શ્રીમદ્ભાગવત સ્કંધ – 9 (Page 61)

શ્રીમદ્ભાગવત સ્કંધ – 9 (Page 61)



નવમાં સ્કંધમાં બે પ્રકરણ છે.સૂર્યવંશ અને ચંદ્રવંશનું.
બુદ્ધિની શુદ્ધિ માટે સૂર્યવંશમાં રામચંદ્રજીનું ચરિત્ર કહ્યું અને
મનની શુદ્ધિ માટે ચંદ્રવંશમાં શ્રીકૃષ્ણનું ચરિત્ર કહ્યું.
રામાયણમાં રામચંદ્રજીના ચરિત્રનું વિગતવાર વર્ણન છે,પણ
રામચંદ્રજીનું ચરિત્ર અહીં-ટૂંકમાં ભાગવતમાં કહ્યું છે, તે એટલા માટે કે-
તે બતાવે છે-કે-
જે રામચંદ્રજીની મર્યાદાનું જે પાલન કરે અને કામને (રાવણને) મારે તેને જ કન્હૈયો મળે.
સૂર્યવંશમાં રઘુનાથજી પ્રગટ થયા છે અને ચન્દ્રવંશમાં શ્રીકૃષ્ણ.
રામ પહેલાં આવે છે,અને તે પછી શ્રીકૃષ્ણ આવે છે. રામ -ના -આવે ત્યાં સુધી કૃષ્ણ આવતા નથી.
       
ભાગવતમાં મુખ્ય કથા શ્રીકૃષ્ણની છે, પણ રામને પધરાવ્યા પછી જ શ્રીકૃષ્ણ આવે છે.
રામજીની મર્યાદા (વિવેક) ને  બતાવવાનો ઉદ્દેશ છે.
આ મર્યાદા (વિવેક) નું પાલન થાય તો જ કૃષ્ણલીલાનું રહસ્ય સમજમાં આવે.
મનુષ્યને થોડી સંપત્તિ,અધિકાર મળે એટલે તે વિવેક ભૂલે છે.
રામજીની ઉત્તમ સેવા એ જ છે કે રામજીની મર્યાદાનું પાલન કરો, રામના જેવું વર્તન રાખો.
આરંભમાં રામ ચરિત્રનું વર્ણન કર્યું છે. પછી દશમ સ્કંધમાં કૃષ્ણ કથા આવશે.
રામજીનું ચરિત્ર રામજીની લીલા -સર્વથા અનુકરણીય છે,
શ્રીકૃષ્ણ લીલાનું અનુકરણ કરવાનું નથી, પણ કૃષ્ણ લીલાનું  ચિંતન કરીને તન્મય થવા માટે છે.
રામજી- કરે- તે કરવાનું અને કૃષ્ણ- કહે- તેમ કરવાનું.
રામજી પૂર્ણ પુરુષોત્તમ હોવાં છતાં મનુષ્ય ને આદર્શ બતાવે છે.
રામજીનો માતૃપ્રેમ,પિતૃપ્રેમ,બંધુપ્રેમ, રામજીનું  એકપત્નીત્વ,વગેરે સઘળું જીવનમાં ઉતારવા જેવું છે.
શ્રીકૃષ્ણ કરે તે આપણાથી ન થાય.
--શ્રીકૃષ્ણ તો કાલીય નાગ ઉપર નાચતા હતા.આપણને તો નાગનું નામ લેતા જ ગભરામણ થાય છે.
--શ્રીકૃષ્ણ ટચલી આંગળી પર ગોવર્ધન પર્વત ધારણ કરે છે.આપણે ઘરની નાની થાળી પણ આંગળી પર
સમતુલનાથી રાખી શકીએ નહિ.
--શ્રીકૃષ્ણના ચરિત્રનો પ્રારંભ થાય છે પૂતના-ચરિત્ર થી. પહેલું ઝેર પી ગયા છે.
આપણે તો ઝેરને દુરથી નમસ્કાર કરીએ છીએ.
ઝેર પચાવતા આવડે તો ઝેર પચાવ્યા પછી શ્રીકૃષ્ણના ચરિત્રનું અનુકરણ થાય.??!!.
રામજીએ પોતાનું ઐશ્વર્ય છુપાવ્યું છે, મનુષ્ય જેવું નાટક કર્યું છે.
સાધકનું વર્તન રામજી જેવું હોવું જોઈએ. સિદ્ધ પુરુષનું વર્તન શ્રીકૃષ્ણ જેવું હોઈ શકે !!
રામજીનો જન્મ રાક્ષસોને મારવા માત્ર નથી થયો, પણ મનુષ્યોને માનવ ધર્મ બતાવવા થયો છે.
રામજી જીવ માત્રને બોધ આપે છે. રામજી એક પણ મર્યાદાનો ભંગ કરતા નથી.
રામજીની લીલા સરળ છે, જયારે શ્રીકૃષ્ણ લીલા ગહન છે,અટપટી છે.
રામજીની મર્યાદા સમજવી સહેલી છે,પણ તેનું આચરણ કરવું અઘરું છે.
શ્રીકૃષ્ણની લીલાનું રહસ્ય સમજવું અઘરું છે.
રામજી કુટિલ સાથે પણ સરળ વ્યવહાર કરે છે,
ત્યારે શ્રીકૃષ્ણ સરળ સાથે સરળ અને કુટિલ જોડે કુટિલ વ્યવહાર રાખે છે
રામજી મર્યાદા પુરુષોત્તમ છે જયારે કૃષ્ણ એ પુષ્ટિ પુરુષોત્તમ છે.
કૃષ્ણએ માખણ ચોર એટલે કે મૃદુ મનનો ચોર છે, તે સર્વસ્વ માગે છે.
રામજીનું નામ સરળ અને એમની લીલા પણ સરળ.રામજીના નામ માં એકે જોડાક્ષર નથી.
જયારે શ્રીકૃષ્ણના નામમાં એકે સરળ અક્ષર નથી, બધા જોડાક્ષર છે.
શ્રીકૃષ્ણ લીલા અતિ મધુર છે,જયારે રામ-નામ અતિ મધુર છે.
રામ નામનો મહિમા બહુ વર્ણવ્યો છે-જયારે કૃષ્ણ લીલામાં સર્વને આનંદ મળે છે.
રામજી દિવસના બાર વાગે આવે છે (જન્મે છે) જેથી બધાંને દર્શન થાય.
શ્રીકૃષ્ણ કહે છે-હું તો માખણચોર છું, એટલે રાતે બાર વાગે આવું છું.(જન્મું છું)
રામજી દશરથજીના રાજમહેલમાં આવે છે. જયારે કૃષ્ણ કંસના કારાગૃહમાં.
ટૂંકમાં રામ એ મર્યાદા  (વિવેક) છે અને શ્રીકૃષ્ણ એ પ્રેમ છે.
નૃસિંહ અવતારની કથાએ ક્રોધ- નો નાશ કેવી રીતે કરવો તે બતાવ્યું,
વામન અવતારની કથાએ લોભ-નો નાશ કેવી રીતે કરવો તે બતાવ્યું. હવે
રામચંદ્રજીની કથા કામ- નો નાશ કેવી રીતે કરવો-તે શીખવશે.
ભાગવતનું ધ્યેય કૃષ્ણ-લીલા-ચરિત્ર કહેવાનું છે, પણ પહેલા સ્કંધથી કૃષ્ણલીલાનું વર્ણન કર્યું નથી,
તેનું કારણ એ છે કે- ક્રોધ,લોભ,કામ નો નાશ થાય પછી જ પરમાત્મા મળે- શ્રીકૃષ્ણ મળે.
આઠમા સ્કંધની સમાપ્તિમાં સત્યવ્રત મનુ અને મત્સ્યાવતારની કથા કહી.
આ અધ્યાયમાં વૈવસ્વત મનુની કથા છે, વૈવસ્વત મનુ સૂર્યવંશના આદિ પ્રવર્તક છે.
વિવસ્વાન ને ઘેર વૈવસ્વત મનુ થયેલાં.તેમનું લગ્ન શ્રદ્ધા નામની સ્ત્રી જોડે થયેલું.
તેમણે ઘેર દશ બાળકો થયાં.
ઇક્ષ્વાકુ,નૃગ,શર્યાતી,દિષ્ટિ,કરૂપ,નરીશ્યંત,પૃશગ્ન,નભગ અને કવિ.
દિષ્ટિના વંશમાં મરુત્ત નામનો ચક્રવર્તી રાજા થયેલો.
તેના ગુરુ હતા બૃહસ્પતિ. જે ઇન્દ્ર (દેવો) ના પણ ગુરુ હતા.
મરુત્ત રાજાને યજ્ઞ કરવાનો હતો, પણ બૃહસ્પતિએ આવવા ના પાડેલી.
એકવાર મરુત્તને નારદજી મળ્યા. મરુત્ત તેમને કહે મારે યજ્ઞ કરવો છે-પણ કરી શકાતો નથી.
નારદજીએ કહ્યું-કે બૃહસ્પતિના નાના ભાઈ સંવર્તને બોલાવો, તે પણ ગુરુ સરખા જ ગણાય.
રાજા કહે છે-કે- સંવર્ત તો યોગી છે અને તેનો પત્તો પણ નથી.
નારદજી કહે- તેનો પત્તો હું આપીશ.
સંવર્ત મહા યોગી છે,તેમનો નિયમ છે-કે ચોવીસ કલાકમાં રોજ રાતે એક વાર કાશી વિશ્વનાથનાં દર્શન કરવા આવે. પણ રસ્તામાં કોઈ શબના દર્શન થાય તો તેણે શિવરૂપ માની તેણે વંદન કરી પાછા વળે.
મહાભારતના અનુશાસન પર્વમાં આ કથા વિસ્તારથી આપેલી છે, અહીં સંક્ષિપ્ત કર્યો છે.
મરુત્ત રાજા રાત્રે શબ લઇ બેઠા છે, ત્યારે એક પાગલ જેવો માણસ આવ્યો. શબને વંદન કર્યું.
મરુત્ત રાજાને ખાતરી થઇ કે આ જ સંવર્ત યોગી છે. મરુત્તે ચરણ પકડી લીધા.
સંવર્ત કહે છે-હું અજ્ઞાની છું, મને છોડ.
મરુત્ત કહે છે-કે-તમે સંવર્ત છો, મારા ગુરુ છો, બૃહસ્પતિના નાના ભાઈ છો, બૃહસ્પતિ- જ્યારથી દેવોના ગુરુ થયા છે, એટલે પછી, મારા ઘેર આવતા નથી, મારે યજ્ઞ કરવો છે.કોઈ યજ્ઞ કરાવતું નથી.
સંવર્ત કહે-હું યજ્ઞ કરાવીશ.પણ તારું ઐશ્વર્ય જોઈને પાછળથી જો બૃહસ્પતિ કહેશે કે તે તારો ગુરુ થવા તૈયાર છે, ને તેવા સમયે-જો તું મારો ત્યાગ કરીશ, તો તે સમયે હું તને બાળીને ખાક કરીશ.
રાજા કબૂલ થયા.સંવર્તે મરુત્ત રાજાને મંત્રદીક્ષા આપી છે.અને યજ્ઞ શરુ થયો.
મરુત્તના યજ્ઞનું વર્ણન ઋગ્વેદમાં પણ છે.
મરુત્ત રાજાના યજ્ઞના સર્વ પાત્રો સોનાના છે. બૃહસ્પતિ લલચાયો. તેણે મરુત્તને  કહેવડાવ્યું કે-
હવે હું તારો યજ્ઞ કરવા તૈયાર છું.
બૃહસ્પતિએ ઇન્દ્રને વાત કરી, ઇન્દ્રે અગ્નિ મારફતે કહેવડાવ્યું કે-બૃહસ્પતિને ગુરુ બનાવો.
નહિતર ઇન્દ્ર યજ્ઞમાં વિઘ્ન કરશે.
ત્યારે સંવર્તે અગ્નિને જવાબ આપ્યો કે- તું મારી આજ્ઞા વિરુદ્ધ જઈશ તો તને બાળી મુકીશ.
સંવર્ત આજ્ઞા કરે તે દેવ ત્યાં આવે છે, પ્રત્યક્ષ હાજર થઇ હવિર્ભાગ ગ્રહણ કરે છે.
મરુત્તનો યજ્ઞ જેવો થયો તેવો બીજો કોઈનો થયો નથી.
વૈવસ્વત મનુના પુત્ર-નભગને ત્યાં નાભાગ થયા છે.
શંકરની કૃપાથી નાભાગને ત્યાં મહાન ભક્ત અંબરીશનો જન્મ થયો છે.
અંબરીશ એ મર્યાદા ભક્તિના આચાર્ય છે.
કાંકરોલીમાં જે દ્વારકાનાથ બિરાજે છે, તે અંબરીશ રાજાના સેવ્ય-ઠાકોરજી છે.
અંબરીશ રાજાની સંપત્તિ ભોગ માટે નહિ પણ ભક્તિ માટે હતી.
અંબરીશ રાજાની એવી નિષ્ઠા છે કે-સ્ત્રી અને સંપત્તિ ભોગ માટે નથી પણ ભક્તિ માટે છે.
સંપત્તિ હોય તો પરોપકારમાં વાપરજો, ઠાકોરજી ગરીબના મુખથી આરોગે છે. 

No comments: