શ્રીમદ્ભાગવત સ્કંધ – 6 (Page 49)

શ્રીમદ્ભાગવત સ્કંધ – 6 (Page 49)

શ્રીમદ્ભાગવત સ્કંધ - ૬
નરકોના વર્ણન સાંભળી પરીક્ષિત રાજા પૂછે છે-
મહારાજ,આવા નરકોમાં ના જવું પડે તેવો કોઈ ઉપાય બતાવો. આપે પ્રવૃત્તિધર્મ અને નિવૃત્તિધર્મની કથા સંભળાવી. પણ આ નરકલોકનાં વર્ણન ભયજનક છે. ત્યાં જવાનો પ્રસંગ જ ન આવે તે માટે  શું કરવું જોઈએ ?
શુકદેવજી વર્ણન કરે છે-રાજન, પાપ કરવાથી મનુષ્ય નરકમાં પડે છે. પાપ કરવું એ સાધારણ ગુનો છેપરંતુ કરેલું પાપ કબૂલ ન કરે તે મોટો ગૂનો છે.
કદાચ ભૂલથી પણ પાપ થઇ જાય તો તેનું પ્રાયશ્ચિત કરવું.
એક એક પાપનું પ્રાયશ્ચિત શાસ્ત્રમાં બતાવેલ છે. તે પાપનું વિધિથી પ્રાયશ્ચિત કરવામાં આવે તો પાપનો નાશ થાય છે.
પણ-- પ્રાયશ્ચિત કર્યા પછી ફરીથી પાપ થવું ન જોઈએ.નહિતર પ્રાયશ્ચિતનો કોઈ અર્થ નથી.
રાજાએ પૂછ્યું-વિધિપૂર્વક પાપના પ્રાયશ્ચિતથી પાપનો નાશ થાય છે-પણ પાપ કરવાની વાસનાનો નાશ થતો નથી.
એવો ઉપાય બતાવો કે પાપ કરવાની વાસના જ ન રહે.
શુકદેવજી કહે છે-વાસના અજ્ઞાનમાંથી જાગે છે. અજ્ઞાનનો નાશ ન થાય ત્યાં સુધી વાસનાનો નાશ થતો નથી.
અજ્ઞાનનો નાશ-જ્ઞાનથી થાય છે.માટે-
વાસનાનો નાશ કરવો હોય તો જ્ઞાનને સતત ટકાવી રાખો.
જ્ઞાનને ટકાવી રાખવા-જ્ઞાનમાં સ્થિર રહેવા-પરમાત્માના નામ સાથે પ્રીતિ કરવી પડે છે.
1)      અજ્ઞાનનો નાશ કરવા એક સરસ ઉપાય બતાવેલો છે-તમારા પ્રાણને પરમાત્માને અર્પણ કરો.
પરમાત્માને જે પ્રાણ અર્પણ કરે તેને પાપ કરવાની ઈચ્છા થતી નથી-તેનો અહંકાર નષ્ટ થાય છે,અજ્ઞાનનો નાશ થાય છે.
2)      બીજા ઉપાયો માં તપ (મન અને ઇન્દ્રિયોની એકાગ્રતા),બ્રહ્મચર્ય,શમ (મન ના નિયમ),દમ (બાહ્ય ઉન્દ્રીયોના નિયમ),
મન ની સ્થિરતા,દાન,શૌચ,યમ,નિયમ વડે પણ પાપની વાસનાનો નાશ થાય છે.
પણ પાપી મનુષ્ય ભક્તિથી જેવો પવિત્ર થાય છે-તેવો શમ,દમ,તપ વગેરેથી થતો નથી.
પરમાત્માથી જે વિમુખ છે-તે પાપ કરે છે, પરમાત્માનું જે સ્મરણ કરે છે-તેના હાથે પાપ થતું નથી.
રાજા,તારા પ્રાણને- ભગવાનને અર્પણ કર-એટલે વાસના જશે. અને પાપ થશે નહિ.
પ્રાણ અર્પણ કરવા-એટલેકે-શ્વાસે-શ્વાસે (પ્રતિ શ્વાસે) પરમાત્માના નામ નો જપ કરવો. ઈશ્વરનું અનુસંધાન દરેક કાર્ય માં રાખવું.
લોભી જેમ પ્રતિ શ્વાસે દ્રવ્ય નું ચિંતન કરે છે-તેમ પરમાત્માનું ચિંતન કરવાનું છે.
છઠ્ઠા સ્કંધમાં ત્રણ પ્રકરણો છે-
(૧) ધ્યાન પ્રકરણ- ચૌદ અધ્યાયોમાં ધ્યાન પ્રકરણનું વર્ણન છે-ચૌદ અધ્યાયોનો અર્થ છે-કે
પાંચ કર્મેન્દ્રિયો,પાંચ જ્ઞાનેન્દ્રિયો,મન,બુદ્ધિ,ચિત્ત અને અહંકાર આ ચૌદને પરમાત્મામાં પરોવી રાખે તો ધ્યાન સિદ્ધ થાય છે.
(૨) અર્ચન પ્રકરણ-બે અધ્યાયમાં સ્થૂળ અર્ચન અને સૂક્ષ્મ અર્ચનનું વર્ણન કર્યું.
(૩) નામ પ્રકરણ-ત્રણ અધ્યાયોમાં ગુણ સંકીર્તન અને નામ સંકીર્તન.
જ્ઞાનમાર્ગી હોય કે ભક્તિમાર્ગી હોય-ઈશ્વરનું ધ્યાન કર્યા વગર ચાલતું નથી.
કોઈ પણ એક-માં  મન સ્થિર થાય તો મનની શક્તિ વધે છે. ત્રણ સાધનો ધ્યાન-અર્ચન અને નામ બતાવ્યા છે.
આ ત્રણ સાધનથી ભક્તિ દૃઢ થાય છે.
આ ત્રણ સાધન ન થાય તો કંઈ વાંધો નહિ પણ આમાંના એક સાધનને તો પકડી જ રાખો. તેમાં દૃઢ નિષ્ઠા રાખો.
કોઈ પણ સાધન વગર સિદ્ધી પ્રાપ્ત થતી નથી.
મનુષ્ય જીવનમાં લક્ષ્ય નક્કી કરીને-તે ધ્યેયને સિદ્ધ કરવા ગમતું સાધન કરવું જરૂરી છે.
આ કળિકાળમાં કાંઇ થઇ શકતું નથી-તેથી નામ સ્મરણનો આશરો લેવો થોડો સહેલો છે.
અત્યારે સમય એવો આવ્યો છે-કે-યોગથી,જ્ઞાનથી મુક્તિ મેળવવી કઠણ છે.એટલે-કલિકાળ માં નામસેવા પ્રધાન બતાવી છે.
સ્વરૂપસેવા ઉત્તમ છે- પણ તેમાં પવિત્રતાની જરૂર છે-કલિયુગનો માણસ એવી પવિત્રતા રાખી શકતો નથી.
તેથી કળિયુગમાં નામ સેવા પ્રધાન છે.
જે વસ્તુના દેખાય-- તેનું નામ પકડી રાખો- તો નામમાંથી સ્વ-રૂપ પ્રગટ થશે. સ્વ-રૂપ નામને આધીન છે.
ભગવાનના નામનું કિર્તન કરો-તેમના નામનો આશ્રય કરો--એટલે ભગવાને પ્રગટ થવું જ પડે છે.
સીતાજી અશોકવનમાં ધ્યાન સાથે નામસ્મરણ એવી રીતે કરે છે-કે-ઝાડના પાંદડેપાંદડામાંથી રામનો ધ્વનિ નીકળે છે.
કલિકાલમાં અનેકોના ઉદ્ધાર પરમાત્માનું નામ-કરે છે.
પરંતુ કળિયુગના માણસની વિધિવિચિત્રતા જુઓ-કે તેને પ્રભુ નામમાં પ્રીતિ થતી નથી.
પ્રભુનામમાં પ્રીતિ ના થાય ત્યાં સુધી સંસારની આસક્તિ છૂટતી નથી.
પ્રભુનામમાં નિષ્ઠા થવી કઠણ છે. પૂર્વજન્મના કોઈ સંસ્કારોને લીધે પ્રભુનામમાં નિષ્ઠા થતી નથી.
નામ સ્મરણ થતું હોય તો જીભ અટકી પડે છે.
માનવની આ જીભથી જ બહુ પાપ થાય છે, જીભ-નિંદા કરે છે, જીભ પોતાના વિષે વ્યર્થ ભાષણ કરે છે.
એટલે જીભથી પરમાત્માના નામનો જપ થતો નથી. પાપ જીભને પકડી રાખે છે.
ક્ષણે ક્ષણે-ભગવાનનું નામ લેવું સુલભ છે -પણ માનવથી આ થતું નથી.
નામમાં દૃઢ નિષ્ઠા રાખો. નામનિષ્ઠા થાય તો-મરણ સુધરે છે. બ્રહમનિષ્ઠા અંત સુધી ટકવી મુશ્કેલ છે.
સગુણ-નિર્ગુણ બ્રહ્મ કરતાં નામબ્રહ્મ કળિયુગમાં શ્રેષ્ઠ છે. માટે મનને સતત પ્રભુના નામમાં રાખવું જોઈએ.
પરમાત્માના નામનો જે સતત જપ કરે છે-તેનો બ્રહ્મ-સંબંધ થાય છે.
પાપના સંસ્કાર અતિશય દૃઢ હોવાથી પાપ છૂટતું નથી. મનુષ્ય થોડો સમય ભક્તિ કરે છે-અને પાપ પણ ચાલુ રાખે છે.
પાપ છુટે એવી ઈચ્છા હોય તો પરમાત્માના જપ કરો.
જપ કરવાથી-માનવમાં પરમાત્માની દિવ્ય શક્તિ આવે છે. પરમાત્માના નામમાં બહુ શક્તિ છે.
રામનામથી પથ્થર તરી ગયા છે.
પણ રામે નાખેલ પથ્થર ડૂબી ગયા છે. રામાયણમાં કથા આવે છે.
એક વખત રામચંદ્રજીને વિચાર આવ્યો-કે મારા નામથી પથ્થર તરેલા અને વાનરોએ સમુદ્ર પર સેતુ બાંધેલો.
મારા નામથી પથ્થર તરે છે તો જો હું પથ્થર નાખું તો શું તે નહિ તરે ? ચાલ ખાતરી કરી જોઉં.
તેઓ કોઈ ન દેખે તેમ દરિયા કિનારે આવ્યા છે-અને પોતે પથ્થર ઊંચકીને દરિયામાં નાખ્યો-તો પથ્થર ડૂબી ગયો.
રામચંદ્રજીને આશ્ચર્ય થયું-આમ કેમ બન્યું ? મારું નામ માત્ર લખવાથી તો પથ્થરો તરેલા !!
આ બાજુ રામજી દેખાયા નહિ એટલે તરત જ હનુમાનજી તેમને ખોળવા નીકળ્યા. દરિયા કિનારે રામજીને જોયા.
વિચારે છે-એકલા શું કરતા હશે ? હનુમાનજી માલિક પર નજર રાખી રહ્યા છે.
રામજીએ બીજો પથ્થર નાખ્યો-તેપણ ડૂબી ગયો. રામજીને દુઃખ થયું-નારાજ થયા છે. પાછળ દૃષ્ટિ ગઈ તો હનુમાનજી ......
આ અહીં ક્યાંથી આવ્યો ? બધું જોઈ ગયો હશે ?” તેમણે પૂછ્યું-તું અહીં ક્યારથી આવ્યો છે ?
હનુમાનજી કહે-મારા માલિક જ્યાં જાય ત્યાં મારે આવવું જ જોઈએ.
રામજી એ પૂછ્યું -મારા નામે પથ્થરો તર્યા ને મેં જે નાખ્યા તે ડૂબી ગયા આમ કેમ ?
હનુમાનજીનો અવતાર રામજીને રાજી રાખવા માટે છે. રામજીને ઉદાસ જોઈ હનુમાનજીને દુઃખ થયું.
એટલે તે બોલ્યા-જેનો રામજી ત્યાગ કરે તે ડૂબી જ જાય ને ? જેણે રામજી અપનાવે તે ડૂબે નહિ. પથ્થરોનો આપે ત્યાગ કર્યો- એટલે તે ડૂબી ગયા. જે પથ્થરો વડે સેતુ બાંધવામાં આવ્યો હતો તેના પર- રામ-લખવામાં આવેલું-તેથી તે તર્યા.
આ સાંભળી રામજી બહુ પ્રસન્ન થયા. હનુમાનજીની બુદ્ધિના બહુ વખાણ કર્યા. બુધ્ધિમતાં વરિષ્ઠ
તે પછી હનુમાનજી બોલ્યા-મહારાજ-આ તો આપને પ્રસન્ન કરવા મેં તેમ કહ્યું-પણ હકીકતમાં તો તમારા નામમાં તમારા કરતાં યે વધુ શક્તિ છે. તમારા નામમાં જે શક્તિ છે-તે તમારા હાથમાં નથી.
નામ જપ નો મહિમા અનેરો છે. જપ કરવાથી જન્મકુંડળીના ગ્રહો પણ બદલાઈ જાય છે.
નામજપ તો જનાબાઈ એ કર્યા- એવા કરવા જોઈએ. કથા એવી છે-કે-
જનાબાઈ છાણા થાપે અને તે કોઈ ચોરી જાય. એટલે જનાબાઈએ નામદેવને ફરિયાદ કરી.
નામદેવ કહે-છાણા તો સહુના સરખાં હોય .તારાં છાણા ઓળખાય કેવી રીતે ? ચોર પકડાય કેમ ?
જનાબાઈ એ કહ્યું- મારાં છાણા ઓળખી શકાશે.
મારું છાણું કાન આગળ ધરશો-તો વિઠ્ઠલ-વિઠ્ઠલ એવો ધ્વનિ સંભાળશે.
નામદેવે ખાતરી કરી જોઈ-છાણામાંથી વિઠ્ઠલ-વિઠ્ઠલ ધ્વનિ આવતો સંભળાણો,
તેમણે જનાબાઈને કહ્યું- નામદેવ હું નહિ પણ તું છે.
જનાબાઈ છાણા થાપતી વખતે- વિઠ્ઠલ-વિઠ્ઠલ જપમાં એટલાં લીન થઇ જતાં કે-
જડ છાણામાંથી જપનો ધ્વનિ નીકળતો.
પ્રાચીન સમયમાં સંતો-ભક્તો ક્યાંય ભણવા ગયા હોય તેવું તેમના ચરિત્રમાં ક્યાંય લખ્યું નથી.
પણ ભગવદભક્તિથી ચિત્ત શુદ્ધ થતાં અંદરથી જ્ઞાનનું સ્ફુરણ થતું હતું.
પંડિતો શાસ્ત્ર પાછળ દોડે છે-અને મીરાંબાઈ જે બોલે તેની પાછળ શાસ્ત્ર દોડે છે.
વેદાંતના સિદ્ધાતો સમજવા મુશ્કેલ છે-પણ નામસ્મરણ સહેલું છે-ભક્તિ સહેલી છે.
કથા જીવનમાં માર્ગ બતાવે છે.મનુષ્યને તેના સૂક્ષ્મ દોષોનું ભાન કરાવે છે.
પણ તેનો ઉદ્ધાર તો નામસ્મરણ થી જ થાય છે. નામ સાથે પ્રીતિ કરો તો ભક્તિનો પ્રારંભ થશે.
દૃષ્ટાંત વગર સિદ્ધાંત બુદ્ધિમાં ઠસતો નથી. નામ ના મહિમાના સંબંધ માં અજામિલની કથા કહી છે.
અજામિલ અધમ હતો, માયામાં મળી ગયો હતો--પણ ભગવાનના નામનો આશ્રય કરી કૃતાર્થ થયો.
આપણે બધા અજામિલ જેવા જ છીએ. આ જીવ માયામાં ફસાયો છે.
--ભોજન માં માયા છે. કેટલાક જીવ ભોજન ની માયામાં ફસાયેલા હોય છે.તેમણે અથાણાં પાપડ વગર ચાલતું નથી.
--કામસુખ માં માયા છે. કેટલાક નું મન કામસુખ માં ફસાયેલું હોય છે. તેમણે કામસુખ પ્રત્યે ધૃણા આવતી નથી.
--પૈસા માં માયા છે. લાખ મળે કે કરોડ મળે પણ મનુષ્ય ને એવી ઈચ્છા થતી નથી કે હવે એક પૈસો પણ ન મળે.
--સ્થાન માં માયા છે. કોઈ મકાન માં બે ચાર વર્ષ રહે તો પછી તે મકાન છોડવું ગમતું નથી.
આવી તો અનેક માયા ઓ આસપાસ છે, સ્ત્રીની,પુત્રની,પુત્રના પુત્ર ની વગેરે.....
જીવ માયા સાથે મળી જાય છે તેથી તે દુઃખી થાય છે. જીવ ઈશ્વર સાથે મળી જાય તો સુખી થાય.
માયા જ્યાં જઈએ ત્યાં સાથે આવે છે. કોલસાની ખાણમાં ઉતરે અને હાથ ચોખ્ખા રહે તે અશક્ય છે.
સંસારમાં માયાના સંસર્ગમાં આવવું જ પડે છે. આ સંસાર માયામય છે. સંસારમાં માયા વિના કોઈ કામ થતું નથી.
માયાનો ઉપયોગ કરો-પણ સ્વ-રૂપને ન ભૂલો. માયાને આધીન ન બનો. જે માયાને આધીન છે-તેને માયા ત્રાસ આપે છે.
પણ જે માયા નો વિવેક થી ઉપયોગ કરે-તેને માયા મદદ કરે છે.
માયા એ અગ્નિ જેવી છે.અગ્નિને કોઈ હાથમાં લેતું નથી. પણ ચીપિયાથી અગ્નિને ઉપાડે છે.
તેવી જ રીતે માયાને વિવિકરૂપી ચીપિયાથી જ પકડવાની છે. વિવેકથી તેનો ઉપયોગ કરવાનો છે.
વિવેક એટલે-હું પરમાત્મા નો દાસ છું એમ માનીને માયાના દાસ નથી થવાનું તે-
માયા ખરાબ નથી પણ જીવ જયારે માયાનો દાસ બને છે-ત્યારે માયા તેને રડાવે છે-મારે છે.
માયા આપણી પાછળ ન પડે -તેનાથી બચવાનું છે- ને ઈશ્વરની પાછળ પડવાનું છે.
માયાને સ્પર્શ કરતા સાવધાન રહેવાનું છે-સંસારમાં રહી માયાનો ત્યાગ કરવો તે ખુબ જ અઘરો છે-અશક્ય છે.
સંસારમાંથી જેનું મન હટી જાય-તેનું મન માયામાંથી હટી જાય.
જીવ કૃતાર્થ નામસ્મરણથી થાય છે. જેવી રીતે અજામિલ કૃતાર્થ થયો હતો તેમ.
અજામિલ નામનો એક બ્રાહ્મણ કાન્યકુબ્જ દેશમાં રહેતો હતો.
અજા=માયા, માયામાં ફસાયેલો જીવ તે અજામિલ. અજામિલ અનેક પ્રકારનાં પાપો કરી ગુજરાન ચલાવે છે.
આ જ અજામિલ ૨૦ વર્ષનો હતો ત્યાં સુધી તો સંધ્યા ગાયત્રી કરતો, મંત્રવેતા,પવિત્ર અને સદાચારી હતો.
અજામિલ એક વાર જંગલમાં દુર્વા-તુલસી લેવા ગયો હતો. રસ્તામાં એક શૂદ્રને વેશ્યા સાથે કામક્રીડા કરતો જોયો.
વેશ્યાનું રૂપ અને દૃશ્ય જોઈને અજામિલ કામવશ થયો-કામાંધ થયો. વેશ્યાને જોવાથી-તેનું મન બગડ્યું. 
અજામિલ બ્રાહ્મણનો દીકરો હતો,સંધ્યા ગાયત્રી કરતો હતો-પણ એકવાર વેશ્યાને જોવાથી તેનું મન બગડ્યું- તો આજકાલ-
દર રવિવારે ફિલ્મ જોવા જતાં-કે દરરોજ ટી.વી. પર ફિલ્મો જોનારના મનની શી હાલત હશે ? ઘણા તો બાળકોને પણ ફિલ્મ જોવા સાથે લઇ જાય કે ટી.વી. પર બાળકો સાથે આખો દિવસ બેસી રહે છે. અમારું તો બગડ્યું-ભલે તારું પણ બગડે
પાપ સહુથી પહેલું આંખથી આવે છે-તે મનને બગાડે છે-મન બગડે એટલે જીવન બગડે અને પછી નામ બગડે.
રાવણ બહુ બળવાન ભણેલો હતો-પણ તેની આંખ બગડેલી હતી-તેથી તેનું જીવન બગડ્યું અને નામ બગડ્યું.
પતન નો પ્રારંભ આંખથી થાય છે-અને ભક્તિ ની શરૂઆત પણ આંખ થી થાય છે.
અજામિલ વેશ્યામાં આસક્ત બન્યો. ઘરનું બધું ધન તે વેશ્યાને આપવા લાગ્યો. અને માત-પિતાના મરણ પછી-વેશ્યાને સમજાવી પોતાના ઘરમાં લઇ આવ્યો. તે પાપાચાર કરવા લાગ્યો. ચોરી,જુગાર,છળકપટ કરવા લાગ્યો.
એક દિવસ કેટલાક સાધુઓ ફરતા ફરતા અજામિલને ઘેર આવ્યા.અજામિલ ઘેર ન હતો. વેશ્યા એ વિચાર્યું-કે મેં ઘણા પાપો કર્યા છે-આજે તો સંતોને ભોજન કરાવું-તેણે સંતોને સીધું સામગ્રી આપ્યા છે. સાધુઓ જાણતા નહોતા કે આ વેશ્યા છે.
ભોજન કર્યા પછી સાધુઓને ખબર પડી-દુઃખ થયું-પણ સાચા સાધુ જેના ઘરનું જમે છે- તેનું કલ્યાણ કર્યા વગર જતા નથી.
અજામિલ ઘેર આવ્યો-વેશ્યાના કહેવાથી તેણે સાધુઓને વંદન કર્યા.
સાધુઓને ઈચ્છા હતી કે-અજામિલ બ્રાહ્મણ હોવા છતાં પાપો કરે છે-તે છોડી દે -તો તેનું કલ્યાણ થાય-અને તેનું જીવન સુધરે. 
માબાપની સંતાન પર પ્રીતિ હોય છે- સાધુઓએ જોયું કે વેશ્યા સગર્ભા છે. પુત્ર જન્મે અને તે પુત્રનું નામ જો--નારાયણ
રાખે તો તે નિમિત્તથી તે પ્રભુનું નામ લેશે. તેનું પાપ ઓછું થશે અને તેનું કલ્યાણ થશે.
સાધુઓ એ કહ્યું તમારાં પુત્રનું નામ નારાયણ રાખજો-એ અમારી દક્ષિણા છે.
નામ એવું રાખો કે-જેથી સાંભળનારને કંઈક પ્રેરણા મળે. પુત્રના નામ ઉપરથી માબાપ ના સ્વભાવ અને બુદ્ધિની ખબર પડે છે.
આજકાલ લોકો માને છે-કે જુનું બધું ખરાબ છે-જુનાં નામ તેમને ગમતાં નથી.
કહેશે-અમે નવું શોધી કાઢ્યું છે. નવું કાંઇક સારું લાગે તો ભલે વિવેકથી ગ્રહણ કરો.પણ આપણા ધર્મને જુનો- હલકો ગણશો નહિ.
આપણો સનાતન ધર્મ શ્રેષ્ઠ છે. સૃષ્ટિના આદિકાળથી આ ધર્મ ચાલ્યો આવે છે. આપણો જુનો ધર્મ હલકો નથી.
અજામિલને ત્યાં પુત્ર થયો.અને તેનું નામ નારાયણ રાખ્યું છે.
અજામિલને પુત્ર પ્રતિ અતિશય પ્રેમ છે. વારંવાર તેને તેનું નામ-નારાયણ નારાયણ કહી બોલાવે છે.
અજામિલે બહુ પાપ કર્યું હતું, તેનું બાર વર્ષનું આયુષ્ય બાકી હતું તેમ છતાં યમદૂતો તેને લેવા આવ્યા છે.
મૃત્યુકાળ નજીક આવ્યો અને યમદૂતોને જોઈ અજામિલ ગભરાયો છે. ગભરાટમાં અને ગભરાટમાં પોતાના પુત્ર નારાયણમાં તે અતિ આસક્ત એટલે બોલવા લાગ્યો- નારાયણ-નારાયણ.
રોજની આદત પ્રમાણે અજામિલ નારાયણ-નારાયણ એમ બે વાર બોલ્યો. તેનો દીકરો તો ત્યાં આવ્યો નહિ. પણ વૈકુંઠલોકમાંથી ભગવાનના પાર્ષદો-વિષ્ણુદૂતો ત્યાં આવ્યા છે અને યમદૂતો ને કહે છે-આને છોડી દો.
યમદૂતો કહે છે-કે-આ બ્રાહ્મણનો પુત્ર છે-પણ તેણે  હિંસા ,ચોરી વ્યભિચાર વગેરે અનેક પાપ કર્યા છે. એટલે યમરાજાની આજ્ઞાથી અમે તેને પકડવા આવ્યા છીએ.
વિષ્ણુદૂતો એ કહ્યું તમારી વાત સાચી છે,પણ તેણે ભગવાન નું  નામ લઇ પોતાના નામ નું પ્રાયશ્ચિત કર્યું છે. તેનાં થોડાં પાપ
બળી ગયાં છે. હવે તેને જીવવા દો,તેના આયુષ્યના બાર વર્ષ હજુ બાકી છે.
યમદૂતો કહે છે-તેના પુત્રનું નામ નારાયણ છે-તેને તે નામ દઈ બોલાવતો હતો, વૈકુંઠવાસી નારાયણને નહિ.
વિષ્ણુદૂતો કહે છે-અજાણતાં પણ તેના મુખમાંથી પ્રભુનું નામ નીકળ્યું છે. જ્ઞાન હોય કે અજ્ઞાન હોય,પણ વસ્તુ-શક્તિ કામ કરે છે.
અજાણતાં પણ અગ્નિ પર પગ પડે તો પગ દાઝે છે-તેમ અજાણતાં ભગવાનનું નામ લેવાથી કલ્યાણ થાય છે.
મહાત્માઓ આ વાત જાણે છે-
કે-સંકેતથી, પરિહાસથી (મશ્કરીમાં),તાનનો આલાપ લેવામાં અથવા કોઈની અવહેલના કરવામાં-પણ- જો કોઈ ભગવાનના નામોનું ઉચ્ચારણ કરે છે-તો તેનાં પાપ નષ્ટ થાય છે.
જો મનુષ્ય લપસે અને પડે ત્યારે, અંગભંગ થાય ત્યારે (મૃત્યુ વેળાએ), સાપ ડંસે ત્યારે, ચોટ લાગે ત્યારે,તાવ-દાહ થાય ત્યારે- વગેરે સમયે વિવશતા થી હરિ-હરિ નામનું ઉચ્ચારણ કરે-છે-તે નરકની યાતનાને પાત્ર રહેતો નથી. (ભા.૬-૨-૧૪,૧૫)
અતિ ઉતાવળ માં કોઈ ભોજન કરે તો તેને ભોજનમાં સ્વાદ આવતો નથી, પણ તે ભોજન ભુખને તો મારે છે.
તેમ વ્યગ્ર ચિત્તથી કરેલું ભજન પાપને તો બાળે જ છે. એકાગ્ર ચિત્તથી કરેલ જપથી આનંદ મળે છે.
સાવધાન થઇ એકાગ્ર ચિત્તથી જપ કરવાનું ઉત્તમ છે-પણ-શાંત મન ન હોય ,તે છતાં જપ કરો તો લાભ તો થાય જ છે.
ઘણાં ઠોકર વાગે તો હાય-હાય કરે છે.કંઈક નુકસાન થાય તો હાય-હાય કરે છે. પણ હાય-હાય ને બદલે હરિ-હરિ કરો ને !!
ઘરમાં કાંઇક નુકશાન થાય તો-માનો-કે ઘરમાં કંઈક અધર્મનું આવ્યું હશે-તેનો નિકાલ થયો, સડો બહાર નીકળ્યો.
ઘરમાં દૂધ ઉભરાય તો માતાજીઓ હાય-હાય કરે છે. ઉપરની મલાઈ જતી રહી.(ભલે મલાઈ ગઈ તું તો નથી ગઈ ને ?)
હાય-હાય કરે શું વળવાનું હતું ? તેને બદલે હરિ હરિ કહો. હરિ-હરિ બોલતાં અગ્નિમાં આહુતિ અપાઈ જશે. અને યજ્ઞ કર્યાનું પુણ્ય મળશે. બાકી કોઈ અગ્નિમાં આહુતિ આપવાના નથી.
હાય-માં થોડો ફેરફાર કરી હરિ- કહો. અનાયાસે નામસ્મરણ થશે.હરિના જાપ થશે.
વાલ્મીકિ રામાયણમાં લખ્યું છે-મૃતાત્મા પાછળ લોકો બહુ હાય હાય કરે છે.તો તેનું દુઃખ મૃતાત્માને થાય છે.
જો હરિનું સ્મરણ કરે તો તેનું પુણ્ય મૃતાત્માને મળે છે.
વિષ્ણુદૂતો યમદૂતોને કહે છે-કે-અજામિલનું બાર વર્ષ નું આયુષ્ય બાકી છે.તે તેને ભોગવવા દો. તે હવે સુધરશે.
આમ વિષ્ણુદૂતો એ અજામિલને યમદૂતોના પાશમાંથી છોડાવ્યો.તેનો ઉદ્ધાર થયો.
આયુષ્ય બાકી હોય અને મૃત્યુ આવે-તે અપમૃત્યુ. આયુષ્ય પૂરું થાય તે પછી મૃત્યુ આવે તે મહામૃત્યુ.
મહામૃત્યુ ટળતું નથી. પાપકર્મોને લીધે આવેલું, અપમૃત્યુ ટળી શકે છે. અજામિલનું મૃત્યુ તેથી ટળ્યું.
અજામિલે આ બધું પથારીમાં પડ્યો પડ્યો સાંભળતો હતો. વિચારે છે-યમદૂતો મને મારવાના હતા પણ નારાયણના નામ સ્મરણે મને બચાવ્યો. હવે હું આ મંદવાડમાંથી ઉઠીશ તો મારું બાકીનું જીવન પરમાત્માને અર્પણ કરીશ.
અતિ પાપીને પણ પશ્ચાતાપ થાય તો તેના જીવન માં પલટાવો આવે છે.તે સુધરી જાય છે.
હૃદયથી પાપનો પસ્તાવો થાય તો પાપ બળે છે-પણ પ્રાયશ્ચિત ચિત્તને શુદ્ધ કરે છે.
અજામિલ સર્વ છોડી -ગંગાકિનારે આવી, ભગવત સ્મરણમાં લીન બન્યો છે. આખો દિવસ જપ કરે છે.
જગતમાં જે ભગવાન માટે જીવે છે તેને માન મળે છે-તેને માટે- વિમાન -આવે છે. (વિશિષ્ટ માન=વિમાન)
અતિ પાપીનો પણ ભગવાનના નામથી ઉદ્ધાર થાય છે. અજામિલ ભગવાન ના ધામ માં ગયો છે.
ભક્તિમાં જીભ મુખ્ય છે. જીભમાં પરમાત્માનું નામ સ્થિર થાય તો જીભ સુધરે છે. જીભને સમજાવો તો જીભ સુધરે છે.
આપણી લૂલી (જીભ) શીખંડ માગે તો તેને કડવા લીંબડાનો રસ આપો. જીભ ને કહો-કે-તું વ્યર્થ ભાષણ કરે છે-નકામી ટકટક કરે છે-
ભગવાનનું નામ લેતી નથી તેની આ સજા છે. તો જીભ રામનામ પર ચડી જશે.
ઓછું બોલવાથી અને સાત્વિક આહાર થી જીભ ધીરે ધીરે સુધરે છે. જીવન સુધરે છે.
ભગવદભક્તિ કરનારને આ લોકમાં અને પરલોકમાં માન મળે છે.
ભગવદભક્તિ ભગવાનના નામનો આશ્રય કરનાર અજામિલ ભગવાનના ધામ માં ગયો છે-અજામિલ તરી ગયો છે.
પહેલાં અજામિલ ના અજા શબ્દ નો અર્થ માયા કરેલો. પણ અજામિલે હવે પ્રભુના નામનો આશ્રય કર્યો- એટલે હવે અજ- શબ્દ નો અર્થ કર્યો છે-બ્રહ્મ-
અજામિલ આજે અજ (બ્રહ્મ) સાથે મળી બ્રહ્મરૂપ થયો છે. આજે જીવ અને શિવ એક થયા છે.

અજામિલ શબ્દ ના બે અર્થો થાય છે.

(૧) અજા=માયાથી-માયામાં ફસાયેલો 

(૨) અજ=ઈશ્વર, ઈશ્વર માં સર્વ રીતે મળી ગયેલો.

No comments: