શ્રીમદ્ભાગવત સ્કંધ – 8 (Page 58)

શ્રીમદ્ભાગવત સ્કંધ – 8 (Page 58)



વામનજી મહારાજને જનોઈ આપવામાં આવે છે-
સૂર્યનારાયણ ગાયત્રીનો મંત્ર આપે છે. માતા અદિતિ એ લંગોટી આપી છે.
ધરતીએ આસન-બ્રહ્માએ કમંડળ-સરસ્વતીએ જપ કરવા માળા-અને કુબેરે ભિક્ષાપાત્ર આપ્યું છે.
આજ થી ત્રિકાળ સંધ્યા (ત્રણ કાળે સંધ્યા) કરવાની એવો આદેશ થયો છે.
સંધ્યામાં બ્રાહ્મણોની આજકાલ અશ્રદ્ધા થઇ છે-અને એટલે જ બ્રાહ્મણોનું પતન થવા લાગ્યું છે.
મનુ મહારાજે બ્રાહ્મણોના ખુબ ધર્મો બતાવ્યા છે-પણ એ બધું કરવું અત્યારના જમાનામાં ઘણું અઘરું છે.
છેવટે ત્રિકાળસંધ્યા નહી તો કમસે કમ-પ્રાતઃસંધ્યા કરે તો પણ ઘણું.
મહાપ્રભુજી હંમેશા ત્રણવાર સંધ્યા કરતા. રામાયણમાં વર્ણન આવે છે-રામજી નિત્ય સંધ્યા કરે છે.
શ્રીકૃષ્ણ પણ સંધ્યા કરે છે-તેવું ભાગવતના દસમાં સ્કંધમાં લખ્યું છે.
(કોઈ પણ માણસ સંધ્યા ન કરે અને છેવટે સૂર્યને ત્રણ અર્ગ્ય-આપે-ત્રણ પ્રાણાયામ કરે અને ત્રણ ગાયત્રી મંત્ર કરે તો પણ ઘણું. આ પણ ના થાય તો માત્ર ત્રણ પ્રાણાયામથી સ્વાસ્થ્ય સારું રહેશે.
કોઈ પણ શરૂઆત થશે તો આગળ આપો આપ શું કરવું તે સુઝશે.)
વહેલી સવારે આકાશમાં તારા-નક્ષત્રો હોય ત્યારે કરે તે ઉત્તમ સંધ્યા.
નક્ષત્રો દેખાવાના બંધ થાય પણ હજુ સૂરજનારાયણ નીકળ્યા ન હોય તે વખતે કરે તે મધ્યમ સંધ્યા.
અને સૂર્યોદય પછીની સંધ્યાને અધમ સંધ્યા કહી છે.
(અત્યારના વખતમાં લોકો ૮ વાગ્યા પછી ઉઠતા હોય-તેમને સંધ્યા કરવાનું કહેવાનું કઈ રીતે કહેવું ??)
ગુરુ બૃહસ્પતિ ,વામનજી મહારાજને બ્રહ્મચર્યાશ્રમનો ઉપદેશ આપે છે.
બ્રહ્મચર્યના પાલન વગર કોઈ મહાન-મહાપુરુષ થયા નથી અને થશે પણ નહિ.
લખ્યું છે-કે પુરુષ શરીર ઘી નો ઘડો અને સ્ત્રી-શરીર અગ્નિ છે.
સ્પર્શમાંથી અનેક દોષો ઉત્પન્ન થાય છે. જેને બ્રહ્મચર્યનું પાલન કરવું છે-તેણે પરસ્ત્રીને શરીરથી કે મનથી પણ સ્પર્શ ન કરવો. તે તો ઠીક પણ એનાથી એ વધુ કડક લખ્યું છે-કે- લાકડાની બનાવેલી પૂતળીનો સ્પર્શ પણ ન કરવો. પરસ્ત્રીને માતા ગણવી.
અહીં કોઈ સ્ત્રીની નિંદા નથી. જગતમાં જેટલા મહાપુરુષો થાય છે-તેમણે પરસ્ત્રીને હંમેશા માતા ગણી છે.
લક્ષ્મણજીનું એક સરસ ઉદાહરણ છે.
સીતા હરણ પછી સીતાજીના મળેલા દાગીનામાંથી ગળાનો હાર લક્ષ્મણજીને બતાવી
રામજી પૂછે છે-કે લક્ષ્મણ આ હાર તારી ભાભીનો છે ?
ત્યારે લક્ષ્મણજી કહે છે-આ હાર મેં કદી જોયો નથી.કારણકે મેં ભાભીના મુખ સામે જોયું નથી.
પણ પગના ઝાંઝરને ઓળખું છું, કારણકે રોજ તેમના પગના વંદન કરતી વખતે તે મારા જોવામાં આવતાં. !!  કેવું આદર્શ બ્રહ્મચર્ય પાલન !!!
કામને જીતવો મુશ્કેલ છે-એટલે બ્રહ્મચર્યના વખાણ કરવામાં આવ્યાં છે.
વ્યાસજી ભાગવતની રચના કરતા હતા ત્યારે તે શ્લોકો રચી પોતાના શિષ્ય જૈમિની ઋષિને તપાસી જવા માટે આપતા હતા.
નવમાં સ્કંધમાં જૈમિનીના વાંચવામાં આ શ્લોક આવ્યો.
બલવાનિન્દ્રિયગ્રામો વિદ્વાંસમપિ કર્ષતિ (ભા-૯-૧૯-૧૭)
(ઇન્દ્રિયો એટલી બળવાન છે-કે ભલભલા વિદ્વાનોને પણ ચળાવી દે છે)
શ્લોક વાંચી જૈમિનીને લાગ્યું-કે આ શ્લોક રચવામાં વ્યાસજીની ભૂલ થયેલી છે.
શું વિદ્વાન માણસોને ઇન્દ્રિયો વિચલિત કરી શકે ?
મને ક્યાં ઇન્દ્રિયો વિચલિત કરી શકે છે ?
અહીં ખરેખર કર્ષતિ ને બદલે નાપકર્ષતિ (ચળાવી દે છે-ને બદલે નથી ચળાવી શકતી) એમ હોવું જોઈએ.
એટલે સીધા વ્યાસજી પાસે પહોંચી ગયા-પોતાને શ્લોકમાં લાગતી ભૂલની વાત કરી.
જૈમિનીની વાત સાંભળી વ્યાસજીએ કહ્યું કે જે લખાણું છે તે બરાબર જ છે. તેમાં ભૂલ નથી.
એક દિવસ એવું બન્યું કે જૈમિની સંધ્યા કરી-સંધ્યાનું જળ આશ્રમ બહાર નાખવા આવ્યા.
ત્યાં તેમણે એક સુંદર યુવતીને ઝાડ નીચે વરસાદમાં ભીંજાતી ઉભેલી જોઈ.
યુવતીનું રૂપ જોઈ જૈમિની પ્રલોભનમાં પડ્યા.
જૈમિનીએ તે સ્ત્રીને કહ્યું વરસાદમાં પલળવા કરતા ઝૂંપડીમાં અંદર આવો. આ ઝૂંપડી તમારી જ છે.
સ્ત્રીએ કહ્યું-પુરુષો લુચ્ચા હોય છે, તેમનો ભરોસો કેમ રખાય ?
જૈમીનએ કહ્યું-અરે મૂર્ખ, હું પૂર્વમીમાંસાનો આચાર્ય જૈમિનીઋષિ. મારો ભરોસો નહિ ?
મારા જેવા તપસ્વી જ્ઞાનીનો ભરોસો નહિ કરો તો કોનો ભરોસો કરશો ?
અંદર આશ્રમમાં આવી વિરામ કરો.
સુંદર સ્ત્રી અંદર આશ્રમમાં આવી અને જૈમિનીએ તેને બદલવા કપડા આપ્યાં.
વાતોમાં જૈમિનીનું મન વધારે લલચાયું. તેમણે સ્ત્રીને પૂછ્યું કે-તમારાં લગ્ન થયેલાં છે ?
સ્ત્રીએ ના પાડી. એટલે જૈમિનીએ તેની સાથે પરણવાની ઈચ્છા બતાવી.
યુવતીએ કહ્યું-કે મારા પિતાએ પ્રતિજ્ઞા લીધી છે-કે-જે કોઈ પુરુષ મારો ઘોડો બને અને તેં પર હું સવાર થાઉં,
અને તે મને અંબાજી માતાના મંદિરે દર્શન કરવાં લઇ જાય તેની સાથે તે મને પરણાવશે.
અને મારા બાપુજીને મેં વચન આપેલું છે-કે-મોઢું કાળું કરીને જમાઈને હું લઇ આવીશ.
જૈમિની એ વિચાર્યું-ભલે મોઢું કાળું થાય પણ આ તો મળશે ને ?
જૈમિની એ મોઢું કાળું કર્યું !! અને ઘોડો બન્યા-યુવતી તેમના ઉપર સવાર થઇ.
આ પ્રમાણે - વરઘોડો અંબાજી માતાના મંદિર પાસે આવ્યો. મંદિરના ઓટલે વ્યાસજી બેઠા હતા.
આ દૃશ્ય જોઈ-વ્યાસજીએ જૈમિનીને પૂછ્યું-કે બેટા ,કર્ષતિ કે નાપકર્ષતિ ?
જૈમિની કહે-કર્ષતિ. ગુરુજી,તમારો શ્લોક સાચો છે.
એક ક્ષણ પણ ગાફેલ થયા કે કામ છાતી પર ચઢી બેસે છે.
મોટા મોટા જ્ઞાનીઓ ભુલા પડ્યા તો આપણા જેવા સાધારણ મનુષ્યોની શું વિસાત ?
તેથી જ  ભર્તૃહરિ એ કહ્યું છે-કે-
કેવળ ઝાડનાં પાંદડાં અને જળ પીને નિર્વાહ કરતા ઋષિઓને પણ કામે થપ્પડ મારી છે- તો પછી- લૂલીના લાડ કરનાર, અને નાટકોમાં (સિનેમા માં) નિત્ય નટીઓના દર્શન કરનાર આજનો માનવી કહે છે-કે-મેં કામને જીત્યો છે- તો તે વાત વાહિયાત છે.
બ્રહ્મચર્ય પાળનાર શક્તિશાળી બને છે. શ્રીકૃષ્ણને દુર્બળતા ગમતી નથી.
હરિનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જો ને
શ્રુતિ પણ કહે છે-નાયમાત્મા બલ્હીનેન લભ્યઃ (બળવાન ના હોય તેને આત્મા મળતો નથી)
વામનજી મહારાજ યજ્ઞમાં આહુતિ આપે છે. અને તે પછી વામનજી ભિક્ષા માગવા જાય છે.
જગદંબા પાર્વતી ખુદ ત્યાં પધાર્યા છે. વામનજી કહે છે- ભગવતી ભિક્ષામદેહી.
પાર્વતી ભિક્ષા આપે છે. વામનજી એ- ભિક્ષા ગુરુજીને અર્પણ કરી છે.
વામનજી ગુરુજીને કહે છે-ગુરુજી મને મોટો યજમાન બતાવો. તો વધારે ભિક્ષા લાવીશ.
ગુરુજી કહે છે-નર્મદા કિનારે બલિરાજા મોટો યજ્ઞ કરે છે. તે મોટો યજમાન છે. તને વધારે ભિક્ષા આપશે.
વામનજીએ ત્યાંથી પ્રયાણ કર્યું છે.
પગમાં પાવડી, એક હાથમાં કમંડલ છે-બીજા હાથમાં છત્ર અને દંડ છે. કેવળ લંગોટી પહેરી છે.
કમર પર મુંજની મેખલા અને ગળામાં યજ્ઞોપવિત ધારણ કર્યું છે. બગલમાં મૃગચર્મ અને શિર પર જટા છે. મુખ પર બ્રહ્મતેજ છે.
બ્રહ્મતેજ આંખમાં અને લલાટ  (કપાળ) પર હોય છે.
બિલકુલ પરિચય ન હોય અને માથું નમે તો માનજો કે એ કોઈ ઈશ્વરનો અંશ છે.
વામનજીનો કોઈનેય પરિચય નથી પણ રસ્તામાં સહુ વામન મહારાજને નમસ્કાર કરે છે.
વામનજીનું પ્રાગટ્ય થયું છે-સિદ્ધાશ્રમમાં. (જનકપુરી જતાં આ સિદ્ધાશ્રમ આવે છે.)
સિદ્ધાશ્રમથી વામન મહારાજ નર્મદાકિનારે ભૃગુકચ્છ નામના તીર્થમાં આવ્યા છે.
મોટો મંડપ બાંધેલો છે-વામનજી મંડપ નજીક આવ્યા છે.
ભાર્ગવ બ્રાહ્મણો વેદ મંત્રો બોલી યજ્ઞમાં આહુતિ આપે છે. ત્યારે જ ચારે બાજુ પ્રકાશ પડે છે.
મોટા મોટા ઋષિઓ વિચારે છે-આવો બ્રહ્મ તેજસ્વી જોયો નથી. બ્રહ્મતેજને કોઈ છુપાવી શકે નહિ.
આ સૂર્ય નારાયણ તો ઉપરથી નીચે નથી ઉતર્યા ને ? કે પછી સનતકુમારો તો નહિ હોય ને ?
ના,ના, લંગોટી પહેરી છે-તેથી કોઈ આ બ્રહ્મચારી આવ્યો લાગે છે. કોઈ બ્રાહ્મણ કુમાર લાગે છે.
એક વખત -શંકરસ્વામી ને પૂછવામાં આવ્યું-કે સહુથી ભાગ્યશાળી કોણ ?
શંકરસ્વામીએ  એ જવાબ આપ્યો-
જે લંગોટી પહેરે છે-જે જીતેન્દ્રિય છે-જે સદાસર્વદા પ્રભુ સાથે વાતો કરે છે-પ્રભુ સાથે જે રમે છે-તે-સહુથી મોટો ભાગ્યશાળી છે.
ઋષિઓ વિચાર કરતા હતા-તે સમયે યજ્ઞ મંડપમાં વામનજીએ પ્રવેશ કર્યો છે.
શુક્રાચાર્ય,વયોવૃદ્ધ, યજ્ઞના મુખ્ય આચાર્ય છે-છતાં ઉઠીને ઉભા થયા છે.
આ કોઈ મહાન તપસ્વી, બ્રહ્મ-તેજસ્વી બ્રાહ્મણ લાગે છે. મોટા મોટા ઋષિઓ પણ વામનજીને માન આપે છે.
બ્રહ્મચારીનું સ્વાગત કર્યું છે.પધારો,પધારો.બધા બ્રાહ્મણો ઉભા થયા છે.
બલિરાજાની નજર ત્યાં પડે છે- વિચારે છે-આ કોણ આવ્યું છે ? મેં ઘણા બ્રાહ્મણોની સેવા કરી છે- પણ આવો આજ સુધી કોઈ દિવસ જોયો નથી. બલિરાજા દોડતા ગયા છે-વામનજીનું સ્વાગત કરે છે.
વામનજીનું બટુક સ્વરૂપ જોઈ તે આનંદિત થયા છે. વામનજીને ઘરની અંદર લઇ જઈ સુંદર સિંહાસન પર બેસાડ્યા છે. રાણીને કહ્યું-કે મારે આમની પૂજા કરવી છે.
બલિરાજાની રાણીનું નામ વિન્ધ્યાવલી. અને તેમની પુત્રીનું નામ રત્નમાલા.
વામનજીને જોઈ રત્નમાલા વિચારે છે-કે કેવો સુંદર છે !આ છોકરાને જે મા ધવડાવતી હશે તેને કેટલું સુખ થતું હશે ?
બટુક વામનજીનું સ્વરૂપ જોઈ તેને પહેલાં વાત્સલ્ય ભાવ થયો.
પણ જયારે વામનજીએ પોતાનું અસલી રૂપ બતાવી પરાક્રમ કર્યું ત્યારે તેમને મારવાનો ઈરાદો થયો.
રત્નમાલાને બંને ભાવ થયા વાસનાને લીધે- તે બીજા જન્મમાં થઇ પૂતના.
સોનાની ઝારીમાં પવિત્ર નર્મદાજીનું જળ છે. વિન્ધ્યાવલી ચરણ પર જળ રેડે છે-અને બલિરાજા ધીરે ધીરે પગ પખાળે છે.વામનજી મહારાજના રત્ન જેવા નખ છે. બલિરાજાને નખમાં પોતાનું પ્રતિબિંબ દેખાય છે. બ્રાહ્મણો પુરુષ-સુક્તનો પાઠ કરે છે.
બલિરાજા પ્રાર્થના કરે છે- આજે હું કૃતાર્થ થયો- મારા પિતૃઓને સદગતિ મળી.
જે માત-પિતાએ બહુ પુણ્ય કર્યા હોય ત્યારે આવો દીકરો થાય છે. તમારાં માત-પિતાને હું ધન્યવાદ આપું છું.
મહારાજ તમને કાંઇક માગવાની ઈચ્છા હોય એમ લાગે છે-માટે સંકોચ છોડી જે જોઈએ તે માગો.
રાજ્ય,ગાયો,કન્યા-જે જોઈએ તે માગો. આપ જે માંગશો તે હું આપીશ.
જેને ત્યાં માગવા જાય તેના વડવાઓના વખાણ કરે તો દાન આપનાર જરા રંગમાં આવે છે.
વામનજી બલિરાજાના વખાણ કરે છે.
રાજન,તને ધન્ય છે. પ્રહલાદજીના વંશમાં તમારો જન્મ થયો છે,
તમારા દાદા પ્રહલાદ મહાન ભગવદ ભક્ત હતા.
પરમાત્માને તેમને માટે સ્તંભમાંથી પ્રગટ થવું પડ્યું હતું.
તમારા પિતા વિરોચન અતિ ઉદાર હતા. એક બ્રાહ્મણને તેમણે આયુષ્યનું દાન કર્યું હતું.
ઇન્દ્ર, વિરોચન પાસે બ્રાહ્મણ બનીને આવ્યો હતો. ને કહ્યું-મારું થોડું જ આયુષ્ય બાકી છે.
બ્રાહ્મણી વિધવા થશે. મને આયુષ્યનું દાન કરો. વિરોચન રાજાએ આયુષ્યનું દાન કર્યું.
તમારાં પરદાદા (હિરણ્યકશિપુ) મહાન વીર હતા. તેમણે ઇન્દ્રાદિક દેવોનો પરાભવ કર્યો હતો.
રાજન,તારામાં તારા પરદાદા જેવી વીરતા છે, દાદા પ્રહલાદ જેવી ભક્તિ છે,અને પિતા જેવી ઉદારતા છે.
બલિરાજા કહે છે-કે મહારાજ માગો- આપ માંગશો તે હું આપીશ.
રાજાને પહેલાં વચનથી બાંધી લીધા-પછી વામનજી બોલ્યા છે-
રાજન, હું લોભી બ્રાહ્મણ નથી. હું સંતોષી છું. મારા પગથી માપીને ત્રણ પગલાં ભૂમિ લેવા આવ્યો છું.
તેટલી ભૂમિ મને આપ. મારે બીજું કશું જોઈતું નથી.
બલિરાજા વિચારે છે-કે બાળક છે તેથી માગતા આવડતું નથી. એટલે કહે છે-
મહારાજ તમને માગતાં આવડતું નથી. મોટા થયા પછી લગ્ન થશે. કુટુંબના ભરણપોષણની જવાબદારી માથે આવશે.-ત્યારે સંધ્યા, ગાયત્રી છોડી પ્રવૃત્તિ કરવી પડશે-જે તમને ગમશે નહિ.
તમે આજે એવું માગી લો કે તમારા કુટુંબનું ભરણ પોષણ થાય. કહો-તો ત્રણ પગલા નહિ પણ ત્રણ ગામ દાનમાં આપું. મારે મારો આત્મપરિચય આપવો ન જોઈએ, કેમ કે તેથી પુણ્યનો ક્ષય થાય છે.
પણ આજે છુટકો નથી-તેથી પરિચય આપવો પડે છે.
જગતમાં મારી એવી પ્રસિદ્ધિ છે-કે જે બ્રાહ્મણનું પૂજન કરી હું દાન આપું છું-તે બ્રાહ્મણને પછી- બીજા કોઈને ત્યાં દાન લેવા જવું પડતું નથી. મારી પાસે દાન લીધા પછી-તમે બીજા કોઈ પાસે દાન લેવા જાઓ તેમાં મારું અપમાન થાય. (બલિરાજાને થોડી ઠસક હતી કે તેમના જેવો કોઈ દાન આપનાર નથી)
તમારાં મુખના દર્શન કરી હું સમજી ગયો છું કે તમે સંતોષી બ્રાહ્મણ છો.
પણ આ ત્રણ પગલા પૃથ્વીનું દાન આપતા મને બહુ સંકોચ થાય છે. દાન લેનારને સંતોષ થાય એ ઠીક છે- પણ દાન આપનારને પણ સંતોષ થવો જોઈએ. માટે કંઈક વધુ માગો.
વામનજી કહે છે- રાજન,તને ધન્ય છે.તમે આવું બોલો તેમાં આશ્ચર્ય નથી. રાજા તમે ઉદાર છો-પણ દાન લેતાં મારે પણ વિવેક રાખવો જોઈએ ને ? રાજા લાભથી લોભ વધે છે. સંતોષથી તૃપ્તિ છે.
આ સંસારના સર્વ ભોગ પદાર્થો આપવામાં આવે તો પણ સંતોષ-વૈરાગ્ય વગર શાંતિ મળતી નથી.
લોભ એ જ પાપનું મૂળ છે. બ્રાહ્મણ માટે લોભ ક્ષમ્ય નથી. અતિ સંગ્રહ કરવાની વૃત્તિથી બ્રાહ્મણ દાન લે તો, તેના માથે યજમાનનું પાપ આવે છે. મને વધારે જરૂર નથી. અતિસંગ્રહથી વિગ્રહ થાય છે.
વધારે માગું તો મારા બ્રહ્મતેજનો નાશ થશે.
ભાગવતમાં લખ્યું છે કે-તમારી આવકનો પાંચમો ભાગ દાન કરો. પછી પરિસ્થિતિ બદલાતાં મનુ મહારાજે થોડી છૂટ આપીને કહ્યું-કે આવકનો દસમો ભાગ દાનમાં આપજો.
(અત્યારના જમાનામાં તો ૧% આપે તો પણ ઘણું)
ગૃહસ્થનો દાન આપવાનો ધર્મ છે- સાધુ-સન્યાસીઓ ધનનો સંગ્રહ ન કરે અને દાન આપવાનો આગ્રહ ના રાખે.
ગૃહસ્થ દાન આપે પણ અતિદાન ન આપે-વિવેકથી દાન આપે.
ઘરમાં આવેલું સઘળું ધન શુદ્ધ નથી હોતું. દાનથી ધનની શુદ્ધિ થાય છે.
ભિખારી ભીખ માગવા આવતો નથી પણ આપણને ઉપદેશ આપવા આવે છે-કે-
ગયા જન્મમાં મેં દાન આપ્યું નહિ તેથી મારી આ દશા થઇ છે.
તમે પણ દાન નહિ આપો તો મારા જેવી દશા થશે.
વૃદ્ધાવસ્થામાં છોકરાઓ પાસે માગવાનો પ્રસંગ ન આવે તે માટે એકથી પાંચ ભાગનો સંગ્રહ કરવાની સંસારીઓ માટે છૂટ છે. કલિયુગનાં છોકરાં પૈસાની સેવા કરે છે-માતપિતાની સેવા કરતાં નથી.
થોડું કે ધન હશે તો ધનના લોભે સેવા કરશે.
વામનજી કહે છે-સંધ્યા-ગાયત્રી કરવા માટે જમીન માગું છું,
તારી જગ્યામાં બેસી સત્કર્મ કરીશ તો તને પુણ્ય મળશે. હું બ્રહ્મચારી છું.
મારે માત્ર ત્રણ પગલાંથી મપાય તેટલી પૃથ્વી જ જોઈએ તેનું તું દાન કર.
બલિરાજા દાનનો સંકલ્પ કરવા તૈયાર થયા છે.
યજ્ઞમંડપમાં શુક્રાચાર્ય બેઠેલા હતા. તે બ્રહ્મનિષ્ઠ છે. એટલે નજરથી સમજી ગયા કે આ કોઈ સાધારણ બ્રાહ્મણ નથી, આ તો ખુદ નારાયણ આવ્યા છે.
તેમણે બલિરાજાને કહ્યું-ઉતાવળ કરશો નહિ, દેવોનું કાર્ય સિદ્ધ કરવા સાક્ષાત નારાયણ, કશ્યપઋષિને ત્યાં જન્મ લઈને તારા ઘેર દાન લેવા આવ્યા છે. રાજા એ દેખાય છે તેવા નથી.
તારું બધું રાજ્ય આના બે પગમાં આવી જશે, ત્રીજું પગલું મુકવા જગા રહેશે નહિ, એટલે તને નરકમાં ફેંકી દેશે. માટે આપતા પહેલાં વિચાર કર.તારું સર્વસ્વ હરી લેશે.
રાજા,દાન આપે તો વિવેકથી આપજે. આ બાળકનાં પગલાં કેવાં છે તે તું જાણતો નથી. હું જાણું  છું.
સાધુ,સન્યાસી,બ્રાહ્મણને આપવું તે ગૃહસ્થ નો ધર્મ છે.પણ વિવેકથી વિચાર કરીને દાન આપવું, એવું દાન ના આપો કે જે દાન આપ્યા પછી તમે દરિદ્ર થાઓ કે ઘરનાં માણસો દુઃખી થાય.
બલિરાજા પૂછે છે-ત્યારે દાન ન આપું ?
શુક્રાચાર્ય કહે છે-આપજે પણ તારા પગથી માપી પૃથ્વી આપજે. આતો વિરાટ સ્વરૂપ ધારણ કરશે. ત્રીજો પગ મુકવાની જગ્યા નહિ રહે.
દેવોનું કામ કરવા આ મહાવિષ્ણુ આવ્યા છે.
બલિરાજા કહે છે-સંકલ્પ પ્રમાણે દાન ના આપે તો મનુષ્ય નરકમાં જાય છે. મેં એકવાર વાણીથી દાન આપી દીધું છે, ફક્ત હવે પાણી છોડવાનું બાકી છે. વચન આપ્યા પછી હવે ના પાડું તો અસત્ય બોલવાનું મને પાપ લાગે.
શુક્રાચાર્ય કહે છે-કે-આવા વિપત્તિ ના સમયે-અસત્ય બોલો તો તે ક્ષમ્ય છે.
સત્ય બોલવું એ ધર્મ છે, એમ કહ્યું છે. પણ અસત્ય બોલવું એ ધર્મ છે એમ નથી કહ્યું.
વિપત્તિ ના સમયે-અસત્ય ક્ષમ્ય છે-જોકે તે સ્તુત્ય (સારું ) નથી.
ચાર પ્રસંગો એ-અસત્ય કહો તે ક્ષમ્ય છે.(સ્તુત્ય નથી)
(૧) કોઈના વિવાહ પ્રસંગે-ભલે કોલસા જેવી કાળી હોય-છતાં પણ કહે કે ખાસ કાળી નથી-ભીને વાન છે.
(૨) સ્ત્રીઓને વાત કહેવાના પ્રસંગે-સ્ત્રીઓ ને શ્રાપ છે-કે કોઈ વાત ખાનગી રાખી શકે નહિ.
(૩) પ્રાણ સંકટે-સત્ય બોલવાથી કોઈ જીવની હિંસા થતી હોય ત્યારે.
(૪) ગાય-બ્રાહ્મણના રક્ષણ માટે.
રાજા,આ તો તારા માટે પ્રાણ-સંકટ આવ્યું છે-તું ફરી જા, બ્રાહ્મણને ચોખ્ખી ના પાડી દે.
આવા વખતે વચન ભંગ થાય તો વાંધો નહિ.
બલિરાજા કહે છે-કે-ગુરુજી આપે સુંદર ઉપદેશ આપ્યો, પણ હું તો વૈષ્ણવ છું, હું તો એમ માનતો હતો કે આ કોઈ બ્રાહ્મણનો છોકરો આવેલો છે.પરંતુ હવે જાણ્યું કે પરમાત્મા સાક્ષાત મારી પાસે માગવા આવેલા છે-
તો મારા નારાયણ ને મારું સર્વસ્વ અર્પણ કરીશ, હું મારા વચનનો ભંગ કરીશ નહિ.
મારા ઇષ્ટદેવ વિષ્ણુ છે. મારે ત્યાં બાળક બનીને પરમાત્મા ખુદ- આંગણે આવ્યા હોય ત્યારે
હું તેમને ના પાડું તો તેના જેવું અજ્ઞાન કયું?
દાન લેનારનો હાથ નીચે અને દાન આપનારનો હાથ ઉંચો (ઉપર) હોય છે.
દાન આપનારો મોટો ગણાય છે. જગતમાં મારી પ્રતિષ્ઠા વધશે કે-બલિરાજા એ સર્વસ્વનું દાન કર્યું હતું.
શુક્રાચાર્ય હજુએ સમજાવે છે-ત્રીજો પગ મુકવા જગ્યા રહેશે નહિ-એટલે તારે નરકમાં જવું પડશે.
બલિરાજા  કહે છે- નરકની મને બીક નથી. પાપ કર્યા પછી નરકમાં જાય તે ખોટું છે-પણ
પરમાત્માને સર્વસ્વ અર્પણ કર્યા પછી-નરકમાં જવું પડે તો શું વાંધો છે ?
બલિરાજા શુક્રાચાર્યને કહે છે- હું પ્રહલાદના વંશ નો છું, હું વૈષ્ણવ છું. અમે વૈષ્ણવો
ગળામાં કંઠી ધારણ કરીએ છીએ. વૈષ્ણવો પોતાનું શરીર પરમાત્માને અર્પણ કરે છે.
શરીર ભોગ માટે નથી ભગવાન માટે છે,
તેનું સતત સ્મરણ રહે તે માટે વૈષ્ણવો ગળામાં કંઠી ધારણ કરે છે.
હું સર્વ અર્પણ કરીશ એટલે મારો બ્રહ્મસંબંધ થશે. અને ભગવાન નો થઈશ.
એટલે હું જ્યાં જાઉં ત્યાં પરમાત્મા એ આવવું પડશે.કદાચ હું નરક માં જાઉં તો
ઠાકોરજી એ ત્યાં આવવું પડશે. આજે હું સર્વસ્વ નું દાન કરીશ. પછી ભલે- મારે નરકમાં જવું પડે.
બ્રાહ્મણને જયારે દાન કરવામાં આવે છે ત્યારે તેના શરીરમાં વિષ્ણુનું આવાહન કરવામાં આવે છે.
ત્યારે આ તો સાક્ષાત મહાવિષ્ણુ મારે ત્યાં આવ્યા છે.
ગુરુજી ,હું સર્વસ્વ ઠાકોરજીને અર્પણ કરીશ. જીવ દગો આપે છે-પણ અણીના સમયે પ્રભુ દોડતા આવે છે.
હું ભગવાનનો થઈશ- ભગવાન મારા થશે. હું જ્યાં જાઉં ત્યાં ભગવાન મારી સાથે આવશે.
તુકારામે કહ્યું છે- કે-
ગર્ભવાસ થાય કે નર્કવાસ થાય, પરંતુ જો મારો વિઠ્ઠલ મારી સાથે હોય તો હું ત્યાં જવા પણ તૈયાર છું.
તુકારામ ગર્ભવાસ-નર્કવાસ માગે છે- પણ તેમને ખાતરી છે કે-
હું જ્યાં જઈશ ત્યાં મારો વિઠ્ઠલનાથ મારી સાથે આવશે.
જો ખ્યાલ હોય તો -દરેક સત્કર્મના અંતે-(સત્યનારાયણ પૂજા-ગણપતિપુજન-વગેરે)
ગોર મહારાજ બોલાવે છે- અનેન કર્મણા ભગવાન પરમેશ્વરહ્ પ્રીયતામ ન મમઃ
(અત્યારે આ જે સત્કર્મ કર્યું-તેનું જે પુણ્ય મળ્યું-તે મારું નથી- તે હું પરમેશ્વર ને અર્પણ કરું છું)
બલિરાજા કહે છે-ગુરુજી તમે તો સર્વ સત્કર્મના અંતે-બધું ફળ કૃષ્ણાર્પણ કરાવો છો.
તો આજે તો ખુદ કૃષ્ણ-ખુદ નારાયણ આવ્યા છે-તો તેમને હું ના પાડું ?
આપ મને સંકલ્પ કરાવો. હું સઘળું ભગવાનને અર્પણ કરીશ.(હાથમાં પાણી રાખીને સંકલ્પ કરાય છે)
શુક્રાચાર્ય કહે છે-હું તને સંકલ્પ નહિ કરાવું.
વામનજી કહે છે-તમારાં ગોરદાદા સંકલ્પ ન કરાવે તો હું સંકલ્પ કરાવું, હું બ્રાહ્મણ નો પુત્ર છું,
મને સંકલ્પ કરાવતા આવડે છે.
ત્યાર બાદ બલિરાજાના કહેવાથી વામનજી સંકલ્પ કરાવવા લાગ્યા. ઝારી માંથી જળ હાથમાં લો
શુક્રાચાર્યથી આ સહન થયું નહિ. યજમાન ના -હિત -નો વિચાર કરે તેને પુરોહિત- કહે છે.
સંકલ્પનું જળ ઝારી માંથી બહાર ન આવે તે માટે સૂક્ષ્મ રૂપે શુક્રાચાર્ય ઝારીના નાળચામાં ભરાઈ ને બેસી ગયા, હવે ઝારીમાંથી સંકલ્પ માટે જળ બહાર આવતું નથી.
વામનજી સમજી ગયા કે શુક્રાચાર્ય ઝારીના નાળચામાં ભરાઈને બેસી ગયા છે.
તેમને દર્ભની સળી લઇ ઝારીના નાળચામાં નાંખી-તેથી શુક્રાચાર્યની એક આંખ ફૂટી ગઈ.
ન્યાયાધીશ સજા કરે છે-ત્યારે નિષ્ઠુર થઇ સજા કરે છે.પણ પરમાત્મા સજા કરે છે-ત્યારે દયા રાખે છે.
બે આંખ ફોડી નહિ.પણ માત્ર એક આંખ ફોડે છે.
રામાયણમાં પણ કથા છે-કે પ્રભુ રામચંદ્રજી એ જયંતની એક આંખ ફોડી છે.
ભગવાન કહે છે-કે-જગતને એક આંખથી જુઓ.
આ મારો અને આ પારકો એવી દૃષ્ટિ થી ન જુઓ. આ સર્વ ભગવાનનાં અંશો-સ્વરૂપો છે-એમ માનો.
એક આંખથી જુએ તે સમતા અને બે આંખથી જુએ તે વિષમતા.
ભગવાન પોતે માગવા આવ્યા છે-પણ શુક્રાચાર્યના મનમાંથી આ મારો યજમાન અને આ માંગનાર એવો દ્વૈત ભાવ રાખ્યો. યોગીઓ એક આંખે એટલે અદ્વૈત રૂપે આ જગતને જુએ છે.
ગીતાજીમાં પણ લખ્યું છે-કે-સમત્વં યોગ ઉચ્યતે
સર્વ માં સમતા રાખવી તેને જ યોગ કહેવાય છે.
શુક્રાચાર્યે વિચાર્યું-અને સમજી ગયા કે વધારે વિઘ્ન કરીશ તો બીજી આંખ પણ જશે.
એટલે ત્યાંથી ખસી ગયા છે.
વામનજીએ બલિરાજાનો સંકલ્પ મુકાવડાવ્યો. અને સંકલ્પ જેવો પત્યો કે
વામનજીએ પોતાનું સ્વરૂપ વધાર્યું અને વિરાટ સ્વરૂપ ધારણ કર્યું છે.
ચરણ ધરતી પર અને મસ્તક બ્રહ્મલોક સુધી ગયું છે. શ્રીઅંગથી જગતને વ્યાપી લીધું છે.
જગતમાં સર્વ ઠેકાણે વામન ભગવાનનું સ્વરૂપ દેખાય છે. જગતની બહાર દશ આંગળ રહ્યા છે.
શંકરાચાર્યે અર્થ કર્યો છે-કે-દશ આંગળથી ભગવાનના માત્ર વંદન જ થઇ શકે છે. વાણીથી તેમનું વર્ણન થઇ શકે નહિ. પરમાત્મા શબ્દથી પર છે.
વેદો પણ પરમાત્માનું પ્રતિપાદન કરી શક્યા નથી. એટલે નિષેધાત્મક રૂપે નેતિ-નેતિકહે છે.
ભગવાન કૃપા કરી-અજ્ઞાન દૂર કરે છે-ત્યારેજ ભગવાનને જાણી શકાય છે.
પરમાત્માને જે વંદન કરે છે, આંખ બંધ રાખી જે પરમાત્માનું સ્મરણ કરે છે-તેને પરમાત્મા પોતાનું સ્વરૂપ બતાવે છે. વંદન કરો તો પરમાત્મા જેવા હશે તેવા દેખાશે.
વામનજીના વિરાટ સ્વરૂપના એક ચરણમાં પૃથ્વીનું રાજ્ય આવી ગયું. બીજા ચરણમાં બ્રહ્મલોક.
ત્રીજો પગ મુકવાની જગ્યા રહી નથી. તે સમયે દૈત્યો યુદ્ધ કરવા તૈયાર થયા છે.
અમારા રાજાને છેતર્યો-મારો-મારો.
બલિરાજા એ કહ્યું- આ સમય પ્રતિકુળ છે-શાંત રહો નહિતર માર પડશે.
વામનજી કહે છે-કે-બલિરાજા, તેં સંકલ્પ ત્રણ પગ પૃથ્વીનું દાન કરવાનો કર્યો છે. બોલ ત્રીજું પગલું મારે ક્યાં મુકવું ? સંકલ્પ પ્રમાણે દાન ન આપે તો મનુષ્ય નરકમાં જાય છે. રાજા તું મને છેતરે છે.
જરા વિચાર કરો- કોણ કોને છેતરે છે ?
દાન લેવા આવ્યા ત્યારે સાત વર્ષના બટુક હતા અને પછી દાન લેવા ટાણે વિરાટ પુરુષ થયા છે.
ગણેશ પુરાણ માં બલિરાજા એ વામન ભગવાન ને પૂછ્યું છે કે-
આપે મારી સાથે આવું કપટ કેમ કર્યું ? મેં કોઈ પાપ કર્યું નથી.
(બલિરાજા નિષ્પાપ છે,તેથી પ્રભુએ તેની સાથે યુદ્ધ કર્યું નથી.)
આપે કપટ કર્યું અને મને પાતાળમાં ધકેલી દીધો. તે શું યોગ્ય છે ? તેનો નિર્ણય આપ જ કરો.
તે વખતે વામનજી એ ઉત્તર આપ્યો છે-તારા હાથે થોડું પાપ થયું છે.
યજ્ઞની શરૂઆતમાં ગણપતિનું પૂજન કરવાની આજ્ઞા કરી ત્યારે તેં કહ્યું હતું કે -
"હું ગણપતિની પૂજા નહિ કરું-વિષ્ણુનું પૂજન કરીશ
ગણપતિ પણ વિષ્ણુ છે-તેમ તેં માન્યું નહિ. આ ભેદ દૃષ્ટિ તેં રાખી.
જ્યાં સુધી અનન્યભક્તિ સિદ્ધ થઇ નથી-ત્યાં સુધી અન્ય દેવોમાં પોતાના ઇષ્ટદેવનો અંશ માની વંદન કરવાના અને પૂજા કરવાની, અને ઇષ્ટ દેવમાં અનન્ય ભક્તિ રાખવી.
માટે તેં શાસ્ત્રની મર્યાદા તોડી છે. તેં ગણપતિની પૂજા કરી નહિ. ગણપતિએ મારી પ્રાર્થના કરી.
અને મને તારા યજ્ઞમાં વિઘ્ન કરવા કહ્યું-તેથી મેં વિઘ્ન કર્યું.
ગણપતિ વિઘ્નહર્તા છે- ને વિઘ્નકર્તા પણ છે.
વામનજી કહે છે-તારા રાજ્યમાં મારા બે પગ સમાયા છે- ત્રીજો પગ ક્યાં મુકું તે મને બતાવ.
બલિરાજા તો વિરાટરૂપ જોઈ ગભરાયા હતા. તે સમયે તેમની પત્ની વિન્ધ્યાવલી પ્રાર્થના કરે છે- આ સર્વ તમારી ક્રિયાભૂમિ છે. આ શરીર પર પણ મનુષ્યની સત્તા નથી, હક્ક નથી, તો પછી સંતતિ સંપત્તિ પર તો હક્ક ક્યાંથી હોય ? શરીર પણ માટીનું બનેલું છે.

No comments: