શ્રીમદ્ભાગવત સ્કંધ – 8 (Page 56)
શ્રીમદ્ભાગવત સ્કંધ –૮
આ આઠમાં સ્કંધ માં વાસના ના વિનાશ કરવા માટે ચાર ઉપાયો બતાવ્યા છે
--સતત હરિસ્મરણ. .હૃદયમાં હંમેશ રામ હોય ત્યાં કામ (વાસના) આવી શકે નહિ.
--પોતાની પાસે જે ધન-મિલકત વગેરે જે બધું જ છે-તે ઈશ્વરનું છે-તેમ માનો.
જીવ લક્ષ્મી નો માલિક થઇ શકે નહિ. લક્ષ્મી નો માલિક એક માત્ર ઈશ્વર છે.
જીવ એ લક્ષ્મી નો દીકરો છે. બાળક થવામાં જે મજા છે-તે ધણી થવામાં નથી.
--વિપત્તિ માં પણ પોતાના વચન નું પાલન કરો. બલિરાજાની જેમ.
બલિરાજાએ સર્વસ્વ નું દાન વચન માટે કર્યું છે.
--શરણા ગતિ-ઈશ્વરની શરણા ગતિ લેવા થી અહમ મરે છે. અને ઈશ્વર માં તન્મયતા આવે છે.
આઠમાં સ્કંધને મન્વંતરલીલા પણ કહે છે.
શુકદેવજી વર્ણન કરે છે-રાજન પ્રત્યેક મન્વંતર માં પ્રભુનો જન્મ થાય છે. પ્રભુ એક વિશિષ્ઠ અવતાર લે છે.
આ કલ્પ માં છ મન્વંતર થયા.
પહેલા માં- સ્વાયંભુવ મનુ ની કથા મેં તને કહી.તેમની પુત્રી આકુતિ-દેવહુતિ ના ચરિત્રો તને કહ્યા
બીજા માં -સ્વાયંભુવ મનુ તપશ્ચર્યા કરવા વન માં ગયા ત્યારે “યજ્ઞ-ભગવાને” તેમનું રાક્ષસો થી રક્ષણ કર્યું.
ત્રીજામાં –“ઉત્તમ “ મનુ થયેલાં અને પ્રભુએ “સત્યસેન” ને નામે અવતાર લીધેલો.
ચોથામાં –“હરિ” નામ નો અવતાર થયેલો અને તેમણે ગજેન્દ્રની ગ્રાહથી રક્ષા કરેલી.
પરીક્ષિત રાજા કહે છે- કે ગજેન્દ્ર મોક્ષ ની કથા સંભળાવો.
(અધ્યાય-૨ થી અધ્યાય-૪ –સુધી ગજેન્દ્ર મોક્ષની કથા છે)
શુકદેવજી રાજર્ષિ ને કહે છે-ત્રિકૂટ પર્વત પર એક બળવાન હાથી અનેક હાથણીઓ અને બચ્ચાં સાથે રહેતો હતો. ઉનાળાની બહુ ગરમી માં તે એક સરોવરમાં પરિવાર સાથે એક સરોવરમાં જલક્રીડા કરવા ગયો. હાથી જળક્રીડામાં તન્મય છે એમ જાણી મગર આવી હાથીનો પગ પકડે છે. મગરની પકડમાંથી છુટવા હાથી એ ઘણા પ્રયત્નો કર્યા. હાથી સ્થળચર છે અને મગર જળચર છે. હાથી જળમાં દુર્બળ બને છે. મગર હાથીને છોડતો નથી.
આ કથાનું રહસ્ય એવું છે-કે-
સંસાર એ સરોવર છે. આ સરોવરમાં જીવાત્મા સ્ત્રી અને બાળકો સાથે ક્રીડા કરે છે,જે સંસારમાં જીવ રમે છે-
તે સંસારમાં તેનો કાળ (સમય) નક્કી હોય છે.મનુષ્ય કાળ ને જોતો નથી પણ કાળ સાવધાન થઇ બેઠો છે. તે સતત જુએ છે. અને જ્યારે મનુષ્ય ગાફેલ બને છે- એવો તરત તેને પકડે છે.
સંસારને સરોવર અને કાળને મગર એમ બે ઉપમા આપી છે.
જે કામનો માર ખાય છે તેને કાળનો માર ખાવો જ પડે છે.
મનુષ્ય કહે કે હું કામ ને ભોગવું છું પણ તે વાત ખોટી છે, કામ મનુષ્ય ને ભોગવી તેની શક્તિ ક્ષીણ કરે છે.
મગરે હાથી નો પગ પકડ્યો છે-તેજ રીતે કાળ આવે ત્યારે પગને પહેલાં પકડે છે-પગની શક્તિ એકદમ ઓછી થાય એટલે સમજવું કે કાળ સમીપમાં છે. પરંતુ ગભરાયા વગર ઈશ્વર સ્મરણમાં લાગી જવું – કારણ કે કાળ જયારે પકડે ત્યારે- કાળની પકડમાંથી સ્ત્રી-પુત્ર કોઈ છોડાવી શકશે નહિ, કે કોઈ પ્રયત્ન કામ લાગશે નહિ.
કાળના મુખમાંથી –મગરના મુખમાંથી એકમાત્ર એક માત્ર શ્રી હરિનું સુદર્શન ચક્ર છોડાવી શકે છે.
જ્ઞાન ચક્ર મળે તો આ મગર (કાળ) મરે છે.
હાથી ને મગર થી બચાવવા હાથણીઓએ અને બચ્ચાંઓએ ઘણો પ્રયત્ન કર્યો પણ કોઈ કામ લાગ્યો નહિ.
મગર હાથી ને ઊંડે ને ઊંડે લઇ જવા લાગ્યો.
આ હવે મરશે-જ એમ માનીને સર્વે જણ તેને છોડી ને નાસી ગયાં.
ગજેન્દ્ર હવે એકલો પડ્યો. એકલા પડે એટલે જ્ઞાન જાગ્રત થાય છે. જીવ નિર્બળ બને એટલે-તે ઈશ્વરને શરણે જાય છે.ગજેન્દ્ર નિરાધાર થયો-તેને ખાતરી થઇ કે હવે કોઈ મારું નથી-એટલે ઈશ્વરને પોકાર પાડે છે.
ડોસો માંદો પડે છે. અને જો થોડા દિવસ વધારે માંદો રહે તો ઘરનાં સર્વ ઈચ્છશે કે હવે –આ મરી જાય તો સારું. ઘરનાં લોકો ને બહુ સેવા કરવી પડે એટલે કંટાળે છે. જેને માટે આખી જિંદગી ડોસાએ પૈસાનું પાણી કર્યું છે-તે જ લોકો ઇચ્છે છે કે હવે આ છૂટી જાય તો સારું. દીકરો નોકરી માંથી રજા લઈને ઘેર આવ્યો હોય અને માંદગી લંબાય તો કહેશે-કે- રજા પૂરી થાય છે-એટલે હું જાઉં છું,બાપા ને કંઈક થાય તો ખબર આપજો.
જીવ મૃત્યુ પથારીમાં એકલો છે-ત્યારે ગજેન્દ્ર જેવી દશા થાય છે. અંતકાળે જીવને જ્ઞાન થાય છે પણ તે જ્ઞાન કામમાં આવતું નથી. તે વખતે શરીર એટલું બગડેલું હોય છે-કે કંઈ થઇ શકતું નથી. મનુષ્ય ગભરાય છે. “મેં કોઈ તૈયારી
કરી નથી. મારું શું થશે ?”
જ્યાં ગયા પછી પાછું આવવાનું છે-તેવી મુસાફરી ની મનુષ્ય પારાવાર તૈયારી કરે છે-
જ્યાં ગયા પછી પાછું આવવાનું છે-તેવી મુસાફરી ની મનુષ્ય પારાવાર તૈયારી કરે છે-
પણ જ્યાં ગયા પછી પાછા આવવાનું નથી તેવી મોટી મુસાફરી ની કોઈ તૈયારી કરતુ નથી.
પરમાત્મા ને રાજી કરો તો બેડો પાર છે.
અંતકાળ માં હરિ લેવા આવે તેવી ઈચ્છા હોય તો આજ થી જ “હાય હાય”કરવાનું છોડી દઈને “હરિ હરિ” કરવાની ટેવ પાડો. જ્યાં સુધી શરીર સારું છે-ત્યાં સુધી બાજી આપણા હાથમાં છે.
શરીર બગડ્યા પછી કંઈ નહિ થાય.
પૂર્વજન્મ માં એણે જે મંત્રનો જપ કરેલો તે આ જન્મ માં યાદ આવે છે.
(ગજેન્દ્ર ની સ્તુતિ નો બહુ મોટો મહિમા છે. સંસારી લોકોએ ગજેન્દ્રની સ્તુતિ નિત્ય કરવી જોઈએ.)
“કાળ મને પકડવા આવ્યો છે.નાથ તમારે શરણે છું.”
“દેવતા અને ઋષિ પણ જેના સ્વરૂપ ને જાણતા નથી,તો બીજા સાધારણ જીવ તો તમને કેમ જાણી શકે ?
તમારું વર્ણન કેમ કરી શકે ? એવા દુર્ગમ ચરિત્ર વાળા પ્રભુ મારી રક્ષા કરો.”
“હું પશુ છું,કાળ ના પાશમાં ફસાયો છું. મારા જેવા શરણાગત,પશુતુલ્ય,અવિદ્યાગ્રસ્ત-જીવ ની અવિદ્યારૂપ ફાંસીને –સદા ને માટે કાપી નાખવાવાળા,
અત્યંત દયાળુ તેમજ દયામાં કોઈ પણ દિવસ આળસ નહિ કરવાવાળા –નિત્ય મુક્ત પ્રભુને હું વંદન કરું છું.તમારાં અંશથી સર્વ જીવોના મન માં તમે અંતર્યામીરૂપથી પ્રગટ રહો છો.સર્વ ના નિયંતા અને અનંત એવા પરમાત્માને હું વંદન કરું છું.”
“જેઓ શરીર,પુત્ર,મિત્ર,ઘર સંપત્તિ અને સ્વજનો માં આસક્ત છે-તેઓને તમારી પ્રાપ્તિ થવી અતિ કઠિન છે.
કારણકે તમે સ્વયં –ગુણો ની આસક્તિ રહિત છો. જીવનમુક્ત પુરુષ પોતાના હૃદયમાં તમારું નિરંતર ચિંતન કરતો રહે છે.એવા જ્ઞાન સ્વરૂપ –સર્વ સમર્થ ભગવાન ને હું વંદન કરું છે.”
“હે નાથ,મારા પર કૃપા કરો,મારી રક્ષા કરો, હુ તમારે શરણે આવ્યો છું.”
ગજેન્દ્ર આ પ્રમાણે આર્દ્ર બની ને શ્રી હરિ ની સ્તુતિ કરે છે.
કાળ પકડે ત્યારે ત્યારે જીવ કેવો ગભરાય છે? તે આ ગજેન્દ્ર ના ઉદાહરણ ને યાદ કરી –ગજેન્દ્ર થઇ અને
ગજેન્દ્ર મોક્ષનો પાઠ કરજો. તો અંતકાળ સુધરશે અને પરમાત્મા લેવા આવશે.
મહાભારતનો ગજેન્દ્ર મોક્ષ ૧૪૦ શ્લોક નો લાંબો છે.ભાગવત નો બહુ લાંબો નથી. મહત્વના ૩૫ શ્લોક જ છે.
રોજ પાઠ થઇ શકે છે.
ગજેન્દ્ર ની અરજ સુણી નિરાધાર ના આધાર –દ્વારકા નાથ દોડતા આવ્યા છે.
ગજેન્દ્રે જોયું કે પરમાત્મા આવ્યા છે-તેણે સરોવરમાંથી એક કમળ ઊંચકી પ્રભુ ને અર્પણ કર્યું.
તુલસી અને કમળ પરમાત્મા ને અતિ પ્રિય છે. કમળ પરમાત્માની નાભીમાંથી નીકળ્યું છે-તેમની પોતાની સૃષ્ટિ નું છે. બ્રહ્માજી ની સૃષ્ટિ નું નથી. સુદર્શનચક્ર થી ભગવાને મગર ને માર્યો છે.
કાળ નો નાશ જ્ઞાનચક્ર થી થાય છે. એવું જ્ઞાન થાય કે-સર્વ માં ભગવાન દેખાય.બ્રહ્મદૃષ્ટિ થાય.
અજ્ઞાની ને સંસાર બાધક છે-જ્ઞાની ને માટે જગત રહેતું નથી.અજ્ઞાન ની પકડ માંથી છૂટવાનું છે.
પૂર્વજન્મ માં આ ગજેન્દ્ર ઈન્દ્રધુમ્ન નામનો રાજા હતો. તે ધ્યાન માં બેઠો હતો તે વખતે અગસ્ત્ય મુનિ આવ્યા.રાજા ઉઠી ને ઉભા થયા નહિ. એટલે મુનિ ને લાગ્યું-રાજા મારું અપમાન કરે છે.
તેમણે રાજા ને શાપ આપ્યો-તું જડ-પશુ ની જેમ બેસી રહ્યો-તેથી તને પશુ નો અવતાર મળો.
પૂર્વજન્મમાં ગજેન્દ્રે ખુબ ભજન કરેલું એટલે-ગજેન્દ્ર યોનિ માં તેને પ્રભુ યાદ આવ્યા છે.
અતિશય સુખમાં અને અતિશય દુઃખમાં –ભગવાન ન ભુલાય-તેવી ટેવ પાડજો. જે જે સંસ્કાર મનમાં દૃઢ થાય તે સંસ્કાર બીજા જન્મમાં અને અંતકાળે કામ લાગશે.
છઠ્ઠા મન્વંતર –તે ચાક્ષુસ મન્વંતર માં સમુદ્ર માંથી અમૃત નીકળ્યું તે ભગવાને દેવોને પીવડાવ્યું.
છઠ્ઠા મન્વંતર માં ભગવાન –અજીત- નામે અવતર્યા. સમુદ્ર નું મંથન કરી અમૃત કાઢી આપ્યું અને પોતે જ કચ્છરૂપ ધારણ કરી મંદરાચળ પર્વત ને પીઠ પર ધારણ કર્યો હતો.
પરીક્ષિત રાજા પૂછે છે-ભગવાને સમુદ્ર મંથન કેવી રીતે કર્યું ? મંદરાચળ ને પોતાની પીઠ પર કેવી રીતે ધારણ કર્યો ? દેવતા ઓને અમૃત કેવી રીતે પીવડાવ્યું ? આ કથા મને સંભળાવો.
દુર્વાસા વૈકુંઠલોક માંથી પાછા આવતા હતા.તેમના હાથમાં પ્રભુએ આપેલી પ્રસાદીની માળા હતી.
દુર્વાસાએ તે માળા ઇન્દ્ર ને આપી. ઇન્દ્ર એ ગુમાન માં તે માળા હાથીની સૂંઢ પર ફેંકી દીધી.
હાથી ની સૂંઢ પરથી તે હાથીના પગ આગળ પડી અને હાથી તેને પગ થી કચડવા લાગ્યો.
દુર્વાસા ને લાગ્યું-કે-ઇન્દ્રે મારું અને ફૂલ માં જે લક્ષ્મીજી છે –તેનું અપમાન કર્યું છે.
તેથી દુર્વાસાએ-ઇન્દ્ર ને શાપ આપ્યો છે-તું દરિદ્ર થઈશ.
ફૂલ માં લક્ષ્મીજી નો વાસ છે.ફૂલ પગ નીચે આવે તો લક્ષ્મીજી નું અપમાન થાય છે.
મહાભારત માં વર્ણન છે –કે લક્ષ્મીજી ક્યાં રહે છે અને ક્યાં નથી રહેતાં.
જે ઘરમાં ભિખારી નું અપમાન થાય, જે ઘરમાં સાયંકાળે કંકાસ-કજીયો થાય,સૂર્યોદય પછી પથારીમાં સૂતા રહે-તો લક્ષ્મીજીનું અપમાન થાય છે- તે ઘરમાં લક્ષ્મીજી રહેતાં નથી.
ઇન્દ્ર અતિ સંપત્તિ માં ભાન ભૂલેલો હતો. અતિ સંપત્તિ અને સન્મતિ સાથે રહી શકતાં નથી.
સંપત્તિ માં જે શાન-ભાન ભૂલેલો છે-તે જ્યાં સુધી દરિદ્ર ન થાય ત્યાં સુધી તેની અક્કલ ઠેકાણે આવતી નથી.
તે પછી સ્વર્ગ નું રાજ્ય દૈત્યો ને મળ્યું છે. દેવો ભગવાન ને શરણે ગયા. ને કહે છે-કે-
અમને અમારું રાજ્ય પાછું મળે તેમ કરો.
ભગવાને આજ્ઞા કરી –કે તમે સમુદ્ર મંથન કરો-તેમાંથી અમૃત નીકળશે તે હું તમને પીવડાવીશ.
જેથી તમે અમર થશો. પરંતુ આ કાર્ય મોટું છે,તેમાં તમે તમારા શત્રુઓ-દૈત્યો નો સાથ લેજો, નહિતર શત્રુ તમારાં કાર્યમાં વિઘ્ન કરશે. દૈત્યો અભિમાની છે, તમે દૈત્યોના વખાણ કરો.એટલે તેમની સાથે મૈત્રી થશે.
પ્રભુ એ આજ્ઞા કરી એટલે દેવો એ દૈત્યો સાથે મૈત્રી કરી.
મંદરાચળ પર્વતની રવઈ (વલોણું) બનાવવામાં આવ્યું, વાસુકી નાગ નું દોરડું બનાવવામાં આવ્યું.
દેવો અને દૈત્યો-અમૃત મેળવવા સમુદ્ર નું મંથન કરવા લાગ્યા.
આ પ્રસંગ નું રહસ્ય એવું છે-કે-
સંસાર એ સમુદ્ર છે. સમુદ્ર મંથન એ જીવનું મંથન છે.
સંસાર સમુદ્ર નું વિવેક થી મંથન કરી જ્ઞાન-ભક્તિ રૂપી અમૃત મેળવવાનું છે.
અને જે જ્ઞાન અને ભક્તિ રૂપી અમૃતનું પાન કરે તે અમર બને છે.
મંદરાચળ પર્વત એટલે મન ને પર્વત જેવું સ્થિર કરવું તે. અને વાસુકી નાગ એટલે પ્રેમ દોરી.
જયારે સમુદ્ર મંથન વખતે આ મંદરાચળ પર્વત સમુદ્ર માં ડૂબવા લાગ્યો. ત્યારે
કુર્માવતાર ભગવાને તેને પોતાની પીઠ પર રાખ્યો છે.
મન-રૂપી મંદરાચળ આધાર વગર સ્થિર થઇ શકતો નથી.
તેને ભગવદસ્વરૂપ-ભગવદનામ નો આધાર જોઈએ.આધાર હશે તો તે સંસાર-સમુદ્રમાં ડૂબશે નહિ.
મન ને સ્થિર રાખી જે પ્રભુ પાછળ પડે છે-તો પહેલું ઝેર મળે છે. ભગવાન કસોટી કરે છે.
ઝેર સહન કરે તો પછી અમૃત મળે છે.
મહા પુરુષોએ ઝેર પચાવ્યું, દુઃખ સહન કર્યું-એટલે એમને ભક્તિરૂપી અમૃત મળ્યું છે.
નિંદા એ ઝેર છે,કર્કશ વાણી એ ઝેર છે.
યુવાની માં મંથન શરુ થાય છે,સહુ પ્રથમ વિષયો મળે છે. વિષયો વિષ છે.
સમુદ્ર મંથન માંથી પહેલું ઝેર નીકળ્યું -અને આ ઝેર ની વાસ દેવો અને દૈત્યો થી સહન થતી નથી.
તેથી તેઓ પ્રભુ ને પ્રાર્થના કરે છે-નાથ,કૃપા કરો,આ ઝેર અમને બાળે છે.
પ્રભુ એ આજ્ઞા કરી કે-શંકર ને ઝેર પચશે, માટે તેમને બોલાવો.
જેને માથે જ્ઞાન ગંગા હોય તેને ઝેર પચે છે.
આ સંસાર નું ઝેર બધાને બાળે છે,પણ જેના માથા પર જ્ઞાનગંગા હોય તેને ઝેર બાળી શકતું નથી.
શિવજી ની પૂજા ઝેર સહન કરવાની શક્તિ આપે છે. શિવજી જ્ઞાન આપે છે,
અને જે જ્ઞાનથી ઝેર સહન કરવાની શક્તિ મળે છે.
નિંદા એ ઝેર છે,અને નિંદા એ “શબ્દ રૂપ” હોવાથી,તેનો સંબંધ “આકાશ” સાથે છે-આત્મા સાથે નહિ.
બધા દેવો શિવજી પાસે આવ્યા છે અને શિવજી ને ઝેર પીવાની પ્રાર્થના કરે છે.
શિવજી વિચારે છે-પરોપકાર સામાન કોઈ ધર્મ નથી. આ લોકો આશા થી આવ્યા છે-
તો તેમને નિરાશ કેમ કરાય ? બીજાનું કલ્યાણ થતું હોય તો ભલે મને દુઃખ થતું.
બીજાને સુખી કરવા પોતે દુઃખ સહન કરે,બીજાનું સુધારવા જે પોતાનું બગાડે,તે શિવ –અને
પોતાને સુખી કરવા બીજાને દુઃખી કરે ,પોતાનું સુધારવા બીજા નું બગાડે, તે જીવ.
ભગવદસ્મરણ કરતા શિવજી ઝેર પી ગયા છે.શિવજી એ ઝેર પેટમાં ઉતાર્યું નથી પણ કંઠ માં રાખ્યું છે.
ઝેર ની અસરથી શિવજી નો કંઠ નીલો થયો,એટલે તેમનું નામ પડ્યું નીલકંઠ.
આ બતાવે છે-કે કોઈ નિંદા કરે તો તે નિંદા રૂપી ઝેર ને ધ્યાન માં ન લેવું કે પેટમાં સંઘરવું નહિ.
પેટમાં ઝેર રાખે તે પરમાત્માની ભક્તિ કરી શકતો નથી.
ભાગવત માં લખ્યું નથી પણ કહેવાય છે-કે-શિવજી ઝેર પીતા હતા ત્યારે થોડું ઝેર નીચે પડ્યું-
જે કેટલાકની આંખમાં અને કેટલાક ના પેટમાં ગયું.
આંખમાં અને પેટમાં ઝેર રાખશો નહિ.ઘણા મનુષ્યો નો સ્વભાવ જ એવો હોય છે-કે-કોઈને સુખી જોઈ પોતે દુઃખી થાય છે. આંખ માં પ્રેમ રાખવાનો છે. વેર નહિ. વેર એ જ ઝેર છે.
જગતના ભલા માટે શંકર ઝેર પી ગયા.સાધુ-પુરુષો નું વર્તન પણ એવું જ હોય છે. સજ્જનો પોતાના પ્રાણ આપીને પણ બીજાના પ્રાણ નું રક્ષણ કરે છે. ત્યારે સંસારનાં પ્રાણીઓ મોહ માયાથી મોહિત થઇને પરસ્પર વેર રાખી રહ્યા છે.
તુલસીદાસજી સાધુ પુરુષો નું વર્ણન કરતાં કહે છે-કે-
સંત નું હૃદય માખણ જેવું કોમળ હોય છે,ના,ના, આ ઉપમા પણ પુરતી નથી,માખણ તો પોતાના તાપ થી દ્રવે છે,ત્યારે સંત નું હૃદય બીજા ના દુઃખ થી દ્રવે છે.તેને કઈ ઉપમા આપવી તે સમજાતું નથી.
ઝેર બહુ બાળે તો ભગવાનના નામનું કિર્તન કરજો. શિવજી ભગવાન નું નામ લેતાં લેતાં ઝેર પી ગયા છે.
ભગવાન નું નામ ઝેર ને પણ અમૃત બનાવે છે. ઝેર ને પચાવે તેને અમૃત મળે છે.
No comments:
Post a Comment