શ્રીમદ્ભાગવત સ્કંધ – 1 (Page 30) અધિકાર લીલા

શ્રીમદ્ભાગવત સ્કંધ – 1 (Page 30)

પરીક્ષિત રાજા : આપ મને કહો-કે- જેનું મરણ નજીક આવેલું હોય –તેણે શું કરવું જોઈએ ? મનુષ્ય માત્ર નું કર્તવ્ય શું છે ? તેણે –કોનું સ્મરણ,કોનું શ્રવણ,કોના જપ, કોનું ભજન કરવું જોઈએ ?’
શુકદેવજી નું હૃદય પીગળી ગયું. ચેલો લાયક છે. શુકદેવજી એ કૃપા કરી. રાજા ના માથે –પોતાનો વરદ હસ્ત પધરાવ્યો. અને તે જ ક્ષણે રાજાને –દ્વારકાધીશ નાં દર્શન કરાવ્યાં.
મંત્ર દીક્ષા કરતાં સ્પર્શ દીક્ષા –એ શ્રેષ્ઠ છે. અધિકારી શિષ્ય મળે તો ગુરુને થાય કે હું મારું સર્વસ્વ –તેને આપી દઉં.
ગુરુ બ્રહ્મનિષ્ઠ હોય-નિષ્કામ હોય- અને શિષ્ય પ્રભુ દર્શન માટે આતુર હોય- તો-
સાત દિવસ શું ?સાત મિનિટ-સાત ક્ષણ માં –અરે! એક ક્ષણ માં –પ્રભુ ના દર્શન કરાવે છે.
બાકી-ગુરુ લોભી હોય-અને ચેલો લૌકિક સુખ ની લાલચ થી આવ્યો હોય –તો બંને નરક માં પડે છે.
‘લોભી ગુરુ ઔર લાલચી ચેલા-દોનોં કી નરક મેં ઠેલમ ઠેલા.’
શુકદેવજી કહે છે-કે -રાજા –તું શું કામ ગભરાય છે ? સાત દિવસ હજુ બાકી છે. ખટવાંગ રાજાએ –એક મુહુર્ત માં –પોતાનું શ્રેય સાધી લીધું હતું. મુક્તિ પ્રાપ્ત કરી હતી.
વિષ્ણુ પુરાણ માં આ ખટવાંગ ની કથા આવે છે-
ખટવાંગ રાજા એ –દેવો ને મદદ કરી-દૈત્યો ને હરાવ્યા. દેવો એ ખટવાંગ ને –વરદાન માગવા કહ્યું.
ખટવાંગે-વિચાર્યું-આ દેવો ને મેં મદદ કરી-તે મને શું વરદાન આપી શકવાના ? પણ ચાલ, તેઓ પાસે થી મારું આયુષ્ય –કેટલું છે ?
તે જાણી લઉં. તેણે દેવો ને પૂછ્યું-મારું આયુષ્ય કેટલું બાકી છે –તે મને કહો.
દેવો એ કહ્યું-તારા આયુષ્ય નો એક પ્રહર જ બાકી છે.
ખટવાંગે –તરત જ સર્વસ્વ નો ત્યાગ કર્યો-અને સનત કુમારો ને શરણે ગયા.પ્રભુ માં ચિત્ત પરોવી દીધું અને મુક્ત થયા.
શુકદેવજી કહે છે-‘રાજા-હું તારી પાસે થી કંઇ લેવા આવ્યો નથી,તને પરમાનંદ નું દાન કરવા આવ્યો છું. હું નિરપેક્ષ છું.
મને જે પરમાત્માનાં દર્શન થયાં,તે પરમાત્મા નાં દર્શન કરાવવા આવ્યો છું. મને જે મળ્યું-તે તને આપવા આવ્યો છું.
કૃષ્ણ કથામાં તલ્લીન-મારા પિતા તો (વ્યાસજી) ભુખ લાગે ત્યારે –એક વખત બોર ખાતા હતા. પણ ભજનાનંદમાં –
આ કૃષ્ણકથામાં –મને એવો આનંદ આવે છે કે-મને તો-બોર પણ યાદ આવતા નથી. મારા પિતાજી વસ્ત્ર પહેરતા-પણ પ્રભુચિંતનમાં મારું વસ્ત્ર ક્યાં પડી ગયું? તેની પણ મને ખબર નથી.
સાત દિવસ માં હું તને –શ્રી કૃષ્ણના દર્શન કરાવીશ. હું બાદરાયણી છું.’
અહીં બાદરાયણી-શબ્દ લખ્યો છે-શુકદેવજીનો-શુક –શબ્દ લખ્યો હોત તો ના ચાલત ?
ભાગવત માં એક પણ શબ્દ વ્યર્થ લખ્યો નથી.
શુકદેવજી નો પરિપૂર્ણ વૈરાગ્ય બતાવવા –આ શબ્દ વાપર્યો છે.
શુકદેવજી –બાદરાયણ(વ્યાસજી) ના પુત્ર છે. વ્યાસજી નું તપ-વૈરાગ્ય કેવા હતા ?આખો દિવસ જપ-તપ કરે અને ભુખ લાગે-ત્યારે-ફક્ત એક વખત-એકલાં બોર ખાતા. કેવળ બોર ઉપર રહેતા –એટલે બોર ઉપરથી એમનું નામ પડ્યું-બાદરાયણ. અને આ બાદરાયણ ના પુત્ર –શુકદેવજી-તે  બાદરાયણી. જ્ઞાન-ભક્તિ અને વૈરાગ્ય થી પરિપૂર્ણ.
આવા જ્ઞાન-ભક્તિ અને વૈરાગ્ય થી પરિ પૂર્ણ હોય-તે જ મુક્તિ અપાવી શકે.
આજ ના સુધારક માં-ત્યાગ-સંયમ-જોવામાં આવતાં નથી. તે બીજા ને શું સુધારી શકવાનો હતો ?
મનુષ્ય –પહેલાં –પોતે- જ –પોતાને સુધારવાનો પ્રયત્ન કરે.
શુકદેવજી કહે છે-(મરણ નજીક આવેલું હોય-તેણે શું કરવું?-તેનો જવાબ) :
‘રાજન-જે સમય ગયો છે-તેનું સ્મરણ કરીશ નહિ. ભવિષ્ય નો વિચાર કરીશ નહિ.
ભૂતકાળ નો વિચાર કરવાથી –શોક-થાય છે. અને ભવિષ્ય નો વિચાર કરવાથી-ભય-થાય છે.
માટે વર્તમાન નો જ વિચાર કર-અને વર્તમાન ને જ સુધાર.’  ( પરીક્ષિત ના પહેલા પ્રશ્ન નો પહેલો જવાબ –એ જાણે-ભાગવત નું બીજ હોય તેમ લાગે છે. વળી જો ગીતા ના બીજ જોડે સરખાવવામાં આવે તો સામ્ય પણ દેખાય છે.ગીતા ના અધ્યાય -૨ નાં શ્લોક-૧૧ મુજબ તેનો ભાવાર્થ કઈક આવો જ થાય છે-‘જેનો શોક કરવા યોગ્ય નથી તેનો તું શોક કરે છે ‘)
(મનુષ્ય માત્ર નું કર્તવ્ય શું? તેનો જવાબ) :
પોતાનું જીવન -સુધારવાની-તો-જીવ ને- ઈચ્છા –જ-થતી નથી. બીજા ના દોષ જ જલ્દી  દેખાય છે. પોતાના દોષ દેખાતા નથી.
ભૂલ તો થાય-પણ ભૂલ થયા પછી –જીવ ને તેનો પસ્તાવો ના થાય તે ખોટું છે.
ભૂલ કર્યા પછી –પસ્તાવો થાય-અને –ફરીથી ભૂલ ન થવા દેવા નો સંકલ્પ-થાય તો જ જીવન સુધરે છે,
રાજન-મારા નારાયણ નું તું સ્મરણ કર. તારું જીવન સુધરશે. (કોનું સ્મરણ કરવું?તેનો જવાબ?) ‘
લૌકિક(સંસારના) રસ ભોગવનાર ને –પ્રેમરસ- મળતો નથી.ભક્તિ રસ મળતો નથી.
જગતના રસ કડવા છે-પ્રેમરસ-ભક્તિરસ-જ મધુર છે.
જે -ઇન્દ્રિયો નો ગુલામ થયો- તેને- કાળ-પકડે છે.
ભાગવત ના વક્તા –આવા-શુકદેવ જી જેવા હોવા જોઈએ-અમે શ્રોતા –આવા-પરીક્ષિત જેવા –હોવાં જોઈએ.(અધિકાર લીલા)
આમ પ્રથમ સ્કંધ માં અધિકાર નું વર્ણન છે.

ભાગવત નો પહેલો સ્કંધ(અધિકાર લીલા) સમાપ્ત.

No comments: