શ્રીમદ્ભાગવત સ્કંધ – 3 (Page 37)

શ્રીમદ્ભાગવત સ્કંધ – 3 (Page 37)


દેવહુતિ કહે છે-આપ સત્સંગ કરવાની આજ્ઞા આપો છો,પણ મને જગતમાં ક્યાંય સંત દેખાતા નથી, સત્સંગ કરવાની ઈચ્છા થાય પણ સત્સંગ મળતો નથી.
કપિલદેવ કહે છે-સંત ના દેખાય ,તો સમજવું કે હજુ પાપ વધારે છે. પાપ હોય તો સંત મળે તો પણ તેમાં સદભાવના થતી નથી. પ્રત્યેક ગામ માં એકાદ સંત અને સતી સ્ત્રી ને ભગવાન રાખે છે. એમના આધારે તો ધરતી ટકે છે.
નકલી માલ વધ્યો છે-તે વાત સાચી,પણ તેનો અર્થ એ નથી કે-સાચું સોનું ક્યાંય મળતું નથી.
મા, જગત માં સંત નથી-તે વાત ખોટી છે. હા,સંત મળવા દુર્લભ છે. એ વાત સાચી છે.
મા,જે સંત થાય છે-તેને સંત મળે છે.સંત ના ઘેર સંત જાય છે. વ્યવહાર નો કાયદો છે, શ્રીમાન ને ત્યાં શ્રીમાન જાય છે. ગરીબ ના ઘેર શ્રીમાન જતા નથી.

સંત થવા માટે દાઢી-જટા વધારવાની જરૂર નથી. સ્વભાવને સુધારે તે સંત બને છે. સંત ની પરીક્ષા આંખ અને મનોવૃત્તિ ઉપરથી થાય છે. સંત પોતાની આંખ ને ઇષ્ટદેવ માં રાખે છે. સંતો મન ને પરમાત્માના ચરણમાં,પરમાત્માના નામમાં, ધામમાં રાખે છે.

સુખ-દુઃખમાં જેની મનોવૃત્તિ એકસરખી રહે છે-તે સંત છે. પ્રતિકૂળ પરિસ્થિતિમાં જેનું મન શાંત રહે છે-તે સંત છે.
મા,સંત શોધવા તું ક્યાં જઈશ ? તું સંત થા,એટલે સંત મળશે.
સંત ને જોવાની દ્રષ્ટિ જોઈએ. દૃષ્ટિ પ્રમાણે સૃષ્ટિ બને છે.
હનુમાનજીને ક્રોધમાં આંખ લાલ થવાથી ધોળાં ફૂલ લાલ દેખાયાં હતાં.
એકનાથ મહારાજ સુંદરકાંડની કથા કહી રહ્યા હતા.-કથામાં તે કહે છે-કે-દરિયો ઓળંગી હનુમાનજી અશોકવનમાં આવ્યા છે.
ત્યારે ત્યાંના ફૂલઝાડો પર ધોળાં ફૂલ ખિલી રહ્યાં હતાં.
હનુમાનજી ત્યાં કથા સાંભળવા આવેલા,તેમણે પ્રગટ થઇ આ વાતનો વિરોધ કર્યો.-કે-મહારાજ આપ ખોટું બોલી રહ્યા છો.
મેં તે વખતે અશોકવનમાં મારી આંખોએ પ્રત્યક્ષ રીતે ફૂલો જોયેલા,તે વખતે ફૂલો ધોળાં નહિ, પણ લાલ હતાં.
એકનાથજી મહારાજે કહ્યું-કે-મારા સીતારામજીને રિઝાવીને હું કથા કરું છું. મને જે દેખાય છે-તેવું વર્ણન કરું છું.
છેવટે ઝગડો રામચંદ્રજી પાસે ગયો. રામજી એ કહ્યું-તમે બંને સાચા છો. ફૂલો ધોળાં હતાં પણ હનુમાનજીની આંખો, તે વખતે ક્રોધથી લાલ હતી-એટલે તેમને-ફૂલો રાતાં દેખાણાં.
સંતના દોષ જોશો નહિ, તમને દોષ જોવાની ઈચ્છા થાય તો-તમારી અંદર નજર કરજો. તમારાં પોતાના દોષને જોજો, બીજાના તો ગુણ જ જોજો. બીજાના ગુણ જોવાની આદત રાખશો,તો તમારી દૃષ્ટિ પણ ગુણમયી બનશે અને એક દિવસ તમે ગુણવાન બની જશો.
સંતોના લક્ષણોમાં તિતિક્ષા-ને-(સહનશીલતા ને) પ્રાધાન્ય આપવામાં આવેલું છે.
સંતોના ચરિત્રો વાંચો તો ખ્યાલ આવશે કે-સંતોને કેટલાં દુઃખ પડેલાં છે,પણ દુઃખોની અસર સંતોના મન પર થતી નથી.
એકનાથ મહારાજ પૈઠણમાં રહેતા. ગોદાવરી નદી ઉપર જવાના રસ્તા પર એક પઠાણ રહે. તે માર્ગમાંથી જે હિન્દુઓ, સ્નાન કરીને જાય, તેમને તે બહુ તંગ કરતો. 

એકનાથ મહારાજ એ જ રસ્તે ગોદાવરીમાં સ્નાન કરવા જતા હતા. પઠાણ-મહારાજને પણ તંગ કરતો પણ એકનાથજી સર્વ સહન કરે. એક દિવસ પઠાણને થયું-આ માણસ ક્રોધ કેમ કરતો નથી? આજે તો તેને ગુસ્સે કરવો જ છે.

એકનાથજી સ્નાન કરી પાછા ફરતાં હતા,ત્યારે પેલો યવન મહારાજ પર થૂંક્યો. મહારાજ ફરી સ્નાન કરવા ગયા. પણ યવન પર ગુસ્સે થયા નહિ. મહારાજ વારંવાર સ્નાન કરવા જાય અને પેલો યવન થૂંકે.

મહારાજ ગોદાવરી માતાને કહે,-કે- મા ફરીફરી સ્નાન કરવા બોલાવે છે-તારી કૃપા છે. યવન  રસ્તોના છોડે ત્યાં સુધી મારે મારો રસ્તો છોડવો નથી. મહારાજ ૧૦૮ વાર સ્નાન કરવા ગયા છે. યવન શરમાયો, મહારાજને પગે પડી ક્ષમા માગી.-આપ સંત છો, આપને હું ઓળખી શક્યો નહિ.
મહારાજ કહે-એમાં ક્ષમા કરવા જેવું શું છે ?તારા લીધે આજ-૧૦૮ વાર ગોદાવરીમાં સ્નાન કરવાનું પુણ્ય મળ્યું.
સાધારણ મનુષ્યનું મન ક્ષણે ક્ષણે બદલાય છે. સંતનું મન એકસરખું શાંત રહે છે. બધી અનુકુળતા હોયને જે શાંત રહે-તે શાંતિ સાચી શાંતિ નથી, બધી પ્રતિકુળતામાં જે શાંતિ રાખે તે સાચી શાંતિ છે. જેનો બ્રહ્મ સંબંધ થયો હોય તેની શાંતિ કાયમ રહે છે.
સંતની પરીક્ષા વ્યાખ્યાન કુશળતાથી થતી નથી, મહારાજને ગાદી-તકિયે બેસાડો, હાર પહેરાવો, પછી બ્રહ્મની વાતો કરે તેમાં શું આશ્ચર્ય ? શાંતિ તેની કાયમ રહે છે-જેનું મન પ્રભુનાં ચરણોમાં રહે છે. જે અંદરથી ઈશ્વરનું અનુસંધાન રાખે છે.
તુકારામના જીવનમાં આવે છે, કે મહારાજને કોઈ દિવસ ક્રોધ આવે જ નહિ. પત્ની કર્કશા હતી. કર્કશ વાણીનો જવાબ મહારાજ મધુર ભાષણથી આપતા. એક દિવસ મહારાજ કથા કરવા ગયા હતા. કોઈ ભક્તે આવી પૂછ્યું-મહારાજ ઘરમાં છે ?
તુકારામની પત્નીએ કહ્યું-તેનો ધંધો શું છે ?આખો દિવસ વિઠ્ઠલ વિઠ્ઠલ કરવું અને કથા કરવી. આ વિઠ્ઠલે મારો સંસાર બગાડ્યો છે.
મહારાજ ખેડૂતને ત્યાં કથા કરવા ગયેલા. ખેડૂતે પ્રસન્ન થઇ,શેરડીનો ભારો આપ્યો.મહારાજ શેરડી લઈને આવતા હતા.
રસ્તામાં જે લોકો જયશ્રી કૃષ્ણ કહે તેને એક શેરડી આપે-ઘેર આવ્યા ત્યારે એક શેરડી બાકી રહેલી.
મહારાજની પત્નીને ખબર પડી,આજે બહુ મળેલું, બધું આપી દીધું છે. તે પાગલ થયા છે,ક્રોધ વધી ગયો છે. ક્રોધમાં વિવેક રહ્યો નહિ,મહારાજના હાથમાંથી શેરડી ખેંચી પીઠ પર મારવા લાગ્યા. શેરડીના બે કટકા થયા, પણ મહારાજની શાંતિનો ભંગ થયો નથી.
અનેક વૈષ્ણવો બેઠા છે.તુકારામે કહ્યું બહુ સારું થયું,મારે શેરડીના બે કટકા જ કરવા હતા. પરમાત્માએ કેવું સુંદર રતન મેળવી આપ્યું છે, મારા મનની વાત તું અગાઉથી જાણી જાય છે.એક કટકો તું ખા અને એક કટકો હું ખાઉં.
મહારાજની પત્નીનું હૃદય ભરાયું છે, પતિના ચરણમાં માથું મુકી ક્ષમા માગી છે,- હું તમને ઓળખી શકી નહિ.
આ દિવસથી તેનું જીવન સુધર્યું છે......સંતોની સહન શક્તિ અલૌકિક હોય છે.
મહારાજ વિરાજતા હતા ત્યારે લોકોએ પણ તેમણે ત્રાસ આપવામાં કસર રાખી નહોતી.
હોળીના દિવસો હતા, કેટલાંક દુર્જનો મહારાજ પાસે આવ્યા,સાથે ગધેડું લઈને આવ્યા-કહે-કે-મહારાજ અમારે તમારો વરઘોડો કાઢવો છે. મહારાજે વિચાર્યું-ના,પાડીશ તો પરાણે બેસાડશે,તેના કરતા મારા મનથી જ શા માટે ના બેસું ?
દુષ્ટ લોકોએ તુકારામને ગધેડા પર બેસાડ્યા છે, પત્નીને દુઃખ થયું, રડવા લાગી. મહારાજને તેની દયા આવી.
તું કેમ રડે છે? તું જોતી નથી, હું તો ગરુડ પર બેઠો છું, મારા વિઠ્ઠલ નાથે મારા માટે ગરુડ મોકલ્યું છે.
સર્વ ને ગધેડો દેખાય છે,પણ તુકારામની પત્નીને ગરુડ દેખાય છે.
તુકારામના જીવનમાં અનેક ચમત્કારો દેખાય છે, પણ તેમણે જાતે કોઈ ચમત્કાર કર્યો નથી. ચમત્કારો પરમાત્માએ કર્યા છે.
સંતો અપમાનને પી જાય છે, પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ તેમની શાંતિનો ભંગ થતો નથી. તો માનવું કે નારાયણનો તેમનામાં વાસ છે. સંતોના ચરિત્રો વાંચવાથી લાભ થાય છે.
મન અશાંત થાય તો ભક્તિનો નાશ થાય છે. જગતમાં અંધારું છે,એટલે પ્રકાશની કિંમત છે. સુખી થવું હોય તો ખુબ સહન કરજો.
--તિતિક્ષા (સહન કરવું) એ સંતોનું પહેલું લક્ષણ બતાવ્યું.
--બીજું લક્ષણ કરુણા- છે. સર્વ દેહધારીઓ પ્રત્યે સુહૃદયભાવ. પારકાનું દુઃખ દૂર કરવા દોડે,તેવા દયાળુ-તે સંત..
--ત્રીજું લક્ષણ વાણી પર સંયમ. સંતો બહુ ઓછું બોલે છે.
->રમણ મહર્ષિના જીવનમાં આવે છે, તેમણે ૧૬ વર્ષ મૌન રાખ્યું છે. ૧૪ વર્ષ પછી તેમનાં માતાજી તેમણે મળવા આવ્યા છે, પણતેમની સાથે બોલ્યા નથી. વ્રત નો ભંગ કર્યો નથી.
સંતને લૌકિક વાતો ગમતી નથી, લૌકિક વાતોમાં જેને આનંદ મળે છે, માનજો તેને સાચો આનંદ મળ્યો નથી.
સંત બોલે તો માત્ર ભગવદકથા વાર્તા જ કહે છે.
--સંતોના બીજા લક્ષણોમાં-અજાત શત્રુ-સરળ સ્વભાવ. સંતોને જગતમાં કોઈ શત્રુ નથી.
  સંત સમજીને સંસારસુખનો-વિષયોનો-બુધ્ધિપૂર્વક ત્યાગ કરે છે. પ્રભુના માટે સર્વનો ત્યાગ કરે છે.
  સંતોના સોળ લક્ષણો બતાવ્યા છે. એક એક લક્ષણ જીવનમાં ઉતારવાની જરૂર છે.
ભગવાન કસોટી કરી અપનાવે છે. ભૂખે મારું, ભોયે સુવાડું, તનની પાડું ખાલ, પછી કરીશ ન્યાલ.
નરસિંહ મહેતાની બહુ કસોટી કરેલી. મહેતાજીએ માગ્યું-ભગવાન કળિયુગમાં આવી કસોટી કરશો  નહિ, આવી કસોટી કરશો-તો કોઈ તમારી સેવા કરશે નહિ.
સંતો-ભક્તો એક ક્ષણ પણ ભગવાનથી વિભક્ત થતા નથી.
ભગવાનની કથા સાંભળવાથી શ્રદ્ધા દૃઢ થાય છે.શ્રદ્ધા વધે-એટલે ભગવાનમાં આસક્તિ થાય. આસક્તિપૂર્વક સેવા-સ્મરણ કરે- એટલે તે આસક્તિ પ્રેમલક્ષણા ભક્તિ બને છે. વ્યસનાત્મિકા ભક્તિ બને છે. ભક્તિ વ્યસનરૂપ બને છે. મુક્તિ સુલભ બને છે.
મા, તીવ્ર ભક્તિ વગર,મુક્તિ મળતી નથી. તીવ્ર ભક્તિ એટલે વ્યસનાત્મિકા ભક્તિ. સતત ભક્તિ કરવાની.
જગત માં સુખી થવાના બે જ માર્ગ છે. એક જ્ઞાનમાર્ગ અને બીજો ભક્તિમાર્ગ.
જ્ઞાનમાર્ગ કહે છે સર્વ છોડીને ઈશ્વર પાછળ પડો. વૈરાગ્ય વગર જ્ઞાન મળતું નથી. જ્ઞાની પુરુષો ઈશ્વર સિવાય બધું તુચ્છ સમજે છે.
જગતને તુચ્છ સમજે છે,જે શરીરમાં રહે છે તેને પણ તુચ્છ સમજે છે. તે સમજે છે કે શરીરનું સુખ-દુઃખ એ મારું સુખ-દુઃખ નથી.
જ્ઞાની સર્વ છોડી દે છે અને માત્ર ભગવાનને પકડી રાખે છે. જ્ઞાન માર્ગના આચાર્ય શિવજી છે. શિવજી ત્યાગનો માર્ગ બતાવે છે.
ત્યાગ કરવો હોય તો સર્વનો ત્યાગ કરો. પણ સર્વનો ત્યાગ કરવો કઠણ છે.
કળિયુગનો માણસ કામનો કીડો છે- ભોગમાં ફસાયો છે, જ્ઞાન માર્ગમાં આગળ વધવું તેના માટે કઠણ છે.
ભક્તિમાર્ગ કહે છે-સર્વમાં ઈશ્વર છે,એમ માની સર્વ સાથે, વિવેકથી પ્રેમ કરો. આ બધું પરમાત્માનું છે, હું પણ પરમાત્મા નો છું, એમ સમજી ને વિવેકથી બધાનો ઉપયોગ કરવાનો છે.
શ્રી મહાપ્રભુજી ની આજ્ઞા છે,કે-તમે ઘર છોડી શકતા નથી તો તમારા ઘરને ઠાકોરજીનું મંદિર બનાવો.
ઘરમાં જે કંઈ છે-તે ઠાકોરજીનું છે- હું તો સેવક છું. ભક્તિમાર્ગમાં સર્વ સમર્પણ કરવાનું છે-છોડવાનું નથી.
ભક્તિમાર્ગના આચાર્ય શ્રીકૃષ્ણ છે. પરમાત્મા શ્રીકૃષ્ણ સર્વ પર પ્રેમ કરે છે. શ્રીકૃષ્ણની જેમ જ મનુષ્યે સર્વ સાથે પ્રેમ કરવાનો છે.
કોઈ પણ સ્વાર્થ વગર,કોઈ પણ જાતની અપેક્ષા વગર પ્રેમ કરવાનો છે.
એક વાર ભૃગુઋષિને થયું-કે-દેવોની પરીક્ષા કરું-કે-દેવોમાં શ્રેષ્ઠ કોણ છે. ભૃગુઋષિ દેવોની પરીક્ષા કરવા જાય છે. વૈકુંઠમાં આવ્યા.
ભગવાન સૂતેલા છે,લક્ષ્મીજી ચરણ ની સેવા કરે છે. ભૃગુઋષિ વિચારે છે-આ આખો દિવસ સુઈ રહે છે,આ કોઈ વિલાસી લાગે છે.
આને મોટો દેવ કોણ કહે ? આવેલા પરીક્ષા કરવા એટલે ક્રોધ આવ્યો છે અને એકદમ આવીને ભગવાન ની છાતી પર લાત મારી.
લાત મારનાર પર પણ કનૈયો પ્રેમ કરે છે. આ બ્રાહ્મણ છે-તેને સજા કરવી નથી. તેની હું સેવા કરીશ.
ભગવાન કહે છે-મારી છાતી સખત-અને તમારાં ચરણ કોમળ,તમારાં ચરણ ને દુઃખ થયું હશે. એમ કહી ઋષિના ચરણની સેવા કરવા લાગ્યા. માતાજીને જરા ખોટું લાગ્યું. આવી રીતે તો પરીક્ષા થતી હશે? તે દિવસથી લક્ષ્મીજી બ્રાહ્મણો પર નારાજ થયા છે.
આ બ્રાહ્મણોને ઘેર મારે જવું નથી. થોડા ક્રોધમાં આવ્યા છે, મારા માલિકની છાતી પર લાત મારી, આ રખડતા રહે એ જ સારું છે.
આ બ્રાહ્મણ ભિખારી રહે તે જ સારું છે, હું બ્રાહ્મણ ને ત્યાં જઈશ નહિ.-
માતાજીએ બ્રાહ્મણોનો ત્યાગ કર્યો છે. એટલે ઘણે ભાગે બ્રાહ્મણો ગરીબ હોય છે. લક્ષ્મીજી ભલે બ્રાહ્મણો પર કુદૃષ્ટિ રાખે પણ ભગવાન નારાયણ કૃપાદૃષ્ટિ રાખે છે.
જ્ઞાની પુરુષો-દેહનાં લાડ કરતા નથી. તે એમ માને છે કે-આ શરીરનો સંબંધ થયો એટલે દુઃખ આવ્યું.
સર્વનો મોહ છોડી તેનો તેનો ત્યાગ કરો-કે સર્વની સાથે તેમાં ઈશ્વર ભાવ રાખી- પ્રેમ કરો.પણ સર્વમાંથી મમતા નો ત્યાગ કરો.
દરેક જીવમાંથી મમતા-મારાપણું ત્યાગવું-એ સમર્પણ માર્ગ- અને અમુકમાં જ મમતા એ સ્વાર્થ માર્ગ.
અત્યારે તો બધા સ્વાર્થ માર્ગી બન્યાં છે.
પૈસો મારો પરમેશ્વર અને બૈરી મારો ગુરુ, છૈયાંછોકરાં મારા શાલિગ્રામ, હુ પુજા કોની કરું?”
કપિલ ભગવાન માતા દેવહુતિ ને કહે છે-કે-
મા , આ સંસાર સાચો દેખાય છે-પણ તેને સાચો માનશો નહિ. જેણે આ સંસાર સાચો દેખાય છે-તે સંસારનો મોહ છોડી શકતો નથી.
જેને પરમાત્મા સાચા લાગે છે તે પરમાત્મા ને છોડી શકતો નથી.
જેણે જગત સાચું લાગે છે, તે જગત સાથે પ્રીતિ કરે છે, જેને જગત મિથ્યા લાગ્યું હોય તે પરમાત્મા સાથે પ્રીતિ કરે છે.
,જગત સ્વપ્ન જેવું છે, આ સિદ્ધાંત વારંવાર એટલા માટે કહેવામાં આવ્યો છે કે-
જગતના પદાર્થોમાં મોહ ના થાય. સંસારના વિષયોમાં પૂર્ણ વૈરાગ્ય આવે.
સંસારના સુખો ભોગવવાની લાલસા હોય ત્યાં સુધી માનવું કે હું સૂતેલો છું. જાગતા ને લાલો મળે છે. (એક વાર મનુષ્ય જાગી જાય પછી બધું સાચા ખોટાનું જ્ઞાન તેની પાસે છે-જ. તેનો બેડો પાર છે. તેને કંઈ શીખવાનું રહેતું નથી)
કંસ એ -કામ અને અભિમાન છે-એ સહુને કારાગૃહ માં રાખે છે. સૂતેલા રાખે છે.
જગતમાં જાગ્યો કોણ ?
તુલસીદાસજી વર્ણન કરે છે-કે-જાનિએ તબહિ જીવ જગ જાગા, જબ સબ વિષય વિલાસ વિરાગા
જયારે સઘળા વિષય-વિલાસો ઉપર વૈરાગ્ય આવે-સંસારસુખ તુચ્છ લાગે-ત્યારે સમજવું કે એ જગતમાં જાગ્યો છે.
માતા દેવહુતિને કપિલદેવે ધ્યાન કરવાની આજ્ઞા કરી છે.
ભગવદધ્યાનમાં જયારે જગત ભુલાય,ત્યારે બ્રહ્મ-સંબંધ થાય છે.
ધ્યાનમાં પ્રથમ શરીરને સ્થિર કરવાનું-પછી આંખને સ્થિર કરવાની અને પછી -મનને સ્થિર કરવાનું.
શરીર અને આંખ સ્થિર ના થાય ત્યાં સુધી-મન સ્થિર થતું નથી.
1.      ભોગભૂમિમાં રહી ભગવાનનું ધ્યાન કરવું કઠણ છે, ભૂમિની અસર મન ઉપર થાય છે. ધ્યાન કરનારે પવિત્ર અને એકાંત સ્થાનમાં ધ્યાન કરવા બેસવું જોઈએ.(ઘરમાં જ કોઈ એક રૂમ ની વ્યવસ્થા હોય-તો તેને ધ્યાનરૂમ બનાવાય)
2.      જેને પરમાત્માનું ધ્યાન કરવું છે તે પવિત્ર અને પરિમિત (માપનું) અન્નનું સેવન કરે. પેટ ભરીને જમવું નહિ કે અતિભૂખ્યા રહેવું નહિ. શરીરને બહુ લાડ કરવા નહિ-કે બહુ ત્રાસ આપવો નહિ.
3.      જેને ધ્યાન કરવું છે તે ચોરી ના કરે (અસ્તેય). અનેકવાર મનુષ્ય આંખ અને મનથી ચોરી કરે છે.
પારકી વસ્તુ જોઈ મન થી તેનું ચિંતન કરવું એ ચોરી છે.
4.      જેને ધ્યાન કરવું છે-તેણે બ્રહ્મચર્ય પાળવું જોઈએ.સર્વ ઇન્દ્રિયોથી બ્રહ્મચર્ય પાળવું જોઈએ. શરીર થી બ્રહ્મચર્ય ઘણા પાળે છે-પણ-મન થી પાળતા નથી. મનથી બ્રહ્મચર્ય નો ભંગ શરીરના બ્રહ્મચર્યનો ભંગ કર્યા બરાબર જ છે.
લખ્યું છે-કે-એક દિવસ બ્રહ્મચર્ય નો ભંગ થાય છે,તો ચાલીસ દિવસ સુધી મન સ્થિર થતું નથી.
5.     જેને પરમાત્માનું  ધ્યાન કરવું છે-તે સ્વ-ધર્મનું પાલન કરે. દેહનું ભાન છે ત્યાં સુધી-સ્વ-ધર્મ છોડવો નહિ.
[અહીં (૧) જેને પરમાત્માનું ધ્યાન કરવું છે-તે સ્વ-ધર્મનું પાલન કરે. તેવું કહ્યું છે -- તેનો અર્થ થાય છે કે સ્વ=આત્મા અને ધર્મ એટલે તેને ઓળખવા પરમાત્માની આરધના, ભક્તિ કરવી.-- "તે સ્વ-ધર્મ."
(૨)  દેહનું ભાન છે ત્યાં સુધી-સ્વ-ધર્મ છોડવો નહિ. -- આ વાક્યનો અર્થ છે કે જ્યાં સુધી આત્માને ઓળખી ન લો અને જ્યાં સુધી આત્મા-પરમાત્માની એકતા ન અનુભવાય ત્યાં સુધી સ્વ-ધર્મ ન છોડવો.]
ધ્યાન કરતાં કરતાં જેમ જેમ તન્મયતા વધે છે,તેમ તેમ આનંદ વધે છે.
પછી ધ્યાનની વિધિ બતાવી છે-જેનું આગળ વર્ણન થઇ ગયું છે.
કપિલદેવ કહે છે- મા પરમાત્માનાં અનેક સ્વરૂપો છે.તેમાંથી કોઈને ઇષ્ટદેવ માની તેનું ધ્યાન કરો.
દેવહુતિ પૂછે છે-હું કયા સ્વરૂપનું ધ્યાન કરું ?
કપિલ ભગવાન કહે છે-મા ,શંખ,ચક્ર,ગાળા અને પદ્મ જેના હાથમાં છે-એવા ચતુર્ભુજ નારાયણનું  તમે ધ્યાન કરો.
ધ્યાન કરતાં પહેલાં ઠાકોરજી સાથે સંબંધ જોડવો પડે છે. દાસ્ય ભક્તિ માં(દાસ્યભાવ) પહેલાં ચરણમાં દૃષ્ટિ સ્થિર કરવી પડે છે.
જેનો સખ્યભાવ છે,માધુર્ય ભાવ છે-વાત્સલ્યભાવ છે-તે જ્યાં સુધી પ્રભુના મુખારવિંદનાં દર્શન ના કરે ત્યાં સુધી આનંદ આવતો નથી.
આ જીવ પ્રેમથી પરમાત્માનું ધ્યાન કરે છે-  ત્યારે પરમાત્મા જીવ તરફ જુએ છે.
વારંવાર મનને એક સ્વરૂપમાં સ્થિર કરો. પરમાત્માના સ્વરૂપમાં આસક્તિ ના થાય ત્યાં સુધી ભક્તિ થતી નથી.
સંસાર સુંદર છે-એ વિચારમાંથી કામનો ઉદ્ભવ થાય છે-પ્રભુ સુંદર છે-એમ વિચારવાથી-ભક્તિ નો ઉદ્ભવ થાય છે.
પરમાત્માના એક એક અંગમાં મનને સ્થિર કરો. ઠાકોરજીના એક એક અંગમાંથી કમળ ની સુગંધ નીકળે છે-એટલે તો કર-કમળ,ચરણ-કમળ ,મુખ-કમળ એમ કહે છે. ઠાકોરજીના ચરણમાં દ્રષ્ટિને સ્થિર કરો.
આંખ સ્થિર થાય એટલે મન સ્થિર થાય છે. ધ્યાનમાં તન્મયતા થાય એટલે સંસાર ભુલાય છે. દેહભાન ભુલાય છે-અને આનંદ આવે છે.
મા, એવી ભાવના કરવી-કે મારા પર ભગવાનની કૃપા થઇ છે. પ્રભુના કિરણો મારા પર પડે છે. ધ્યાન કરતાં-દેહની વિસ્મૃતિ થાય છે, ત્યારે આત્મા દેહથી છુટો પડે છે,ત્યારે તન્મયતા થાય છે,ત્યારે ધ્યાન કરનારને પરમાનંદ મળે છે- તે આનંદ નું કોઈ વર્ણન કરી શકે નહિ.
જ્ઞાની પુરુષો પરમાત્માના રૂપમાં એવા મળી જાય છે કે તે પછી તે કહી શકતા નથી-કે- હું જાણું છું-કે-નથી જાણતો.
ખાંડ ની પૂતળી સાગરની ઊંડાઈ માપવા ગઈ તે પાછી જ આવી નહિ. પરમાત્મા સાગર જેવા વિશાળ,વ્યાપક છે.
ધ્યાન કરતાં-ધ્યાન કરનારો-ધ્યેય (ઈશ્વર) માં મળી જાય છે.-તેણે જ મુક્તિ કહે છે.-આ જ અદ્વૈત છે. ધ્યાન કરનાર નું હું પણું ભુલાય ત્યારે જીવ અને શિવ એક થાય છે.
તે પછી જીવનું જીવપણું ઈશ્વરમાં મળી જાય છે. જીવનું જીવ પણું રહેતું નથી. જેમ ઈયળ-ભમરીનું ચિંતન કરતાં કરતાં ભમરી બને છે-
તેમ જીવ-ઈશ્વરનું ચિંતન કરતાં કરતાં ઈશ્વરમય બને છે. જીવ-ઈશ્વરનું મિલન થયું તે પછી જીવભાવ રહેતો નથી.
તુલસીદાસજી એ માનસમાં લખ્યું છે- એને-(ઈશ્વરને) કોણ જાણી શકે ? જેના પર એ-(ઈશ્વર) કૃપા કરે તે-જ- એ-ને જાણી શકે.
ધ્યાન કરનારો જે સ્વરૂપનું ધ્યાન કરે છે-તે ધ્યેય(દેવની) ની શક્તિ ધ્યાતા(ધ્યાન કરનારા) માં આવે છે.       
શંકરાચાર્ય જીવન માં કથા આવે છે.
એક યવન શંકરાચાર્ય ને મળ્યો. કહ્યું-મારે ભૈરવ યજ્ઞ કરવો છે.પૃથ્વીના સાર્વભૌમ રાજાના મસ્તક ની આહુતિ તેમાં આપવી પડે છે.
તે તો મળે તેમ નથી,માટે તમે તમારું મસ્તક મને આપો.તમે કહો છો-આત્મા પરમાત્માથી દેહ જુદો છે. દેહ આપવાથી તમે મરવાના નથી. તો તમારુ મસ્તક મને આપો.
શંકરાચાર્યે કહ્યું-મારા મસ્તકથી તારું કામ થતું હોય તો લઇ જા. પણ શિષ્યોની હાજરીમાં મારું મસ્તક લેવા આવ્યો તો અનર્થ થશે.
માટે શિષ્યો ન હોય અને હું ધ્યાનમાં બેસું ત્યારે આવીને મસ્તક લઇ જજે.
દેહાધ્યાસ દૂર થયો હતો. માથું આપવા તૈયાર થયા છે. મઠમાં કોઈએ તે જાણ્યું નથી. યવન મસ્તક કાપીને લઇ જવા આવ્યો.
શંકરાચાર્યના શિષ્ય પદ્મપાદ હતા.તેઓ નૃસિંહ સ્વામીના ભક્ત હતા.પદ્મપાદને ગંગાકિનારે અનેક અપશુકન થાય છે.
તે દોડતાં દોડતાં પાછા મઠમાં આવે છે. જોયું તો યવન તલવાર લઈને ગુરુદેવનું શિર કાપવા તૈયાર થયો છે. પદ્મનાભને એકદમ ક્રોધ આવ્યો છે, સિંહ બનીને તેમણે યવનને ચીરી નાંખ્યો.
આ પ્રસંગ બતાવે છે-કે-ઉપાસકમાં ઉપાસ્ય ( નૃસિંહ સ્વામી) ની દિવ્યશક્તિ આવે છે.
શુકદેવજી વર્ણન કરે છે-મદિરા પીધેલાને જેમ દેહનું ભાન નથી રહેતું નથી-તેમ ધ્યાન કરતા જે દેહભાન ભૂલે છે તેની પાછળ પાછળ ભગવાન ભમે છે- પ્રભુપ્રેમમાં જે પાગલ થયો છે તે સુખી છે-બાકીના સર્વ દુઃખી છે.
ભગવાન વિના બીજું કંઈ નથી. હું જોનારો પણ ભગવદરૂપ થયો છું. આ અપરોક્ષ સાક્ષાત્કાર છે.
એવી તન્મયતા થાય તો ભક્તિ સુલભ છે.
ભગવાનના પ્રેમમાં જે દેહભાન ભૂલે છે-તે જ્ઞાની મહાત્મા શ્રેષ્ઠ છે.
1.      મનુષ્યમાં બ્રાહ્મણ શ્રેષ્ઠ છે.
2.      બ્રાહ્મણોમાં વેદ ભણેલો બ્રાહ્મણ શ્રેષ્ઠ છે.
3.      વેદ ભણેલા કરતાં જે વેદ નો અર્થ જાણે છે-તે શ્રેષ્ઠ છે.
4.      વેદાર્થ જાણનાર કરતાં ત્રણ વખત સંધ્યા કરનાર શ્રેષ્ઠ છે.
5.     પરંતુ ભગવાનના પ્રેમમાં જે જગતને ભૂલી ગયો છે-તે સહુથી શ્રેષ્ઠ છે.
માતા ,આ સર્વ કરતાં શ્રીકૃષ્ણનું ધ્યાન કરતાં જે  દેહભાન ભૂલે છે,તે સર્વ થી શ્રેષ્ઠ છે. ભગવદભક્તો પ્રારબ્ધકર્મ ને મિથ્યા કરી શકે છે.
પ્રેમ અન્યોન્ય હોય છે.તમે ઠાકોરજીનું સ્મરણ કરશો તો ઠાકોરજી તમને ભૂલશે નહિ.

ભગવાન કહે છે-મારા નિષ્કામ ભક્તો કોઈ પણ પ્રકારની મુક્તિની ઈચ્છા પણ- કરતા નથી. મારી સેવા વિના બીજી કોઈ ઈચ્છા તેઓ રાખતા નથી. એવા નિષ્કામ ભક્તોને મારી સેવાને છોડીને-(તેના બદલે) જો સાલોક્ય.સાષ્ટિ,સામીપ્ય,સારૂપ્ય અને સાયુજ્ય મુક્તિઓ આપવામાં આવે તો પણ તે લેતા નથી. (ભાગવત-૩-૨૯-૧૩)

No comments: