શ્રીમદ્ભાગવત સ્કંધ – 1 (Page 24)

શ્રીમદ્ભાગવત સ્કંધ – 1 (Page 24)




નારદજી કહે છે-


ભગવાન ને કિર્તન ભક્તિ અતિ પ્રિય છે. આ વીણા- લઇ હું જગત માં ફરું છુ. નાદ સાથે કિર્તન કરું છુ.
હું જગત માં ફરું છું-અને અધિકારી જીવો- અને-કોઈ લાયક ચેલો મળે તો તેને પ્રભુના ધામ માં લઇ જઉં છું.
સમુદ્ર માં એક ડૂબકીએ રત્ન મળતા નથી. પણ વારંવાર ડુબકી મારતા રહો ત્યારે કોઈ એક રત્ન મળે છે.
મને રસ્તામાં ધ્રુવ મળ્યો-પ્રહલાદ મળ્યા. આવા જીવો ને આવા ભક્તો ને હું પ્રભુ પાસે લઇ ગયો. અને લઇ જાઉં છું.
સત્સંગ માં મેં ભગવત કથા સાંભળી-કૃષ્ણ કિર્તન કર્યું-અને કૃષ્ણ-પ્રેમ ને પુષ્ટ કર્યો. હવે હું જયારે ઈચ્છું ત્યારે કનૈયો-મને ઝાંખી આપે છે.મારી સાથે કનૈયો નાચે છે. હું મારા કનૈયા નુ કામ કરું છું તેથી-તેને વહાલો લાગુ છુ.”
નામદેવ મહારાજ કિર્તન કરતાં તે વખતે વિઠ્ઠલનાથ નાચતા હતા.
કિર્તન માં સંસારનું ભાન ભુલાય-તો આનંદ આવે. કિર્તન માં તન્મય થયો-એ સંસાર ને ભૂલે છે. કિર્તન માં સંસાર સાથેનો સંબંધ તૂટે છે.અને પ્રભુ સાથે સંબંધ બંધાય છે.
સંસારનું ધ્યાન છોડવાનો પ્રયત્ન કરી જુઓ.
કિર્તન માં આનંદ ક્યારે આવે છે ? જયારે જીભ થી પ્રભુ નુ કિર્તન-મનથી તેનું ચિંતન-અને દ્રષ્ટિ થી તેમના સ્વરૂપને જોશો-તોજ આનંદ આવશે.
કળિયુગ માં નામ-સંકીર્તન એ જ ઉગારવાનો ઉપાય છે.
કિર્તન કરવા થી પાપ બળે છે.હૃદય વિશુદ્ધ થાય છે.પરમાત્મા હૃદય માં આવે છે. અને પરમાત્મા ની પ્રાપ્તિ થાય છે.
એટલે કથા માં કિર્તન થવું જ જોઈએ. કિર્તન વગર કથા પૂર્ણ થતી નથી.
કળિયુગ માં સ્વરૂપ સેવા જલ્દી ફળતી નથી. સ્મરણ સેવા-નામ-સેવા તરત જ ફળે છે.
વ્યાસજી, આ સર્વ નુ મૂળ છે-સત્સંગ. સત્સંગ નો મોટો મહિમા છે. જે સત્સંગ કરે છે-તે સંત બને છે. કૃષ્ણકથા થી મારું જીવન સુધર્યું છે-સાચું જીવન મળ્યું છે-આપ જે મને માન આપો છો તે સત્સંગ ને માન છે. સત્સંગ થી ભીલ બાળકો સાથે રખડનાર હું દેવર્ષિ બન્યો.”
માનવ દેવ થવા સર્જાયો છે.
માનવ ને દેવ થવા ચાર ગુણો ની જરૂર છે. સંયમ-સદાચાર-સ્નેહ અને સેવા. આ ગુણો સત્સંગ વગર આવતા નથી.
નારદ ચરિત્ર એ ભાગવત નુ બીજારોપણ છે. સત્સંગ અને સેવા નુ  ફળ બતાવવાનો-આ ચરિત્ર નો ઉદ્દેશ છે-
એટલે વિસ્તાર કર્યો છે.
આપણે એ પણ જોયું કે જપ વિના જીવન સુધરતું નથી.
દાન થી ધન ની શુદ્ધિ થાય છે. જપ-ધ્યાન થી મન ની શુદ્ધિ થાય છે-સ્નાન થી શરીરની શુદ્ધિ થાય છે.
જપ કરનાર ની સ્થિતિ કેવી હોવી જોઈએ ? શ્રી બ્રહ્મ ચૈતન્ય સ્વામી એ કહ્યું છે-કે-સહજ સુમિરન હોત હય,રોમ રોમ મેં રામ-
વ્યવહારનું કામ કરતાં પણ અંદર- જો મંત્ર ની ધારા ચાલુ રહે તો-માનજો-હવે મંત્ર સિદ્ધ થયો છે.
વ્યવહારનું કામ-છોડ્યા પછી-જ મંત્ર ની ધારા ચાલુ રહે તો સમજજો કે મંત્ર હજુ સિદ્ધ થયો નથી.
જપ ના વખાણ ગીતામાં પણ થયેલા છે-ભગવાન કહે છે કે-
યજ્ઞાનાજપયજ્ઞોસ્મી---યજ્ઞો મા જપ યજ્ઞ હું છું. (ગીતા-૧૦ -૨૫)
રામદાસ સ્વામી એ-દાસ-બોધ  માં લખ્યું છે કે-જપ કરવાથી જન્મ-કુંડલી ના ગ્રહો પણ સુધરે છે.
નારદજી-વ્યાસજી ને કહે છે-તમે જ્ઞાન પ્રધાન કથા ઘણી કરી-હવે પ્રેમ પ્રધાન કથા કરો. કૃષ્ણ પ્રેમ માં તરબોળ થઇ કથા કરશો-તો તમારુ અને સર્વ નુ કલ્યાણ થશે-આપની ચિંતા ટળશે.
વ્યાસજી કહે છે-કે તમે જ મને એવી કથા સંભળાવો-તમે કથા કરો ને હું લખી લઉં.
નારદજી કહે છે-તમે જ્ઞાની છો-તમારુ સ્વરૂપ તો તમે ભૂલ્યા નથી ને ? તમે સમાધિ માં બેસો-અને સમાધિ માં જે દેખાય તે લખજો. સમાધિમાં હંમેશા સત્ય જ દેખાય છે. કોઈવાર પ્રત્યક્ષ દેખાય એ પણ ખોટું હોય છે.
બહિર્મુખ ઈન્દ્રિયોને અંતર્મુખ કરવાથી-સમાધિ સમીપ પહોચાય છે. ઈશ્વર સાથે એક થવું લીન થવું-તે સમાધિ.
નારદ ના મળે ત્યાં સુધી-નારાયણ ના દર્શન થતાં નથી.
સંસાર મા આવ્યા પછી જીવ પોતાનું સ્વરૂપ ભૂલે છે.
જામ્બવાને હનુમાનજી ને તેમની શક્તિ નુ ભાન કરાવ્યું-ત્યારે તેઓ દરિયો ઓળંગી ગયા.
કોઈ સંત કૃપા કરે(સત્સંગ થાય)-ત્યારે તે-જીવ ને તેના સ્વરૂપ નુ ભાન કરાવે છે .
જ્ઞાની હોવાં છતાં-વ્યાસ નારાયણ ને પણ નારદજી ની જરૂર પડી હતી. નારદે-તેમને સ્વરૂપ નુ ભાન કરાવ્યું.
નારદજી તે પછી બ્રહ્મ લોક મા પધાર્યા છે.
વ્યાસજી એ-પ્રાણાયામ થી અંતર્મુખ દ્રષ્ટિ કરી-ત્યાં-હૃદય ગોકુલ મા-બાલકૃષ્ણ દેખાયા-સર્વ લીલા ઓ ના દર્શન થયા છે.
વ્યાસજી ને જે સમાધિ મા દેખાણું-તે બોલ્યા છે.
તેથી જેની બહિર્મુખી પ્રકૃત્તિ છે-એ ભાગવત નુ રહસ્ય બરોબર સમજી શકશે નહિ.
ભાગવત મા તત્વજ્ઞાન ઘણું છે-પણ તેનો પ્રધાન વિષય છે-પ્રેમ.
બીજા પુરાણો મા-જ્ઞાન-કર્મ-આચાર-ધર્મ-વગેરે પ્રધાન છે. પરંતુ ભાગવત પુરાણ એ પ્રેમ પ્રધાન છે.ભક્તિ પ્રધાન છે.
જે ભગવાન સાથે-પ્રેમ કરી શકે છે-એ જ ભાગવત નો અધિકારી થઇ શકે છે.
શ્રીકૃષ્ણ પ્રેમ સ્વરૂપ છે. શ્રીકૃષ્ણ ની બધી લીલા પ્રેમ થી ભરેલી છે. આરંભ થી અંત સુધી પરમાત્મા પ્રેમ કરે છે.
શ્રીકૃષ્ણ ચરિત્ર નો આરંભ પુતના ચરિત્ર થી થાય છે. ઝેર આપનાર પુતના સાથે શ્રી કૃષ્ણ પ્રેમ કરે છે.
જે ગતિ માતા યશોદા ને આપી છે-તેવી જ ગતિ પુતના ને પણ આપી છે.
શિશુપાળ-ભરી સભા મા ગાળો આપે છે-તેને મુક્તિ આપે છે.
જે ભીષ્મ પિતા એ-પોતાને બાણ માર્યા છે-તેના અંત કાળે તેમની પાસે ગયા છે.
શ્રી કૃષ્ણ ચરિત્ર નો અંત-માં જરા પારધી બાણ મારે છે-.(જરા નો અર્થ થાય છે વૃદ્ધાવસ્થા-કૃષ્ણ તો મહાન યોગી છે-તેમને
વૃદ્ધાવસ્થા બાણ કેવી રીતે મારી શકે ?-પણ આ યે એક લીલા છે)-પારધી ને ખબર પડી-ભૂલ થી બાણ મરાણું  છે- તે ગભરાયો  છે-આવી ને કૃષ્ણ આગળ ક્ષમા માગે છે. પ્રભુ એ કહ્યું-આ મારી ઇચ્છાથી થયું છે.તું ચિંતા ન કર-હું તને મુક્તિ આપીશ.
પારધી મા અક્કલ જરા ઓછી તેને ચિંતા વ્યક્ત કરી કે-આપ મને મુક્તિ આપશો તો મારા બાળકો નુ શું થશે ?
તેઓ નુ ભરણ-પોષણ કોણ કરશે ?
પ્રભુ એ કહ્યું-તારા બાળકો મારી સેવા કરશે.તેથી તેઓની આજીવિકા ચાલશે. લોકો મને જે ભેટ ધરશે-તે તારા બાળકોને આપીશ. આજ પણ જગન્નાથજી મા એક મહિનો-ભીલ લોકો સેવા કરે છે.તે જરા પારધીના વંશના છે.
જે પારધી એ બાણ માર્યું-તેને પ્રભુ એ સદગતિ આપી છે. જરા પારધીને તો શું, તેના વંશનુ પણ કલ્યાણ કર્યું છે.
શ્રી કૃષ્ણ જેવો પ્રેમ કરનાર કોઈ થયો નથી.
કનૈયો જયારે પ્રેમ કરે છે-ત્યારે-એ જીવ ની- લાયકાત નો વિચાર કરતો નથી. શ્રીકૃષ્ણ અકારણ પ્રેમ કરે છે.
રામાયણ મા આવે છે-
કોમલ ચિત્ત અતિ દિન દયાલા,કારન બિનુ રઘુનાથ કૃપાલા
વાલ્મીકિ રામાયણ આચાર ધર્મ પ્રધાન ગ્રંથ છે. તુલસી રામાયણ ભક્તિ પ્રધાન ગ્રંથ છે.
વાલ્મીકિ ને પોતાના જન્મમાં કથા કરવાથી તૃપ્તિ ન થઇ, ભગવાન ની મંગલમયી લીલા કથા નુ ભક્તિ થી પ્રેમપૂર્વક વર્ણન કરવાનું રહી ગયેલું,તેથી કળિયુગમા તુલસીદાસ તરીકે જન્મ્યા.
વેદ રૂપી -કલ્પ વૃક્ષો- નુ - ભાગવત ફળ- છે.
એ તો બધાં જાણે છે કે-ઝાડના -પાન-કરતાં ઝાડના ફળ મા વધુ રસ- હોય છે.
રસરૂપ આ ભાગવત રૂપ-ફળ નુ મોક્ષ મળતા સુધી તમે વારંવાર પાન-કરો.
જીવ-ઈશ્વર નુ મિલન ન થાય - ત્યાં સુધી-આ પ્રેમ રસ નુ પાન- કરો.
ઈશ્વરમાં તમારો-લય ન થાય ત્યાં સુધી ભાગવતનો આસ્વાદ કર્યા કરો. ભોગ ની હવે સમાપ્તિ કરો.
ભોગ થી કોઈ ને શાંતિ મળતી નથી. ભક્તો- ભોગ ની સમાપ્તિ કરે છે. ભક્તિ રસ છોડવાનો નથી.
ભક્તિમા જેને સંતોષ થાય તેની ભક્તિમા ઉન્નતિ અટકે છે.
વેદાંત ત્યાગ કરવાનું કહે છે.વેદાંત કહે છે-કે સર્વ નો ત્યાગ કરી-ભગવાન પાછળ પડો.
પણ સંસારીઓને કાંઇ-છોડવું નથી. –એવા ના ઉદ્ધાર માટે કોઈ ઉપાય ખરો ?
હા-ત્યાગ ના કરી શકો તો કાંઇ હરકત નહિ.—પરંતુ-તમારુ સર્વસ્વ-ઈશ્વર ને સમર્પણ કરો-અને અનાસક્ત પણે ભોગવો.
પરીક્ષિત ને નિમિત્ત બનાવી ને (પરીક્ષિત નુ ઉદાહરણ આપી ને ?) સંસારમાં ફસાયેલાં-લોકો ને માટે વ્યાસજી એ આ ભાગવત ની કથા કરેલી છે.
ભાગવત ખાસ કરીને સંસારીઓ માટે છે. ઘરમાં રહેલા ગૃહસ્થનુ પણ કલ્યાણ થાય-એ આદર્શ રાખીને-આ કથા કરી છે.
પ્રભુ-પ્રેમ વગરના શુષ્ક જ્ઞાનની શોભા નથી-એ બતાવવાનો ભાગવત નો ઉદ્દેશ છે.
જ્ઞાન-જયારે વૈરાગ્ય થી દૃઢ થયેલું હોતું નથી-ત્યારે તેવું જ્ઞાન મરણ સુધારવાને બદલે-સંભવ છે કે મરણ બગાડે.
સંભવ છે કે આવું જ્ઞાન અંતકાળે દગો આપે. મરણ ને સુધારે છે ભક્તિ. ભક્તિ વગરનું જ્ઞાન શુષ્ક છે.
વિધિ-નિષેધ ની મર્યાદા ત્યાગી ચુકેલા-(એક એવો સમય આવે છે-જયારે બધી વિધિઓનો નિષેધ થઇ જાય છે)
મોટા મોટા ઋષિઓ-પણ ભગવાનના અનંત-કલ્યાણમય-ગુણોના વર્ણનમા સદા રત રહે છે. એવો છે-ભક્તિ નો મહિમા.
જ્ઞાનીને અભિમાન પજવે છે.ભક્તને નહિ. ભક્તિ અનેક સદ્દગુણો લાવે છે. ભક્ત નમ્ર હોય છે.
આચાર-વિચાર શુદ્ધ હશે-ત્યાં સુધી-ભક્તિ ને પુષ્ટિ મળશે. જીવન વિલાસ-મય થયું એટલે ભક્તિ નો વિનાશ થયો છે.
ભાગવત શાસ્ત્ર મનુષ્ય ને કાળ ના મુખ માંથી છોડાવે છે. તે મનુષ્ય ને સાવધાન કરે છે.
કાળ ના મુખ માંથી છુટવા-કાળ ના યે કાળ-શ્રીકૃષ્ણ ને શરણે જાવ. જે સર્વસ્વ છોડે છે-તેની ચિંતા ભગવાન કરે છે.
મહાભારતમા એક કથા છે-
યુદ્ધ વખતે-દુર્યોધને ભીષ્મ પિતામહ ને ઠપકો આપ્યો.કે- દાદાજી-તમે મન મૂકી ને લડતા નથી.
તેથી ક્રોધાવેશમા ભીષ્મ પ્રતિજ્ઞા કરે છે-કે-આવતી કાલે- હું અર્જુન ને મારીશ અથવા હું મરીશ.
આથી સર્વે ગભરાયા. આ તો ભીષ્મ-પ્રતિજ્ઞા હતી. કૃષ્ણ ભગવાનને ચેન પડતું નથી-નિદ્રા આવતી નથી. તેમને થયું-
અર્જુનની શું દશા હશે ?તે અર્જુન ને જોવા ગયા. જઈને જુએ-તો-અર્જુન તો શાંતિ થી ઊંઘતો હતો.
ભગવાને વિચાર્યું-કે ભીષ્મે આવી ભીષણ પ્રતિજ્ઞા કરી છે-તેમ છતાં આ તો શાંતિ થી સુતો છે. તેમને અર્જુન ને ઉઠાડ્યો
અને પૂછ્યું-તે ભીષ્મ ની પ્રતિજ્ઞા સાંભળી છે? તો અર્જુન કહે કે-હા સાંભળી છે. શ્રીકૃષ્ણ કહે છે કે-તને મૃત્યુ ની ચિંતા નથી?
અર્જુને કહ્યું-મારી ચિંતા કરનારો મારો ધણી છે.તે જાગે છે-માટે હું શયન કરું છુ. તે મારી ચિંતા કરશે-હું શા માટે ચિંતા કરું ?
આ પ્રમાણે સર્વ ઈશ્વર ઉપર છોડો. મનુષ્ય ની ચિંતા જ્યાં સુધી-ઈશ્વરને ના થાય ત્યાં સુધી તે નિશ્ચિત્ત થતો નથી.
પ્રથમ સ્કંધ તે અધિકાર લીલા છે. જ્ઞાન અનધિકારી ને મળે તો તે અભિમાની થાય છે.
અયોગ્ય વ્યક્તિ ને ધન મળે તો તે તેનો દુરુપયોગ કરે છે. જ્ઞાન-ધન-માન--ત્રણ એવી વસ્તુ છે કે તે સુપાત્ર ને મળે તો એ સુખી થાય છે.અને જો અનધિકારી ને મળે તો દુઃખી થાય છે.
સંત નો ઉપદેશ લેવા-લાયક થઇશું તો આપણ ને કોઈ સંત આવી ને મળશે. અધિકાર સિદ્ધ થાય એટલે સદગુરુ મળે છે.
અધિકાર વિના-સંત મળે તો તેના તરફ સદભાવ જાગતો નથી .(સંત ની-ખોડ-ખાંપણ જ દેખાય છે.)
સંત ને શોધવાની જરૂર નથી. શોધવાથી સંત મળતા નથી. પ્રભુ કૃપાથી સંત(સત્સંગ) મળે છે.
જ્યાં સુધી મન શુદ્ધ થશે નહિ-ત્યાં સુધી પ્રભુ-કૃપા થશે નહીં. તમે સંત થશો-તો સંત મળી આવશે.
સંત જોવાની દૃષ્ટિ આપે છે. સંસાર ના પદાર્થ ને ઈશ્વરમય રીતે-જોવામા જ આનંદ છે.-ભોગવવામાં આનંદ નથી.
સંસાર એ ઈશ્વરનું તેજોમય સ્વરૂપ છે. તેથી જગત ને ઈશ્વરમય  નિહાળો.
વ્યવહારમાં-બોલતા-ખાતાં-પીતાં- જે અતિ સાવધાન છે-તે સંત છે. લોભી નુ લક્ષ્ય જેમ પૈસો હોય છે-તેમ-સંતો નુ લક્ષ્ય એક જ હોય છે.કે-મારે આ જન્મ માં જ પરમાત્મા ના દર્શન કરવા છે.
જગત માં સંતો નો અભાવ નથી- સદ-શિષ્ય નો અભાવ છે. મનુષ્ય સંત બને છે-ત્યારે સંત મળે છે.
જેની આંખો માં ઈશ્વર છે-તે સર્વ માં ઈશ્વર નો અનુભવ કરે છે. આ જગતમાં નિર્દોષ એક પરમાત્મા છે. કાંઇક દોષ છે-માટે જીવ ઈશ્વર થી વિખુટો પડ્યો છે. કોઈ દોષ ના હોય તો-જીવ-આ શરીરમાં ના રહે. કોઈક દોષ છે-જેથી જીવ આ મળમૂત્ર થી ભરેલા શરીરમાં રહ્યો છે. જેનું મન અતિશય શુદ્ધ થાય તે ઈશ્વર થી અલગ રહી શકતો નથી.
સંતો માં પણ એકાદ દોષ તો રહેલો જ હોય છે.-કારણ-શરીર રજોગુણ ના આધારે જ ટકે છે.
અતિશય સત્વ ગુણ વધે-(સત્વ ગુણ-પૂર્ણ બને)તો આત્મા દેહ માં રહી શકે જ નહિ.
  બ્રહ્માજીની સૃષ્ટિ ગુણદોષ થી ભરેલી છે.કોઈ પણ  વસ્તુ ગુણ-દોષ વિનાની નથી.
દૈવી અને આસુરી સૃષ્ટિ (સંપત્તિ) અનાદિ કાળ થી છે, સંસારના પ્રત્યેક પદાર્થ માં દોષ છે અને ગુણ પણ છે.
તમે દૃષ્ટિ ને એવી ગુણમય બનાવજો કે તમને કોઈના દોષ  દેખાય નહિ. દોષ જોવા થી પણ દોષ લાગે છે.
કોઈના દોષ જોવા નહિ અને દોષ વાણી થી ઉચ્ચારવા નહિ. આમ કરશો તો તમે પણ સંત બનશો.
દૃષ્ટિ ગુણ-દોષ થી ભરેલી હશે ત્યાં સુધી-સંત માં પણ દોષ દેખાશે. દૃષ્ટિ ને ગુણમય બનાવનાર સંત બની શકે છે.
માનવ માં કોઈ દોષ ના રહે તો-અભિમાન આવે- એટલે પતન થાય છે. માટે-સતત દીનતા આવે તે જરૂરી છે.
સંભવ છે કે ઈશ્વર- સંતમાં પણ એકાદ દોષ ઈરાદાપૂર્વક રાખે. સંભવ છે-કે-ઈશ્વર પોતાના ભક્ત માં એકાદ દોષ રહેવા દે.
ભગવાન વિચારે છે કે-મારા ભક્ત ને કોઈની નજર ના લાગે.
મા બાળકને શણગારી-ગાળ પર કાળું ટપકું કરે છે-તેમ પરમાત્મા સંત ની કાળજી રાખે છે. કોઈ એક દોષ રહેવા દે છે
તમે જેને હલકો ગણો છો-તેનામાં પણ એક સદગુણ હશે. જીવ એ ઈશ્વર નો અંશ છે. તેમા ઈશ્વર નો એકાદ પણ સદગુણ ના હોય તો ઈશ્વર નો અંશ ના કહેવાય. દુનિયા માં દોષથી પર કોઈ નથી.
સંતો માં પણ ભલે એકાદ દોષ હોય પણ એ દોષ ને દૂર કરવા એ સમર્થ હોય છે-તમે તે સંત ના દોષ નો જ  વિચાર ના કરો.
દૃષ્ટિ ને ગુણ મય બનાવો. આજ થી પાપ કરવાનું છોડી દો.તો તમે પણ સંત થશો.
મૃત્યુને માથે રાખી પાપ કરશો નહિકોઈના દોષ જોશો નહિઅને મનને સાચવજોઆ ત્રણ કરશો તો તમે પણ સંત થશો.
સંત થવાનું એટલે શું ઘર છોડવાનું ? ના-ઘર છોડવાની જરૂર નથી. ઘર છોડવાથી થી જ સંત થવાય-તેવું નથી.
(આમેય -કિલ્લા માં રહી યુદ્ધ કરવામાં અને યુદ્ધમાં જીતવાના ચાન્સ વધી જાય છે.ઘર માં રહી સંસાર સામે યુદ્ધ બહેતર છે)
ઘરમાં રહી ને પણ સંત થઇ શકાય છે. અતિ સાવધાન થઇ ને ઘર માં રહે-તો તે સંત-જ છે.
તુકારામ-એકનાથ-વ્રજ ની ગોપીઓ-વગેરેએ ઘરમાં રહીને પ્રભુને પ્રાપ્ત કરેલા છે. મીરાંબાઈ રાજમહેલમાં રહીને પણ સંત બની શક્યા હતા. મીરાંબાઈ એ ઘર છોડ્યું નથી-તેમ છતાં મોટા મોટા મહાત્મા ઓ તેમના દર્શને જતાં હતા.
કપડાં બદલવાથી સંત થવાતું નથી-ભગવાં કપડાં પહેરવાથી સંત થવાતું નથી.
કપડાં બદલવાની જરૂર નથી-કાળજું બદલવાની જરૂર છે.
સંત થવા માટે વિવેકથી સ્વભાવ ને સુધારવાની જરૂર છે.તે માટે મન ને બદલવાની જરૂર છે.
મન ના ગુલામ ના થશો.મન ને નોકર બનાવો.
પરીક્ષિતે-મન ને સુધાર્યું-ત્યારે તેમને શુકદેવજી મળ્યા છે.  
જંગલ માં ઝાડ નીચે બેસીને જ સાધુ થવાય-સંત થવાય-એવુ નથી. જેના મનમાં પાપ છે-એ જંગલમાં ઝાડ નીચે બેસીને પણ પાપ જ કરે છે. ત્યાં ચકલા-ચકલીનો પ્રસંગ જોઈ તેના મનમાં પાપ આવે છે. બધું છોડવાથી-તે- નિવૃત્તિના સમયે ઇન્દ્રિયો-બહુ ત્રાસ આપે છે.
સંસાર માં રહી-મૃત્યુને માથે રાખી-સાવધાન રહી-મનને સાચવી-કોઈના પણ દોષ જોયા વગર-દ્રષ્ટિને ગુણમયી બનાવી-સતત-પરમાત્મા મિલનના લક્ષ્ય ને યાદ રાખે છે-તે સંસાર માં રહીને પણ સંત-જ છે.
આત્મા એ મનનો સાક્ષી છે. મનને સુધારવાની જરૂર છે.જગત બગડ્યું નથી-આપણું મન બગડ્યું છે. મન પર અંકુશ રાખો.
જે દિવસે -મન શુદ્ધ છે-ચારિત્ર્ય શુદ્ધ છે-તેવી સાક્ષી-આત્મા આપે-તો માનજો કે તમે સંત છો.
(કબીરે પણ કહ્યું છે-કે-મન સબ પર અસવાર હૈ,પીડા કરે અનંત-મન હી પર અસવાર રહે,કોઈ વિરલા સંત)
મન ને સુધારવાના અનેક ઉપાયો-શાસ્ત્ર માં બતાવ્યા  છે. બધાં ઉપાયોમાંથી એક તારણ એ છે-કે-
 મન બહુ બીકણ છે-મનને ભય લાગે તો તે પાપ છોડે છે. મનને વારંવાર-મૃત્યુની બીક બતાવો-તો તે સુધરશે.
મન પર લગામ ના રહે-અંકુશ ના રહે-તો મન બગડે છે. પહેલું મન બગડે-પછી વાણી બગડે-પછી વર્તન બગડે.
જે મન ને સાચવે છે-તે મહાન બને છે- તન અને ધનને સાચવે તે સંસારી અને મનને સાચવે તે સંત.
મહાપુરુષો મન ને બહુ સાચવે છે-મન જેની મુઠ્ઠી માં છે-તે જ સંત છે.
જયારે જયારે મન માં ખરાબ વિચારો આવે-ત્યારે તેને સમજાવવું કે-એક વાર મરવાનું છે.
પરીક્ષિત રાજા એ સાંભળ્યું કે સાતમા દિવસે મરવાનો છું. કે તરત જ તેના વિલાસી જીવન નો અંત આવ્યો.
પરીક્ષિત ને મૃત્યુ ની બીક લાગી-અને તેનું જીવન સુધર્યું જીવન વિરક્ત થયું.
મરણ નુ દુઃખ ભયંકર છે. શાસ્ત્ર માં એવું લખ્યું છે-કે-જીવ જ્યારે શરીર છોડે ત્યારે એક હજાર વીંછી-એક સાથે કરડે-અને જેટલી વેદના થાય તેટલી વેદના જીવાત્મા ને થાય છે.(એક વીંછી કરડે તો કેવી વેદના થાય? તેનો ઘણા ને અનુભવ હશે)
જન્મ દુઃખ-જરા દુઃખ-જાયા દુઃખ-પુનઃ પુનઃ, અંત કાલે મહા દુઃખ-તસ્માત જાગૃહિ જાગૃહિ
જન્મ દુઃખમય છે-વૃદ્ધાવસ્થા દુઃખમય છે-વળી સ્ત્રી (કુટુંબ) દુઃખરૂપ છે-અને અંતકાળે પણ મોટું દુઃખ છે-માટે જાગો-જાગો.
-દુઃખો ને રોજ યાદ કરો.રોજ વિચારો-કે આજે  મારું મૃત્યુ થશે-તો મારી કેવી ગતિ થશે ?હું ક્યાં જઈશ ?મારા કર્મ કેવા છે ?
મૃત્યુ નિશ્ચિત છે. શાસ્ત્ર માં લખ્યું છે કે-મરણની જગ્યા-મરણનુ કારણ-મરણનો સમય-નક્કી થયા પછી જીવનો જન્મ થાય છે. પણ અતિશય પુણ્ય વધે તો આમાં કવચિત ફેરફાર પણ  થાય છે. મૃત્યુ માથે છે-તે યાદ રાખો.
સવારમાં ઉઠ્યા પછી-જન્મ મરણના દુઃખોનો વિચાર કરો.
ઘણાં સવારમાં ઉઠયા પછી-ભોજન નો વિચાર કરે છે-કે-આજે દાળ કરું કે કઢી કરું ?
કેટલાક બહુ ડાહ્યા હોય છે-બશેર શાક લેવું હોય તો આખી બજાર ફરે છે.માથું ખંજવાળશે,-કારેલાં લઉં કે ઘીલોડા ?
જેનો વિચાર કરવાનો છે-તેનો વિચાર કરતા નથી- પણ  શાકભાજી નો અડધો કલાક વિચાર જરૂર કરશે.
ઘણાં ભાગે મનુષ્ય પાપ કરે છે ત્યારે-એવું સમજે છે કે હું મરવાનો નથી.(કે પછી એવું પણ વિચારે છે-કે એકવાર મરવાનું તો છે--પછી આ બધી ભાંજગડ શા માટે ?) પણ મરણ નો વિચાર માથે રાખશો-તો કમસે કમ પાપ તો થશે નહિ. અને પાપ છૂટી જશે-
અને પાપ જે દિવસે છૂટી જાય ત્યારે તમે માનજો-કે તમે સંત છો.
પાપ-પુણ્યના અનેક સાક્ષીઓ છે.સૂર્ય-ચંદ્ર-ધરતી-વાયુ-આ બધાં સાક્ષીઓ છે. ભગવાન ના બધાં સેવકો છે.અને તમે જ્યાં જાવ ત્યાં સાથે જ આવે છે. પણ મનુષ્ય માને છે કે હું પાપ કરું છું તે કોઈ જોતું નથી. અરે-તારા અંતરમાં પણ પરમાત્મા વિરાજે છે.તે જુએ છે.

No comments: