શ્રીમદ્ભાગવત સ્કંધ – 4 (Page 45)
ધ્રુવચરિત્રની સમાપ્તિમાં મૈત્રેયજી વર્ણન કરે છે-
નારાયણ સરોવરના કિનારે નારદજી તપ કરતા હતા –ત્યાં પ્રચેતાઓનું મિલન થયું છે. પ્રચેતાઓએ સત્ર કરેલું અને તે સત્રમાં
નારદજીએ આ (ધ્રુવજીની) કથા સંભળાવેલી.
-------------------------------
વિદુરજી પ્રશ્ન કરે છે-આ પ્રચેતા ઓ કોણ હતા ?કોના પુત્ર હતા ? તેમનું સત્ર ક્યાં થયું હતું
?તેની કથા વિસ્તારથી કહો.
મૈત્રેયજી કહે છે-ધ્રુવજીના વંશમાં આ પ્રચેતાઓ થયેલા છે.
ધુવજીના વંશમાં-અંગરાજા થયો.તેનું લગ્ન –મૃત્યુદેવની પુત્રી સુનીથા જોડે થયું હતું.
સુનીથાને શાપ હતો કે તેનો પુત્ર દુરાચારી –અતિ હિંસક અને પાપી થશે.
અંગ અને સુનીથાને ત્યાં -વેન –નામનો પુત્ર થયો. વેન –બાળકોની હિંસા કરે છે-બ્રાહ્મણોને ત્રાસ આપે છે.
અંગ રાજાને બહુ દુઃખ થયું છે.એક વખત તેમને ત્યાં સંત પધાર્યા અને તેમના
ઉપદેશથી –રાજા ગંગા કિનારે ચાલ્યા ગયા.
વેનના રાજ્યમાં અધર્મ વધ્યો. તેથી-બ્રાહ્મણોએ વેનને શાપ આપી તેનો વિનાશ
કર્યો. રાજા વગર –પ્રજા દુઃખી થતી હતી,
એટલે વેનના શરીરનું મંથન કરવામાં આવ્યું. બાહુ (હાથ) નું મંથન વેદમંત્રો
દ્વારા કરવામાં આવ્યું-
તેથી પૃથુ મહારાજનું પ્રગટ્ય થયું. પૃથુ મહારાજ અર્ચન ભક્તિનું સ્વરૂપ
છે. એટલે તેમની રાણીનું નામ અર્ચિ છે.
પૃથુ મહારાજ આખો દિવસ પ્રભુની પૂજા કરે છે. પૃથુનું જીવન પરોપકાર માટે
છે, રાજ્યમાં કોઈ દુઃખી ન થાય તેની કાળજી રાખે છે.
એક વખત રાજ્યમાં દુકાળ પડ્યો. અન્ન વગર પ્રજા દુઃખી છે. ધરતીમાં અન્ન
ગળી ગયાં છે. રાજા બાણ લઇ ધરતીને મારવા તૈયાર થાય છે. ધરતીમા પ્રગટ થાય અને તેમના કહેવા
અનુસાર –પૃથુ એ –પૃથ્વીમાં રહેલા અનેક પ્રકારના રસોનું યુક્તિથી દોહન કર્યું.
એકવાર પૃથુરાજાએ સો અશ્વમેઘ યજ્ઞ કરવાનો સંકલ્પ કર્યો.
આ યજ્ઞ માં ઘોડાની પૂજા કરી-તેને છુટો મુકવામાં આવે છે.શરત એ હોય છે
કે ઘોડો કોઈ પણ જગ્યાએ બંધાય નહિ,કે પકડાય નહિ.
ઘોડો પકડાય તો યુદ્ધ કરી તેને છોડાવવાનો હોય છે.અને ઘોડો કોઈ જગ્યાએ
ના બંધાય તો તેનું યજ્ઞ માં બલિદાન દેવામાં આવે.
અશ્વએ વાસનાનું સ્વરૂપ છે-અને તે કોઈ વિષયમાં ન બંધાય--- તો આત્મસ્વરૂપ-માં
લીન થાય.
વાસના કોઈ વિષય માં બંધાય તો –વિવેકથી યુદ્ધ કરી તેને શુદ્ધ
કરવાની છે.
ઇન્દ્ર કોઈના સો યજ્ઞ પુરા થવા દેતા નથી. તેમણે છેલ્લા યજ્ઞમાં બે ત્રણ
વાર વિઘ્ન કર્યું. તેથી પૃથુ ઇન્દ્રને મારવા તૈયાર થયા છે.
બ્રહ્માજી વચ્ચે પડે છે-તેથી દુરાગ્રહ રાખ્યા વગર –પૃથુ ઇન્દ્રની પૂજા કરે છે. આથી ભગવાન પ્રસન્ન થાય છે.
વૃદ્ધાવસ્થામાં સનતકુમારોના ઉપદેશથી –પૃથુરાજાને વૈરાગ્ય આવ્યો, વનમાં તપશ્ચર્યા કરી સ્વર્ગમાં
ગયા છે.
આ
પૃથુ મહારાજના વંશમાં –પ્રાચીનર્બહિ
રાજા થયો અને તેને ત્યાં દશ પ્રચેતાઓ થયા છે.
પ્રચેતાઓ
નારાયણસરોવર આગળ તપ કરે છે-નારાયણ સરોવર આગળ કોટેશ્વર મહાદેવ છે. પ્રચેતાઓ માટે શિવજી
ત્યાં પ્રગટ થયા છે.
શિવજી
પ્રચેતાઓને રુદ્રગીતનો ઉપદેશ કરે છે. પ્રચેતાઓએ શિવજીના કહેવા મુજબ-દસ હજાર વર્ષ જપ-તપ
કર્યા છે.
તે
સમયે નારદજી પ્રાચીનર્બહિ રાજા પાસે આવ્યા છે. રાજા કર્મપ્રધાન છે. અનેક યજ્ઞો તેમણે
કર્યા હતા.
નારદજી રાજાને પૂછે છે-તમે અનેક યજ્ઞો કર્યા,(કર્મો કર્યા) તમને શાંતિ પ્રાપ્ત થઇ –કે નથી થઇ ?
રાજા કહે છે –ના-મન ને શાંતિ નથી. મને શાંતિ
મળી નથી.
નારદજી : તો પછી આ યજ્ઞો (કર્મો)
તમે શા માટે કરો છો ?
રાજા : મને પ્રભુ એ બહુ આપ્યું છે.તેથી વાપરવામાં સંકોચ રાખતો નથી, બ્રાહ્મણો ની સેવા કરું છું, યજ્ઞ દ્વારા સમાજસેવામાં
સંપત્તિ નો ઉપયોગ થાય છે-એટલે યજ્ઞો કરું છું.
નારદજી કહે છે-યજ્ઞ કરવાથી “દેવો” પ્રસન્ન થાય છે-એ વાત સાચી. યજ્ઞ કરવાથી જીવોનું કલ્યાણ થાય છે અને
તે સર્વની સેવાનું સાધન છે –એ વાત પણ સાચી.......પણ
....યજ્ઞ કરવાથી શાંતિ મળતી નથી.
શાંતિ ત્યારે મળે-કે જયારે જીવ જન્મ મરણ ના ત્રાસ માંથી છૂટે.
યજ્ઞએ ચિત્તશુદ્ધિ માટે છે. ચિત્તશુદ્ધિ થયા પછી-એકાંતમાં બેસી ધ્યાન
કરવાની જરૂર છે.કેવળ યજ્ઞ કરવાથી ઈશ્વરનો સાક્ષાત્કાર થતો નથી.
યજ્ઞ
કરી –પુણ્ય મેળવી તું સ્વર્ગ
માં જઈશ –પણ
જેવું પુણ્ય –ખતમ
થશે-એટલે સ્વર્ગ માંથી ધકેલી દેશે.
તને તારા –આત્મસ્વરૂપનું જ્ઞાન નથી-આત્મા-
પરમાત્માને જાણતો નથી –તેથી તને શાંતિ મળતી નથી.
હવે તારે યજ્ઞો કરવાની જરૂર નથી.શાંતિ થી એક જગ્યાએ બેસીને ઈશ્વરનું
આરાધન કર.
નારદજી કહે છે : "તને તારા
સ્વરૂપનું જ્ઞાન નથી."
મનુષ્ય લૌકિક સુખમાં એવો ફસાયેલો છે-કે “હું કોણ
છું ?” તેનું તેને
જ્ઞાન થતું નથી.
જે પોતાના સ્વ-રૂપને (આત્માને)
ઓળખી શકતો નથી તે પરમાત્માને કેવી રીતે ઓળખી શકે ?
હું તને એક કથા કહું છું-તે સાંભળ-તેથી તને તારા સ્વ-રૂપનું જ્ઞાન થશે.
પ્રાચીન કાળમાં પુરંજન નામે એક રાજા હતો. રાજાનો એક મિત્ર હતો તેનું
નામ અવિજ્ઞાત.
અવિજ્ઞાત –પુરંજનને સુખી કરવા સતત પ્રયત્નશીલ
રહેતો અને પુરંજનને આ વાતની ખબરના પડે તેની કાળજી રાખતો.
જીવ અને ઈશ્વરની મૈત્રી છે.અવિજ્ઞાત તે ઈશ્વર છે. ઈશ્વરને જીવ પ્રત્યે
અપાર કરુણા છે. જીવને ગુપ્ત રીતે હર-પળે મદદ કરે છે.
તેથી મદદ આપનારો કોણ છે-તે દેખાતું નથી.
પરમાત્મા પવન, પાણી, પ્રકાશ, બુદ્ધિ
બધું જીવ ને આપે છે. પછી કહે છે-
બેટા,એક કામ
તું કર-અને એક કામ હું કરું. તારી અને મારી મૈત્રી છે.
ધરતી ખેડવાનું કામ તારું-વરસાદ વરસાવવાનું કામ મારું. બીજ તારે રોપવાના
અને એમાં અંકુર પ્રગટાવવાનું કામ મારું.
બીજ ઉત્પન્ન થયા બાદ રક્ષણ નું કામ તારું-પોષણ નું કામ મારું.
આ બધું કરવા છતાં –હું સઘળું કરું છું તે જીવ ને ખબર પાડવા દેતા નથી.
પ્રભુ ની આ અવિજ્ઞાત લીલા છે.
તે પછી ભગવાન કહે છે-ખાવાનું કામ તારું અને પચાવવાનું કામ મારું. ખાધા
પછી સુવાનું કામ તારું –જાગવાનું
કામ મારું.
ઈશ્વર સુત્રધાર છે-તે સુતો નથી. નિદ્રામાં પણ આપણું રક્ષણ કરે છે.
આપણે રેલગાડી માં સારી જગ્યા મળે તો સુઈ જઈએ છીએ-પણ એન્જીન નો ડ્રાઈવર
સુઈ જાય તો ?
આ બધું પરમાત્મા કરે છે-છતાં જીવ વિચાર કરતો નથી-કે મને કોણ સુખ આપે
છે?
પ્રભુના જીવ પર કેટલા બધા ઉપકાર છે!! છતાં જીવ કૃતઘ્ન છે.
પુરંજનએ જીવાત્મા છે.પુરમ શરીરમ જનયતિ.પોતાનું શરીર એ પોતે બનાવે છે. પુરંજને
વિચાર કર્યો નહિ કે-હું કોના લીધે સુખી છું.
સર્વદા ઉપકાર કરનાર ઈશ્વરને ભૂલીને તે એક દિવસ નવ દરવાજા વળી નગરીમાં
દાખલ થયો.
(નવ દરવાજા વાળી નગરી –તે માનવ શરીર. શરીરને નાક –કાન વગેરે નવ દરવાજા છે)
ત્યાં આવ્યા પછી તેને એક સુંદર સ્ત્રી મળી.પુરંજને તેને પૂછ્યું-તમે
કોણ છો ?
સ્ત્રી એ જવાબ આપ્યો-હું કોણ છું-મારું ઘર ક્યાં છે-મારા માતાપિતા કોણ
છે-મારી જાતિ કઈ છે-તે કશું હું જાણતી નથી-પણ તમારે પરણવું હોય તો હું તૈયાર છું, હું તને સુખી કરીશ.
સુંદર દેખાતી હતી એટલે કશું પણ વિચાર કર્યા વગર –પુરંજને તેની સાથે લગ્ન કર્યું. સ્ત્રીમાં એવો આસક્ત થયો કે- થોડા સમયમાં
તેને ૧૧૦૦ પુત્રો થયા.
વિચાર કરો-સંસારસુખ
ભોગવવાની ઈચ્છા અને સંકલ્પ વાળો જીવ –એ બુદ્ધિ સાથે પરણે છે.
બુદ્ધિ જાણતી નથી કે તેના માતાપિતા ઘર વગેરે ક્યાં છે? ઇન્દ્રિયો
૧૧ છે.એક એક ઇન્દ્રિયોના ૧૦૦ સંકલ્પો તે એક એક ના સો પુત્રો.
તે પુત્રો માંહે માંહે લડે છે. એક વિચાર ઉદભવે -તેને બીજો દબાવી દે
છે. સંકલ્પ -વિકલ્પથી જીવને બંધન થાય છે.
ઘણા વર્ષો સુધી પુરંજન સંસાર સુખ ભોગવે છે.
બીજી બાજુ કાળદેવની દીકરી –જરા- સાથે કોઈ લગ્ન કરતુ નહોતું.
તે કહે છે-મને કોઈ વર બતાવો. તેને કહે છે-કે-
તને વર બતાવું-પુરંજનનગરીમાં એક જીવ છે તે તારી સાથે લગ્ન કરશે.
પછી
પુરંજનની ઈચ્છા ન હોવાં છતાં –જરા-(વૃદ્ધાવસ્થા)
તેને વળગી. પુરંજનનું બીજું લગ્ન –જરા-
સાથે થયું.
જરા-(વૃદ્ધાવસ્થા)
સાથે લગ્ન થયા પછી પુરંજનની દશા બગડી છે. શરીર વૃદ્ધ થયું છે.
ભોગ ભોગવે એને –જરા-વૃદ્ધાવસ્થા વળગે છે. યોગીને જરા-અવસ્થા વળગી
શકે નહિ.
જવાની એ "જવા" ની જ છે. વૃદ્ધાવસ્થા માં
વાસના વૃદ્ધ થતી નથી,મોહ છૂટતો નથી.
તે પછી –મૃત્યુનો સેવક-પ્રજ્વાર આવ્યો.
પ્રજ્વાર એટલે અંતકાળનો જ્વર (તાવ).
સ્ત્રીમાં અતિ આશક્ત હોવાથી –અંતકાળમાં સ્ત્રીનું ચિંતન
કરતાં-શરીર છોડવાથી –પુરંજન –વિદર્ભ નગરીમાં કન્યા રૂપે જન્મ્યો.
એવું નથી કે કોઈ કાયમ માટે પુરુષ કે કાયમ માટે સ્ત્રી થઇ પુનર્જન્મ
પામે. આ શરીરમાં જીવ જે દૃઢ વાસના કરે છે-તે પ્રમાણે- તેનો પુનર્જન્મ થાય છે. મનુષ્ય
પોતાનું સ્વરૂપ પોતે જ નક્કી કરે છે.
બાલ્યાવસ્થા અને વૃદ્ધાવસ્થામાં જે થોડા સત્કર્મો કરેલા હતા તેને પ્રતાપે-
વિદર્ભમાં પુરંજનનો જન્મ કન્યારૂપે (વૈદર્ભી) થયો.
સમય જતાં તેનું લગ્ન દ્રવિડ દેશના રાજા સાથે થયું. પાંડ્ય (મલયધ્વજ)
રાજા ભક્ત હતા. તેનાથી એક પુત્રી અને સાત પુત્રો થયા.
કથા શ્રવણ –સત્સંગમાં રુચિ-તે ભક્તિ.(પુત્રી)
સાત પુત્રો ભક્તિ ના સાત પ્રકાર છે. (શ્રવણ, કિર્તન, સ્મરણ, પાદસેવન, અર્ચન, વંદન અને દાસ્ય)
આ સાત પ્રકારની ભક્તિ મનુષ્ય પ્રયત્ન કરવાથી પામી શકે છે. પરંતુ
આઠમી સખ્ય અને નવમી આત્મનિવેદન –ભક્તિ – પ્રભુ જેના પર કૃપા કરે છે
તેને જ મળે છે.
સાત પ્રકારની ભક્તિ સિદ્ધ કર્યા પછી, એક વખત,જયારે કન્યાના
પતિનું મરણ થાય છે-ત્યારે તે દુઃખી થાય છે. ત્યારે
પરમાત્મા સદગુરુ રૂપે આવી અને સખ્ય ને આત્મનિવેદન ભક્તિનું દાન કરે છે.
એટલે કે જે મિત્ર-અવિજ્ઞાતને (પરમાત્માને) પુરંજન (જીવ) માયાને લીધે
ભૂલી ગયો હતો-તે સદગુરુ રૂપે આવ્યા. અને બ્રહ્મવિદ્યા નો ઉપદેશ કર્યો-કે-
તું મને છોડીને (મારાથી વિખુટો પાડીને) નવ દ્વાર વળી નગરી (શરીર) માં
રહેવા ગયો ત્યારથી તું દુઃખી થયો છે.
પણ હવે તું તારા સ્વ-રૂપ ને ઓળખ. તું મારો મિત્ર છે.તું મારો અંશ છે.તું
સ્ત્રી નથી કે પુરુષ નથી. તું મારા સામું જો.
પુરંજન પ્રભુની સન્મુખ થયો. જીવ અને ઈશ્વર નું મિલન થયું. અને જીવ કૃતાર્થ
થયો.
1.
ચિત્ત ની શુદ્ધિ કરવા માટે
કર્મ ની જરૂર છે.
2.
મન ને એકાગ્ર કરવા ભક્તિ ની
જરૂર છે.
3.
અને સર્વ માં ઈશ્વરનો અનુભવ કરવા જ્ઞાન ની
જરૂર છે.
4.
જ્ઞાન –ભક્તિ અને
વૈરાગ્ય –ત્રણે પરિપૂર્ણ
થાય –ત્યારે
જીવ પરમાત્મા દર્શન કરી કૃતાર્થ થાય છે.
ભક્તમાળમાં (ભક્તમાળ-પુસ્તક માં) મહાન સંત અમરદાસજીની
કથા આવે છે.
તેમની ઉંમર ત્રણ વર્ષની હતી ત્યારે તેમણે તેમની મા ને પૂછ્યું-મા હું કોણ છું ?
મા એ જવાબ આપ્યો-તું મારો દીકરો છે.
અમરદાસ પૂછે છે-દીકરો કોણ ?કોનો ?
મા એ તેમની છાતી પર હાથ રાખી કહ્યું –આ મારો દીકરો છે.
અમરદાસ કહે-એ દીકરો ક્યાં છે? એ તો છાતી છે.
હવે મા એ તેનો હાથ પકડી કહ્યું- આ મારો દીકરો છે.
અમરદાસ-કહે મા તે તો મારો હાથ છે. મા જો આ શરીર એ તારો દીકરો... તો
તારું લગ્ન થયું ત્યારે હું ક્યાં હતો ?
મા કહે છે –બેટા મારા લગ્ન પછી તારો જન્મ
થયો છે.
અમરદાસ કહે છે-મા તું ખોટું કહે છે. લગ્ન પછી તો શરીરનો જન્મ થયો.
પણ તે પહેલાં તો હું ક્યાંક તો હતો જ. તે મારું અસલી ઘર ક્યાં છે ?
મનુષ્યનું અસલી ઘર પરમાત્માના ચરણમાં છે.” હું કોણ
છું “તેનો વિચાર
કરવાનો છે.જીવનના લક્ષ્યને ભૂલવાનું નથી.
નારદજીએ પ્રાચીનર્બહી રાજાને પુરંજન આખ્યાન કહી સંભળાવ્યું.
(ભાગવતની અંદર બહુ ઊંડાણથી
અને વિસ્તૃત રીતે –આ કથા છે-જિજ્ઞાસુ એ તે વાંચવું
રહ્યું-અહીં ટુંકાણમાં રહસ્ય કહ્યું છે)
જીવને ઈશ્વરનું જ્ઞાન તો નથી પણ જીવને હું કોણ છું? તેનું પણ જ્ઞાન નથી. વિષયોમાં જીવ એવો ફસાયો છે-કે-હું કોણ છું?
તેનો પણ વિચાર કરતો નથી તો પછી પરમાત્મા નો તો વિચાર પણ ક્યાંથી આવે
? પુરંજન કથા નું આ રહસ્ય છે.
જેનાથી પ્રભુ પ્રસન્ન થાય
તે કર્મ અને જેનાથી પ્રભુ માં બુદ્ધિ પરોવાય તે જ્ઞાન.
નારદજીની કથા સાંભળી રાજાને આનંદ થયો છે. ભગવત ચિંતન કરતાં કરતાં પરમાત્મામાં
લીન થયા છે.
કથા મનુષ્યને પોતાના દોષનું ભાન કરાવે છે-અને ભાન કરાવી તે દોષો છોડાવે
છે. (જો માણસ સમજે અને પ્રયત્ન કરે- તો )
પૂર્વ જન્મનું પ્રારબ્ધ ભોગવીને પૂરું કરવાનું છે.પણ નવું પ્રારબ્ધ
ઉભું કરવાનું નથી.
એવું સાદું જીવન જીવવાનું-કે જન્મ મરણનો ત્રાસ છૂટી જાય.
આત્મ સ્વરૂપનું ભાન અને દેહનું વિસ્મરણ થાય તો મનુષ્યને જીવતા જ મુક્તિ
મળે છે.
મનુષ્યને "જગત નથી" એવો અનુભવ થાય છે-પણ "હું નથી" એવો અનુભવ થતો નથી. "અહમ" નું વિસ્મરણ જલ્દી થતું નથી.
પ્રચેતાઓ
(દસ) –એ પ્રાચીનર્બહી રાજાના
પુત્રો છે.
ભાગવતમાં
લખ્યું છે-કે-પ્રચેતાઓએ ,એક
બે વર્ષ નહિ,પણ
દસ હજાર વર્ષ સુધી નારાયણ સરોવરના કિનારે જપ કરેલા.
ત્યારે
તેમની સમક્ષ નારાયણ ભગવાન પ્રગટ થયેલા.
જપ કરવાથી અજ્ઞાનનું આવરણ દૂર થાય છે,મન શુદ્ધ થાય છે અને જીવન સુધરે છે.
રામદાસ સ્વામીએ દાસબોધમાં અનુભવથી લખ્યું છે-કે-તેર કરોડ જપ કરવાથી
ઈશ્વરના સાક્ષાત દર્શન થાય છે.
જપથી પૂર્વજન્મના પાપ બળે છે. જપનું ફળ તરત જોવામાં નાં આવે તો –માનવું કે હજુ પાપ બાકી છે-તેનો નાશ થઇ રહ્યો છે.
વિદ્યારણ્યસ્વામીના જીવનનો એક પ્રસંગ છે.
વિદ્યારણ્યસ્વામીની સ્થિતિ
ગરીબ હતી. તેમણે અર્થ પ્રાપ્તિ માટે ગાયત્રી મંત્રનાં ચોવીસ પુનઃસ્ચરણ કર્યા. પણ અર્થપ્રાપ્તિ
ન થઇ.
તેથી કંટાળીને છેવટે તેમણે
સન્યાસ લીધો,તે વખતે તેમને ગાયત્રી
મા ના દર્શન થયાં. મા એ કહ્યું-માગ..માગ..હું પ્રસન્ન છું.
વિદ્યારણ્યસ્વામી મા ને
કહે છે-માતાજી જયારે જરૂર હતી ત્યારે તમે ન આવ્યાં, હવે તમારી શી જરૂર છે ? પણ એટલું બતાવો-કે
મારા ઉપર તે વખતે કેમ
પ્રસન્ન ન થયાં ?
માતાજી કહે તું પાછળ જો.
વિદ્યારણ્યસ્વામી એ પાછળ
જોયું-તો તેમણે ૨૪ પહાડોને બળતા જોયાં. તેમણે પૂછ્યું-મા આ શું કૌતુક છે ?
મા કહે છે-તારા અનેક જન્મોના પાપ તારી તપશ્ચર્યાથી બળી રહ્યાં છે.તારા
પાપોનો ક્ષય થયો, શુદ્ધ થયો-એટલે હું આવી.
વિદ્યારણ્યસ્વામી કહે
છે-મા હવે હું શુદ્ધ થયો-હવે મારે કશું માગવું નથી.
તે પછી તેમણે “પંચદશી” નામનો વેદાંતનો ઉત્તમ ગ્રંથ લખ્યો.
પ્રચેતાઓના નારાયણ સરોવરના કિનારે –રુદ્રગીતના દસ હજાર વર્ષ સુધીના
જપ પુરા થાય છે-અને નારાયણના દર્શન થયાં છે.
નારાયણે આજ્ઞા કરી-હવે ઘેર જઈ લગ્ન કરો. પ્રચેતાઓએ કહ્યું અમારે લગ્ન
કરવાં નથી.
પરમાત્મા તેમને સમજાવે છે-કે-લગ્ન કર્યા પહેલાં સંન્યાસ લેશો અને પછી
વાસના જાગશે તો પતન થશે.
લગ્ન પછી વિવેકથી કામવાસના ભોગવી પછી તેનો ત્યાગ કરવાથી, સૂક્ષ્મ વાસનાઓ દૂર થશે.
ઈશ્વરની માયા બે રીતે જીવને મારે છે-પરણેલો પસ્તાય છે અને કુંવારો પણ
પસ્તાય છે.
લગ્ન કર્યા પછી સાવધાન રહેવું અશક્ય જેવું છે. ગૃહસ્થાશ્રમનું વાતાવરણ
એવું છે કે-વિષમતા કર્યા વગર ચાલતું નથી.
મમતા થઇ –એટલે સમતા રહેતી નથી- અને
વિષમતા આવે છે.
ભગવાન કહે છે- કે –એક કામ કરો –તો હું તમારું રક્ષણ કરીશ.
રોજ ત્રણ કલાક –નિયમપૂર્વક મારાં સેવા સ્મરણ
કરો.પછી એકવીશ કલાક હું તમારું ધ્યાન રાખીશ.( અત્યારના જમાનામાં ત્રણ કલાક સેવા સ્મરણ
કરનાર –જૂજ હશે)
એક આસને બેસી ત્રણ કલાક ભગવત-સ્મરણ કરે તેને ભગવાન પાપ કરતાં અટકાવે
છે.
પાપ કરતાં-જો ખટકો લાગે –તો સમજવું-પ્રભુ ની સાધારણ
કૃપા થઇ છે.
પાપ કરવાની ટેવ જો છૂટી જાય તો સમજવું કે –પ્રભુ ની પૂર્ણ કૃપા થઇ છે.
કોઈ પણ કાર્ય બુદ્ધિ અને
શક્તિ વગર થતાં નથી. અને ઈશ્વરની આરાધના વગર –બુદ્ધિ-શક્તિ મળતાં નથી.
પ્રહર એટલે ત્રણ કલાક.(યામ=કલાક),
પ્રચેતાઓને નારાયણે બોધ આપ્યો છે-કે ઓછામાં ઓછો –એક પ્રહર
મારી પાછળ આપો. હું તમારું ધ્યાન રાખીશ.
પાપ છુટે-મન શુદ્ધ થાય ત્યારેજ ઈશ્વરની કૃપા થઇ છે-તેમ સમજવું.
ગૃહસ્થાશ્રમમાં મમતા મારે છે.માટી-પથ્થર અને સોનું સમાન થાય (લાગે)
તેવી દૃષ્ટિ કેળવવી જોઈએ.અનાસક્તિ કેળવવી જોઈએ.
મહારાષ્ટ્રમાં રાંકા નામના
સંત થઇ ગયા. ધનનો ત્યાગ કરી પતિ-પત્ની સાદું જીવન ગાળે. જંગલ માંથી લાકડાં કાપી લાવે
અને ગુજરાન ચલાવે. એક વખત લાકડાં કાપી આવતા હતા.રાંકા આગળને પત્ની પાછળ. રસ્તામાં રાંકાએ
એક સોનાનો હાર જોયો
તેને થયું કે પત્નીની
દૃષ્ટિ –કદાચ આ હાર જોઈ બગડશે.
પત્ની થોડી પાછળ હતી. એટલે રાંકા હાર પર ધૂળ નાખવા લાગ્યા,
જેથી પત્નીની નજર તેના
પર પડે નહિ. પત્ની આવી અને પૂછ્યું-શા માટે ધૂળ ભેગી કરતા હતા ? રાંકા કહે-કાંઇ નહિ.
અંતે જયારે પત્નીના જાણવામાં
વાત આવી તો તે કહે છે-તમે ધૂળ પર શું કરવા ધૂળ નાખતા હતા ? હજુ તમારાં મનમાં સોનું છે-એવી ભાવના રહી જ કેમ ? રાંકા એ કહ્યું-તું તો મારા કરતાં વધી-તેરા વૈરાગ્ય તો બાંકા હૈ. અને પત્નીનું
નામ બાંકા પડ્યું.
સંતોને મન-ધૂળ અને સોનું સરખાં હોય છે. આવી અનાશક્તિ કેળવવી જોઈએ.
કરેલાં સત્કાર્ય-પુણ્યને ભૂલી જાઓ. પુણ્યનો અહંકાર સારો નથી. પાપને
યાદ કરો.
મહાભારતમાં યયાતિ રાજાનું દૃષ્ટાંત આવે છે.
યયાતિ રાજા એ કરેલાં પુણ્યને
આધારે-સદેહે સ્વર્ગમાં ગયા. યયાતિ ઇન્દ્રાસન પર બેસવા ગયા. ઇન્દ્ર ગભરાણો. તે બૃહસ્પતિ
પાસે દોડી ગયો. બૃહસ્પતિએ સલાહ આપી-કે રાજાને પૂછી જો કે કયા કયા પુણ્યોના આધારે તે
ઇન્દ્રાસન પર બેસવા માગે છે ?
જયારે તે પુણ્યોનું વર્ણન
કરશે-એટલે તેનાં પુણ્યોનો ક્ષય થશે અને સ્વર્ગમાંથી પતન થશે. અને આવું થયું.
માટે
યાદ રાખજો કે કરેલાં પુણ્યો કોઈને કહેશો નહિ.
જગતને રાજી કરવું મુશ્કેલ છે. પોતાના ઘરમાંયે બધાને રાજી કરવા મુશ્કેલ
છે. સર્વને સદાકાળ રાજી કરી શકાતા નથી.
એક જુનું અને જાણીતું ઉદાહરણ યાદ આવે છે.
એક સમયે-બાપ-દીકરો ઘોડાને લઇ જતાં હતા. દીકરા એ બાપ ને કહ્યું કે-તમે
ઘોડા પર બેસો. હું ચાલીશ. બાપ ઘોડા પર બેઠો.
જતા હતા અને સામે માણસો મળ્યા. તે વાતો કરે કે –જુઓ આ બાપ કેટલો નિર્દય છે.પોતે ઘોડા પર બેઠો અને નાનો છોકરો તાપમાં
ચાલે છે. બાપે આ સાંભળ્યું-તેણે છોકરાને કહ્યું-બેટા તું ઘોડા પર બેસ
–હું ચાલીશ. દીકરો હવે ઘોડા
પર બેઠો.
થોડા આગળ ગયા એટલે –બીજા લોકો સામે વાતો કરતા
સાંભળવા મળ્યા-કે-દીકરો કેટલો નિર્લજ્જ છે.કેવો કળિયુગ છે!!
છોકરાંઓને બાપની લાગણી જ ક્યાં છે ?
જુવાન જોધ થઇ ઘોડા પર બેઠો છે-અને બાપ ને ચલાવે છે.
પિતા-પુત્ર બંને એ આ સાંભળ્યું. એટલે પિતા પણ હવે ઘોડા પર દીકરાની જોડે
બેસી ગયો.
થોડા આગળ ગયા –એટલે બીજા લોકો ને વાતો કરતા
સાંભળ્યા-જુઓ-આ બે માણસો ની નિર્દયતા તો જુઓ. બંને પાડા જેવા થઈને-
આ બિચારા નાના ઘોડા ઉપર બેઠા છે. આ બિચારું પશુ છે-તેની દયા પણ નથી.
ભાર થી બિચારું પશુ મરી જશે.
બાપ અને દીકરો બની હવે ઘોડા પરથી નીચે ઉતરી ગયા. (વિચાર્યું-હવે તો
લોકોને કાંઇ કહેવા પણું રહેશે નહિ.)
પણ થોડા આગળ ગયા એટલે આગળ બીજા માણસો ને બોલતાં સાંભળ્યા-કે-આ બંને
લોકો મૂર્ખ છે.સાથે ઘોડો છે ને ચાલતા જાય છે.
જગતમાં કેવું વર્તન રાખવું
તેની કોઈ સમજણ પડતી નથી. જગત આપણા માટે શું બોલે છે –તે સાંભળવાની જરૂર નથી.
સાંભળીએ તો મન અશાંત થાય
છે. જગતને રાજી રાખવું કઠણ છે.ત્યારે પરમાત્માને પ્રસન્ન કરવા એટલા કઠણ નથી.
ભગવાન જગતનું મૂળ –ઉપાદાન કારણ છે. ઝાડને લીલું રાખવા –તેને પાંદડે
પાંદડે પાણી છાંટવાની જરૂર નથી.
મૂળને પાણી રેડવાની જરૂર છે. સંસાર વૃક્ષ છે-અને સંસારવૃક્ષનું મૂળ
ઉપાદાન કારણ પરમાત્મા છે.
જગતને તો રામજી પણ રાજી કરી શક્યા નથી.તો મનુષ્ય તો શું રાજી કરી શકવાનો
હતો ?
...............................................................................................................................................
પ્રચેતાઓને
–ભગવાને લગ્ન કરવાની આજ્ઞા
કરી છે. પ્રચેતાઓ ઘેર જાય છે. દરેકના લગ્ન થયાં.
એક
એક પુત્ર થયા પછી-ફરીથી –પ્રચેતાઓ
નારાયણ સરોવરના કિનારે પાછા આવે છે. ત્યાં
નારદજીનો મેળાપ થાય છે.
તેઓએ
નારદજીને કહ્યું-ગૃહસ્થાશ્રમના વિલાસી વાતાવરણમાં અમે અમારું સર્વ જ્ઞાન ભૂલી ગયા છીએ.
અમારું લક્ષ્ય અમે ભૂલી ગયા છીએ. ગૃહસ્થાશ્રમમાં વિષમતા કરવી પડે છે-વિષમતા આવે એટલે
જ્ઞાન ભુલાય છે. અમને શિવજી અને નારાયણે ઉપદેશ આપેલો તે-અમે ભૂલી ગયા છીએ. આપ અમને
ફરીથી ઉપદેશ આપો.
પ્રભુને પ્રસન્ન કરવાના ત્રણ માર્ગો-નારદજીએ ચોથા
સ્કંધમાં બતાવ્યા છે.:--
1.
સર્વ જીવો પર દયા રાખવી,
2.
જે કંઈ મળે તેનાથી સંતોષ માનવો,
3.
અને સર્વ ઇન્દ્રિયો પર સંયમ
કરવો.
આથી ભગવાન તરત –પ્રસન્ન થાય છે, કૃપા કરે છે. (ભાગવત-૪-૩૧-૧૯)
ઝેર ખાવાથી મનુષ્ય મરે છે. પણ ઝેરનું ચિંતન કરવાથી મનુષ્ય મરતો નથી.
પણ વિષયો-તો વિષ (ઝેર) થી પણ બુરાં છે, વિષયો ભોગવ્યા
ના હોય પણ તેના ચિંતન માત્રથી મનુષ્ય મરે છે.
માટે તે વિષયોનો મનથી પણ ત્યાગ કરી –સર્વ ઇન્દ્રિયો પર સંયમ રાખવાનો છે.
..........................................................................................................................
મૈત્રેયજી કહે છે-વિદુરજી,તમારે હવે શું સાંભળવું છે ?
વિદુરજી કહે છે-બસ,હવે મારે હવે મેં જે આ સાંભળ્યું
છે-તેનું ચિંતન કરવું છે. હું જ પુરંજન છું, હું જ ઈશ્વરથી છુટો પડ્યો છું.
સ્કંધ-૪-સમાપ્ત.
અનુસંધાન-સ્કંધ -૫ –માં
|| હરિ ॐ તત સત ||
No comments:
Post a Comment