શ્રીમદ્ભાગવત સ્કંધ – 8 (Page 57)
સોળમાં વર્ષ થી જીવન માં મંથન શરુ થાય છે.મન માં વાસના નું ઝેર ઉત્પન્ન થાય છે.
તે વખતે મન ને મંદરાચળ જેવું સ્થિર કરો તો મંથન માંથી ભક્તિ-જ્ઞાન રૂપી અમૃત નીકળશે.
તે પીવાથી મનુષ્ય મરતો નથી, અમર બને છે.
પહેલાં સંપત્તિ આવે છે-તેનો ઉપયોગ પરોપકાર માં કરજો. કામધેનું એ સંતોષ નું પ્રતિક છે.
કામધેનું ગાય નું બ્રાહ્મણો ને દાન કરવામાં આવ્યું.
જેને આંગણે સંતોષ-રૂપી ગાય હોય એ બ્રાહ્મણ બ્રહ્મનિષ્ઠ છે.બ્રાહ્મણ નું જીવન અતિસાત્વિક હોવું જોઈએ.
તે પછી ઉચ્ચૈ:શ્રવા નામનો ઘોડો નીકળ્યો છે. ઘોડો જોઈ દૈત્યો નું મન લલચાય છે. તે દૈત્યોને આપ્યો છે.
શ્રવ શબ્દ માંથી અર્થ નીકળે છે –કીર્તિ. ઉચ્ચૈ:શ્રવા એ કીર્તિ નું પ્રતિક છે.
જે મન ને પર્વત જેવું
સ્થિર કરે તેને જગતમાં કીર્તિ મળે.પણ કીર્તિ માં મન ફસાય તો અમૃત મળતું નથી.
ઉચ્ચૈ:શ્રવા દૈત્યોએ લીધો,એટલે તેમને અમૃત મળતું નથી.
ત્યારબાદ ઐરાવત હાથી નીકળ્યો છે. હાથી એ સુક્ષ્મદૃષ્ટિ નું પ્રતિક છે. હાથી ની આંખ સૂક્ષ્મ છે.
સૂક્ષ્મ દૃષ્ટિ એ દેવ દૃષ્ટિ છે,આત્મ દૃષ્ટિ છે.દેવો ને હાથી આપ્યો છે.પછી પારીજાત અને અપ્સરાઓ પણ દેવો ને આપ્યા છે.
ફરીથી મંથન શરુ થયું.સાક્ષાત લક્ષ્મીજી પ્રગટ થયા છે. દૈત્યો ને લાગ્યું-આ અમને મળે તો સારું.
“મને મળે” એવી ઈચ્છા હોય તેને લક્ષ્મીજી મળતાં નથી.
લક્ષ્મીજી ને સિંહાસન પર પધરાવ્યાં છે.લક્ષ્મીજી વિચારે છે-કોને વિજયમાળા અર્પણ કરું ?
સર્વગુણ સંપન્ન પુરુષ ના ગળામાં વિજયમાળા પહેરાવવા લક્ષ્મીજી નીકળ્યાં છે.
ઋષિઓના મંડપ માં દેવીને લાવ્યા છે. આ ઋષિઓ જ્ઞાની છે,તપસ્વી છે,પણ ક્રોધી બહુ છે.
તપશ્ચર્યા તથા જ્ઞાનને કૃષ્ણપ્રેમ નો સાથ હોય તો જ હૃદય કોમળ બને છે. કેવળ તપ કરવાથી કાંઇ ફળ મળતું નથી.તપને ભક્તિ નો સાથ હોવો જોઈએ. તપ કરવાથી શક્તિ વધે-એટલે ક્રોધ આવે છે.
શક્તિ વધે તે જીરવવી અઘરી છે. જ્ઞાન ને ભક્તિ નો સાથ હોવો જોઈએ.
લક્ષ્મીજી કહે મારું મન માનતું નથી. આગળ ચાલો.
આગળ ચાલતાં ઇન્દ્ર.ચંદ્ર વગેરે દેવો બેઠા છે.દેવો ક્રોધી નથી પણ અતિ કામી છે.
શાસ્ત્ર માં ક્રોધ નો રંગ લાલ,લોભ નો પીળો અને કામ નો રંગ કાળો બતાવ્યો છે.
દેવો મહાપુરુષો છે પણ કામી છે એટલે આગળ ચાલો.
આગળ પરશુરામ બેઠા છે.તે કામી નથી,ક્રોધી નથી પણ નિષ્ઠુર છે. તેમનામાં દયા માયા નથી.
આગળ માર્કંડેય ઋષિ બેઠા છે,બહુ સુંદર છે પણ સભામાં એ આંખો બંધ કરી બેઠા છે.લક્ષ્મીજીને જોતાં પણ નથી. ઋષિનો નિયમ છે-કે-એકલી લક્ષ્મીના હું
દર્શન કરતો નથી.
લક્ષ્મીજી વિચારે છે-આ મહાત્મા તો બિલકુલ મારી સામે પણ જોતા નથી.
માર્કંડેય કહે છે-તું શાની રૂપાળી ?તારા કરતા મારા લાલાજી વધુ સુંદર છે. જ્યાં સુધી મારા લાલાજી તને ન અપનાવે ત્યાં સુધી હું તારી સામે પણ જોવાનો નથી.
તમે નારાયણ ને લઇ આવો પછી હું તમારાં દર્શન કરીશ.
તુકારામની ગરીબ પરિસ્થિતિ જોઈને શિવાજી મહારાજે તુકારામને માટે સોના મહોરો થી ભરેલ થાળ મોકલાવ્યો. તુકારામે કહ્યું-હું લક્ષ્મીજી પાછળ પડેલો ત્યારે તે મને મળેલી નહિ. હવે જયારે ચિત્ત ભગવાનમાં લાગ્યું છે- ત્યારે તે મને વિઘ્ન કરવા આવી છે.એમ કહી તેમણે સોના મહોરો નો સ્વીકાર ન કર્યો અને થાળ પાછો મોકલાવ્યો.
આખો દહાડો ધ્યાન કરે તે લક્ષ્મીજી ને ગમતો નથી. લક્ષ્મીજી ને થાય છે-કે-આ મારા નારાયણ સાથે એકાંતમાં મને પાંચ મિનિટ વાત પણ કરવા દેતો નથી.લક્ષ્મીજી નારાજ થાય છે તેનો ત્યાગ કરે છે.
સતત પ્રભુ નું ધ્યાન કરે તે ગરીબ જ રહે છે. પ્રાચીન કાળ ના મોટા ભાગના ભક્તો ગરીબ જ હતા.
શ્રીમંત ભક્તો બહુ ઓછા જોવા મળે છે.
લક્ષ્મીજી આગળ વધે છે-આગળ શિવજી બેઠા હતા.તેમનો વેષ જરા અમંગળ છે. વળી ભોળા પણ છે.
શિવજી પાસે શંખ,ચક્ર,ગદા,પદ્મધારી નારાયણ ભગવાન વિરાજતા હતા.
લક્ષ્મીજી એ નિર્ણય કર્યો કે અતિ ઉત્તમ આ નારાયણ છે. લક્ષ્મીજીએ વરમાળા તેમણે અર્પણ કરી છે.
જેનું હૃદય -પ્રેમમય,કોમળ અને મૃદુ હોય અને- એમાં નારાયણ નો વાસ હોય, તેને ત્યાં લક્ષ્મી આવે છે.
લક્ષ્મીજી એ વરમાળા અર્પણ કરી ત્યારે ભગવાન ચારે બાજુ જોવા લાગ્યા.
સમુદ્રમંથન થયું.દૈત્યોએ વિચાર્યું –એક વાર ઘોડો લઈને બેઠા એટલે બીજું બધું દેવોને ગયું.
આ વખતે જે નીકળે તે અમારે જ લેવું છે. ત્યાં વારુણી-મદિરા દેવી નીકળ્યા.
તે દૈત્યોના પક્ષમાં ગયા.ખુબ પીઓ અને મજા કરો.
તે પછી ધન્વન્તરી નારાયણ અમૃત કુંભ લઈને પ્રગટ થયા. દૈત્યો એ ઘડો ખેંચી લીધો.
દેવો ને દુઃખ થયું.તે ભગવાન ને શરણે ગયા. ભગવાને કહ્યું-હવે યુક્તિ થી કામ લેવું પડશે.
અમૃત માટે દૈત્યો અંદરોઅંદર ઝગડો કરવા લાગ્યા.ઝઘડો થાય તો કોઈને ય અમૃત મળતું નથી.
દૈત્યો વચ્ચે,ભગવાન મોહિની સ્વરૂપે પ્રગટ થયા.આજે પીતાંબર નહિ-પણ સાડી પહેરીને આવ્યા છે.
મોહિની ના રૂપ થી દૈત્યો ફસાયા છે.
સંસારસ્વરૂપ માં આસક્તિ તે માયા, ઈશ્વરના સ્વરૂપ માં આસક્તિ તે ભક્તિ.
સંસારના કે કોઈના સ્વરૂપ માં મન ફસાય તે દૈત્ય છે. દૈત્યો કામાંધ બની ને મોહિની જોડે આવ્યા છે.
કામાંધ ને વિવેક રહેતો નથી. મોહિની સ્વરૂપ માં સર્વ દૈત્યો ને મોહ થયો છે.બધા કહે છે-અમારા ઘેર પધારો. મોહિની એ જેના હાથમાં અમૃત નો ઘડો હતો તેના સામે જોઈ સ્મિત કર્યું.
પેલો બોલ્યો –કે-દેવીજી,આ ઘડો હું તમને આપું તમે મારા ઘેર આવો.
મોહિની એ પૂછ્યું –ઘડામાં શું છે ? દૈત્યે કહ્યું –કે અમૃત છે. અને તે દૈત્યે ઘડો આપી દીધો.
મોહિની એ કહ્યું-તમે આમ અમૃત માટે તકરાર કરો તે મને ગમતું નથી. જો તમે બધા શાંતિ થી બેસી જાવ તો હું બધાને અમૃત આપીશ.
મોહિની એ દેવો અને દૈત્યો ની જુદી જુદી પંગત કરી છે.
મોહિની પ્રથમ દૈત્યો પાસે ગયાં
અને કહ્યું કે-- આ દેવો લાલચુડા છે.તેઓ તાકીતાકી ને જુએ છે.
અને કહ્યું કે-- આ દેવો લાલચુડા છે.તેઓ તાકીતાકી ને જુએ છે.
તેમની નજર સારી નથી લાગતી. તેમની નજર લાગે તો બધાને ઓકારી આવશે.તમારુ કલ્યાણ કરવું એ મારી ફરજ છે. પરંતુ ઉપરનું પાણી જેવું અમૃત છે-તે દેવોને પહેલાં આપી દઉં –પછી તમને બધાને નીચેનો રગડો જે તર માળ છે –તે આપીશ. દૈત્યો માની ગયા.
પછી તો મોહિની ભગવાન દેવો ને અમૃત પાવા લાગ્યા.
કળશ જરા વધુ વાંકો વળતો જોઈ –રાહુ નામના એક દૈત્ય ને શંકા ગઈ,કે કંઈક ખોટું લાગે છે.
તેને વિચાર્યું કે મારે સ્ત્રીની જરૂર નથી પણ અમૃત ની જરૂર છે-તેથી તે –રાહુ -દેવ બનીને દેવોની પંગતમાં ચંદ્ર અને સૂર્ય ની વચ્ચે આવી ને બેસી ગયો. પ્રભુ એ આ જોયું, પણ
પંગત માં વિષમતા ન થાય-એટલે પ્રભુ એ જાણવા છતાં તેને અમૃત આપ્યું છે.
જરા વિચાર કરો તો સમજાશે-કે-
ઇન્દ્ર વગેરે દેવોને અમૃત મળતું હતું ત્યારે રાહુ વચ્ચે ના આવ્યો પણ સૂર્ય-ચંદ્ર ને અમૃત મળતું હતું ત્યારે આવ્યો. મન ના માલિક ચંદ્ર છે અને બુદ્ધિના માલિક સૂર્ય છે.
મનુષ્ય મન અને બુદ્ધિ ને જયારે ઈશ્વરના ધ્યાન માં સ્થિર કરે છે-ત્યારે વિષય-રાહુ વિઘ્ન કરવા આવે છે.
મન અને બુદ્ધિ ને ભક્તિ રૂપી અમૃત મળે તે રાહુ-વિષયો થી સહન થતું નથી. તેથી વિષયો વિઘ્ન કરે છે.
જ્ઞાન ને અજ્ઞાન ઢાંકે છે-તે વખતે જ્ઞાન રૂપી સુદર્શન ચક્ર થી તેને કાપી નાખો.તો અજ્ઞાન નો પડદો દૂર થશે.
રાહુ અમૃત પી ગયો હતો એટલે તેનું માથું અને ધડ બંને અમર થયા છે.
એના રાહુ અને કેતુ નામના બે ગ્રહો થયા.
રાહુ (વિષયો) નું માથું કાપ્યું પણ તે છતાં તે જીવે છે.
વિષયો સૂક્ષ્મરૂપે મનમાં રહે છે.તે ક્યારે જાગે તે કહેવાતું નથી. માનવ થોડો ગાફેલ થયો –કે-
રાહુ માથું બહાર કાઢે છે. અંદર કામ છે ક્રોધ છે તે ક્યારે ખાડા માં ફેંકે તે કહેવાય નહિ.
આ વિકારો સૂક્ષ્મરૂપે મન માં રહે છે. મનુષ્ય સાવધ છે ત્યાં સુધી તે વિકારો દેખાતા નથી.
તે દબાયેલા રહે છે,પણ જયારે અવકાશ મળે છે ત્યારે તે પ્રગટ થાય છે.
માટે મન પર ભક્તિ નો અંકુશ રાખો. કેવળ જ્ઞાન થી વિષય નો નાશ થતો નથી.
ઈશ્વર અનુગ્રહ કરે ત્યારે મન નિર્વિષય બને છે.
ગીતામાં પણ લખ્યું છે-કે-
વિષય માં નો રાગ,વિષયોમાં આસક્તિ –તે –માત્ર ઈશ્વરનો સાક્ષાત્કાર થાય ત્યારે- ઈશ્વરની કૃપા થાય ત્યારે જ નિવૃત્ત થાય છે.(ગીતા-૨-૫૯)
દૈત્યો ભગવાન ની વિમુખ હતા એટલે તેઓને અમૃત મળ્યું નહિ.
સંસાર ની મોહિની માં ફસાય તો તેને ભક્તિ રૂપી અમૃત મળતું નથી.
મોહિની ભગવાને બધું અમૃત દેવો ને પીવડાવી દીધું અને ખાલી ઘડો દૈત્યો પાસે પછાડ્યો.
દૈત્યો કહે છે-દગો-દગો.આ તો વિષ્ણુ સાડી પહેરીને આવ્યો.અમે તેને ઓળખી શક્યા નહિ.
પછી તો દેવો અને દૈત્યો નું ભયંકર યુદ્ધ થયું છે.દૈત્યો નો પરાજય થયો છે.
તે પછી,નારદજી ફરતા ફરતા કૈલાસ માં આવ્યા છે.શિવજી ને પૂછે છે –
તમને મોહિની નારાયણ ના દર્શન થયા ? શિવજી કહે છે-કે-ના.
શિવજી પરિવાર ને લઈને વૈકુંઠ માં મોહિની નારાયણ ના દર્શન કરવા જાય છે.
પ્રભુ એ પૂછ્યું –કેમ આવ્યા છો? શિવજી કહે તમારાં દર્શન કરવા આવ્યો છું.
ભગવાન કહે –હું તો તમારા સામે ઉભો છું. શિવજી કહે -મારે તમારું મોહિની સ્વરૂપ જોવું છે.
મેં તમારા દરેક જન્મો જોયા છે ,મારે આ અવતાર પણ જોવો છે.
પ્રભુ એ લીલા કરી.એક સુંદર બગીચો અને બગીચામાં અતિસુંદર સ્ત્રી હાથ માં દડો લઈને રમતી હતી.
શિવજી નિહાળે છે,સાથે પાર્વતી પણ આવ્યા છે તે ભૂલી ગયા છે.
ભગવાન ની માયાથી શિવજી મોહિત થયા છે. જ્ઞાનગંગા માથે રાખે અને ધર્મ ઉપર સવારી કરે તેને કામ શું અસર કરી શકે ?પણ શિવજી એ બતાવ્યું-કે પ્રભુની માયાને તરવી મુશ્કેલ છે.
ગીતા માં પણ લખ્યું છે-કે-
મારી આ ગુણમયી માયા ને તરવી ઘણી મુશ્કેલ છે,પરંતુ જે મારે શરણે આવે છે-તે વિના પ્રયાસે આ માયાને તરી જાય છે.(ગીતા-૭-૧૪)
શિવજી દેહભાન ભૂલ્યા છે.શિવજીએ વિચાર્યું-દર્શનમાં આટલો આનંદ છે તો મિલનમાં કેટલો આનંદ આવશે?
શિવજી મિલન માટે આતુર થાય.જ્યાં પ્રેમથી ભેટ્યા ત્યાં ચતુર્ભુજ નારાયણ પ્રગટ થયા છે.
હરિહર નું મિલન થયું છે. હરિહર -બે- મટી ને એક થાય છે.
હુબલી થી હરિહર જવાય છે. ઠાકોરજી ના બે હાથ માં શંખ,ચક્ર છે અને બીજા બે હાથ માં ત્રિશુલ,માળા છે.
સતત હરિસ્મરણ અને હરિ શરણ માં રહો તો જ માયા પજવી શકશે નહિ.
ઘરમાં જ માયા ત્રાસ આપે તેવું નથી.વનમાં પણ માયા ત્રાસ આપે છે.
જ્યાં જાવ ત્યાં માયા ત્રાસ આપે છે-એ વાત સાચી છે-પણ ગાફેલ ને માયા પજવે છે.
કશ્યપ અને અદિતિ ને ત્યાં ભગવાન વામનરૂપે અવતરેલા.
કશ્યપ અને અદિતિ ને ત્યાં ભગવાન વામનરૂપે અવતરેલા.
દેવ અને દૈત્યો ના યુદ્ધ પછી દૈત્યો શુક્રાચાર્ય ને શરણે ગયા. શુક્રાચાર્ય ની સેવાથી દૈત્યોનું બળ વધવા લાગ્યું.. પ્રત્યેક ઇન્દ્રિય થી સંયમ નું પાલન કરે તે શુક્ર ની ઉપાસના છે.
ઇન્દ્ર થી હારેલો બલિરાજા બ્રાહ્મણોની સેવા કરી પુષ્ટ થયો. શુક્રાચાર્યે બલિરાજા ને કહ્યું –તે પ્રમાણે તેણે વિશ્વજીત યજ્ઞ કર્યો અને યજ્ઞ માંથી સર્વજીત રથ નીકળ્યો.
શુક્ર એટલે શક્તિ તત્વ. શુક્રાચાર્ય ની સંયમ અને બ્રહ્મચર્ય થી સેવા કરવાથી દૈત્યો બળવાન થયા.
સર્વ વિષયોનો સંયમ રૂપી અગ્નિ માં (યજ્ઞ માં) હોમ કરી બલિરાજા જીતેન્દ્રિય થયો. શુક્રાચાર્યે પોતાનું બ્રહ્મતેજ બલિરાજાને આપ્યું ”તમે જ્યાં જશો ત્યાં તમારી જીત થશે. તમને કોઈ હરાવી શકશે નહિ”
બલિરાજાએ દેવો નો પરાભવ કર્યો અને સ્વર્ગનું રાજ્ય દૈત્યો ને મળ્યું. બલિરાજા ઇન્દ્ર ની ગાદી પર બેઠો.
શુક્રાચાર્ય વિચાર કરે છે-બલિરાજા જો સો અશ્વમેઘ યજ્ઞ કરે તો –સ્વર્ગનું રાજ્ય કાયમ માટે તેને મળે.
યજ્ઞ કરવા ભૃગુકચ્છ (હાલ ના ભરુચ) માં આવ્યા .અનેક અશ્વમેઘ યજ્ઞો કર્યા છે.
બલિરાજાએ સ્વર્ગ જીતી લીધું એટલે દેવો પોતાના ગુરુ બૃહસ્પતિ પાસે ગયા.
બૃહસ્પતિ એ કહ્યું કે –બલિરાજા જયારે ભૃગુવંશી બ્રાહ્મણો નું અપમાન કરશે ત્યારે નાશ પામશે.
આ બાજુ દેવોની માતા અદિતિ ને બહુ દુઃખ થયું કે તેમના પુત્રો દરિદ્ર થયા,તેઓ સંતાપ કરવા લાગ્યા.
કશ્યપ ઋષિએ સંતાપ નું કારણ પૂછ્યું.એટલે અદિતિ એ સર્વ વાત કહી. અદિતિએ કશ્યપ પાસે માગ્યું કે- મારા છોકરાઓને સ્વર્ગ નું રાજ્ય પાછું મળે તેવું વરદાન આપો.
કશ્યપે કહ્યું- દૈત્યો હાલ માં પવિત્ર જીવન ગાળે છે-માટે પ્રભુ તેમને મારે નહિ.
શક્તિ થી નહિ પણ યુક્તિથી ભગવાન દેવો ને સુખી કરશે.
એટલે વામન-ચરિત્ર માં યુદ્ધ ની કથા નથી.ભગવાન પણ બલિરાજા ને મારતા નથી.
કશ્યપ પછી પયોવ્રત બતાવે છે. અને કહે છે-કે દેવી,તમે વિધિપૂર્વક વ્રત કરો તો પ્રભુ તમારે ત્યાં પુત્રરૂપે આવશે. વિષયાકાર વૃત્તિનો વિનાશ અને કૃષ્ણાકાર વૃત્તિઓ સ્થિર થાય તે માટેનું વ્રત છે.
અદિતિ એ વ્રત કર્યું છે.પતિ પત્ની બાર દિવસ માત્ર દૂધ પર રહી –આદિ નારાયણનું આરાધન કરે છે.
સત્સંગ થી ગૃહસ્થાશ્રમ સફળ થાય છે.સત્સંગ થી મન શુદ્ધ થાય છે. ગૃહસ્થાશ્રમ માં પતિ પત્ની બંને એકાંત માં બેસી કોઈ પવિત્ર ગ્રંથ નું વાંચન કરે-કિર્તન કરે તો યોગીઓ ને જે આનંદ સમાધિમાં મળે છે-તે આનંદ ગૃહસ્થ ને ઘરમાં મળી શકે છે.
શાસ્ત્ર માં ગૃહસ્થાશ્રમ માં વખાણ કર્યા છે-નિંદા કરી છે-કામ વાસનાની.
મહાત્માઓ તો ત્યાં સુધી કહે છે-કે-
ગૃહસ્થાશ્રમી નો આનંદ અનેક વખત યોગીઓ ના આનંદ કરતા પણ શ્રેષ્ઠ હોય છે.
પરમાત્મા ના જેટલા અવતાર થયા છે-તે ગૃહસ્થ ને ત્યાં જ થયા છે-કોઈ સન્યાસી ને ત્યાં થયા નથી.
સાધુ-સન્યાસી ઓ બ્રહ્મ નું ચિંતન કરી બ્રહ્મ રૂપ થશે-પણ ગૃહસ્થાશ્રમી પરમાત્માને ગોદ માં બેસી રમાડશે.
સાધુ સન્યાસી જેના ઘરનું ખાય છે-તેને પોતાનું થોડું પુણ્ય આપવું પડે છે. જયારે ગૃહસ્થાશ્રમી કોઈનું મફતનું ખાતો નથી. ગૃહસ્થાશ્રમનું લક્ષ બરાબર નહિ સમજવાથી ગૃહસ્થાશ્રમ બગડે છે.
ગૃહસ્થાશ્રમ બગડે છે કુસંગ થી.
કશ્યપ-અદિતિ નો ગૃહસ્થાશ્રમ દિવ્ય હતો.પવિત્ર જીવન ગાળી તપશ્ચર્યા કરતા હતાં. તેથી પ્રભુને થયું કે હું એમના ઘેર જન્મ લઉં. આજ પણ કોઈ પત્ની અદિતિ જેવું પયોવ્રત કરે અને પતિ કશ્યપ બને તો આજ પણ ભગવાન તેને ત્યાં જન્મવા તૈયાર છે.
અદિતિ એટલે અભેદબુદ્ધિ-કશ્યપ એટલે બ્રહ્માકાર વૃત્તિ.
બ્રહ્માકાર વૃત્તિ માંથી બ્રહ્મ પ્રગટ થાય છે.
જગત બગડ્યું નથી પણ જગતમાં રહેતા મનુષ્યો ની આંખ-મન-બુદ્ધિ બગડ્યા છે.
દૃષ્ટિ સુધરે તો સૃષ્ટિ સુધરશે. “ભાગવત- જગતને જોવાની આંખ અને દૃષ્ટિ આપે છે.”
એક વખત જનકરાજા ના દરબારમાં અષ્ટાવક્ર મુનિ પધાર્યા.
તેમનાં આઠ અંગ વાંકાં જોઈ બધા હસવા લાગ્યા. અષ્ટાવક્ર પણ હસવા લાગ્યા.
જનકરાજાએ તેમને પૂછ્યું કે-અમે બધા તો તમારું વાંકુ શરીર જોઈ હસીએ છીએ-પણ તમે કેમ હસો છો?
અષ્ટાવક્ર
બોલ્યા-મેં માન્યું હતું કે જનકરાજા ના દરબાર માં બધા જ્ઞાનીઓ વિરાજે છે-પરંતુ અહીં તો બધા ચમાર ભેગા થયા છે.આ તો ચમાર લોકો ની સભા છે,તમે બધા શરીર નો વિચાર કરો છો.
તમે બધા મારા આ શરીર ને શું જુઓ છો ?આ શરીર માં શું સારું છે ? તે મળમૂત્ર થી ભરેલું છે.
મારા શરીર માં રહેલા આત્મા ને જુઓ. તમે આકૃતિ જોઈ ને હસો છો પણ મનુષ્યની કૃતિ જોવી જોઈએ.
આકૃતિ પૂર્વજન્મ ના પ્રારબ્ધ થી મળે છે. પરમાત્મા કૃતિ ને જુએ છે.મનુષ્ય આકૃતિ ને જુએ છે.
આ અષ્ટાવક્ર મુનિએ જનકરાજા ને જે ઉપદેશ કર્યો તે –અષ્ટાવક્ર ગીતા -તરીકે પ્રખ્યાત છે.
એક મહાત્મા પાસે સોનાના ગણપતિ અને સોના નો ઉંદર હતો. શરીર વૃદ્ધ થયું.
મહાત્માએ વિચાર્યું-મૂર્તિ માટે ચેલાઓ ઝગડો કરશે. તો લાવ મૂર્તિઓ વેચી ભંડારો કરું.
તેથી તે વેચવા લઇ ગયા.ગણપતિ ની મૂર્તિ દસ તોલા ની થઇ પણ ઉંદરની મૂર્તિ અગિયાર તોલાની થઇ.
સોની એ કહ્યું-ગણપતિના હજાર અને ઉંદર ના અગિયારસો.
મહાત્મા કહે ગણપતિ તો માલિક દેવ છે-તેના ઓછા કેમ આપે છે ?
સોની કહે હું તો સોના ની કિંમત આપું છું. માલિકદેવની નહિ.
કિંમત સોનાની મળે છે-આકારની નહિ.
જ્ઞાની પુરુષો આકારને જોતાં નથી. સૃષ્ટિ ને નિરાકાર ભાવે જુએ છે. આકાર માંથી વિકાર ઉત્પન્ન થાય છે.
જેની આંખ માં પૈસો હોય તે જ્યાં જાય ત્યાં તે પૈસાને જ જોશે.
એક શેઠ કાશ્મીર ફરવા ગયા. ત્યાં તેમને પુષ્કળ ગુલાબ ના ફૂલ જોયાં.
શેઠના મન માં એવો ભાવ જાગ્યો નહિ કે –ગુલાબ માં મારા શ્રીકૃષ્ણ વિરાજે છે.
પણ ગુલાબના ફૂલો જોયા પછી શેઠને થયું-કે અહીં ગુલકંદ ની ફેક્ટરી ખોલી હોય તો વ્યાપાર સારો ચાલે.
દૃષ્ટિ ને ભગવદમય બનાવશો તો દૃષ્ટિ જ્યાં જશે ત્યાં પરમાત્મા દેખાશે.
ગોપીની દૃષ્ટિ પરમાત્મા માં જ હતી-તે જ્યાં જાય ત્યાં લાલાજી જ દેખાય છે.
ગૃહસ્થાશ્રમ ભક્તિ માં બાધક નથી-બાધક છે આસક્તિ-
સંસારની કોઈ વસ્તુ માં સાચું સુખ નથી.સાચો આનંદ એક શ્રીકૃષ્ણ માં જ છે.
સંસારમાં સાચું સુખ છે-એવું જ્યાં સુધી માનશો ત્યાં સુધી મન ભક્તિ માં લાગશે નહિ.
સંસારના વિષયોમાં જો સાચું સુખ હોય તો-
બધું છોડી ને મનુષ્ય ને નિંદ્રા ની જરૂર શા માટે પડે ? વિષયોનો છોડીને મનુષ્ય ને નિંદ્રાની ઈચ્છા થાય છે-
તે બતાવે છે કે-વિષયો માં સુખ નથી. જેમ અન્ન ની જરૂર રોજ છે-તેમ સત્સંગ ની જરૂર પણ રોજ છે.
અદિતિ શબ્દ શાસ્ત્રોમાં વારંવાર આવે છે. અદિતિ એટલે અભેદ-બુદ્ધિ.-બ્રહ્માકાર વૃત્તિ.
બ્રહ્માકાર મનોવૃત્તિ થી માયાનું આવરણ દૂર થાય છે.
અંદરનું નિરાકાર અને બહારનું સાકાર સ્વરૂપ એકત્ર (ભેગું) થાય ત્યારે વામનજી ભગવાન પ્રગટ થાય છે.
અંદરનું નિરાકાર અને બહારનું સાકાર સ્વરૂપ એકત્ર (ભેગું) થાય ત્યારે વામનજી ભગવાન પ્રગટ થાય છે.
અદિતિ એ પયોવ્રત કર્યું. અદિતિ અને કશ્યપ ની વૃત્તિ નારાયણકાર બની ગઈ છે ત્યારે નારાયણ પધાર્યા છે.
અદિતિ સગર્ભા થયાં છે. નવમાસ પરિપૂર્ણ થયા છે. અદિતિ તન્મય થયા છે.
પ્રભુ ના દર્શન ની આતુરતા જાગી છે. આતુરતા જાગે ત્યારે ભગવાન નો અવતાર થાય છે-દર્શન થાય છે.
પરમ પવિત્ર વિજયાદ્વાદશી નો દિવસ છે.માતા અદિતિ સમક્ષ વામન-ભગવાન પ્રગટ થયા છે.
ચારે બાજુ પ્રકાશ પડ્યો. કશ્યપ ને ખબર પડી-દોડતા દોડતા વામન ભગવાન નાં દર્શન કરવા આવ્યા છે.
માતપિતાને ભાન કરાવવા ચતુર્ભુજ સ્વરૂપ બતાવ્યું છે. દર્શન કર્યા કે-ચતુર્ભુજ નારાયણ નું સ્વરૂપ અદૃશ્ય
થયું અને સાત વર્ષના બટુક વામન ભગવાન રૂપે પ્રગટ થયા છે. સુંદર લંગોટી પહેરી છે-દિવ્ય તેજ છે.
વામનજી મહારાજ ના દર્શન કરવા બ્રહ્માદિ –દેવો પધાર્યા છે.તેમણે કશ્યપ ને ધન્યવાદ આપ્યા.
“તમારો ગૃહસ્થાશ્રમ સફળ થયો.આજે તમે જગતના પિતાના પણ પિતા બન્યા છો.”
વામનજી ની બાળલીલા બિલકુલ નથી. પ્રગટ થયા ત્યારે સાત વર્ષ ના હતા.
સાત વર્ષના બટુક વામનજી ને જનોઈ આપવાનો નિર્ણય કર્યો છે.
જનોઈ થી બ્રાહ્મણ નો નવો જન્મ થાય છે-ત્યારે તેનો બ્રહ્મ સંબંધ થાય છે.
જનોઇના મંત્ર માં –પિતા પુત્ર ને કહે છે-કે-આજ થી તું મારો નહિ.આજથી તું ઈશ્વરનો થયો છે.
તે દિવસે છેલ્લું માતા સાથે ભોજન કરવામાં આવે છે.
જનોઈ આપ્યા પછી મા-બાપ બદલાય છે.
પિતા થાય છે-સૂર્યનારાયણ અને માતા બને છે-ગાયત્રીમાતા.
જનોઈ એ વેદો એ આપેલી ચપરાશ છે.એક એક દેવની સ્થાપના જનોઈ માં કરવામાં આવે છે.
જનોઈ-યજ્ઞોપવિત - એ એક સંસ્કાર છે.આજકાલ બધા સંસ્કારો ભૂલાઈ ગયા છે-માત્ર લગ્ન-સંસ્કાર જ બાકી રહ્યો છે-કારણ એના વિના ચેન પડતું નથી. ઋષિઓએ સંસ્કારો આપણા કલ્યાણ માટે બનાવ્યા છે.
જનોઈ કેવી રીતે તૈયાર કરવી? તે તૈતરીય આરણ્યક માં બતાવ્યું છે.
જનોઈ હાથેથી બનાવવી જોઈએ.સુતરને ૯૬ વખત લપેટવું પડે છે.
વેદ ના મંત્રો એક લાખ છે-૮૦ હજાર મંત્રો કર્મકાંડ ના અને ૨૦ હજાર મંત્રો ઉપાસનાકાંડ ના.
તેમાં ૯૬ હજાર મંત્ર નો અધિકાર બ્રાહ્મણ ને આપ્યો છે-અને ચાર હજાર મંત્રો સન્યાસી માટે છે.
જનોઈ આપવાથી-વેદ ના ૯૬ હજાર મંત્રો ભણવાનો અધિકાર બ્રાહ્મણ ને મળે છે. માટે
સુતર ને ૯૬ વખત લપેટવામાં આવે છે.
જનોઈ ને બનાવનાર બ્રહ્મા અને તેને ત્રિગુણાતીત કરનાર વિષ્ણુ છે.
જનોઈ ને ગાંઠ આપનાર શિવજી છે અને અભિમંત્રિત કરનાર ગાયત્રીદેવી છે.
આ દિવ્ય તેજ છે.
જનોઈ સાતમે વર્ષે આપવાની હોય છે-વધુમાં વધુ ૧૧ વર્ષ સુધી ની છૂટ આપી છે.
એક એક ધાગા માં એક એક દેવ ની પ્રતિષ્ઠા કરવામાં આવે છે.તેથી તે જનોઈ ને અપવિત્ર જગાનો સ્પર્શ ન થાય કે લોઢાનો પણ સ્પર્શ ન થાય.
આજના બ્રાહ્મણો જનોઈ એ ચાવી લટકાવે છે. ચાવી લટકાવવાથી દેવો વિદાય થાય છે.
વેદો કે વેદો ના પુસ્તકો –કે વેદો ના પુસ્તકો ના ફોટા પણ અત્યારના જમાના માંથી વિદાય થયા છે.
સાચા બ્રાહ્મણો પણ બહુ જ ઓછા જોવા મળે છે-કે જેમણે વેદો નું અધ્યયન કર્યું હોય.
પણ આજકાલ લોકો માત્ર ચર્ચા જ કરે છે-કે માત્ર બ્રાહ્મણો ને જ વેદ નો અધિકાર કેમ આપ્યો?
પહેલાં વેદો ક્યાં પડ્યા છે ? તે તો ખોળો !! તે જાણવાની યે કોઈને ફુરસદ નથી.
અરે! વેદો નું નવનીત (માખણ) ગીતા છે-તે વંચાય તો પણ ઘણું......
તે જમાના માં સંસ્કૃત માં લખાયેલા –ઘણી ગોપનીયતા અને ઉચ્ચ ભાષાથી ભરેલા વેદો ભણવામાં અત્યારે મોટા મોટા સંસ્કૃતના પંડિતો ગોથાં મારે છે-તો પછી આપણા જેવા-સામાન્ય માણસ નું ગજું કેટલું ?
કશું પણ સમજ્યા વગર-ગીતાના સંસ્કૃતના શ્લોકો કડકડાટ વાંચનારા આજકાલ મળે છે-
કશું પણ ના કરે તેના કરતા –તે સારું છે. પણ વધુ સારું તો તે શ્લોકોના અર્થ સમજવાનું છે.
ગીતાના શ્લોકો નો અર્થ સમજીને તેની પાછળનું રહસ્ય સમજે તેનો બેડો પાર છે.
No comments:
Post a Comment