શ્રીમદ્ભાગવત સ્કંધ – 1 (Page 25)
શંકરાચાર્ય દુઃખ થી બોલ્યા છે-કે-મનુષ્ય
મરવાનું છે-તે જાણે છે,એક દિવસ આ બધું છોડી ને જવાનું છે –તે જાણે છે-તેમ
છતાં –પાપ કેમ કરે છે ?તેનું મને આશ્ચર્ય થાય છે.
(મહાભારતમાં
પણ યક્ષનો પ્રશ્ન-દુનિયાનું સહુથી મોટું
આશ્ચર્ય કયું? ના જવાબ માં યુધિષ્ઠિર- કાંઇક આવો જ જવાબ આપે છે-કે
સ્મશાનમાં સ્વજનને બાળીને –ઘેર આવી પાછો માનવ –પોતે તો-મરવાનો
જ નથી-તેમ સમજી-એ-જ
સંસારમાં જોતરાઈ જાય છે)
પરીક્ષિત જેવા-સંત
જેવા- થયા-કે શુકદેવજી પધાર્યા છે. શુકદેવજી ને આમંત્રણ આપવું પડ્યું નથી. અરે,શુકદેવજી
–કોઈ આમત્રણ આપે તો ય આવે
તેવા નથી. રાજા નો જીવન પલટો થયો-એટલે-કે
રાજા મટી રાજર્ષિ બન્યા એટલે આ બ્રહ્મર્ષિ આવ્યા છે.
રાજા મહેલ માં વિલાસી જીવન ગાળતા હતા ત્યાં
સુધી –તે ના આવ્યા. આમેય જો રાજા-રાજા
હતા ત્યારે –શુકદેવજી કથા કરવા ગયા હોત તો-રાજા કહેત-કે
તમે આવ્યા તે સારું થયું-પણ મને કથા સાંભળવાની ફુરસદ નથી-એકાદ કલાક કથા કરો ને વિદાય થાઓ.
આ વિલાસી લોકો ને કથા સાંભળવાની ઈચ્છા થતી નથી. આ માયા બંને રીતે મારે છે.
ધંધો સારી રીતે ચાલે-તો પણ શાંતિ નથી. સો-સો ની નોટો દેખાય-એટલે ભુખ પણ લાગતી નથી.
ધંધો-ના
ચાલે તો પણ શાંતિ નહિ. ભાવ વધે તો પણ શાંતિ નહિ-ભાવ ઘટે તો પણ શાંતિ નહિ.
જીવ નો સ્વભાવ જ એવો છે કે-જે મળ્યું છે તે ગમતું નથી. જે મળ્યું નથી તે ગમે છે. જીવ ને પ્રાપ્ત સ્થિતિ માં
સંતોષ થતો નથી.
પ્રથમ સ્કંધ અધિકાર લીલા નો છે. વક્તા
અને શ્રોતા નો-અધિકારી
કોણ ? પ્રથમ સ્કંધ માં ત્રણ પ્રકરણ
છે.
ઉત્તમાધિકાર-મધ્યમાધિકાર-કનિષ્ઠાધિકાર.
પરીક્ષિત
અને શુકદેવજી –ઉત્તમ –શ્રોતા-વક્તા.
નારદ
અને વ્યાસ—મધ્યમ –શ્રોતા-વક્તા.
સૂત
અને શૌનક-કનિષ્ઠ –શ્રોતા –વક્તા
શુકદેવજી
ની કક્ષા નો વિચાર કરતાં-સૂતજી કનિષ્ઠ
વક્તા છે-પણ આપણા કરતાં
તો તે મહાન છે.(સૂતજી ના ભાષણ
માં –બે ત્રણ
જગા
એ તેમનું અભિમાન દેખાય છે-માટે તેમને
ઉતરતા શ્રેણી ના વક્તા ગણ્યા છે)
વ્યાસ
જી માં જ્ઞાન-ભક્તિ છે-પણ શુકદેવજી ના પ્રમાણ માં-વૈરાગ્ય ઓછો છે-શુકદેવજી પરિપૂર્ણ છે.
વ્યાસજી
–એ –સમાજ સુધારક સંત છે. જે સંત ને સમાજ સુધરે તેવી ભાવના છે-તેને સમાજ નુ થોડું ચિંતન કરવું પડે છે.
ભક્તિ
માં –આ-વિઘ્ન કરે છે.
વ્યાસજી
–બધાં પરમાત્મા
ને શરણે જાય-બધાં સુખી થાય
એવી ભાવનાથી કથા કરે છે. એટલે તેમને
મધ્યમ વક્તા કહ્યા છે.
શુકદેવજી
ની કથા થી ઘણાં ના જીવન સુધરે છે. પણ શુકદેવજી માનતા નથી કે હું કોઈનું જીવન સુધારું છુ. શુકદેવજી ને કથા કરતી
વખતે
ખબરેય નથી કે સામે કથા માં કોણ બેઠું છે. જ્ઞાન-ભક્તિ-વૈરાગ્ય થી પરિપૂર્ણ –બ્રહ્મ જ્ઞાની અને બ્રહ્મ દૃષ્ટિ વાળા શુકદેવજી ને
ઉત્તમ
વક્તા કહ્યા છે.
સમષ્ટિ
(જગત) હવે સુધરે-તેમ લાગતું નથી. હા-કદાચ વ્યક્તિ સુધરી શકે. વિષય વાસના થી જેનું મન ભરેલું છે-તે સમાજ ને સુધારી
શકે
નહિ. આપણા જેવા
સામાન્ય મનુષ્યો-સમાજ ને સુધારી
શકે નહિ.(કોઈ પ્રચંડ
વ્યક્તિત્વ –ક્યારેક આવી જાય-તો તે સુધારે)
આજકાલ
–લોકો ને સમાજ
સુધારવાની બહુ ઈચ્છા થાય છે-કહે-છે-કે-અમે બીજા ને લાભ
આપીએ છીએ.
અરે-ભાઈ-તું તારું જ
સુધારને-તારી જાત ને જ
લાભ કર ને- ઘરનાં
લોકો ને સુધારી શક્યો નહિ-તે સમાજ શું સુધારી શકવાનો ?
મનુષ્ય
પોતાના મન ને સુધારે-પોતાની આંખને
સુધારે -ઘરનાં લોકો ને
સુધારે તો
પણ ઘણું છે.---
વળી-સમાજ ને સુધારવાની ઈચ્છા-અનેકવાર-પ્રભુ ભજન-પ્રભુ મિલન મા બાધક થાય છે. બીજા ને સુધારવાની ભાવના –પ્રભુ મિલન માં
વિઘ્ન
કરે છે.માટે
બીજાને સુધારવાની ભાંજગડ માં પડવા જેવું નથી.
તમે
તમારુ સુધારજો-સમાજ
ને સુધારવા –પરમાત્મા
સંત ને મોકલી આપે છે.
બોલવામાં-(શબ્દ
માં) –ત્યાગ વગર –શક્તિ-(અસરકારકતા) આવતી નથી.
કહેણી અને કરણી એક ના
હોય ત્યાં સુધી-વાણી
અને વર્તન એક ના હોય ત્યાં સુધી –શબ્દ
માં શક્તિ આવતી નથી.
રામદાસ સ્વામી એ કહ્યું છે કે-મેં કર્યું છે-મેં
અનુભવ્યું છે-અને પછી હું તમને કહું છુ.
વાણી અને વર્તન એક હોય-તે ઉત્તમ વક્તા છે. શુકદેવજી જે બોલ્યા
છે-તે
જીવન મા ઉતારી ને બોલ્યા છે. આવી વ્યક્તિ વંદનીય
છે.
એક વખત-એકનાથ
મહારાજ પાસે એક બાઈ તેનો પુત્ર લઇ ને આવી-અને
મહારાજ ને કહે છે કે-
“મહારાજ-આ મારા પુત્ર ને મોસાળ માં જઈ ને આવ્યા પછી-ગોળ ખાવાની બહુ ટેવ પડી ગઈ છે. હું ગરીબ ઘરની છું. રોજ ગોળ ક્યાંથી લાવું ? તે બહુ હઠ કરે છે. ગોળ ખાવાનું છોડતો નથી. તે ગોળ ખાવાનું છોડી દે તેવો આશીર્વાદ આપો.”
સંતો પાસે શું માગવું તેનો પણ ઘણાને વિવેક હોતો
નથી. આ બાઈએ સંત પાસે એમ ના
માગ્યું –કે મારો દીકરો તમારા જેવો ભગવદ
ભક્ત થાય !! ઘણાં સંત પાસે જઈ કહે છે-કે મારી ભેંસ દૂધ નથી આપતી-તો તે દૂધ આપે તેવા આશીર્વાદ આપો !!!
એકનાથ મહારાજે વિચાર્યું-“હું જ ગોળ ખાઉં છું-મારો આશીર્વાદ ફળશે નહિ.” મહારાજે બાઈ ને કહ્યું કે “થોડા દિવસ પછી-તમારા
પુત્રને
લઇ ને પાછા આવજો-તે
વખતે હું તેને આશીર્વાદ આપીશ –આજે નહિ”
તેઓએ ગોળ ખાવાનું ત્યારથી છોડ્યું.જીવન ના અંત સુધી –ગોળ નહિ ખાવાની પ્રતિજ્ઞા કરી.
થોડા દિવસ પછી બાઈ પોતાન પુત્ર ને લઈને આવી. મહારાજે તે વખતે બાળક ને આશીર્વાદ આપ્યો-
“બેટા,બહુ ગોળ ખાવો સારો નહિ.તું ગોળ ખાવાનો છોડી દેજે” પેલી બાઈ ને આશ્ચર્ય થયું-કે આટલી વાત કહેવા મહારાજે –સાત દિવસ
લીધા ? તેણે
મહારાજને પૂછ્યું-“હું પહેલી વખત આવી ત્યારે
કેમ આશીર્વાદ ના આપ્યા ?”
મહારાજે કહ્યું-“મા- હું પોતે જ –તે
વખતે ગોળ ખાતો હતો એટલે મારાથી તેવો આશીર્વાદ કેમ આપી શકાય ? મેં હવે ગોળ ખાવાનો છોડી દીધો છે.એટલે હવે મારો આશીર્વાદ ફળશે” અને સાચે જ મહારાજ નો આશીર્વાદ ફળ્યો.
ત્યાગથી અલૌકિક શક્તિ
આવે છે.
વિષય આપણને છોડીને જાય તો દુઃખ થાય છે. પણ
આપણે જાતે-સમજીને
–વિષયોને
છોડીએ- તો
આનંદ આવે છે.
જ્ઞાન ,ભક્તિ અને વૈરાગ્ય –જેના મા પરિપૂર્ણ હોય તે-જ-પ્રભુ નાં દર્શન કરી શકે
અને બીજા ને કરાવી શકે.
શુકદેવજી માં આ ત્રણે
પરિપૂર્ણ છે, તેથી-જ-પરીક્ષિત ને સાત દિવસ મા
પ્રભુ નાં દર્શન કરાવ્યા છે.
સમાજ નુ આકર્ષણ કરવું તે તો એક કળા છે. હજારો શ્રોતાઓ –કથા
સાંભળવા આવે –તેથી-કોઈ ઉત્તમ વક્તા બની જતાં નથી.
વક્તા માં શુકદેવજી જેવો –પૂર્ણ વૈરાગ્ય હોવો જરૂરી
છે.
મહાપ્રભુજીએ કહ્યું છે-કે-ભાગવત
માં સમાધિ-ભાષા મુખ્ય છે. ઈશ્વરના ધ્યાન માં જેને થોડો
પણ આનંદ આવે-તેને –ભાગવતનો અર્થ જલ્દી સમજાય છે.
વ્યાસજી એક -એક
એક લીલાના પ્રત્યક્ષ દર્શન કર્યા છે. અંતર્દૃષ્ટિથી
આ બધું જોયું છે.
ભગવાનનું સ્વરૂપ અલૌકિક છે. આપણી આંખો લૌકિક છે. લૌકિક આંખો –અલૌકિક ઈશ્વરને જોઈ શકે નહિ.
બહારની આંખ બંધ કર્યા પછી-અંતરની આંખ ખુલે-ત્યારે –પરમાત્માના દર્શન થાય છે.
(ગીતામાં
પણ ભગવાન અર્જુનને કહે છે કે-મારું સ્વરૂપ તું આ સ્થૂળ
ચક્ષુથી જોઈ શકીશ નહિ,માટે હું તને દિવ્ય ચક્ષુ- દિવ્ય દૃષ્ટિ-આપું
છુ.તેના વડે તું મારું અવિનાશી,વિશ્વરૂપ,વિરાટ
રૂપને જો --ગીતા-૧૧-૮)
વ્યાસજીએ અઢાર હજાર શ્લોકોનો –આ ભાગવત ગ્રંથ બનાવ્યો. પછી તે વિચારતા હતા કે-“હવે તેનો પ્રચાર કોણ કરશે ?
આ ગ્રંથમાં મેં બધું ભરી દીધું છે,આ પ્રેમ શાસ્ત્ર છે. માયા સાથે,સંસાર
સાથે,પ્રેમ કરનારો આ ભાગવત
શાસ્ત્ર નો પ્રચાર કરી શકશે નહિ.
જન્મથી જ જેને માયાનો સંસર્ગ થયો હોય નહિ-એ જ
આ ગ્રંથ નો પ્રચાર કરી શકશે.”
બહુ વિચારને અંતે તેમને લાગ્યું કે-આવો લાયક તો મારો પુત્ર શુકદેવ જ છે.
શુકદેવજી જન્મથી જ નિર્વિકાર છે, અપ્સરા રંભા પણ શુકદેવજીને ચલિત કરી શકી નથી.
“નારીઓમાં
તો રંભા જ” એમ જે કહેવાય છે-તેવી રંભા –શુકદેવજી
ને ચળાવવા આવી છે.
શુકદેવજી ને કહે છે કે-તમારુ જીવન વૃથા છે.
શુકદેવજી ઉત્તર આપે છે.-વિષય ભોગો- નહિ
ભોગવનારનું જીવન -વૃથા નથી-પણ સાંભળો –દેવી-કે કોનું જીવન વૃથા છે.
“નીલકમલની
સમાન સુંદર જેના નેત્રો છે,જેના આકર્ષક અંગો પર કેયુર
હાર-આદિ અલંકારો શોભી રહ્યાં છે.
એવા સર્વાન્તર્યામી નારાયણ પ્રભુના ચરણ કમળોમાં
જેણે-ભક્તિપૂર્વક પોતાની જાત ને
અર્પણ કરી-આ આવાગમન ના ચક્ર ને
મિટાવ્યું નહિ-એવા મનુષ્ય દેહનું ધારણ
કરવું વ્યર્થ છે-એવા મનુષ્યનું જીવન વૃથા
ગયું છે એમ માનવું”
“જેના
વક્ષ સ્થળ ઉપર-લક્ષ્મીજી શોભાયમાન છે-જેની ધ્વજા માં ગરુડજી વિરાજેલા છે,જે સુદર્શન ચક્રધારી છે. એવા પરમાત્મા – મુકુન્દ
ભગવાનનું જેણે ક્ષણ વાર પણ સ્મરણ કર્યું નથી-એવા
મનુષ્યનું જીવન વૃથા ગયું છે એમ માનવું”
રંભાએ જયારે સ્ત્રી-શરીરના બહુ વખાણ કર્યા ત્યારે-
શુકદેવજીએ રંભા ને કહ્યું-
“સ્ત્રીનું
શરીર આટલું સુગંધમય-સુંદર હોઈ શકે છે –તે આજે જ જાણ્યું. મને ખબર નહોતી. પણ
હવે પરમાત્માની પ્રેરણાથી જન્મ લેવાનો થાય- તો
તારા જેવી માં શોધી કાઢીશ.”
શુકદેવજી જન્મથી જ નિર્વિકાર છે-જે પુત્રે –જન્મતાં
જ પિતાને કહ્યું-કે-તમે મારા પિતા નથી-અને હું તમારો પુત્ર નથી.
આવા શુકદેવજી -ઘેર
આવે કેવી રીતે ?
શુકદેવજી જન્મસિદ્ધ યોગી છે. જન્મ થયો કે તરત જ તપશ્ચર્યા માટે વન પ્રતિ
પ્રયાણ કર્યું. તે સદા બ્રહ્મ-ચિંતન મા મગ્ન રહે છે.
તેમને વનમાંથી બોલાવવા કેવી રીતે ?-વ્યાસજી વિચારે છે-કે-તેઓ
ઘેર આવે તો –ભાગવતશાસ્ત્ર તેમને ભણાવું-અને પછી તે- ભાગવત
નો પ્રચાર કરી શકે.
વ્યાસજી વિચારે છે કે-શ્રીકૃષ્ણનું સ્વરૂપ અદભૂત છે.તે સ્વરૂપે યોગીઓના ચિત્તને પણ આકર્ષ્યા છે-તે કનૈયો-શુકદેવજી
જેવા યોગીને શું નહિ આકર્ષે?
શુકદેવજી નિર્ગુણ બ્રહ્મના
ચિંતનમાં લીન છે. તેમાંથી તેમનું ચિત્ત હટાવવા-અને સગુણ બ્રહ્મ તરફ વાળવા- કૃષ્ણ-લીલાના
શ્લોકો તેમને સંભળાવવા જોઈએ.
આ શ્લોકો ની જાદુઈ અસર ની વ્યાસજી ને ખાતરી થઇ
હતી.
વ્યાસજી ના શિષ્યો જંગલ માં-દર્ભ સમિધ લેવા જાય ત્યારે –તેમને જંગલના હિંસક પશુઓની બીક લાગતી હતી.
આથી વ્યાસજીએ તે શિષ્યોને કહ્યું-કે જયારે બીક લાગે ત્યારે-તમે ભાગવતના શ્લોકો બોલજો. શ્રીકૃષ્ણ તમારી સાથે છે-એવો વિચાર કરજો.
એના પછી-જયારે
ઋષિકુમારો વનમાં જાય ત્યારે –બર્હાંપીડમ-વગેરે શ્લોકો બોલે-ત્યારે હિંસક પશુઓ પોતાના વેર ભૂલી જઈને શાંત
બનતા હતા.
વ્યાસજી વિચારે છે-કે-જે
મંત્રોથી –પશુઓનું આકર્ષણ થયું-તે મંત્રોથી શુકદેવજીનું આકર્ષણ શું નહિ થાય ?
વ્યાસજી એ યુક્તિ કરી-શિષ્યોને કહ્યું-શુકદેવજી
જે વનમાં સમાધિમાં બેસી રહે છે ત્યાં તમે જાઓ અને તેઓ સાંભળે તેમ – આ બે શ્લોકોનું તમે ગાન કરો.-તેમને આ શ્લોકો સંભળાવો.
શિષ્યો-આજ્ઞા
મુજબ –તે વનમાં ગયા. શુકદેવજી સ્નાન-સંધ્યા
કરી-સમાધિમાં બેસવાની તૈયારીમાં
હતા. જો સમાધિમાં બેસી જાય- અને સમાધિ લાગી જાય-તો શ્લોક તેઓ સાંભળી શકે નહિ. –એટલે શિષ્યો તરત જ બોલે છે.-
“શ્રીકૃષ્ણ
ગોપ બાળકો સાથે વૃંદાવન માં પ્રવેશ કરી રહ્યાં છે.તેમણે
મસ્તક પર મોર-મુગુટ શરણ કર્યો છે. અને કાન પર કરેણ ના પીળા પુષ્પો. શરીર પર પીળું પીતાંબર અને ગળામાં પાંચ-પ્રકારના સુગંધિત પુષ્પોની બનાવેલી-વૈજ્યંતિ માળા પહેરી છે.
રંગ મંચ પર અભિનય કરતાં નટ કરતાં પણ શ્રેષ્ઠ એવો સુંદર વેષ છે!! વાંસળીના છિદ્રોને પોતાના અધરામૃત થી ભરી
રહ્યાં છે.
એમની પાછળ પાછળ-ગોપ
બાળકો તેમની કીર્તિનું ગાન કરી રહ્યાં છે. આ
પ્રમાણે વૈકુંઠથી પણ શ્રેષ્ઠ –આ વૃંદાવન ધામ-એમનાં ચરણ ચિહ્નોથી વધારે રમણીય
બન્યું છે” (ભાગવત-૧૦-૨૧-૫-વેણુગીત) (આ શ્લોકમાં શ્રીકૃષ્ણની સ્વરૂપ-સુંદરતા બતાવી છે)
શુકદેવજીનું હૃદય ગંગા જળ જેવું શુદ્ધ છે. જળ સ્થિર અને સ્વચ્છ હોય તો તેમાં શુદ્ધ
પ્રતિબિંબ પડે છે.
શુકદેવજીનાં કાને -ઉપરનો શ્લોક સંભળાય છે-શ્રીકૃષ્ણનું મનોહર સ્વરૂપ હૃદયમાં દેખાય છે.
શ્લોક બોલે છે-ઋષિકુમાર
અને તેનું સ્વરૂપ દેખાય છે-શુકદેવજીનાં હૃદયમાં. શુકદેવજીને ધ્યાનમાં અતિ આનંદ આવે છે.
લાલાજી ની વાંસળીના સુર કાનમાં સંભળાય છે. લાલાજીની વાંસળી જેણે સંભળાણી –તે કાયમ નો લાલાજીનો થઇ જાય છે.
કનૈયો-શસ્ત્રથી કોઈને ઘાયલ કરતો નથી. (મોરલીથી ઘાયલ કરે છે)
શુકદેવજીએ તરત જ નિશ્ચય કર્યો-હવે નિરાકાર બ્રહ્મનું ચિંતન નહિ કરું પણ સાકાર
શ્રીકૃષ્ણનું ચિંતન કરીશ.
પણ તરત પાછો-વિચાર
થયો-હું દેહમાં છું-પણ દેહથી વિદેહ છુ. મારા જેવા સન્યાસી માટે-શ્રીકૃષ્ણનું ધ્યાન યોગ્ય નથી.
મારા માટે તો નિરાકાર બ્રહ્મનુ ધ્યાન જ ઉત્તમ
છે. સગુણ બ્રહ્મની સેવામાં –સર્વ વસ્તુની અપેક્ષા રહે છે.
લાલાજી માખણ મીસરી માગશે તો તે હું ક્યાંથી
લાવીશ ? મારી પાસે તો કાંઇ નથી.મેં તો લંગોટી નો પણ ત્યાગ કર્યો છે.
શુકદેવજી નાં મનમાં દ્વિધા
ઉત્પન્ન થઇ છે. નિરાકારનું કે સગુણ બ્રહ્મ –કોનું ધ્યાન કરું ?!!
શુકદેવજીને શ્રીકૃષ્ણનુ આકર્ષણ થયું-પણ સગુણ-કે
નિરાકાર –આ બેમાંથી કોનું ધ્યાન કરું ? તેવી દ્વિધા પણ થઇ.
ત્યાં જ-વ્યાસજી
નાં શિષ્યો-બીજો શ્લોક બોલ્યા-(આ શ્લોક માં શ્રીકૃષ્ણ ની સ્વભાવ સુંદરતા
બતાવી છે)
“અહો! આશ્ચર્ય છે કે-દુષ્ટ
પુતના એ સ્તન માં ભરેલું ઝેર –જેમને મારવાની ઈચ્છા થી જ
ધવડાવ્યું હતું. તે પૂતનાને તેમણે એવી ગતિ
આપી-કે જે ધાઈને મળવી જોઈએ.(એટલેકે એને સદગતિ આપી) .એ ભગવાન શ્રીકૃષ્ણ સિવાય આવો કોણ બીજો દયાળુ છે-કે- જેનું
–અમે-શરણ ગ્રહણ કરીએ ?”
શુકદેવજીનાં મનમાં શંકા હતી કે કનૈયો બધું
માગશે તો હું શું આપીશ ? તેનું નિવારણ થયું.
તે આમ તેમ જોવા લાગ્યા.આ શ્લોક કોણ બોલે છે ? ત્યાં તેમણે વ્યાસજીનાં શિષ્યોનાં દર્શન થયા. શિષ્યો ને તેમણે પુછ્યું – “તમે
કોણ છો ?તમે બોલેલા શ્લોકો કોણે
રચેલા છે ?”
શિષ્યો એ કહ્યું-અમે
વ્યાસજીનાં શિષ્યો છીએ.તેમણે અમને આ મંત્રો આપ્યા
છે. આ બે શ્લોકો તો નમુનાનાં છે. વ્યાસજીએ આવા અઢાર હજાર - શ્લોકોમય- ભાગવત
પુરાણની રચના કરી છે.
શુકદેવજીને ભાગવત શાસ્ત્ર ભણવાની ઈચ્છા થઇ છે. કનૈયાની લીલા સાંભળી-તેમનું ચિત્ત આકર્ષાયું. યોગીઓના મન પણ આ કૃષ્ણ કથાથી આકર્ષાય છે. નિર્ગુણ બ્રહ્મનાં ઉપાસક –આજે સગુણ બ્રહ્મ ની પાછળ પાગલ બન્યા છે.
બાર વર્ષ પછી-શુકદેવજી
વ્યસાશ્રમમાં દોડતા દોડતા આવ્યા છે. અને
વ્યાસજીને સાષ્ટાંગ પ્રણામ કર્યા છે. વ્યાસજીએ
પુત્રને છાતી સરસો ચાંપ્યો છે. શુકદેવજીએ કહ્યું-પિતાજી આ શ્લોકો મને ભણાવો.
શુકદેવજી કથા સાંભળે છે.કૃતાર્થ થયા છે. વ્યાસજીએ
શુકદેવજીને ભાગવત ભણાવ્યું.
અને આ પ્રમાણે –ભાગવતનો
પ્રચાર કેવી રીતે કરવો ? –તે વ્યાસજીની ચિંતાનો અંત
આવ્યો છે.
આ ગ્રંથ નાં ખરા અધિકારી –આત્મારામ -છે. કારણ
શ્રીકૃષ્ણ સર્વનાં આત્મારૂપ છે.
વિષયારામ –ને- આ ગ્રંથ સાંભળવાની ઈચ્છા થતી નથી.
સૂતજી કહે છે કે-શૌનક્જી
–આશ્ચર્ય ન કરો.ભગવાનનાં ગુણો એવા મધુર છે કે સર્વને પોતાની
તરફ ખેંચી લે છે.તો પછી શુકદેવજીનુ મન –તે- આકર્ષે
–તેમાં શું નવાઈ ?
જેઓ જ્ઞાની છે,જેની
અવિદ્યાની ગાંઠ છૂટી ગઈ છે,અને જેઓ સદા આત્મ રમણ માં
લીન છે-તેઓ પણ ભગવાનની હેતુ રહિત- ભક્તિ કર્યા કરે છે. સ્વર્ગનુ અમૃત શુકદેવજી જેવાને ગમતું નથી, પણ તે નામામૃત-કથામૃત
ને છોડતા નથી.
પ્રાણાયામ કર્યા પછી કે આંખ
બંધ કર્યા પછી પણ ઘણી વખત જગત ભૂલાતું નથી. પણ કૃષ્ણ
કથા અનાયાસે જ જગતની વિસ્મૃતિ કરાવે છે.
ભગવાનની કથામૃતનુ પાન કરતાં ભુખ અને તરસ પણ
ભુલાય છે.તેથી તો-
દસમ સ્કંધ નાં પહેલાં અધ્યાય માં પરીક્ષિત કહે
છે-કે-પહેલાં મને ભુખ-તરસ
લાગતા હતા-પણ ભગવાન ની કથામૃત નુ પાન કરતાં
હવે મારા ભુખ-તરસ અદૃશ્ય થયાં છે.
“મેં
પાણી પણ છોડ્યું છે-છતાં હું આપના મુખ કમળ માંથી
નીકળતું –શ્રી હરિનામ રૂપી-અમૃતનું પાન કરી રહ્યો છુ. તેથી અતિ દુસહ ક્ષુધા પણ મને પીડા કરતી નથી.”
No comments:
Post a Comment