શ્રીમદ્ભાગવત સ્કંધ – 4 (Page 40)
શ્રીમદ્ભાગવત સ્કંધ ચોથો
પ્રથમ
સ્કંધમાં અધિકારલીલાનુ વર્ણન કર્યું. ભાગવતનો શ્રોતા કેવો હોવો જોઈએ ? વગેરે બતાવ્યું.
દ્વિતીય સ્કંધ એ જ્ઞાનલીલા છે. મરણ સમીપ હોય ત્યારે કેમ જીવવું? મનુષ્ય નુ કર્તવ્ય શું ?વગેરે જ્ઞાનનુ વર્ણન કર્યું.
ત્રીજો સ્કંધ સર્ગલીલા છે. જ્ઞાન કેવી રીતે જીવનમાં ઉતારવું,અને જગતની ઉત્પત્તિનુ વર્ણન છે.
ચોથો સ્કંધ ને વિસર્ગલીલા
કહે છે.ચાર પુરુષાર્થની કથા આમાં છે.
જ્ઞાન પ્રાપ્ત કરવું હોય
તો કર્દમની જેમ જીતેન્દ્રિય થવું પડે, તો બુદ્ધિ દેવહુતિ મળે. નિષ્કામ બુદ્ધિથી જ્ઞાન સિદ્ધ થાય છે.
અને
જ્ઞાન સિદ્ધ થયા પછી,પુરુષાર્થ
સિદ્ધ થાય છે.
એટલે
ચોથા સ્કંધમાં આવી ચાર પુરુષાર્થની કથા.
ચોથા
સ્કંધમાં ચાર પ્રકરણો અને એકત્રીસ અધ્યાયો છે.
પુરુષાર્થ ચાર છે-ધર્મ-અર્થ-કામ અને મોક્ષ. એટલે
ચાર પ્રકરણો છે.
1.
ધર્મ પ્રકરણના અધ્યાય -૭ –છે. સાત પ્રકારની
શુદ્ધિ આવે તો ધર્મ સિદ્ધ થાય. દેશ,કાળ,મંત્ર,દેહ,વિચાર,ઇન્દ્રિય અને દ્રવ્ય શુદ્ધિ.
2.
અર્થ પ્રકરણ ના અધ્યાય-૫-છે. અર્થ(ધન સંપત્તિ)ની પ્રાપ્તિ પાંચ સાધનથી
થાય છે.માતપિતાના આશીર્વાદ, સતગુરુકૃપા, ઉદ્યમ, પ્રારબ્ધ અને પ્રભુકૃપા. આ પાંચ પ્રકારના સાધનોથી ધ્રુવને અર્થની
પ્રાપ્તિ થઇ હતી.(જેની કથા અહીં આવશે)
3.
કામ પ્રકરણ ના અધ્યાય-૧૧-છે.કારણ કે કામ ૧૧-ઇન્દ્રિયોમાં
રહેલો છે. ૫-જ્ઞાનેદ્રિયો,૫-કર્મેન્દ્રિયો અને મન.
4.
મોક્ષ પ્રકરણ માં અધ્યાય-૮- છે. પ્રકૃતિના -૮-પ્રકાર છે.(અષ્ટધા
પ્રકૃતિ) ૫-મહાભૂતો અને મન,બુદ્ધિ,અહંકાર. આ અષ્ટધા પ્રકૃતિ ને કાબુમાં રાખે-તેને મોક્ષ-મુક્તિ મળે છે. પ્રકૃતિના
બંધન માંથી મુક્ત થાય છે –તે કૃતાર્થ બને છે.
આમ
૩૧ અધ્યાયોનો ચોથો સ્કંધ છે.
પ્રકૃતિ એટલે સ્વ-ભાવ. અનેક જન્મોના સંસ્કારોને અનુસરીને મન દોડે છે. મોટા મોટા ઋષિઓ
પણ પ્રકૃતિને એટલે સ્વ-ભાવને વશ રાખી શક્યા નથી તેથી બંધનમાં આવ્યા છે.
પ્રકૃતિને વશ થાય છે-તે જીવ અને જેને પ્રકૃતિ
વશ થાય છે તે ઈશ્વર.
આઠ પ્રકારની ભક્તિ,શ્રવણ,કિર્તન ...વગેરે જેની સિદ્ધ
થાય તે ઈશ્વરનો થાય.
ભગવાન જેવા ન થઇ શકો તો વાંધો નહિ પરંતુ ભગવાનના થઈને રહેજો.
ચાર પુરુષાર્થો માં પ્રથમ છે –ધર્મ અને છેલ્લો છે મોક્ષ.
વચ્ચે અર્થ અને કામ છે. આ ક્રમ ગોઠવવામાં પણ રહસ્ય છે.
આ બતાવે છે –કે અર્થ અને કામ –ધર્મ અને મોક્ષને અનુસરીને પ્રાપ્ત કરવાનાં છે.
ધર્મ અને મોક્ષ એ બંને પુરુષાર્થ મુખ્ય છે, બાકીનાં
બે –અર્થ અને કામ બે ગૌણ છે.
ધર્મ વિરુદ્ધનો કોઈ પણ પુરુષાર્થ સફળ થતો નથી. ધર્મ વિરુદ્ધનો –અર્થ અને કામ –અનર્થ કરે છે.
પૈસા પુષ્કળ હોય તો મજા કરવામાં અનેક જણા સાથ આપે છે, પણ સજા એકલા જીવને થાય છે. ધર્મ વિનાનું ધન અધર્મ છે.
જીવનમાં કામ અને અર્થ ગૌણ બને તો જીવનમાં દિવ્યતા આવે છે. દિવ્યતા એ
દેવપણું છે. માનવી દેવ બને છે.
ધર્મની ગતિ સૂક્ષ્મ છે. ધર્મ પણ અનેકવાર અધર્મ બને છે. (કુભાવ -ના હોય
તો તે અધર્મ પણ કોઈ વાર ધર્મ બનતો હોય છે)
સદભાવના વગર ધર્મ સફળ થતો નથી. બીજો કોઈ દુઃખી થાય
તેવી સૂક્ષ્મ ઈચ્છા પણ હશે તો તે અધર્મ છે.
જગતના કોઈ જીવ પ્રત્યે કુભાવ રાખશે-તો તે જીવ તમારા પ્રત્યે કુભાવ રાખશે.
કેદારનાથ જતાં ગુપ્તકાશી આવે છે-ત્યાંથી એક રસ્તો ઉખીમઠ જાય છે.ઠંડીના
દિવસોમાં કેદારનાથના સ્વરૂપને ઉખીમઠમાં પધરાવવામાં આવે છે. ત્યાં બે-ચાર પહાડ ભેગા
થાય છે,ત્યાં જે કંઈ બોલો તેનો પ્રતિધ્વની
આવશે. ગંગે-હર,ગંગે-હર એકવાર બોલો તો ત્રણ
ચાર વાર તેના પડઘા સંભળાશે. ત્યાં જો કોઈ બોલે કે-તારું સત્યાનાશ જાય-તો પ્રતિધ્વનિમાં
તે જ સાંભળવા મળશે.
જેવો ધ્વનિ-તેવો પ્રતિધ્વનિ.
જેવો ભાવ તમે લોકો માટે રાખશો,તો લોકો તેવોજ ભાવ તમારા માટે
રાખશે. ભાવ-પ્રતિભાવ ને ઉત્પન્ન કરે છે.
સર્વ ક્ષેત્ર(જગત) માં ક્ષેત્રજ્ઞ (જગત નો આધાર) તરીકે પરમાત્મા રહેલા
હોવાથી-કોઈ જીવ પ્રત્યે કુભાવ રાખવો-તે-ઈશ્વર પ્રત્યે કુભાવ રાખવા જેવું છે. શાસ્ત્ર
માં તો ત્યાં સુધી લખ્યું છે કે જીવ તો શું? જડ પદાર્થોમાં પણ કુભાવ ના રાખવો.
જડ-ચેતન સર્વ માં એક ઈશ્વર વિરાજેલા છે. સર્વ માં
સદભાવ રાખે તેનું મન શાંત રહે છે.
મનુષ્ય માં સ્વાર્થ બુદ્ધિ જાગે છે-ત્યારે તે બીજા નો વિનાશ કરવા તત્પર
બને છે. આ પર એક દૃષ્ટાંત વિચારવા જેવું છે.
એક દેશમાં રાજા અને નગરશેઠ વચ્ચે મિત્રતા હતી. બંને રોજ સત્સંગ કરે.
નગરશેઠનો ધંધો ચંદનના લાકડાં વેચવાનો હતો.
શેઠનો ધંધો બરાબર ન ચાલે. ચાર પાંચ વર્ષથી ખોટ જતી હતી. એક દિવસ મુનીમે
કહ્યું-ચંદનના લાકડાં સડે છે, કોઈ બગડેલો માલ લેતું નથી, જો આ વર્ષે પૂરતા પ્રમાણમાં
ચંદન નહિ ખપે તો પેઢી ડૂબી જશે. ચંદન જેવું કિંમતી લાકડું રાજા સિવાય બીજું કોણ લે
?
નગરશેઠને ધંધા માટે સ્વાર્થનો વિચાર આવ્યો છે, આ રાજાનુ કંઈક થઇ જાય તો સારું. રાજા મરી જાય તો –બાળવા માટે ચંદનની જરૂર પડે-ને મારું સઘળું ચંદન વેચાઈ જાય. નગરશેઠના
મનમાં રાજા પ્રત્યે કુભાવ આવ્યો-તે જ વખતે રાજાના મનમાં પણ સેવા કરતાં વિચાર આવ્યો.
આ શેઠ તિલક કરે છે-ભક્તિનો ડોળ કરે છે, તેને મારવો જોઈએ. શેઠ નિસંતાન છે,એટલે તેનું ધન રાજ ખજાનામાં
આવશે. રાજાને ભક્તિમાં આજ આનંદ આવતો નથી.
રાજા ફરીથી વિચારે છે-કે આજે આવો વિચાર કેમ આવ્યો? મનમાં પાપ છુપાવીશ તો પાપ વધશે. રાજા સત્સંગી વૈષ્ણવ હતા.
તેમણે શેઠ આગળ –આ ખરાબ વિચારની હકીકત જાહેર
કરી. શેઠે પણ –બોલતાં પણ શરમ આવે તેવી હકીકત
રાજાને કહી.
રાજાએ શેઠને ઠપકો આપ્યો. આવા ખરાબ વિચાર વૈષ્ણવને શોભે નહિ. એવું કેમ
ના વિચાર્યું કે રાજા –ઠાકોરજી માટે ચંદનનો હિંડોળો
બનાવે –કે રાજા મહેલના દરવાજા ચંદનના
બનાવે.!! બંનેના મન શુદ્ધ થયા અને એકબીજા પ્રત્યે સારી ભાવના રાખી બંને સુખી થયા.
જગતના કોઈ પણ જીવ માટે વિરોધ ના કરવો. શુદ્ધ ભાવના વગર કરેલું સત્કર્મ
નકામું છે. તેથી ઘણીવાર-ધર્મ,અધર્મ બને છે.
દક્ષપ્રજાપતિ એ શિવજી પ્રત્યે કુભાવ રાખ્યો-તેથી તેમનો ધર્મ, અધર્મ થયો છે. તેનો યજ્ઞ તેને મારનારો થયો.
સર્વમાં સદભાવ-સમભાવ રાખવો તે ઉત્તમોઉત્તમ ધર્મ છે.
મહાભારતમાં જોઈએ છીએ કે કેટલીક વાર શ્રીકૃષ્ણ અધર્મ કરે છે,પણ તેમના મનમાં સર્વ પ્રત્યે સદભાવ છે.
સર્વમાં સદભાવ રાખી અધર્મ કરવામાં આવે તો તે-અધર્મ પણ ધર્મ બને છે.(ધર્મની
ગતિ સૂક્ષ્મ છે)
મહાભારત ના કર્ણપર્વ અને દ્રોણપર્વ માં આ બાબત નાં દ્રષ્ટાંતો છે.
કર્ણ જે વખતે રથનું પૈડું જમીનમાંથી કાઢતો હતો-અને નિશસ્ત્ર હતો ત્યારે
શ્રીકૃષ્ણે અર્જુનને કહ્યું-તું આ કર્ણને માર.
કર્ણ કહે છે-તમે વીર છો, યુદ્ધશાસ્ત્રને જાણો છો. નિશસ્ત્રને
મારવો અધર્મ છે.
ભગવાન કર્ણને કહે છે-તમે આજ સુધી ધર્મનુ પાલન કેટલું કર્યું છે ? મૂરખાને હવે અક્કલ આવે છે? હવે ધર્મ સુઝે છે?
સોળ વર્ષના અભિમન્યુને તમે બધાં એ ભેગા થઇ માર્યો-ત્યારે ધર્મ ક્યાં
ગયો હતો ? ભરી સભામાં દ્રૌપદીનું અપમાન
કરવામાં આવેલું ત્યારે ધર્મ ક્યાં ગયો હતો ? તેં ધર્મનું પાલન કર્યું નથી
અને બીજાને ઉપદેશ આપે છે ?
યુદ્ધમાં દ્રોણાચાર્ય પાંડવસેનાનો કચ્ચરઘાણ વાળે છે. શ્રીકૃષ્ણે વિચાર્યું-આ
ડોસો નહિ મરે તો અનર્થ થશે.તેવામાં અશ્વસ્થામા નામનો હાથી મરાયો. શ્રીકૃષ્ણને થયું-જો
દ્રોણાચાર્યને કહેવામાં આવે-કે-તમારો પુત્ર મરાયો છે-તો પુત્રશોકને કારણે તે યુદ્ધ
બંધ કરશે.
ધર્મરાજા જો દ્રોણાચાર્યને કહે તો જ તે સાચું માનશે.એટલે ધર્મરાજાને
શ્રીકૃષ્ણે કહ્યું-બોલો કે અસ્વસ્થામાં મરાયો.
ધર્મરાજાએ કહ્યું-મારા ગુરુએ મને આજ્ઞા કરી છે-સત્યં વદ-ધર્મ ચર. મારાથી
અસત્ય કેમ બોલાય ? મને પાપ લાગશે.
ભગવાન કહે-સર્વનું કલ્યાણ થાય તે-સત્ય. યુદ્ધ કરવું એ બ્રાહ્મણનો ધર્મ
નથી. દ્રોણાચાર્ય અધર્મ કરી રહ્યા છે. માટે હું કહું છું કે- બોલો-અશ્વસ્થામા હતઃ(અસ્વશ્થામાં
મરાયો છે). પ્રભુના આગ્રહથી ધર્મરાજા તેમ બોલે છે.પણ ખોટું બોલવાનું પાપ ના લાગે –એટલે- ધીમેથી બોલ્યા-નરો વા કુંજરો વા.(માણસ કે હાથી).પણ આ છેલ્લા શબ્દો
કોઈને ના સંભળાય એટલે પ્રભુએ જોરથી શંખનાદ કર્યો.
દક્ષ પ્રજાપતિનો યજ્ઞરૂપ –ધર્મ –શિવજી પ્રત્યે કુભાવ રાખીને કરવાથી –તે અધર્મરૂપ બની દક્ષને મારનારો થયો.
જ્યારે શ્રીકૃષ્ણનો અસત્ય ભાષણ રૂપ- અધર્મ –પણ સર્વનું કલ્યાણ કરવાની ભાવનાથી કરેલો હોવાથી-ધર્મરૂપ ગણાયો.
સર્વના કલ્યાણ માટે કરેલો અધર્મ પણ ધર્મ બને છે.
સનાતન ધર્મમાં ક્રિયાને મહત્વ આપ્યું નથી. તેમાં રહેલા –ભાવ-ને
મહત્વ આપેલું છે.
સત્કર્મ કરે પણ તેમાં ભાવ શુદ્ધ ના હોય તો પુણ્ય મળતું નથી,પાપ થાય
છે. શુદ્ધ ભાવ રાખવો તે મોટું તપ છે.
તેથી-
સર્વેષામ અવિરેધોન બ્રહ્મ કર્મ સમારભે-મંત્ર બોલીને દરેક સત્કાર્યની શરૂઆત થાય છે.
આ
જગતમાં મારો કોઈ શત્રુ નથી,દુશ્મન
નથી, કોઈએ મારું બગાડ્યું નથી.કોઈ
મનુષ્ય મને દુઃખ આપે તે વાત ખોટી છે.
કરેલાં કર્મ બધાને ભોગવવાનાં છે. સર્વમાં સદભાવ રાખો, સર્વને સદભાવથી નિહાળો.
મહાભારતમાં કથા છે-કે-દુર્યોધને પણ વિષ્ણુયાગ કરેલો. તે વિષ્ણુયાગ કરે
છે પણ તેના મનમાં સદભાવ નથી-એટલે તેને કંઈ ફળ મળ્યું નથી.
મૈત્રેયજી –વિદુરજી ને કહે છે-
મનુ
મહારાજને ત્યાં ત્રણ કન્યાઓ થયેલી. આકુતિ,દેવહુતિ અને પ્રસૂતિ. તેમના લગ્ન અનુક્રમે-રુચિ પ્રજાપતિ,કર્દમ અને દક્ષ પ્રજાપતિ જોડે કરેલું.
કર્દમ અને દેવહુતિને ત્યાં નવ કન્યાઓ થયેલી તે નવ બ્રહ્મર્ષિઓને પરણાવેલી.
તેમાંની એક અનસુયા- અત્રિઋષિને પરણાવેલી. તેમના ત્યાં ત્રણ પુત્રો દત્તાત્રેય,દુર્વાસા,અને ચંદ્રમા થયેલાં. જે અનુક્રમે-વિષ્ણુ,શંકર અને બ્રહ્માના અંશથી ઉત્પન્ન થયેલા.
વિદુરજી પૂછે છે-આ સર્વશ્રેષ્ઠ દેવોએ અત્રિમુનિને ત્યાં –શું કરવાની ઇચ્છાથી –અવતાર લીધા તે કથા કહો.
દત્તાત્રેય અત્રિના ઘેર જ આવે છે. પુરુષ અત્રિ જેવો તપસ્વી બને અને
સ્ત્રી અનસુયા જેવી તપસ્વીની બને તો – દત્તાત્રેય
આજ પણ આવવા તૈયાર છે.
ન-ત્રિ તે અત્રિ. સત્વ –રજસ અને તમસ –એ ત્રણ
ગુણોનો નાશ કરી નિર્ગુણી બને તે અત્રિ.
આજકાલ સત્વ-રજસ અને તમસમાં
જીવ મળી ગયો છે. આ ત્રણ ગુણોથી જીવને અલગ કરવાનો છે. ત્રણ ગુણો છોડીને બ્રહ્મસંબંધ
કરવાનો છે.
ત્રિગુણાતીત (ત્રણ ગુણોથી અલગ)-બ્રહ્મસ્વરૂપને પ્રાપ્ત થયો છે-તે અત્રિ.
શરીરમાં તમોગુણ છે-તેને
રજોગુણથી મારો (નષ્ટ કરો).
રજોગુણને સત્વગુણથી મારો. સત્વગુણ
પણ બંધન કરે છે. એમાં થોડો અહંભાવ રહી જાય છે.માટે સત્વગુણને સત્વગુણથી મારવાનો છે.
સત્વગુણનો પણ નાશ કરી-નિર્ગુણી થવાનું છે.
જીવ અત્રિ થાય તો બુદ્ધિ અનસુયા બને.
અસૂયા (મત્સર-ઈર્ષા) વગરની બુદ્ધિ તે અનસૂયા. બુદ્ધિનો મોટામાં દોષ
–અસૂયા(મત્સર-ઈર્ષા) છે.
બીજાનું સારું જોઈ ઈર્ષ્યા કરે,બળે –તે અસૂયા. અસૂયા જ્યાં સુધી બુદ્ધિમાં છે-ત્યાં સુધી ઈશ્વરનું ચિંતન
કરી શકાશે નહિ.
જીવ અત્રિ થાય અને બુદ્ધિ અસૂયા વગરની બને એટલે –પછી દત્તાત્રેય પધારે.
અનસૂયા
મહાન પતિવ્રતા છે.
એક
વખત નારદજી કૈલાસમાં આવ્યા છે. શંકર સમાધિમાં હતા. પાર્વતીજી પૂજન કરતાં હતાં.પાર્વતી
નારદજીને પ્રસાદ આપે છે.
નારદજી
કહે છે-કે લાડુ બહુ સુંદર છે,આજે
તમારાં હાથનો પ્રસાદ મળ્યો પણ અનસૂયાના ઘરનો લાડુ તમારાં લાડુ કરતા શ્રેષ્ઠ છે.
પાર્વતીજી
પૂછે છે- આ અનસૂયા કોણ છે ? નારદજી
કહે છે-તમે પતિવ્રતા છો પણ અનસૂયા મહાન પતિવ્રતા છે.
પાર્વતીના
મનમાં ઈર્ષ્યા ઉત્પન્ન થઇ.મારાથી અનસૂયા વધે ?
શંકર
સમાધિમાંથી જગ્યા છે-પાર્વતી વંદન કરે છે.
(ઘરનાં
માણસ બહુ વદન બહુ સેવા કરે એટલે માનવું કે ખાડામાં ઉતારવાની તૈયારી છે.)
શંકરે
પૂછ્યું-દેવી શું વાત છે ? પાર્વતીએ
શંકર પાસે માગણી કરી.કોઈ પણ પ્રકારે અનસૂયાના પતિવ્રતાપણાનો ભંગ થાય તેવું કરો.
શિવજી
કહે છે-બીજાને ખાડામાં ઉતારવાની ઈચ્છા કરનારો પોતે ખાડામાં પડે છે. દેવી,તેમાં કલ્યાણ નથી. પણ તારી ઈચ્છા છે-તો પ્રયત્ન
કરીશ.
નારદજી
એ આવી જ રીતે લક્ષ્મીજી અને સાવિત્રીજી આગળ અનસુયાના પતિવ્રતાપણાની વાત કરી. અને એવીજ
રીતે લક્ષ્મીજીએ વિષ્ણુને અને સાવિત્રીજીએ બ્રહ્માની પાસે –પાર્વતીની જેમ જ માગણી કરી છે.
બ્રહ્મા-વિષ્ણુ
–મહેશ ત્રણે જણ ચિત્રકૂટમાં
ભેગા મળ્યા. ત્રણે દેવો અનસુયાના આશ્રમમાં ભિક્ષા માગવા આવે છે. ભિક્ષા માગી કહ્યું-
અમે ભિક્ષા માંગીએ છીએ પણ તમે નગ્ન બનીને ભિક્ષા આપો તોજ અમે ભિક્ષા લઈશું.
(પ્રભુ-નગ્ન
થઈને-એટલેકે વાસના વગરના થઈને ભિક્ષા આપો એમ અર્થ કરી શકાય.અનસુયાના મનમાં સૂક્ષ્મ
વાસના પણ નહોતી જો સૂક્ષ્મ વાસના પણ મનમાં હોય તો –ત્રણે દેવો આવતાં નથી.)
અનસૂયા
વિચારે છે-કે જો નગ્ન થઈને ભિક્ષા આપું તો મારા પતિવ્રત્યનો ભંગ થાય અને ભિક્ષાના આપું
તો આંગણે આવેલા અતિથી પાછા જાય તો પણ મહા પાપ લાગે. અનસૂયા એ ધ્યાન કર્યું અને ત્રણે દેવો ઉપર પાણી છાંટ્યું. ત્રણે દેવો બાળક
બની ગયા છે.
પતિવ્રતામાં
એવી શક્તિ છે.
આ
બાજુ ત્રણે દેવોની પત્ની હેરાન છે-સવારના ગયા હજુ સુધી પાછા આવ્યા નથી. ત્રણે દેવીઓ
શોધવા નીકળી છે.
ચિત્રકૂટમાં
આવ્યા, ત્યાં નારદજીને તેમણે જોયા. દેવીઓએ તેમને પૂછ્યું- અમારા પતિઓના કોઈ સમાચાર
જાણતા હો તો કહો.
નારદજી
કહે છે-કે પહેલાં કહો કે મોટું કોણ ?તમે કે અનસૂયા? દેવીઓ
કહે છે કે- અનસૂયા. પણ અમરા પતિઓ ક્યાં છે ?
નારદજી
કહે છે- કે મેં સાંભળ્યું છે-કે તમારા પતિઓ બાળક બન્યા છે. અનસુયાના ઘરમાં તે મળશે.
બીજા
સાથે અસૂયા કરનાર ને શાંતિ મળતી નથી. ત્રણે દેવીઓ ગભરાય છે. ત્યાં જઈએ અને અનસૂયા શાપ
આપે તો ?
નારદજી
કહે છે-તમે ભલે મત્સર કરો-પણ અનસૂયા તમને સદભાવથી જોશે. તમારા પ્રત્યે સદભાવ રાખશે.
દેવીઓ
આશ્રમમાં આવી છે. અનેક પ્રકારની પ્રતિજ્ઞાઓ દેવો પાસે અનસૂયા એ કરાવી છે. “આજ થી પ્રતિજ્ઞા કરો –કે કોઈ પતિવ્રતા સ્ત્રીને ત્રાસ નહિ આપીએ.
જગતની કોઈ પતિવ્રતા સ્ત્રીને નહિ પજવીએ.”
અત્રિ
ઋષિ તેવામાં પધારે છે, પૂછે
છે કે આ ત્રણ બાળકો કોણ છે? અનસૂયા
કહે કે આ ત્રણ મારા છોકરાઓ છે,અને
ત્રણ વહુઓ છે.
અત્રિ
કહે છે-દેવી આવું ના બોલો.આ ત્રણ તો મહાદેવો છે.તે પછી જળ છાંટ્યું.ત્રણે દેવો પ્રગટ
થયા.
ત્રણે
દેવોએ કહ્યું-તમારે આંગણે બાળક થઈને રમતા હતા તેવું સુખ કાયમ તમને આપશું.
આ
ત્રણે દેવોનું તેજ ભેગું થવાથી ગુરુ દત્તાત્રેય પ્રગટ થયા છે.
ગુરુ
દત્તાત્રેય માર્ગદર્શન આપનાર છે. તેથી તેમનો જન્મ માર્ગશીર્ષ માસમાં થયો છે.
No comments:
Post a Comment