શ્રીમદ્ભાગવત સ્કંધ – 3 (Page 38)

શ્રીમદ્ભાગવત સ્કંધ – 3 (Page 38)

એક વખત નારદજી વૈકુઠલોકમાં આવ્યા. લક્ષ્મીજીને જોયા પણ ભગવાન ન દેખાયા.
શોધતાં શોધતાં  છેવટે-ભગવાનને - ધ્યાન માં બેઠેલા જોયા.
નારદજી પૂછે છે-તમે કોનું ધ્યાન કરો છો ?
ભગવાન કહે છે-હું મારા લાડીલા ભક્તોનું ધ્યાન કરું છું.
નારદજી કહે-શું આ વૈષ્ણવો તમારાં કરતા પણ શ્રેષ્ઠ છે? કે જેથી તમે તેનું ધ્યાન કરો છો ?
ભગવાન કહે કે-હા,તે મારા કરતા શ્રેષ્ઠ છે. નારદજી કહે-તે સિદ્ધ કરી આપો.
ભગવાન પૂછે છે-જગતમાં મોટામાં મોટું કોણ નારદજી-કહે-પૃથ્વી.
ભગવાન-કહે-પૃથ્વી શાની મોટી ? પૃથ્વી તો શેષનાગના ફણા ઉપર રહેલી છે. નારદજી-તો શેષનાગ મોટા.
ભગવાન-અરે-એ શેષનાગ શાના મોટા ? એ તો શંકરના હાથનું કડુ છે. એટલે શેષનાગ કરતાં શિવજી મોટા થયા.
પણ તેમનાથી રાવણ જબરો કે જેણે-શિવજી સાથે કૈલાસને ઉઠાવેલા. ત્યારે રાવણ મોટો. અરે રાવણ શાનો મોટો ?
વાલી રાવણને બગલમાં દબાવી સંધ્યા કરતો. માટે વાલી મોટો ?
નારદ-કહે-વાલી શાનો મોટો ?વાલીને રામજીએ મારેલો-એટલે આપ જ સર્વ થી શ્રેષ્ઠ છો.
ભગવાન-કહે છે-કે-ના હું પણ શ્રેષ્ઠ નથી.મારા કરતા મારા ભક્તો શ્રેષ્ઠ છે.કારણ આખું જગત મારા હૈયામાં,પણ હું રહું છું ભક્તના હૈયામાં. મને હૈયામાં રાખીને જે ભક્તો વ્યવહાર કરે છે,એવા જ્ઞાની ભકતો મારાથી પણ શ્રેષ્ઠ છે.
મારા ભક્તો મારા પ્રેમરૂપ અપ્રાકૃત સ્વ-રૂપને પામે છે. ત્યારે દેહમાં આસક્ત પુરુષ અધોગતિ પામે છે.
કપિલ ભગવાન કહે છે-મા, વધુ શું કહું ?ઈશ્વરથી વિખુટા પડેલા જીવને સુખ નથી. પરમાત્માથી જે વિમુખ છે તે સંસારમાં રખડતો જ રહે છે. જે પરમાત્મા સાથે પ્રેમ કરતો નથી તે ભલે સુખી દેખાય પણ તેને અંદરથી શાંતિ નથી.
જે ઈશ્વર ને ભૂલ્યો છે,તે ભૌતિક સુખ ભલે ભોગવે,પણ તેને અંદરની શાંતિ મળતી નથી.
મા, વૃદ્ધાવસ્થા માં આ શરીર ઘરડું બને છે પણ મન અને બુદ્ધિ તો જુવાન રહે છે. જુવાનીમાં ભોગવેલા સુખનું મન વારંવાર ચિંતન કરે છે. મન ભગવાનનું ચિંતન કરતુ નથી.
વૃદ્ધાવસ્થામાં દુઃખ ભોગવવું પડે છે.કોઈ સેવા કરતુ નથી.
વૃદ્ધાવસ્થામાં શરીર દુર્બળ થવા છતાં સત્સંગ અને ભજન ન કરે તો મન અને જીભ જુવાન બને છે.સારું સારું ખાવાનું મન થાય છે.
ડોસીને ખાવાની ઈચ્છા થાય છે-ત્યારે તે બાબાનું નામ દે છે કહે-કે- આજે તો બાબાની ઈચ્છા છે-કે-પાનાનાં ભજીયાં કરો.
ખાધેલું પચે નહિ-પણ વારંવાર ખાવાની ઈચ્છા વૃદ્ધાવસ્થામાં થાય છે. લૂલી બહુ પજવે છે.
તેલ-મરચાના ગરમ ગરમ પદાર્થ ખાય, ઉપર ઠંડું પાણી પીવે પછી ક્યાં જાય ? કફ વધે,રાત્રે ઉધરસ આવે, શ્વાસ માં ઘરડ-ઘરડ અવાજ થાય છે.
છોકરો કહે છે-કે બાપા તમને પચતું નથી.તો શું કામ વધારે ખાઓ છો? તમારી ઉધરસથી અમને ઊંઘ આવતી નથી.
તમારી પથારી બહાર કુતરાંની પાસે કરશું.
ડોસાની પથારી બહાર કુતરાની જોડેજોડે થાય તો પણ ડોસો સંતોષ માને છે.
છોકરાંઓ તિરસ્કાર કરે-પણ ડોસાની નફ્ફટ જેવી વૃત્તિ થાય છે-તે માને છે- અને કહે છે કે-
આ છોકરાં છે તો -તે-કહે છે-જેને છોકરાં નથી એને કોણ કહેવાનું હતું ?’
વૃદ્ધાવસ્થામાં શરીર દુર્બળ બને છે, રોગનું ઘર બને છે.શરીર સારું છે ત્યાં સુધી બાજી તમારાં હાથમાં છે. શરીર સારું છે ત્યાં સુધી પ્રભુને રાજી કરો તો બેડો પાર છે.
પથારીમાં ડોસો પડ્યો છે. અતિ પાપીને નરકનું દુઃખ પથારીમાં જ ભોગવવું પડે છે. પથારીમાં જ મળ-મૂત્ર થાય તે નરક જેવું જ દુઃખ છે. આવી પથારીમાં જ જયારે યમદૂત દેખાય છે, ત્યારે જીવ બહુ ગભરાય છે.
જે લોકો માટે પૈસાનું પાણી કર્યું હોય-તે-લોકો જ ડોસો જલ્દી મરે તેવી ઈચ્છા રાખતા હોય છે.
પોતાના થોડા કોઈ કદીક મને કંઈક આપશે તેવી ઇચ્છાથી સેવા કરે છે. બધાં સ્વાર્થના સગાં ભેગા થાય છે.
છોકરીઓ પણ લાલચુડી હોય છે,-મારા બાપાએ મારા માટે પંદર-વીસ તોલા જુદું રાખ્યું હશે. દોડતી દોડતી આવશે-બધા ડોસાને ઘેરીને બેઠા છે.
બાપા, મને ઓળખી ? બાપા હું તમારી મણી....પણ મણીબેનનું કંઈ અજવાળું પડતું નથી. એ ડોસો જવાની તૈયારી માં છે. તે બોલી શકતો નથી.
વાણીનો લય મનમાં થાય છે,મનનો લય પ્રાણમાં થાય છે. ત્યારે જીવાત્માના હૃદયમાં પ્રકાશ દેખાય છે.
તેના મનમાં જે વાસના હોય છે, તે પ્રમાણે તે પ્રકાશમાં ચિત્ર થાય છે. તે સંસ્કાર જાગે છે તે પ્રમાણે તેને નવો દેહ મળે છે.
જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમદુતો તેને કંઈ રડાવતા નથી. પણ ઘરની મમતા રડાવે છે.
ઘર છોડવું તેને ગમતું નથી-અને યમદુતો તેને ધક્કો મારે છે.
પત્ની-પુત્ર-પૈસા છોડવા તેને ગમતા નથી. યમદૂત તેને મારતા નથી-પણ-ઘરની મમતા તેને મારે છે.અને રડાવે છે.
જાણે છે-કે-હું જઈશ ત્યારે કોઈ સ્ત્રી,પુત્ર સાથે આવશે નહિ,મારે એકલાને જ જવું પડશે. છતાં વિવેક રહેતો નથી.
à અંતકાળમાં બે યમદૂતો આવે છે- પાપ પુરુષ અને પુણ્ય પુરુષ.
૧) પાપ પુરુષ કહે છે-તેં બહુ પાપ કર્યા છે-એમ કહી મારે છે.
2) પુણ્ય પુરુષ કહે છે તને પુણ્ય કરવાની તક આપી છતાં પણ તેં પુણ્ય- કેમ કર્યું નહિ ? ભક્તિ કરવાનો તને અવસર આપ્યો હતો-પણ ભક્તિ કેમ કરી નહિ? તેમ કરીને મારે છે.
આ જીવ મરે છે-ત્યારે અતિશય તરફડે છે.
યમદૂતોની ગતિ પગથી આંખ સુધી ની હોય છે.
બ્રહ્મરંઘ્ર (દશમ દ્વાર) માં જે પ્રાણ ને સ્થિર કરે છે,તેને યમદૂતો કંઈ કરી શકતા નથી.
શાસ્ત્ર માં એવું લખ્યું છે-કે-
દશમ દ્વાર થી જીવ અંદર આવે છે, અને જો તે દ્વારમાંથી જીવ બહાર નીકળે તો મુક્તિ-મળે છે.
અતિ પુણ્યશાળી હોય તો-તે જીવ- પ્રભુના દરબારમાં જાય છે.
  1. આંખમાંથી જીવ બહાર નીકળે તો તે-જીવ સ્વર્ગ-લોક માં જાય છે.
  2. મુખમાંથી જીવ બહાર નીકળે તો-તે જીવ મનુષ્ય યોનિમાં ફરીથી જાય છે.
  3. મુખથી નીચે અને નાભીથી ઉપરના ભાગમાંથી જીવ બહાર નીકળે-તો પશુ-પક્ષીની યોનિમાં જાય છે.
  4. નાભીથી નીચેના ભાગમાંથી જીવ બહાર નીકળે-તો પ્રેત-યોનિમાં જીવ જાય છે.

મર્યા પછી-પૂર્વજન્મ યાદ આવતો નથી. સ્થૂળ શરીરની અંદર સૂક્ષ્મ શરીર છે.અને તેની અંદર કારણ શરીર (વાસનાઓ) છે.
યમદૂતો જીવાત્માને સૂક્ષ્મ શરીર (અને કારણ શરીર-વાસનાઓ) સાથે યમપુરી માં લઇ જાય છે.
અતિપાપી માટે યમપુરીનો માર્ગ અતિ ભયંકર છે. રસ્તામાં એને ત્રણસો કુતરાં કરડવા આવે છે. ગરમ રેતી પર ચાલવું પડે છે.
ત્યારે એકલો-રડતો રડતો જીવ જાય છે. તેને કોઈ સાથ આપતું નથી.
આ પંથે માત્ર ધર્મ  (સ્વ-ધર્મ) જ સાથ આપે છે. ધર્મ જીવ ને ધીરજ આપે છે-કે હું તને બચાવીશ. (ધર્મ સાચો મિત્ર છે.)
ચિત્રગુપ્ત જીવાત્મા એ કરેલાં પાપ-પુણ્ય, જીવાત્માને યમદરબારમાં સંભળાવે છે.
ચિત્રગુપ્ત=ચિત્તની ગુપ્તવાતો જાણનાર. ચિત્તની ગુપ્ત વાતો જાણે તેને ચિત્રગુપ્ત કહે છે.
સાક્ષીમાં સૂર્યદેવ અને વાસુદેવ છે. દિવસના કરેલા પાપની સાક્ષી સૂર્યદેવ આપે છે. રાતના કરેલા પાપની સાક્ષી વાસુદેવ.(આત્મા-પરમાત્મા).
કેટલાંક બારણા બંધ કરીને પાપ કરે છે. મને કોઈ જોતું નથી. પણ તારો બાપ જે અંદર બેઠો છે-તે તો જુએ છે ને ?
પૃથ્વી,ચંદ્ર,સૂર્ય ....વગેરે ચૌદ સાક્ષીઓ છે. તે પરમાત્માના સેવકો છે. તે સાક્ષી આપે છે-અમે તેને પાપ કરતા નજરે જોયું છે.
પાપની જેમ પુણ્યની પણ સાક્ષી અપાય છે.
પછી જીવાત્માએ તે કબુલ- કરવું પડે છે. તે પછી પાપ-પુણ્ય પ્રમાણે જીવની ગતિ નક્કી થાય છે.
પાપ વધુ હોય તો-નરકની સજા થાય છે. પાપ-પુણ્ય સરખા હોય તો-તે ચંદ્રલોકમાં જાય છે. પુણ્ય હોય તો તે સ્વર્ગમાં જાય છે.
સ્વર્ગમાં પુણ્ય ભોગવીને પુણ્ય નો ક્ષય કરીને-પુણ્ય ખૂટી જાય-એટલે ફરી મનુષ્ય લોકમાં જન્મ લેવો પડે છે.
ચોર્યાસી લાખનું ચક્કર-કહે છે. જન્મ મરણનું દુઃખ જ્યાં સુધી છે-ત્યાં સુધી જીવને શાંતિ નથી.
જીવને શાંતિ ત્યારે થાય જયારે મનુષ્ય યોનિમાં તે પરમાત્માનો સાક્ષાત્કાર કરે........
મહાભારત ના શાંતિ-પર્વ માં એક કથા આવે છે.          
વૃંદાવનમાં એક મહાત્મા રહેતા હતા. એક વખત તે ધ્યાનમાં બેઠેલા હતા,ત્યારે એક ઉંદર આવી તેમની ગોદમાં ભરાયો.
ઉંદરની પાછળ બિલાડી પડી હતી. મહાત્માને દયા આવી. તેમણે ઉંદરને કહ્યું-તું મારી ગોદમાં છે. તને કોઈ મારી નહિ શકે.
તું જે માંગીશ તે હું તને આપીશ. બોલ તારે શું થવું છે ? તું કહે તે પ્રમાણે તને બનાવી દઉં......
(સાચાં સંતો-ઈશ્વરની સૃષ્ટિમાં કોઈ ફેરફાર કરતા નથી-જે કરવા જાય તે પાછળથી પસ્તાય છે.-આ તો માત્ર ઉદાહરણ છે)
ઉંદરની બુદ્ધિ કેટલી ? તેણે વિચાર્યું-આ બિલાડી બહુ સુખ ભોગવે છે. હું બિલાડી બની જાઉં તો-પછી તેની બીક રહે નહિ.
એટલે તેણે મહાત્માને કહ્યું મને બિલાડી બનાવી દો. મહાત્માએ કહ્યું-તથાસ્તુ....
એક દિવસ તે બિલાડીની પાછળ કૂતરો પડ્યો. બિલાડી રડતી રડતી મહાત્મા પાસે આવી-અને કહે-મને ખાતરી થઇ કે
બિલાડી થવા માં સુખ નથી. મને કૂતરો બનાવી દો....મહાત્માએ કહ્યું-તથાસ્તુ.....
થોડા દિવસ સુખ જેવું લાગ્યું.પણ એક દિવસ જંગલમાં કુતરાની પાછળ વાઘ પડ્યો. કુતરાએ વિચાર્યું-આના કરતા વાઘ થવું સારું.
એટલે ફરી રડતો રડતો મહાત્મા પાસે ગયો. અને કહે મને વાઘ બનાવી દો. મહાત્મા એ કહ્યું-તથાસ્તુ.....
વાઘ થયા પછી તેની બુદ્ધિ બગડી ગઈ. હિંસા કરતાં કરતાં તેની હિંસક વૃત્તિ જાગૃત થઇ ગઈ. તેણે વિચાર્યું-
આ મહાત્મા જો કોઈ દિવસ નારાજ થશે-તો પાછો મને ઉંદર બનાવી દેશે.માટે ચલ મહારાજને જ પતાવી દઉં. તો પછી કાયમનો વાઘ રહી શકીશ.
મહાત્મા કહે-અચ્છા, બેટા,તું મને ખાવા આવ્યો છે? તું ઉંદર હતો એ જ સારું હતું.
મહાત્મા એ તેને પાછો ઉંદર બનાવી દીધો.
જરા વિચાર કરો-
આ ઉંદર-બિલાડીની કથા નથી. આ આપણી જ કથા છે.
આ જીવ એક વખત ઉંદર હતો-એક વખત બિલાડી હતો.એક વખત કૂતરો કે પછી વાઘ હતો.
(માનવ- જીવન માં કદી કદી આ વિવિધ પશુઓની જેવું જ વર્તન કરે છે-તે બતાવે છે-કે તે એક વખત આવો પશુ હતો)
આ જીવની પાછળ કાળ પડ્યો છે. કાળ જીવને વારંવાર કચડે છે. અનેક યોનિઓમાં જીવ રખડતો રખડતો છેવટે તે-પ્રભુની ગોદમાં જાય છે.
પ્રભુ કૃપા કરી-જીવને મનુષ્ય બનાવ્યો. પવિત્ર વિચાર કરવા મન-બુદ્ધિ આપ્યાં. કે જેથી તે કાળ અને કામ પર વિજય મેળવી શકે. પ્રભુએ વિચાર્યું-તે કાળ પર વિજય મેળવી મારી શરણમાં આવશે.
પણ માનવ થાય પછી-કુસંસ્કાર અને કુસંગથી માનવ એવો બગડે છે (વાઘ બની જાય છે) કે જેણે તેને બનાવ્યો,તેને જ તે માનતો નથી. કહે છે-હું ઈશ્વર માં માનતો નથી,
ભગવાન તે વખતે વિચારે છે-કે બેટા તું ક્યાં જઈશ ? હું તને ફરીથી ઉંદર બનાવી દઈશ.
પરમાત્માએ માત્ર મનુષ્યને જ બુદ્ધિ (શક્તિ) આપી છે. પશુને પોતાના સ્વ-રૂપનું ભાન નથી. ત્રણ વર્ષ પછી તો તે ભૂલી જાય છે- કે આ મારી મા છે-કે આ મારો બાપ છે. જેણે પોતાના સ્વ-રૂપ નું ભાન નથી તે આત્મ-સ્વ-રૂપ ને ક્યાંથી જાણી શકે ?
આ મનુષ્ય જન્મ માં તેની પાસે બુદ્ધિ હોવાથી- જો-તે-ઈશ્વરને ઓળખવાનો-ઈશ્વરનો સાક્ષાત્કાર કરવાનો પ્રયત્ન ના કરે-તો- ચોર્યાસી લાખના ચક્કરમાં તે ફરે છે. તે ફરી ફરી સંસારમાં રખડે છે.

જન્મ-મરણનું દુઃખ તે ભોગવે છે. અને આ દુઃખ છે ત્યાં સુધી તે જીવને શાંતિ પ્રાપ્ત થતી નથી.

No comments: