શ્રીમદ્ભાગવત સ્કંધ – 3 (Page 36)

શ્રીમદ્ભાગવત સ્કંધ – 3 (Page 36)

ઋષિઓએ સ્ત્રીને ધર્મપત્નીમાની છે. સ્ત્રી એ ભોગનું સાધન નથી,પણ ધર્મનું સાધન છે.
ભોગ ની પાછળ રોગ ઉભા જ છે. ભોગ વગર રોગ થાય જ નહિ. હા,કેટલાક રોગ,પૂર્વજન્મના પાપ થી થાય છે, પણ મોટા ભાગના રોગો આ જન્મ ના ભોગવિલાસ થી થાય છે. ભોગ વધે એટલે આયુષ્ય નો ક્ષય થાય છે.
ભોગો ભોગવાતા નથી- પણ આપણે જ-ભોગવાઈ જઈએ છીએ.
હાલના વરરાજાઓ ઘોડાની બગી-કે મોટરમાં બેસવા લાગ્યા છે. તેમને ઘોડા પરથી પડી જવાની બીક લાગે છે.
એક ઘોડો પાડી નાખશે તેની બીક લાગે છે તો અગિયાર ઘોડાઓ શું દશા કરશે ? ૧૧ ઘોડાઓ ૧૧ ઇન્દ્રિયો છે.
આ અગિયાર ઇન્દ્રિયો ને કાબુ માં રાખવા લગ્ન છે. જીતેન્દ્રિય થવા માટે લગ્ન છે.
કર્દમઋષિ કહે છે-મારું લગ્ન એક સતપુત્ર ને માટે છે-પછી હું સંન્યાસ લઈશ. આ મારો નિયમ તમારી કન્યાને માન્ય છે ?
દેવહુતિ એ કહ્યું-મને માન્ય છે.મારી ઈચ્છા પણ કોઈ જીતેન્દ્રિય પુરુષ મળે તેવી જ છે.
મનુ મહારાજે વિધિપૂર્વક કન્યાનું દાન કર્યું છે. દેવહુતિ અને કર્દમના લગ્ન થયાં. દેવહુતિ કર્દમના આશ્રમમાં વિરાજ્યાં છે.
આજસુધી હું રાજ કન્યા હતી, પણ હવે હું ઋષિપત્ની થઇ છું. મારા પતિ તપસ્વી છે-તો મારે પણ તપસ્વીની બનવું જોઈએ.
આમ સમજી-કીમતી વસ્ત્રો-આભૂષણો ઉતારી નાખ્યા છે. પતિ પત્ની બંને એક આશ્રમ માં રહી તપશ્ચર્યા કરે છે.મૌન રાખે છે.
બાર વર્ષ સુધી એક જ ઘરમાં સંયમ થી નિર્વિકાર રહ્યા છે. સંયમ કેવો હોવો જોઈએ?તે કર્દમ પાસેથી શીખવા મળે છે.
અગિયારસો વર્ષ પૂર્વે-દક્ષિણ દેશમાં વાચસ્પતિ મિશ્ર નામના ઋષિ થઇ ગયા. ષડશાસ્ત્રો પર તેમને લખેલી ટીકાઓ પ્રખ્યાત છે.
ગ્રંથો લખે અને આખો દિવસ તપશ્ચર્યા કરે.લગ્ન થયેલું પણ ૩૬ વર્ષ સુધી જાણતા નહોતા કે મારી પત્ની કોણ છે ?
એક દિવસ બ્રહ્મસૂત્રના શાંકરભાષ્ય પર ટીકા લખતા હતા.એક લીટી બરાબર બેસતી નહોતી.દીવો થોડો મંદ થયો હતો એટલે બરોબર દેખાતું નથી.તે વખતે પત્ની આવી દીવાની વાટ સંકોરે છે. વાચસ્પતિ ની નજર તેમના પર પડી-તેઓ પૂછે છે-કે-દેવી તમે કોણ છો ? પત્ની એ યાદ દેવડાવ્યું-કે ૩૬ વર્ષ પહેલાં નાની ઉમરમાં આપણાં લગ્ન થયેલાં છે. હું તમારી પત્ની છું.
વાચસ્પતિ ને સઘળું જ્ઞાન થાય છે. કહે છે-કે-૩૬ વર્ષ સુધી કંઈ પણ બોલ્યા ચાલ્યા વગર,મારી આટલી સેવા કરી,તારા અનંત ઉપકાર છે. તારી કંઈ ઈચ્છા છે?
પત્ની કહે છે-મારી કાંઇ ઈચ્છા નથી,જગતના કલ્યાણ માટે શાસ્ત્રોની ટીકા લખો છો, હુ આપની સેવા કરી કૃતાર્થ થઇ.
વાચસ્પતિ નું હૃદય ભરાયું. કાંઇ માગવા કહ્યું,છતાં પત્ની એ કંઇ માગ્યું નહિ.તેમણે પત્ની ને તેનું નામ પૂછ્યું- જવાબ મળ્યો-ભામતિ.
વાચસ્પતિ કહે છે-આજે જે હું બ્રહ્મસૂત્ર ના શાંકરભાષ્ય પર ટીકા લખું છું-તેનું નામ ભામતિ ટીકા-રહેશે.
આજે પણ એ વેદાંત નો અદભૂત ગ્રંથ ગણાય છે.
આવો હતો ભારત વર્ષ. આવા પુરુષોને સાચું જ્ઞાન મળે છે.
બાકી જ્ઞાન બજારમાં મળતું નથી.પુસ્તકો નો આજકાલ બહુ પ્રચાર થયો છે.પણ કોઈના મસ્તક માં સાચું જ્ઞાન જોવામાં મળતું નથી.
વાતો બધા જ્ઞાન ની કરે છે.પણ પૂર્ણ સંયમ વગર જ્ઞાન આવે નહિ,પરમાત્મા(સત્ય) પ્રગટ થાય નહિ.
કર્દમ એ જીવાત્મા છે-અને દેવહુતિ તે નિષ્કામ બુદ્ધિ છે. નિષ્કામ બુદ્ધિ દેવને બોલાવી શકે છે.
દેવહુતિ પતિની સેવા કરે છે,પતિના મનમાં મન મેળવી દીધું છે. પતિ માગે તે પહેલાં જ વસ્તુ હાજર રાખે છે.
લગ્ન નો અર્થ છે --તન-બે પણ મન એક. ગૃહસ્થાશ્રમ એ-અદ્વૈત (એક) નું પહેલું પગથિયું છે.
પતિ-પત્ની નો સ્વભાવ એક હોવો જોઈએ.મતભેદ હોય તો બંને ને શાંતિ મળતી નથી.
બંને ના મન એક હોય-બંને નું લક્ષ્ય એક હોય-તો સંસાર દીપે છે....ગૃહસ્થાશ્રમ દિવ્ય બને છે.
અનેક વર્ષો સુધી આદિનારાયણ પરમાત્માનું ધ્યાન કર્યું છે. સેવા કરતાં કરતાં દેવહુતિ નું શરીર બહુ દુર્બળ થયું છે, જાણે હાડકાં જ બાકી રહ્યાં છે. એક દિવસ કર્દમની નજર દેવહુતિ પર ગઈ, દેવહુતિને કહે છે-દેવી,તમને ધન્ય છે, સર્વને પોતાનું શરીર પ્રિય હોય છે, પણ મારી સેવા કરવામાં તમે શરીરનો મોહ ના રાખ્યો. મારા માટે તમે ઘણું સહન કર્યું, આજે હું પ્રસન્ન છું, તમારે જે માગવું હોય તે માગો.
દેવહુતિ કહે છે-મને કોઈ પણ અપેક્ષા નથી. તમારાં જેવા સમર્થ ભગવદપરાયણ પતિ મળ્યા પછી શું જોઈએ ?
છતાં કર્દમ આગ્રહ કરે છે-એટલે દેવહુતિ કહે છે-કે-આપે મારી પાસે પ્રતિજ્ઞા કરી હતી-કે એક બાળક થાય પછી સંન્યાસ લઈશ.
મારા મન માં એવી ભાવના છે કે એક બાળક હોય  તો સારું.
કર્દમઋષિ એ આજ્ઞા કરી કે તમે બિંદુ સરોવર માં સ્નાન કરો. હાથ માં પાણી લીધુ અને સો વર્ષની તપશ્ચર્યા નું ફળ અર્પણ કર્યું.
દેવહુતિ નું શરીર બદલાય છે,અલૌકિક શરીર ની પ્રાપ્તિ થઇ છે. સંકલ્પ થી કર્દમ-ત્રણ માળનું વિમાન બનાવે છે, ને પોતે પણ કામદેવ જેવા સુંદર થઇ વિમાન માં બેઠા. કર્દમ દેવહુતિ ના કામ-શૃંગાર નું બહુ વર્ણન કર્યું છે.
વક્તા તે શૃંગાર નું વર્ણન કરે નહિ. કથા મન ને પવિત્ર કરવા માટે છે. શૃંગાર-રસ મન ને બગાડે છે.
કથામાં શાંત અને કરુણરસ પ્રધાન છે,શૃંગાર અને હાસ્યરસ ગૌણ છે. કથામાં કવચિત હાસ્ય અને વીર રસ આવે પણ શૃંગારરસ નહિ.
કથામાં શૃંગારરસ નું વર્ણન કરવાની મહાત્માઓ એ આજ્ઞા આપી નથી.
રામદાસ સ્વામી એ દાસબોધ માં કથા કેવી રીતે કરવી તેનો એક અધ્યાય લખ્યો છે. કહ્યું છે-કે-
ગ્રંથ નો ગુહ્યાર્થ કહેવો પણ લૌકિકાર્થ ન કહેવો.
ભાગવત ના બીજા સ્કંધના સાતમાં અધ્યાય માં કથા કેમ કરવી?-તે બ્રહ્માજીએ નારદજીને બતાવ્યું છે.
આ સો વર્ષમાં કર્દમ-દેવહુતિ ને ત્યાં નવ કન્યાઓ થઇ.
કહેવાનો મતલબ એવો છે-કે-
નવ કન્યાઓ એટલે નવધા ભક્તિ. નવધા ભક્તિ ના આવે ત્યાં સુધી કપિલ એટલે જ્ઞાન  ના આવે.
(શ્રવણ-કિર્તન-સ્મરણ-પાદસેવન-અર્ચન-વંદન-દાસ્ય-સખ્ય અને આત્મનિવેદન આ નવધા ભક્તિ છે.)
(તત્વ દ્રષ્ટિએ છેવટે જ્ઞાન અને ભક્તિમાં બહુ અંતર નથી. ભક્તિમાં પહેલાં દાસોહમ-અને પછી-સોહમ થાય છે.)
(સામાન્ય અર્થ કરીએ તો નવ કન્યાઓના પિતાને એક એકને પરણાવતાં પછી અક્કલ ઠેકાણે આવે-કે મેં આ શું કર્યું ?)
નવ કન્યાઓના જન્મ પછી કર્દમ સંન્યાસ લેવા તૈયાર થયા. દેવહુતિ ગભરાયા.
કર્દમ કહે છે-કે મેં તારા પિતાને કહ્યું હતું કે સંન્યાસ લઈશ.હું કઈ નવી વાત કરતો નથી.
દેવહુતિ કહે છે-નાથ,હું પણ ત્યાગ કરવા તૈયાર છું. પણ આપે પ્રતિજ્ઞા કરેલી કે એક પુત્રના જન્મ પછી હું સંન્યાસ લઈશ.
તો હજુ પુત્ર નો જન્મ થયો નથી, આ નવ કન્યાઓ અને મારી દેખભાળ કોણ રાખશે ?
(આ પલટણ ઉભી કરી છે-તેને ઠેકાણે પાડજો-અને પછી સંન્યાસ લેજો)
કર્દમ કહે છે-કે-મને ભગવાને વચન આપ્યું છે-હું તારે ત્યાં પુત્ર રૂપે જન્મીશ.-પણ હજુ સુધી તે કેમ પધારતા નથી ?
આપણે વિલાસી જીવન ગાળવા લાગ્યા તે સારું નથી. વિલાસી જીવ થી ભગવાન દૂર રહે છે.
સરસ્વતી ને કિનારે સાદું જીવન જીવી,કંદમૂળ ખાતા હતાં-તેવું સાત્વિક જીવન ગાળીએ તો જ ભગવાન પધારે.
કર્દમ-દેવહુતિ એ વિમાન નો ત્યાગ કર્યો, વિલાસી જીવન નો અંત કર્યો. પછી અનેક વર્ષ સુધી પરમાત્મા નું આરાધન કર્યું.
તે પછી દેવહુતીના ગર્ભ માં સાક્ષાત નારાયણ પધાર્યા છે. પરમ પવિત્ર સમય પ્રાપ્ત થયો છે.
યોગીઓના અને સાધુઓના આચાર્ય પ્રગટ થવાના છે. કપિલ નારાયણનાં દર્શન કરવા બ્રહ્માદિક દેવો કર્દમ ના આશ્રમ માં આવ્યા છે.
કારતક માસ,કૃષ્ણ પક્ષ અને પંચમી ને દિવસે કપિલ ભગવાન પ્રગટ થયા છે. બ્રહ્માજી એ કર્દમ ને ધન્યવાદ આપ્યા છે.
તમારો ગૃહસ્થાશ્રમ સફળ થયો. બાળકના પગમાં કમળનું ચિહ્ન છે,તેથી માનુ છું તે ભગવાન નો અવતાર છે.
તમે જગત પિતા ના પણ પિતા બન્યાં છો.
તે- માતા ને નિમિત્ત કરીને-જગતને તત્વજ્ઞાન નો ઉપદેશ કરશે. મા ને સદગતિ આપશે.
કર્દમ કહે છે-દિકરો આવ્યો તેથી આનંદ છે-પણ આ નવ કન્યાની ચિંતા થાય છે.
બ્રહ્મા નવ ઋષિઓને સાથે લાવેલા. એક એક ને એકેક કન્યા વળાવી છે.અત્રિ ને અનસુયા આપી,વશિષ્ઠ ને અરુંધતી આપી..વગેરે...
