શ્રીમદ્ભાગવત સ્કંધ – 4 (Page 43)
ધર્મ
-પ્રકરણ પછી હવે -અર્થ -પ્રકરણ ચાલુ થાય છે.
શાંતિ-એ સંયમથી,સદાચારથી,સારા સંસ્કાર(ધર્મ) થી
મળે છે, સંપત્તિ (અર્થ)થી નહિ.
સંપત્તિથી
વિકારવાસના વધે છે.
એટલે –ધર્મ
પ્રકરણ પહેલાં અને અર્થ પ્રકરણ પછી છે.
આમાં
ઉત્તાનપાદ અને ધ્રુવના ચરિત્રનું વર્ણન છે.
મૈત્રેયજી
કહે છે-મનુ-શતરૂપાની
ત્રણ કન્યાઓના વંશનું વર્ણન કર્યું. તેમના બે પુત્રો –ઉત્તાનપાદ અને પ્રિયવ્રત હતા.
પ્રિયવ્રત
રાજાની કથા –પાંચમા
સ્કંધમાં આવશે-ઉત્તાનપાદની કથા –આ
ચોથા સ્કંધમાં છે.
થોડો વિચાર કરો તો ધ્યાનમાં આવશે-કે-જીવ માત્ર ઉત્તાનપાદ છે.મા ના
ગર્ભમાં રહેલો જીવ –કે જેના પગ ઉંચા છે અને
માથું નીચે છે –તે ઉત્તાનપાદ. જીવ જન્મે
છે ત્યારે માથું પહેલું બહાર આવે છે.
ઉત્તાનપાદ
ને બે રાણીઓ હતી.સુરુચિ અને સુનીતિ. રાજાને સુરુચિ
પ્યારી લાગે છે અને સુનીતિ અળખામણી લાગે છે.
રાજા
સુરુચિના સૌન્દર્યમાં આશક્ત છે.રાજાને સુરુચિથી પુત્ર ઉત્તમ અને સુનીતિથી પુત્ર
ધ્રુવ થયા છે.
જરા વિચાર કરો-જીવ માત્ર ને બે રાણીઓ હોય છે. મનુષ્ય ને પણ સુરુચિ
ગમે છે-તે માનીતી રાણી છે. રુચિ એટલે મનગમતી ઈચ્છા.
ઇન્દ્રિયો માગે તે –વિષયો ભોગવવાની ઈચ્છા તે
સુરુચિ. સુરુચિ એટલે વાસના. મનને, ઈન્દ્રિયોને ગમે તે મનુષ્ય કરે છે,તે શાસ્ત્ર ને પૂછતો નથી,ધર્મને કે કોઈ સંતને પૂછતો નથી. મન માગે તે ભોગ ભોગવવા આતુર બને તે
સુરુચિનો દાસ. અને રુચિને આધીન થયો એટલે નીતિ તેને ગમતી નથી. નીતિ અળખામણી લાગે
છે.
સાધારણ
રીતે મનુષ્યને નીતિ ગમતી નથી, સુરુચિ
જ ગમે છે. સદાચાર-સંયમથી નીતિમય જીવન ગાળવું તેને ગમતું નથી.
વાસનાને
આધીન થઇ વિલાસી-સ્વેચ્છાચારી જીવન ગાળવું
ગમે છે.
રુચિ-ઇન્દ્રિયોના દાસ –ભક્તિ કરી શકતા નથી. અને જે રુચિનો દાસ છે
ત્યાં ફળ રૂપે ઉત્તમ આવે છે.ઉત્=ઈશ્વર અને તમ=અંધકાર.
ઈશ્વર ના સ્વરૂપ નું અજ્ઞાન એ જ ઉત્તમ નું સ્વરૂપ છે.જે રુચિ ના આધીન છે-તે જીવ
ઈશ્વરના અજ્ઞાન માં અથડાય છે.પરમાત્મા ના દર્શન તેને થતાં નથી.
વિલાસીને ઈશ્વરનું જ્ઞાન થતું નથી,વિરક્ત ને થાય છે.
બીજી રીતે જોઈએ
તો-રુચિ નું ફળ છે વિષયાનંદ. વિષયો ક્ષણિક જ –ઉત્તમ- સુખ આપે છે. ઇન્દ્રિયો અને વિષયો નો સંયોગ થતાં – જે થોડો સમય સુખનો ભાસ થાય
છે-તે વિષયાનંદ.આ સુખ ક્ષણિક છે,અને પરિણામે દુઃખ આપે છે.
ઇન્દ્રિયોનું સુખ કેવું છે ? તેના માટે શુકદેવજીએ –કહ્યું છે-સંસારનું(ઇન્દ્રિયોનું) સુખ દરાજ ને ખંજવાળવા જેવું છે.
ભોજન
બહુ સરસ હશે તો તો ભુખ કરતા વધુ ખવાશે-ઉપરથી બે-ચાર અન્ન પાચનની ગોળીઓ લેવી પડે
છે.
આવા સમયે રુચિ કહે છે-કે તું ખા અને નીતિ કહે છે તું ખાવાનું બંધ
કર.
જેનું જીવન શુદ્ધ છે-પવિત્ર છે-તેને ભજનાનંદ મળે છે. એ આનંદ કાયમ
ટકે છે.
જે નીતિને આધીન રહી –પવિત્ર જીવન ગાળે તેને
ઈશ્વરનું જ્ઞાન થાય છે-પરમાત્માના દર્શન થાય છે.
સુનીતિના પુત્રનું નામ ધ્રુવ. ધ્રુવ એટલે અવિનાશી. જેનો કદી નાશ થતો નથી તે પદ.
બ્રહ્માનંદનો વિનાશ નથી, તેથી તે ધ્રુવ.
નીતિને આધીન રહે તેને ધ્રુવ મળે છે.બ્રહ્માનંદ મળે છે.
નિયમથી ભક્તિ કરે-તેને ધીરે ધીરે આનંદ મળે છે. અને જે આનંદ મળે છે
તે પછી ઓછો થતો નથી.
એક ઉદાહરણ છે-
પહેલાંના સમયમાં લોકો પગે ચાલીને જાત્રા કરવા જતા, જેથી અતિઆવશ્યક હોય તેટલોજ સમાન જોડે રાખતા.
આજકાલ ગાડી-મોટરની વ્યવસ્થા થઇ ગઈ છે-એટલે કેટલાંક જાત્રાએ જાય
ત્યારે આખું ઘર ઉઠાવીને સાથે લઇ જાય છે.
બે મિત્રો જાત્રાએ નીકળ્યા. એકને એવી આદત પડી ગયેલી કે-પલંગ વગર
ઊંઘ આવે નહિ. આ તો યાત્રા છે-દરેક જગ્યાએ પલંગ મળે નહિ –એટલે પલંગ પણ જોડે લીધો છે. એક વખત એવું બન્યું કે કોઈ મજુર મળ્યો
નહિ. બીજું તો કોણ ઉપાડે ?
એટલે ભાઈએ પલંગ માથે લીધો અને તેના ઉપર બીજો સામાન મુક્યો. તડકો
ખુબ પડતો હતો,ભાઈ પરસેવે રેબઝેબ હતા,
સામેથી એક સજ્જન મળ્યા,તેમનાથી આ ભાઈની દશાના
જોવાણી,તે કહે છે-કે-આ પલંગ વગર
જાત્રા કરો ને !! આટલો બધો ત્રાસ શા માટે વેઠો છે ?
પેલા ભાઈ એ જવાબ આપ્યો-ભલે બોજ ઉંચકવો પડે –પણ રાત્રે સુવાની મજા આવે છે ને !!
રાત્રે મજા પડે છે તેથી માથે ઊંચક્યું છે. રાત્રે શું મજા આવતી હશે
તે તો પરમાત્મા જાણે !!
આ બીજાની કથા નથી, આ આપણી પણ કથા છે.
જીવાત્મા યાત્રાએ નીકળ્યો છે.ક્ષણિક સુખ માટે આખો દિવસ
ગદ્ધા-વૈતરું કરે છે. અતિશય દુઃખ સહન કરીને થોડું સુખ ભોગવે છે.
સંસાર સુખ માટે મનુષ્ય જેટલું દુઃખ સહન કરે છે-તેટલું પરમાત્મા માટે
સહન કરે તો ,તેને
પરમાત્માના દર્શન થાય.
વિચાર
કરો-છોકરાં ને ઉછેરતાં માબાપને કેટલું સહન કરવું પડે છે !! તેમ છતાં લગ્ન થાય પછી
છોકરાંઓની બુદ્ધિ બગડે છે.
[કાનમાં મંત્ર આપનાર
ગુરુના આગમન પછી બુદ્ધિ ભ્રષ્ટ થાય છે- મા-બાપનો તિરસ્કાર કરે છે.(uplod ન કરવું)]
વિષયાનંદ ટકતો નથી અને ભજનાનંદનો નાશ થતો નથી. ધ્રુવ અવિનાશી
ભજનાનંદનું-બ્રહ્માનંદ નું સ્વરૂપ છે.
રાજા
ઉત્તાનપાદે –અણમાનીતી
રાણી સુનીતિનો ત્યાગ કર્યો છે.
સુનીતિના
પુત્ર-ધ્રુવજી ચાર-પાંચ વર્ષના થયા છે, એક દિવસ મા ને પૂછે છે-મારા પિતાજી ક્યાં છે ?
મા
નું હૃદય ભરાયું, આજ
સુધી છુપાવ્યું –કે
તારા પિતાજીએ મારો ત્યાગ કર્યો છે. પણ આજે કહી દે છે-કે-સામે જે રાજમહેલ છે-તેમાં
તારા પિતા રહે છે. ધ્રુવ પિતાને મળવા દોડ્યા છે.
ઉત્તાનપાદ
રાજા સોનાના સિંહાસન પર બેઠા છે, સુરુચિ
શૃંગાર કરીને પાસે બેઠી છે, અને
તેનો પુત્ર ઉત્તમ રાજાના ખોળામાં બેઠો છે.
રાજા
ઉત્તમને ખોળામાં બેસાડી લાડ કરતા હતા. ધ્રુવે જઈ કહ્યું-પિતાજી મને પણ ખોળામાં લો.
પ્રત્યેક –બાળક માં- જ્યાં સુધી
વિકાર-વાસના ના હોય ત્યાં સુધી એ લાલાજીનું સ્વરૂપ છે.
(ઘણાને પોતાના બાળકમાં જ
લાલાજી દેખાય અને તેને લાડ કરે, પણ પડોસીનો છોકરો ઘરમાં આવે તો તે તેને ગમતું નથી, તેનામાં તેને લાલાજી દેખાતા નથી. રસ્તા પર ભીખ માગતા નાગા-પુંગા છોકરામાં
તેને લાલાજી દેખતા નથી. આ સાચું નથી-પ્રત્યેક બાળકમાં બાલકૃષ્ણની લાલાજીની ભાવના થવી જોઈએ)
બાળકને રાજી કરો તો લાલાજી પણ રાજી થશે. બાળકોને રાજી રાખવા લાલાજી
પણ માખણની ચોરી કરતા.
મોટા મોટા મહાત્માઓ બાળક સાથે રમતા હતા. બાળકને છેતરશો નહિ, તેનું અપમાન કરશો નહિ.
એક વખત રામદાસ સ્વામી નાનાં બાળકો સાથે રમતા હતા.
શિષ્યોએ કહ્યું-તમે આ શું કરો છો ?
રામદાસ સ્વામી કહે છે-જે ઉંમરમાં મોટા થયા છે-તે તો ચોર બની ગયા છે.
આ બાળકો સાથે રમવામાં મને આનંદ આવે છે.
પુસ્તક
વાંચવાથી જે જ્ઞાન થતું નથી-તે આ બાળક સાથે રમવાથી થાય છે. જે બાળક
જેવો છે- તે- ઈશ્વરને ગમે છે.
સંતો નું હૃદય બાળક જેવું હોય છે. બાળક ને છળકપટ
આવડતું નથી, જુઠ્ઠું
બોલતા આવડતું નથી.
એક ઉદાહરણછે-
એક ભાઈને ત્યાં લેણદાર ઉઘરાણીએ આવ્યા.લેણદારના ત્રાસમાંથી કેમ
છૂટવું ? ઘરમાં ત્રણ વર્ષનો બાબો
હતો-તેને કહે છે-કે-
જા બહાર જઈ પેલા શેઠને કહે કે-બાપુ ઘરમાં નથી. બાબો કહે –બાપુ તમે તો ઘરમાં છો. ભાઈ કહે છે-કે તું તારે આમ જઈને કહેને-તને
હું ચોકલેટ આપીશ.
બાળક નિર્દોષ છે-તેને કપટ ની શું ખબર પડે ? બહાર આવી શેઠને કહ્યું-મારા બાપુ કહે છે-કે તે ઘરમાં નથી, બહાર ગયા છે.મારા બાપુએ
કહ્યું-કે આમ કહીશ તો મને તે ચોકલેટ આપશે.
બાળકના મનમાં જેવું હોય તે બોલે છે-અને જેવું બોલે છે તેવું કરે છે.
તેના મન,વાણી અને કર્મ એક જ હોય
છે.
બાળક નિર્દોષ હોય છે-કપટ નો બોધ બાળક ને આપવો નહિ,સારા સંસ્કાર આપવા. વધુ પડતા લાડ પણ કરવા નહિ.
ધ્રુવજીને જોતાં રાજાનું હૃદય પીગળ્યું છે. મનમાં થયું કે આને પણ
ખોળામાં બેસાડું. પણ સુરુચિ જોડે બેઠી છે.
તેને આ ગમતી વાત નહોતી. સુરુચિની આંખમાં વેર-ઝેર છે.
જયારે જયારે જીવ પાસે ભજનાનંદ આવે છે-ત્યારે- સુરુચિ-વાસના-વિઘ્ન
કરે છે.
પૂજા કરતાં કરતાં મન રસોડામાં જાય તો સમજજો કે સુરુચિ આવી. જે
સુરુચિ ને આધીન છે-તે કામાધીન છે-વિષયાધીન છે.
સુરુચિએ
ધ્રુવને ગોદમાં લેવાની ના પાડી છે. રાજા રાણીને આધીન હતો. કામાંધ હતો. તેને
વિચાર્યું-કે- જો ધ્રુવને ગોદમાં લઈશ તો સુરુચિ નારાજ થશે. બીજું ગમે તે થાય પણ
રાણી નારાજ ના થવી જોઈએ. પણ રાજાએ એમ ના વિચાર્યું કે-ધ્રુવ નું દિલ દુભાશે.
અતિકામીને સ્ત્રીમાં કોઈ દોષ દેખાતો નથી-કહેશે-બિચારી ગોકળગાય જેવી
છે--ભલેને તે મારકણી ભેંશ જેવી હોય.
અતિશય
પણે સ્ત્રીને આધીન રહેવું તે પાપ છે. શાસ્ત્ર માં તો ત્યાં સુધી લખ્યું છે-કે-જે
અતિશય પણે સ્ત્રીને આધીન હોય તેવી વ્યક્તિને જોવામાં પણ પાપ છે. આ રાજા હતો પણ
રાણીનો ગુલામ હતો. લગભગ દરેકની દશા આવી જ હોય છે.
સાહેબ
બહાર ભલે અક્કડ ફરતાં હોય પણ પત્ની પાસે ટાઢા ઘેંસ થઇ જાય છે. કંઈ ચાલતું નથી. સ્ત્રીમાં
પ્રેમ કરો- પણ તેનામાં અતિશય આધીન ના બનો.
(આધીનતા માત્ર -એક ઈશ્વરની)
ધ્રુવ પ્રેમથી આવ્યો છે- આશા છે-બે હાથ ઉંચા કર્યા છે-પણ રાણીને રાજી
રાખવા રાજાએ મોં ફેરવી લીધું છે. ધ્રુવ હજુ ઉભો છે.
સુરુચિ બહુ રુઆબ માં બોલી- તું અહીંથી ચાલ્યો જા. તું
રાજાની ગોદ માં બેસવા લાયક નથી.
ધ્રુવે બે હાથથી વંદન કર્યા –કહે -મા,હું મારા બાપુનો દીકરો નહિ ? ત્યારે સુરુચિ –ધ્રુવને મહેણું મારે છે.-કે- તારીમા રાણી જ નથી, રાણી તો હું છું,તારી મા તો મારી દાસી છે. દાસીનો દીકરો થઇ રાજાની ગોદમાં બેસવા આવ્યો
છે ? જો તારે રાજાની ગોદમાં બેસવું
જ હોય તો મારે પેટે જન્મ લે. વનમાં જા તપશ્ચર્યા કર અને ઈશ્વરને પ્રસન્ન કરી મારા પેટે
જન્મ માગ.
ભગવાન ને પ્રસન્ન કર્યા પછી –તારે પેટે જન્મ લેવાની શી જરૂર
છે ? પણ મૂર્ખ હતી એટલે આવું બોલે
છે.
ધ્રુવને બહુ દુઃખ થયું છે. રડતાં રડતાં
ઘેર આવે છે. મા બહુ પૂછે છે પણ કાંઇ બોલતા નથી. એક દાસીએ આવીને બધી વાત કરી.
માતા સુનીતિ બહુ સંસ્કારી છે-તે બાળકના પર કોઈ ખરાબ સંસ્કાર ના પડે
તે માટે તેને દુઃખના વેગને દબાવ્યો છે.
સુનીતિ વિચારે છે-મારી શોક્યના માટે જો મારા મુખમાંથી ખરાબ બોલ નીકળશે-તો
ધ્રુવના મનમાં કાયમના વેરના સંસ્કાર પડશે.
ધ્રુવને હંમેશ માટે સુરુચિ પ્રત્યે વેરનું બીજ રોપાશે.
હજાર
શિક્ષક ના આપી શકે –એટલા
બધા સંસ્કાર એક જાગૃત મા-બાળકને આપી શકે છે. મા એ ગુરુ છે. મા ના અનંત ઉપકાર છે.
પુત્ર
મોટો જ્ઞાની થાય-સાધુ સન્યાસી થાય તો પિતા તેને વંદન કરે છે-મારો છોકરો
મારાથી સવાયો થયો.પણ મા કોઈ દિવસ વંદન કરે નહિ. મા ના ઋણમાંથી
કોઈ મુક્ત થઇ શકે નહિ. સન્યાસ લીધા પછી પણ શંકરાચાર્યે મા ની સેવા કરી છે.
સાધુ-સન્યાસીઓ, જ્ઞાની મહાત્માઓ પણ મા ના ચરણમાં વંદન કરે
છે.
સુનીતિ એ દુઃખના વેગને દબાવ્યો છે-ધીરજ ધારણ કરી બોલ્યાં છે-કે-
બેટા,તારી ઓરમાન મા એ તને શું ખોટું
કહ્યું છે ? તને જે બોધ કર્યો છે તે સારો
છે-હું પણ તને એ જ કહું છું-કે-
ભીખ માગવી જ હોય તો કોઈ મનુષ્ય પાસે માગવી નહિ, એક ભિખારી પોતે જ બીજા ભિખારીને કૈ રીતે ભીખ આપી શકવાનો
?
શ્રીકૃષ્ણ સિવાય આખું જગત ભિખારી છે.(દાતા એક રામ, ભિખારી સારી દુનિયા)
ભીખ માગવી જ હોય તો ભગવાન પાસે ભીખ માગવી.
મનુષ્ય
પાસે માંગશો ઘણું તો આપશે થોડું. અને કોઈ વાર તિરસ્કાર કે અપમાન પણ કરશે. અને આપ્યા
પછી જાહેર કર્યા વગર તેને ચેન નહિ પડે. પરમાત્મા ખુબ આપશે
પણ કહેશે નહિ કે મેં આપ્યું છે.
સુનીતિ કહે છે-બેટા, તું વનમાં જા,ત્યાં જઈ પરમાત્માનું આરાધન
કર, તારા પર ભગવાન કૃપા કરશે, તને પ્રેમથી બોલાવશે, તને ગોદમાં લેશે. તારા સાચા પિતા પરમાત્મા છે. મેં તને નારાયણને સોંપ્યો
છે. તેમનો જ તું આશ્રય કર.
બેટા, જે ઘરમાં માન ના હોય ત્યાં
રહેવું નહિ, તારા પિતા તારી સામે જોવા તૈયાર
નથી, ઘરમાં રહીશ તો ઓરમાન મા રોજ મહેણું મારશે. તારું અપમાન
કરશે-એટલે તું રડીશ અને મને પણ દુઃખ થશે. પરમાત્માનું શરણ એ જ તારું કલ્યાણ છે.
ધ્રુવજી કહે છે-મા તારું પણ આ ઘરમાં ક્યાં માન છે ? પિતાજીએ અને ઓરમાન મા એ તારો પણ તિરસ્કાર કર્યો છે. તને પણ ક્યાં આ ઘરમાં
સુખ છે ? આપણે બંને વન માં જઈ ભજન કરીશું.
સુનીતિ કહે છે-ના બેટા,મારાથી તારી સાથે નહિ અવાય-મારો
ધર્મ મને ના પડે છે. મારા પિતાએ મારું દાન મારા પતિને કર્યું છે.
મારે તેમની આજ્ઞામાં રહેવાનું છે. ભલે તે મારો ત્યાગ કરે-પણ-મારાથી તેમનો
ત્યાગ થઇ શકે નહિ. તું સ્વતંત્ર છે, હું પરતંત્ર છું.
બેટા, તારે એકલા એ જ વનમાં જવું પડશે.
હું તને એકલો વનમાં મોકલતી નથી. મારા આશીર્વાદ તારી સાથે છે. આજથી હું તને નારાયણના ચરણમાં સોંપું છું. મારા નારાયણ તને ગોદમાં લેશે.
ધ્રુવજી કહે છે- મને એકલા વન માં જતાં બીક લાગે છે. મા કહે છે-તું
એકલો નથી નારાયણ તારી સાથે છે.
ધ્રુવજી કહે-મા મને કંઈ આવડતું નથી-મારા જેવા બાળક ને ભગવાન મળશે ?
સુનીતિ કહે- હા,બેટા ઈશ્વર માટે આતુર થઇ ઈશ્વરને
પોકારે-તેની સમક્ષ ભગવાન જરૂર પ્રગટ થાય છે. તું તપશ્ચર્યા કર.
તું જાતે મહેનત કર. ભગવાન તને ગાદી પર બેસાડશે પછી ત્યાંથી કોઈ દિવસ
ઉઠવાનો પ્રસંગ નહિ આવે. રસ્તામાં કોઈ સાધુ મહાત્મા-સંત મળે તેને પ્રણામ કરજે.
સુનીતિ એ ધ્રુવને સુંદર ઉપદેશ કર્યો છે. ધ્રુવજી માની ગોદમાંથી ઉભા થઇ, મા ને સાષ્ટાંગ પ્રણામ કરી વનમાં જવા તૈયાર થયા છે.
મા નું હૃદય ભરાયું છે. હૃદયને પથ્થર જેવું કઠણ કર્યું છે. બાળકનું
ઓવારણાં લીધા છે.
“તારું સદા કલ્યાણ થાય-પરમાત્મા
સદા એનું મંગલ કરે- નાથ, તમારે આધારે બાળકને વનમાં મોકલું છું. તેને સાચવજો.
મા ની મહાનતા હવે જુઓ. સુનીતિ હવે વિચારે છે-કે-બાળક મને તો વંદન કરે છે-પણ
ઓરમાન મા ને પણ સદભાવથી વંદન કરીને વનમાં જાય તો તેનામાં –સુરુચિ પ્રત્યે અરુચિ-દ્વેષ ભાવ-કુભાવ ના રહે-તો તેનું કલ્યાણ થાય. કુભાવ
રાખીને જશે-તો તે તેનું જ ચિંતન કરશે –પરમાત્માનું નહિ.
સુનીતિ કહે છે-કે-બેટા,તારું અપમાન થયું તે પૂર્વજન્મના કોઈ કર્મનું ફળ મને લાગે છે. તું ડાહ્યો
દીકરો છે, મને જે રીતે પગે લાગ્યો, તે રીતે તારી ઓરમાન મા ને પણ પગે લાગીને વનમાં જજે. તું મને પગે ના લાગે
તો પણ હું તને આશીર્વાદ આપીશ. પણ ઓરમાન મા ને પગે લાગીશ તો જ તે આશીર્વાદ આપશે. તેના પણ આશીર્વાદ લઇ, મનમાંથી તેના પ્રત્યે કુભાવ
કાઢીને વનમાં જઈશ – તો ભગવાન જલ્દી પ્રસન્ન થશે.
જે સુરુચિ એ બાળકનું અપમાન
કર્યું છે-તેને સુનીતિ વંદન કરવા –ધ્રુવને મોકલે છે. ધન્ય છે –સુનીતિ ને.
આવી સુનીતિ જે ઘરમાં હોય
–તે ઘરમાં કળિ જાય નહિ.
વેર થી વેર વધે છે,પ્રેમ થી વેર ઘટે છે.વેરની
શાંતિ પ્રેમ થી થાય છે.
પાંચ વર્ષ નો ધ્રુવ ઓરમાન મા ને વંદન કરવા જાય છે. તેના મનમાં હવે કુભાવ
નથી રહ્યો.
સુરુચિ અક્કડ બની ઠસકથી બેઠી છે. ધ્રુવજી સાષ્ટાંગ વંદન કરે છે.”મા હું વનમાં જાઉં છું-તમારાં આશીર્વાદ લેવા આવ્યો છું.”
એક ક્ષણ તો સુરુચિનું હૃદય પીગળ્યું-કેવો ડાહ્યો છે !! પણ તરત જ વિચારે
છે-વનમાં જશે-તો સારું, રાજ્યમાં ભાગ નહિ માગે.
કહે છે- સારું- વનમાં જજે-મારા આશીર્વાદ છે.
પાંચ વર્ષનો બાળક વંદન કરે છે –છતાં એમ નથી કહેતી-કે વનમાં
જવાનો સમય મારો આવ્યો છે.તું શા માટે વનમાં જાય છે ?
તેના દિલમાં લાગણી થતી નથી. સ્વભાવને સુધારવો બહુ કઠણ છે.
“કસ્તુરી કો ક્યારો કર્યો, કેસરકી બની ખાજ, પાની દિયા ગુલાબ કા, આખીર પ્યાજ કી પ્યાજ”
કસ્તુરીનો ક્યારો કરી, કેસરનું ખાતર નાખી, ગુલાબજળ નાખો, પણ ડુંગળીની ગંધ એની એ જ રહે છે -ગંધ જતી નથી.
ભગવતી
મા બાળકને પ્રભુના માર્ગે વાળે છે. મા ની જેવી ઈચ્છા હોય તેવા જ ચરિત્રનો દીકરો થાય
છે.
આજની
માતાઓ બાળકને પૈસા આપી સિનેમા જોવા મોકલે છે-જા, બેટા તારું કલ્યાણ થશે.
દુઃશીલો
માતૃદોષેણ,પિતૃદોષેન
મૂર્ખતા, કાર્પણ્ય
વંશદોષેન, આત્મદોષેન
દરિદ્રતા.
માતાના
વાંકથી બાળક ખરાબ ચરિત્રનો થાય છે, પિતાના
દોષથી મૂર્ખ (બુદ્ધિ વગરનો) થાય છે, વંશના દોષ થી ભીરુ(ડરપોક) થાય છે, અને પોતાના દોષથી (સ્વદોષ થી) તે દરિદ્ર (ગરીબ) બને છે.
બે
માતાઓના આશીર્વાદ લઇ –માત્ર-પાંચ
વર્ષનો ધ્રુવ વનમાં જાય છે.
જરા
વિચાર કરો-પાંચ વર્ષના બાળકના મનની શી સ્થિતિ હશે ?
ધ્રુવ વિચાર કરતા જાય છે-વન માં તો વાઘ વરુ હશે-કોઈ મને મારશે તો નહિ
ને ?
પણ ના-ના- હું એકલો નથી, મા એ મને કહ્યું છે-કે નારાયણ
મારી સાથે છે.
આજ કાલ કેટલાંક ઘર છોડે છે-પણ ઘરમાં ઝગડો થાય એટલે ઘર છોડે છે. બાવા
બને છે. આવા બાવાના બે-ય- બગડે છે.
ઝગડો કરી-ઘર છોડીને સંત(ગુરુ) ખોળે છે...તેને સંત ક્યાંથી મળે ? સર્વને વંદન કરી-સર્વમાં સદભાવ રાખી ઘર છોડે-તેને સંત મળે.
આ બાજુ વૈકુંઠ લોકમાં
નારાયણને ખબર પડી છે. “એક પતિવ્રતા નારીએ –મારા આધારે –પાંચ વર્ષના બાળકને વનમાં
મોકલ્યો છે. મારામાં કેટલો વિશ્વાસ છે!! બાળક મને મળવા આતુર છે. તેનો હું વાળ વાંકો
નહિ થવા દઉં.”
પરમાત્માની આતુરતા થાય
તો –પરમાત્મા સામે ચડીને સંત
(ગુરુ)ને મોકલે છે.(તેમને ખોળવા પડતા નથી)
પ્રભુએ નારદજીને પ્રેરણા
કરી છે. બાળક લાયક હોય તો તમે તેને ઉપદેશ કરજો.
નારદજી
ધ્રુવ ના રસ્તા પર પ્રગટ થયા છે. એક હાથમાં માળા,એક હાથમાં તંબુરો અને મુખમાંથી –નારાયણ ,નારાયણ.
ધ્રુવ
નારદજી ને ઓળખી શકતા નથી, પણ
વેષ પરથી લાગ્યું-કે કોઈ સંત –મહાત્મા
લાગે છે. માતા એ સારા સંસ્કાર આપેલા –કે-
કોઈ સંત-સાધુ મળે તો સાષ્ટાંગ પ્રણામ કરવા. ધ્રુવજી, નારદજી ને સાષ્ટાંગ પ્રણામ કરે છે.
(પ્રકૃતિ અષ્ટધા (આઠ અંગ વળી)
છે. તે આઠે પ્રકૃતિસ્વરૂપ પરમાત્મા છે. તે પરમાત્મામાં મળી જવાની ઈચ્છા –બતાવવા-
આઠે અંગ સહિત સાષ્ટાંગ પ્રણામ કરવાનાં હોય છે. સાષ્ટાંગ પ્રણામ થી આત્મનિવેદન
થાય છે.)
અધિકારી શિષ્યને સદગુરુ રસ્તામાં જ મળે છે. તત્વથી જોઈએ
તો સદગુરુ અને ઈશ્વર એક જ છે.
તેથી-પરમાત્મા જેમ વ્યાપક છે-તેમ સદગુરુ પણ વ્યાપક છે. સર્વવ્યાપકને
શોધવાની જરૂર પડતી નથી. પણ ઓળખવાની જરૂર છે.
ધ્રુવનો વિનય જોતા નારદજીને આનંદ થયો છે,હૃદય પીગળ્યું છે, ધ્રુવને ગોદમાં લઇ માથે હાથ
મુક્યો.
ધ્રુવ વિચારે છે-મા ના આશીર્વાદ થી જાણે રસ્તામાં મને બીજી મા મળી
ગઈ.
નારદજી
પૂછે છે કે
–બેટા
તું ક્યાં જાય છે ?
ધ્રુવજી કહે છે-હું વન માં ભગવાન ના દર્શન કરવા જાઉં છું. મારી મા એ કહ્યું છે-કે મારા સાચા પિતા
નારાયણ છે-હું મારા સાચા પિતા
નારાયણ ની ગોદ માં બેસવા જાઉં છું. પરમાત્મા માટે મેં ઘર છોડ્યું છે.
ધ્રુવની વાત સાંભળી નારદજી ડોલી ગયા છે-ગદગદ થઇ ગયા છે. પણ પછી થયું-કે
બોલે છે તો બહુ સારું પણ ખરેખર પરમાત્માના દર્શન માટે કેટલો આતુર છે? તે મારે ચકાસવું પડશે. (સદગુરુ શિષ્ય ની પરીક્ષા કરી -પછી ઉપદેશ આપે
છે)
નારદજી કહે છે-બેટા, તું હજી બાળક છે, આ તારી રમવાની ઉંમર છે, અત્યારથી જપ કરવાની કંઈ જરૂર
નથી. તું મોટો થઇ દરેક પ્રકારનાં સુખ ભોગવી –વૃદ્ધાવસ્થામાં વનમાં જજે.
તું માને છે કે ભગવાન તને ગોદમાં લેશે-પણ મોટા મોટા ઋષિઓ –વનમાં હજારો વર્ષ તપશ્ચર્યા કરે છે –તેમ છતાં તેઓને પરમાત્માના
દર્શન થતાં નથી. તારા જેવા બાળકને પરમાત્મા કેવી રીતે મળશે ?
માટે તું ઘેર જા, ચાલ ,હું તારી સાથે આવું છું, તારા પિતાની ગોદમાં હું તને
બેસાડીશ –અડધું રાજ્ય અપાવીશ.
ધ્રુવજીનો નિશ્ચય મક્કમ હતો-કહે છે- મારે હવે ઘેર જવું નથી, જે ઘરમાં મારું માન નથી-તે ઘરમાં મારે રહેવું નથી. મારે પિતાની
ગાદી પર બેસવું નથી. ઉચ્છિષ્ટ (આપેલી) સંપત્તિની ઈચ્છા કરવી નથી. મેં નિશ્ચય કર્યો
છે-આ જન્મમાં જ મારે નારાયણનાં દર્શન કરવા છે. મારે મારા સાચા પિતા નારાયણની ગોદ માં
જ બેસવું છે. ગુરુજી, મને ઉપાય બતાવો.
પાંચ વર્ષનો બાળક, ઘરમાં જરા અપમાન થયું ,તો પરમપિતાની શોધમાં અડગ નિશ્ચય કરીને નીકળ્યો છે.
આજકાલ કેટલાકને ઘરમાં રોજ થપ્પડ પડે છે-છોકરાઓ રોજ અપમાન કરે છે-તે સહીને
ઘરમાં બેસી રહે છે.વૃદ્ધાવસ્થામાં પણ ઘર છોડતા નથી,
અરે ઘર ના છોડે તો પણ કાંઇ નહિ –પરમાત્મા પામવાનો નિશ્ચય પણ
કરી શકતા નથી.
જમીનમાં થાંભલો ઉભો કરવાનો હોય તો-જમીનમાં થાંભલો ખોડીને- પછી તેને હલાવીને
જુએ છે-
તેને-હલાવે છે તે થાંભલાને ઉખેડવા માટે નહિ પણ –થાંભલો કેટલો મજબૂત દટાયો છે-તે જોવા –તેને હલાવીને જુએ છે.
નારદજીએ ધ્રુવની પરીક્ષા કરી. ધ્રુવનો દૃઢ નિશ્ચય અને પરમાત્મા મેળવવાની
આતુરતા જોઈ-કહે છે-આજ્ઞા કરે છે-કે- પાસે જ મધુવન છે-તે મધુવનમાં તું જા.
વૃંદાવનમાં આ મધુવન છે. વ્રજ ચોર્યાસીની યાત્રા માટે નીકળીએ –પછી પહેલો મુકામ ત્યાં મધુવનમાં થાય છે.
ભાગવતમાં ચાર પાંચ જગ્યાઓ એવી બતાવી છે-કે જ્યાં ઠાકોરજી અખંડ વિરાજે
છે.
મધુવનમાં ભગવાન અખંડ વિરાજે છે.
No comments:
Post a Comment