શ્રીમદ્ભાગવત સ્કંધ – 7 (Page 51)
શ્રીમદ્ભાગવત
સ્કંધ-૭
છઠ્ઠા સ્કંધમાં પુષ્ટિ-અનુગ્રહની
કથા આવી.
ભગવદ-અનુગ્રહ થયા
પછી-
જીવ
અનુગ્રહનો સદુપયોગ (વાસનાનો નાશ અને (પ્રભુસ્મરણમાં) કરે તો તે પુષ્ટ બને છે-
અને
દુરુપયોગ કરે તો તે દુષ્ટ બને છે.
હવે આવશે-હિરણ્યકશિપુ
અને પ્રહલાદની કથા.
હિરણ્યકશિપુએ શક્તિ-સંપત્તિનો
ઉપયોગ ભોગ ભોગવવામાં કર્યો-તેથી તે બન્યો દૈત્ય.
પ્રહલાદે સમય,
શક્તિનો ઉપયોગ પ્રભુભક્તિમાં
કર્યો-તેથી તે બન્યો દેવ.
આ સાતમાં
સ્કંધમાં - વાસનાના ત્રણ મુખ્ય પ્રકારનું વર્ણન છે.
{1} અસદવાસના—{2} સદવાસના—અને {3} મિશ્રવાસના.
સાતમાં સ્કંધની શરૂઆતમાં
પરીક્ષિતે બહુ સુંદર પ્રશ્ન કર્યો છે.
રાજા
પૂછે છે કે-આપે કહ્યું –કે ઈશ્વર સર્વત્ર છે-અને
સમભાવથી વ્યવહાર કરે છે-પણ જગતમાં આવી વિષમતા કેમ દેખાય છે ?
ઉંદરમાં ઈશ્વર અને બિલાડીમાં યે ઈશ્વર--
તો –બિલાડી ઉંદર ને કેમ મારે છે ?
ઈશ્વર સર્વમાં સમભાવથી રહેલા હોય તો –આ વિષમતા કેવી રીતે ઉત્પન્ન થાય છે?
સાસુ
અને વહુ બંનેમાં પરમાત્મા છે-તો ઘરમાં ખટપટ
કેમ થાય છે ?
ભગવાન
સમ-ભાવી હોય તો તે-કોઈનું યે બુરું ન ઈચ્છે. પણ દેવોનો પક્ષ લઇ વારંવાર દૈત્યોને કેમ
મારે છે ?
વૃત્રાસુર
તો ભગવદભક્ત હતો, તેમ છતાં –ઇન્દ્ર
માટે તેનો વધ શા માટે કર્યો ?
શુકદેવજી કહે છે-કે –રાજન તે પ્રશ્ન સુંદર કર્યો પણ પ્રશ્નના
મૂળમાં તું ગયો નથી.
પરમાત્માની
ક્રિયામાં વિષમતા દેખાય છે-પણ તેમના ભાવમાં સમતા છે.
ક્રિયામાં વિષમતા એ વિષમતા નથી.ભાવ માં વિષમતા એ વિષમતા છે.
સમતા
અદ્વૈત ભાવમાં છે. ક્રિયામાં એ ના સંભવે.
ક્રિયામાં વિષમતા રહેવાની જ.
ઉદાહરણ
તરીકે-ઘરમાં
માતા, પત્ની, પુત્રી-પુત્ર વગેરે હોય. પુરુષનો
આ સઘળાં પર પ્રેમ તો સરખો હોય છે-પણ બધાની સાથે તે એક-સરખી રીતે વર્તી શકતો નથી. વર્તી
શકે પણ નહિ. મા ને તે પગે લાગે છે-પણ પુત્રી-પુત્ર-પત્ની ને પગે નહિ લાગે.
ભાવનામાં અદ્વૈત રાખવાનું છે. ગીતાજીમાં પણ સમભાવ રાખવાનું કહ્યું
છે-પણ સમવર્તી થવાનું કહ્યું નથી.
સમદર્શી (બધામાં –એકના દર્શન) થવું જોઈએ. પણ સમવર્તી (બધાની સાથે એક સરખું વર્તન) ન થઇ શકાય.
ભાગવત
ને આધિભૌતિક સામ્યવાદ માન્ય નથી પણ અધ્યાત્મિક સામ્યવાદ માન્ય છે.
શુકદેવજી
કહે છે- રાજન,ભગવાન
ની બે શક્તિઓ છે. નિગ્રહશક્તિ અને અનુગ્રહ શક્તિ.
નિગ્રહ
શક્તિથી રાક્ષસોને મારે છે-અને
અનુગ્રહ શક્તિથી દેવોનું કલ્યાણ કરે છે.
રાજન,તને લાગે છે-કે-દેવો નો પક્ષ કરી અસુરો ને માર્યા –પરંતુ અસુરો નો તે સંહાર તેમની પર કૃપા કરવા માટે જ હતો.
શ્રીકૃષ્ણ
જેને મારે છે-તેને મુક્તિ આપે છે.
એક
ઉદાહરણ છે. એક
ચોર ચોરી કરવા નીકળ્યો, રસ્તામાં ઠેસ વાગી,પગ
ભાંગ્યો. તેથી તે ચોરી કરવા ન જઈ શક્યો.
આને
કૃપા માનવી કે અવકૃપા ? પ્રભુની આ કૃપા જ છે-હા,પગ
ભાંગ્યો-છતાં કૃપા-કારણ પાપ કરવા જતાં તે અટક્યો છે.
“રાજન, તમે જેવા હશો
તેવું તમને ઈશ્વરનું સ્વરૂપ લાગશે. ઈશ્વરનું કોઈ એક માત્ર સ્વરૂપ નક્કી કરવામાં આવ્યું
નથી.
જીવ
જે ભાવથી ઈશ્વરને જુએ છે,
તે
જીવના માટે ઈશ્વર તેવા બની જાય છે”
વલ્લભાચાર્ય કહે છે-કે-ઈશ્વર લીલા કરે છે-તેથી અનેક સ્વરૂપ
ધારણ કરે છે. (ભક્તિ-દ્વૈત)
જયારે
શંકરાચાર્યજી કહે છે-બ્રહ્મ સર્વવ્યાપક અને નિર્વિકાર
છે.બ્રહ્મ ને કોઈ ક્રિયા નથી. (જ્ઞાન-અદ્વૈત)
લોટામાંથી પાણી બહાર
કાઢી શકાય પણ તેમાંનું -આકાશ -બહાર કાઢી શકાય નહિ.
ઈશ્વરમાં -માયા-થી
–ક્રિયાનો અધ્યારોપ
કરવામાં આવે છે. (આ વેદાંતનો સિદ્ધાંત છે-અદ્વૈત).
ઉદાહરણ
તરીકે- ગાડીમાં બેસી અમદાવાદ જાઓ, અને અમદાવાદ આવે ત્યારે કહેશો કે અમદાવાદ આવ્યું.
અહીં ક્રિયા અમદાવાદની
નથી પણ ક્રિયા છે ગાડી ની.......અમદાવાદ તો ત્યાં હતું જ...અમદાવાદ પર ક્રિયાનો અધ્યારોપ
થયો.
ઈશ્વર
નિષ્ક્રિય (ક્રિયા વગરના) છે. ક્રિયા એ માયા કરે છે. ઈશ્વર કોઈ ક્રિયા કરતા નથી તો
પછી તેમાં વિષમતા ક્યાંથી આવે ?
મહાપ્રભુજીનો
સિદ્ધાંત (દ્વૈત) પણ દિવ્ય છે. વૈષ્ણવો માને છે-કે-ઈશ્વરને
ક્રિયા નથી એ બરોબર છે-પણ ઈશ્વર લીલા કરે છે.
1.
જે ક્રિયા માં ક્રિયાનું અભિમાન નથી-- તે
લીલા. ઈશ્વર સ્વેચ્છાથી લીલા કરે છે.
“હું કરું છું” એવી ભાવના વગર –નિષ્કામ ભાવથી જે ક્રિયા કરવામાં આવે છે-તે
લીલા.
2. કેવળ બીજા ને સુખી કરવાની ભાવનાથી કરવામાં આવે તે લીલા.
3. કૃષ્ણની લીલા છે. તેમને સુખની ઈચ્છા નથી. લાલાજી ચોરી કરે છે-બીજાના માટે.
4. ક્રિયા બાંધે છે-પણ લીલા મુક્ત કરે
છે.
માયા
એકલી કંઈ કરી શકતી નથી. માયા ક્રિયા કરે છે-ઈશ્વરને આધારે.
દ્વૈત
અને અદ્વૈત બંને સિદ્ધાંતો સાચા છે. ખંડન મંડન ની ભાંજગડ માં પડવા જેવું નથી.
સમતા
ઈશ્વરની છે-પણ જે વિષમતા દેખાય છે –તે માયાની છે.
ઈશ્વરના
અધિષ્ઠાનમાં (આધારમાં) માયા ક્રિયા કરે છે-એટલે માયા જે કાંઇ ક્રિયા કરે- તેનો આરોપ
ઈશ્વર પર કરવામાં આવે છે.
ઉદાહરણ
તરીકે-દીવો
કંઈ કરતો નથી પણ દીવો ન હોય તો કંઈ થઇ શકતું નથી.
નાનો
બાળક જમવા બેઠો હોય અને બાળક વધુ માગે –તો પણ મા તેણે વધારે ખાવા આપતી નથી.
મા વિચારે છે-કે વધુ ખાશે અને
પચશે
નહિ તો ઝાડા થઇ જશે, જયારે મા નો સોળ વર્ષ નો છોકરો બહારથી
આવે તો વગર માગ્યે મા બે રોટલી વધારે આપશે.
વિચારે
છે કે બહાર રમવા જશે તો બધું પચી જશે અને છોકરો તગડો થશે. મા ની ક્રિયામાં વિષમતા દેખાય
છે,પણ તેમાં સમતા છે.
બંને
બાળક પર તેનો પ્રેમ સરખો જ છે.
ભગવાન
દૈત્યોને મારે છે- પણ ભગવાન ના મારમાં પણ પ્રેમ છે.
સત્વગુણ-રજોગુણ અને
તમોગુણ એ પ્રકૃતિના ગુણો છે. આત્માના નથી. માયા (પ્રકૃતિ) ત્રિગુણાત્મિકા છે. (ત્રણ
ગુણોવાળી)
જયારે પરમાત્મા ત્રણે
ગુણોથી પર છે. ત્રણ ગુણો વધે –ક્ષોભ થાય એટલે ક્રિયા થાય છે.
પરમાત્મા જયારે જીવના ભોગ માટે શરીર સર્જે છે- ત્યારે રજોગુણના બળમાં વૃદ્ધિ
કરે છે.
જીવના
પાલન માટે સત્વગુણની વૃદ્ધિ કરે છે. અને સંહાર માટે તમોગુણના
બળમાં વૃદ્ધિ કરે છે.
શુકદેવજી
કહે છે- રાજન, તમે જેવો પ્રશ્ન કર્યો છે-તેવો જ
પ્રશ્ન તમારા દાદા ધર્મરાજાએ –રાજસૂય યજ્ઞમાં નારદજી ને કર્યો હતો.
રાજસૂય
યજ્ઞમાં પહેલી પૂજા શ્રીકૃષ્ણની કરવામાં આવી. આ સહન નહિ થવાથી શિશુપાલ ભગવાનની નિંદા
કરવા લાગ્યો.
ભગવાન
નિંદા સહન કરે છે- પણ
સો અપરાધ પુરા થયા પછી તેનું મસ્તક ઉડાવી દે છે.
શિશુપાલ
ના શરીર માં થી નીકળેલું આત્મતેજ ભગવાન માં લીન થયું. અને તેને સદગતિ મળી.
આ જોઈ
યુધિષ્ઠિર ને આશ્ચર્ય થયું.તેમણે નારદજી ને પ્રશ્ન પૂછ્યો-
શિશુપાલ
તો ભગવાન નો શત્રુ હતો-તેની દુર્ગતિ થવી જોઈએ –તેના બદલે તેની સદગતિ કેમ થઇ ? શિશુપાલ
ની સદગતિ થઇ છે-
તે
મેં નજરો નજર જોઈ છે. આવી સાયુજ્ય ગતિ શિશુપાલ
કેવી રીતે પામ્યો ?
નારદજી
બોલ્યા- રાજન, પારસમણિ ઉપર કોઈ લોખંડનો હથોડો મારે-તો
હથોડાથી પારસમણિ તૂટી જશે, પણ પારસમણિ તે હથોડાને સુવર્ણનો બનાવી
દેશે. તેમ-કોઈ
પણ નિમિત્તથી જીવ ઈશ્વરનો સ્પર્શ કરે તો –પરમાત્મા તેનું કલ્યાણ કરે છે.
વેરથી
પણ જે પરમાત્મા ને યાદ કરે છે-તેનું પણ તે કલ્યાણ કરે છે. પરમાત્મા એ કહ્યું છે-કે-“કોઈપણ
રીતે,કોઈ પણ ભાવથી,જીવ
મારા સાથે તન્મય બને તો મારા સ્વરૂપનું હું તેણે દાન કરું છું. “મારા
માલિક અતિ ઉદાર છે.
જેમ
ભક્તિથી ઈશ્વરમાં મન જોડી-ઘણા મનુષ્યો, પરમાત્માની ગતિને પામ્યા છે, તેવી
જ રીતે –પ્રભુ પ્રત્યે- કામથી, દ્વેષથી, ભયથી તથા ઘણા સ્નેહથી પણ ભગવાનમાં
મન જોડી અનેક મનુષ્યો સદગતિ પામ્યા છે.
કોઈ ગોપીઓ કામભાવથી
ભગવાનનું ચિંતન કરતી હતી, પણ જેનું ધ્યાન કરે છે-તે કૃષ્ણ નિષ્કામ છે,
એટલે તે ગોપી નિષ્કામ બને
છે.
કંસ ને દેવકીનો આઠમો
પુત્ર જ દેખાય છે, બીકને લીધે તે શ્રીકૃષ્ણનું ચિંતન કરતા તન્મય થયો
છે.
શિશુપાલ વેરથી-ક્રોધથી
પણ ચિંતન ભગવાનનું કરતો હતો. તેથી સર્વે ને સદગતિ મળી છે.
કોઈ પણ ભાવથી ઈશ્વરની તન્મયતા જરૂરી છે. તેથી હર કોઈ મનુષ્યે
કોઈ પણ ઉપાયથી સંપૂર્ણપણે પોતાનું મન પ્રભુમાં જોડવું જોઈએ.
શિશુપાલ સાધારણ નહોતો.
તે વિષ્ણુ ભગવાનનો પાર્ષદ હતો. વેર કરનારને પણ શ્રીકૃષ્ણ સદગતિ આપે છે.
વેર
કરનાર સાથે પણ પ્રભુ પ્રેમ કરે છે- તો પછી જે ભક્ત પરમાત્મા સાથે પ્રેમ કરે તેણે ભગવાન
મુક્તિ આપે –એમાં શું આશ્ચર્ય ?
નારદજી
એ પછી-જય-વિજય ના ત્રણ જન્મોની કથા ટૂંક માં કહી.
પહેલા
જન્મ માં –હિરણ્યાક્ષ.હિરણ્યકશિપુ- બીજા જન્મ
માં –રાવણ,કુંભકર્ણ-
ત્રીજા જન્મ માં શિશુપાલ અને દંતવક્ત્ર.
દિતિના
બે પુત્રો-હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ.
હિરણ્યાક્ષનો
વધ વરાહ ભગવાને કર્યો. હવે હિરણ્યકશિપુની કથા આવે છે,
હિરણ્યકશિપુ-પોતાના પુત્ર પ્રહલાદને મારવા પ્રયત્ન કરે છે-ત્યારે
પ્રભુ નૃસિંહ રૂપ ધારણ કરી તેનો વધ કરે છે.
ધર્મરાજા
નારદજીને પૂછે છે-પુત્ર
સાથે પિતા વેર કરે તે આશ્ચર્ય લાગે છે, પ્રહલાદ મહાન ભક્ત હતા, છતાં તેમણે મારવાની ઈચ્છા હિરણ્યકશિપુને
કેમ થઇ ? કૃપા કરી આ નૃસિંહઅવતારની કથા વિસ્તારપૂર્વક અમને
સંભળાવો.
દિતિ
એ ભેદબુદ્ધિ છે. ભેદબુદ્ધિ ના બે પુત્રો છે-
[1] અહંતા (હું) અને [2] મમતા (મારું)
સર્વ
દુઃખનું મૂળ ભેદબુદ્ધિ છે. સર્વ સુખનું મૂળ અભેદભાવ છે.
અભેદભાવ
શરીરથી નહિ-પણ બુદ્ધિથી થાય તો –સર્વ- માં -સમબુદ્ધિ આવે છે. જ્યાં ભેદ છે ત્યાં ભય છે-અભેદ
છે ત્યાં અભય છે.
જ્ઞાની પુરુષો જગત
ને અભેદ ભાવથી જુએ છે. મારામાં જે ચૈતન્ય છે તે સર્વમાં છે.
જયારે સામાન્ય માણસ
જગતને ભેદભાવ થી જુએ છે.આ સારું છે-આ ખરાબ છે.—આ યુવાન છે આ વૃદ્ધ છે.-આ સ્ત્રી છે,આ પુરુષ છે.
ભેદભાવથી
ભેદબુદ્ધિ થાય અને તેમાંથી –હું અને મારું.(અહંતા ને મમતા) પેદા થાય છે.
મમતાનો
કદાચ વિવેકબુદ્ધિથી નાશ થાય છે.પણ અહંભાવનો નાશ થવો કઠણ છે.
મારામાં અભિમાન નથી એમ માનવું તે પણ અભિમાન છે.
હિરણ્યકશિપુ
અહંકારનું –અભિમાનનું સ્વરૂપ
છે. અભિમાન સર્વને ત્રાસ આપે છે-રડાવે છે. દેહાભિમાન દુઃખ નું કારણ છે.
મમતા
મરે છે-પણ અહંકાર મરતો નથી, અહંકાર ને મારવો કઠણ છે.
તે રાતે મરતો નથી કે દિવસે મરતો નથી.ઘરની
અંદર મરતો નથી કે ઘરની બહાર મરતો નથી.
તે અસ્ત્ર કે શસ્ત્રથી મરતો નથી. તેને મધ્યમાં
મારવો પડશે. (હિરણ્યકશિપુની જેમ)
દેહાભિમાન
મરે તો શાંતિ મળે છે. અહંકારને મારે તો તે ઈશ્વરથી દૂર નથી.
અહંકારને
મારવાનો છે, અને અહંકાર મરે છે ઉંબરામાં. આગળ
કથા આવશે કે બે ગોપીઓની વચ્ચે શ્રીકૃષ્ણ છે-એટલે કે- બે મનોવૃત્તિની વચમાં શ્રીકૃષ્ણને
રાખશો તો અહંકાર મરશે.
મન સંકલ્પ-વિકલ્પ કરે છે-એક સંકલ્પની સમાપ્તિ અને બીજાનો આરંભ.
તે બેની વચ્ચે શ્રીકૃષ્ણને રાખો-તો અહંકાર મરે.
સતત ભક્તિ કરવાની ટેવ પડે તો દેહભાવ જાય છે. અને દેહભાવ જાય
તો અહંકાર ક્યાંથી રહે ?
પ્રહલાદ
સતત ભક્તિ કરે છે, અને આ ભક્તિ થી હિરણ્યકશિપુ-એટલે
કે અહંકાર મરે છે.
અભિમાન
સર્વ દુર્ગુણો ને ખેંચી લાવે છે-જયારે ભક્તિ સર્વ સદ-ગુણો ને ખેંચી લાવે છે.
સર્વ
સદગુણોની મા ભક્તિ છે.ભક્તિ છે ત્યાં વિનય છે,નમ્રતા છે,દયા
છે, ઉદારતા છે.
જ્ઞાન
ભલે સુલભ લાગે-પણ અહંતા-મમતાનો વિનાશ ન થાય ત્યાં સુધી જ્ઞાન દીપે નહિ.
હિરણ્યકશિપુ જ્ઞાની હતો પણ તેનું જ્ઞાન અહંતા અને મમતા થી ભરેલું
હતું. પોતાના
ભાઈ હિરણ્યાક્ષ ના મરણ પ્રસંગે તે માતાને
બ્રહ્મોપદેશ
કરે છે-પણ અંદર વિચારે છે કે મારા ભાઈ નો વધ કરનાર વિષ્ણુ ઉપર ક્યારે વેર વાળું ?
વેદાંત અને બ્રહ્મજ્ઞાનની વાતો કરે પણ પ્રેમ સંસારના વિષયો સાથે
કરે--તે દૈત્ય.
હિરણ્યકશિપુએ
તપ કરી બ્રહ્માજીને પ્રસન્ન કર્યા. અને વરદાન માગ્યા-કે-મને બે વરદાન આપો.મને વૃદ્ધાવસ્થા
આવે નહિ – હું કોઈ દિવસ મરું નહિ. મને અજર અમર બનાવો.
બ્રહ્માજી
કહે છે-કે- દરેકને મરવું તો
પડે જ. જન્મેલાને મરણ તો છે જ. તું બીજું કાંઇક માગ.
હિરણ્યકશિપુ કહે- મને અજર અમર થવાનું
વરદાન તો આપવું જ પડશે. હું દહાડે ના મરું-રાત્રે ના મરું, જડથી
ન મરું-ચેતન થી ન મરું, શસ્ત્રથી ના મરું-અસ્ત્ર થી ન મરું.
તેવું વરદાન મને આપો.
બ્રહ્માજી
એ વિચાર કર્યો-હિરણ્યકશિપુ એ ખુબ તપશ્ચર્યા કરી છે-વરદાન તો આપવું જ પડશે. એટલે તેમણે
વરદાન આપ્યું.
હિરણ્યકશિપુ
ની શક્તિ વધી છે.સ્વર્ગ માં ગયો અને ત્યાંથી સંપત્તિ લઇ આવ્યો. ઇન્દ્ર વગેરે દેવો નો
પરાભવ કર્યો.
દેવો
ઘણા દુઃખી થયા છે. પરમાત્માને પ્રાર્થના કરી છે. ભગવાને કહ્યું-મારા લાડીલા ભક્તો જયારે દુઃખી થાય
છે-ત્યારે હું અવતાર ધારણ કરું છું.
દેવોને
ભગવાને આશ્વાસન આપ્યું છે અને કહ્યું-“જયારે તે પોતાના પુત્ર નો દ્રોહ કરી
તેને મારવા તૈયાર થશે-ત્યારે હું અવતાર ધારણ કરીશ અને તેણે મારીશ.
આ બાજુ હિરણ્યકશિપુને
ઘેર –પુત્ર-પ્રહલાદનો જન્મ
થયો છે. પ્રહલાદજી ધીરે ધીરે મોટા થયા છે. પાંચ વર્ષના થયા છે.
સર્વને આહલાદ-આનંદ આપનાર = તે પ્રહલાદ.
દૈત્યોના ગુરુ હતા
શુક્રાચાર્ય.તેમના પુત્ર હતા શંડ અને અમર્ક.(શંડામર્ક)
હિરણ્યકશિપુ એ આ બંને
બોલાવી કહ્યું કે-આ બાળક-પ્રહલાદને રાજનીતિ ભણાવો.
શંડામર્ક પ્રહલાદને
રાજનીતિ શીખવાડે છે-પરંતુ ગર્ભમાં આવ્યા ત્યારથી પ્રહલાદને ભક્તિનો રંગ લાગ્યો હતો.
ભક્તિનો રંગ જલ્દી
લાગતો નથી-અને લાગી જાય તો પાછી સંસારની પ્રવૃત્તિ ગમતી નથી.
મીરાબાઈ એ કહ્યું
છે-કે-મારા શ્રીકૃષ્ણનો રંગ કાળો છે. કાળા રંગ પર બીજો કોઈ રંગ લાગતો નથી.
પ્રહલાદજીને
જન્મથી જ ભક્તિનો એવો રંગ લાગેલો કે-તેમણે ભગવતસેવામાં અને ભગવત સ્મરણમાં જ આનંદ આવે
છે.
પુસ્તકો
વાંચવાનું કે-ભણવાની ઈચ્છા થતી નથી. પણ વિચારે છે કે જો ન ભણે તો બ્રાહ્મણનું અપમાન
થાય એટલે ભણવાનું નાટક કરે છે.પ્રહલાદે આંખમાં શ્રીકૃષ્ણને રાખ્યા છે. ગુરુ જે ભણાવે તે સાંભળે છે પણ રાજ નીતિનું ચિંતન
કરતા નથી.
ગુરુજીને
લાગે છે –કે છોકરો ડાહ્યો છે.તેની કેળવણી જોઈ
રાજા કંઈક ઇનામ આપશે. શંડામર્ક પ્રહલાદને દરબારમાં લઇ આવે છે.
પ્રહલાદજી
પિતાને પ્રણામ કરે છે. હિરણ્યકશિપુ એ પ્રહલાદને ગોદમાં ઉઠાવી –પ્યાર
કર્યો છે. અને પ્રહલાદને પૂછે છે-કે- તને ગુરુજી એ ભણાવેલો જે ઉત્તમ પાઠ યાદ હોય તે
બોલ.
પ્રહલાદજી
એ વિચાર્યું –કે ગુરુજી
એ તો મારફાડની વિદ્યા ભણાવી છે-તે ઉત્તમ કેમ કહેવાય ? પિતાજી
એ તો ઉત્તમ પાઠ પૂછ્યો છે.
એટલે
તે બહુ સુંદર બોલ્યા છે.
પિતાને
કહે છે-
આપણા અધઃપતનનું મૂળ કારણ અંધારા કુવા સમાન
આ ઘર છે.
મનુષ્યને માટે એ જ શ્રેયસ્કર છે-કે-આ ઘરને
છોડી વનમાં જાય,
અને ભગવાન શ્રી હરિનું શરણ ગ્રહણ કરે.અને
આજ માત્ર એક ઉપાય છે.(ભાગવત-૭-૫-૫)
પિતાજી
મને મારા અનેક જન્મો યાદ આવે છે.અનેક જન્મોમાં હું રાજા હતો,રાણી
હતો. અનેક જન્મોના અનુભવ પરથી કહું છું કે-
આ જીવ
અનેક વાર સ્ત્રી,પુરુષ,પશુ
,પક્ષી, બન્યો
છે.હજારો જન્મ થી પ્રભુ થી વિખુટો પડેલો આ જીવ
લૌકિક સુખ ભોગવે છે,છતાં તેણે તૃપ્તિ નથી થઇ. ભોગથી તૃપ્તિ થતી
નથી,તૃપ્તિ ત્યાગથી થાય છે. સંસારએ દુઃખનો દરિયો છે,પ્રત્યેક
જીવ દુઃખી છે.
પાપનું
ફળ દુઃખ અને પુણ્યનું ફળ સુખ,
આ સંસાર
ક્ષણે ક્ષણે બદલાય છે.
સ્વાર્થ
અને કપટ સિવાય સંસારમાં બીજું કંઈ નથી. તેમ છતાં જીવને વિવેક નથી.
જીવ
પર નિ:સ્વાર્થ પ્રેમ કરનાર માત્ર પરમાત્મા જ છે.
જ્યાં સ્વાર્થ છે-વિકાર
છે-વાસના છે-ત્યાં મોટે ભાગે છળ-કપટ કર્યા વગર ચાલતું જ નથી. જાણે છળ કપટ કરવું જ પડે
છે.
પતિ પત્નીના પ્રેમમાં
પણ સ્વાર્થ હોય છે. પતિ - પત્ની સાથે પોતાના સ્વાર્થ માટે પ્રેમ કરે છે. જીવ કેવો સ્વાર્થી
છે ?
એક બહેન એક વખત રડતાં
હતા.કોઈએ તેમને રડવાનું કારણ પૂછ્યું. બહેન કહે છે-કે “સાસુએ કહ્યું-કે ત્રણ છોકરીઓ થઇ છે-હવે
જો આ વખતે છોકરી થઇ
તો ઘરમાંથી કઢાવી મુકશે.”
છોકરો
આવે કે છોકરી આવે તે બહેનના હાથમાં ક્યાં છે? પુત્ર તો એક જ કુળ તારે છે-પુત્રી
લાયક હોય તો-પિતાનું અને પતિનું બંને કુળ તારે છે. છતાં મોટે ભાગે
લોકો પુત્રની ઈચ્છા રાખે છે-વારસદાર જોઈએ.
પત્ની માંદી પડે-તો પતિ સારવાર પાછળ –પાંચ દસ હજાર ખર્ચો કરશે. બેચાર વર્ષ રાહ જોશે, પછી સારી ન થાય તો – ઠાકોરજીની બધા રાખશે કે-આનું કંઈક થઇ જાય તો સારું. વિચારે છે-કે-મારી ઉંમર પણ
વધારે નથી-હમણાં જ ૪૮ મું બેઠું.
ધંધો પણ સારો ચાલે છે-બીજી મળી રહેશે.( વિચારમાંયે વિવેક નથી.)
પત્ની પતિ ને –કે પતિ, પત્ની ને સુખ આપે –એટલે અરસ પરસ પ્રેમ કરે છે. પણ સુખ મળતું બંધ થઇ જાય-કે તરત જ
પતિ હોય કે પત્ની હોય- બંને એ જ વિચારે છે-કે
આનું કંઈક થઇ જાય તો સારું.
સુર
નર મુનિ સબકી યહ રીતિ-સ્વાર્થ લાગી સબ હી કર પ્રીતિ.
ઋષિ યાજ્ઞવલ્ક્ય
અને મૈત્રેયી વચ્ચે સુંદર સંવાદ થયેલો.
યાજ્ઞવલ્ક્ય
ઋષિએ સંન્યાસ ગ્રહણ કરવાનો વિચાર કર્યો.તેથી તેમણે પોતાની બન્ને પત્નીઓ
(મૈત્રેયી
અને કાત્યાયની) ને બોલાવી કહ્યું-કે-મારે હવે સંન્યાસ લેવો છે-તમારાં બન્ને વચ્ચે ઝગડો
ના થાય તે માટે મારી સર્વ સંપત્તિ તમારાં બન્ને વચ્ચે સરખા ભાગે વહેચી આપું.
મૈત્રેયી બ્રહ્મવાદિની હતી. તેણે પૂછ્યું-આ ધન થી હું મોક્ષ પામી શકીશ ? હું અમર થઇ
શકીશ ?
યાજ્ઞવલ્ક્ય કહે-કે- ધનથી મોક્ષ ન મળી શકે.ધનથી બીજા ભોગ
પદાર્થો મળી શકે.અને તમે સુખ થી જીવી શકો.
મૈત્રેયી
કહે છે-કે- આ બધું ધન તમે કાત્યાયની ને આપો. જેનાથી હું અમૃત ન થાઉં-તેવા
આ સંસારના પદાર્થો લઇ ને હું શું કરું ?
મૈત્રેયીની જીજ્ઞાસુ જાણીને યાજ્ઞવલ્ક્ય ઋષિએ તેને બ્રહ્મવિદ્યાનો
ઉપદેશ આપ્યો.
યાજ્ઞવલ્ક્ય
ઋષિ કહે છે-કે-
“હે, મૈત્રેયી, --ઘર, પુત્ર,સ્ત્રી
–આદિ જે પ્રિય લાગે છે-તે સુખ ને માટે
પ્રિય લાગે છે. બાકી –
પ્રિયમાં
પ્રિય તો આત્મા જ છે (આત્મા વૈ પ્રેયસામ પ્રિયઃ)
પતિ
ના પર પત્ની નો અધિક પ્રેમ હોય છે, તે પતિ ની કામના પૂર્ણ કરવા માટે
નહિ પણ પોતાની કામના પૂરી કરવા માટે હોય છે,
પતિ
ને પત્ની અધિક પ્રિય લાગે છે, પણ તે પત્ની ની કામના પૂર્ણ કરવા
માટે નહિ,પણ પોતાની કામના પૂર્ણ કરવા માટે
હોય છે.
માતપિતા
નો પુત્ર પર અધિક પ્રેમ હોય છે, તે પુત્ર માટે નહિ પણ પોતાના માટે
જ હોય છે.”
પત્ની
પતિ ને ચાહે છે-કારણ પતિ તેનું ભરણપોષણ કરે છે.પતિ પત્ની ને ચાહે છે-કારણકે પત્ની તેની ઈચ્છાઓ પૂર્ણ કરે છે.
માતાપિતા
પુત્રોને ચાહે છે-કારણ કે –તેઓને આશા હોય છે કે-પુત્રો મોટા
થઇ તેમનું ભરણપોષણ કરશે. તેઓને પાળશે.
મનુષ્ય
મનુષ્ય સાથે પ્રેમ કરતો નથી પણ સ્વાર્થ સાથે પ્રેમ કરે છે.
અને
જે મનુષ્ય સ્વાર્થ અને કપટથી પ્રેમ કરે છે-તે ક્યારે દગો કરશે તે કહેવાય નહિ. સંસારમાં
શાંતિ કોઈ ને નથી.
પ્રહલાદ
કહે છે- ઘરમાં બરાબર ભજન થતું નથી, ઘરમાં
નહિ પણ વન માં જઈ મારે ભજન કરવું છે, એકાંત માં બેસી મારે નારાયણનું આરાધન
કરવું છે.
પ્રહલાદે
સુંદર બોધ આપ્યો પણ હિરણ્યકશિપુ ને આ ગમ્યું નથી. ક્રોધ આવ્યો છે અને શંડામર્ક ને કહે
છે-
તમે
મારા બાળક ને આવો બોધ આપ્યો ? જુઓ,દેવો
મારાથી ગભરાય છે,સૂક્ષ્મ રૂપ ધારણ કરી તે વિષ્ણુનો
પ્રચાર કરે છે. માટે સાવચેતી રાખો.
શંડામર્ક
પ્રહલાદને લઈને ત્યાંથી નીકળ્યા. તેમણે રસ્તામાં પ્રહલાદને પૂછ્યું કે- અમે તને આવું તો નહોતું શીખવાડ્યું-તો
પાછી તારા બાપુ આગળ આવું કેમ બોલ્યો ?
પ્રહલાદ કહે છે- ગુરુજી, કોઈના કહેવાથી આ જીવ ભક્તિ કરતો નથી,કે પરમાત્માના માર્ગે વળતો નથી. પ્રભુની કૃપા થાય તો ભક્તિનો રંગ લાગે છે.
No comments:
Post a Comment