કર્દમઋષિ એ વિચાર કર્યો કે હવે માથે થી બોજો ઉતરી ગયો. પ્રભુ ની કૃપા અપાર છે.
કપિલ ધીરે ધીરે મોટા થયા. એક દિવસ પિતા કર્દમ -પુત્ર પાસે આવી સંન્યાસ લેવાની આજ્ઞા માગે છે.
કપિલે કહ્યું-પિતાજી,તમારો વિચાર બહુ સુંદર છે.બહોત ગઈ અને થોડી રહી. સંન્યાસ લઇ તમે પરમાત્માનું ધ્યાન કરો. સંન્યાસ લીધા પછી મારી મા નું કે સંસાર નું ચિંતન કરશો નહિ. હું મારી મા ને સાચવીશ. વૈરાગ્યથી સન્યાસી દીપે છે.
કર્દમઋષિ એ- ગંગા કિનારે સંન્યાસ લીધો.પરમાત્મા માટે સંસાર ના સર્વ સુખો નો ત્યાગ-એ જ સંન્યાસ.
સંન્યાસ ની વિધિ બરાબર થાય તો જોનાર ને પણ વૈરાગ્ય આવે છે.
પ્રથમ પ્રાયશ્ચિત કરવું પડે છે. જે દિવસે સંન્યાસ લેવાનો હોય તે દિવસે ગંગા માં ૧૦૮ વાર સ્નાન કરવું પડે છે.
છેલ્લા સ્નાન વખતે-શિખા (ચોટી), સૂત્ર (જનોઈ) અને વસ્ત્રનો પણ ત્યાગ કરવો પડે છે. લંગોટી પણ ફેંકી દઈ નગ્ન અવસ્થામાં
પાણી ની બહાર આવવું પડે છે. તે પછી બહાર જે કોઈ કુટુંબીજનો આવ્યા હોય-તેમણે વંદન કરવાં પડે છે. પત્ની માં પણ
માતૃભાવ રાખવો પડે છે.પત્ની તે વખતે પતિ ને વસ્ત્ર આપે છે-પત્ની તે વખતે કહે છે-કે-તમે આજ થી વાસનારહિત થયા છો.
તમને લંગોટી ની જરુર નથી,પણ લોક લજ્જા ના માટે તમે લંગોટી ધારણ કરો.
તે લંગોટી પહેરીને પછી-દેવ,બ્રાહ્મણ,સૂર્ય,અગ્નિ,ગુરુ-આ બધાની સમક્ષ વિરજા હોમ કરવો પડે છે. વેદ ના મંત્રોથી અગ્નિ માં આહુતિ
આપવી પડે છે. અગ્નિ,બ્રાહ્મણ,ગુરુ સમક્ષ અનેક પ્રતિજ્ઞા ઓ કરવી પડે છે.
મને કોઈ ભોગ ભોગવવાની ઈચ્છા નથી, મારા મન માં કોઈ વાસના રહી નથી. હું સંસાર સુખ નો ત્યાગ કરું છું.
હું હવે ભગવદમય જીવન ગાળીશ....વગેરે
એક વાર જેનો ત્યાગ કર્યો- પછી તેનું ચિંતન ન થાય.
પાપ ના ,વાસના ના-સંસ્કાર અતિ દૃઢ હોય છે.મનુષ્ય કેટલીક વાર પાપ-તેના જુના સંસ્કારો ને આધારે કરે છે. 
દુર્યોધન મહાભારત માં બોલ્યો છે-
જાનામિ ધર્મમ ન ચ મેં પ્રવૃત્તિ,જાનામિ અધર્મ ન ચ મેં નિવૃત્તિ--કેનાપિ દેવેન હૃદિ સ્થિતેન યથા નિયુક્તોસિ તથા કરોમિ.
(હું ધર્મ શું છે અને અધર્મ શું છે તે જાણું છું પણ તે પ્રમાણે વર્તી શકતો નથી, હૃદયના જુના સંસ્કારો મને પાપ કરાવે છે)
અહીં દેવ શબ્દ નો અર્થ ઈશ્વર નથી પણ  જુના સંસ્કારો (દૈવ્ય) છે.
કર્દમઋષિ મનને સમજાવે છે.મન ના માને તો તેને પરમાત્મા ના જપમાં રાખે છે. આદિ નારાયણ નું ચિંતન કરતાં કરતાં ભાગવતી મુક્તિ મળી છે.(પ્રભુ નું ધ્યાન કરતાં કરતાં ભક્ત પ્રભુ બને છે)
હવે કપિલ ગીતા નો પ્રારંભ થાય છે. આ દિવ્ય પ્રસંગ છે.
દીકરો મા ને ઉપદેશ આપે છે.
ભાગવત નું આ અગત્યનું પ્રકરણ છે.
તેના નવ અધ્યાય છે. કપિલ ગીતા  નો પ્રારંભ અધ્યાય -૨૫ થી છે. તેમાં સાંખ્ય શાસ્ત્ર નો ઉપદેશ છે.
ત્રણ અધ્યાય માં પહેલાં વેદાંત નું જ્ઞાન કહ્યું છે. ત્યાર બાદ ભક્તિ નું વર્ણન કર્યું છે.તે પછી સંસારચક્ર નું વર્ણન આવે છે.
એક દિવસ માતા દેવહુતિ એ વિચાર્યું-કે-જયારે કપિલ નો જન્મ થયેલો ત્યારે બ્રહ્માજી એ કહેલું કે-
આ બાળક સાક્ષાત નારાયણ નોં અવતાર છે. આ બાળક મા નો ઉદ્ધાર કરવા આવ્યો છે. તેમને હું પ્રશ્ન પૂછીશ તો તે જવાબ આપશે.
દેવહુતિ કપિલ ભગવાન પાસે આવ્યા છે.સદભાવ થી વંદન કરી કહ્યું-આપ આજ્ઞા કરો તો મને પ્રશ્ન પૂછવાની ઈચ્છા છે.
કપિલ ભગવાન કહે છે-કે- મા સંકોચ ના રાખો.તમારે જે પૂછવું હોય તે પૂછો.મા,તમે જે પુછશો,તેનો ઉત્તર હું કહીશ.
દેવહુતિ એ પ્રથમ શરણાગતિ લીધી છે. (ઈશ્વરની શરણાગતિ વગર ઉદ્ધાર થતો નથી.)
દેવહુતિએ પ્રશ્ન કર્યો છે-કે-આ જગતમાં સાચો આનંદ છે કે નહિ ? અને હોય તો ક્યાં છે ? તે બતાવો.
જે આનંદ નો વિનાશ ન થાય તેવો આનંદ બતાવો. જગતમાં સાચું સુખ શું છે ? તે કહો.
આં ઇન્દ્રિયો ના લાડ અનેક વખત કર્યા છે,શરીર રોગી  થાય છે,પણ વાસના શાંત થતી નથી. મન ને શાંતિ મળતી નથી.
આ ઇન્દ્રિયો બહુ ત્રાસ આપે છે. આ વાસના મને બહુ પજવે છે.
વૃદ્ધાવસ્થામાં પણ વાસના જુવાન રહે છે. વાસના એ ભિખારણ જેવી છે,તેને જેમ જેમ ખવડાવો,તેમ તેમ તેની ભુખ વધે છે.
આ વાસના રાક્ષસી એવી છે-એને જે ખવડાવે છે-તેને જ તે ખાઈ જાય છે. ઇન્દ્રિયો રોજ રોજ નવા વિષયો  માગે છે,
જીભ રસસુખ તરફ ખેંચે છે,આંખ રૂપ ના સુખ તરફ ખેંચે છે,ત્વચા સ્પર્શના સુખ તરફ ખેંચે છે,
ઇંદ્રિયો થોડું સુખ આપે છે-પછી દુઃખ ના ખાડા માં ધકેલી દે છે.
કેટલાંક લોકો યાદ રાખે છે-કે-બે મહિનાથી ઢોકળાં ખાધાં નથી. અરે...તમે બે માસ થી ઢોકળાં ખાધાં નથી તે યાદ રાખો છો પણ-
આજ સુધી માં કેટલાં ખાધાં તે યાદ રાખતા નથી.આજ સુધી માં બે ચાર મણ ઢોકળાં પેટ માં ગયાં હશે.
કદાચ ઢોકળાં ખવડાવી જીભ ને રાજી કરો તો આંખો કહેશે-બે માસ થી ફિલ્મ જોઈ નથી. આ વિચાર કરો ત્યાં સ્ત્રી કહે કે-પાડોશીઓ
તો મહિના માં બે-ચાર વાર જોવા જાય છે. આ નવું ફિલ્મ તેઓ ક્યારના ય જોઈ આવ્યા,આપણે ક્યારે જઈશું ?
સુધરેલા લોકો માને છે-કે-હોટેલ નું ખાઈએ,અને સિનેમા જોવા જઈએ એટલે અમે સુખી છીએ. સાચાં સુખની કોઈને ખબર નથી.
કેટલાંક કહે છે-કે અમે ધાર્મિક ફિલ્મો જોઈએ છીએ. પણ શું રામ નો પાઠ ભજવનાર રામ જેવો હોય છે ?
કેટલાંક કહે આખો દિવસ કામ કરીને થાક લાગ્યો હોય તો કોઈ મનોરંજન તો જોઈ ને ? શૃંગાર ના ચિત્રો જોવાથી મનોરંજન થતું
નથી પણ મન બગડે છે,મન ચંચળ થાય છે,મન ની શક્તિઓ નો નાશ થાય છે. ફિલ્મ જોવાથી થાક ઉતરતો નથી,પણ થાક લાગે છે.
શંકર સ્વામી એ એક જગ્યાએ આ ઇન્દ્રિયો ને ચોર કહી છે. વિવેક રૂપી ધન ઇન્દ્રિયો ચોરી ને લઇ જાય છે.
ઇન્દ્રિયો ચોર કરતા યે વધુ ખરાબ  છે, ચોર તો જેના આધારે હોય જેના ઘરમાં રહેતો હોય-તેના ત્યાં ચોરી કરતો નથી, જયારે
ઇન્દ્રિયો તો પોતાના પતિ આત્મા ને છેતરે છે.(ઇન્દ્રિયો આત્મા ના આધારે રહે છે.)
આત્મા શક્તિ આપે છે-------બુદ્ધિ ને,   બુદ્ધિ-મન ને,    અને મન-ઈન્દ્રિયોને.
ઇન્દ્રિયો -જે આત્મા ના આધારે, જીવે છે-તે આત્મા નું જ વિવેકરૂપી ધન લુંટી ને લઇ જાય છે.
દેવહુતિ કપિલ ભગવાનને કહે છે-મને શાંતિ નો માર્ગ બતાવો, હું સ્ત્રી છું, હું સમજી શકું તેવી સરળ ભાષામાં સમજાવો.
કપિલ ભગવાન ને આનંદ થયો. બોલ્યા: મા તેં સુંદર પ્રશ્ન કર્યો છે.
કોઈ પણ સુખ ભોગવવાની ઈચ્છા એ-જ મહાન દુઃખ છે. જે સંસાર ના જડ પદાર્થો સુખ આપે છે-તે જ દુઃખ આપે છે.
જેને બીજાથી સુખ મળે છે,તે દુઃખી થાય છે. સંસાર સુખ-દુઃખ થી ભરેલો છે. જેને સુખ ભોગવવું છે,તેને દુઃખ ભોગવવું પડે છે.
સુખ ની પાછળ દુઃખ ઉભું જ છે. સુખ-દુઃખ સગા ભાઈઓ છે.
આનંદ એ બહાર નથી,આનંદ એ તો અંદર છે.પરમાત્મા આનંદ સ્વરૂપ છે,પરમાત્મા સર્વ માં ચૈતન્યરૂપે રહેલા છે.
મા,આનંદ કોઈ જડ પદાર્થ માં રહી શકતો નથી. આનંદ એ તો આત્મા નું સ્વરૂપ છે.
અજ્ઞાન થી મનુષ્ય, જડ પદાર્થ માં આનંદ શોધે છે. સંસાર ના પદાર્થો જડ હોવાથી જીવ ને આનંદ આપી શકતા નથી.
તે આનંદ આપતા નથી,પણ થોડું સુખ આપે છે. જેને સુખ ભોગવવાની ઈચ્છા નથી તેને આનંદ મળે છે.
જે સુખ આપે છે-તે દુઃખ પણ આપશે. પરંતુ ભગવાન હંમેશા આનંદ આપશે.
આનંદ એ પરમાત્માનું સ્વરૂપ છે,ચેતન પરમાત્મા આનંદ આપે છે.
આ શરીર ને સ્પર્શ કરવાથી કાંઇ આનંદ મળતો નથી,છતાં વિવેક રહેતો નથી.
શરીર ની ચામડી ઉખડી જાય તો શરીર સામું જોવાની ઈચ્છા થશે નહિ.તેમ છતાં સ્પર્શસુખ માં માનવી સુખ માને છે.
સંસારનું સુખ દરાજ(ચામડી નો એક રોગ) ને ખંજવાળવા જેવું છે.
દરાજ ને જેટલો વખત ખંજવાળો ત્યારે સુખ જેવું લાગે છે.પણ ખંજવાળવાથી નખ ના ઝેર થી દરાજ વધે છે.
જગત ના પદાર્થો માં આનંદ નથી,આનંદ નો આભાસ માત્ર છે. આ જગત દુઃખરૂપ છે.
ગીતા માં કહ્યું છે-
ક્ષણભંગુર(અનિત્ય).સુખ વગરના, આ જગત ને પ્રાપ્ત કરીને પણ-તું મારું જ ભજન કર (ગીતા-૯-૩૩)
જે સુખ- વિષય અને ઇન્દ્રિયોના સંયોગ થી થાય છે,તે આરંભમાં (ભોગકાળમાં) અમૃત સમાન લાગે છે, પણ પરિણામમાં તે વિષ (ઝેર) સમાન છે, એટલે આ સુખ ને રાજસ-સુખ કહેવામાં આવ્યું છે. (ગીતા-૧૮-૩૮)
મા, જો શરીર માં આનંદ હોય-તો તેમાં થી પ્રાણ નીકળી ગયા પછી-તેને લોકો સાચવી કેમ રાખતા નથી ?
ઉલટું કહે છે-જલ્દી લઇ જાવ,નહીતર વજન વધી જશે. પત્ની, પણ એના પતિના મૃત શરીર ની નજીક જતાં ડરે છે.
શરીર માં આંખ,નાક કાન,મોઢું અને ચામડીમાં થી દુર્ગંધ જ આવે છે,છતાં માનવી કહે છે-શરીર સુંદર છે,શરીર સુખ આપે છે.
વિષયો જડ છે. જડ પદાર્થ માં આનંદ કેવી રીતે હોઈ શકે ? જડ પદાર્થ માં આનંદ-ચૈતન્ય (પ્રભુ) ના સ્પર્શ થી ભાસે છે.
જીવ -જીવ ને મળે તો સુખ થાય છે, પણ મડદાને મળવા થી સુખ થતું નથી.(મડદામાં જીવ નથી)
શરીર -શરીર ને મળે જો સુખ થતું હોય તો મડદાને મળવાથી સુખ થવું જોઈએ.
બે શરીરના સ્પર્શ થી સુખ નથી મળતું પણ બે પ્રાણ (જીવ) ભેગા થાય છે, એક થાય છે,એટલે સુખ જેવું લાગે છે.
જો બે પ્રાણ મળવાથી સુખ થાય છે-તો અનેક પ્રાણો જેમાં મળેલા છે તે પરમાત્મા ને મળવાથી કેટલો આનંદ થાય !!!
બહિર્મુખ (બહાર ભટકતું) મન જયારે અંતર્મુખ બને,એકાગ્ર થાય ત્યારે આત્માનું તેમાં પ્રતિબિંબ પડે છે, ને જ્યાં સુધી મન ની એકાગ્રતા રહે (તરંગ વગરનું રહે) ત્યાં સુધી આનંદ નો ભાસ થાય છે. પણ મન ચંચળ છે, જેવા મન માં તરંગ થયા, જેવું મન વ્યગ્ર થયું કે તે આનંદ ઉડી જાય છે.
આનંદ એ આત્મા નું સહજ સ્વરૂપ છે,
જેવી રીતે પાણી ની શીતળતા તેનું સહજ સ્વરૂપ છે તેમ.
પાણી ને અગ્નિ અડે તો તે ગરમ થાય છે-પણ અગ્નિ દૂર જવાથી પાછું ઠંડું થાય છે.
એમ આનંદ આત્મા માં જ છે-અંદર જ છે. અને જો આત્મા અને પરમાત્માનું મિલન થાય તો પરમાનંદ છે.
દીવામાં તેલ હોય ત્યાં સુધી દીવો બળે છે,દીવાનું તેલ ખૂટે એટલે દીવો શાંત બને છે. તે પ્રમાણે જ-
મન માં સંસાર હોય-ત્યાં સુધી જ મન બળે છે. મન માં સંસાર ના રહે તો મન શાંત થાય છે.
ધ્યાન માં રાખો-કે-બહાર નો સંસાર દુઃખ આપતો નથી,પણ મન માં રહેલો સંસાર દુઃખ આપે છે.
નિંદ્રામાં જેમ મન નિર્વિષય થાય છે-તેવું-જ જો જાગ્રત અવસ્થામાં પણ મન-નિર્વિષય રહે તો શાંતિ મળે છે.
નિંદ્રામાં જેવું નિર્વિષય મન રહે છે-તેવું મન બનાવવું હોય તો-મન ના વિકારો ને બહાર ધકેલી દો કે મન માં બીજું કાંઇક ભરો.
જેમ કે મન ને પરમાત્મા ના પ્રેમ થી  ભરી દો-એટલે ત્યાં રહેલો સંસાર નીકળી જશે.
સંસાર માં જો આનંદ હોય તો તેને છોડી ને કોઈ ને સુવાની ઈચ્છા થાય જ નહિ.
નિંદ્રામાં નથી કંઈ ખાવાનું મળતું,નથી પીવાનું મળતું,નથી પૈસો મળતો,-પણ અલૌકિક શાંતિ-આનંદ મળે છે. તે શાંતિ કોણ આપે છે ?
અતિકામી,અતિલોભી હોય પણ સર્વ કંઈ છોડીને સુઈ જાય ત્યારે તેને શાંતિ મળે છે.
ગમે તેટલી સુખ-સંપત્તિ હોય-પણ તેને જો નિંદ્રા ન આવે તો તે દુઃખી થાય છે.
કેટલાક નિંદ્રા માટે ગોળી લે છે.
પણ ભાગવત માં નિંદ્રા લાવવા માટે એક સુંદર દવા આપી છે.
નિંદ્રા ના આવે તો પથારી માં આળોટશો નહિ,પથારી માં બેઠા થઇ,માળા લઇ-હરે રામ,હરેકૃષ્ણ- મંત્ર નો જપ કરો.
નિદ્રાદેવી જ્યાં હશે ત્યાંથી દોડતાં આવશે. કારણ કુંભકરણ ની સ્ત્રી નો શાપ છે.
કુંભકરણ ની સ્ત્રી (નિંદ્રા) વિધવા થઇ.તેણે ભગવાન પાસે આવી-કહ્યું- આપે મારા પતિ ને માર્યો, હવે હું ક્યાં જાઉં ?
ભગવાને કહ્યું-તું નાટક-સિનેમા  જોવા જજે. કુંભકરણ ની વિધવાએ કહ્યું-હું તો નાટક-સિનેમા જોવા જાઉં નહિ, હું પતિવ્રતા છું, એકલી
કેમ જાઉં? તમે મારા પતિ ને માર્યો-એટલે તમારાં સાથે મારે વેર થયું છે,મારે વેર નો બદલો લેવો છે, એટલે તમારી જ્યાં
કથા વાર્તા થતી હશે,સ્મરણ થતું હશે-ત્યાં હું જઈશ.
એટલે કથા માં બેઠા હોવ,કે માળા હાથમાં લો-એટલે નિંદ્રા દેવી દોડતાં આવે છે,બે-ત્રણ દિવસના ઉજાગરા હોય તો પણ
નાટક-સિનેમા માં ઊંઘ આવતી નથી.......
આ તો હળવા અર્થ માં કહ્યું-માળા કરતા નિંદ્રા આવે તો-માનજો-મારું પાપ હજુ વધારે છે.
નિંદ્રા માં ચેતન પરમાત્મા ના સ્પર્શ થી સુખ મળે છે,આનંદ મળે છે.મન નિર્વિષય બને એટલે ચેતન પરમાત્મા નો સ્પર્શ મળે છે.
પરંતુ નિદ્રાનું સુખ અજ્ઞાન થી ઢંકાયેલું હોવાથી, તેને તામસ સુખ માન્યું છે.
મા, આત્મા તો નિત્ય શુદ્ધ છે,આનંદરૂપ છે,સુખ-દુઃખ એ મન ના ધર્મો છે. મન નિર્વિષય થાય એટલે આનંદ મળે છે.
દૃશ્ય પદાર્થ (જગત) માં થી દૃષ્ટિ  (મન-બુદ્ધિ) હટી જાય-અને દ્રષ્ટા (પ્રભુ) માં દૃષ્ટિ (મન-બુદ્ધિ) સ્થિર થાય-એટલે આનંદ મળે છે.
દૃશ્ય (જગત) નો સાચો દ્રષ્ટા (જોનાર- (પ્રભુ) છે. અને જે દ્રષ્ટા ને સાક્ષી- કહે છે. જે દ્રષ્ટા આનંદ રૂપ છે.
દૃશ્ય (જગત) એ દુઃખ રૂપ છે,એટલે તેમાંથી દૃષ્ટિ (મન-બુદ્ધિ) હટાવી-દ્રષ્ટા (પ્રભુ) માં સ્થિર કરો-એટલે આનંદ-આનંદ.
અને દૃષ્ટિ દ્રષ્ટા માં મળી જાય-એકરૂપ થઇ જાય-તો પરમાનંદ.
દેવહુતિ કહે છે-મહારાજ,તમે ભલે ના પાડો,પણ ભાવતું ભોજન(જીભ-નો વિષય) મળે તો આનંદ થાય છે.
કપિલદેવ કહે છે-ભોજન માં આનંદ છે-તે કલ્પના ખોટી છે.કારણ તે આનંદ સર્વકાળ એક સરખો નથી.
ઉદાહરણ તરીકે કોઈને શિખંડ ખાવામાં આનંદ આવે છે. પણ જો તેનું પેટ ભરેલું હોય,કે તેને અજીર્ણ થયું હોય,કે માંદો-તાવમાં હોય.
તેની સામે શિખંડ મુકવામાં આવે તો તેને આનંદ નહિ થાય.ખરેખર- જો શિખંડમાં આનંદ હોય તો-તેને અત્યારે શિખંડ ખાવામાં આનંદ મળવો જોઈએ. પણ અત્યારે એ શિખંડ સામે નજર પણ નહિ કરે. એટલે શિખંડ માં-ભોજન માં આનંદ નથી.
કલ્પના કરો-કે કોઈ શ્રીમંત શેઠ આનંદ થી શિખંડ-પૂરી જમે છે. ત્યાં મુંબઈ ની પેઢી માં થી ફોન આવ્યો-કે પેઢી ડૂબી ગઈ છે-
ત્યારે એ જ શિખંડ ઝેર જેવો થઇ જાય છે, ભાવતો નથી.
મા, ભોજન માં સંસાર ના જડ પદાર્થો માં આનંદ નથી. જે આનંદ દેખાય છે-તે ક્ષણિક છે, થોડા સમય પુરતો  છે. જયારે જયારે ચેતન પરમાત્મા નો સ્પર્શ થાય ત્યારે આ આનંદ ઉદ્ભવે છે. સતત આનંદ માત્ર પરમાત્મા માં છે.
આનંદ નો કોઈ વિરોધી શબ્દ જડશે નહિ. આનંદ એ બ્રહ્મ-પરમાત્મા સ્વરૂપ છે. એટલે જ જીવાત્મા (આત્મા) પણ આનંદ રૂપ છે.
જીવાત્મા ની અંદર આત્મા રૂપે આનંદ બેઠેલો છે-પણ જીવ (મનુષ્ય)  આનંદ બહાર(જડ પદાર્થો માં-બીજામાં) શોધવા જાય છે.
અને જે આનંદ(સુખ) વધારે વખત ટકતો નથી.- અને દુઃખી થાય છે.
સુખ-દુઃખ એ અજ્ઞાન (આત્મા-પરમાત્મા નું અજ્ઞાન) નું પરિણામ છે. સુખ-દુઃખ એ અજ્ઞાન નું સ્વરૂપ છે.
આત્મા ને ના તો સુખ થાય છે-ના તો દુઃખ થાય છે.
મારા મન માં પાપ આવ્યું છે-એ જેને દેખાય છે”-તે આત્મા છે. આત્મા એ મન નો સાક્ષી છે.
1.     સુખ-દુઃખ એ મન ની ઊર્મિ  (ધર્મ) છે.કોઈ  પ્રેમી મળે તો સુખ-લાગે અને પ્રેમી મરે તો દુઃખ લાગે.
2.     ભુખ-તરસ એ શરીર ની ઊર્મિ(ધર્મ) છે.બહુ પરસેવો વળી જાય તો તરસ લાગે, સમય થાય એટલે ભુખ લાગે.
3.      જન્મ-મરણ એ પ્રાણ ની ઊર્મિ  (ધર્મ) છે.હરેક અંદર જતો શ્વાસ જીવન છે-અને બહાર જતો શ્વાસ મરણ છે.
(બાળક જન્મે ત્યારે શ્વાસ નથી લેતું હોતું-તેને થપથપાવે-એટલે રુદન નો એક આંચકો આવે અને શ્વાસ જીવન શરુ થાય છે)
સુખ-દુઃખ મનને થાય એટલે આત્મા કલ્પે છે-મને દુઃખ થાય છે. મનને થયેલાં સુખ-દુઃખનો આરોપ અજ્ઞાનથી-આત્મા પોતાનાપર કરે છે.અહીં મનની –‘ઉપાધિ’-થી આત્મા સુખ-દુઃખનો આરોપ પોતા પર કરે છે.
સુખ-દુઃખ આત્મામાં ઉપાધિથી  (અજ્ઞાનથી) ભાસે છે.
ઉદાહરણ તરીકે જોઈએ તો-આત્મા સ્ફટિકમણી જેવો શુદ્ધ છે. અને સ્ફટિકમણી ની પાછળ જેવા રંગ નું  ફૂલ મુકો તેવો તે દેખાશે.
પણ તેથી કંઈ સ્ફટિક નો રંગ તે ફૂલ નો રંગ છે તે નથી,પોતે તો શુદ્ધ છે. પણ સંસર્ગ થી તે-તે રંગ વાળો દેખાય છે.
જળ માં ચંદ્ર નું પ્રતિબિંબ પડતું હોય, અને જો જળમાં તરંગો થાય-હલન ચલન થાય-તો ચંદ્ર હાલતો દેખાશે. પણ હકીકત માં ચંદ્ર હાલતો નથી.
બસ આ ઉદાહરણ મુજબ-દેહ-મન-અને પ્રાણ ની ઊર્મિઓ (ધર્મો) પોતાના માં નહિ હોવાં છતાં-જીવાત્મા તે પોતાનામાં કલ્પી લે છે-બાકી જીવાત્મા પોતે નિર્લેપ છે.
શરીર માં દસ ઇન્દ્રિયો છે. અને આ દરેક ઇન્દ્રિયો ના વિષયો છે. જેમ કે જીભ નો વિષય એ રસ-છે.
આ ઇન્દ્રિયો વિષય નું ચિંતન કરે છે,એટલે મન તેમાં ફસાય છે. મન હવે-તે વિષયોનું ચિંતન કરતાં કરતાં વિષયાકાર બને છે.
વિષયો જયારે મન માં પ્રવેશે છે-એટલે-અહંતા,મમતા આવે છે.
મન જયારે માને છે -કે આ મારો છે-ત્યારે સુખ થાય છે, અને પછી મન તેની જોડે મમતા કરે છે, અને મનુષ્ય ને માર ખવડાવે છે.
ઉદાહરણ તરીકે જોઈએ-તો એક ઘરમાં ઉંદર પણ રહે છે અને પાળેલો પોપટ પણ રહે છે. એક દિવસ બિલાડી આવે છે-અને
ઘરમાંથી ઉંદર ને પકડી ને લઇ જાય છે.ત્યારે ઘરનાં કોઈને દુઃખ થતું નથી,ઉપરથી રાજી થાય છે. એક ઉંદર ઓછો થયો.
પણ બીજા દિવસે બિલાડી આવે છે અને ઘરમાંથી પોપટ ને લઇ જાય છે. તો ઘરનાં બધા દુઃખી થઇ જાય છે.
ઉંદર માં મમતા નહોતી-એટલે  દુઃખ ન હોતું. પોપટ માં મમતા હતી એટલે દુઃખ થયું.
આવી જ રીતે મન ના બીજા એક ખેલ માં મારું અને તારું છે.
મન જયારે એમ માને કે આ મારું છે-તો પછી તે કોઈ જ જાતનો દ્વેષ કરતુ નથી. મારાજોડે પ્રેમ કરવા માંડે છે.
ઉદાહરણ તરીકે જોઈએ તો-રાત્રે અગિયાર વાગે ઘરમાં બ્રાહ્મણ અતિથી આવ્યા- તો-
ગૃહિણી કહેશે,-મહારાજ,ચા કે દૂધ -શું લેશો ?તમને તો અમારા હાથનું નહિ ચાલે.
મન માં વિચારે છે કે-આખો દિવસ કામ કરી શરીર થાકી ગયું છે ને -અત્યારે આ લપ વળી ક્યાંથી આવી ?
મહારાજ સરળ હતા-તે કહે કે દૂધ માં લોટ બાંધી થોડી પૂરી કરી નાખો.
એટલે ગૃહિણી રસોડામાં જઈ પહેલો તવેતો પછાડશે-અને પછી કરશે.
પણ જો અગિયાર વાગે પોતાનો ભાઈ-પિયરથી આવ્યો હોય તો-ચહેરો ખિલી જાય છે. ભાઈ કહેશે કે-નાસ્તો કરીને આવ્યો છું,
ભુખ નથી. છતાં કહેશે-ભાઈ તું ભૂખ્યો,હોઈશ,હમણાં જ શીરો હલાવી નાખું છું. શીરો પૂરી કરી પ્રેમ થી જમાડશે.
આ ભાઈ-મારો”-છે- અને પેલો-મહારાજ-મારોનથી.
કપિલદેવ કહે છે-કે-મા, આ જીવ ના બંધન અને મોક્ષ નું  કારણ મન ને જ માનવામાં આવ્યું છે.
મન નિર્વિષય બને તો-મુક્તિ અને મન વિષયી બને તો બંધન.
મન જો વિષયો માં આસક્ત થાય તો-બંધન નું કારણ બને છે,પણ એ જ મન જો-પરમાત્મા માં આસક્ત થાય તો મોક્ષનું કારણ બને છે.
મા, જગત બગડ્યું નથી,મન બગડ્યું છે.મન વિષયોનું ચિંતન કરે તો શત્રુ છે,અને પરમાત્મા નું ચિંતન કરે તો મિત્ર છે.
જે મન બંધન કરે છે-તે જ મન મુક્તિ આપે છે.
કોઈ કહેશે-કે-એક જ મનથી બંધન અને એક જ મનથી મુક્તિ કેવી રીતે મળે ?
ઉદાહરણ થી જોઈએ તો-જે ચાવી થી તાળું બંધ થાય છે-તે જ ચાવીથી તાળું ખુલે છે.પરસ્પર વિરુદ્ધ કામ એક જ ચાવી કરે છે.
પાણી થી કાદવ થાય છે-અને જે પાણી થી કાદવ થાય છે-તે જ પાણી થી કાદવ ધોવાય છે.
મન ને આધીન રહેશો તો એ શત્રુ છે-મન ને આધીન કરશો-તો એ મિત્ર છે.
મન એ પાણી જેવું છે,પાણી જેમ ખાડા તરફ જાય છે તેમ વિના કારણ મન પણ નીચે ખાડામાં જાય છે.
પાપ કરવાની કોઈને પ્રેરણા કરવી પડતી નથી-ત્યારે-પુણ્ય કરવાની પ્રેરણા કરવી પડે છે.
મન અધોગામી છે. જે મન પ્રભુ પાસે જતું નથી,તે મન ખાડામાં જ પડે છે.
મન વિના કારણ પરસ્ત્રી,પરધન નું ચિંતન કરે છે. આ બંગલો બહુ સુંદર છે. બંગલો બહુ સુંદર છે-પણ તને કોઈ આપવાનું છે ?
આસક્તિપૂર્વક પરસંપત્તિ નું ચિંતન કરવું  એ માનસિક પાપ છે. નિશ્ચય કરો કે-જે વસ્તુ મારી નથી,જે વસ્તુ સાથે મારો સંબંધ નથી,
તેનું ચિંતન શા માટે કરવું ?
પાણી જેવું,અધોગામી મન નીચે ની તરફ જાય છે,ઉંચે ચડતું નથી. આ મન ને ઉપરની બાજુ પ્રભુ ના ચરણ સુધી લઇ જવા
શું કરવું ? પાણી ને યંત્ર  (મોટર) નો સંગ થાય તો પાણી પાંચમા માળ સુધી ચડે છે-તેમ મન ને મંત્ર નો સંગ આપો.
પાણી ને યંત્રનો તો મન ને મંત્રનો સંગ!!
મન ને મંત્ર નો સંગ થાય તો તે ઉર્ધ્વગામી બનશે. પ્રભુ ના ચરણ સુધી પહોચશે.
મન ને સુધારવા બીજું કોઈ સાધન નથી.મન ને ઉલટું કરવાથી થશે નમ. નમ અને નામ મન ને સુધારશે
મન ને સ્થિર કરવા નામ-જપ ની આવશ્યકતા છે.જપ થી મન ની મલિનતા અને ચંચળતા દૂર થાય છે. માટે કોઈ મંત્ર નો જપ કરો.
પરમાત્માના બે સ્વરૂપો છે.
સગુણ સ્વરૂપ એવું તેજોમય છે-કે આપણા જેવા સાધારણ જીવો તે સહન કરી શકે નહિ,જોઈ શકે નહિ.
નિર્ગુણ-નિરાકાર સ્વરૂપ-એટલું સૂક્ષ્મ છે-કે જે હાથ માં આવતું નથી.આંખ ને દેખાતું નથી,માત્ર બુદ્ધિ થી તેનો અનુભવ થઇ શકે.
તેથી આપણા જેવા માટે તો ભગવાન નું નામ સ્વરૂપ-મંત્ર સ્વરૂપ અતિ ઉત્તમ છે.
ભગવાન ભલે પોતાના સ્વરૂપ ને છુપાવી શકે-પણ નામ ને છુપાવી શકતા નથી. નામસ્વરૂપ પ્રગટ છે.
પરમાત્મા ના કોઈ પણ નામ નો દૃઢ આશ્રય કરો.મનશુદ્ધિ મંત્ર વગર થતી નથી. ધ્યાન સાથે જપ કરો.
લૌકિક વાસના માં ફસાયેલું મન બગડે છે,અલૌકિક વાસના માં મન ફસાય તો મન સુધરે છે.
કોઈ વ્યક્તિ ને મળવાની વાસના એ મન ને બગાડે છે.પરમાત્માને મળવાની વાસના -મન ને સુધારે છે.
વાસના નો નાશ વાસના થી જ થાય છે.
જે શસ્ત્ર થી હિંસા થાય છે-તે જ શસ્ત્ર થી જીવન મળે છે. ડોક્ટરો વાઢ-કાપ ના શસ્ત્રો થી જીવન આપે છે.
કાંટા થી જે રીતે કાંટો કઢાય છે,તેજ રીતે અસદ-વાસનાનો વિનાશ સદ-વાસનાથી થાય છે.
લૌકિક વાસના(જગતની વાસના) માં ફસાયેલું મન અલૌકિક વાસના(પ્રભુની વાસના) માં ફસાય, તેને જ ભક્તિ કહે છે.
માતા દેવહુતિ ને કપિલદેવ કહે છે-કે-મા તું તારા મન ને સાચવજે,તારા મન ને કોઈ મંત્ર માં રાખજે.
મન કોઈ પાપ કરે તો તેને સજા કરજે. મન થી પાપ થાય તો તે મન પ્રભુ માં સ્થિર રહેતું નથી.
ઉદાહરણ થી આ વાત સમજવાનો પ્રયત્ન કરીએ.
એક રાજા ને ત્યાં એક બકરો હતો.રાજાએ એક વખત જાહેર કર્યું-કે-આ બકરાને પેટ ભરીને જંગલ માં થી ચરાવી લાવી તૃપ્ત કરશે, તેને પેટ ભરીને ખવડાવશે-તેને હું મારું અડધું રાજ્ય આપીશ. બકરાનું પણ પેટ ભરાયું છે કે નહિ તેની પરીક્ષા હું જાતે કરીશ.
જાહેરાત સાંભળી એક માણસ રાજા પાસે આવ્યો.બકરાને પેટ ભરી ને ખવડાવવું-એમાં શી મોટી વાત છે ? એમ કહી રાજા પાસેથી બકરો લઇ ગયો. આખો દિવસ બકરાને ખુબ ખવડાવ્યું.સાંજ પડી એટલે તે માણસ ને લાગ્યું-કે આજે તો બહુ ચરાવ્યો છે- એટલે બકરાને લઇ રાજા પાસે આવ્યો. રાજાએ જ્યાં થોડું લીલું ઘાસ બકરા પાસે મુક્યું-કે બકરો ઘાસ ખાવા માંડ્યો.
રાજા કહે છે-કે-તેં ક્યાં પેટ ભરીને ખવડાવ્યું છે ?પેટ ભરીને જો ખવડાવ્યું હોત તો બકરો ઘાસ ખાય જ નહિ!!!!
આવી જ ઘણા માણસો એ પ્રયત્ન કરી જોયા. બકરાને ખુબ ખવડાવે,પણ જ્યાં દરબારમાં લાવે અને રાજા બકરાને ઘાસ નાખે ,
એટલે બકરો ઘાસ ખાવા માંડે. તેના પેટ માં અજીરણ થયું હોય તો પણ ઘાસ માં મોઢું નાખે. બકરાને એવી આદત હતી-ટેવ હતી - કે- ઘાસ દેખાય એટલે મોઢું નાખવું.
એક બુદ્ધિશાળી માણસને લાગ્યું-કે રાજાની આ જાહેરાત પાછળ રહસ્ય છે,તત્વ છે. હું યુક્તિથી કામ લઈશ.
તે બકરાને ચરાવવા લઇ ગયો. બકરો જ્યાં ઘાસ ખાવા જાય કે-તરત તેના મોઢા પર લાકડીનો ફટકો મારે.
બકરાએ જેટલી વાર ઘાસ ખાવા પ્રયત્ન કર્યો-તેટલી વર લાકડીના ફટકા મોઢા પર પડ્યા. અંતે બકરાને ઠસી ગયું કે-ઘાસ માં મોઢું નાખીશ તો માર પડશે.
આખો દિવસ બકરાને જે માર પડ્યો,તે ઘાસ માં મોઢું નાખવાનું ભૂલી ગયો.
સાંજ ના બકરાને લઇ તે માણસ રાજા પાસે આવ્યો.બકરાને બિલકુલ ઘાસ ખવડાવ્યું નહોતું, છતાં રાજા ને કહે છે-કે મેં આજે એને પેટ ભરીને ખવડાવ્યું છે-આપ પરીક્ષા કરી જુઓ. રાજાએ ઘાસ નાખ્યું, પણ બકરાએ મોં ફેરવી લીધું.ઘાસ તરફ જોતો પણ નથી.
બકરાના મન માં ઠસી ગયું હતું કે ઘાસ ખાવા જઈશ તો માર પડશે. બકરો ઘાસ ખાતો નથી.
અહીં-બકરો એ બીજું કોઈ નહિ પણ મન એ જ બકરો છે. આ મણીરામ (મન) બકરા જેવો છે. બકરાને ચરાવવા લઇ જનારો એ જીવાત્મા છે. રાજા એ પરમાત્મા છે. બકરો-મેં,મેં,- કરે છે-તેવી જ રીતે મનુષ્યનું મન પણ-મેં,મેં-કરે છે.આ મારું-આ હું-આ તારું......
આ મનરૂપી બકરા ને કોઈ પેટ ભરી ખવડાવી શકે નહિ, આ મનરૂપી બકરાને બહુ ખવડાવશો,પણ તે કોઈ દિવસ ધરાશે નહિ.
તેને માર પડશે તો જ તે માનશે. મન ને મારો,તેના પર અંકુશ રાખો. મન સુધરે તો જીવન સુધરે.મન ને વિવેકરૂપી લાકડી રોજ મારો. જીવ ને તૃપ્તિ ભોગમાં નથી,તૃપ્તિ ત્યાગમાં છે.
(ગીતા માં લખ્યું છે-કે આ ચંચળ મન ને અભ્યાસ અને વૈરાગ્ય થી વશ કરી શકાય છે.)
કપિલદેવ કહે છે-મા, અનાદિકાળ થી,આ મન સંસારમાં ભટકતું આવ્યું છે, કુસંગથી મન બગડે છે, સત્સંગથી મન સુધરે છે.

પ્રભુ પ્રેમમાં રંગાયેલા સંતોનો વારંવાર સત્સંગ મનને સુધારે છે.

No comments: