શ્રીમદ્ભાગવત સ્કંધ – 5 (Page 48)
જડભરતજીના પિતાજી
જડભરતને ભણાવવા લાગ્યા. પિતાને હતું કે-મારો પુત્ર પંડિત થશે. પરંતુ આમની પંડિતાઈ જુદી
હતી.
ભરતજી માં સાચી પંડિતાઈ
હતી. સાચી ચતુરાઈ હતી.
તુલસીદાજી
એ કહ્યું છે-કે-
પરધન,પરમન
હરનકુ વેશ્યા બડી ચતુર,તુલસી સોઈ ચતુરતા રામચરણ લવલીન.
(પરમાત્માના ચરણોમાં મનને લગાડવું
એ જ સાચી ચતુરતા છે, પરધન અને
પરમનનું આકર્ષણ કરવામાં તો વેશ્યા પણ બહુ ચતુર છે-પણ એને સાચી ચતુરતા ન કહેવાય.)
જડભરતનું સંસારના
કાર્યોમાં દિલ નથી, માતા પિતાના ચાલ્યા
ગયા પછી, ચિંતા વગર ફરે છે-કોઈ
કંઈક આપે તો ખાય છે.
દેહભાન છે નહિ,
પંચકેશ વધી ગયા છે,
કોઈ જ જાતની ચિંતા નહિ-એટલે
હ્રષ્ટપુષ્ટ થયા છે. એક જગાએ બેસી રહે છે.
એક ભીલ રાજાને સંતાન
નહોતું. તેણે ભદ્રકાળીની બાધા લીધી. કે પુત્ર થશે તો નરબલિ અર્પણ કરીશ. તેને ત્યાં
પુત્ર થયો.
તેણે ભીલોને આજ્ઞા
આપી –કોઈ નરને પકડી લાવો.
ભીલોની નજર જડભરત
પર ગઈ. આ તગડો છે-પાગલ છે-તેથી જડભરતને પકડી ભીલરાજા પાસે લઇ આવ્યા.
માતાજીને
બલિદાન કરવાનું તે કોઈ જીવનું નહિ-પણ કામ,ક્રોધ,લોભ-પશુ
છે-તેનું બલિદાન કરવાનું છે. દેવીભાગવતનો બલિદાનનો અર્થ આમ સમજાવ્યો છે. બાળકને મારવાથી શું મા રાજી થાય
? ભદ્રકાળી દેવી તો સર્વની માતા છે.
જડભરતજીને નવડાવ્યા,
લાલ કપડું પહેરવા આપ્યું છે.
ફૂલની માળા પહેરાવી છે, સુંદર પકવાનો જમવા
આપ્યા છે.
પછી ભદ્રકાળી માતાના
મંદિરે લઇ ગયા છે. જડભરતજી માતાજીને પ્રણામ કરી માથું નમાવી શાંત ચિત્તે બેઠા છે,
ખાતરી છે-કે મા મને મારશે
નહિ. જરાયે બીક મનમાં નથી.
ભીલરાજાએ ભદ્રકાળીની
પ્રાર્થના કરી તલવાર લઇ જડભરતને (નરબલિને) મારવા તૈયાર થયો છે.
સર્વમાં સમભાવ સિદ્ધ
કરનાર જડભરતને જોતાં માતાજીનું હૃદય ભરાયું છે. માતાજીથી આ સહન ન થયું.
અષ્ટભૂજા ભદ્રકાળી
માતા મૂર્તિ ફાડી બહાર નીકળ્યાં છે, ભીલરાજાનું મસ્તક –તે જ તલવારથી કાપી નાખ્યું છે.
જ્ઞાની
ભક્ત માને છે-કે મારી પાછળ હજાર હાથવાળો રક્ષણ કરનાર છે, બે હાથવાળા
શું રક્ષણ કરવાના ?
જ્ઞાની
ભક્તો માતાજી ને પણ વહાલા છે. શિવ અને શક્તિ માં ભેદ નથી.
જડભરતજી માને છે-કે
મારે પ્રારબ્ધ પૂરું કરવું છે.શરીર જ્યાં લઇ જાય ત્યાં જવું છે. ફરતાં ફરતાં –ગંડકી નદીનો કિનારો છોડી ઇક્ષુમતિ નદીના કિનારે
આવ્યા છે.
તે સમયે સિંધુ દેશનો
રાજા રહૂગણ –પાલખીમાં બેસી કપિલમુનિ
પાસે બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરવા જતો હતો.
ચાર ભોઈઓએ પાલખી ઊંચકી
છે.જલપાન કરવા રસ્તામાં મુકામ કર્યો છે. તેવામાં ચારમાંથી એક નાસી ગયો. રાજાએ કહ્યું-જે કોઈ મળે તેણે પકડી લાવો.
નદીકિનારે ભરતજી ફરતા
હતા. સેવકોએ તેમને જોયા.વિચાર્યું-કે આ તગડો માણસ કામ લાગશે. એટલે તેમને પકડી લાવ્યા.
માલિકની જેવી ઈચ્છા.
સમજી ભરતજીએ પાલખી ઉપાડી છે.
રસ્તામાં કીડી દેખાય
તો કીડીને બચાવવા ભરતજી કૂદકો મારે છે.અને એટલે પાલખીનો ઉપરનો દાંડો રાજાના માથામાં
વાગે છે.
રાજાએ સેવકોને કહ્યું-બરાબર
ચાલો.મને ત્રાસ થાય છે. સેવકોએ કહ્યું-અમે તો બરોબર ચાલીએ છીએ પણ આ નવો માણસ પાગલ જેવો
છે-બરોબર ચાલતો નથી.ફરી ફરી આમ જ થતું રહ્યું.
રાજા-ઉંધુ ઉંધુ બોલીને
જડભરતને કહેવા લાગ્યા-તું તો સાવ દુબળો છે-વળી અંગો નબળાં એટલે તારાથી સારી રીતે કેમ
ચલાય ?
જડભરત કંઈ સાંભળતા
નથી-તેમની મસ્તીમાં મસ્ત છે. રાજાને ફરી દાંડો વાગ્યો –એટલે ક્રોધે ભરાણા છે.
“અરે તું તો જીવતા મૂવા જેવો છે. તને ભાન નથી. એય
બરોબર ચાલ”
ફરી દાંડો વાગ્યો
એટલે રાજા ફરી ક્રોધે ચડી કહે છે-એય હું કશ્યપ દેશનો રાજા રહૂગણ છું.હું તને મારીશ,સજા કરીશ.
તને માર પડશે-એટલે
તારું ગાંડપણ તું ભૂલી જઈશ.
રાજાનો એક પૈસો લીધો
નથી, રાજાનું કાંઇ ખાધું
નથી, રસ્તા પર ભરતજી ફરતા હતા ત્યાંથી લઇ આવ્યા છે,
છતાં રાજા તેમને મારવા તૈયાર
થયો છે. રાજાને મારવાનો શું અધિકાર હતો ?
ભરતજીને બોલવાની ઈચ્છા
ન હતી. રાજા તો મારા શરીર જોડે વાતો કરે છે. એટલે તેની સાથે બોલવાની શી જરૂર છે?
બે જણ વાતો કરતા હોય
તેમની વચ્ચે માથું મારવાની શી જરૂર છે ? હું નહિ બોલું.
પણ ફરીથી વિચાર થયો-મારું
અપમાન કરે તે મહત્વનું નથી, પણ મેં જેને ખભા પર
ઊંચક્યો તે રાજા રહૂગણ જો નરકમાં પડશે- તો પૃથ્વી પરથી સત્સંગનો મહિમા નષ્ટ થશે. લોકો
કહેશે-મહાજ્ઞાની જડભરતે જેને ખભે ઊંચક્યો-તે નરકમાં પડ્યો.
તેની દુર્ગતિ ના થાય,
તેણે માટે મારે તેણે બોધ આપવો
જ પડશે.
સત્સંગનો
મહિમા રાખવા અને રાજા પર દયા આવવાથી-આજે જડભરતને બોલવાની ઈચ્છા થઇ છે.
રાજા
નું કલ્યાણ થાય –એટલા માટે ભરતજી જીવન માં એક જ વાર બોલ્યા છે. રહૂગણ રાજા ભાગ્યશાળી
છે.
ભરતજી
વિચારે છે-કે-રહૂગણ
કપિલમુનિના આશ્રમમાં તત્વજ્ઞાનનો ઉપદેશ લેવા જાય છે,ઉપદેશ
લેવા દીન થઈને, હું-પણું છોડીને જવાનું હોય છે, રાજા અભિમાન લઈને જશે તો ઋષિ તેને
વિદ્યા નહિ આપે. માટે આજે તેને અધિકારી બનાવું.
રાજા
તમે કહ્યું-“તું પુષ્ટ નથી
“ એ સત્ય છે.
તેમાં મારી નિંદા કે મશ્કરી નથી. જાડાપણું કે પાતળાપણું એતો શરીરના ધર્મો છે. આત્માને
તેની સાથે કોઈ સંબંધ નથી. આત્મા પુષ્ટ નથી કે દુર્બળ નથી.
રાજા
તમે કહ્યું-કે-હું જીવતે મૂવા જેવો છું. તો આખું જગત મૂવા જેવું છે. આ પાલખી અને પાલખીમાં
બેઠેલ તું પણ મૂવા જેવો છે.
વિકારવાળી
સર્વ વસ્તુઓ આદિ-અંત વળી હોય છે. જે જન્મ્યા છે તે બધા મરવાના છે. આ બધાં શરીર મુડદા
સમાન છે.
શરીર
અને આત્મા જુદા છે. શરીર ના ધર્મો જુદા છે. આત્મા નિર્લેપ છે, આત્મા દ્રષ્ટા
છે,સાક્ષી છે.
જ્ઞાની પુરુષો-ઈશ્વર સિવાય કોઈને સત્ય સમજતા નથી. સર્વ જીવો માં પરમાત્મા છે-એમાં રાજા
કોણ અને સેવક કોણ ?
વ્યવહારદૃષ્ટિ
એ આ ભેદ છે-બાકી તત્વ દૃષ્ટિ થી તું અને હું એક જ છીએ.
રાજા
તેં કહ્યું –હું તને મારીશ.
પણ શરીર ને માર પડશે તો તેની ચાલ સુધારશે નહિ. શરીર ને માર પડે તો હું સુખી-દુઃખી થતો
નથી.
આ તો
બધા શરીર ના ધર્મો છે. શરીર ને શક્તિ આપે છે મન-મનને શક્તિ આપે છે-બુદ્ધિ –અને બુદ્ધિ
ને શક્તિ આત્મા આપે છે.
શરીર
ના ધર્મો મને લાગુ પડતા નથી.
રાજા,કીડી મંકોડી
મારા પગ તળે ના ચક્દાય તે તે રીતે હું ચાલુ છું. મને પાપ ના લાગે એટલે જીવ ને બચાવવા
હું કૂદકો મારું છું.
મારે
નવું પાપ કરવું નથી, જે પાપ લઈને
આવ્યો તે મારે ભોગવીને પૂરું કરવું છે. કીડી માં પણ ઈશ્વર છે,એમ માની ને
શ્રીકૃષ્ણનું ચિંતન કરતા ચાલુ છું. તેથી મારી ચાલ એવી છે અને એવી જ રહેશે-તારે જે કરવું
હોય તે તું કરી શકે છે.
જડભરતના આવાં વિદ્વતાભર્યાં વચન સાંભળી રાજા ને આશ્ચર્ય થયું.
તેને થયું-ના,ના આ પાગલ નથી
પણ કોઈ પરમહંસ લાગે છે,
આવા
સંતના જોડે મેં પાલખી ઉપડાવી છે- મારી દુર્ગતિ થશે. રાજા ગભરાયો અને ચાલતી પાલખીમાંથી
નીચે કુદી પડ્યો.
રાજા
ભરતજીને વંદન કરે છે. પૂછે છે કે –આપ કોણ છો ?શુકદેવજી
છો?દત્તાત્રય છો ?
ભરતજીની
નિર્વિકાર અવસ્થા છે-રાજાએ અપમાન કર્યું હતું ત્યારે-અને રાજા માન આપે છે ત્યારે –ભરતજીને
એક જ સમસ્થિતિ.
માન-અપમાનમાં
જેનું મન સમ રહે છે છે તે સંત છે--મનને સમ રાખવું કઠણ છે- ખાલી વેશથી
સંત થવું કઠણ નથી.
રહૂગણે
ક્ષમા માગી છે-“તમારા જેવા સંત નું અપમાન કરનારનું
કલ્યાણ થાય નહિ-માટે ક્ષમા કરો.”
તે
પછી રાજા રહૂગણ પૂછે છે-
આ વ્યવહાર ને મિથ્યા (અસત્ય) કેમ કહી શકાય ?
જો કોઈ પણ વસ્તુ
અસત્ય હોય –મિથ્યા હોય તો-
કોઈ પણ ક્રિયા (કર્મ)
થઇ શકે જ નહિ. જેમ કે જો ઘડો (મિથ્યા) અસત્ય હોય-તો તે ઘડાથી જળ લાવી શકાય નહિ.
હકીકત માં ઘડો હોય
તો જ જળ લાવી શકાય. આંખે દેખાતી વ્યવહાર ની ક્રિયા ઓ માં બધું હકીકત થી ભરેલું છે-તે
મિથ્યા કેવી રીતે?
આપે કહ્યું-કે શરીરને દુઃખ થાય છે-આત્માને
થતું નથી. પરંતુ હું માનુ છું-કે શરીરને કષ્ટ થાય તો તે આત્માને થાય છે. કારણ
શરીરનો સંબંધ ઇન્દ્રિયો સાથે છે-ઇન્દ્રિયોનો
મન સાથે-મનનો બુદ્ધિ સાથે-અને બુદ્ધિનો આત્મા સાથે છે.
એટલે શરીરને જે દુઃખ થાય તે આત્માને થવું
જ જોઈએ ને ?
ચુલા પર તપેલી હોય-તપેલીમાં દૂધ હોય-દૂધમાં
ચોખા હોય-તો અગ્નિના સંબંધને કારણે ચોખા પાકી જાય છે-
તેમ શરીરને જે દુઃખ થાય તે આત્માને થવું
જ જોઈએ ને ?
જડભરતજી એ કહ્યું-આ કથન તદ્દન ખોટું જ છે. આત્મા નિર્લેપ છે.
દૂધમાં ચોખા નાખ્યા એટલે પાક્યા પણ પથ્થર નાખ્યા હોય તો ? તે પથ્થર પાકતા
નથી-કારણ તે નિર્લેપ છે.
સંસાર
એ કેવળ મનની કલ્પના માત્ર છે. મન જ સંસાર ઉભો કરે છે.
સ્વપ્ન
નું જગત જેમ મન ઉભું કરે છે-તેમ –જાગૃત અવસ્થા નું જગત પણ મન ઉત્પન્ન કરે છે.
રાજા, મન બગડે એટલે જીવન બગડે છે-મન સુધરે તો આત્મા
ને મુક્તિ મળે છે.
પોતાના
છોકરાનું મા ને વજન નથી લાગતું, કારણ કે મનની મમતા છે, પોતાનો
છોકરો મા ને હલકો ફૂલ જેવો લાગે-પછી
ભલે
ને છોકરો અઢી મણનો હોય. બીજાનો છોકરો ભલે હલકો ફૂલ હોય તો પણ તે જ મા ને તે પહાડ જેવો
ભારે લાગે છે.
કારણ
મન કહે છે-કે એ પારકો છે. મન માને તો વજન , નહી તો કાંઇ વજન નથી.
જડભરતજી
કહે છે-રાજા આ બધા મનના ધર્મો છે, મનના ખેલો છે. આના જ કારણે મારે ગયા
જન્મ માં હરણ થવું પડેલું.
હવે
હું સાવધ થઇ ને ફરું છું.
રાજા
તું તો ખાલી કશ્યપ દેશ નો રાજા છે-હું તો ભરતખંડ નો રાજા હતો,છતાં મારી આ દશા મન ને કારણે જ થઇ.
મન
જ જીવને સંસાર-બંધનના કારણ રૂપ છે. અને તે જ મન મોક્ષના કારણરૂપ છે.
મનુષ્યનું મન જો
વિષયો માં આસક્ત થાય તો-સંસારમાં દુઃખ આપનાર થાય છે, અને તે જ મન જો વિષયમાં
આસક્ત ના થાય અને
ઈશ્વરના ભજનમાં લીન
થાય તો-તે મોક્ષ આપનાર થાય છે.
વિષયોનું ચિંતન કરતા
મન તેમાં ફસાય છે, મનની લુચ્ચાઈ ઘણી છે-માટે મનને પરમાત્મામાં
સ્થિર કરો.
જડભરતજી
કહે છે-રાજા –તું મને પૂછે
છે કે-હું કોણ છું ? પણ તું તારી
જાતને પુછ “હું કોણ છું?”
તું
શુદ્ધ આત્મા છે-જાગ્રત,સુષુપ્તિ અને
સ્વપ્ન –એ ત્રણે અવસ્થાનો
સાક્ષી આત્મા છે.
જ્ઞાનીઓ
જગતને સત્ય માનતા નથી-પણ સંસારને –કલ્પિત –માને છે.
જગત
સ્વપ્ન જેવું છે, તેમ છતાં –જેમ ખોટું સ્વપ્નું
જીવને રડાવે છે-તેમ ખોટું જગત પણ જીવને રડાવે છે.
દાખલા તરીકે-એક મનુષ્ય
સૂતેલો હોય અને સ્વપ્નમાં વાઘ તેના પર હુમલો કરે અને તે રડવા માંડે પણ જો તરત જ જાગી
જાય તો તેણે સમજાય છે –કે ડરવાની જરૂર નહોતી.
આ સ્વપ્નું ખોટું
છે-તે સમજાય ક્યારે ? જયારે જાગી જઈએ ત્યારે.
સર્વ વિષયો માંથી
જેનું મન ઉઠી ગયું છે-તે જાગેલો છે.
રાજા,સત્સંગ વગર
જ્ઞાન મળતું નથી, સ્વ-રૂપ નું
(આત્મા) નું પરિપૂર્ણ જ્ઞાન એ એક જ સત્ય છે. એક બ્રહ્મ (પરમાત્મા) જ સત્ય છે.
આ બ્રહ્મ
સત્યસ્વરૂપ,ભેદથી રહિત
પરિપૂર્ણ, આત્મસ્વરૂપ
છે.
પંડિતો
તેને-ભગવાન વાસુદેવ શ્રીકૃષ્ણ –જેવા નામથી ઓળખે છે- બાકી જગત મિથ્યા છે.
જડભરતજીએ –રાજા રહૂગણને તત્વજ્ઞાનનો ઉપદેશ કર્યો.
અને પછી ભવાટવી નું વર્ણન કર્યું.
જ્ઞાન અને ભક્તિ
ને દૃઢ કરવા વૈરાગ્ય ની જરૂર છે. વૈરાગ્ય નો ઉપદેશ આપવા ભવાટવી નું વર્ણન કર્યું છે.
એક
એક ઈન્દ્રીય આત્માનું વિવેકરૂપી ધન લુટે છે, છ ગઠિયાઓ સમજાવે છે-કે સંસાર બહુ
મીઠો છે.
ભવાટવીના
રસ્તે તેને હંસોનું ટોળું મળે છે.(હંસોનું ટોળું એ પરમહંસોનું ટોળું છે)
પણ
હંસોના ટોળામાં તેણે ગમતું નથી. હંસોના ટોળા ને છોડી તે વાનરના ટોળામાં આવે છે. તે
ટોળામાં તેને ગમે છે.
વાનરો
જેવું સ્વેચ્છાચારી જીવન તેને ગમે છે.
સંસારનું
સુખ તુચ્છ છે-એવી જેને ખાતરી થઇ ગઈ છે-એવા કોઈ સદગુરુ મળે તો ભવાટવી માંથી
બહાર કાઢે.
ટૂંક
માં-આ સંસારમાર્ગ દારુણ,દુર્ગમ અને ભયંકર છે. તેના વિષયોમાં
–મન ને આસક્ત કર્યા વગર શ્રી હરિ ની
સેવાથી તીક્ષ્ણ બનેલી-
જ્ઞાનરૂપ
તલવાર લઇ –આ સંસારમાર્ગ ને પાર કરવાનો છે.
ભરતજીએ પહેલાં શિક્ષા
અને પછી દીક્ષા આપેલી છે.
પ્રભુનું ધ્યાન કરતાં
–જડભરતજી શરીરનો ત્યાગ કરે છે-તેમને મુક્તિ મળી છે.
તે પછી ભરતવંશી રાજાઓનું
વર્ણન આવે છે-અને ત્યાર બાદ ભારતવર્ષના ઉપાસ્ય દેવો-અને ઉપાસ્ય ભક્તોનું વર્ણન છે.
માનવ
શરીરની નિંદા ભાગવતમાં ઠેર ઠેર છે-પણ
માનવ
શરીરની સ્તુતિ એકલા પાંચમા સ્કંધમાં જ છે.-અને તે પણ દેવો એ કરેલી છે.
માનવ
શરીર મુકુન્દની સેવા કરવા માટે છે,માનવ ધારે તો –નરમાંથી નારાયણ થઇ શકે છે.
દેવો
ભારતવર્ષમાં જન્મેલા મનુષ્યોનો આ પ્રમાણે મહિમા ગાય છે-
“અહો-ભારતવર્ષના મનુષ્યો એ શું પુણ્ય
કર્યા હશે? (અથવા શ્રી હરિ તેઓના પર શું પ્રસન્ન
થયા હશે)
કે-ભારતવર્ષમાં
ભગવાનની સેવાને યોગ્ય જન્મ પ્રાપ્ત કરી, તે ભગવાનની સેવા કરી શકે છે.
આ મનુષ્ય
જન્મ શ્રીહરિ ની સેવા માટે ઉપયોગી હોઈ ,અમે પણ તેની (મનુષ્ય શરીરની) ઝંખના
કરીએ છીએ.
એ સૌભાગ્ય
માટે તો અમે પણ હંમેશ ઈચ્છાવાળા રહીએ છીએ.” (ભાગવત-૫-૧૯-૨૧)
તે પછી ભૂગોળનું વર્ણન
છે-પૃથ્વીના સાત ખંડોનું વર્ણન છે. સપ્તદ્વીપ અને સાત સમુદ્રનું વર્ણન કર્યું છે.
ભરતખંડના
માલિકદેવ નરનારાયણ છે. ભરતખંડ કર્મભૂમિ છે-યોગભૂમિ છે. બીજા ખંડો ભોગ ભૂમિ છે.
ભરતખંડમાં દેવોને
પણ જન્મ લેવાની ઈચ્છા થાય છે.
ગ્રહોની સ્થિતિ –ગતિનું વર્ણન કર્યું છે. સપ્ત પાતાળનું પણ વર્ણન
છે. સહુથી નીચે શેષનારાયણ છે.
નરકલોકનું વર્ણન છે.
જેટલાં પાપ એટલાં નરક છે.
કયા પાપથી કયા નરકલોકમાં
જીવ પડે છે-તેનું પણ વિગતવાર વર્ણન છે.
આ પ્રમાણે સેંકડો
અને હજારો નરકોનું વર્ણન કરી પાંચમો સ્કંધ પુરો કર્યો છે.
પાંચમો સ્કંધ સમાપ્ત.
અનુસંધાન –છઠ્ઠા
–સ્કંધ માં-
|| હરી ॐ તત સત ||
No comments:
Post a Comment