શ્રીમદ્ભાગવત સ્કંધ – 3 (Page 34)

શ્રીમદ્ભાગવત સ્કંધ – 3 (Page 34)

આ બાજુ પ્રભુએ દ્વારિકા નો ઉપસંહાર કરવાનો નિશ્ચય કર્યો છે. પ્રભુ તે વખતે પ્રભાસમાં હતા. ઉદ્ધવને ભાગવત-ધર્મના જ્ઞાનનો ઉપદેશ કર્યો.અને કહ્યું-ઉદ્ધવ સોનાની દ્વારકા સમુદ્રમાં ડૂબી જશે.તારાથી આ બધો ઉપસંહાર જોવાશે નહિ. તું બદ્રીકાશ્રમ જા.
ઉદ્ધવ કહે છે કે-મને એકલા જતાં બીક લાગે છે,તમે મારી સાથે આવો. તમે મને છેવટ સુધી સાથ આપો.
શ્રીકૃષ્ણ કહે છે-ઉદ્ધવ તું મને બહુ વહાલો છે,પણ કાયદો ના પાડે છે. જીવ એકલો જ આવે છે- અને એકલો જ જાય છે.
આ સ્વરૂપે હું તારી સાથે નહિ આવી શકું. પણ ક્ષેત્રજ્ઞ રૂપે-ચૈતન્ય રૂપે હું તારામાં જ રહેલો છું. મારું સ્મરણ કરીશ એટલે હું હાજર થઇ જઈશ.તું એવી હંમેશા ભાવના રાખજે-કે હું તારી સાથે જ છુ.
ઉદ્ધવજી પ્રાર્થના કરે છે-નાથ, ભાવના આધાર વગર ના થઇ શકે-મને કોઈ એવો આધાર આપો-જેમાં હું તમારી ભાવના કરું.
કૃષ્ણ કહે છે કે-ઉદ્ધવ તે મારી બહુ સેવા કરી છે.અત્યારે હું તને શું આપું ?મારી ચરણપાદુકા લઇ જા.
રામાયણમાં ભરતજીને અને ભાગવતમાં ઉદ્ધવજીને ચરણપાદુકા પ્રભુ એ આપી છે.
ઉદ્ધવજી એ ચરણપાદુકા મસ્તક પર ધારણ કરી છે. મસ્તક એ બુદ્ધિપ્રધાન છે.તેમાં પ્રભુને પધરાવો તો મનમાં કોઈ વિકાર આવશે નહિ.
જે એકલો ફરે તે દુઃખી થાય છે,પણ પરમાત્મા ને સાથે રાખી ને ફરે છે-તે સુખી થાય છે. પરમાત્મા ને સાથે રાખો તો બધું શક્ય છે, પરમાત્મા વગર બધું અશક્ય છે.
શુકદેવજી વર્ણન કરે છે-ઉદ્ધવ બદ્રીકાશ્રમ જવા નીકળ્યા છે. રસ્તામાં ઉદ્ધવજીને યમુનાજીનાં-વ્રજભૂમિનાં દર્શન થયાં.
ઉદ્ધવજીએ યમુનાજી માં સ્નાન કર્યું છે.પરમાનંદ થયો છે.
ઉદ્ધવજી વિચારે છે-આ તો માલિકની લીલાભૂમિ-નાના હતા ત્યારે અહીં રમ્યા છે. અહીં થોડા દિવસ રહીશ.કોઈ સંત મળશે તો સત્સંગ કરીશ. કોઈ પ્રભુનો લાડીલો મળી જાય તો જ બોલવું છે-નહીતર મૌન રાખીશ.
વૃંદાવનમાં ગુપ્ત રીતે અનેક સાધુઓ રાધાકૃષ્ણની લીલાઓનાં દર્શન કરતાં આજ પણ ફરે છે.
યમુના કિનારે રમણ રેતીમાં વિદુરજી બેઠા છે,પંચકેશ વધ્યા છે,બાલકૃષ્ણની માનસી સેવામાં તન્મય છે, અષ્ટાક્ષર મંત્રનો જપ કરે છે.
શ્રીકૃષ્ણ શરણં મમ-આંખમાંથી પ્રેમાશ્રુ નીકળે છે.ઉદ્ધવજી ની દૃષ્ટિ પડી અને ઓળખી ગયા. છત્રીસ વર્ષની યાત્રામાં વિદુરજીને ઓળખાનાર એક ઉદ્ધવ જ નીકળ્યા. ઉદ્ધવ ને આનંદ થયો અને ત્યાં રમણ રેતી માં જ સાષ્ટાંગ પ્રણામ કર્યા છે. તેજ વખતે વિદુરજી એ આંખો ઉઘાડી છે.કહ્યું-મને વંદન કરો તે યોગ્ય નથી. વિદુરજી-ઉદ્ધવને વંદન કરે છે.
ઉદ્ધવજી એ વિદુરજી ને ઉઠાવી લીધા છે. બે પરમ વૈષ્ણવોનું મિલન થયું છે.
કોઈ વંદન કરે તે પહેલાં વંદન કરો.વંદન માગે તે વૈષ્ણવ નહિ,સર્વને વંદન કરે તે વૈષ્ણવ.(સકળ લોકમાં સહુને વંદે)
સંતો નું મિલન કેવું હોય છે?
ચાર મિલે-ચોસઠ ખીલે-વીસ રહે કર જોડ---હરિજન સે હરિજન મિલે તો બિહસે સાત કરોડ.
(ચાર=ચાર આંખો, ચોસઠ=ચોસઠ દાંતો, વીસ=હાથ પગ ના આંગળા, સાત કરોડ=સાત કરોડ રુંવાટીઓ, હરિજન=હરિના લાડીલા જન)
વિદુર અને ઉદ્ધવ નો દિવ્ય સત્સંગ થાય છે. સાયંકાળે બંને મળ્યા આખી રાત કૃષ્ણ લીલાઓનું ભગવદવાર્તાઓનું  વર્ણન કર્યું છે. શ્રીકૃષ્ણ કથા કરતાં ઉદ્ધવજી -તન્મય થયા છે. આખી રાત લાલાની વાતો કરી છે.
ઉદ્ધવજી ના જીવન માં આવું જ પહેલાં પણ એક વાર બનેલું.
ઉદ્ધવજી જયારે નંદ-યશોદાને આશ્વાસન આપવા ગયેલા,ત્યારે નંદ યશોદાએ આખી રાત લાલાની વાતો કરી હતી.
સવાર થયું-એટલે યમુનામાં સ્નાન કરી ઉદ્ધવજી આવ્યા. અને વિદુરજી ને કહે છે-કે-
મને પ્રભાસમાં પ્રભુએ ભાગવતધર્મ નો ઉપદેશ કર્યો અને બદ્રીકાશ્રમમાં જવાની આજ્ઞા આપી છે. તમારાં દર્શન-સત્સંગથી ઘણો આનંદ થયો છે,પણ મારે બદ્રીકાશ્રમ જવું છે.મને રજા આપો.
વિદુરજી કહે છે-પ્રભુએ જે ભાગવતધર્મનો તમને ઉપદેશ કર્યો-તે સાંભળવાની મને ઈચ્છા છે. હું લાયક તો નથી,પણ પ્રભુએ કૃપા કરીને આ- સાધારણ જીવને એક વખતે અપનાવ્યો હતો. આપ મારી ઈચ્છા પરિપૂર્ણ કરો.
વિદુરજીનું દૈન્ય જોઈને ઉદ્ધવજીને આનંદ થયો છે-કહે છે-તમે ભલે એવું બોલો કે હું લાયક નથી, પણ તમે કોણ છો,તે હું જાણું છું.
વિદુરજી તમે સાધારણ નથી,તમે મહાન છે. વધારે તો શું કહું? મને જયારે ભાગવતધર્મનો ઉપદેશ કર્યો-ત્યારે મૈત્રેયજી ત્યાં બેઠેલા હતા, બીજા કોઈને ય નહિ પણ તમને ત્રણ વાર પ્રભુ એ યાદ કરેલા. કહેતા હતા-મને બધા મળ્યા પણ મારો વિદુર મને મળ્યો નહિ, મેં એક વખત વિદુરના ઘરની ભાજી ખાધેલી, તેની મીઠાશ હજુ સુધી ભુલાતી નથી.
વિદુરજી- મારો શબ્દ મેં પરમાત્માના મુખ માંથી નીકળેલો કદી સાંભળ્યો નથી, પણ તમારાં માટે મારો વિદુર એવું બોલેલા.
ભગવાનને બધાં કહે છે-કે-પ્રભુ હું તમારો છું,પણ જ્યાં સુધી ભગવાન કહેતાં નથી-કે-હું તારો છું. ત્યાં સુધી સંબંધ કાચો.
ભગવાન જેને મારો- કહે તેનો બેડો પાર છે. ઠાકોરજી બહુ પરીક્ષા કરશે-પછી કહેશે કે તું મારો છે.
જીવ મંદિરમાં જઈ ભગવાન ને કહેશે કે-મારું સર્વસ્વ તમને અર્પણ કરું છું,હું તમારો છું. અને ઘેર આવી ને પત્નીને કહેશે-કે- હું તારો છું,તારા વિના મને ચેન પડતું નથી.
ભગવાન કહે-કે-બેટા તારું સર્વસ્વ શું છે-તે હું જાણું છું.
ભગવાનને બધા કહે છે-હું તમારો છું,પણ કોઈ એમ કહેતા નથી-કે હું તમારો છું અને બીજા કોઈનો નથી.
તુલસીદાસ રામજી સાથે વાતો કરે છે-કહે છે-હું યુવાનીમાં કામી હતો, મારા જેવા કામી ને તુલસી મારો છે એમ કહેતાં તમને શરમ આવે તે સ્વાભાવિક છે,પણ નાથ,હું એવું નથી કહેતો કે હું તમારો છું,તમારો ભક્ત છું. પણ હું તો તમારે આંગણે રહેનારો એક કૂતરો છું.મને તમારાં આંગણમાં રહેવા દેજો, મને અપનાવજો.
તુલસી કુત્તા રામકા,મોતિયા મેરા નામ, કાંઠે દોરી પ્રેમકી,જીત ખેંતો ઉત જાય.મેં તમારો પટ્ટો (કંઠી) ગળામાં રાખી છે.
વિદુરજી ભાવમય થયા આંખમાં આંસુ આવ્યા છે ઉદ્ધવને કહે છે-મારા ભગવાને મને યાદ કરેલો?
ઉદ્ધવજી કહે છે-વિદુરજી તમે ભાગ્યશાળી છો,પરમાત્માએ તમારો સ્વીકાર કર્યો છે. ભગવાને એક વખત નહિ પણ ત્રણ વખત તમને યાદ કરેલા, મૈત્રેયજીને તેમણે કહેલું કે-મેં વિદુરજીના ઘરની ભાજી એક વખત ખાધેલી, હું તેના ઋણમાં છું, બધાને મેં આપ્યું છે, પણ વિદુરજીને કાંઇ આપ્યું નહિ, માટે જયારે તમને મારો વિદુર મળે ત્યારે આ ભાગવતધર્મ નું જ્ઞાન તેને આપજો.
ગંગાકિનારે મૈત્રેયઋષિનો આશ્રમ છે-ત્યાં તમે જાવ.આમ કહી ઉદ્ધવજીએ બદ્રીકાશ્રમ પ્રતિ પ્રયાણ કર્યું.
ભગવાને પરમધામ જવાના સમયે-મને યાદ કરેલો-એવું જાણીને,અને ઉદ્ધવજીના ચાલ્યા જવાથી-વિદુરજી-પ્રેમથી વિહવળ થઇ રડવા લાગ્યા.
દુર્જનનો સંયોગ- દુઃખ આપે છે, જયારે વૈષ્ણવનો વિયોગ-દુઃખ આપે છે.
ઉદ્ધવજી બદ્રીકાશ્રમ પધાર્યા અને વિદુરજી ગંગા કિનારે આવેલા મૈત્રેયઋષિના આશ્રમ તરફ જવા નીકળ્યા.
યમુનાજી એ કૃપા કરી નવધા ભક્તિનું દાન કર્યું, પણ જ્ઞાન અને વૈરાગ્ય વગર ભક્તિ દૃઢ થતી નથી, ગંગાજી જ્ઞાન- વૈરાગ્ય નું દાન કરે છે.
યમુનાજીને વંદન કરી વિદુરજી ગંગા કિનારે આવ્યા છે. ગંગા-કિનારાનો બહુ મોટો મહિમા છે.
ગંગાજી ને વંદન કરી,સ્નાન કર્યું છે.ગંગા કિનારાના પથ્થરો ઉપર પગ મુકતાં પણ વિદુરજીને સંકોચ થાય છે. કેવાં કેવાં મહાત્માઓની ચરણરજ આ પથ્થરો પર પડેલી હશે!! તે ચરણરજ પર મારાથી પગ કેમ મુકાય ? આ પથ્થરો કેટલા ભાગ્યશાળી છે !!
પથ્થરોને જોતાં-વિદુરજી ને પરમાત્મા યાદ આવે છે.
પ્રત્યેક પદાર્થને જોતાં જેને પરમાત્મા યાદ આવે તો સમજવું કે આ છેલ્લો જન્મ છે. વિદુરજીનો આ છેલ્લો જન્મ છે.
દાસબોધના છેલ્લા પ્રકરણમાં રામદાસ સ્વામીએ છેલ્લા જન્મના કેટલાંક લક્ષણો બતાવ્યા છે.
જેની બુદ્ધિમાંથી કામ નીકળી જાય, કે જેને બાલ્યાવસ્થાથી જ ભક્તિ નો રંગ લાગે,કે જેને ચોવીસ કલાક ભક્તિનો રંગ લાગેલો રહે-તેનો તે છેલ્લો જન્મ છે,પણ જો કોઈ વખત ભગવતભાવ અને કોઈ વખત સંસારના ભાવ જાગે તો માનવું,કે હજુ જન્મ લેવાનો છે.
હરદ્વાર પાસે-કુશાવર્ત તીર્થમાં મૈત્રેયઋષિનો આશ્રમ છે. આશ્રમમાં આવી વિદુરજી- મૈત્રેયઋષિને સાષ્ટાંગ પ્રણામ કરે છે.
મૈત્રેયઋષિએ તેમનું સ્વાગત કર્યું અને કહે છે-કે- વિદુરજી તમને હું ઓળખું છું.આપ ભલે મને વંદન કરો,પણ તમે મહાન છો.
એક દિવસ એવો આવે છે-કે-જીવ તમારી પાસે હાથ જોડીને આવે છે. તમે યમરાજાનો અવતાર છે.
માંડવ્યઋષિના શાપથી તમારો આ દાસીપુત્ર તરીકે શુદ્રને ત્યાં જન્મ થયો છે.
માંડવ્યઋષિ ની કથા એવી છે કે-
એક વખત કેટલાંક ચોરો-રાજાના ખજાનામાંથી ચોરી કરી નાઠા. પાછળ સૈનિકો પડ્યા,એટલે ડરથી, રસ્તામાં આવતા માંડવ્યઋષિના આશ્રમમાં બધું ઝવેરાત ફેંકી નાસી ગયા. સૈનિકો માંડવ્યઋષિને પકડી રાજા પાસે લાવ્યા-રાજાએ માંડવ્યઋષિને શૂળી પર ચઢાવવાની આજ્ઞા કરી.
માંડવ્યઋષિ શૂળીની અણી પર ગાયત્રી મંત્રનો જાપ કરે છે, ચોવીસ કલાક થયા પણ ઋષિના શરીરમાં શૂળી નો પ્રવેશ થયો નથી. ઋષિનું દિવ્ય તેજ જોઈ રાજા ને લાગ્યું કે આ કોઈ ચોર નથી પણ પવિત્ર તપસ્વી મહાત્મા લાગે છે.
ઋષિને શૂળી પરથી નીચે ઉતરાવ્યા.સઘળી હકીકત જાણી,રાજાને દુઃખ થયું, અને ઋષિની માફી માંગે છે.
માંડવ્યઋષિ કહે છે-રાજન,તને ક્ષમા આપીશ પણ યમરાજને હું માફ નહિ કરું. મેં પાપ નથી કર્યું તો મને આવી સજા કેમ ?
માંડવ્યઋષિ યમરાજના દરબારમાં આવી યમરાજને પૂછે છે-મને કયા પાપ ની સજા કરવામાં આવી છે ?
યમરાજા એ જોયું તો ઋષિના નામે કોઈ પાપ જમા ના મળે. યમરાજ ગભરાણા છે.યમરાજા એ વિચાર્યું-કે-ભૂલ થઇ છે-એમ કહીશ તો શાપ આપશે, એટલે કહ્યું છે કે-તમે ત્રણ વર્ષના હતા-ત્યારે એક પતંગિયા ને કાંટો ભોંકેલો-તેની આ સજા છે.
માંડવ્યઋષિ કહે છે-શાસ્ત્રમાં આજ્ઞા છે-કે કોઈ મનુષ્ય અજ્ઞાનાવસ્થામાં કાંઇ પાપ કરે તો તેની સજા જાગૃત અવસ્થામાં નહિ, સ્વપ્નાવસ્થામાં કરવામાં આવે છે. હું બાળક હતો ત્યારે અજ્ઞાન હતો, અને કરેલા પાપની સજા સ્વપ્નામાં કરવી જોઈતી હતી, તમે ગેરવાજબી પણે ખોટી સજા કરી છે, ધર્મરાજાના પવિત્ર આસન પર બેસવા તમે લાયક નથી, તેથી હું તમને શાપ આપું છું-
કે જાઓ, શૂદ્રયોનિમાં તમારો જન્મ થાઓ.
આ પ્રમાણે માંડવ્યઋષિ ના શાપ થી યમરાજા વિદુર તરીકે દાસી ને ઘેર જન્મ્યા.
વિદુરજી વિચારે છે-એકવાર મારી ભૂલ થઇ અને દેવનો મનુષ્ય બન્યો,હવે હું અસાવધ રહીશ તો પશુ બનીશ. હવે મારા હાથે કોઈ પુણ્ય ના થાય તો વાંધો નહિ-પણ પાપ તો ના જ થાય. પાપ ના કરે એ જ મહાપુણ્ય છે.
પીપા ભગતે કહ્યું છે-પીપા પાપ ના કીજીએ, તો પુણ્ય કિયા સો બાર.
તે પછી-વિદુરજી-મૈત્રેયજીને અનેક પ્રશ્નો પૂછે છે.
ભગવાન અકર્તા હોવાં છતાં-કલ્પ ના આરંભમાં આ સૃષ્ટિની રચના તેમણે કેવી રીતે કરી ?
સંસારના લોકો સુખ માટે પ્રયત્ન કરે છે પણ ના તેમણે સુખ મળે છે-કે ના તેમના દુઃખ દૂર થાય છે.
આનો જવાબ મળે એવી  કથા કહો. તેમજ ભગવાનની લીલા ઓનું વર્ણન કરો.
મૈત્રેયજી એ કહ્યું-સૃષ્ટિની ઉત્પત્તિની કથા (સર્ગ સિધ્ધાંત) ભાગવતમાં વારંવાર આવે છે.
તત્વ દૃષ્ટિ થી જગત (સૃષ્ટિ) ખોટું છે. તેથી જગતનો બહુ વિચાર આપણા ઋષિઓ એ કરેલો નથી. પણ જગત (સૃષ્ટિ) જેને બનાવ્યું છે,જેના આધારે જગત રહેલું છે તે પરમાત્મા નો વારંવાર બહુ વિચાર કર્યો છે.
નિરાકાર પરમાત્માને રમવા ની ઈચ્છા થઇ. પરમાત્મા ને માયા નો સ્પર્શ થયો. એટલે સંકલ્પ થયો. કે-
હું એક માંથી અનેક થાઉં-ત્યારે-પ્રકૃતિ અને પુરુષનું જોડું ઉત્પન્ન થયું.
પ્રકૃતિ-પુરુષ માંથી-મહત્ તત્વ (બુદ્ધિ). અને મહત્ તત્વ માંથી અહંકાર.
અહંકાર ના ત્રણ પ્રકાર છે-
વૈકારીક (સાત્વિક)ભૂતાદિ (તામસિક)તેજસ (રાજસિક).
આ પાંચ તન્માત્રા ઓ માંથી પંચમહાભૂતો ની ઉત્પત્તિ થઇ.
પણ આ બધાં તત્વો કંઈ ક્રિયા- કરી શક્યાં નહિ. એટલે તે એક એક તત્વ માં પ્રભુ એ પ્રવેશ કર્યો.
(આ જ વસ્તુને વધુ સરળતાથી ઉદાહરણ થી સમજાવવા કહે છે!!!?)
ભગવાન ની- નાભિ -માં થી કમળ ઉત્પન્ન થયું. તેમાંથી બ્રહ્મા પ્રગટ્યા. બ્રહ્માજી એ કમળ નું મૂળ(મુખ) શોધવા પ્રયત્ન કર્યો.
ત્યાં ચતુર્ભુજ નારાયણના દર્શન થયાં. ભગવાને બ્રહ્માજીને કહ્યું-તમે સૃષ્ટિની રચના કરો.
બ્રહ્માજી એ કહ્યું-હું રચના કરું-પણ રચના થયા બાદ મેં આ રચના કરી છે-એવું મને અભિમાન ના આવે તેવું વરદાન આપો.
પ્રભુ એ વરદાન આપ્યું.
બ્રહ્માજી એ તેમની રચના-ઋષિઓને-કહ્યું-તમે પ્રજા ઉત્પન્ન કરો. પણ ઋષિઓ કહે છે-અમને ધ્યાનમાં આનંદ આવે છે.
બ્રહ્માજી વિચારે છે-આ સંસાર કેવી રીતે આગળ વધે ? મારે જગતમાં કંઈ આકર્ષણ રાખવું જોઈશે.
આથી તેમણે કામ-ની રચના કરી.(કામ ને ઉત્પન્ન કર્યો).
કામ આમતેમ જોવા લાગ્યો-અને ઋષિઓના હાથમાંથી માળા પડી ગઈ.
બ્રહ્માજી હસવા લાગ્યા-હવે કોઈને કહેવું પડશે નહિ કે પ્રજા ઉત્પન્ન કરો.
કામ- ને લીધે- મોહ ઉત્પન્ન થયો.
બ્રહ્માજી ના જમણા અંગ માંથી સ્વયંભુ મનુ- ને ડાબા અંગ માંથી શતરૂપા રાણી-પ્રગટ થયા.
(ભાગવતમાં જે-જે-નામ આપવામાં આવ્યા છે-તે તે ઘણું બધું કહી જાય છે-જરા વિચાર કરવો પડે)
બ્રહ્માજી એ તેમને કહ્યું-તમે મૈથુન ધર્મ(કામ) થી પ્રજા ઉત્પન્ન કરો.
ધરતી(પૃથ્વી) તે વખતે પાણીની અંદર ડૂબેલી હતી. (દૈત્યો પૃથ્વીને રસાતાળ લોકમાં લઇ ગયા હતા).
મનુ મહારાજ બોલ્યા-હું પ્રજા ઉત્પન્ન કરું,પણ તે પ્રજા ને રાખું ક્યાં ?
એટલે બ્રહ્માજી એ પરમાત્મા નું ધ્યાન કર્યું.
બ્રહ્માજી ને તે વખતે છીંક- આવી. અને નાસિકા માંથી વરાહ ભગવાન (પહેલો અવતાર) પ્રગટ થાય છે.
વરાહ ભગવાન પાતાળ માં ગયા છે અને ધરતી (પૃથ્વી) ને બહાર લઇ આવ્યા છે.
રસ્તામાં હિરણ્યાક્ષ નામનો રાક્ષસ મળ્યો-તેને વરાહ ભગવાને માર્યો છે.
અને પૃથ્વીનું રાજ્ય-મનુ મહારાજને અર્પણ કર્યું. અને કહ્યું-કે-તમે- ધર્મ-થી ધરતીનું પાલન કરો.
વરાહ નારાયણ વૈકુંઠ લોકમાં પધાર્યા છે.
વિદુરજી કહે છે-આપે બહુ સંક્ષેપ માં કથા સંભળાવી. આ કથા વિસ્તારપૂર્વક સાંભળવાની ઈચ્છા છે. આ કથાનું રહસ્ય કહો.
આ હિરણ્યાક્ષ કોણ હતો ?ધરતી રસાતાળમાં કેમ ડૂબી હતી ? વરાહ નારાયણનું ચરિત્ર મને સંભળાવો.
મૈત્રેયજી-વિદુરજીને અને શુકદેવજી પરીક્ષિતને આ દિવ્ય કથા સંભળાવે છે.
એક અધ્યાયમાં હિરણ્યાક્ષના પૂર્વ જન્મની કથા છે. તે પછી ચાર અધ્યાયમાં વરાહ નારાયણના ચરિત્ર નું વર્ણન કર્યું છે.
કશ્યપ- અગ્નિહોત્રી તપસ્વી ઋષિ છે. અને હંમેશા યજ્ઞશાળામાં અગ્નિ સમક્ષ વિરાજતા હતા. દિતિ-કશ્યપઋષિ નાં ધર્મપત્ની છે.
એક વખત સાયંકાળે-શણગાર સજી દિતિ કામાતુર બની-કશ્યપઋષિ જોડે આવ્યા છે.
કશ્યપઋષિ કહે છે-દેવી આ સમય-કામાધીન-થવા માટે- યોગ્ય નથી. જાવ જઈને ભગવાન પાસે દીવો કરો.
મનુષ્ય હૈયામાં અંધારું છે. વાસના એ અંધારું છે.સ્વાર્થ એ અંધારું છે.કપટ એ અંધારું છે. પ્રભુ પાસે દીવો કરશો-તો હૈયા માં અજવાળું થશે. અંતરમાં પ્રકાશ કરવાનો છે.
આગળ દશમ સ્કંધ માં લાલા ની કથા આવશે.-
ગોપીઓ યશોદા આગળ લાલા ની ફરિયાદ કરે છે-કે કનૈયો અમારું માખણ ખાઈ જાય છે. યશોદા કહે છે-તમે અંધારામાં માખણ રાખો,જેથી કનૈયો દેખે નહિ.
ત્યારે ગોપીઓ કહે છે-કે-અમે અંધારામાં માખણ રાખ્યું હતું-પણ-કનૈયો આવે ત્યારે અજવાળું થાય છે. એનું શ્રીઅંગ દીવા જેવું છે.તેજોમય છે.
ઈશ્વર સ્વયં-પ્રકાશ છે.ઈશ્વરને દીવા ની જરૂર નથી-દીવા ની જરૂર મનુષ્ય ને છે.
સાયંકાળે સૂર્ય અસ્તમાં જવાની તૈયારીમાં હોય છે.-તે દુર્બળ હોય છે. ચંદ્ર ઉદયની તૈયારી માં છે-તેથી તે પણ દુર્બળ હોય છે.
સૂર્ય બુદ્ધિ- ના માલિક છે.અને ચંદ્ર મન- ના માલિક છે. એટલે કે-
સાયંકાળે મન-બુદ્ધિ- ના બળ- ઓછાં હોય છે.ત્યારે -કામ મન-બુદ્ધિ  માં પ્રવેશ કરે છે.
બ્રાહ્મણો- સાયંકાળે-સંધ્યા કરે.વૈષ્ણવો-ઠાકોરજી પાસે દીવો કરી પ્રભુના નામનું કિર્તન કરે.
શાસ્ત્ર માં કહ્યું છે-કે સૌભાગ્યવતી સ્ત્રીમાં લક્ષ્મી નો અંશ છે. સાયંકાળે લક્ષ્મી નારાયણ  ઘેર આવે છે.
એટલે સૌભાગ્યવતી સ્ત્રી-કોઈ દિવસ સૂર્યના અસ્ત પછી બહાર ફરે નહિ. સાયંકાળે તુલસીની પૂજા કરો,દીવો કરો.ધુપદીપ કરો.
કશ્યપઋષિ દિતિ ને સમજાવે છે કે--દેવી, અત્યારે પ્રદોષ કાળ છે. પ્રદોષ કાળમાં શિવ પૂજન થાય છે. ભગવાન શંકર આ સમયે-જીવ માત્ર ને નિહાળવા જગતમાં ભ્રમણ કરે છે. સાયંકાળે સ્ત્રીસંગથી શંકરનું અપમાન થાય તેથી અનર્થ થાય.
દિતિ કહે છે-કે મને તો ક્યાંય શંકર દેખાતા નથી. કશ્યપ કહે છે-દેવી તમે કામાંધ છો-એટલે તમને શંકર દેખાતા નથી.
એક ભક્તે શંકરદાદાને ને પૂછ્યું-તમે શરીર પર ભસ્મ કેમ ધારણ કરો છો?
શિવજી એ કહ્યું-હું સમજુ છું કે શરીર એ ભસ્મ છે.(ભસ્માન્તમ શરીરમ)
ભસ્મ ધરી શિવજી જગતને વૈરાગ્ય નો બોધ કરે છે. શરીર રાજાનું હોય કે રંક નું હોય-તેની ભસ્મ બનવાની છે.
સ્મશાન ની ભસ્મ શરીરની નશ્વરતાનો ખ્યાલ આપે છે.
ગૃહસ્થાશ્રમ વિલાસ માટે નથી-પણ વિવેક થી કામસુખ ભોગવી કામનો નાશ કરવા માટે છે, ગૃહસ્થાશ્રમ નિયમથી કામનો વિનાશ કરવા માટે છે. કામ એવો દુષ્ટ છે-કે એક વાર હૃદયમાં ઘર કરી ગયો પછી તે જલ્દી નીકળતો નથી. કોઇ જ ડહાપણ પછી ચાલતું નથી.
કામ -દૂરથી જુએ છે-કે કોના હૃદય માં શું છે ? જેના હૃદય માં રામ હોય તો કામ ત્યાં આવી શકતો નથી.માટે જીવન એવું સાદું અને પવિત્ર ગાળો કે કામને મન-બુદ્ધિ માં પ્રવેશ કરવાનો અવસર જ ન મળે.
આ શરીર કેવું છે? તેની જરા કલ્પના કરો-વિચારો ......તો કદાચ શરીરસુખ ભોગવવામાં ધિક્કાર છૂટે વૈરાગ્ય આવે.
આ શરીર માં આડાંઅવળાં હાડકાં ગોઠવી દીધેલા છે,તેને નસોથી બાંધ્યા છે,તેના પર માંસના લોચા મારીને ઉપર ચામડી મઢી દીધી છે.
ઉપર ચામડી છે-એટલે અંદરનો મસાલો દેખાતો નથી,જો ચામડી કાઢી નાખવામાં આવે તો શરીર જોવાની ઈચ્છા પણ થતી નથી. જોતાં જ ધૃણા થાય છે.
રસ્તામાં કોઈ હાડકાં નો ટુકડો જોવામાં આવે તો તેને કોઈ અડકતું પણ નથી, પણ દેહમાં રહેલા હાડકાં ને આપણે પ્રેમ કરીએ છીએ.
આ આપણે સમજી શકતા નથી એના જેવી મૂર્ખતા બીજી કઈ હોઈ શકે ?
શરીર નું સુખ એ આપણું સુખ નથી, આત્મા થી શરીર જુદું છે. શરીર માંથી પ્રાણ નીકળી ગયા પછી તેને જોતાં બીક લાગે છે.
શંકરાચાર્યે ચર્પટ-પંજરીકા સ્તોત્ર (ભજગોવિંદ સ્તોત્ર) માં કહ્યું છે-
નારી-સ્તન ભર નાભિ-નિવેશમ, મિથ્યા માયા મોહાવેશમ,
એતાન્માંસ વસાદિ વિકારમ, મનસિ વિચારય વારંવારમ-
ભજ ગોવિન્દમ-ભજ ગોવિન્દમ મૂઢમતે....
નારીનાં સ્તનો અને નાભિ-નિવેશમાં મિથ્યા મોહ ના કર.એ તો માંસ મેદ નો વિકાર જ છે. મનમાં આનો વારંવાર વિચાર કર.
ભાગવતમાં તો એક જગ્યાએ કહ્યું છે-આ શરીર એ-શિયાળ-કુતરાં નું ભોજન છે. અગ્નિસંસ્કાર ના થાય તો-શિયાળ-કુતરાં તેને ખાય છે.એવા શરીર પર નો મોહ છોડો.
દિતિ- એટલે ભેદ બુદ્ધિ- સર્વમાં નારાયણ છે-એવો અભેદ- ભાવ રાખે તો પાપ થાય નહિ.
દિતિએ કશ્યપ નું માન્યું નહિ. દિતિ દુરાગ્રહી છે. (પિતા દક્ષ ની જેમ).કશ્યપ દિતિ ના દુરાગ્રહ ને વશ થયા. દિતિ સગર્ભા થયા છે.
પાછળથી દિતિ ને પોતાની ભૂલ સમજાઈ,પસ્તાયાં છે,પશ્ચાતાપ થયો, શિવજી ની પૂજા કરી ક્ષમા માગી છે.
કશ્યપે દિતિ ને કહ્યું-અપવિત્ર સમયે તમારા પેટમાં ગર્ભ રહ્યો છે.તેથી તમારાં ગર્ભમાંથી બે રાક્ષસોનો જન્મ થશે.
પોતાના પેટે થી રાક્ષસો અવતરશે એવું જાણી દિતિ ગભરાઈ ગઈ છે.
કશ્યપ કહે છે-તારાં બાળકો જગતને રડાવશે. તે વખતે પરમાત્મા અવતાર ધારણ કરી તેને મારશે.
દિતિ કહે છે-તો તો મારા પુત્રો ભાગ્યશાળી થશે-પ્રભુ ભલે મારા બાળકોને મારશે-પણ તેમને પ્રભુના દર્શન તો થશે ને !!
કશ્યપે આશ્વાસન આપતા કહ્યું-તારા બે બાળકો ભલે જગતને રડાવશે-પણ તારા પુત્ર નો પુત્ર મહાન ભગવદભક્ત થશે.
મહાન વૈષ્ણવ થશે અને પ્રહલાદના નામ થી ઓળખાશે.......દિતિને સંતોષ થયો છે.
એકલો-માત્ર- ઠાકોરજી ની સેવા-સ્મરણ કરે-તે સાધારણ વૈષ્ણવ. પરંતુ- જેના સંગ માં આવ્યા પછી-સંગમાં આવેલા નો સ્વભાવ સુધરે-ઈશ્વરની સેવા-સ્મરણ કરવવાની ઈચ્છા થાય, સત્કર્મ ની ઈચ્છા થાય- ભક્તિ નો રંગ લાગે તે મહાન વૈષ્ણવ.
પ્રહલાદ મહાન વૈષ્ણવ છે.
દિતિ ને ગર્ભ રહ્યો છે. પુત્રો દેવો ને દુઃખ આપશે-એટલે સો વર્ષ સુધી દિતિ એ ગર્ભ ધારણ કરી રાખ્યો. સૂર્ય-ચંદ્ર નું તેજ ઘટવા લાગ્યું.
દેવો ગભરાયા. દેવો ને શંકા ગઈ-કે આ દિતિ ના પેટમાં કોઈ રાક્ષસો તો આવ્યા નથી ને ?
દેવો બ્રહ્મલોક માં બ્રહ્માજી પાસે આવ્યા છે.અને પૂછ્યું દિતિના ગર્ભ માં વિરાજેલા એ છે કોણ ?
બ્રહ્માજી દેવોને દિતિના પેટમાં કોણ છે તેની કથા સંભળાવે છે.
એક વાર મારા માનસપુત્રો સનત-સનકાદિક (ચાર) મારી પાસે આવ્યા. તેઓને પ્રવૃત્તિ ધર્મ ગમેલો નહિ.એ નિવૃત્તિ ધર્મના આચાર્ય થયા છે. તેઓએ કહ્યું-અમે આખું જગત જોઈ લીધું. મેં કહ્યું-તમે વૈકુંઠ લોકના દર્શન કર્યા ?
તો- તે કહે છે-ના વૈકુંઠલોકના દર્શન અમે કર્યા નથી.
મેં તેમને કહ્યું-પરમાત્મા નું ધામ આનંદમય છે. જોવાલાયક તો તે પરમાત્માનું વૈકુંઠધામ છે. વૈકુંઠલોકના દર્શન ના કરે તેનું જીવન વૃથા છે.
તેથી તેઓ વૈકુંઠલોકના દર્શન કરવા જાય છે. (ઈશ્વરના દર્શન કરવા જાય છે)
અંતઃકરણ ચતુષ્ટ્ય- શુદ્ધ થાય ત્યારે જ ઈશ્વરના દર્શન થાય છે.
એક જ અંતઃકરણ ચાર કામ કરે છે. તેથી તેના ચાર ભેદ માન્યા છે.
અંતઃકરણ જયારે -સંકલ્પ-વિકલ્પ કરે છે-ત્યારે તેને મન -કહે છે.
જયારે-તે-કોઈ વિષય નો નિર્ણય કરે છે-ત્યારે તેને બુદ્ધિ-કહે છે.
જયારે-તે-સત્ય પરમાત્મા નું ચિંતન કરે છે-ત્યારે તેને ચિત્ત- કહે છે.
અને જયારે તેનામાં ક્રિયાનું અભિમાન જાગે છે-ત્યારે-તેને-અહંકાર કહે છે.
મન-બુદ્ધિ-ચિત્ત અને અહંકાર આ ચારેને શુદ્ધ કરો-તો પરમાત્મા ના દર્શન થાય છે.આ ચારેની શુદ્ધિ-બ્રહ્મચર્ય -વગર થતી નથી.
સનતકુમારો બ્રહ્મચર્ય નો અવતાર છે. બ્રહ્મચર્ય ત્યારે સિદ્ધ થાય જયારે બ્રહ્મનિષ્ઠા-સિદ્ધ થાય.
સનતકુમારો-મહાજ્ઞાની છે-છતાં પોતાને બાળક જેવા અજ્ઞાની માને છે. જ્ઞાનમાં અભિમાન ના આવે તેના માટે આવો ભાવ જરૂરી છે.
સનતકુમારો આદિ નારાયણ ના દર્શન કરવા વૈકુંઠમાં જાય છે. એ પછી તો વૈકુંઠ નું વર્ણન કરેલું છે.
રામાનુજાચાર્ય ની આજ્ઞા પ્રમાણે-દક્ષિણ માં કાવેરી નદીના કાંઠે રંગનાથનું મંદિર આ વૈકુંઠના વર્ણનને અનુસરીને બનાવ્યું છે.
બાકી તો ભૂ-વૈકુંઠ (જમીન પરના વૈકુંઠ) માં બદ્રીનારાયણનું મંદિર-બાલાજીનું મંદિર-શ્રીરંગમનું મંદિર અને પંઢરપુર ને પણ- વૈકુંઠ ગણવામાં આવે છે.
આદિનારાયણનું સ્મરણ કરતાં કરતાં સનતકુમારો વૈકુંઠલોકના છ દરવાજાઓ ઓળંગીને સાતમા દરવાજે આવ્યા. સનતકુમારોને પ્રભુના દર્શન ની તીવ્ર આતુરતા છે. સાતમે દરવાજે ભગવાનના દ્વારપાળો જય-વિજય ઉભા હતા તેમણે અટકાવ્યા.
સનતકુમારોએ કહ્યું-લક્ષ્મી-મા અને નારાયણ-પિતાને મળવા જઈએ છીએ.અમને કોઈને પૂછવાની શી જરૂર ? જયવિજય ને પૂછ્યા વગર જ સનતકુમારો અંદર જવા લાગ્યા. જય વિજયને આ ઠીક લાગ્યું નહિ,તેમણે લાકડી આડી ધરી. કહ્યું-મહારાજ,ઉભા રહો,અંદરથી હુકમ આવશે તે પછી જવા દઈશું.
સનતકુમારોને દર્શન ની આતુરતા છે-અને જય-વિજય વિઘ્ન કરે છે.
કામાનુજ (કામ નો અનુજ-નાનો ભાઈ)-ક્રોધ-સનતકુમારોને ક્રોધ આવ્યો છે. સનતકુમારો જ્ઞાની છે,જ્ઞાનીઓને બહુ માન મળે-એટલે કોઈનું અપમાન સહન કરી શકતા નથી. એમણે ક્રોધ આવી જાય છે. કામ પર વિજય મેળવ્યો પણ ક્રોધને આધીન થયા છે.
અતિ સાવધ  રહે તે કામ ને મારી શકે-પણ કામ ના નાના ભાઈ ક્રોધ ને મારવો મુશ્કેલ છે.
છ દરવાજા ઓળંગી જ્ઞાની પુરુષો જઈ શકે છે-પણ સાતમે દરવાજે જય-વિજય તેને અટકાવે છે.
સાત પ્રકારનાં યોગનાં અંગો એ વૈકુંઠના સાત દરવાજા છે.
યોગ ના સાત અંગો-યમ,નિયમ,આસન,પ્રાણાયામ,પ્રત્યાહાર---ધ્યાન અને ધારણા.(છેલ્લું-અંગ- સમાધિ)
પ્રથમ પાંચ ને બહિરંગ યોગ કહે છે-અને પછીના ત્રણ ને અંતરંગ યોગ કહે છે.
આ સાત દરવાજા વટાવ્યા પછી-બ્રહ્મ-સાક્ષાત્કાર થાય છે.પરમાત્માના દર્શન થાય છે.(સમાધિ-યોગ નું છેલ્લું અંગ)
ધારણા માં સર્વાંગ નું ચિંતન હોય છે.જયારે ધ્યાન માં એક અંગ નું ચિંતન હોય છે.
જય-વિજય એ કીર્તિ-પ્રતિષ્ઠા(સિદ્ધિ-પ્રસિદ્ધિ) નું સ્વરૂપ છે. એક-કે-સર્વાંગ નું ચિંતન કરવા જતાં સિદ્ધી-પ્રસિદ્ધિ અટકાવે છે.
બદ્રીનારાયણ  જતાં-વિષ્ણુપ્રયાગ આવે છે,ત્યાંથી આગળ ચાલો એટલે જય-વિજય નામના પહાડો આવે છે. તે ઓળંગો એટલે-
બદ્રીનાથ ભગવાન ના દર્શન થાય છે. જય-વિજય ના પહાડો ઓળંગવા કઠણ છે. સાંકડી કેડી પર ચાલવાનું હોય છે.
જરા પગ લપસે તો છેલ્લો વરઘોડો જ નીકળે છે.

No comments: