શ્રીમદ્ભાગવત સ્કંધ – 8 (Page 59)

શ્રીમદ્ભાગવત સ્કંધ – 8 (Page 59)



મનુષ્ય સમજે છે-કે આ સંપત્તિ-સંતતિ શરીર મારું છે-પણ તેનું કાંઇ નથી.સર્વ તમારું છે.
ગીતાજીનો આરંભ-ધર્મ-શબ્દથી કર્યો છે અને અંત મમ-શબ્દથી કર્યો છે.

આ બે શબ્દોની મધ્યમાં ગીતા છે.

મમ-એટલે મારું- મારુ શું ? તો મમ-ધર્મ-એટલે-મારો એક માત્ર ધર્મ જ છે.
અહીં ધર્મ એટલે સત્કર્મ- મારે હાથે જેટલું સત્કર્મ થયું એટલું જ મારું છે. શરીર પણ મારું નથી.
અર્જુને ભગવાનને કહ્યું-હું તમારો છું-તમારી શરણે આવ્યો છું.તો તેને ભગવાને અપનાવવો પડ્યો.
અને પ્રેમથી વશ થઇ - તેનો રથ હાંકવો પડ્યો.
મનુષ્યમાં સમજ નથી કે મારુ શું છે? એટલે જ જગતમાં મારા-મારીથાય છે.
દ્રવ્ય સિવાય બીજું સુખ છે કે નહિ તે મનુષ્ય જાણતો નથી.
આત્માનંદ જેવી કોઈ વસ્તુ છે કે નહિ તે મનુષ્ય જાણતો નથી.
આપણા હાથે જે સત્કર્મ થાય તે જ આપણું. આ જીવ કશાનો માલિક નથી,માલિક પ્રભુ છે.
જીવ તો માત્ર મુનીમ છે.આ શરીર પર પણ જીવ ની સત્તા નથી.તો બીજા પદાર્થો પર સત્તા કયાંથી હોય ?
યમરાજ નો હુકમ થાય એટલે આ શરીર છોડવું પડે છે.દુનિયા ના કાયદા ત્યાં કામ માં આવતા નથી.
યમરાજ ને કહેશો-કે આ ઘર મારું છે-હું ઘણા સમયથી આમાં રહું છું-તો તે ચાલશે નહિ.
જીવ જયારે- મારું મારું કહે ત્યારે ભગવાન મારે છે. તારું તારું કહે છે તેને ભગવાન તારે છે.
વામનજી કહે છે-મારું એક પગલું હજુ બાકી છે-બલિ- બંધનમાં આવ્યો છે- તેને બાંધો.
પણ પતિની ભૂલ પત્ની વિન્ધ્યાવલીએ આવી સુધારી છે. તે કહે છે-કે તેમને બાંધશો નહિ.
મારા પતિના બોલવામાં ભૂલ થઇ છે. આ જીવ માલિક નથી પણ મુનીમ છે.
નાથ,તમને કોઈ દાન આપી શકે નહિ. મારા પતિ અભિમાનથી બોલ્યા છે-કે મેં દાન આપ્યું છે.
નાથ,આપ સર્વના માલિક છે. મારા પતિના બોલવામાં ભૂલ થઇ છે, તે માટે વંદન કરી હું ક્ષમા માગું છું.
વિન્ધ્યાવલી હવે પતિ બલિરાજાને કહે છે-ગભરાશો નહિ, ઠાકોરજીને પ્રણામ કરો. તેમનું આપેલું જ તેમને આપવાનું છે.
આ શરીર હજી બાકી છે. ભગવાન ને કહો-કે એક ચરણ બાકી છે-તે મારા મસ્તક પર પધરાવો.
મસ્તક બુદ્ધિપ્રધાન છે. બુદ્ધિમાં કામ રહેલો છે.
જીવ અને ઈશ્વરના મિલનમાં વિઘ્ન કરનાર કામ છે.
ભગવાનના ચરણ માથા પર આવે તો-બુદ્ધિગત કામ- નો નાશ થાય છે. અને બુદ્ધિ સુધરે છે.
ગોપીઓ પણ ગોપીગીતમાં એ જ ભાવના કરે છે. અમારા મસ્તક પર આપનો કરકમળ પધરાવો.
બલિરાજા બોલ્યા છે-કે-મારા મસ્તક પર આપનું ત્રીજું ચરણ પધરાવો.
મારી ભૂલ થઇ છે,મેં કહ્યું કે દાન આપનાર મોટો-દાન લેનારો હલકો. મને બોલતાં આવડ્યું નહિ. ક્ષમા કરો.
મારું કાંઇ નથી.તમારું જ તમને અર્પણ કરું છું. આપ તો ખરેખર અસુરોના પરોક્ષ ગુરુ છો. કેમકે અનેક રીતે મદાંધ થયેલાં અમોને મોટાઈથી (અહમથી) પાડી-અમારી આંખો આપે ખોલી છે.
એવામાં બલિરાજાના પિતામહ  (દાદા) ત્યાં આવી પહોંચ્યા. પ્રહલાદજી ભગવાનને કહે છે-કે-મારા પૌત્ર આ બલિને આપે ઇન્દ્ર્પદ આપેલું અને તે પાછું લઇ લીધું,(સ્વર્ગનું રાજ્ય પાછું લઇ લીધું)
અને તેને લક્ષ્મીજીથી ભ્રષ્ટ કર્યો તે તો આપે એના પર મોટો અનુગ્રહ કર્યો છે.
એમ હું માનુ છું.કારણકે આપે (બ્રહ્માજી ને) કહ્યું હતું કે-
હું જેના પર કૃપા કરું છું,તેનું ધન હું હરી લઉં છું.કેમકે ધન ને લીધે પુરુષ મદવાળો-અભિમાની બને છે. અને મારું અને લોકોનું અપમાન કરવા લાગે છે.
દાન આપનારમાં અભિમાન આવવું ન જોઈએ.
શરીર અર્પણ કરવાનું એટલે અહંકાર-હુંપણું-અભિમાન અર્પણ કરવાનું.
દાન આપનારો દીન ના બને તો તે દાન સફળ થતું નથી.
જયારે બલિરાજા માં દૈન્ય આવ્યું, ત્યારે પરમાત્મા નું હૃદય પીગળ્યું છે. પરમાત્મા (વામનજી) કહે છે-કે-
તેં મને સર્વસ્વ નું દાન આપ્યું એટલે હું તારો ઋણી થયો છું.
દૈન્ય આવ્યું એટલે પરમાત્મા ઋણી થયા છે.અને રાજાને કહે છે-
રાજા સ્વર્ગ નું રાજ્ય તો મેં ઇન્દ્રને આપ્યું છે,પણ પાતાળલોક નું રાજ્ય હું તને આપું છું.
તારું સર્વસ્વ નું દાન લીધું છે-હું તો તને-બીજું કઈ આપી શકતો નથી-પણ તારા દ્વારે હું પહેરો ભરીશ.
બલિરાજાને આનંદ થયો છે. પાતાળ-લોકનું રાજ્ય સારું છે- અહીં ભગવાનનું સતત સાનિધ્ય છે.
બલિરાજાના આ ચરિત્રમાં થોડું રહસ્ય છે.
બલિરાજા અને વામનજી નું ચરિત્ર ની કથા પાછળ નું રહસ્ય એવું છે કે-
બલિરાજા એ જીવાત્મા છે-અને વામનજી એ પરમાત્મા છે.
બલિરાજા ના ગુરુ શુક્રાચાર્ય છે-એટલે કે જે શુક્ર ની સેવા કરે-જે સંયમી છે-
જે પ્રત્યેક ઇન્દ્રિય થી બ્રહ્મચર્ય નું
પાલન કરે છે-તેને કોઈ મારી શકતું નથી.
વામન ભગવાન પણ બલિરાજાને ને મારી શકતા નથી.
કંસ વગેરે ને માર્યા છે-પણ બલિરાજા ને મારતા નથી.
બલિરાજા નિષ્પાપ છે,સદાચારી છે.શુક્રાચાર્ય ની સેવા કરે છે તેથી બળવાન બન્યા છે,
અને ત્યારે જ ભગવાન આંગણે આવે છે. બળવાન જ ભગવાન ને માર્ગે જઈ શકે છે.
જે અંદરના શત્રુઓ-કામ,ક્રોધ,લોભ,મોહ,મદ અને મત્સરને મારે તે જ બળવાન છે.
શરીરબળ,બુદ્ધિબળ,દ્રવ્યબળ,જ્ઞાનબળ કરતાં પ્રેમબળ સહુથી શ્રેષ્ઠ છે.
પ્રેમ બળ આગળ બીજાં બધાં બળ ગૌણ છે.સર્વ બળની હર થાય છે-ત્યારે પ્રેમબળની જીત થાય છે.
માત્ર પ્રેમબળથી જ પરમાત્માને જીતી શકાય છે.
પરમાત્મા સાથે પ્રેમ કરવો હશે તો જગત સાથે પ્રેમ છોડવો પડશે.
પરમાત્મા સાથે પ્રેમ કરશો અને સંયમ ને વધારશો એટલે તમે બલિ થશો.
અને ત્યારે પરમાત્મા તમારે આંગણે વામન રૂપે આવશે.
સર્વ થી મોટા પરમાત્મા બલિ ને આંગણે વામન થઇને આવ્યા છે.
માગતાં ભગવાન ને સંકોચ થયો છે-તેથી વામન-નાના થઈને આવ્યા છે.
એકવાર એક બહેન કથા સાંભળવા નીકળ્યાં.તે જ વખતે તેનો નાનો દીકરો રડવા લાગે છે.
મા બાળક ને રમકડાં આપે છે- પણ બાળક શાંત થતો નથી, મા નાં કપડો ખેંચે છે-અને કહે છે-તું ના જા.
બાળક ને રડતો મૂકી બહેન કથા સાંભળવા જતાં નથી. બાળકના પ્રેમ આગળ તે દુર્બળ છે.
પણ આગળ જતાં છોકરો મોટો થાય પરણે-એટલે મા નો પ્રેમ ભૂલી જાય છે.છોકરા નો પ્રેમ વિખરાય છે.
અને હવે તે જ છોકરો મા ને કથા સાંભળવા જવાની ના કહે-તો મા તેનું માનશે નહિ.
બાળક હતો ત્યારે તેનો મા ઉપર સો ટકા પ્રેમ હતો, અને પ્રેમ આગળ મા દુર્બળ હતી,હવે નહિ.
પરમાત્મામાં પણ સો ટકા પ્રેમ થાય તો પરમાત્મા દુર્બળ બને છે, આંગણે ભિક્ષા લેવા આવે છે.
પરમાત્મા આંગણે આવે એટલે ત્રણ વસ્તુ માગે છે.(ત્રણ પગલાં પૃથ્વીની માફક)
તન,મન અને ધન.
આ ત્રણ વસ્તુઓ ભગવાનને આપવી જોઈએ. તન,મન અને ધનથી પરમાત્માની સેવા કરો.
તનથી સેવા કરશો તો શરીરનું દેહાભિમાન ઓછું થશે.
ધનથી સેવા કરશો તો ધન પરની મમતા ઓછી થાય છે. મોહ ઓછો થાય છે.
મનથી સેવા કરશો તો પાપ બળશે. મન પવિત્ર થશે,હૃદય પીગળશે, અને મનને શાંતિ મળશે.
સર્વ વસ્તુઓ ભગવાનની છે-અને ભગવાનને સમર્પણ કરવાની છે. તેનું આપેલું તેને આપવાનું છે.
તન,મન,ધન જો બલિની જેમ ભગવાનને અર્પણ કરે તો ભગવાન તેના દ્વારે પહેરો ભરશે.
તેના શરીરની પ્રત્યેક ઇન્દ્રિયના દ્વારે ભગવાન નારાયણ વિરાજે છે. તેનું રક્ષણ ભગવાન કરે છે.
તેની આંખમાં કન્હૈયો ,તેના કાન માં કન્હૈયો,તેના મનમાં કન્હૈયો,તેના હૈયામાં કન્હૈયો-રહેશે.
ત્રણ પગ પૃથ્વી નો બીજો અર્થ થાય છે-સત્વ,રજ,અને તમસ ત્રણ ગુણો ઈશ્વરને અર્પણ કરવાના છે.
શરીરથી ભગવદ-સેવા કરશો-તો તમોગુણ ઓછો થશે.
ઈશ્વર સેવા માં ખુબ ધન વાપરશો તો રજોગુણ ઓછો થશે.
તન અને ધન આપો પણ જ્યાં સુધી મન પરમાત્મા ને આપશો નહિ ત્યાં સુધી પરમાત્મા રાજી થશે નહિ.
તનથી સેવા થાય પણ મનથી ના થાય તો સેવામાં આનંદ આવતો નથી.
મનથી ઈશ્વર જોડે સંબંધ જોડવાનો છે.
મનુષ્ય સર્વસ્વ ઈશ્વરને આપતો નથી,પણ પોતાના માટે થોડું રાખીને ઈશ્વરને આપે છે, એટલે જ પરમાત્મા પ્રસન્ન થતાં નથી.
સત્વગુણનો નાશ કરવા માટે મનને પણ શ્રીકૃષ્ણ ને અર્પણ કરવાનું છે.
મનને પરમાત્માની સેવામાં પરોવી રાખવાનું. સેવા કરતાં કરતાં આંખમાં આંસુ આવે તો માનજો લાલાજીએ કૃપા કરી છે.
જ્ઞાનીઓ ઈશ્વર સાથે મનથી સંબંધ જોડે છે-તનથી નહિ.
બલિરાજાએ ધન આપ્યું,મન આપ્યું પણ જ્યાં સુધી પોતાનું તન આપ્યું નથી.-
પોતાની જાતનું સમર્પણ કરતો નથી.- દાન આપ્યા પછી ભગવાનને નમતો નથી
ત્યાં સુધી તે ભગવાનને ગમતો નથી.
બલિરાજને સૂક્ષ્મ અભિમાન હતું કે હું દાન આપું છું.
મનમાં થોડી ઠસક હતી કે મેં બધું આપી દીધું છે. હું મોટો દાનવીર છું.
સમર્પણ કર્યા પછી દૈન્યતા આવી નહિ.
કરવાનું બધું વિધિપૂર્વક પણ માનવાનું કે મેં કાંઇ કર્યું નથી.
ભગવાનને કહેવાનું-કે નાથ, “મંત્રહિનમ ,ક્રિયાહિનમ ભક્તિહિનમ જનાર્દન,”
હું મંત્રરહિત છું,ક્રિયારહિત છું,ભક્તિરહિત છું.મારી કાંઇ ભૂલ થતી હોય તો ક્ષમા કરજો.
અને મારા કર્મને પરિપૂર્ણ માનજો.
સત્કર્મ કર્યા પછી દૈન્ય ન આવે તો સત્કર્મ સફળ થતું નથી.
કર્મ બાધક થતું નથી પણ કર્મ મેં કર્યું છે” -એવો અહંકાર કર્મ માં બાધક છે.
એટલે જ જયારે બલિમાં દૈન્ય આવ્યું, ત્યારે સેવ્ય (જેની સેવા કરવાની છે તે) સેવક બન્યા છે.
ભગવાન પહેરો ભરવા તૈયાર થયા છે.
બલિરાજાને સૂતળ-પાતાળનું રાજ્ય મળ્યું. બલિરાજાએ રાજ્યમાં પ્રવેશ કર્યો, તેમને આનંદ થયો છે.
સ્વર્ગ કરતાં પાતાળનું રાજ્ય સારું છે. સ્વર્ગ કરતાં વધારે શાંતિ પાતાળમાં તેમને લાગે છે.
અહીં જ્યાં નજર કરો ત્યાં નારાયણ દેખાય છે.
પ્રત્યેક દરવાજે શંખ,ચક્ર,ગદા,પદ્મધારી-શ્રીકૃષ્ણ વિરાજતા હતા. પહેરો ભરતા હતા.
એક વખત -રાવણ ફરતો ફરતો પાતાળમાં બલિરાજા સાથે લડવા આવ્યો.
તેણે- ભગવાનને બલિરાજાના મહેલના દ્વારે પહેરો ભરતા જોયા. રાવણે કહ્યું-કે મારે બલિરાજા જોડે યુદ્ધ કરવું છે. વામનજીએ કહ્યું- હું તો સેવક છું, પહેલાં મારી જોડે લડ- પછી મારા માલિક સાથે.
વામન ભગવાને- રાવણની છાતી પર લાત મારી, તો તે સમુદ્ર કિનારે જઈ પડ્યો.
રાવણ એ કામ છે, તમારા ઇન્દ્રિય દ્વારે ભગવાન પહેરો ભરે તો તેમાં કામ પ્રવેશ કરી શકે નહિ.
વામનજી ભગવાન બલિરાજાને ત્યાં દાન લેવા ગયા અને દાન લઇ તેના ઘેર પહેરો ભરવો પડ્યો.
જે દાન લે છે તે બંધનમાં પડે છે.
વામનજીએ દાન લઇ સ્વર્ગનું રાજ્ય ઇન્દ્રને અને પાતાળનું રાજ્ય બલિરાજાને આપ્યું છે.
ઇન્દ્ર-બલિરાજા અને સર્વને આનંદ થયો છે-પણ એક મહાલક્ષ્મી દુઃખી થઇ ગયા છે.
ઘરમાં બધું હતું પણ એક નારાયણ વગર ચેન પડતું નથી. ક્યારે આવશે? ક્યાં હશે ?
નારાયણની ખબર કદાચ નારદને હોય. અકળાઈને તેમણે નારદજીને પૂછ્યું-
મારા સ્વામી ક્યાં બિરાજ્યા છે ? તમે કઈ જાણો છો ?
નારદજી કહે છે-મેં સાંભળ્યું છે-કે-સૂતળ-પાતાળમાં બલિના દ્વારે લાકડી લઈને પહેરો ભરે છે.
બલિને ત્યાં દાન લેવા ગયા હતા એટલે બંધનમાં પડ્યા છે. હાથમાં દાન લીધું એટલે યજમાનને આધીન થયા છે.
(હાથમાં કન્યાદાન લીધા પછી-પુરુષોનું તેજ ઓછું થાય છે)
સાધારણ વસ્તુનું દાન લે-તો પણ પુણ્ય ઓછું થાય છે-આ તો સર્વસ્વનું દાન લીધું છે.
એટલે ઋણમાં પડ્યા છે. બલિરાજા રજા આપે તો જ તે ઘેર આવી શકે.
લક્ષ્મીજી સૂતળ-પાતાળમાં આવ્યાં છે.
ઘરમાં ઠાકોરજીને પધરાવશો તો લક્ષ્મીજી પાછળ પાછળ વિના આમંત્રણે આવશે.
ભગવાન જ્યાં હોય ત્યાં લક્ષ્મીજી આવે છે. જ્યાં નારાયણની સેવા ના હોય ત્યાં લક્ષ્મીજી પધારતાં નથી.
લક્ષ્મીજી મહાન પતિવ્રતા છે. એકલા લક્ષ્મીજી કોઈને ત્યાં જતાં નથી. (અને કદાચ જાય તો રડાવે છે)
લક્ષ્મીજી ,જો નારાયણ સાથે આવે તો ગરુડ ઉપર બેસીને આવે છે. અને
જો એકલાં આવે છે ત્યારે ઘુવડ પર બેસીને આવે છે.
લક્ષ્મીજીને પ્રાર્થના કરો-તો કહેજો કે મા, તમે નારાયણની સાથે આવજો.
બલિરાજાને ત્યાં જવા, લક્ષ્મીજીએ બ્રાહ્મણ પત્નીનો વેશ લીધો છે અને પાતાળલોકમાં આવ્યા છે.
કોઈ તેમને ઓળખી શક્યા નહિ. લક્ષ્મીજીએ બલિરાજાને કહ્યું-કે હું બ્રાહ્મણ કન્યા છું. આશાથી આવી છું.
જગતમાં મારે કોઈ ભાઈ નથી, અને મેં સાંભળ્યું છે કે તમારે કોઈ બહેન નથી,
આજથી તું મારો ધર્મનો ભાઈ અને હું તારી ધર્મની બહેન.
બલિને આનંદ થયો છે. બલિરાજાએ પ્રણામ કર્યા. ને કહ્યું-કે-
અત્યાર સુધી મને એક દુઃખ હતું કે મારે કોઈ બહેન નથી, હવે મને બહેન મળી ગઈ.
આ બધું તમારું છે, આને તમારું પિયર માનજો.
માતાજીની પધરામણી થઇ ત્યારથી, ગામ સુખી થયું છે. બધાને આનંદ હતો. પણ માતાજીને આનંદ ન હતો.
મારા નાથ હાથમાં લાકડી લઇ સિપાઈની જેમ પહેરો ભરે છે. કોઈ એવો અવસર આવે ત્યારે મારા પતિને બંધનમાંથી છોડાવું.
શ્રાવણ મહિનો આવ્યો છે, રક્ષાબંધનનો દિવસ આવ્યો. લક્ષ્મીજી એ તે દિવસે બલિરાજાને કહ્યું, કે આજે હું મારા હાથે તમને રાખડી બાંધીશ. બલિરાજા બહુ ભાગ્યશાળી છે, માતા મહાલક્ષ્મી રાખડી બાંધે છે અને આશીર્વાદ આપે છે. બલિરાજા પ્રણામ કરે છે.
બહેન રાખડી બાંધે એટલે ભાઈનો ધર્મ છે કે-બહેનને કાંઇક આપવું જોઈએ, બહેન ખાલી હાથે ન જાય.
બલિરાજાએ માતાજીને કહ્યું- તમારી ઈચ્છા હોય તે માગો, જરા પણ સંકોચ રાખશો નહિ.
લક્ષ્મીજીએ કહ્યું-કે-મારા ઘરમાં બધું છે-પણ એક નથી, તેથી હું દુઃખી છું. મારે બીજું કાંઇ ના જોઈએ, પણ આ તારે ત્યાં જે પહેરો ભરે છે, તે જોઈએ છે. તેમને તું મુક્ત કર.
બલિરાજા પૂછે છે-કે તે તમારાં શું સગા થાય ?
લક્ષ્મીજી એ જવાબ આપ્યો-કે-એ મારા સર્વસ્વ છે, મારા નારાયણ છે. હું તેમને-મારા પતિને તારા બંધનમાંથી છોડાવવા આવી છું.
ત્યાં જ નારાયણ ચતુર્ભુજ રૂપે પ્રગટ થયા છે. બલિરાજાને અતિ આનંદ થયો છે, બંનેને વંદન કર્યા છે.
લક્ષ્મીનારાયણની પૂજા કરી છે.
શુકદેવજી વર્ણન કરે છે-આ રીતે લક્ષ્મીજી દાન લઈને બંધનમાં પડેલા પ્રભુને છોડાવે છે. અને નારાયણને વૈકુંઠ ધામમાં લઇ ગયા છે.
મહાલક્ષ્મી નારાયણ સાથે વૈકુંઠમાં શ્રાવણ સુદ ૧૫ ના રોજ પધાર્યા છે-એટલે
રામાનુજાચાર્ય પંથના મંદિરોમાં તે દિવસે પાટોત્સવ કરવાની રિવાજ છે.
હવે શરણાગતિની કથા શરુ થાય છે.
શુકદેવજી વર્ણન કરે છે-રાજન,પરમાત્મા કૂર્માવતાર લે કે મત્સ્યાવતાર લે, પણ તે સદા ઈશ્વર જ રહે છે.
કૂર્મ કે મત્સ્યના જે ગુણદોષ છે તે પરમાત્મામાં આવતા નથી.
પણ જીવ જયારે પશુનો અવતાર લે ત્યારે તેનામાં પશુના ધર્મો આવે છે.
સત્યવ્રત (મનુ મહારાજ) કૃતમાલા નદીના કિનારે તપશ્ચર્યા કરતા હતા.
એકવાર નદીમાં ઉભા રહી જળતર્પણ  કરતા હતા, ત્યારે તેમના હાથમાં માછલો આવ્યો.
તેમણે તે માછલાને પાણીમાં પાછો  છોડી દીધો.
માછલાએ કહ્યું-હું તમારાં હાથમાં આવ્યો-એટલે તમારા શરણે આવ્યો છું, મોટા માછલાં મને મારી નાખશે, મારું રક્ષણ કરો. એટલે રાજાએ તેને કમંડળમાં રાખ્યો. ત્યાં તે મોટો થયો.
માછલાએ કહ્યું,-કે મને વિશાળ જગ્યામાં પધરાવો. ત્યાં પણ તેણે વિશાળ સ્વરૂપ ધારણ કર્યું છે.
સત્યવ્રતને આશ્ચર્ય થયું છે. વિચારે છે-કે આ માછલો સાધારણ નથી, કોઈ મહાન લાગે છે.
માછલાની કથા પાછળ નું રહસ્ય એવું છે-કે-
માછલો એ વૃત્તિ છે. વૃત્તિ વિશાળ થાય છતાં બ્રહ્માકાર ન થાય ત્યાં સુધી એક ઠેકાણે રહી શકે નહિ.
માયાના આવરણનો ભંગ કરવા બ્રહ્માકાર વૃત્તિ આવશ્યક છે. હું સર્વમાં છું અને સર્વ મારામાં છે
આ જીવના હૃદયમાં ઈશ્વર રહેલો છે-છતાં દુઃખી થાય છે.
દીવાના પ્રકાશે ભાગવતનો પાઠ કરો કે તે જ પ્રકાશના સહારે કોઈ ચોરી કરે, તો પણ દીવાને તે બંનેમાં કોઈના પ્રત્યે ભાવ કે કુભાવ નથી.
દીવાનો એક જ ધર્મ છે-કે સર્વ કોઈને પ્રકાશ આપવાનો. પ્રકાશને કોઈની સાથે સંબંધ નથી.
પરમાત્મા સર્વના હૃદયમાં રહી, દીવાની જેમ-માત્ર સાક્ષીરૂપે પ્રકાશ આપે છે.
જીવ પાપ કરે કે પુણ્ય કરે તેની અસર સાક્ષી પરમાત્માને થતી નથી.
ઈશ્વરને ન કહેવાય-નિષ્ઠુર કે ન કહેવાય દયાળુ. ઈશ્વરના માટે કોઈ ધર્મ નથી.
ઈશ્વર આનંદરૂપ છે,સર્વવ્યાપક છે.
આપણી બુદ્ધિથી પર પરમાત્મા બેઠા છે. બુદ્ધિમાં પ્રકાશ ઈશ્વર આપે છે.
ઈશ્વરને પ્રકાશ આપનાર કોઈ નથી. ઈશ્વર સ્વયં પ્રકાશ છે. ઈશ્વર સિવાય સર્વ પરપ્રકાશ્ય  છે.
આ ઈશ્વરનું એક સ્વરૂપ બતાવ્યું છે-કે જે દીવા જેવું છે.જે આપણને પ્રકાશ આપે છે.
જ્ઞાની પુરુષો તે સ્વ-રૂપનો અનુભવ કરવા,બ્રહ્માકાર વૃત્તિ ધારણ છે,
મન જયારે ઈશ્વરના આકારનું ચિંતન કરે છે,વૃત્તિ જયારે બ્રહ્માકાર-કૃષ્ણાકાર બને.ત્યારે શાંતિ મળે છે.
ઈશ્વર વિના મનોવૃત્તિ ને જ્યાં રાખો ત્યાં તેને જગ્યા સાંકડી પડે છે. ઈશ્વર સિવાય બધું અલ્પ છે.
તેથી કોઈ પણ વૃત્તિ માં મનોવૃત્તિ શાંત થતી નથી.
લાકડામાં અગ્નિ છે,પણ તેનો સાચો ઉપયોગ કરતાં આવડતું નથી.
લાકડાં ના છુપાયેલા અગ્નિ માં બહારનો લૌકિક અગ્નિ મુકો તો ભડકો થશે.
સ્વયં પ્રકાશ પરમાત્મા સર્વના હૃદય માં રહી માત્ર પ્રકાશ જ આપે છે,બીજું કંઈ કરતા નથી.
પ્રભુનું સગુણ સ્વરૂપ હૃદયમાં પધરાવો અને તેમાં વૃત્તિ તદાકાર બને ત્યારે જ શાંતિ મળે છે.
મત્સ્યનારાયણે  (માછલા એ) કહ્યું,કે-આજથી સાત દિવસ પછી પ્રલય થવાનો છે, પ્રલયમાં સર્વનો નાશ થશે. રાજા ,હું તારું કલ્યાણ કરવા આવ્યો છું,  રક્ષણ કરવા આવ્યો છું.
મારા શિંગડામાં તારી નાવડી બાંધી દેજે.
મનુ મહારાજ (સત્યવ્રત) પરમાત્માનું ધ્યાન કરતા હતા. તેમની વૃત્તિઓ બ્રહ્માકાર થઇ.
અને જયારે પૃથ્વી જળમય થઇ, ત્યારે મત્સ્યનારાયણે તેમનું રક્ષણ કર્યું.
મત્સ્યનારાયણ અવતારનું રહસ્ય એવું છે-કે-
વૃત્તિને હંમેશાં બ્રહ્માકાર બનાવો. સત્યનું પાલન કરો.
સત્યનિષ્ઠ જીવ એટલે સત્યવ્રત મનુ.
કૃતમાલાના કિનારે રહો-એટલે કે સત્સંગની પરંપરામાં રહો તો
સત્યવ્રત-જીવાત્માની વૃત્તિ બ્રહ્માકાર બને છે. અને ત્યારે મત્સ્યનારાયણ તેના હાથમાં આવે છે.
એવા અધિકારી જીવને જ પરમાત્મા મળે છે.
પ્રલયમાં સર્વનો નાશ થાય પણ સત્યનિષ્ઠનો નાશ ભગવાન થવા દે નહિ.
સત્યનિષ્ઠા રાખનાર અને સત્કર્મ કરનાર પ્રલયમાં પણ મરતો નથી.
પ્રલયમાં સર્વનો નાશ થયો પણ સત્યવ્રતનો થયો નહિ.
કારણકે તેમણે મત્સ્યનારાયણ જોડે સંબંધ જોડ્યો હતો.
શરીર એ નાવડી છે,પરમાત્મા ના ચરણ એ તેમનું શીંગડું છે.
શરીર ને પરમાત્મા ના ચરણ માં બાંધી રાખો.
સમાપ્તિમાં આદિ મત્સ્યનારાયણ ભગવાનને શુકદેવજી વારંવાર પ્રણામ કરે છે.
મહાત્માઓ મત્સ્યનારાયણની સ્તુતિને ગુરુષ્ટકી કહે છે.
મત્સ્યનારાયણ ભગવાને-વેદને ચોરી જતાં હયગ્રીવ દૈત્યનો સંહાર કર્યો.
મનુ મહારાજને મત્સ્યસંહિતાનો ઉપદેશ આપ્યો.
એવા પ્રભુને વંદન કરી આઠમો સ્કંધ સમાપ્ત કરવામાં આવ્યો.
આઠમો સ્કંધ સમાપ્ત.
અનુસંધાન નવમાં સ્કંધ ઉપર.
|| હરિ ॐ તત સત ||

No comments: