શ્રીમદ્ભાગવત સ્કંધ – 4 (Page 41)

શ્રીમદ્ભાગવત સ્કંધ – 4 (Page 41)

દક્ષ પ્રજાપતિ અને પ્રસુતિને ત્યાં સોળ કન્યાઓ થઇ છે.
તેમાંથી તેર ધર્મ ને-એક-અગ્નિને-એક-પિતૃગણને અને સોળમી સતી-શંકરને આપી છે.
ધર્મની તેર પત્નીઓ બતાવી છે. તેનાં નામો છે-
શ્રદ્ધા,દયા,મૈત્રી,શાંતિ,તુષ્ટિ,પુષ્ટિ,ક્રિયા,ઉન્નતિ,બુદ્ધિ,મેઘા,લજ્જા,તિતિક્ષા અને મૂર્તિ.(નામ જ ઘણું કહી જાય છે)
આ તેર સદગુણોને જીવનમાં ઉતારે તો ધર્મ સફળ થાય છે. આ તેર ગુણો સાથે લગ્ન કરશો તો પ્રભુ મળશે.
ધર્મની પહેલી પત્ની શ્રદ્ધા છે.ધર્મની પ્રત્યેક ક્રિયા દૃઢ શ્રદ્ધાથી કરજો. ઈશ્વરમાં શ્રદ્ધા રાખો.
જીવ માત્ર પ્રત્યે મૈત્રી રાખો.
શ્રીધર સ્વામી કહે છે-સર્વ પ્રત્યે મૈત્રી કરવી શક્ય નથી. સર્વ સાથે મૈત્રી ના થાય તો વાંધો નહિ,પણ કોઈની સાથે વેર ના કરો. વેર ના કરે તે મૈત્રી કર્યા જેવું છે.
ધર્મની તેરમી પત્ની છે-મૂર્તિ. અને તેના ત્યાં નર-નારાયણનું પ્રગટ્ય થયું છે.
મૂર્તિ ને માતા અને ધર્મને પિતા માને એના ત્યાં નારાયણનો જન્મ થાય છે.
દક્ષપ્રજાપતિ નાની કન્યા સતી-નું લગ્ન શિવજી જોડે થયું. તેમણે ઘેર સંતતિ થઇ નહોતી. દક્ષપ્રજાપતિ એ શિવજી નું અપમાન કર્યું, એટલે સતીએ પોતાનું શરીર દક્ષના યજ્ઞમાં બાળી દીધું. (પાર્વતીએ સતીનો બીજો જન્મ છે).
ભગવાન શંકર મહાન છે.સચરાચર જગતના ગુરુ છે. જ્ઞાનેશ્વરીમાં કહ્યું છે-જગતમાં જેટલા સંપ્રદાય છે-તેના આદિગુરૂ શંકર છે.
સર્વ-મંત્ર-ના આચાર્ય શિવજી હોવાથી, શિવજીને ગુરુ માની મંત્ર-દીક્ષા લેવી.
વિદુરજી પ્રશ્ન કરે છે-સર્વથી શ્રેષ્ઠ એવા શિવજી સાથે દક્ષપ્રજાપતિ એ વેર કર્યું તે આશ્ચર્ય છે. આ કથા અમને સંભળાવો.
મૈત્રેયજી બોલ્યા-પ્રાચીન કાળમાં પ્રયાગરાજ માં મોટું બ્રહ્મસત્ર થયું છે. સભામાં શિવજી અધ્યક્ષસ્થાને છે.દેવોએ આગ્રહ કર્યો એટલે અગ્ર સ્થાને બેઠા છે. તે વખતે દક્ષપ્રજાપતિ ત્યાં આવ્યા છે.બીજા દેવોએ ઉભા થઇ માન આપ્યું પણ શિવજી ધ્યાનમાં લીન હતા- અને કોણ આવ્યું-કોણ ગયું તેની તેમણે ખબર નહોતી. બધાએ માન આપ્યું પણ શિવજીએ માનના આપ્યું-તેથી દક્ષને ખોટું લાગ્યું.
દક્ષને ક્રોધ આવ્યો અને ક્રોધમાં તે શિવજીની નિંદા કરવા લાગ્યો.
શ્રીધર સ્વામીએ-આ નિંદાના વચનોમાંથી પણ શિવની સ્તુતિરૂપ અર્થ કાઢ્યો છે. ભાગવત પર ત્રીસ પાંત્રીસ ટીકા મળે છે.તે સૌમાં પ્રાચીન-ઉત્તમ ટીકા શ્રીધર સ્વામીની છે. માધવરાયને તે બહુ ગમી છે અને પોતે તેના પર સહી કરી છે. બધું માન્ય કર્યું છે.
બીજી ટીકામાં કોઈએ સંપ્રદાયનો દુરાગ્રહ રાખ્યો છે. તો કોઈએ અર્થની ખેંચતાણ કરી છે. પણ શ્રીધરસ્વામીએ કોઈ સંપ્રદાયનો દુરાગ્રહ રાખ્યો નથી.તેઓ નૃસિંહ ભગવાનના ભક્ત હતા.
દસમ સ્કંધમાં શ્રીકૃષ્ણની શિશુપાલે નિંદા કરી છે.તેનો પણ શ્રીધર સ્વામીએ સ્તુતિપરક અર્થ કર્યો છે.
શિવજીની નિંદા ભાગવત જેવા શ્રેષ્ઠ ગ્રંથમાં શોભે નહિ. એટલે શ્રીધર સ્વામીએ અર્થ ફેરવ્યો છે.
દક્ષપ્રજાપતિ નિંદામાં બોલ્યા છે-શિવ સ્મશાનમાં રહેનાર છે. પરંતુ તે તો સ્તુતિરૂપ છે.
આખું જગત (સંસાર) એ સ્મશાન છે. કાશી એ મહાન સ્મશાન છે. શરીર એ પણ સ્મશાન છે. ઘર એ પણ સ્મશાન છે.
મનુષ્યને બાળવાનું સ્મશાન ગામ બહાર હોય પણ કીડી-મંકોડાનું સ્મશાન આપણા ઘરમાં જ હોય છે.
સ્મશાન એટલે આખું જગત-એટલે-કે- શિવજી જગતની સર્વ ચીજોમાં વિરાજેલા છે. તેથી તે વ્યાપક બ્રહ્મરૂપ છે. જગતના અણુ-પરમાણુ માં શિવતત્વ ભર્યું છે.
ભગવાન શંકર વાણીના પિતા છે. તે વાણી શિવજીની નિંદા કરે નહિ.
દક્ષે નિંદામાં કહ્યું-એમની આંખો વાનર જેવી છે. એનો સવળો અર્થ કાઢ્યો છે- વાનર જેવા ચંચળ જીવ પર જેની કૃપાદૃષ્ટિ છે-એવા મર્કટલોચન. (જીવ વાનર જેવો ચંચળ છે.)
આ જીવનો એવો સ્વભાવ છે, કે જેનું ખાય તેની જ નિંદા કરે.
શિવજીને થોડું આપો તો પણ ઘણું માને છે. બીલીપત્ર અને લોટો ભરી ગંગાજળ લઈને હર હર મહાદેવ-બોલતાં અભિષેક કરો- તો પણ શિવજી પ્રસન્ન થાય છે. રાજભોગ તો કદી કરતા જ નથી.
ભગવાન શંકર આશુતોષ છે, વિશ્વનાથ છે. તેમના ભક્તગણમાં આખું વિશ્વ આવે છે.
રામજી અને શ્રીકૃષ્ણના દરબારમાં સર્વેને પ્રવેશ નથી. પણ- શિવજીના દરબારમાં સર્વને પ્રવેશ મળે છે. ઋષિઓ,દેવો,દાનવો,રાક્ષસો,ભૂત-પિશાચ સર્વ શિવ પાસે આવે છે.
શિવજી બધાને અપનાવે છે. જગત જેનો ત્યાગ કરે તેને શિવ અપનાવે છે. શિવ-સ્વરૂપ મંગળમય છે.
જગત શુભ અને અશુભ બંનેનું મિશ્રણ છે. આ બંનેના સ્વામી શિવજી છે. જીવમાત્ર પર તેમની કૃપા દૃષ્ટિ છે.
મથુરા માં ભૂતનાથ મહાદેવ છે. ત્યાં -દિવસે બ્રાહ્મણો પૂજા કરે છે-અને રાતે ભૂતો પૂજા સેવા કરે છે.
શિવજીનો દરબાર બધા માટે ખુલ્લો ના હોત તો બિચારા ભૂત-પિશાચ જાત ક્યાં ?
રામજીના દરબારના દરવાજે હનુમાનજી ગદા લઈને ઉભા છે. રામ દુવારે તુમ રખવારે, હોત ન આજ્ઞા બીનું પેસારે
રામજીના દરબારમાં પ્રવેશવા માગતાને હનુમાનજી પૂછે છે-કે-રામજીની મર્યાદાનું પાલન કર્યું છે ? એ પ્રમાણે વર્તન ના કર્યું હોય તો હનુમાનજી ગદા મારી ને પાછા કાઢે છે.
રાતે બાર વાગે રામજી કે દ્વારકાનાથના દર્શન કરવા જાઓ તો તે દર્શન આપશે ?
પણ શિવજી ના દર્શન ગમે ત્યારે થઇ શકે. બધા દેવોના દરવાજા બંધ થાય છે,પણ શંકર ભગવાનનો દરવાજો બંધ થતો નથી.
જ્યાં માયાનું આવરણ છે-ત્યાં દરવાજો બંધ રાખવો પડે છે. શિવજી શુદ્ધ બ્રહ્મનું સ્વરૂપ છે. શિવજી કોઈ દિવસ શયન કરતા નથી.
શિવજી કહે છે-કે- તને વખત મળે ત્યારે આવ. હું ધ્યાન કરતો બેઠો છું. શંકર ભગવાન ઉદાર છે. જેણે અપેક્ષા બહુ ઓછી હોય છે- તે ઉદાર થઇ શકે છે. શિવજીને કોઈ વસ્તુની જરૂર નથી, એટલે તે બધું આપી દે છે.
કનૈયો કહે છે- મારે તો બધાની જરૂર છે. શ્રીકૃષ્ણ વિચાર કરીને આપે છે. માગનારમાં અક્કલ ઓછી હોય છે, એટલે તેનું કલ્યાણ છે કે નહિ-તે વિચારીને આપે છે.
કુબેર ભંડારી (જગતને દ્રવ્ય આપનારનો ભંડાર જેની પાસે છે તે) રોજ શિવજીનું પૂજન કરવા આવે.
એક વખત કુબેર ભંડારી શિવજીને પૂછે છે-કે હું તમારી શી સેવા કરું ?
શિવજી કહે છે-બીજાની સેવા લે તે વૈષ્ણવ નહિ. સેવા આપે તે વૈષ્ણવ. મારા જેમ નારાયણ નારાયણ કર.
પણ પાર્વતીજીને ઈચ્છા થઇ. વિચારતાં હતાં કે આ ઝાડ નીચે રહીએ છીએ-તેના કરતાં એક બંગલો હોય તો સારું.
માતાજીએ કુબેર ભંડારી ને કહ્યું-મારા માટે એક સોનાનો બંગલો બાંધજે. જેથી કુબેરે સોનાનો મહેલ બનાવી આપ્યો છે.
માતાજીએ શિવજીને કહ્યું-કે આ બંગલો બહુ સુંદર થયો છે-ચાલો આપણે તેમાં રહેવા જઈએ.
વાસ્તુ પૂજા કર્યા સિવાય તો રહેવા જવાય નહિ-તેથી રાવણને વાસ્તુ પૂજા કરવા બોલાવ્યો છે.(રાવણ બ્રાહ્મણ હતો)
રાવણ થયો ગોર અને શિવજી થયા યજમાન.વાસ્તુ-પૂજા કરાવી એટલે દક્ષિણા તો આપવી પડે,
શિવજી એ કહ્યું-જે માગવું હોય તે માગ. રાવણ કહે છે-હવે તમારો સોનાનો મહેલ મને આપી દો.
પાર્વતી જી કહે છે-કે- હું જાણતી હતી કે-આ કાંઇ રહેવા દેશે નહિ.
માગવું એ મરવા જેવું છે-અને માંગનારને ના પાડવી એ પણ મરવા જેવું છે.
શિવજીએ સોનાની લંકા દાનમાં આપી દીધી છે. શિવજી જેવો કોઈ ઉદાર નથી અને રાવણ જેવો કોઈ મૂર્ખ નથી.
રાવણને સોનાની લંકા મળી એટલે બુદ્ધિ બગડી છે. રાવણ ફરીથી કહે છે-મહારાજ બંગલો તો સુંદર આપ્યો-હવે આ પાર્વતીને આપી દો. શિવજી કહે છે-તને જરૂર હોય તો તું લઇ જા.
રાવણ માતાજીને ખભે બેસાડીને લઇ જાય છે.પાર્વતીજી શ્રીકૃષ્ણનું સ્મરણ કરે છે. મારો કનૈયો ભોળો છે, પણ કપટી જોડે કપટી છે.
શ્રીકૃષ્ણ ગોવાળ થઇ રસ્તામાં આવ્યા છે.રાવણને પૂછે છે-આ કોને લઇ જાય છે? રાવણ કહે છે-શંકર ભગવાને મને સોનાની લંકા આપી અને સાથે આ પાર્વતી પણ આપી છે.
શ્રી કૃષ્ણ કહે છે-તું કેવો ભોળો છે? પાર્વતી આપતા હશે ?અસલ પાર્વતી તો તે પાતાળમાં સંતાડી રાખે છે. આ પાર્વતી નથી.
અસલ પાર્વતીની અંગમાંથી કમળની સુગંધ નીકળે છે. આના શરીરમાંથી એવી સુગંધ ક્યાં નીકળે છે ?
રાવણ શંકામાં પડ્યો. માતાજી આ સાંભળતાં હતાં-તેમણે શરીરમાંથી સુર્ગંધ કાઢી. રાવણ પાર્વતીને ત્યાં મૂકીને ચાલ્યો ગયો.
પ્રભુએ ત્યાં માતાજીની સ્થાપના કરી.-તે દ્વૈપાયિની દેવી.
ભાગવતના દશમ સ્કંધમાં આવે છે-કે-બળદેવજી આ દ્વૈપાયિની દેવીની પૂજા કરવા ગયા છે.
જગતમાં શિવજી જેવો કોઈ ઉદાર થયો નથી. અને થવાનો નથી.
એક વખત એક ચોર શિવમંદિરમાં ચોરી કરવા આવ્યો. શિવાલયમાં હોય શું ? આમ તેમ નજર કરતાં ઉપર નજર કરી તો તાંબાની જળાધારી દેખાણી.તેને વિચાર્યું કે આ લઇ જાઉં.તેના પચીસ પચાસ આવશે. જળાધારી બહુ ઉંચી હતી, એટલે જળાધારી ઉતારવા શિવલિંગ પર પગ મુક્યો- પગ મૂકતાં જ શિવજી પ્રગટ થાય. ચોર ગભરાણો. મને મારશે કે શું ?

ત્યાં શિવજી એ કહ્યું-માગ-માગ. ચોર કહે છે-મેં એવું તે શું પુણ્ય કર્યું છે કે આપ પ્રસન્ન થયા છો? શિવજી કહે છે-કોઈ મને ફૂલ ચઢાવે-કોઈ જળ ચઢાવે પણ તે તો આખી તારી જાત ને મારા ખભે બેસાડી દીધી.........શિવજી આવા ઉદાર છે.
દક્ષ શિવજીની નિંદા કરે છે-શિવ સ્વૈરચારી છે,તથા ગુણહીન છે.
તેનો સવળો અર્થ એ છે-પ્રકૃતિના કોઈ પણ ગુણ (સત્વ-રજસ-તમસ)-શિવજીમાં નહિ હોવાથી તે નિર્ગુણ બ્રહ્મ છે.
શાસ્ત્રની પ્રવૃત્તિ અને વિધિ નિષેધની પ્રવૃત્તિ અજ્ઞાની જીવ માટે છે. શિવજી માટે નથી.
દક્ષ પ્રજાપતિ બોલ્યા છે-આજથી કોઈ યજ્ઞમાં બીજા દેવો સાથે શિવજીને આહુતિ (યજ્ઞ ભાગ) આપવામાં આવશે નહિ.
તેનો સવળો અર્થ એ છે-કે-સર્વ દેવોની સાથે નહિ, પણ શિવજી સર્વદેવોમાં શ્રેષ્ઠ હોવા થી અન્ય દેવો પહેલાં શિવજીને આહુતિ આપવામાં આવશે. પછી અન્ય દેવોને આહુતિ આપ્યા-બાદ વધે તે બધું પણ શિવજીને અર્પણ કરવામાં આવશે.
યજ્ઞમાં જે વધે તેના માલિક શિવજી છે.
શિવપુરાણમાં કથા છે.શિવ-પાર્વતીનું લગ્ન થતું હતું. લગ્નમાં ત્રણ પેઢીનું વર્ણન કરવામાં આવે છે. 
શિવજી ને પૂછ્યું-તમારા પિતાનું નામ બતાવો. શિવજી વિચારમાં પડી ગયા. મારો પિતા કોણ ?
રુદ્રનો જન્મ છે-મહારુદ્ર શિવજીનો જન્મ નથી. રુદ્ર ભગવાનનો તામસ અવતાર છે.
નારદજીએ શિવજીને કહ્યું-બોલો ને તમારા પિતા બ્રહ્મા છે. શિવજીએ કહ્યું-બ્રહ્મા. પછી પૂછવામાં આવ્યું કે દાદા કોણ ?
તો જવાબ આપ્યો-વિષ્ણુ દાદા. પરદાદા કોણ ? હવે કોનું નામ દેવું ?
શિવજી બોલ્યા હું જ સર્વ નો પરદાદો છું.  શિવજી એ મહાદેવ છે.
સૂતજી વર્ણન કરે છે-દક્ષ પ્રજાપતિ એ બહુ નિંદા કરી પણ શિવજી શાંતિથી સાંભળે છે. નિંદા થઇ પણ શિવજી સહન કરી શક્યા-કારણકે શિવજીના માથા ઉપર જ્ઞાન રૂપી ગંગા છે.
શ્રીકૃષ્ણના ચરણમાં જ્ઞાન ગંગા છે. એટલે શિશુપાળની નિંદા સહન કરે છે.
પ્રતિકાર કરવાની શક્તિ હોય છતાં સહન કરે એને જ ધન્ય છે-એ જ મહાપુરુષ છે.
કલહ વધારે તે વૈષ્ણવ નહિ. એટલે શિવજી સભામાં એક શબ્દ પણ બોલ્યા નથી.
પણ સભામાં નંદિકેશ્વર વિરાજેલા હતા-તેમનાથી આ સહન થયું નહિ. તેમણે દક્ષને ત્રણ શાપ આપ્યા છે.
જે મુખથી તે નિંદા કરી છે-તે માથું તૂટી પડશે-તને બકરાનું માથું ચોટાડવામાં આવશે-તને કોઈ દિવસ બ્રહ્મવિદ્યા પ્રાપ્ત થશે નહિ.
શિવ કૃપાથી બ્રહ્મવિદ્યા મળે છે-શિવકૃપાથી કૃષ્ણભક્તિ મળે છે-શિવકૃપાથી મુક્તિ મળે છે.
શિવજીને લાગ્યું કે નંદિકેશ્વર બીજા દેવોને શાપ આપે તે પહેલાં ત્યાંથી નીકળી જઈ-કૈલાસ આવ્યા છે.
ઘેર આવ્યા પછી-યજ્ઞના અણબનાવની કથા-સતીને કહી નથી. બધું પચાવી ગયા છે.
વિચાર કરો-કોઈ સાધારણ મનુષ્ય હોય અને સસરાએ (દક્ષ-એ શિવજીના સસરા છે) ગાળો આપી હોય-તો ઘેર આવી સસરાની છોકરીની ખબર લઇ નાખશે-તારા બાપે આમ કહ્યું- તારા બાપે તેમ કહ્યું.
ભૂતકાળ નો વિચાર કરે તેને ભૂત વળગ્યું છે-તેમ માનજો.
દક્ષે વિચાર્યું-કોઈ દેવ યજ્ઞ કરતા નથી-તો હું મારે ઘેર યજ્ઞ કરીશ. શિવજી સિવાય બધા દેવો ને આમંત્રણ આપીશ.
હું નારાયણની પૂજા કરું છું-તેમાં બધું આવી ગયું.
તે પછી કનખલ ક્ષેત્રમાં યજ્ઞનો આરંભ કર્યો છે. દક્ષ પ્રજાપતિએ દુરાગ્રહ રાખ્યો કુભાવ રાખ્યો તેથી તેના વંશમાં કોઈ રડનાર પણ રહ્યો નહિ. દક્ષે શિવપૂજન કર્યું નહિ તેથી ભગવાન વિષ્ણુ પણ ત્યાં પધાર્યા નથી.
ભગવાન પોતાનો કોઈ અપરાધ કરે તો સહન કરે છે-પણ પોતાના ભક્તનો અપરાધ સહન કરતા નથી.
શિવજી શ્રીકૃષ્ણનું ધ્યાન કરે છે, તેથી શ્રીકૃષ્ણ પણ સતત શિવજીનું ધ્યાન કરે છે.
બ્રાહ્મણોએ દક્ષને કહ્યું-કે તારો યજ્ઞ સફળ થશે નહિ. છતાં દક્ષે માન્યું નહિ. દક્ષના કુલગુરુ દધિચીઋષિ પણ ત્યાંથી ઉઠી ગયા છે.
દક્ષે એ પછી ભૃગુઋષિને આચાર્યપદે બેસાડી યજ્ઞનો આરંભ કર્યો છે. ભૃગુઋષિએ યજ્ઞ કરાવ્યો-તો તેમની પણ દુર્દશા થઇ છે.
વીરભદ્રે તેમની દાઢી ખેંચી નાખી છે.તેમણે બોક્ડાની દાઢી ચોટાડવામાં આવી છે.
દક્ષના યજ્ઞમાં બ્રહ્મા પણ ગયા નથી.થોડા વિઘ્નસંતોષી બ્રાહ્મણો ત્યાં ગયા છે. ઘણાને સળગતું જોવાની મજા આવે છે.
કેટલાંક દેવો પણ કલહ જોવાની મજા આવશે એ બહાને વિમાનમાં બેસીને જવા નીકળ્યા છે. સતીએ વિમાનો જતાં જોયાં-એમણે દેવકન્યાઓને પૂછ્યું. એક દેવ કન્યાએ જવાબ આપ્યો-તમારા પિતાને ત્યાં યજ્ઞમાં જઈએ છીએ-તમને ખબર નથી ? શું તમને આમંત્રણ નથી ? દક્ષે દ્વેષબુદ્ધિથી શિવજીને આમંત્રણ આપેલું નહિ.
સતીને શિવજી અને દક્ષના અણબનાવની ખબર નથી. તેમને પિતાને ત્યાં જવાની ઉતાવળ થઇ છે.
શિવજી સમાધિમાંથી જાગ્યા-પૂછે છે-દેવી,આજે બહુ આનદ માં છો.!!
સતી કહે છે-તમારા સસરાજી મોટો યજ્ઞ કરે છે.
શિવજી-કહે-છે-દેવી,આ સંસાર છે.કોઈના ઘેર લગ્ન તો કોઈના ત્યાં છેલ્લા વરઘોડાની તૈયારી થાય છે, રડારડ થાય છે.
સંસારમાં સુખ નથી. સુખરૂપ એક પરમાત્મા છે.તારા અને મારા પિતા નારાયણ છે.
સતી વિચારે છે-જયારે જયારે હું-કોઈ વાત કરુછુ,ત્યારે શિવજી વૈરાગ્યની જ વાતો કરે છે. મને પિયરમાં જવાની ઉતાવળ છે-અને આ તો વૈરાગ્યનો ઉપદેશ આપે છે.
સતીએ કહ્યું-મહારાજ,તમે કેવા નિષ્ઠુર છો.તમને કોઈ સગાંસંબંધીઓને મળવાની ઈચ્છા થતી નથી.
શિવજી કહે-છે-દેવી, હું બધાને મનથી મળું છું. કોઈને શરીરથી મળતો નથી. કોઈને મળવાની મને ઈચ્છા પણ નથી.
સતી બોલ્યાં-તમે તત્વનિષ્ઠ બ્રહ્મરૂપ છો.પણ નાથ, મને ત્યાં જવાની બહુ ઈચ્છા છે.તમે પણ આવો.તમારું સન્માન થશે.
શિવજી કહે-મને કોઈ સન્માનની ઈચ્છા નથી.
સતી-કહે-તમને બધું જ્ઞાન છે-પણ તમને વ્યવહારનું જ્ઞાન બરાબર નથી. આપણે કોઈને ત્યાં નહિ જઈએ તો આપણે ત્યાં કોઈ નહિ આવે.
શિવજી કહે-તો તો બહુ સારું-કોઈ નહિ આવે તો બેઠા બેઠા રામ-રામ કરશું.
પછી શિવજી અણબનાવની બધી વાત કરે છે. છતાં સતી હઠ પકડી બેઠાં છે. પિતૃસ્નેહ અને પતિનિષ્ઠા વચ્ચે ખેંચતાણ ચાલે છે.
સતી કહે છે-આપે મારા પિતાને માન કેમ ના આપ્યું ? શિવજી કહે-મેં મનથી તારા પિતાને માન આપેલું. હું કોઈનું અપમાન કરતો નથી.
સતી કહે-આ વેદાંતની ભાષા છે.મનના વંદનની મારા પિતાને કેવી રીતે ખબર પડે ? તમે એ વાત હવે ભૂલી જાવ.
શિવજી કહે છે-દેવી,હું ભૂલી ગયો છું પણ તારા પિતા હજુ ભૂલ્યા નથી.
શિવજી સમજાવે છે-જ્યાં મને માન નથી ત્યાં જવાથી તમારું પણ અપમાન થશે. તમે માનિની છો, અપમાન સહન નહિ કરી શકો. તમે ત્યાં ન જશો,અનર્થ થશે.
સતીજીએ માન્યું નહિ. વિચારે છે-કે-હું યજ્ઞમાં નહિ જાઉં તો પતિ અને પિતા વચ્ચેનું વેર વધશે, સર્વને વેરની જાણ થશે.
હું ત્યાં જઈ પિતાજીને કહીશ કે હું તો વગર આમંત્રણે આવી છું પણ મારા પતિ વગર આમંત્રણે નહિ આવે. માટે ભાઈને લેવા મોકલો.
પિતા અને પતિની વેરની શાંતિ કરીશ. આજે પતિની આજ્ઞા નથી તો પણ પિયરમાં જઈશ.
સતી એ ઘરનો ઉંબરો ઓળંગ્યો છે.
શિવજી એ જોયું-કે હવે જાય છે-તો પછી આવશે નહિ.ભલે જાય પણ એકલાં જાય તે ઠીક નથી. શિવગણોના આજ્ઞા કરી છે-કે તમે પણ સાથે જાવ. સતી નંદિકેશ્વર પર સવાર થયાં છે. શિવજીએ સતીની સાડી વગેરે પોટલામાં બાંધ્યું. અને આપ્યું.
હવે પછી આવવાની નથી તો તેની કોઈ પણ યાદ કૃષ્ણ ભજનમાં વિક્ષેપ કરશે.
સતી યજ્ઞ મંડપમાં આવે છે.શિવજીનાં અર્ધાંગિની-આદ્યશક્તિ જગદંબાને સર્વ ઋષિઓ માન આપે છે.
સતી પિતાને વંદન કરે છે, દક્ષ મુખ ફેરવી લે છે. સતી ફરીથી પ્રણામ કરે છે. સતીને જોતાં દક્ષને ક્રોધ થયો છે.
અત્રે શા માટે આવી હશે ? દક્ષ-દક્ષ નથી અદક્ષ છે.
શ્રીધર સ્વામી એ લખ્યું છે-દક્ષ ,ક્રિયાદક્ષ નહિ પણ ક્રિયાઅદક્ષ-મૂર્ખ હતો.
સતી વિચારે છે-પિતા મારી સામે પણ જોતા નથી, હું ઘેર જઈશ. સભામાંડપમાં ફરે છે-જોયું તો ઈશાન દિશામાં શિવજીનું આસન ખાલી હતું.સર્વ દેવને ભાગ આપવામાં આવ્યો હતો પણ શિવજીને નહિ. પિતાએ પોતાનું અપમાન કર્યું તે સતી સહન કરી ગયાં-પણ પતિનું અપમાન તેમનાથી સહન થતું નથી. અતિદુઃખ થયું છે. જગદંબાને ક્રોધ આવ્યો છે,માથે બાંધેલ વેણી છૂટી ગઈ છે.
દેવો ગભરાયા અને માતાજીને વંદન કરે છે,માતા ક્રોધ કરો નહિ.
સતી કહે છે-તમે ગભરાશો નહિ, આ શરીરથી મેં પાપ કર્યું છે, શિવજીની આજ્ઞાનું ઉલ્લંઘનકર્યું છે. હવે આ શરીરને હું બાળી દઈશ. સભામાં જગદંબાએ ૧૩ શ્લોકનું ભાષણ કર્યું છે.
અરે-તારા જેવો વિષયી શિવતત્વને શું જાણે ? જે શરીરને આત્મા ગણે છે તે શિવતત્વને શું જાણે?  મોટા મોટા દેવો શંકરના ચરણનો આશ્રય લે છે, શિવકૃપા વગર બ્રહ્મજ્ઞાન થતું નથી, શિવકૃપા વગર કૃષ્ણ ભક્તિ મળતી નથી.
પ્રવૃત્તિ-નિવૃત્તિથી પર થઇ સ્વ-સ્વરૂપમાં લીન રહેનારા શિવજી પરબ્રહ્મ પરમાત્મા છે.
મને દુઃખ થાય છે-શિવનિંદા કરનારા દક્ષની હું કન્યા છું. મને કોઈ દક્ષપુત્રી કહેશે તો મને દુઃખ થશે.
સતી ઉત્તર દિશા તરફ મુખ રાખી બેઠા છે. માતાજીએ શરીરમાં અગ્નિ તત્વની સ્થાપના કરી છે. અંદરથી ક્રોધાગ્નિ બહાર આવ્યો છે. શરીર બળીને ભસ્મ થયું છે. (આદ્યશક્તિ(મૂળ શક્તિ) નો નાશ ના થાય-સતી ગુપ્ત રીતે શિવમાં મળી ગયાં છે)
માતાજીનું અપમાન થયું છે-હવે દક્ષનું કલ્યાણ નથી.
નારદજી કૈલાસમાં આવી શંકર ને કહે છે-તમે વિધુર થયા, આપ આ લોકોને શિક્ષા કરો.
શિવજી કહે-મારે કોઈને સજા કરવી નથી.
ગંગાજી માથે રાખે તેને ક્રોધ કેવી રીતે આવે ?
બહુ સરળ થઈએ તો જગતમાં લોકો દુર્બળ માને છે.
નારદજી એ જયારે કહ્યું-કે-તમારાં ગણો ને પણ માર પડ્યો છે- ત્યારે શિવજીને થોડો ક્રોધ થયો. જટા પછાડી-જટા માંથી વીરભદ્ર પ્રગટ થયો છે. વીરભદ્રને શંકરે કહ્યું-કે- દક્ષ પ્રજાપતિના યજ્ઞનો
યજમાન સહીત તું વિનાશ કર.
વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો સંહાર કર્યો છે. દક્ષને પકડી દક્ષનું મસ્તક કાપી-તેનાથી યજ્ઞની પૂર્ણાહુતિ કરી છે.
દેવોને સજા કરી છે. દેવો ગભરાયા-બ્રહ્માજીને શરણે ગયા. બ્રહ્માજીએ ઠપકો આપ્યો-જે યજ્ઞમાં શિવજીની પૂજા નહોતી ત્યાં તમે ગયા જ કેમ ? જાઓ શિવજીની  ક્ષમા માગો. દેવો કહે છે-એકલા જવાની હિંમત થતી નથી-આપ અમારી સાથે ચાલો.
બધા સાથે કૈલાસમાં આવે છે. બ્રહ્માજી કહે છે- યજ્ઞને ઉત્પન્ન કરનાર આપ છો અને વિધ્વંશ કરનાર પણ આપ છો.કૃપા કરો.
દક્ષનો યજ્ઞ પરિપૂર્ણ થાય તેવું કંઈક કરો.તમે પણ ત્યાં પધારો.
શિવજી ભોળા છે.શિવજીને માન પણ નહિ અને અપમાન પણ નહિ. જવા ઉભા થયા છે.
યજ્ઞ મંડપમાં રુધિરની નદીઓ જોઈ વીરભદ્રને ઠપકો આપે છે.મેં તને શાંતિથી કામ લેવાનું કહ્યું હતું
વીરભદ્ર ક્ષમા માગે છે. દક્ષના ધડ પર બોક્ડાનું માથું બેસાડવામાં આવે છે.
બોકડાને -અજ-પણ કહે છે. અજ નો બીજો અર્થ થાય છે-પરબ્રહ્મ.
દક્ષના ધડ પર -અજ-નું મુખ મુકવામાં આવ્યું. એટલે કે દક્ષને બ્રહ્મદૃષ્ટિ પ્રાપ્ત થઇ. અજમસ્તક એટલે બ્રહ્મદૃષ્ટિ.
દક્ષ પ્રજાપતિ જાગ્યો.શિવસ્તુતિ કરીને શિવજીનું પૂજન કર્યું છે. (કનખલ તીર્થમાં દક્ષેશ્વર મહાદેવ નું મંદિર છે.)
દક્ષે કહ્યું- મારી પુત્રીના દર્શન કરાવો. શિવજીએ માતાજીને પૂછ્યું-બહાર આવવું છે ? જગદંબા માતાજીએ ના પાડી.
તેઓ હિમાલયમાં પાર્વતી-રૂપે પ્રગટ થયા છે.
શિવ પૂજન કર્યું એટલે શ્રીકૃષ્ણ ભગવાન પણ ત્યાં પ્રગટ થાય છે. હરિ-અને હરમાં દક્ષે જે ભેદ રાખેલો તે હવે દૂર થયો છે.
ભાગવતનો સિદ્ધાંત છે કે હરિ-હરમાં ભેદ રાખનારનું કલ્યાણ થતું નથી. હરિ(કૃષ્ણ) અને હર(શિવજી) બંને એક જ છે.
કેટલાંક વૈષ્ણવોને શિવજીની પૂજા કરતા સંકોચ થાય છે. અરે...વૈષ્ણવોના ગુરુ તો શિવજી છે. ભાગવતમાં એક ઠેકાણે નહિ- અનેક ઠેકાણે વર્ણન આવે છે-કે-ભગવાન શંકર જગત-ગુરુ છે. જગતમાં જેટલા ધર્મ-સંપ્રદાય છે,તેના આદિપ્રવર્તક તો શિવજી છે.
શિવજીની પૂજાથી શું શ્રીકૃષ્ણ નારાજ થતાં હશે ? તેઓએ તો કહ્યું છે-શિવ અને મારામાં જે ભેદ રાખે છે-તે નરક્ગામી બને છે.
એકનાથ મહારાજે ભાવાર્થ રામાયણ માં હરિ હર નો અભેદ બતાવ્યો છે.
શિવજી અને વિષ્ણુ પરસ્પર પ્રેમ રાખે છે-પણ તેમના ભક્તો પરસ્પર પ્રેમ રાખતા નથી.
હરિ હરમાં ભેદ રાખી ભક્તિ બગાડશો નહિ.
શિવ કૃપા વગર-સિદ્ધિ-બ્રહ્મવિદ્યા મળતી નથી. આ જીવને કામ બાંધી રાખે છે તેથી જીવને પશુ કહે છે.
આ જીવના પતિ-પશુપતિનાથ છે. જીવ માત્રને શિવને મળવાની ઈચ્છા થાય છે. શિવ જે જીવને અપનાવે તે કૃતાર્થ થાય છે.
અનન્ય ભક્તિનો અર્થ એવો નથી-કે-એક જ દેવને માનો અને બીજા દેવને ના માનો.
અનન્ય ભક્તિનો અર્થ છે-કે-અનેકમાં એક જ દેવને નિહાળો. પ્રભુ સર્વવ્યાપક છે.  સર્વમાં એક ઈશ્વરનાં દર્શન કરો.
તમારા ઈષ્ટદેવની સેવા કરો અને બીજા દેવોને વંદન કરો. પોતાના એક-ઇષ્ટદેવમાં પરિપૂર્ણ ભાવ રાખવો અને બીજા દેવોને પોતાના ઇષ્ટદેવના અંશ માની વંદન કરવા.
કેટલાંક વૈષ્ણવ કહે છે-અમે શિવજીની પૂજા કરીએ તો-અમને અન્યાશ્રયનો દોષ લાગે.
પણ આ ભૂલ છે.વૈષ્ણવ થઈને શિવજીમાં કુભાવ રાખે તેનું કલ્યાણ થતું નથી.
અરે...કોઈ જીવમાં કુભાવ રાખવાથી કલ્યાણ થતું નથી તો પછી શિવજીમાં કુભાવ રાખવાથી ક્યાંથી કલ્યાણ થાય ?
દક્ષ પ્રજાપતિ એ યજ્ઞ કર્યો પણ તેમાં ભેદ બુદ્ધિ રાખી,કુભાવ રાખ્યો,તેથી તેના યજ્ઞમાં વિઘ્ન આવ્યું.
દક્ષની કથા એટલા માટે આપવામાં આવી છે-કે-ભક્તિ શુદ્ધ રાખજો. ભક્તિમાં રાગ-દ્વેષ ના આવે તેની કાળજી રાખજો.
ભક્તિ મનને બગાડવા માટે નથી, ભક્તિ મનને પવિત્ર રાખવા માટે છે.
આ દક્ષ-ચરિત્ર નું તાત્પર્ય છે કે સર્વમાં સમભાવ રાખો. હરિ-હરમાં ભેદ નથી.
આ શરીર પાંચ તત્વોનું  બનેલું છે. એક એક તત્વના એક એક  દેવ છે.
(બહુ ઊંડાણ પૂર્વક નીચે ની વાત સમજવા નો પ્રયત્ન કોઈ કરે તો ઘણો બધો પ્રકાશ પડી શકે!! )
(૧) પૃથ્વી તત્વ- ના દેવ ગણેશ છે. ગણપતિ વિઘ્ન હર્તા-વિઘ્ન નો નાશ કરનાર છે.
(૨) જળ તત્વ-   ના દેવ શિવ છે. શિવજી ની કૃપા થી જ્ઞાન મળે છે.
(૩) તેજ તત્વ -  ના દેવ સૂર્ય છે. સૂર્ય નીરોગી બનાવે છે.આરોગ્ય આપે છે. તે પૃથ્વી પર સાક્ષાત પ્રત્યક્ષ દેવ- છે.
(૪) વાયુ તત્વ-  ના દેવી માતાજી છે. માતાજી ની ઉપાસના બુદ્ધિ-શક્તિ  અને ધન આપે છે.
(૫) આકાશ તત્વ-ના દેવ વિષ્ણુ છે. વિષ્ણુ ની ઉપાસના પ્રેમ આપે છે-પ્રેમ વધારે છે.(પરમાત્મા પ્રેમમય છે)
શિવજી ની પૂજાથી જ્ઞાન મળશે,સૂર્ય ની પૂજા થી સારું આરોગ્ય મળશે, માતાજીની પૂજાથી સંપત્તિ બુદ્ધિ મળશે,

આ બધું મળશે પણ જો શ્રીકૃષ્ણની સેવા ન કરો તે નહિ ચાલે. શ્રીકૃષ્ણ પ્રેમનું દાન કરે છે. પ્રેમ વગર બધું નકામું છે.

No comments: