શ્રીમદ્ભાગવત સ્કંધ – 7 (Page 53)

શ્રીમદ્ભાગવત સ્કંધ – 7 (Page 53)



એક વખત મહારાષ્ટ્રમાં સંતોની મંડળી એકઠી થયેલી.
મુક્તાબાઈએ ગોરા કુંભારને ભક્તમંડળીના ભક્તોની (સંતોની) પરીક્ષા કરવાનું કહ્યું.આમાં પાકા કોણ અને કાચા કોણ છે?”
ગોરા કુંભાર ઉભા થયા અને બધાના માથા પર ટપલી મારી પરીક્ષા કરે છે.(માટલાને જેમ ટપલી મારી તપાસાય છે તેમ)

ભક્તોમાં એક નામદેવ પણ હતા.તેમણે અભિમાન થયેલું-કે ભગવાન મારી સાથે વાતો કરે છે-હું ભગવાનનો લાડીલો છું.
ફરતા ફરતા ગોરા કુંભાર નામદેવ પાસે આવ્યા અને માથા પર ટપલી મારી. નામદેવ કંઈ બોલ્યા નહિ. પણ મોં સહેજ બગડ્યું.
આ રીતે કુંભારના હાંડલા પારખવાની રીતે મારી પરીક્ષા થાય ?” બીજા કોઈ ભક્તોએ મોઢું બગાડેલું નહિ.

ગોરા કુંભારે નિર્ણય જાહેર કર્યો-કે-એક નામદેવનું હાંડલું કાચું છે. બાકી બધાના હાંડલા પાકા છે.

બુદ્ધિમાં જ્યાં સુધી અભિમાન છે-(કામ છે-કપટ છે) ત્યાં સુધી બુદ્ધિ કાચી છે. અભિમાન દૂર ત્યારે થાય કે જયારે બુદ્ધિ કોઈને શરણે જાય. અભિમાન હોય ત્યારે કોઈનું શરણ સ્વીકારવાનું બુદ્ધિ ના પડે છે.(ભક્તિમાં અભિમાન આવે ત્યારે ગુરુનું શરણ સ્વીકારવાનું એટલા માટે જ કહ્યું છે.શરણે જવાથી હું નો વિનાશ થાય છે.જ્ઞાન મળે છે-સર્વમાં સર્વેશ્વરના દર્શન થાય છે.)

નામદેવજી તે પછી વિઠ્ઠલદાસજી પાસે આવ્યા.અને સર્વ હકીકત કહી.
વિઠ્ઠલદાસજી કહે-મુક્તાબાઈ અને ગોરા કુંભાર જો કહેતા હોય-કે તારું હાંડલું કાચું-તો તું જરૂર કાચો. નામદેવ તને વ્યાપક બ્રહ્મના સ્વરૂપનો અનુભવ થયો નથી.તેં હજુ સદગુરુ કર્યા નથી. તે માટે મંગળવેઢામાં મારા એક ભક્ત વિસોબા ખેચર રહે છે- તેમની પાસે જા.તે તને જ્ઞાન આપશે.

તે પાછી નામદેવ વિસોબા ખેચર ને ત્યાં જાય છે.તપાસ કરતા જાણવા મળ્યું કે-વિસોબા મંદિરમાં છે.
ત્યાં જઈ ને જોયું તો વિસોબા શિવલિંગ પર પગ મુકીને સુતેલા હતા.
વિસોબાને જાણ થઇ ગયેલી કે નામદેવ આવે છે-તેથી તેણે શિક્ષણ આપવા પગ શંકરના લિંગ ઉપર રાખીને સૂતા છે.

નામદેવે આ દ્રશ્ય જોયું. નામદેવને થયું આવો પુરુષ જે ભગવાનની પણ આમન્યા રાખતાં નથી-તે મને શું શિક્ષણ આપવાનો હતો ?
(ફરીથી અહીં તેમનું અભિમાન ઉછળી આવ્યું છે) નામદેવે તેમને શિવલિંગ પરથી પગ લઇ લેવા કહ્યું.

વિસોબા કહે છે-કે-તું જ મારા પગ શિવલિંગ પરથી ઉઠાવીને કોઈ એવી જગ્યાએ મુક-કે જ્યાં શિવલિંગ ન હોય.

નામદેવ વિસોબાના પગ ઉઠાવીને -જ્યાં પણ તે પગ મુકવા જાય ત્યાં શિવલિંગ પ્રગટે છે-આખું મંદિર શિવલિંગથી ભરાઈ ગયું.
નામદેવને આશ્ચર્ય થયું. આ શું ? એટલે વિસોબાએ નામદેવને કહ્યું-કે ગોરાકુંભારે કહેલું કે-તારી હાંડલી હજુ કાચી છે-તે સાચું છે.
તને હજુ સર્વ જગ્યાએ ઈશ્વર દેખાતા નથી. વિશ્વમાં સર્વ જગ્યાએ સૂક્ષ્મ રીતે વિઠોબા રહેલા છે.

નામદેવ ને ગુરુ મળ્યા.ભક્તિ ને જ્ઞાનનો સાથ મળ્યો. અભિમાન ઉતર્યું અને નામદેવને સર્વ જગ્યાએ વિઠ્ઠલ દેખાવા માંડ્યા.

નામદેવ ત્યાંથી પાછા ફરતા હતા.રસ્તામાં જમવાની તૈયારી કરી.એક ઝાડ નીચે બેઠા.અને રોટલો કાઢ્યો. ત્યાંજ રસ્તા પરથી એક કૂતરો આવ્યો-અને રોટલો લઇને નાસવા લાગ્યો.

આજે નામદેવને કૂતરામાં પણ વિઠોબાના દર્શન થાય છે.રોટલો કોરો હતો-હજુ ઘી લગાવવાનું બાકી હતું.
નામદેવ ઘી ની વાડકી લઇ કૂતરા પાછળ દોડ્યા....વિઠ્ઠલ ઉભો રહે...વિઠ્ઠલ ઉભો રહે..રોટલો કોરો છે ..ઘી ચોપડી આપું......

વ્યાપક બ્રહ્મનો અનુભવ ન થાય ત્યાં સુધી-ઉપાસના પૂરી થતી નથી.(હાંડલું કાચું છે).
સગુણની સેવા કરવાની છે-અને નિર્ગુણનો અનુભવ કરવાનો છે.

જરા વિચાર કરો.....સ્તંભ પોલો તો નહોતો.તો પાછી નૃસિંહ સ્વામી અંદર કેવી રીતે બેઠા હશે ?

પરમાત્મા સૂક્ષ્મરૂપે થાંભલામાં હતા. પણ પ્રહલાદની ભક્તિથી-પ્રેમથી તે સૂક્ષ્મમાંથી સ્થૂળ થયા છે.
બુદ્ધિ સૂક્ષ્મ ન થાય ત્યાં સુધી તે બુદ્ધિ ઈશ્વરનું ચિંતન કરી શકતી નથી.ઈશ્વરને જાણી શકતી નથી.

પરમાત્મા સગુણ અને નિર્ગુણ-સ્થૂળ અને સૂક્ષ્મ-કોમળ અને કઠણ - બન્ને છે.પણ તત્વ દૃષ્ટિથી બન્ને એક જ છે. ભલે જુદા દેખાય.
ઈશ્વરમાં આ બધા ધર્મો માયાથી ભાસે છે-એમ વેદાંતીઓ કહે છે. વૈષ્ણવો કહે છે-વિરુદ્ધ ધર્માંશ્રય પરમાત્મા છે.
હિરણ્યકશિપુ માટે કઠોર-કઠણ અને પ્રહલાદ માટે કોમળ.
જ્ઞાની પુરુષો સર્વમાં ભગવદદૃષ્ટિ રાખે છે.
દૃશ્ય (સંસાર) માંથી દૃષ્ટિ હટાવી,અને સર્વને જોનાર (દ્રષ્ટા-સાક્ષી) પરમાત્માના સ્વરૂપમાં દૃષ્ટિ સ્થિર કરે છે.

જ્ઞાની કહે છે-કે-જે દેખાય છે (દૃશ્ય-સંસાર) તેની સાથે પ્રેમ કરીશ નહિ, પણ દ્રષ્ટા પરમાત્મા માં જ પ્રેમ કર.
ઈશ્વર એ દ્રષ્ટા છે-તે દૃશ્ય નથી. ઈશ્વરમાં દ્રશ્યત્વનો આરોપ માયાથી થાય છે.
જે સર્વનો દ્રષ્ટા-સાક્ષી છે-તેને જાણવો સહેલો તો નથી જ. જેને પૂર્ણ વૈરાગ્ય નથી તેને આ જ્ઞાન નો અનુભવ થવો અઘરો છે.

માટે આપણા જેવા માટે ભક્તિ માર્ગ સારો છે. જે બધું દેખાય છે-તે સર્વ ઈશ્વરમય છે.
વૈષ્ણવો (ભક્તો) માને છે-કે-સર્વ પદાર્થ માં ઈશ્વર છે-એમ સમજી વ્યવહાર કરવાનો છે.

જ્યાં સુધી ઈશ્વરના કોઈ એક સ્વરૂપમાં આશક્તિ ન થાય ત્યાં સુધી ભક્તિ થતી નથી.
બન્ને માર્ગ (જ્ઞાનમાર્ગ અને ભક્તિમાર્ગ ) સાચા છે-અને આગળ જઈ મળી જાય છે.
પણ શરૂઆતમાં કોઈ એક માર્ગ નક્કી કરી કોઈ પણ એક સાધન કરવું જરૂરી છે.

હવે પ્રહલાદ- સ્તુતિનો પ્રસંગ આવે છે. ભાગવતમાં વારંવાર સ્તુતિ પ્રકરણ આવે છે.
ભગવાનના વારંવાર વખાણ કરો તો ભગવાન પ્રસન્ન થાય છે.

પ્રહલાદજી પરમાત્માની સ્તુતિ કરે છે-મોટા મોટા સિદ્ધ મહાત્માઓ અનેક વર્ષો સુધી તપશ્ચર્યા કરે છે-તેમ છતાં તેઓને આપનાં દર્શન થતાં નથી. હે નાથ, આજે મારા પર કૃપા કરી છે-અને મને-રાક્ષસ કુળમાં જન્મેલાને આપનાં દર્શન થયા છે.

ભગવાનને પ્રસન્ન કરવા બહુ ભણવાની  (જ્ઞાન) કે બહુ કમાવાની (પૈસાની) જરૂર નથી.
જો પૈસાથી પરમાત્મા મળતાં હોય તો પૈસાદાર લોકો લાખ બે લાખ આપી ભગવાનને ખરીદી લે.
જેનામાં બહુ જ્ઞાન હોય તો તે બીજાને છેતરતાં કે કપટ કરતાં બીતો નથી.

પરમાત્માને મેળવવા બહુ ઉચ્ચ કુળમાં જન્મ થવો જોઈએ એ પણ જરૂરી નથી.
પરમાત્માને પ્રસન્ન કરવા માટે શુદ્ધ પ્રેમની જરૂર છે. ખુબ કમાઓ અને ભગવદસેવામાં વાપરો તે ઉત્તમ છે-પણ એક આસને બેસી પરમાત્માનું ધ્યાન કરો તે અતિ ઉત્તમ છે.

અનેક વાર ખુબ સંપત્તિ અને ખુબ જ્ઞાન ભગવદભજનમાં વિઘ્ન કરે છે. 
જેણે બહુ જ્ઞાન થાય તે તર્ક-કુતર્ક માં પડે છે-અને સેવા-સ્મરણ બરોબર કરી શકતો નથી.
જે બહુ જ્ઞાની થાય છે-તે આરંભમાં કુતર્કો કરે છે.પણ આરંભમાં સેવા-સ્મરણ કર્યા વગર ચાલતું નથી. આગળ વધી શકાતું નથી.

આપણા ઋષિમુનિઓ ઝાડ નીચે રહેતા-કંદમૂળ ખાતા હતા. (દાળ-ભાત નહિ) તેમને ખોટું બોલવાની જરૂર નહોતી.
આજકાલ મનુષ્યની બુદ્ધિ બગડેલી છે-તેથી શાસ્ત્રનાં વચન સમજી શકતો નથી. ઋષિઓએ લખ્યું છે તે બરાબર છે.
પુસ્તકો વાંચી જ્ઞાની થઇ ગયેલાઓ વાતો બહુ કરે-ચર્ચા બહુ કરે- પણ ના ભક્તિ કરે-કે ના સાધન કરે તો અનુભવ ક્યાંથી થાય ?

બહુ ભણેલા-જ્ઞાની લોકો એક શબ્દના અનેક અર્થ કરે છે. વધુ પડતા તર્ક કરે છે. કહે છે-કે-
પહેલાં તમારા લાલાજી કાંઇક ચમત્કાર કરે પાછી હું તેમની પૂજા કરું.

જાદુગરને પૈસાની જરૂર છે-એટલે ચમત્કાર બતાવે છે-કોઈ મહાત્મા કદીક જો બુદ્ધિ પુર્વક ચમત્કાર બતાવે તો તે પણ પૈસાના પુજારી હશે. ઈશ્વરને કોઈની કે -કશાની જરૂર નથી. તો પછી તે શું કામ ચમત્કાર બતાવે ?
જેમને જરૂર છે-તે ખુબ શ્રદ્ધાથી ઈશ્વરના સેવા સ્મરણ કરે તો પછી જીવનમાં કેવું પરિવર્તન થાય છે-તે જુઓ- તે અનુભવ-એ સહુથી મોટો ચમત્કાર છે.

Ø વ્યવહારનો કાયદો છે-કે પહેલાં ચમત્કાર પછી નમસ્કાર. પણ ઈશ્વરને ત્યાં પહેલાં નમસ્કાર પછી ચમત્કાર.
Ø ચમત્કાર વિના જ નમસ્કાર એ વિનય છે-માનવતા છે. ચમત્કાર પછી નમસ્કાર એ અભિમાન છે .(જ્ઞાનનું)

જરા વિચાર કરો-આ જગત એ જ મોટો ચમત્કાર છે.
ફૂલમાં સુગંધ કેવી રીતે રાખી હશે ?એક નાનાં બીજ માંથી એક મોટો વડ કોણ બનાવે છે ? બાળક માટે માતાના સ્તનમાં દૂધ કોણ તૈયાર કરે છે? (ક્યાંય બહાર લેવા જવાની જરૂર નહિ,ગરમ કરવાની જરૂર નહિ,કે ખાંડ નાખવાની જરૂર નહિ!!!)
મોરના ઈંડામાં અને પતંગિયામાં આટઆટલા રંગ કોણ પૂરે છે ?
દરિયા કિનારે ખારા પાણી આગળ ઉભેલી નારિયેળીના નારિયેલમાં મીઠું પાણી કેવી રીતે અને કોણ ભરે છે ?
આ આખું જગત પરમાત્માના અનેક ચમત્કારોથી ભરપુર છે.
છતાં ભણેલા માણસો (પોતાને બુદ્ધિશાળીમાં ગણાવતા મનુષ્યો) ચમત્કારની આશા રાખી બેઠા હોય છે.

બહુ ભણેલો ના હોય- હોય તો તે ચમત્કાર વગર પણ નમસ્કાર કરે છે. અભણ મનુષ્ય શ્રદ્ધા રાખે છે.બહુ ભણેલાને શ્રદ્ધા થતી નથી.

વ્યવહારમાં પણ શ્રદ્ધા રાખવી પડે છે.
ડોક્ટરોના બધા કેસ સારા થતાં જ હોય છે તેવું હોતું નથી, તેમ છતાં તે સારું કરશે જ એવી શ્રદ્ધા રાખવી પડે છે.
ડોક્ટરને જઈ કોઈ કહે કે પહેલાં ચમત્કાર બતાવો તો તે બતાવી શકે નહિ.
ડોક્ટરમાં વિશ્વાસ ન રાખો તે દવા આપે નહિ અને દવા પેટમાં ન જાય ત્યાં સુધી રોગ જતો નથી.

આવી જ રીતે સેવા માર્ગમાં પરમાર્થમાં-શ્રદ્ધા રાખવી પડે છે.
બહુ ભણેલાના મનમાં કુતર્કો થાય છે કે ભગવાન ક્યાં આરોગે છે? જો આરોગતા હોય તો-પ્રસાદ ઓછો કેમ થતો નથી ?
                               
પરમાત્મા રસ-સ્વરૂપ છે-રસ-ભોક્તા છે. ભગવાનને ભોગ ધરાવો તે તેમાંથી રસ-સાર ખેંચી લે છે-રસરૂપે આરોગે છે.
એટલે ભોગ સામગ્રી ઓછી થતી નથી. પ્રસાદ ઓછો થતો નથી.

એક ગુલાબના ફૂલનું વજન કરો. પછી તેણે પચાસ વાર સુંઘો અને ફરી તેનું વજન કરો. તેનું વજન ઓછું થતું નથી.
તેથી એમ કેમ કહેવાય કે સુવાસ લીધી નથી ?

જ્યાં સાધારણ પ્રેમ છે-ત્યાં પરમાત્મા પરોક્ષ રીતે રસરૂપે સુગંધ રૂપે આરોગે છે.
પણ જ્યાં અતિશય પ્રેમ હોય ત્યાં પરમાત્મા પ્રત્યક્ષ આરોગે છે. મીરાંબાઈ ભોગ ધરતા તે પરમાત્મા પ્રત્યક્ષ આરોગતા.
આપણા જેવા સાધારણ માનવીઓ જે ભોગ ધરે તેમાંથી પરમાત્મા રસ ખેંચી લે છે-સુગંધ ખેંચી લે છે.
(અત્યારના જમાનામાં તો જો ભગવાન ખરેખર આરોગવા લાગે તો કોઈ ભોગ ધરાવે કે કેમ તેમાં શંકા છે.!!!)

અભણને શ્રદ્ધા હોય છે-પણ બહુ ભણેલાઓને શ્રદ્ધા થતી નથી. તે બહુ તર્ક ઉભા કરે છે.
પણ ભક્તિના આરંભમાં શ્રદ્ધા રાખવી જ પડે છે.શ્રદ્ધા વગર ભક્તિ થતી નથી. ભક્તિ વધે પછી અનુભવ થાય છે.
અને આ અનુભવ એ જ મોટોમાં મોટો ચમત્કાર છે. પ્રેમથી નમસ્કાર થાય તો ચમત્કાર જોવા મળે છે.

ગજેન્દ્ર (ગજરાજ-હાથી) પશુ હતો.પ્રેમથી પોકારવાથી-ભક્તિથી તેણે ભગવાન મળ્યા હતા.તે ક્યાં તપશ્ચર્યા કરવા-કે અષ્ટાંગયોગની સાધના કરવા ગયો હતો ?
ધ્રુવની ઉંમર કેટલી હતી ? ગજેન્દ્રમાં કઈ વિદ્યા હતી ? વિદુરની કઈ જાતિ હતી ?
ઉગ્રસેનમાં કયું પૌરુષ હતું ? કુબ્જા પાસે કયું રૂપ હતું ? સુદામા પાસે કયું ધન હતું ?
છતાં આ બધા ભગવાનને મેળવી શકયા છે. ભક્તિપ્રિય માધવ કેવળ ગુણોથી નહિ-પણ ભક્તિથી પ્રસન્ન થાય છે.

સર્વ સાધનનું ફળ છે-પ્રભુ પ્રેમ. જે સાધન કરતા પ્રભુપ્રેમ ન જાગે-તો તે સાધનની કંઈ કિંમત નથી.

એવું નથી કે બ્રાહ્મણના ઘેર જન્મ મળે તો જ ભગવાન મળે. ગમે તે જાતિનો માણસ ભક્તિ કરી શકે છે.
જે ભક્તિ કરે છે-તે ભગવાનને વહાલો લાગે છે. પ્રભુ મિલન માટે જેને આતુરતા નથી-તેવા બ્રાહ્મણ કરતાં પણ જેને પ્રભુમિલનની તીવ્ર આતુરતા છે-તેવો કોઈ પણ જાતિનો મનુષ્ય બ્રાહ્મણ કરતા પણ શ્રેષ્ઠ છે.

પ્રહલાદજી કહે છે-કે- બે સાધનોથી ભગવાન અવશ્ય મળે છે. ભગવાનની સેવા અને સ્મરણ. બીજા કશાની જરૂર નથી.

શ્રી વલ્લભાચાર્યજીના ૮૪ વૈષ્ણવની વાર્તામાં પદ્મનાભદાસજીની કથા આવે છે.
તેઓ ભાગવતની કથા કરતા. તેમાંથી જે ઉપાર્જન થતું-તેમથી ઉદરનિર્વાહ કરતા. એક વખત તેઓ વલ્લભાચાર્યજીની ભાગવત કથા સાંભળવા આવ્યા. વલ્લભાચાર્યજીના મુખેથી તેમણે સાંભળ્યું કે-ભાગવતની કથામાંથી દ્રવ્ય-ઉપાર્જન ન થાય.
શ્રીમદ ભાગવત આત્મ કલ્યાણ અર્પે છે.તેને શાસ્ત્રીઓએ ઉદરપોષણનું સાધન બનાવી દીધું છે.

આ સાંભળી પદ્મનાભદાસજી એ ભાગવત કથામાં દ્રવ્ય લેવાનું છોડી દીધું છે. આર્થિક સ્થિતિ કફોડી બની છે. છતાં પણ તે પ્રેમથી ભાગવત કથા કરે છે.

એક દિવસની વાત છે. તેમની પુત્રી-તુલસીએ કહ્યું-પિતાજી, આજે ઘરમાં ચણાની દાળ સિવાય બીજું કશું ઘરમાં નથી.
પદ્મનાભદાસજી કહે છે-બેટા જે હોય તે લાવ. મારા ભગવાન તો ભાવના ભૂખ્યા છે.ચણાની દાળ વાટી તેમાં થોડું મીઠું નાખ્યું-ને ચાર પડિયા ભર્યા છે. ભગવાનને ભોગ ધરાવ્યો છે.
કહે છે-પ્રભુ-આજે ઘરમાં દાળ સિવાય કશું નથી-પણ મેં આ તમને મોહનથાળ.શીખંડ,પૂરી, શાક ધરાવ્યા છે.
અને ચણાની દાળમાંથી સાચે જ એવી સુગંધ આવવા માંડી. પ્રભુએ બાફેલી ચણાની દાળ છપ્પન ભોગની જેમ આરોગી.

ભગવાન એ જોતાં નથી કે-મને શું આપે છે ?ફક્ત એટલું જ જુએ છે-કે-કેવા ભાવથી આપે છે.
સેવા સ્મરણ થી ભગવાન સેવક ને આધીન બને છે.

એકનાથ મહારાજ આખો દિવસ પ્રભુ સેવા પ્રભુ ભજન કરતા. સેવાના અવિરત શ્રમથી તેઓ થાકી જતા.
આવી ઉદાત્ ભક્તિ જોઈને ઈશ્વરને પણ તેમની પર દયા આવી. મારો ભક્ત મારા માટે કેટલો શ્રમ ઉઠાવે છે ? ચાલ હું જઈ તેને તેના કાર્યમાં મદદ કરું.
ભગવાન બ્રાહ્મણનું રૂપ ધરી એકનાથને ત્યાં આવ્યા છે. આવીને કહે છે-ભાઈ, મને તમારે ત્યાં નોકર રાખો
એકનાથ કહે છે-મારે ત્યાં ક્યાં નોકરની જરૂર છે ? હું તો આખો દિવસ પ્રભુનું સેવા સ્મરણ કરું છું.
ભગવાન કહે છે-કે-હું તમને ઠાકોરજીની સેવા પૂજામાં મદદ કરીશ.
એકનાથ કહે છે-તારી ઈચ્છા હોય તો ભલે મારે ત્યાં રહેજે. ભાઈ તારું નામ શું ? ભગવાન કહે મારું નામ-શિખંડ્યો

ભગવાન- બાર વર્ષ એકનાથને ત્યાં નોકર બનીને રહ્યા છે.
જેને ચંદન લગાડવાનું છે-એ પોતે જ ચંદન ઘસે છે. તુલસીદાસ ચંદન ઘસે-તિલક લેત રઘુવીર ને બદલે-આજે-
રઘુવીર ચંદન ઘસે-તિલક લેત રઘુવીર આવો છે ભક્તિનો મહિમા.........

શ્રીધરસ્વામીએ હરિવિજયમાં એક પ્રસંગનું વર્ણન કર્યું છે.
સત્યભામાને એક દિવસ અભિમાન થયું કે પતિ શ્રીકૃષ્ણની સહુથી માનીતી તો હું જ.
એક દિવસ નારદજી આવી ચડ્યા-સત્યભામા નારદજીને કહે છે-મને આવા પતિ જન્મોજન્મ મળે તેવો ઉપાય બતાવો.
નારદજીએ કહ્યું-જે વસ્તુનું તમે આ જન્મમાં દાન કરો તે આવતા જન્મમાં તમને મળે. કૃષ્ણ આવતા જન્મમાં જોઈતા હોય તો- શ્રી કૃષ્ણનું દાન તમે કરો.
સત્ય ભામા દાન આપવા તૈયાર થયા પણ આવું દાન લે કોણ ? અંતે નારદજી દાન લેવા તૈયાર થયા.
સંકલ્પ કરી સત્યભામાએ શ્રીકૃષ્ણનું દાન નારદજીને કર્યું.
શ્રીકૃષ્ણ દાનમાં મળ્યા એટલે નારદજી શ્રીકૃષ્ણને લઇ ચાલવા માંડ્યા.
સત્યભામા કહે છે-મારા પતિને ક્યાં લઇ જાઓ છો?
નારદજી કહે-તમે દાન આપ્યું-એટલે શ્રીકૃષ્ણ મારા થયા, તેમના પર મારો હક્ક થયો.
સત્યભામાને પોતાની ભૂલ સમજાઈ. તે શ્રીકૃષ્ણ ને પાછા આપવા વિનવે છે-પણ નારદજી ના પાડે છે.
છેવટે નારદજી કહે છે-જો તમે કૃષ્ણના ભારોભાર સોનું આપો તો તેમણે હું પરત આપવા તૈયાર છું.
સત્યભામા ખુશ થઇ ગયા.એકબાજુ પલ્લામાં શ્રીકૃષ્ણને બેસાડ્યા-બીજી બાજુ સત્યભામાએ તેમની પાસે હતા તે બધા દાગીના મુક્યા પણ શ્રીકૃષ્ણ નું પલ્લું ઊંચું થતું નથી. બધી બીજી રાણીઓ પણ દોડી આવી અને તેમના બધા દાગીના ખડક્યા પણ હજુ તેમનું તેમ. હજારો મણ ના દાગીના મુકાયા પણ શ્રીકૃષ્ણ નું પલ્લું હજુ ભારે છે.

સત્યભામાનું અભિમાન ઉતારવાની આ લીલા હતી-
બધી રાણી ઓ વિચારમાં પડી ગઈ-હવે શું કરવું ? સત્યભામાએ દાન આપી મોટી ભૂલ કરી છે.

સત્યભામા રૂક્ષ્મણીને શરણે ગઈ. રૂક્ષ્મણી ત્યાં આવ્યા. ભગવાન કેમ તોળતા નથી તેનો ભેદ તે જાણી ગયા.
બીજી રાણીઓને કહે છે-કે-ભગવાન કઈ દાગીનાથી તોળતા હશે ?
રૂક્ષ્મણીએ તુલસીજીનું એક પાન છાબમાં મુક્યું અને ભગવાન તોળાઈ ગયા.
તુલસીનું પાન રૂક્ષ્મણીએ ભાવથી-પ્રેમથી અર્પણ કર્યું તેથી ભગવાન તોળાઈ ગયા.

તુલસી ના પાંદડે તોળાયો મારો વ્હાલો

આ પ્રમાણે-બોડાણા માટે ભગવાન સવા વાલ ના થયા હતા.
ધન્ય ધન્ય બોડાણાની નારી-સવા વાલના થયા વનમાળી

ઈશ્વરને એવી ઈચ્છા નથી કે કોઈ મારી સેવા કરે.તેમણે કોઈ વસ્તુની અપેક્ષા નથી. તે સ્વયં આનંદ સ્વરૂપ છે.
તેમની ઈચ્છા એવી નથી કે વૈષ્ણવો મને ભોગ ધરે. તેમની ખાવાની ઈચ્છા નથી. પણ ભક્તોને રાજી કરવા ભગવાન આરોગે છે.

ભગવાને આપેલું છે-તે તેમને આપવાનું છે.કોઈ વસ્તુ ઉતપન્ન કરવાની જીવની શક્તિ નથી.જીવ કંઈ આપી શકતો જ નથી.
કોઈ વસ્તુ પર જીવની સત્તા નથી.આ સર્વ શ્રીકૃષ્ણનું છે.

પ્રેમથી ભગવાનને અર્પણ કરશો તો ભગવાન પ્રસન્ન થશે. ભગવાનનું ભગવાનને અર્પણ કર્યા વગર ખાય તે દુષ્ટ છે.
કૃતઘ્ની છે. ઈશ્વરને અર્પણ કર્યા વગર ખાય તે ભૂખ્યો મરે છે. ઈશ્વરને અર્પણ કરશો તો તે અનંતગણું કરી પાછું આપશે.

ઈશ્વરની આરતી ઉતારવાથી ભગવાનને ત્યાં અજવાળું થવાનું નથી-અજવાળું આપણા હૃદયમાં કરવાનું છે.
ઈશ્વર તો સ્વયંપ્રકાશ છે. તેમનું શ્રીઅંગ  દિવ્ય છે .

સેવા કરવાથી સેવકને સુખ થાય છે.તેથી ભગવાનને શું મળવાનું હતું ? તે તો પરમાનંદ સ્વરૂપ છે.

જીવને આપનાર ઈશ્વર છે.  જીવ દાસ છે-ઈશ્વર માલિક છે.
પરંતુ મનુષ્ય પ્રેમથી નિવેદન કરે એટલે ભગવાન પ્રસન્ન થાય છે.
સેવા અને પૂજામાં ભેદ છે.
જ્યાં પ્રેમ પ્રધાન છે તે સેવા. અને જ્યાં વેદ-મંત્રો પ્રધાન છે પૂજા.

બ્રાહ્મણો ભગવાનની પૂજા કરે છે. પૂજામાં બ્રાહ્મણો પ્રભુને જમાડે છે-ત્યારે પ્રાણાય સ્વાહા-ઉદાનાય સ્વાહા...વગેરે કહી હસ્ત પ્રક્ષાનલમ-કહી-સેકન્ડોમાં હાથ ધોવડાવી નાખે છે. ભગવાનને હજુ જમવાની ઈચ્છા છે-પણ ભગવાન બ્રાહ્મણના વચનને માન આપે છે.દેવને મંત્રને આધીન રહેવું પડે છે.

જયારે ભગવાનની સેવામાં ભક્તોભક્તો ભગવાનની સામે થાળ ધરાવી-પંદર વીસ મિનિટ સુધી "ॐ નમો ભગવતે વાસુદેવાય" ના જપ કરી પ્રેમથી મનાવી મનાવી-ભગવાનને જમાડે છે.

જયારે દેવ મંત્રાધીન બને છે-તે પૂજા અને જયારે દેવ પ્રેમાધીન બને છે-તે સેવા.

આજકાલ લોકો બહુ પુસ્તકો વાંચે છે-ભણેલા જ્ઞાની બુદ્ધિશાળી બની જાય છે.સુંદર સુંદર વાતો કરે છે-પણ કોઈ સાધન કરતા નથી.
મૂર્તિ-પૂજામાંય એક અલૌકિક તત્વ સમાયેલું છે. જે સર્વવ્યાપી છે-તેને એક જગ્યાએ જોવાના છે. એક જગ્યાએ માનવાના છે.

પોતાની સ્થિતિ પ્રમાણે સેવા કરો. (કે માનસી સેવા કરો.)
થોડું મળે પણ ઘણું માને તે ઈશ્વર.ઘણું મળે પણ ઓછું માને તે જીવ.
જીવને અનેકવાર મળ્યું હોય પણ જો એકવાર ન મળ્યું તો અગાઉનું આપેલું ભૂલી જશે. જીવ દુષ્ટ છે.

ગજરાજે ભગવાનને એક જ ફૂલ આપ્યું હતું. ફૂલની માળા પણ અર્પણ કરી ન હતી.


સેવા કરો તો અનન્ય પ્રેમથી સેવા કરો.સ્નેહ વગરનું સમર્પણ વ્યર્થ જાય છે.
સારાં કપડાં બગડી જાય તે બીકે મનુષ્ય ભગવાન ને સાષ્ટાંગ પ્રણામ કરતો નથી.
નર કપડનકો ડરત હૈ-નરકપડન કો નહિ.   સર્વ ઈશ્વરનું છે-તેનું જ તેને અર્પણ કરવાનું છે.
દક્ષિણમાં એક કથા પ્રચલિત છે. એક ગામમાં એક ગૃહસ્થને ત્યાં લગ્ન હતા. ગોરમહારાજે જોયું તો ગણપતિની મૂર્તિ હતી નહિ.
ગોરમહારાજ જ્ઞાની હતા. તેઓ જાણતા હતા કે જ્યાં પ્રેમથી પ્રભુને પધરાવો ત્યાં-આવીને ઈશ્વર બેસે છે.
નૈવેદ્યનો ગોળ હતો તે ગોળથી  ગણપતિ બનાવ્યા. યજમાનને પૂજા કરાવી. ધૂપ-દીપ થયા પછી-નૈવેદ્ય અર્પણ કરવાનો સમય આવ્યો. નૈવેદ્યના ગોળના તો ગણપતિ બનાવ્યા હતા,તો હવે નૈવેદ્ય ક્યાંથી લાવવું ?
એટલે ગોર મહારાજે-ફરીથી ગોળના ગણપતિમાંથી થોડો ગોળ કાઢી અને ગોળનું નૈવેદ્ય ધર્યું.
ગોળના ગણપતિ અને ગોળનું નૈવેદ્ય. આવી પૂજાથી પણ ગણપતિ પ્રસન્ન થયા અને કાર્યમાં વિઘ્ન ન આવ્યું.
કારણ આ કાર્ય પાછળ ભાવના શુદ્ધ હતી.
વસ્તુનું મહત્વ નથી.પણ ભાવની મહત્તા છે. સેવા કરતા રોમાંચ થાય, સેવા કરતા આંખમાં આંસુ આવે-તે સેવા સાચી.
સેવા ક્રિયાત્મક હોવી જોઈએ. સેવા કરતા આનંદ આવવો જોઈએ.
ભગવાન માટે રસોઈ કરો અને ભગવાનને અર્પણ કરી જમો.
જમાડતાં પ્રાર્થના કરો-કે-નાથ, આપ વિશ્વંભર છો,સર્વના માલિક છો.તમને કોણ જમાડી શકે ? તમારું તમને અર્પણ કરું છું.
બાળકને બાપ રૂપિયો આપે છે, અને બાપ જો પાછો માગે તો ઘણા બાળકો રૂપિયો પાછો આપતા નથી. પિતાને દુઃખ થાય છે.
મેં જ રૂપિયો આપ્યો અને મને તે આપતો નથી પણ જો બાળક રૂપિયો આપે તો પિતાને આનંદ થાય છે.
જીવ માત્રના પિતા ઈશ્વર છે. તેમણે જે આપ્યું તે જ તેમને પાછું આપવાનું છે.
એવો નિયમ લો કે-ભગવાનને ધરાવ્યા વગર હું ખાઇશ નહિ.
ભગવાનને ધરાવ્યા વગર જે જમે તે એક જન્મમાં જરૂર દરિદ્ર થાય છે.
પ્રભુની સેવા કર્યા વગર ખાય તે પાપ છે. જે ઘરમાં ઠાકોરજીની (કે કોઈ પણ ઈશ્વરના સ્વરૂપની) સેવા ન હોય તે ઘર સ્મશાન જેવું છે.
તમારાં ઠાકોરજીની સેવા બીજો કોઈ કરે અને તમને ગમે તો માનજો કે-તમે સાચા ભક્ત નથી. સાચા વૈષ્ણવ નથી.
ઠાકોરજીની સેવા જાતે કરવી જોઈએ.
જે ઘરમાં બાલકૃષ્ણ ની સેવા થાય છે-તે ઘરમાં લક્ષ્મીજી પધારે છે.
જે ઘરમાં ભગવાન માટે રસોઈ થાય છે-તે ઘરમાં અન્નપૂર્ણા વિરાજે છે. તે ઘરમાં અનાજની ખેંચ પડે નહિ.
 

No comments: