શ્રીમદ્ભાગવત સ્કંધ – 1 (Page 23)

શ્રીમદ્ભાગવત સ્કંધ – 1 (Page 23)

વ્યવહાર અને પરમાર્થ નો સમન્વય –કૃષ્ણ પ્રેમ થી થાય છે.
પ્રવૃત્તિ-પરમાત્મા માટે કરે-પરોપકાર માટે કરે –તો તે પ્રવૃત્તિ પણ નિવૃત્તિ નુ ફળ આપે છે.
પરમાત્મા ને પ્રસન્ન કરવા જે –પ્રવૃત્તિ કરે- તે નિવૃત્તિ જ છે.
પ્રવૃત્તિ અને નિવૃત્તિ નો સમન્વય કરી બતાવે-તેવી કથા આપ કરો.
ભગવત-પ્રેમ માં મનુષ્ય તન્મય બને તો –તેને જ્ઞાન અને યોગ –બંને નુ ફળ મળે છે.
કૃષ્ણ-કિર્તન અને કૃષ્ણકથા –વગર કળિયુગ માં મનુષ્ય નુ જીવન સુધરશે નહિ.
કૃષ્ણ પ્રેમ જાગે તો જ જીવન સુધરે છે. 
પરમાત્મા જેને પોતાનો ગણે છે તેને જ પોતાનું સ્વરૂપ બતાવે છે.
પ્રભુ એ પોતાનું- નામ- પ્રગટ રાખ્યું છે-પણ પોતાનું સ્વ-રૂપ છુપાવ્યું છે. જયારે લાડીલા ભક્તો-પરમાત્મા ની બહુ ભક્તિ કરી ભગવાન ને લાડ લડાવે છે-ત્યારે-જ પરમાત્મા પોતાનું સ્વ-રૂપ બતાવે છે.
અરે! સામાન્ય –જીવ પણ-જ્યાં પ્રેમ ના હોય-ત્યાં- પોતાનું સ્વરૂપ(વસ્તુ) છુપાવે છે.
અજાણ્યા અને પારકા ના સામે તિજોરી પણ ખોલતો નથી. જેના તરફ થોડો પ્રેમ હોય તો-વગર કહ્યે બધું બતાવે છે.
અને જો અતિશય પ્રેમ હોય તો-તિજોરી ની ચાવી પણ આપી દે છે.
તો પછી-અતિશય પ્રેમ વગર-પરમાત્મા પણ કેવી રીતે પ્રગટ થાય ? જીવ જયારે અતિશય પ્રેમ કરે છે-ત્યારે-જ- ભગવાન માયા નો પડદો દૂર હટાવી દે છે-અને પ્રગટ થાય છે.
ભલે મોટો જ્ઞાની હોય-પણ પરમાત્મા સાથે અતિશય પ્રેમ ના કરે ત્યાં સુધી તેણે પણ પરમાત્મા નો અનુભવ થતો નથી.
ઘર-પત્ની-બાળકો-કપડાં-જોડા-પૈસા-આ બધા સાથે પ્રેમ હોય-એ જ્ઞાની કેમ કહેવાય?
આજકાલ –લોકો –પલંગ માં બેસી-પુસ્તકો વાંચી-પડ્યા-પડ્યા-જ્ઞાની બની જાય છે.
તેમને – સત્સંગ-ગુરુ- ની જરૂર નથી પડતી-બ્રહ્મચર્ય પાળવાની જરૂર નથી પડતી. કૃષ્ણ-લીલા ના ગાન ની જરૂર નથી પડતી.
આવા પુસ્તકિયા-જ્ઞાન- સાથે – માનવી અશાંત છે. કારણ –એ -માત્ર-જ્ઞાન પણ સાચું નથી-(અનુભવ વગરનું છે-માટે) અને પરમાત્મા પ્રત્યે પ્રેમ પણ ક્યાં છે ?
જ્ઞાન ની શોભા પ્રેમથી છે-ભક્તિ થી છે-જો સર્વ માં ભગવત-ભાવ ના જાગે તો તે જ્ઞાન શું કામનું ?
જ્ઞાની થવું કઠણ નથી-પ્રભુ – પ્રેમી થવું કઠણ છે. પ્રભુ માં વિશ્વાસ રાખો. પ્રભુ ને યાદ રાખો.
જે પરમાત્મા સાથે પ્રેમ કરે છે-તેની ચિંતા પરમાત્મા કરે છે.
જગત સાથે કરેલો પ્રેમ –પરિણામ માં રડાવે છે. જીવ પાસે ઈશ્વર બીજું કઈ માંગતા નથી-ફક્ત પ્રેમ માગે છે.
કળિયુગ ના મનુષ્ય ને સમયસર ગરમ પાણી કે ગરમ –ચા –ન મળે –તો તે મગજ ગુમાવી બેસે છે.
એવો મનુષ્ય યોગ શું સિદ્ધ કરી શકવાનો છે.?
જેની ભોગ મા આસક્તિ છે-તેનું શરીર સારું નથી રહેતું-રોગી બને છે.
જેની દ્રવ્ય મા આસક્તિ છે- તેનું મન સારું રહેતું નથી-મન અશાંત રહે છે.
આવા મનુષ્યોને યોગ સિદ્ધ થતો નથી.
ચિત્ત-વૃત્તિ ના નિરોધ ને યોગ કહે છે (પતંજલ-યોગ-સૂત્ર).તેને સિદ્ધ કરવો મુશ્કેલ છે.
વાતો બ્રહ્મ-જ્ઞાન ની કરે અને પ્રેમ પૈસા સાથે કરે તેણે પરમાત્મા મળતા નથી. તેણે આનંદ મળતો નથી.
“હવે આપ એવી કથા કરો કે-જેથી બધાને લાભ થાય-સર્વ ને પ્રભુ પ્રત્યે પ્રેમ જાગે-એવું પ્રેમ શાસ્ત્ર બનાવો કે-સહુ કૃષ્ણપ્રેમ મા પાગલ બને. કથા શ્રવણ કરનારને કનૈયો-લાલો  વહાલો લાગે અને સંસાર તરફ સૂગ આવે.
અને આવી કથા કરશો તો જ તમને શાંતિ મળશે.”
વ્યાસજી એ પણ જ્યાં સુધી ભાગવત શાસ્ત્ર ની જ્યાં સુધી રચના ના કરી ત્યાં સુધી તેમને શાંતિ મળી નહિ.
બધાં કર્મ ની આસક્તિ છોડી શકતાં નથી. પરંતુ પ્રભુમા પ્રેમ જાગે-તો ધીરે ધીરે સંસાર નો મોહ-ઓછો થાય છે.
પ્રભુ માં પ્રેમ હોય હોય તો-સંસાર અને પરમાર્થ બંને મા સફળતા મળે છે.
“કળિયુગ માં મનુષ્યોને ઉદ્ધાર-અન્ય કોઈ સાધનો થી થશે નહિ-ફક્ત કૃષ્ણ કિર્તન અને કૃષ્ણ સ્મરણ  થી જ  ઉદ્ધાર થશે.
પરમાત્મા ની લીલાકથાનું વર્ણન આપ અતિ પ્રેમપૂર્વક કરો. આપ તો જ્ઞાની છો. મહારાજ આપને વધુ શું કહું ?
હું મારી જ કથા આપને કહું છું. હું કેવો હતો અને કેવો થયો.”
વ્યાસજી ની ખાતરી માટે નારદજી પોતાનો જ દાખલો આપે છે.પોતાના પૂર્વ જન્મ ની કથા સંભળાવે છે.
કથા શ્રવણ અને સત્સંગ નું ફળ બતાવે છે.
“હું દાસી પુત્ર હતો.મને અચાર વિચાર નું ભાન હતું નહિ.પણ મેં ચાર મહિના કનૈયા ની કથા સાંભળી.મને સત્સંગ થયો.
મારું જીવન સુધારી-દિવ્ય બન્યું અને દાસીપુત્ર માંથી દેવર્ષિ બન્યો. આ પ્રભાવ-સત્સંગ નો છે-કૃષ્ણ કથા નો છે.
આ બધી કૃપા મારા ગુરુની છે. મને કોઈ માન આપે ત્યારે મને મારા ગુરુ યાદ આવે છે.
વ્યાસજી-નારદજી ને કહે છે-કે- તમારા પૂર્વજન્મ ના -ઇતિહાસ ની કથા વિસ્તારથી કહો.
નારદજી કહે છે કે-સાંભળો.
હું સાત-આઠ વર્ષ નો હોઈશ.મારા પિતા નાનપણ માં મરણ પામેલા.તેથી મને મારા પિતા બહુ યાદ નથી.
પણ મારી મા એક બ્રાહ્મણ ના ઘરમાં દાસી તરીકે કામ કરતી હતી. હું દાસી-પુત્ર હતો. હું ભીલ ના બાળકો સાથે રમતો.
મારા પૂર્વ જન્મ ના પુણ્ય નો ઉદય થતાં-અમે જે ગામ માં રહેતા હતા-ત્યાં ફરતા ફરતા કેટલાક ભજનાનંદી સંતો આવ્યા.
ગામ લોકો એ તેમનું સન્માન કર્યું. કહ્યું કે- ચાર મહિના અમારા ગામ માં રહો. તમારા જ્ઞાન-ભક્તિ નો અમને લાભ આપો.
અને સંતો ને કહ્યું-આ બાળકને અમે તમારી સેવામાં સોંપીએ છીએ.તે તમારા વાસણ માંજ્શે-કપડાં ધોશે-પૂજાના ફૂલો લાવશે.
ગરીબ વિધવા નો છોકરો છે. પ્રસાદ પણ તમારી સાથે જ લેશે.
“સાચાં સંત મળવા મુશ્કેલ છે-કદાચ મળે તો એવા સંતો ની સેવા મળવી મુશ્કેલ છે.
મને સંતો ના એકલા દર્શન જ નહિ-પણ સેવા કરવાનો પણ લાભ મળ્યો.
મારા ગુરુ-પ્રભુ ભક્તિ થી રંગાયેલા હતા.સાચા સંત હતા. અમાની હતા-બીજાને માન આપતા હતા.
મને તેમના પ્રત્યે સદભાવ જાગ્યો.એમના સંગ થી મને ભક્તિ નો રંગ લાગ્યો.
ગુરુ એ મારું નામ હરિદાસ રાખ્યું.
ગુરુદેવ પ્રેમ ની મૂર્તિ હતા.સંતો ને સર્વ પ્રત્યે સદભાવ હોય છે,પણ મારા પર ગુરુદેવે વિશિષ્ટ કૃપા કરી.
ગુરુજી જાગે તે પહેલાં હું ઉઠતો.ગુરુજી સેવા કરે ત્યારે ફૂલ-તુલસી હું લઇ આવતો.
મારા ગુરુજી આખો દિવસ વેદાંત ની-બ્રહ્મ-સૂત્ર ની ચર્ચા કરે પણ રોજ રાતે કૃષ્ણ-કથા ,કૃષ્ણ કિર્તન કરે.
કનૈયો તેમને બહુ વહાલો.તેમના ઇષ્ટ દેવ બાલકૃષ્ણ હતા.”
આ ઋષિઓ-સંતો –બાલકૃષ્ણ ની આરાધના કરે છે.બાળક જલ્દી પ્રસન્ન થાય છે. કનૈયા નો કોઈ ભક્ત –તેને બોલાવે તો – લાલો –દોડતો આવે છે.
“મારા નાનપણ થી એક-બે ગુણો હતા.હું વહેલો ઉઠતો.-વહેલો ઉઠનાર –સંતો ને ગમે છે.
હું બહુ ઓછું બોલતો. બહુ બોલનાર-સંતો ને ગમતા નથી.
મારા મા વિનય હતો-ગુરુદેવ પાસે હાથ જોડી હું ઉભો રહેતો.”
“એક દિવસ કથા મા મારા ગુરુદેવ બાલકૃષ્ણ ની બાળ-લીલા નું વર્ણન કરતાં હતા.તે મેં સાંભળી. બાળ-લીલા મા પ્રેમ છે.
નાનાં બાળકો- કનૈયા ને બહુ વહાલા લાગે. શ્રી કૃષ્ણ નો મિત્ર પ્રેમ અલૌકિક છે. મિત્રો માટે એ માખણચોર બન્યા છે.
ચોરી કરી માખણ પોતે ખાધું નથી-મિત્રો ને ખવડાવ્યું છે. ગુરુદેવે બાળ લીલા નું એવું વર્ણન કર્યું –કે મને બહુ  આનંદ થયો.
કથા શ્રવણ થી લાલા- માટે સદભાવ જાગ્યો. મારું-કોળીઓના –બાળકો સાથે રમવાનું છૂટી ગયું. હું રમવાનું ભૂલી ગયો-અને રોજ કથા મા જવા લાગ્યો. શ્રી કૃષ્ણ લીલા મા એવું આકર્ષણ છે. કે જે સાધુ-સન્યાસી ઓના મન ને પણ ખેચી લે છે.”
સંતો ની આંખ શુદ્ધ હોય છે. પવિત્ર હોય છે. સંતો આંખમાં પરમાત્મા ને રાખે છે. તેથી તેમનામાં અલૌકિક શક્તિ હોય છે.
સંત ત્રણ પ્રકારે કૃપા કરે છે.
સંત જેની તરફ વારંવાર કૃપા દ્રષ્ટિ થી નિહાળશે –તેનું જીવન સુધારી જશે.
માળા કરતાં –જેને સંભાળશે-તેનું જીવન ધન્ય  થશે.
પ્રેમ માં જેને ભેટી પડે-તેનું કલ્યાણ થશે.
ગૌરાંગ મહાપ્રભુ ના ચરિત્ર મા કથા આવે છે. તેમને એક એક યવન (અંગ્રેજ)પર કૃપા કરેલી.
વૈષ્ણવો ના કિર્તન થી એક યવન ની નિંદ્રા મા ભંગ થાય. તેથી તે યવન વૈષ્ણવો ને ચાબુક થી મારે છે.
મહાપ્રભુ એ આ સાંભળ્યું. હું આજે ત્યાં કિર્તન કરીશ.’હરિ બોલ-હરિ બોલ’કરતાં ત્યાં ગયા છે.પેલો અધમ જીવ હતો.
તે મહાપ્રભુ ને મારવા ગયો. મહાપ્રભુ તેણે પ્રેમ થી ભેટી પડ્યા. યવન ના જીવન મા પલટો આવ્યો.
સંત જેને પ્રેમ થી ભેટી  પડે છે-તેણે કૃષ્ણ-પ્રેમ નો રંગ લાગે છે.
“મારા ગુરુ મને પ્રેમ થી મને વારંવાર નિહાળે. ગુરુજી કહે-આ છોકરો બહુ ડાહ્યો છે. જાતિ હીન છે પણ કર્મહીન નથી.
એક દિવસ સંતો જમી રહ્યાં પછી-હું તેમના પતરાળાં ઉઠાવતો હતો. મને ભુખ લાગી હતી.
ગુરુજી મને આમ સેવા કરતાં જોઈ રહ્યાં હતા-તેમનું હૃદય પીગળ્યું-મને પૂછ્યું -કે-હરિદાસ ,તેં ભોજન કર્યું કે નહિ?
મેં હાથ જોડી વિવેક થી કહ્યું-કે-હું સંતો ની સેવામાં છું.સેવા કર્યા પછી-ભોજન લઈશ.
ગુરુદેવે આજ્ઞા કરી કે-પતરાળાં માં- મેં જે રાખ્યું છે તે તારા માટે રાખ્યું છે. આ મહાપ્રસાદ છે.
મારા જીવ નું કલ્યાણ થાય તેવી ભાવના થી તેમને પ્રસાદ આપ્યો અને મેં ખાધો.”
શાસ્ત્ર ની મર્યાદા છે-કે-ગુરુજી ની આજ્ઞા વિના –ગુરુજી નું ઉચ્છીષ્ઠ (છોડી દીધેલું) ખાવું નહિ.
આનું (શિષ્ય નુ)કલ્યાણ થાય –એવી ભાવના થી ગુરુ પ્રસાદ આપે ત્યારે તે પ્રસાદ મા દિવ્ય શક્તિ આવે છે.
સંત કલ્યાણ ની ભાવના થી પ્રસાદ આપે તો કલ્યાણ થાય છે.
 સંત નું હૃદય પીગળતાં- તે બોલી ને આપે ત્યારે –તે પ્રસન્ન થયા છે-તેમ સમજવું.
“એક તો બાલકૃષ્ણ નો એ પ્રસાદ હતો-વળી મારા ગુરુજી આરોગેલા એટલે એ મહાપ્રસાદ થયો. મેં પ્રસાદ ગ્રહણ કર્યો.
મારા સર્વ પાપ નાશ પામ્યાં.મારી બુદ્ધિ સુધરી,મને ભક્તિ નો રંગ લાગ્યો. કૃષ્ણ પ્રેમ નો રંગ લાગ્યો.
તે દિવસે હું કિર્તન મા ગયો-તે વખતે મને નવો જ અનુભવ થયો. કિર્તન મા અનેરો આનંદ આવ્યો અને હું નાચવા લાગ્યો.
હું દેહભાન ભૂલી ગયો. ભક્તિ નો રંગ મને તે જ દિવસથી લાગ્યો. ચાર મહિના પછી મને બાલકૃષ્ણ નો અનુભવ થયો.”
સંપત્તિ આપી સુખી કરવા એ સંત નું કામ નથી. સાચા સંતો જયારે કૃપા કરે છે ત્યારે પાપ છોડાવે છે.
સાચા સંત- સંપત્તિ કે સંતતિ આપીને સુખી કરતાં નથી પણ સન્મતિ આપીને સુખી કરે છે.
ભગવત પ્રેમ વધારી- ભગવત પ્રેમ સિદ્ધ કરી આપી-ભક્તિ નો રંગ લગાડી સુખી કરે છે.
સાચા સંત-કૃષ્ણ પ્રેમ ના માર્ગ માં- પ્રભુ પ્રેમ ના માર્ગ માં-વાળે છે.
નારદજી-વ્યાસજી ને પોતાનું આત્મ ચરિત્ર કહી સંભળાવે છે.
“હું ઓછું બોલતો,સેવામાં સાવધાન રહેતો અને વિનય રાખતો. મારા ગુરુદેવે મારા પર ખાસ કૃપા કરી-અને વાસુદેવ-ગાયત્રી નો મંત્ર આપ્યો. (સ્કંધ-૧ -અધ્યાય-૫ –શ્લોક -૩૭ –એ વાસુદેવ-ગાયત્રી મંત્ર છે)
 નમો ભગવતે તુભ્યં વાસુદેવાય ધીમહિ, પ્રધ્યુમ્નાયા નમઃ સંગર્ષણાય ચ.
ચાર મહિના આ પ્રમાણે  મેં ગુરુદેવ ની સેવા કરી. ચાર મહિના પછી ગુરુજી જવાની તૈયારી કરવા લાગ્યા.
ગુરુજી હવે જવાના –તે જાણી મને દુઃખ થયું. ગુરુજી એકાંત મા વિરાજતા હતા.ત્યાં હું ગયો.સાષ્ટાંગ પ્રણામ કરી- મેં ગુરુજી ને કહ્યું કે-મને આપ સાથે લઇ જાવ.મારો ત્યાગ ના કરો. હું આપના  શરણે આવ્યો છુ. હું આપને ત્રાસ નહિ કરું.
મને તમારી સેવા માં સાથે લઇ જાવ. મારી ઉપેક્ષા ન કરો.
મારા ગુરુદેવ મહાજ્ઞાની હતા.પ્રારબ્ધ ના લેખ તે વાંચી શકતા હતા. ગુરુદેવે વિધાતા ના લેખ વાંચી મને કહ્યું.કે- “તું માતાનો ઋણાનુબંધી પુત્ર છે. આ જન્મ માં તારે તેનું ઋણ ચૂકવવાનું છે. માટે મા નો ત્યાગ કરીશ નહિ. તું તારી મા ને છોડી ને આવીશ, તો તારે ઋણ ચૂકવવા –ફરીથી જન્મ લેવો પડશે. તારી મા નો નિસાસો અમને પણ ભજન માં વિક્ષેપ કરશે. માટે તું ઘરમાં રહી પ્રભુનું ભજન કરી શકે છે.”
નારદજી કહે છે-કે- “આપે કથા માં એવું  કહ્યું હતું કે-પ્રભુ ભજન માં જે વિઘ્ન કરે તેનો સંગ છોડી દેવો.
પ્રભુ-ભજન માં જે સાથ આપે-ઈશ્વરના માર્ગ માં આગળ લઇ જાય –તે-જ-સાચાં –સગા સ્નેહી.
ભોગ વિલાસ માં ફસાવે એ સાચા સગાં નથી.શત્રુ છે.
હું કથા સાંભળું-જપ કરું તે મારી મા ને ગમતું નથી. મારી મા ની ઈચ્છા છે-કે મને સારી નોકરી મળે-મારું લગ્ન થાય- મારે સંતાન થાય. સંસારી-માતા પિતા સમજે છે કે-સંસાર મા જ સુખ છે. અને તેમની બસ એવી જ ઈચ્છા હોય છે કે-મારો પુત્ર પરણી ને વંશ-વૃદ્ધિ કરે. તેમને  એવી ઈચ્છા થતી નથી કે-મારો પુત્ર પરમાત્મા માં તન્મય થાય.
અરે-વંશ વૃદ્ધિ તો રસ્તાનાં પશુ ઓ પણ કરે છે. તેનો અર્થ શો ?
મારી મા -ભક્તિ માં વિક્ષેપ કરનારી છે.
સગાઓ તો દેહનાં –સગાં છે. આત્મા નો સંબંધ પરમાત્મા સાથે છે.
આપે કહેલું કે-આત્મ-ધર્મ અને દેહ ધર્મ માં –વિરોધ આવે ત્યારે-દેહધર્મ નો ત્યાગ કરવો.
કૈકેયી એ ભરતજી ને કહેલું-કે તું ગાદી પર બેસ. માની આજ્ઞાનું પાલન કરવું-એ પુત્ર નો ધર્મ છે.
તેમ છતાં ભરત જી એ-માનો તિરસ્કાર કર્યો.પણ ભરતજી ને પાપ ન લાગ્યું.
મા નો સંબંધ શરીર સાથે છે-પણ રામજી નો સંબંધ આત્મા સાથે છે.
પ્રહલાદજી એ પણ પિતાની આજ્ઞા માની નથી.-આવું બધું આપે કથા મા કહ્યું છે.
મારી મા ના સંગ મા રહીશ તો –તે-મારી ભક્તિ મા –ભજન માં –વિક્ષેપ રૂપ  થશે.”      
મીરાં બાઈ ને લોકોએ બહુ ત્રાસ આપ્યો.ત્યારે તે ગભરાયાં. તેમને –તુલસીદાસજી ને પત્ર લખ્યો.કે-હું ત્રણ વર્ષ ની હતી-ત્યારથી ગિરધર ગોપાલ જોડે પરણી છુ. આ સગાં સંબંધી ઓ મને બહુ ત્રાસ આપે છે. મારે હવે શું કરવું?
તુલસીદાસે-ચિત્રકૂટ થી પત્ર લખ્યો છે –કે-કસોટી સોનાની થાય છે.પિત્તળ ની નહિ. તારી આ કસોટી થાય છે.
જેને સીતા રામ –પ્યારાં ન લાગે –જેને રાધા-કૃષ્ણ પ્યારાં ન લાગે-એવો જો સગો ભાઈ હોય તો પણ તેનો સંગ છોડી દેવો.
દુસંગ સર્વથા ત્યજવા યોગ્ય છે.
મીરાંબાઈ  એ આ પત્ર વાંચ્યા પછી-મેવાડ નો ત્યાગ કર્યો  અને વૃંદાવન આવ્યા છે.
(ભક્તિ વધારવા-મીરાબાઈ નુ  ચરિત્ર વાંચવા જેવું છે)
ગુરુજી એ કહ્યું-“તું મા નો ત્યાગ કરે તે મને ઠીક લાગતું નથી. જે મા એ તને તન આપ્યું છે-તે તન થી મા ની સેવા કરજે.
માત-પિતા એ તન આપ્યું છે-ઈશ્વરે મન આપ્યું છે. એટલે તન થી માત-પિતાની સેવા અને મન થી ઈશ્વરની સેવા કરવાની.
ઘરનાં લોકો તન અને ધન માગે છે-ઈશ્વર મન માગે છે. પરમાત્મા ને તન અને ધન ની જરૂર નથી. તે તો લક્ષ્મી-પતિ છે.
વિશ્વ ના સર્જનહાર છે. ઘર માં  રહી તું મા ની સેવા કરજે અને મન થી પ્રભુ ની ભક્તિ કરજે. મા ના આશીર્વાદ મળશે- તો જ તારી ભક્તિ સફળ થશે. 
તમારુ તન જ્યાં છે-ત્યાં તમે નથી પણ જ્યાં તમારું મન છે ત્યાં તમે છો.
ભક્ત – તે છે કે-જે મન થી વૃંદાવન માં રહે છે. “મારા કૃષ્ણ ગાયો લઇ વૃંદાવન માં જાય છે-યમુનાના કિનારે ગાયો ચરાવે છે. મિત્રો સાથે વન માં ભોજન કરે છે, -આ પ્રમાણે- લીલા-વિશિષ્ઠ બ્રહ્મ નુ ધ્યાન કરે છે.”
“બેટા,તન થી તું ઘરમાં રહેજે-પણ મનથી તું ગોકુલ માં રહેજે. બેટા,લાલાંજી, સર્વ જાણે છે.
તારા ભજન માં- મા વિઘ્ન કરશે તો –લાલાજી કૈક લીલા કરશે. ભક્તિ મા વિઘ્ન કરનાર નો ભગવાન નાશ કરે છે.
કદાચ તારી મા ને ઉઠાવી લે. અથવા –તારી મા ની બુદ્ધિ ભગવાન સુધારશે. ઘરમાં રહેજે અને મંત્ર નો જાપ કરજે.
જપ કરવાથી પ્રારબ્ધ ફરે છે. જપ ની ધારા તૂટે નહિ તેનો ખ્યાલ રાખજે”
મેં ગુરુજી ને કહ્યું –આપ જપ કરવાનો કહો છો-પણ હું તો અભણ દાસી-પુત્ર છું. જપ કેમ કરીશ?જપ ની ગણત્રી કેમ કરીશ?
ગુરુજી એ કહ્યું-“જપ કરવાનું કામ તારું છે-જપ ગણવાનું કામ શ્રીકૃષ્ણ કરશે. જપ તું કર અને ગણશે કનૈયો.
જે પ્રેમ થી ભગવાન નુ સ્મરણ કરે તેની પાછળ પાછળ ભગવાન ફરે છે. મારા પ્રભુ ને બીજું કઈ કામ નથી.
જગતની ઉત્પત્તિ-સંહાર- વગેરે નુ કામ –માયા-ને સોંપી દીધું છે.
જપ ની ગણત્રી કરવાની હોય નહિ. જપ ગણશો તો કોઈ ને કહેવાની ઈચ્છા થશે.  થોડા પુણ્ય નો ક્ષય થશે.
૩૨ લાખ જપ થશે-તો વિધાતા નો લેખ પણ ભૂંસાશે. પાપનો વિનાશ થશે.
૩૨ લાખ જપ થશે એટલે તને અનુભવ થશે. મંત્ર થી  જીવ નો ઈશ્વર જોડે સંબંધ થાય છે.
શબ્દ-સંબંધ પહેલાં થાય છે. પછી પ્રત્યક્ષ સંબંધ થાય છે.”
રોજ એવી ભાવના રાખવી-કે-શ્રીકૃષ્ણ મારી સાથે જ છે. શ્રીકૃષ્ણ પ્રેમ નુ સ્વરૂપ છે.
ખાવા બેસો ત્યારે એવી ભાવના કરો કે-કનૈયો જમવા બેઠો છે. સૂઓ-ત્યારે પ્રભુ સાથે સૂતા છે-એવી ભાવના કરો-યોગ સિદ્ધિ થાય નહી -ત્યાં સુધી ભાવના કર્યા કરો.
ગુરુ એ કહ્યું-બેટા,તું બાલકૃષ્ણ નુ ધ્યાન કરજે. બાલકૃષ્ણની માનસી સેવા કરજે. બાલકૃષ્ણ નુ સ્વરૂપ અતિ મનોહર છે.
બાળક ને થોડું આપો તો પણ રાજી થાય છે.
“મારા ગુરુજી મને છોડી ને ગયા.મને ઘણું દુઃખ થયું.”
દુર્જન જયારે મળે ત્યારે દુઃખ આપે છે-સંત જયારે છોડી ને જાય ત્યારે. દુઃખ આપે છે.
ગુરુજી નુ સ્મરણ કરતાં નારદજી રડી પડ્યા.
“સાચાં સદગુરુ ને કોઈ સ્વાર્થ હોતો નથી. મેં નિશ્ચય કર્યો. અને જપ ચાલુ કર્યા. હુ સતત જપ કરતો. જપ કર્યા વગર મને ચેન પડે નહિ. હાલતા-ચાલતાં અને સ્વપ્ન માં પણ જપ કરતો.”
પથારીમાં સૂતા પહેલાં પણ –જપ કરો.  હંમેશાં પ્રેમથી જપ કરો. જપ ની ધારા ન તૂટે.
એક વર્ષ સુધી વાણી થી જપ કરવા. ત્રણ વર્ષ સુધી કંઠ થી  જપ કરવા.ત્રણ વર્ષ પછી મનથી જપ થાય છે.
અને-- પછી અજપા જપ થાય છે.
“મા ને સંસાર સુખ ગમતું હતું, મને કૃષ્ણ ભજન ગમતું હતું. હું કામ મા નુ કરું,પણ મનથી જપ શ્રીકૃષ્ણ નો કરું. બાર વર્ષ સુધી બાર અક્ષર  ના મહા મંત્ર નો જપ  કર્યો. મા ની બુદ્ધિ ભગવાન ફેરવશે-એમ માની મેં કદી સામો જવાબ આપ્યો નથી.
મેં મારી મા નો કોઈ દિવસ- અનાદર કર્યો નહિ.
એક દિવસ મા ગૌશાળા માં – ગઈ હતી ત્યાં તેને સર્પ દંશ થયો. અને મા એ શરીર ત્યાગ કર્યો.
મેં તેના શરીર નો અગ્નિસંસ્કાર કર્યો.
મેં માન્યું-કે મારા ભગવાન નો મારા પર અનુગ્રહ થયો. પ્રભુ એ કૃપા કરી. માતા ના ઋણ માંથી હું
મુક્ત બન્યો. જે કઈ હતું તે બધું – મા ની પાછળ વાપરી નાખ્યું.
મને પ્રભુ મા શ્રદ્ધા હતી.તેથી મેં કઈ પણ સંઘર્યું નહિ.
જન્મ થતાં પહેલાં-જ-માતાના સ્તન માં દૂધ ઉત્પન્ન કરનાર-મારા દયાળુ ભગવાન શું મારું પોષણ નહિ કરે ?
એક વસ્ત્રભેર કપડે મેં ઘર છોડ્યું. મેં કઈ લીધું નહિ. પહેરેલે કપડે મેં ઘર નો ત્યાગ કર્યો”
પશુ- પક્ષી ઓ સંગ્રહ કરતાં નથી-કે ખાવા ની ચિંતા કરતાં નથી. મનુષ્ય ખાવાની ચિંતા બહુ કરે છે.
મનુષ્ય જેટલો સંગ્રહ કરે છે-તેટલો તેને પ્રભુ માં અવિશ્વાસ હોય છે.
જેનું જીવન કેવળ ઈશ્વર માટે છે-તે કદાપિ સંગ્રહ કરતો નથી.
પરમાત્મા અતિ ઉદાર છે.એ તો નાસ્તિક નુ પણ પોષણ કરે છે.
નાસ્તિક કહે છે-કે-હું ઈશ્વર માં માનતો નથી.
માનવ –પરમાત્મા  ની પૃથ્વી પર બેઠો છે-તેમના વાયુ માંથી શ્વાસ લે છે-તેમને બનાવેલું જળ એ પીએ છે-અને છતાં કહે છે કે હું ઈશ્વર માં માનતો નથી !!!
પરંતુ મારા પરમાત્મા કહે છે-કે-બેટા,તું મને માનતો નથી –પણ હું તને માનું છુ.-તેનું શું ?
જીવ અજ્ઞાન માં ઈશ્વર વિષે -ભલે ગમે તે બોલે પણ –લાલાજી કહે છે કે-તું મારો અંશ છું.
એ-તો -ઈશ્વરની કૃપા છે-એટલે લીલા લહેર છે. પણ લાલાજી ની કૃપા ના હોય તો –લાખ ની રાખ થતાં વાર લાગશે નહિ.
આ સંસાર ઈશ્વર ની આંગળી ના ટેરવા પર છે. લાલાજીના આધારે છે. એટલે સુખી છે.
ફટકા પડે છે,શનિ-મહારાજ ની પનોતી બેસે-એટલે ઘણા ભગવાન માં માનવા લાગે છે. હનુમાનજી ને તેલ-સિંદુર ચઢાવવા માંડે છે. આમ ફટકો પડે અને ડાહ્યો થાય તેના કરતાં ફટકો પડે તે પહેલાં સાવધ થાય તેમાં વધુ ડહાપણ છે.
પ્રભુ ને માનવામાં જ કલ્યાણ છે-ના માનવામાં ભયંકર જોખમ છે.
ભલે આપણી જીભ માગે તેટલું-ભગવાન ના આપે-પણ પેટ-માગે એટલું તો બધાને આપે જ છે.
નારદ જી કહે છે-જે ઈશ્વરનો કાયદો પાળતો નથી-ધર્મ ને માનતો નથી-તેવા નાસ્તિક નુ યે- પોષણ જો-ઈશ્વર કરે છે- તો-મારું પોષણ –શું કનૈયો નહિ કરે ? મેં ભીખ માગી નથી.પરંતુ –પ્રભુ કૃપા થી હું કોઈ દિવસ ભૂખ્યો રહ્યો નથી.
ભગવતસ્મરણ કરતો હું ફરતો હતો.બાર વર્ષ સુધી મેં અનેક તીર્થો માં ભ્રમણ કર્યું. તે પછી ફરતો ફરતો ગંગા કિનારે આવ્યો.
ગંગા સ્નાન કર્યું. પછી-પીપળાના ઝાડ નીચે બેસી-હું જપ કરતો હતો. જપ –ધ્યાન સાથે કરતો હતો.
ગુરુદેવે કહ્યું હતું-કે ખુબ જપ કરજે.મેં જપ કદી નથી છોડ્યા.(પ્રભુ દર્શન આપે તો પણ જપ છોડશો નહિ).
ગંગા કિનારે બાર વર્ષ રહ્યો. ચોવીસ વર્ષ થી ભાવના કરતો હતો કે કનૈયો મારી સાથે છે.
કદાચ મારા પૂર્વ જન્મ ના પાપ ઘણા હશે-તેથી પ્રભુના દર્શન થતાં નથી-એમ હું વિચારતો.
આમ છતાં શ્રદ્ધા હતી કે-એક દિવસ તે જરૂર દર્શન આપશે. મારા બાલકૃષ્ણ ના મારે પ્રત્યક્ષ –દર્શન કરવા હતા.
મારા લાલાજી સાથે મારે કેટલીક ખાનગી વાતો કરવી હતી. સુખ-દુઃખ ની વાતો કરવી હતી.
પ્રત્યેક પળે-વિનવણી કરતો રહેતો -“નાથ,મારી લાયકાત નો વિચાર ન કરો. તમારા પતિત-ઉદ્ધારક ના બિરુદ ને યાદ કરો.”
મને થતું-કે-શ્રીકૃષ્ણ ક્યારે મને અપનાવશે ?ક્યારે મને મળશે ?
મને શ્રી કૃષ્ણ દર્શન ની તીવ્ર લાલસા જાગી  અને કૃષ્ણ દર્શન ની તીવ્ર આતુરતા થઇ હતી.
નારદજી કહે છે –સતત હું વિચારતો-મારા શ્રીકૃષ્ણ ની ઝાંખી થાય તો કેવું સારું ? અને લાલા એ કૃપા કરી ખરી!!
એક દિવસ ધ્યાન માં મને સુંદર નીલો પ્રકાશ દેખાયો. પ્રકાશ ને નિહાળી ને હું જપ કરતો હતો.
ત્યાં જ –પ્રકાશમાં થી બાલકૃષ્ણ નુ સ્વરૂપ પ્રગટ થયું.
મને બાલ કૃષ્ણ લાલ ના સ્વરૂપ ની ઝાંખી થઇ -- 
પીળું પીતાંબર પહેર્યું છે. કેડ પર કંદોરો છે. આંખમાં મેંશ આંજી  છે.કાન માં કુંડલ પહેર્યા છે.મસ્તક પર મોરપીંછ છે.
મારા કૃષ્ણે કસ્તુરી નુ તિલક કર્યું છે. વક્ષસ્થળ માં કૌસ્તુભમાળા ધારણ કરેલી છે. નાક માં મોતી, હાથ માં વાંસળી છે.
અને આંખો-પ્રેમ થી ભરેલી છે.
મને જે આનંદ થયો તેનું વર્ણન કરવાની શક્તિ-સરસ્વતી માં પણ નથી.
હું દોડ્યો-કૃષ્ણ ચરણ માં વંદન કરવા-પણ-
હું જ્યાં વંદન કરવા ગયો-ત્યાં લાલાજી –અંતર્ધ્યાન થયા.
મને અચરજ અને ખેદ થયો  કે –મારા લાલાજી મને છોડીને કેમ ચાલ્યા ગયા ?
ત્યાં આકાશવાણી એ મને આજ્ઞા કરી-કે-“તારા મન માં સૂક્ષ્મ વાસના હજુ રહેલી છે. જેના મન માં સૂક્ષ્મ વાસના રહેલી છે-તેવા યોગી ને હું દર્શન આપતો નથી. આ જન્મ માં તો તને મારા દર્શન થશે નહિ. આમ તો તારી ભક્તિ થી હું પ્રસન્ન થયેલો છું-તારા પ્રેમ ને પુષ્ટ કરવા-તારી ભક્તિ ને દ્રઢ કરવા-મેં તને દર્શન આપ્યા છે. પણ તારે હજુ એક જનમ વધારે લેવો પડશે. તું આ જન્મ માં સાધના કર-બીજા જન્મ માં તને મારા દર્શન થશે.
સતત ભક્તિ કરજે-દ્રષ્ટિ અને મન ને –સુધારી-સતત –વિચાર કે-હું તારી સાથે છુ. જીવન ના છેલ્લા શ્વાસ સુધી જપ કરવાનો.”
ભજન વિનાનું ભોજન –એ પાપ છે. સત્કર્મ ની સમાપ્તિ  હોય નહિ. જે દિવસે જીવન ની સમાપ્તિ-તે દિવસે સત્કર્મની સમાપ્તિ.
 જપ ની પૂર્ણાહુતિ ના હોય.
કોઈ સંતને એક ભાઈ મળેલા-અને કહે-મારા સવા લક્ષ જપ પુરા થયા છે-મારે હવે પૂર્ણાહુતિ કરવી છે.મને વિધિ બતાવો.
સંતે કહ્યું કે-દાળભાત ની પૂર્ણાહુતિ કરીને આવજે પછી તને પૂર્ણાહુતિ ની વિધિ કહીશ.
અરે..ભોજન ની પૂર્ણાહુતિ  નહિ તો ભજન ની પૂર્ણાહુતિ કેમ થાય ?
“પછી હું ગંગા કિનારે રહ્યો.મરતા પહેલાં –મને અનુભવ થવા લાગ્યો. આ શરીર થી હું જુદો છું.જડ ચેતન ની ગ્રંથી છૂટી ગઈ.”
જડ અને ચેતન ની-શરીર અને આત્મા ની જે ગાંઠ પડી છે-તે ગાંઠ-ભક્તિ વગર છૂટતી નથી.
જડ શરીર થી ચેતન આત્મા જુદો છે-એ સર્વ જાણે છે-પણ અનુભવે કોણ ? જ્ઞાન નો અનુભવ ભક્તિ થી થાય છે.
તુકારામ મહારાજે કહ્યું છે કે-મેં મારી આંખે મારું મરણ જોયું.મારા આત્મ સ્વરૂપ ને નિહાળ્યું.
મન ઈશ્વર માં હોય-અને ઈશ્વર સ્મરણ કરતાં શરીર છૂટી જાય-તો મુક્તિ મળે છે.
મન ને ઈશ્વર નુ સ્મરણ સતત કરાવવા-જપ-વગર અન્ય કોઈ સાધન નથી.
જીભ થી જપ કરો-ત્યારે મન થી સ્મરણ કરવું જોઈએ.
આખું જીવન જેની પાછળ ગયું હશે તે જ અંતકાળે યાદ આવશે. અંત કાળે મોટે ભાગે જીવ-હાય હાય કરતો જાય છે.
“અંત કાળ સુધી મારો જપ ચાલુ હતો. અંત કાળ માં રાધા-કૃષ્ણ નુ ચિંતન કરતાં-મેં શરીર નો ત્યાગ કર્યો. મારું મૃત્યુ મેં પ્રત્યક્ષ જોયું. મને-મૃત્યુ નુ જરા પણ કષ્ટ થયું નહિ “
માખણ માંથી વાળ કાઢતા બિલકુલ ત્રાસ થતો નથી. સંતો ને શરીર છોડતા બિલકુલ દુઃખ થતું નથી.
પણ સુકાયેલા માટીના ગોળામાં વાળ ફસાયેલો હોય-તો તેને કાઢતાં –જેવી દુર્દશા થાય- તેવી –દુર્દશા –સંસારી જીવ જયારે  શરીર છોડે ત્યારે થાય છે. યમરાજા –તેને ત્રાસ આપતા નથી-ઘરની મમતા તેને ત્રાસ આપે છે. શરીર છોડવું તેને ગમતું નથી.
“તે પછી હું બ્રહ્માજી ને ત્યાં જન્મ્યો. પૂર્વ જન્મ ના કર્મો નુ ફળ-આ જન્મ માં મને મળ્યું. મારું નામ નારદ રાખવામાં આવ્યું.
પૂર્વ જન્મ માં કરેલા ભજન થી મારું મન સ્થિર થયું છે. પૂર્વ જન્મ માં મારે મન સાથે બહુ ઝગડો કરવો પડ્યો હતો.
મન ને સમજાવું પણ તે માને નહિ.
ભક્તિ કરવી પણ સહેલી નથી.મન ને વિષયો માંથી હટાવીને-તેને પ્રભુ માં લગાડવાનું હોય છે.
હવે મન ને સમજાવવાની જરૂર પડતી નથી. હવે મારું મન સંસાર તરફ જતું નથી. હવે તો આંખ બંધ  કરું છું ત્યાં- અનાયાસે શ્રીકૃષ્ણ ના દર્શન થાય છે. હવે હું સતત પરમાત્મા ના દર્શન કરું છુ.
એકવાર ફરતો ફરતો –હું ગોલોક ધામ માં ગયો.ત્યાં રાધા-કૃષ્ણ ના દર્શન થયા. હું કિર્તન માં તન્મય હતો.
પ્રસન્ન થઈને રાધાજી એ મારા માટે-પ્રભુ ને ભલામણ કરી-કે –નારદ ને પ્રસાદ આપો. “
વ્યાસજી એ પૂછ્યું-ભગવાને તમને પ્રસાદ માં શું આપ્યું ?
નારદજી કહે છે કે- શ્રી કૃષ્ણે મને પ્રસાદ માં –આ તંબુરો(વીણા) આપ્યો.
અને મને કહ્યું-“કૃષ્ણ કિર્તન કરતો કરતો જગત માં ભ્રમણ કરજે-અને મારા થી વિખુટા પડેલા અધિકારી જીવ ને મારી પાસે લાવજે. સંસાર પ્રવાહ માં તણાતા જીવો ને મારી તરફ લઇ આવજે.”

No comments: