનું પાણી પણ પીધું નથી-એટલે હવે કૌરવોનો વિનાશ થશે-ગમે તેવો પણ મારો ભાઈ છે- તેને ફરી એકવાર સમજાવું.
વિદુરજી-મધ્યરાત્રીએ ધ્રુતરાષ્ટ્ર ને મળવા ગયા-ઉપદેશ આપી સમજાવવા પ્રયત્ન કર્યો-છતાં તે માનતો નથી.
ઉપદેશ- મહાભારતના ઉદ્યોગપર્વમાંવિદુરનીતિ- ના નામે ઓળખાય છે.
ધ્રુતરાષ્ટ્ર કોણ છે ? જે બીજાનું ધન પડાવી લે-તે-ધ્રુતરાષ્ટ્ર. જેની આંખ માં પૈસો છે-તે આંખ હોવાં છતાં આંધળો થઇ જાય છે.
પાપી-દુષ્ટપુત્ર સાથે પ્રેમ કરનારો બાપ તે ધ્રુતરાષ્ટ્ર છે. (પહેલાં તો એક ધ્રુતરાષ્ટ્ર હતો, આજકાલ બહુ વધી પડ્યા છે.)
વિદુરજી-ધ્રુતરાષ્ટ્ર ને  બહુ સમજાવી ઘેર ગયા.
સવારે-દુર્યોધનના સેવકોએ આવી તેને ચુગલી કરી કે-રાતે વિદુરકાકા આવ્યા હતા.તે પાંડવોના વખાણ કરતાં હતા,અને
તમારી નિંદા કરતા હતા,તમને કેદમાં રાખવાનું પણ કહેતાં હતા. દુર્યોધન ગુસ્સામાં આવી જઈ નેવિદુરજીને સભામાં બોલાવે છે.
અને બુધ્ધિપૂર્વક તેમનું અપમાન કરે છે, કહે છે-કે તું દાસીપુત્ર છે,મારા ઘરનું અન્ન ખાઈને મારી વિરુદ્ધ કામ કરે છે.
ભરી સભામાં દુર્યોધને કરેલા આવા અપમાનથી પણ વિદુરજીગ્લાનિ(દુઃખ) પામતા નથી. તેઓ ગુસ્સે થયા નથી.
વિદુરકાકાએ એકલી ભાજી ખાધેલીને !!! સાત્વિક આહાર વગર-ગમ- ખાવાની- શક્તિ -નહિ આવે.
જીવનમાં સુખી થવું હોય તો-કમ (ઓછું) ખા અને ગમ ખા. નો સિદ્ધાંત અપનાવવા જેવો છે.
મનુષ્ય ને બધું ખાતાં આવડે છે પણ ગમ ખાતાં આવડતું નથી. ગમ ખાતા કેમ આવડે ? ગમને ઉલટાવોતો થશે મગ.
બાર મહિના કેવળ બાફેલા મગ પર રહી જુઓ. મગ બાફીબહુ જરૂર હોય તો-સહેજ મીઠું અને ઘી નાખવું.
આહારમાં સંયમ હોય,કે સાદું- સાત્વિક ભોજન હોય તોસત્વગુણ વધે છે.સહનશક્તિ વધે છે.ગમ ખાતા આવડે છે.
નિંદા સહન કરવાની-શક્તિ-આવે છે.
વિદુરજી વિચાર કરે છે-કે-ઝાડનું પાંદડું પણ ઠાકોરજીની ઈચ્છા વગર હાલતું નથી. બધાં કાર્ય ભગવાનની ઈચ્છાથી થાય છે.
સર્વમાં શ્રીકૃષ્ણ વિરાજેલા છે,સજ્જનમાં અને દુર્જનમાં પણ. ભગવાનની ઈચ્છા મારી ઈચ્છા છે. મારું અપમાન થાય પણ ઠાકોરજીની લીલા છે. દુર્યોધનને પણ ,મારા ભગવાન ,કોઈપ્રેરણા આપતા હશે. મારી નિંદા કરનાર-અપમાન કરનારનું પણ પ્રભુ કલ્યાણ કરે. દુર્યોધન મારી નિંદા કરતો નથી પણ દુર્યોધનના અંતરમાં રહેલનારાયણ મને કહે છે-કે-કૌરવોનો કુસંગતું છોડી દે. કૌરવો નો કુસંગ છોડાવવાનીપ્રભુ ની પ્રેરણા છે.
વિદુરજી મહાન ભક્ત છે. કૌરવો નું રક્ષણવિદુરજી નું -પુણ્ય -કરે છે. કૌરવોના મંડળ માં જો વિદુરજી વિરાજે- તોકૌરવોનો વિનાશ થાય નહિ-એટલે પ્રભુજીએ વિદુરજી ને ત્યાંથીનીકળી જવા પ્રેરણા કરી છે.
     
દુર્યોધને નોકરો ને હુકમ કર્યો કે- વિદુરજીને ધક્કા મારીને બહાર કાઢી મુકો.
વિદુરજી વિચાર્યું-કે દૂર્યોધનના નોકરો ધક્કા મરે તો તેમણે પાપ લાગશે,હું સભા છોડી જઈશ. સમજીને ઘરનો ત્યાગ કર્યો છે.વિદુરજી ક્ષત્રિય હતા,હાથમાં ધનુષ્યબાણ ધારણ કરતાં હતા. ધનુષ્યબાણ  તેમણે ત્યાં મૂકી દીધાં છે.
વિદુરજી સભાની બહાર આવ્યા તો-ચતુર્ભુજ નારાયણના દર્શન થયાં. પ્રભુ ગાલમાં સ્મિત કર્યું છે- કહે છે-કે-
મેં તમારી નિંદા કરાવી છે,મારી ઈચ્છા હવે એવી છે-કે તમે હવે હસ્તિનાપુરમાં રહેશો નહિ.હવે તમે તીર્થયાત્રા કરવા જાવ.
વિદુરજીને પ્રભુ જે ઝૂંપડી માં પધારેલા તેની મમતા લાગી હતી. વિદુરજી કહે છે-બહુ ભટકવાથી મન અશાંત  રહે છે,
મારે તીર્થમાં ભટકવું નથી.પણ આપની આજ્ઞા મારે શિરોમાન્ય છે- પ્રભુ ને વંદન કરી તેમની આજ્ઞા મુજબ-વિદુરજી યાત્રા કરવા માટે નીકળ્યા છે. ૩૬ વર્ષ સુધીની યાત્રા કરવા નીકળ્યા છે- પણ સાથે કંઈ લીધું નથી.
આજકાલ લોકો ૩૬ દિવસની યાત્રાએ નીકળે છે-તો ૩૭ જાતની ચીજવસ્તુઓ સાથે લે છે. પોતાની જરૂરિયાતની મોટી યાદી બનાવે છે.
અને યાદી મુજબ બધું આવી ગયું કે નહિ? તેની પણ કાળજી રાખે છે.ઘણા તો ડબ્બા ભરીને નાસ્તા જોડે લઇ જાય છે.ગાડી માંજ તેમણે વધારે ભુખ લાગે છે. ગાડીમાં ફાકા મારવાનું ચાલુ કરી દે છે. અપવિત્ર જગા અને ગમે ત્યાં રસ્તામાં ખાવાનું વર્જિત છે.
બહુ ભુખ લાગે તોદૂધ કે ફળ લેવાય.
યાત્રા નો અર્થ છે-યાતિ ત્રાતિ. ઇન્દ્રિયો ને પ્રતિકૂળ વિષયોમાંથી હટાવી લઇ,અનુકૂળ વિષયોમાં જોડી દેવી યાત્રા.
તીર્થયાત્રા તીર્થરૂપ થવા માટે છે. શાસ્ત્ર માં બતાવેલ વિધિ પૂર્વક યાત્રા કરે તોતે તીર્થ જેવો પવિત્ર થાય છે.
આજકાલ તો લોકો પૈસા બહુ વધે-એટલે યાત્રા ના બહાને-લહેર કરવા નીકળી પડે છે.
મહાપ્રભુજી દુઃખ થી બોલ્યા છે-કે-અતિશય વિલાસી અને પાપી લોકો તીર્થમાં રહેવા જવા લાગ્યા,એટલે તીર્થનો મહિમા લુપ્ત થયો છે.
યાત્રા કેવી રીતે કરવી ? તેનું વર્ણન ભાગવતમાં છે, પણ તે મુજબ અત્યારના આધુનિક જમાનામાંકોઈ યાત્રા કરે ?તે સવાલ છે.
વિદુરજી અવધૂત વેશે પૃથ્વી ઉપર ફરતા હતા,જેથી સગાં-સંબંધી તેમને ઓળખી શકે નહિ.પવિત્ર અને થોડું ભોજન લેતા. પ્રત્યેક તીર્થ માં સ્નાન કરતા,ભૂમિ ઉપર શયન કરતા અને ભગવાન ને પ્રસન્ન કરનારા વ્રતો કરતા.
કાશી,અયોધ્યા,નર્મદાના કિનારે -, ગંગાના કિનારે-એવા  અસંખ્ય તીર્થો માં યાત્રા કરે છે.
કાશી અને ગંગા કિનારો- જ્ઞાન ભૂમિ છે.
અયોધ્યા વૈરાગ્ય ભૂમિ છે.
નર્મદા કિનારો તપોભૂમિ છે.
વ્રજ પ્રેમભૂમિ છે.
જેનું મન શુદ્ધ છે,તેને યાત્રા કરવાની ખાસ જરૂર નથી,તેને ઘર બેઠાં ગંગા છે.
તુલસીદાસજી કહ્યું છે-કે-તુલસી જબ મન શુદ્ધ ભયો-તબ તીર્થ તીર ગયો ગયો.”
મન ને શુદ્ધ કરવા તીર્થ યાત્રા ની જરૂર છે, પણ જેનું મન શુદ્ધ છે-જેને એક ઠેકાણે બેસીને સેવા સ્મરણ માં આનંદ મળે છે-જેને ભક્તિનો રંગ લાગ્યો છે-તે તીર્થ યાત્રા કરવા માટે બહુ ભટકે નહિ.બહુ ભટકવાથી મન ચંચળ થાય છે.
વિદુરજીની યાત્રા અલૌકિક છે. તીર્થોમાં ફરતાં ફરતાં-યમુના કિનારે વૃંદાવનમાં આવ્યા છે. વૃંદાવનનો મહિમા બહુ છે.
વિદુરજી તન્મય-ભાવવિભોર થયા છે-અને અનુભવ થયો છે-એક એક લીલા પ્રત્યક્ષ દેખાય છે.
મારા શ્રીકૃષ્ણ ગાયો લઈને યમુના કિનારે આવ્યા છે.લાલાજીની મીઠી વાંસળી સંભળાય છે. કદમનું ઝાડ,જેને ટેર કદમ કહે છે, તેના પર વિરાજેલા શ્રીકૃષ્ણ તેમની વહાલી ગાયો ને-તેમના નામ દઈ બોલાવે છે. જે ગાયનું નામ દઈને માલિક બોલાવે તે ગાય ને બહુ આનંદ થાય છે,તેને ખડ (ઘાસ) ખાવાનું ભાન રહેતું નથી,મોઢામાંથી ખડ નીચે પડે છે, અને ગાય હુંભ-હુમ્ભ કરતી દોડે છે.
કદંબના ઝાડને ઘેરીને ગાયો ઉભી છે, તેમનાં મોઢાં ઉંચા છે,માલિકને જોઈ રહ્યા છે, કેટલીક ગાયો લાલાના પગને ચાટી રહી છે, ગાયો પરમાત્માને મનથી મળી રહી છે,આંખથી પરમાત્માના રૂપનું પાન કરે છે, આંખથી લાલાને મનમાં ઉતારે છે, શરીરમાં રોમાંચ થયો છે, અને આંચળમાંથી દૂધની ધારા વહે છે.
શ્રીકૃષ્ણ વાંસળી વગાડી કેવળ ગાયોને બોલાવતા નથી, આપણને પણ બોલાવે છે. પણ જીવ અભાગિયો છે,તેને પ્રભુને મળવાની ઈચ્છા થતી નથી.
એક વૈષ્ણવે-શ્રીનાથજી બાવાને પૂછ્યું-કે- વખતે ગિરિરાજ ધારણ કરવો હતો એટલે એક હાથ ઉંચો કરેલો પણ હવે હાથ ઉંચો રાખવાની શી જરૂર છે
ભગવાને કહ્યું-કે-જીવમાયારૂપી રમકડાં રમવામાં એવા તન્મય થયા છે-કે મને ભૂલી ગયા છે, એટલે હાથ ઉંચો કરી તેમણે બોલવું છું.
વિદુરજી વિચારે છે-કે- મારા કરતાં વૃંદાવન નાં પશુઓ શ્રેષ્ઠ છે. પરમાત્માને મળવા આતુર થઇ દોડે છે.
આંખો પ્રેમભીની થઇ છે.એવો પ્રસંગ ક્યારે આવશે-કે-હું પણ ગાયો જેમ કૃષ્ણ મિલન માટે દોડીશ?

No comments: